ગમતા શેર/મુક્તકો

gazals.jpg 

 

સંકલન :

 • નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી
  કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી..    મરીઝ
 • પરિશ્રમ,જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે
  બીજાં શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે..     મરીઝ

 • સૌ પ્રથમ તો ક્યાં જવું છેએટલું નક્કી કરો,
  બસ પછી નક્કી કર્યું છેએટલું નક્કી કરો.
 • આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
  ક્યાં સુધી આ બેસવું છેએટલું નક્કી કરો?           ગૌરાંગ ઠાકર
 • માર્ગમાં મોકા રખડતા હોય છે,
  એ રખડતાને જ મળતા હોય છે.          ગૌરાંગ ઠાકર
 • આ ગઝલ લખવાનું કારણ એ જ છે, પાંદડે ભેગું કરેલું તેજ છે.
  આ ગઝલ લખવાનું કારણ એ જ છે, આંખને ખૂણે હજીયે ભેજ છે.

                                                                                      ચિનુ મોદી..

 • એક કોરે કાળજું ને એક કોરે છે શિલા,
  કર્મ એક સરખું કરે છે, જુલ્મી ને શિલ્પી ઉભય;
  કિંતુ ધરતી-આભ કેરો છે તફાવત બેઉમાં,
  એકનું પથ્થર-હૃદય બીજાનું પથ્થરમાં હૃદય.        – કિસ્મત કુરેશી
 • શબ્દની પૂજા,વિચારોની તપસ્યા થાય છે
  આ ગઝલના શેર ત્યારે કંકુવરણા થાય છે.
                                                         કિરણ ચૌહાણ
 • એક ચહેરો આંખમાં મેં અકબંધ રાખ્યો છે,
  આગવો એકાદ મેં સંબંધ રાખ્યો છે.
  ‘મા’ વિશે બસ, ‘મા’ લખી અટકી ગયો છું હું,
  ક્યાં અધૂરો તો ય મેં નિબંધ રાખ્યો છે !!
                                                                  કિરીટ ગોસ્વામી
 • સાંજની બારી ઉઘાડીને જુઓ,મ્હેંકતો અંધાર છે મારી ગઝલ.
  તું ગમે તે રીતે એને મૂલવે,આ હ્રદય ધબકાર છે મારી ગઝલ.
                                       યશવંત ત્રિવેદી.
 • અક્ષર બની ગયા તમે શબ્દો બની ગયા.
  મારી જિંદગીના પાન પાન તમે ભરી ગયા.
  બની હતી  નિરસ જ્યાં જોંદગી એક દિન,
  રસભરી તમે એને સરસ કરી ગયા.
                                               દિલીપ જોશી.
 • ગામ ઘર આંગણું નથી મળ્યુ;કોઇ પોતાપણું નથી મળ્યું,
  આ નગરમાં ઘણાં ય ઘર છે પણ કો’ ખુલ્લું બારળું નથી મળ્યું
                                       વજેસિંહ પારગી
 • કંઇ કેટલું કહેવું હતું   બોલી શક્યા નહી,
  ગંગા સુધી પહોંચ્યા છતાં  પ્યાસા રહી ગયા, 

                                   —- આદિલ મન્સૂરી

 તઝ્મીન — મહમ્મદ અલી વફા….

