સ્મરણની શેરીમાંથી…..૨૧

                           (૨૧)

સ્મૃતિની જેમ સમયનું વિસ્મય પણ ખરેખર અદભૂત છે. સ્મરણોની શેરીમાં રખડતા,આખડતા,ખૂંદતા કંઈ કેટલીયે ઊંડી ખીણોમાં ઉતરી જવાય છે. તેમાંથી માંડ વર્તમાનની સમતળ ભૂમિ પર આવીએ આવીએ ત્યાં સુધીમાં તો ક્ષણમાત્રમાં, એક ક્ષણ પહેલાંની ક્ષણ, ભૂતકાળ બની જાય છે! યુગના પર્વતપર જઈ ઠલવાય છે. તે કેવી સ્થિતિ? ક્યાં છે વર્તમાન?!! બધો યે ભૂતકાળ થઈ જાય છે અને છતાં પ્રત્યેક ક્ષણ આવતીકાલની ચિંતામાં ખેંચાઈ જાય છે! શું છે બધુ? શેને માટે છે? સવાલોની સતત ઉઠતી રહેતી પરંપરા અટકવાની ખરી? ના, ક્યારેય નહિ. કારણ કે, સવાલો જીવન છે, બધા વિરોધાભાસ પણ જીવન છે. અને આવું જીવન જેમાં ઝીલાઈને રહે છે; તે છે સ્મરણો. તેથી સ્મરણો મહામૂલા છે, અમોલા છે.

વિરોધાભાસની વાત લખું છું ત્યારે વળી પાછો એક પ્રસંગ સાંભરે છે. હું ખૂબ નાની હતી ત્યારથી જ આપણી પૌરાણિક વાર્તાઓ વાંચુ કે વડિલો/શિક્ષકો વગેરે પાસેથી સાંભળું ત્યારે હંમેશા મનમાં ઘણા સવાલો ઉદભવે. પણ કુમળું મન જાત સાથે જ કંઈક સમાધાન કરી લે. આવું તે કંઈ પૂછાય તેવી થોડી ભીરુતા પણ ખરી જ. મને હમેશા એમ થાય કે, કુંતીએ મંત્રનો ઉપયોગ કર્યો અને કર્ણનો જન્મ થયો એ વાત સાચી માની જ કેવી રીતે લેવાય? બીજું, ધારો કે ઘડીભર માની પણ લઈએ તો કુંતીએ એ વાત છુપાવી કેમ? એક જ વાર હિંમત કરીને કહી દીધું હોત તો કેટકેટલાં અનર્થો અટકાવી શકાત? એ જ રીતે, ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો માંગ્યો એ વાત ક્યારે ય મને જચતી ન હતી.પછી તો એ વાતને વર્ષો વીત્યા. અને એ કુતૂહલતા લગભગ દબાઈ ગઇ હતી. તેવામાં પૌત્રીને વાર્તાઓ કહેવામાં એ જ વાર્તા સળવળીને નજર સામે આવી. જેમ જેમ હું કહેતી ગઈ તેમ તેમ એના ચહેરાની રેખાઓમાં આશ્ચર્ય અને આંખોમાં પ્રશ્નાર્થ ડોકાતા ગયા. છેવટે એ બોલી જ ઉઠી. બાપરે! શિક્ષક થઈને વિદ્યાર્થીનો અંગૂઠો માંગ્યો? ના…ના.. આ તો બરાબર ના કર્યુ કહેવાય. That is not fair…

 ઘડીભર હું આનંદ અને આશ્ચર્ય વચ્ચે સ્તબ્ધ થઈ ગઈ. આનંદ એ વાતનો કે  આજે  સાચું અને ખોટુંવચ્ચેનો તફાવત સ્પષ્ટ છે અને આશ્ચર્ય એ વાતનું કે, વર્ષો પહેલાંનો સવાલ આજે ફરીથી મારા જ લોહીમાં દોહરાય છે અને જવાબ ??? નૈતિક મૂલ્યોની પરંપરા આજે પણ કોયડો બની રહી છે.

