સંગ્રહ

એવું કોઈ ઘર હોય?

એવું કોઈ ઘર હોય?

‘ઘ’ ને કંઈ નહીં  ‘ઘ’
અને ‘ર’ ને કંઈ નહીં ‘ર’
પણ ઘરને ‘કંઈ જ નહીં’, એવું  તે કોઈ હોય ઘર?

ઘટ મળે, ઘટના બને, 
ઘટમાળની ઘમસાણ ચગે, તે છતાં
રસલહાણ વહે, એવું બધું જ્યાં જ્યાં મળે, ત્યાં હોય  ઘર.
ઘરને ‘કંઈ જ નહીં’, એવું  તે કોઈ હોય ઘર?

રંગો નવા નિત્યે મળે,
રડવું -હસવું બેય બને, રોજનો રઘવાટ રહે,
કાનો-માત્ર, રસ્વ,દીર્ઘ, પ્રશ્ન -આશ્ચર્ય 
‘આ,ઈ,ઊ’ની રમખાણ મચે ને તે છતાં,

રુદિયે રેશમ ભાવ મળે, એવી બારાખડી
જ્યાં જ્યાં મળે ત્યાં હોય ઘર.

ઘરને ‘કંઈ જ નહીં’, એવું  તે કોઈ હોય ઘર?
ઘરમાં જ વિશ્વ મળે ને વિશ્વ આખુંયે લાગે ઘર
બસ, સુસજ્જ માળા જેવું હૂંફાળું હોય ઘર!!
ઘરને ‘કંઈ જ નહીં’, એવું  તે કોઈ હોય ઘર?

પોષીપૂનમનો ચાંદ.

પોષીપૂનમનો ચાંદ.

કેટલો સ્વતંત્ર છે!

સ્વતંત્ર છે?!

વિશાળ આકાશમાં ફરે છે.

પણ એનેય રૂપ, કદ, તેજ અને આકાર

બદલવાં પડે છે.

લાગે છે બિન્દાસ

પણ નિયતિનાં બંધન એને પણ છે જ.

ઊગવું અને આથમવું.

વાદળો વચાળે ઘેરાવું, તરવું,

તોયે પ્રકાશિત રહેવું.

ધરાને નીરખતાં રહેવું.

પ્રેમથી તેજ ફેલાવતા રહેવું.
શું હશે આ ગુલાબી કળાનું રહસ્ય?

 કદાચ મુક્ત બંધન.

નિરંતર ગાન..

The Song of Life: Dr.Shrenik Shah

 Mechanical hiking is going on in Bear Mountains.

 Feet are robotically moving on the bed of rustling leaves.

Hiking sticks are being propelled reflexively.

 Suddenly I notice.

The mind is caught up in flimsy, nonspecific events.

Mind is defiant. “Why should I disappear?”

 “ What else is so interesting?”

I stop the body and the mind.

I look around.

Gentle crisp autumn sunlight is

 filtering through the tall pine trees.

Wind and swirling leaves are

 playing with each other as best friends

 and then gently laying them

 on the forest floor.

Ripe acorns are dropping.

Occasional woodpecker with hungry stomach is

 pecking on dead trees.

 Flock of Bluejays are chirping,

in pure jungle air.

And the mind was saying,

just a moment ago –

“What else is so interesting?”

 I know why.

Because, in these quiet moments of NOW,

 the mind loses its existence.

 Godliness is doing everything.

 Mind is redundant in NOW.

Dropping the mind, I choose Him

 and joyously join the song of life.

ભાવાનુવાદઃ દેવિકા ધ્રુવ

નિરંતર ગાનઃ

‘બૅર માઉન્ટન’ પર

અવિરત ચાલી રહી છે,

જિંદગીની પદયાત્રા.

ખરતાં પાંદડાંઓનાં ગાલીચા પર,

યંત્રવત પગ ચાલી રહ્યા છે.

‘હાઇકિંગ’ લાકડીઓ આપમેળે

આગળ ધકેલાઈ રહી છે..

અચાનક તણખો સ્ફૂર્યો.

મન સ્વચ્છંદી છે, સ્વૈરવિહારી છે.

એ તુચ્છ, અર્થહીન ઘટનાઓમાં ખેંચાઈ જાય છે..

મનથી પર થઈ શકાય?

તો?

એનાથી વધારે રસપ્રદ બીજું શું હોઈ શકે?”

શરીર અને મનને અવગણી

નજર આસપાસ ફરે છે.

પાનખરનું ચેતનવંતું તેજ

ઊંચા પાઈન વૃક્ષોમાંથી ચળાઈ રહ્યું છે..

પવન અને લહેરાતાં પાંદડાં

મઝાનાં મિત્રોની જેમ

એકબીજા સાથે રમી રહ્યાં છે

અને પછી હળવેથી પાનને

વનશૈયા પર સૂવાડી દે છે.

પાકેલા ‘ઍકૉર્ન’ ખરતા જાય છે.

ભૂખ્યો લક્કડખોદ

મરેલા ઝાડને વળગી રહ્યો છે.

જંગલની શુદ્ધ હવામાં

 કિલકિલાટ કરતું ‘બ્લુજેઝ’નું ટોળું.

આનાથી વધારે રસપ્રદ બીજું શું હોઈ શકે?”

સવાલ પર સવાલ. કેમ?

કેમ કે, આ શાંત નીરવ ક્ષણોમાં

મન ઓગળી જાય છે કોઈ દિવ્યતામાં

એ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે.

દિવ્યતા બધું જ કરી રહી છે.

મનને વિલીન કરી દઈને

કળશ ઢળે છે ત્યાં, તેનામાં..દિવ્યતામાં

અને અનાયાસે પરમ આનંદ..

આગળ વધું છું.

જિવનની અવિરત પદયાત્રાના

આ નિરંતર ગાનમાં  જોડાઉં છું.

મૌન નાન્દી

આહાહા.. આજે તો શું ઠાઠ હતો એનો?

જાણે રાજાધિરાજનો ભવ્ય દરબાર!

મખમલી,સુંવાળો, શ્યામરંગી પડદો

ધીરે ધીરે ઉંચકાયો.

મંચ પર આછોઆછો ઉજાસ પથરાવા માંડ્યો.

ચારે બાજુથી અવનવી છડીઓના પોકારો.

પૂર્વના પ્રવેશદ્વારની છત પર

સોનેરી રેશમી માછલીઓ તરતી જણાઈ.

એની સોનવર્ણી આભાનું પ્રતિબિંબ

વળી સામેની બારી તરફ ફેંકાતું ચાલ્યું.

મંદ ગતિએ ક્યાંકથી

હણહણતી અદામાં શ્વેત ઘોડા

તો ક્યાંકથી જાણે

રૂના ગાભાં જેવાં

સસલાંઓ સળવળતાં ભાસ્યાં.

ક્યાંક જલભરી પરીઓ પણ ઊભી હતી જાણે!

રૂપાળા ભૂરા નેપથ્યમાંથી

ક્ષણેક્ષણે ઊભરતી અને બદલતી જતી સજાવટ. ઓહ...

એને આંખના કેમેરામાં કેદ કરીએ ત્યાં તો

આખુંયે દૄશ્ય બદલાઈ જાય.

પ્રેક્ષકો અધીર બની

એ રાજવીની-વિશ્વરાજવીની રાહ જોતાં

મીટ માંડીને બેઠાં હોય ત્યાં વળી

કોઈ ગજબની સંતાકૂકડીનો ખેલ શરૂ.

રસભરી એ રમતમાં મન ગૂંથાયું ત્યાં તો

પલકમાં મંચ પરની મૌન નાન્દી પૂરી થઈ.

દૃશ્ય બદલાયું.

રાજાધિરાજની સવારી થઈ.

સભાગૃહ પર એકહથ્થું સામ્રાજ્ય છવાઈ ગયું.

બસ,પછી તો ફરતાં વિશાળ સિંહાસન પર

રોફભેર બિરાજમાન એ,

 પ્રેક્ષકોનેય પોતાની જેમ જ

ચલાવતો, દોડાવતો, હંફાવતો ચાલ્યો.

સદીઓ જૂનો,

આદિથી અંત સુધી,

પકડી ને જકડી રાખતો

દિગ્દર્શક, અભિનેતા કે જાદૂગર?

સમયની કરચલીઓ

સમયની કરચલીઓ

કરચલીઓમાં સળ

સળમાં પડતાં વળ

વળમાં ગૂંચવાતાં તું અને હું.

હું મહીં અહંકાર ને

અહંકારથી બધે અંધાર.

અંધાર મહીં જ વીતે રાત

રાત પછી તું ઉઘાડે દિવસ, જગાડે સૂરજ

સૂરજ કરે સવાર, બપોર ને સાંજ, ફરે સૂરજ.