આવી તો કંઈ કેટલીય વાતો આપણા પુરાણોમાં છે. ભગવાન થઈને નાની વાતમાં કોઈનું માથું કાપી નાંખે?-એવો પ્રશ્ન એક બાળક કરે ત્યારે કેવું લાગે?. એકલા પુત્રનું જ નહીં હાથીની ય હત્યા કરી. અત્યારના યુગમાં આ વાર્તા સાંભળતો બુધ્ધિશાળી બાળક તરત જ કહે કે, ગણપતિનું માથું તો તાજું ત્યાં  જપડ્યું હતું તે ન ચોંટાડતાં, એક હાથીની હત્યા કરવાની શી જરુર હતી?

આમાંથી સમજવાની વાત તો છે કે કાલ્પનિક વાર્તાઓ હોય કે, સાચાં સ્મરણો હોય, તેનો દસ્તાવેજી ઈતિહાસ પણ, એક એવું સાહિત્ય છે કે જેમાંથી વિરોધાભાસની વચ્ચેથી પણ સારાસારનો વિવેક સમજવા મળે છે, તેની વચ્ચે પણ જીવંત રહેવાનું શીખવા મળે છે.

બધા સંસ્મરણો લખ્યા પછી ટૂંકમાં કહેવું હોય તો જન્મ ગુજરાતના એક ગામડામાં, ઉછેર, લગ્ન અને બે દિકરાઓના જન્મ અમદાવાદમાં  અને તે પછી પરિવાર સાથે વસવાટ અમેરિકામાં. આમ તો આટલી અમસ્તી વાત. પણ આટલી અમથી વાતની પાછળ ઘણાં પરિબળો, અસંખ્ય ઘટનાઓ, અનેક સંજોગો, વિવિધ સ્થાનો, અલગ અલગ દેશી અને વિદેશી વ્યક્તિઓ. આ લખું છું ત્યારે ઝુંપડીની પોળના ભોળાભાઈ અને રણછોડકાકા જેવાં પડોશીઓથી માંડીને હ્યુસ્ટનના એડવર્ડ વોલ્શ,એના કે નેલ્સ અને જેનીફર જેવા નેબર સુધીના તમામ માણસો સ્મૃતિમાંથી સરે છે. તો સાથે સાથે પ્રભૂતાબહેન,યશોધરાબહેન વગેરેથી માંડીને મિસ રોબર્ટ્સન,મિસ સીયેરા અને મિસ ફીમસ્ટર વગેરે શિક્ષકોના ચહેરા પણ તરવરે છે. ભારત,અમેરિકા,હોંગકોંગ,સિંગાપોર,કેમ્બ્રીજ વગેરેના રસ્તાઓ પણ દેખાય છે. પ્રસંગો અને ઘટનાઓના હરણટોળાં ફરીથી એકવાર ચારેબાજુથી મનોકાશમાં દોડાદોડ કરી રહ્યા છેજાણે કોઈ ગીચ ઝાડીમાંથી ઊડી આવતા તીડના ટોળાંઓ ! તો ક્યારેક જાણે નજર સામે ફરફરતાં મનગમતાં પતંગિયાઓ !!

થોડા દિવસો પહેલાં જ વર્ષો જૂના કાગળિયાં હાથ લાગ્યાં. ફરીથી ફીંદવાનું મન થયું. લગભગ ૪૦ વર્ષ પહેલાં ભારતમાં છોડેલાં સ્વજનો અને મિત્રોની મોંઘી મિરાત હતી . સાચવીને રાખેલાં, મિત્રોના જૂનાં પત્રો વાંચતી ગઈ,વાંચતી ગઈ ને પછી તો વાંચતી રહી. વિદેશની ધરતીની શરુઆતની અવનવી વાતો, મથામણો,મૂંઝવણો અંગેની મારી નુભૂતિઓના મળેલાં પ્રતિપત્રોકેટકેટલું ભર્યું હતું એમાં કે જેણે આજે પણ હ્રદયને હલાવી, વલોવીને ઉલેચી નાંખ્યું ! મનમસ્તિષ્ક પર જબરદસ્ત રીતે ચોંટી ગયેલી સ્મરણીય યાદો આંગળીઓ પર વળગીને શબ્દ બની ઠલવાતી ચાલી..