સૂરજ ફરે? ના, ના. પૃથ્વી..પ્રકૃતિનું ભ્રમણ. દિવસ ને પછી રાત.

રાતની અવિરત લીલા.

લીલા કોની? વિસ્મય! સમય?

સમયની કરચલીઓ.

યજ્ઞ

મારી પૂર્વની બારીમાંથી દેખાય છે.

દૂર એક હવનકુંડમાંથી પ્રગટતી આગ.

 કે જ્યોત/જ્વાળાઓનું તેજ.

ધીરે ધીરે એની લાલિમા પથરાય છે.

પછી એક ગોળો ઉપસે છે.

લાલાશ, પીળી બને છે.

અને ક્ષણમાં તો બધું જ અદૃશ્ય!

પળમાત્રમાં બધું જ સફેદાઈ જાય છે.

સુખની જ્યોતનો ઉજાસ ફેલાય છે?

કે જ્વાળાઓ અંચળો ઓઢીને ફરે છે?

કાળના કાંટા હસે છે, ખડખડાટ.

કોણ છે એ?!

એ આવે છે,

ને જાય છે.

ખબર નથી પડતી.

કેવી રીતે અને ક્યાં?

કોણ જાણે?

રેશમી, મુલાયમ, કવચમાં

પોતાને છૂપાવીને

આવે છે,

હવા,પાણીની વ્યવસ્થા કરીને ગોઠવાય છે.

તેજનો એ જરૂર ભંડાર હશે.

એટલેસ્તો, પોતાની આસપાસ

નિસરણી, લપસણી, ઝુલા કંઈ કેટલું બધું

સુંદર બાગ જેવું રચી,

સુસજ્જ કરીને રહે છે.

બારી, બારણાંયે બેનમૂન!

‘ટ્રેશકેન’ની પણ કેવી સગવડ!

એ કોણ છે, શું છે?

આકાર? રંગરૂપ?

નથી ખબર.

માણસ એને બહાર શોધે છે,

પથ્થરોમાં પૂજે છે.

ને એ તો અંદર મોજથી રહે છે!

એ આવે છે,

ને જાય છે.

ખબર પડે છે કોઈને?!

એકલતાનું ટોળું

કેટલું મોટું ટોળું હતું એકલતાનું!

એ અચાનક એકાંતની ગુફામાં ખેંચી ગયું.

ચારે બાજુ ઘોર અંધારુ.

આંખો મીંચી દીધી.

તો બંધ આંખે આ શું જોવા મળ્યું?!

ગુફામાં તો હિંસક પશુઓ જ હોય.

એવા જ આકારો દેખાયા, પણ એ ત્રાટકતા નહોતા!

પાળેલા હોય તેમ જાણે ટગર ટગર જોયાં કરે.

પાસે આવવાનોયે પ્રયાસ કરે

ને એને પાસે આવવા દેવા કે નહિ?

એવી દ્વિધાની વચ્ચે, લાંબા સમય સુધી

 ક્યાંક દૂર, ખૂબ ઊંડે ખોવાઈ જવાયું.

ભીતરની આ ગુફા તો ‘મેઝ’ જેવી.

ભૂલભૂલામણીના જટિલ જાળાં જેવી!

મૂંઝવણ અને ગૂંચવણ.

મથામણ અને અકળામણ.

એકાએક ધીરી ગતિએ પ્રકાશપુંજ આવતો દેખાયો.

મેલાં પડળો ચોક્ખાં થવાં માંડ્યાં.

દ્વિધાઓ અને દ્વંદ્વો સરવાં લાગ્યાં.

આવરણ સામે દર્પણ દેખાયાં.  

ને પેલા પાળેલા લાગતા આકારો

હારી, થાકી, નિસ્તેજ બની,

જાણે ઢળી પડ્યા! વિલીન થવા માંડ્યા!

અરે, ખુદ સ્વયંની જાત પણ જાણે નિર્વિકાર.

ને પછી બસ, રસ્તો મળી ગયો, બહાર નીકળવાનો.

આંખો એમજ ખુલી ગઈ હતી.

દેવિકા ધ્રુવ

હવે…

હવે…

વ્હેલી સવારે

અહીંની માટીમાંથી

મીઠી સોડમ આવે છે.

આ પવનને પણ

શ્વાસમાં ભરવો ગમે છે.

વસંતમાં લીલાશ ધારણ કરતી

ધરતીને જોવી ગમે છે.

ત્યાં ૩૨

અને

આજે “ગુડ ફ્રાઈડે”.