આમ તો અનુભવ સૌનો હશે …હોય જ..

આંગળીઓના ટેરવેથી કેટકેટલું ઝર્યું હશે ?
ને હૈયાના હોજમાંથી ત્યારે કેટકેટલું સર્યું હશે?
સમયના પડ,બની થડ,જામી જાય છે મૂળ પર
પણ પાંદડીઓ વચ્ચે પતંગિયા જેવું કૈંક ફરફર્યું હશે.
અંતરની એરણ પર ધસમસતા અતીત પૈડે,
જરૂર જોજનો સુધી, ખેતરોના ખેતરને ચાતર્યું હશે.
દિલના હાર્મોનિયમ પર યાદોની સારેગમપધનીસા,
અવશ્ય ક્યાંક, કોઈક અલૌકિક સંગીત અવતર્યું હશે .

આમ જોઈએ તો જાણેઅજાણે આ બધી સ્વયંની જ શોધ નથી શું? અને આ સ્વયંની શોધ પાછળની મથામણના મૂળ પણ એક વીજઝબકાર જેવું રહસ્યમય નથી શું? 

જે હોય તે.. પણ મનમાં ભરીને જીવવું, એના કરતાં, મન ભરીને જીવવું..! એજ  સાચુ જીવન છે. 

જીવન અને સાહિત્ય વિષે પુસ્તકો ભરીને વિગતવાર અર્થો ઠેકઠેકાણે અપાયાં છે. પણ હું મારા આજ સુધીના વ્યવહાર જગતના જુદા જુદા અનુભવો પછી ખુબ સ્પષ્ટપણે અને પ્રામાણિકપણે હંમેશા એમ માનતી અને કહેતી આવી છું કે સાહિત્ય બીજું કંઈ નથી પણ જીવાતું જીવન છે અને જોવાતું જગત છે. અહીં શિખરની ટોચ છે, અને તળેટી પણ અહીં જ છે. અહીં  જ વસંત છે અને પાનખર પણ છે જ. અહીં માનવસંબંધોના સૂરીલા સૂર છે તો વાસણોના ખખડાટ પણ છે. હાથમાં લીધેલાં સુંદર ગુલાબના ફૂલમાં કુમાશ પણ છે અને કાંટા પણ સાથે છે. એક એક વ્યક્તિ અલગ છે. સરવાળાબાદબાકી બધામાં છે અને બધે છે. ઈશ્વર પણ ક્યાં પર્ફેક્ટ લાગે છે? નહિ તો માત્ર સુખ અને સુખ સર્જ્યું હોત ?

જીવનમાં ઘણીવાર ન ધારેલું બની જતું હોય છે. જો ઉભી થયેલી નવી પરિસ્થિતિઓ વિશે રડ્યા જ કરીએ તો કંઈ જ થઈ ન શકે.. પણ દુઃખનું પક્ષી માથા પર આવી બેસે તો એને માળો બાંધવા ન દેવાય. સિફતપૂર્વક અને શાંતિથી એને ઉડાડી મૂકાય. જીંદગીમાં એકલા ઝઝુમીએ તો જ નવા રસ્તા દેખાય છે, તો જ ચાલવાની હિંમત વધે છે અને આનંદ પણ ખરો જ. પોઝીટીવ વિચારતા રહેવાથી બધું સારું જ થાય છે.. વિચારો સારા તેના આચાર આપમેળે સારા અને જેના આચાર સારા એનું જીવન સારું.

નવા યુગના GPS (Global Positioning System) જેવો અતિ સરળ રાહ સૌને મળે, આ સફરને સુંદર અને સફળ બનાવે અને અંતિમ મુકામ સુધી સરળતાથી પહોંચાડે તો ‘વિશ્વશાંતિ’ નું સ્વપ્ન સાકાર બને.

અંતે, અકળ એવી સૃષ્ટિમાંથી થતાં અગમ્ય ચમકારા જેવી આ, મારી અનુભૂતિઓ છે અને એના અહેસાસની ઝલક છે, સ્મરણની શેરીમાં રખડતા રખડતા જડેલી જડીબુટ્ટી છે. કહો કે, દરિયાની રેતીમાં વેરાયેલા છીપ છે,જેનું આમ તો મૂલ્ય કશું જ નહિ, છતાંય ખૂબ અમૂલ્ય!

અને છેલ્લે આ સ્મરણોને પંપાળીને સજાવતી, સમજાવતી અને સ્નેહપૂર્વક સ્વીકારતી કલમની શક્તિ થકી સૌને વંદન…એને જ હાથમાં લઈને કહું છું કે,  “લો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે…


અહીં નીચેના પિક્ચર ઉપર ક્લીક કરી સાંભળો…

10 thoughts on “સ્મરણની શેરીમાંથી…..૨૧

  1. ખુબજ સુંદર! મઝા પડી ગઈ!!..બાળકી પાસે પ્રશ્ન કરાવી અમારી આટલા વર્ષોની વાત અહિ લાવ્યા એ ગમ્યું! એવીજ રીતે મંદિરોમાં ખાસકરીને પરદેશોમાં જે સભાઓમાં સાંભળવા મળે છે એ અંગે ભાવિ બાળકો પ્રશ્ન કરશે તો એનો ઉત્તર એમને મળશે?

    Liked by 1 person

  2. ‘મહિલાઓ આશ્ચર્યજનક છે. એવું વર્તન કરે છે કે જાણે બધું સારું છે. એવા સમયે પણ કે જ્યારે દુનિયા તેમના ખભા પર હોય અને જીવન આંગળીઓના ટેરવેથી સરકી જતું હોય.’ – મહાત્મા ગાંધી
    સમય ! મેં આંગળીઓના ટેરવેથી સ્પર્શી જોયેલી. એકદમ કોમળ. અને પછી એણે આસપાસ છુપાયેલા ‘સમય’ને તપાસી લીધો. એને ડર નહોતો કશાનો પણ મારી ફિકર હતી. એ ફિકર કે મને સમય ડંખી લેશે તો? સમયનો આ પહાડ એકાએક તૂટી પડશે તો? એક ઊંચા ખડક પર બેસેલો. નીચે દરિયો ફંગોળાઈ રહ્યો છે અને સૂરજ આથમી રહ્યો છે. અંધારાને ચુમવા બેબાકળું બની રહેલું આખરી અજવાળું એ ખડક પર બેસેલા સમયને જોઈ રહ્યું છે. પૂછી રહ્યું છે કે હું સવારે પાછું આવીશ

    Liked by 1 person

  3. Emails feedback: sharing with Thanks

    Kamlesh Lulla
    To:Devika Dhruva
    Jun 27
    Very touching and wonderful description of creativity and process of poetry creation.
    Thank you.
    ********************************************************************
    Dinesh Shah
    To:Devika Dhruva
    Jun 27
    દેવિકાબેન:
    વાહ..તમારી કલમે અને કલ્પનાએ કમાલ કરી. તેમાંય આધુનિક ટેકનોલોજીને સમાવીને સોનામાં સુગંધ સર્જાવી.”દરિયાને થાય…..”દરિયાની ગાથાને ગીતમાં ગુંથીને, આપે ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું.
    ઈમૈલ મોકલવા બદલ ખુબ આભાર.
    With kind regards,
    Dinesh Shah
    Dinesh Shah MBA, PE, RAS, PTC, REALTOR
    ********************************************************************
    sahitya vimarsh
    To:Devika Dhruva
    Jun 26
    Superb

    OM COMUNICATION
    MANISH PATHAK
    9825046684
    *******************************************************************
    Vinod Patel
    To:Devika Dhruva
    Jun 26
    Cool new vision!
    **************************************************************
    Akbar Habib
    To:Devika Dhruva
    Jun 26
    અતી સુંદર………
    ************************************************************