અહીં ૪૧ વર્ષ થયાં.

હવે

કોઈ ખાસ ફરક જણાતો નથી.

એટલે કે બધે ગમે છે છતાં

હજી

સ્વપ્નાઓ તો પેલાં

ત્યાંની ઝૂંપડીની પોળના,

ભાડાના નાનકડાં ઘરનાં જ આવે છે!

અને તે પણ ગુજરાતીમાં જ..

શબ્દાતીત..

ફેબ્રુઆરી મહિનો આવે ને જે ઉભરાય તેને પ્રેમ કહેવાય?
‘વેલેન્ટાઈન ડે’ કહી ગુલાબનો ગુચ્છો કોઈ ધરી જાય તેને પ્રેમ કહેવાય?
ના… એને પ્રેમ ન કહેવાય..

એકાદ દિવસે કેન્ડલ-લાઈટ ડીનર થાય કે
ગુલાબી બોકસમાં ભેટ-સોગાદની આપલે થાય તેને પ્રેમ કહેવાય?
ના..ના..

શું સાથે બેસીને કોઈ રોમેન્ટીક મુવી જોવાય તેને પ્રેમ કહેવાય?
ના…ના.. ના..એને પણ પ્રેમ ન કહેવાય.

આ નહિ, તે નહિ…ન ઈતિ..નેતિ,નેતિ..
તો પછી!!કોને પ્રેમ કહેવાય?

જે હથેળીમાં લઈને જોવાય નહિ પણ, સતત અનુભવાય તેને પ્રેમ કહેવાય.
રાણાએ મોકલેલા ઝેરના પ્યાલાને, અમૃત સમજીને પી શકાય તો તે પ્રેમ કહેવાય.
કોઈને માટે મીઠા બોરને ચૂંટતા, કાંટાના ઉઝરડા હાથમાં દેખાય તો તે પ્રેમ કહેવાય.
ને અગ્નિની દાહક જ્વાળાઓમાંથી,  હેમખેમ આરપાર નીકળી શકાય તો તે પ્રેમ કહેવાય.

પણ એ તો થઈ અલૌકિક પ્રેમની વાતો…પરમ ઈશ્વરની વાતો.

કોઈએ ક્યાં જોયો છે એને? કોઈએ શું સાંભળ્યો છે એને?

એ તો મનની શ્રધ્ધા કહેવાય, એ કંઈ પ્રેમ કહેવાય?

તો પછી આ પ્રેમ ક્યાં છે? માનવીમાં, જીવનમાં, વિશ્વમાં શું પ્રેમ નથી?
ક્યાંક… ક્યાંક… તો જરૂર છે. પણ ક્યાં? ક્યારે? શેને પ્રેમ કહેવાય?
ભૂખથી રડતા ગરીબ બાળકની લાચાર માની આંખમાં આંસુ ઉભરાય,
ને પેટે પાટા બાંધી કોળિયો ખવડાવતી માનું હૈયું ખોલાય તો ત્યાં પ્રેમ દેખાય.
દિવસભરની સખત મજૂરી પછી, રાત્રે શિયાળાની કડકડતી ઠંડીમાં,
ટૂંટિયું વાળીને, રસ્તાની સડક પર ખૂણામાં સૂતેલા મજૂરને,
ગરમ ધાબળો ઓઢાડનાર મધર ટેરેસાના સ્પર્શમાં પ્રેમ અનુભવાય,
સરહદ પર દેશને માટે રુધિર રેડનાર જુવાનની શહીદીમાં પ્રેમ વર્તાય.

પ્રેમને શબ્દોના વસ્ત્રોમાં ન વીંટળાય,એને અક્ષરોના ઓશીકામાં ન બંધાય.
કેવળ શ્રધ્ધા અને શાંતિભર્યા હૂંફાળા મૌનમાં છલકાય તે પ્રેમ કહેવાય.

અને હા, માનવી છીએ ને એટલે જ તો છેલ્લે….
જીવનની ઢળતી સંધ્યાએ જેને માટે ‘તારા વગર નહિ જીવાય’
એવો અહેસાસ થાય તેને જ સાચો પ્રેમ કહેવાય.
અને તે પછી… તે પછી પણ..
માયાના એ આવરણમાંથી ને સગપણના વળગણમાંથી વિરક્ત થઈ,
મુક્તિનો શ્વાસ લેવાય તો તે ચિર શાંતિને પરમ પ્રેમ કહેવાય.

શબ્દાતીત..