    Like

    • બેના,
      સ્મરણની શેરીમાંથી…..૨૦ તથા ૨૧ વાંચી ને નાના બાળક ની જેમ કહું તો ખૂબજ મજા પડી ગયી.
      ગુજરાતી ભાષા ના ઉચ્ચતમ પારિતોષિકો આપ પામો એજ અભ્યર્થના. ઇશ્વર આ પામવા આપને સુંદર અને નવીનતમ કલ્પનાઓ આપે એવી પ્રાર્થના.
      આપનો ભાઇ..કીર્તિ
      ( રક્ષા બંધન ના દિને જરૂર થી યાદ કરજો )

      Like

  4. તમારી શૈલીનાં વખાણ કરીશ તો એ પુનરાવર્તન થશે. કલમને કરતાલે ગીત શબ્દરૂપે અને સંગીતરૂપે બહુ ગમ્યું. પણ સૌથી વધારે ગમ્યું તે આઃ ભગવાન થઈને નાની વાતમાં કોઈનું માથું કાપી નાંખે?-એવો પ્રશ્ન એક બાળક કરે ત્યારે કેવું લાગે?. એકલા પુત્રનું જ નહીં હાથીની ય હત્યા કરી. અત્યારના યુગમાં આ વાર્તા સાંભળતો બુધ્ધિશાળી બાળક તરત જ કહે કે, ‘ગણપતિનું માથું તો તાજું ત્યાં જપડ્યું હતું તે ન ચોંટાડતાં, એક હાથીની હત્યા કરવાની શી જરુર હતી?
    મને પોતાને આવો વિચાર કદી આવ્યો જ નહીં? મેં પણ હદ કરી! હવે એનો યથાયોગ્ય ઉપયોગ કરવાની અનુમતિ માગું છું. તમને ક્રેડિટ જરૂર આપીશ.

    Liked by 1 person

    • દીપકભાઈ, તમને ગમ્યું તેનો આનંદ.

      ખરેખર, પુરાણોની વાર્તાઓમાંથી તો આવા કેટલા બધા પ્રશ્નો ઊઠે છે? છોકરાઓને વાર્તા કહેતા કહેતા,આજના બાળકની બુધ્ધિશક્તિ વિશે વિચારીને, અટકી જવું પડે એમ બને છે. કર્ણને સતત થતા રહેલા અન્યાય વિશે પણ એમ જ છે ને? અને એવી તો કેટલી વાતો?

      અનુમતિ તો માંગવાની હોય જ નહિ ને? આ તો બધા વિચારો છે…ખુશીથી ઉપયોગ કરી શકો છો.

      Like

  5. અકળ એવી સૃષ્ટિમાંથી થતાં અગમ્ય ચમકારા જેવી, તમારી અનુભૂતિઓ અને એના અહેસાસની ઝલક પણ કાવ્યમય જ રહી.
    સ્મરણની શેરીમાં ફરતા ફરતાં જે જડીબુટ્ટી જડી એ ય સંજીવની જેવી જ અસર કરી ગઈ ને? એટલે જ તો કાવ્યોમાં ય આટલું પ્રાણતત્વ સર્યુ હશે ને?

    આપણા પુરાણોની વાતોને લઈને બાળકનું વિસ્મય હજુ આજે ય અકબંધ જ છે અને રહેશે કારણ આ પેઢીને જવાબો જોઈએ છે અને તે પણ એમની બુદ્ધિમાં ઉતરે એવા.

    સ્મરણની શેરીની સફર ખરેખર ખુબ મઝાની રહી..
    જે તમે મેળવ્યું- મમળાવ્યું, એ અમે માણ્યું .

    Liked by 1 person

  6. દેશમાં હતાં ત્યારે નાના હતાં અને ત્યારે આજના જમાના જેવું બહુ ભણતર નહોતું અને, એટલે બહુ curiocity વિસ્મયતા હતી પણ પછી જવાબ ન મલે એટલે ભુલી જવાતું. આજે નાના બાળકો તો શું મોટાઓને પણ આવા પ્ર્ષ્નો આવેજ છે પણ તેનો કોઈ ઉત્તર નથી મલતો.

    બહુ સરસ પ્રર્સંગો વર્ણવ્યા છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s