 • શબ્દો તણાં ઢાંકણ અમે   ખોલી શક્યા નહી
  ને  લાગણીના જામ પણ ઢોળી શક્યાં નહીં
  દિલની કલમ ને અશ્રુમાં   બોળી શકયા નહી
  કંઇ કેટલું કહેવું હતું   બોલી શક્યા નહી
   ગંગા સુધી પહોંચ્યા છતાં  પ્યાસા રહી ગયા.
 • ઘટમાં શિવ, નજરમાં સુંદર, મનમાં સત્યનું અક્ષય ઠામ,
  આજ તમારા પુણ્યપ્રતાપે તન છે અમારું તીરથધામ.
                                                       -શૂન્ય
 • શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
  મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
  તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
  એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
                                                           -વિવેક  ટેલર
 • મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
  આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
                                                                                    -ઓજસ પાલનપુરી
 • તમે મન મૂકી વરસો, ઝાંપટું આપણને નહીં ફાવે
  અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
  -ખલીલ ધનતેજવી
 • યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા
  ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
  -બી.કે. રાઠોડ ‘બાબુ’
 • આપણા સામટા શબ્દ ઓછા પડે,
  એમના મૌનને એટલા રંગ છે.
  – રાજેન્દ્ર શુક્લ
 • રંગ મહેલમાં દીપ જલાવ્યા,
  બાંધ્યા હિંડોળાખાટ જી.
  સ્જ્જ મારા સહુ તાર સિતારના,
  એક વાદકની રહી વાટ જી.
  – સુંદરમ
 • દુનિયા છે ગોળ એની આ સાબિતી છે,
  બેસું જ્યાં નિરાંતે કોઈ ખૂણો ન મળ્યો
  – ‘મરીઝ’
 • મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
  નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
  -મરીઝ
 • તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
  મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.
  -હરીન્દ્ર દવે
 • આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
  પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
  તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને,આવ સજનવા;
  તું વરસાદી વાતો લઈને આવ સજનવા….
  – દિલીપ રાવળ
 • માતા ધરતી પિતા આકાશ,
  બંને વચ્ચે સૂરીલો પ્રાસ,
  માતા હવા, પિતા શ્વાસ,
  બ્રહ્માંડનો આ સર્જન રાસ..
  સુ.દ.
 • સૂર્યચન્દ્ર છે માતા-પિતા,હોઠ રહે છે ગાતા,
  પ્‍હાડ જેવા પિતાજી અને ઝરણાં જેવી માતા,
  એક બતાવે ટોચ ને એક આપે શાતા
  સુ.દ.
 • આ ગઝલ પણ ખરી પારસી નીકળી,
  કાવ્યના દૂધમાં શર્કરા થઈ ભળી;
  દેશ-ભાષા વળોટીને આવી, છતાં,
  ગુર્જરી થઈ ગઈ ગુર્જરીને મળી.
  -વિવેક મનહર ટેલર
 • મેં નદી પાસે માંગી હતી નિર્મળતા; મળી
  ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા; મળી
  માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
  શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી ?
  – યુસુફ બુકવાલા
 • જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
  નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
  જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
  ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
  – ઇજન ધોરાજવી
 • અચાનક લગાતાર … બસ ઓગળે છે.
  સઘન રાતનું આ તમસ ઓગળે છે.
  કરે કો’ ટકોરો સ્મરણના બરફ પર
  ને વચ્ચે રહેલા વરસ ઓગળે છે.
  – રઈશ મનીઆર
 • નિયતિ સત્કારવાની હોય છે,
  હર ઘડી શણગારવાની હોય છે;
  તું બધી ફરિયાદ મૂકી દે હવે,
  જિન્દગી સ્વીકારવાની હોય છે.
  -હિતેન આનંદપરા
 • વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
  જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;
  લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
  શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.
  -દિલીપ મોદી
 • કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
  અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
  ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
  વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.
  – ‘શૂન્ય’ પાલનપુરી
 • માર્ગ પછીની મંઝીલ હરીન્દ્ર દવે
  જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે
  આ માર્ગ પછીની મંઝિલ એ મારું ઘર છે
  ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
  એ માર્ગ પછીની મંઝિલ પણ મારું ઘર છે
 • અભ્યાસ – ગીતા પરીખ
  અભ્યાસ કક્કા સમ જિંદગીનો
  આરંભ કીધો ‘અ’ થકી અહો મેં,
  અંતે પહોંચી ‘જ્ઞ’ સુધી છતાંયે,
  રહી ખરા જીવનથી જ ‘અજ્ઞ’ !
 • કોઈ   હસી  ગયો  અને  કોઈ  રડી  ગયો
  કોઈ  પડી  ગયો  અને  કોઈ  ચડી ગયો
  થૈ  આંખ બન્ધ  ઓઢ્યું કફન  એટલે થયું
  નાટક  હતું  મઝાનું  ને  પડદો  પડી ગયો
  -શેખાદમ આબુવાલા
 • કોઈ સ્થળે બેચાર મરે છે,
  ક્યાંક કશે દસબાર મરે છે;
  હિન્દુ મુસ્લિમ બંને સલામત,
  માણસ વારંવાર મરે છે.
  -ખલીલ ધનતેજવી
 • હસું  છું  એટલે  માની  ન  લેશો કે  સુખી છું હું,
  રડી શક્તો નથી એનું મને દુઃખ છે, દુઃખી છું હું;
  દબાવીને  હું  બેઠો  છું  જીવનના કારમા ઘાવો,
  ગમે   ત્યારે  ફાટી  જાઉં  એ  જવાળામુખી છું હું.
  – શેખાદમ આબુવાલા
 • રાહ  જોજે  યાદ  થઈને  આવશું,
  સ્વપ્નમાં  સંવાદ  થઈને આવશું !
  તું ગઝલ થઈને રજૂ થા તો ખરી,
  મહેફિલોમાં  દાદ  થઈને આવશું !
  – દિલીપ રાવલ
 • કોઈ મારી આંખમાં તરતું હશે
  કોઈ મારા શબ્દમાં રમતું હશે
  હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
  કોઈ નક્કી જાગરણ કરતું હશે.
  – ગોવિંદ ગઢવી
 • જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
  પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
  જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
  મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
  – મરીઝ
 • ખાળ તારી આંખડીના નીરને
  સંકટોમાં આ ન છાજે વીરને;
  એને ઠોકર મારીને રસ્તે લગાવ,
  ક્યાં સુધી પંપાળશે તકદીરને ?
  – શેખાદમ આબુવાલા
 • કોઈ પણ રીતે મળી શકતાં નથી,
  એકબીજામાં ભળી શકતાં નથી.
  થઈ ગયાં શું આપણે પથ્થર સમા ?
  કે જરા પણ ઓગળી શકતાં નથી ?
  – રિષભ મહેતા
 • આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,
  પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
  માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
  પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !
  – જલન માતરી
 • મોતની તાકાત શી મારી શકે?
  જિંદગી તારો ઈશારો જોઈએ
  જેટલે ઊંચે જવું હો માનવી
  તેટલા ઉન્નત વિચારો જોઈએ
  – શૂન્ય પાલનપુરી
 • શું કરું – મનોજ ખંડેરિયા
  ડગમગે છે એવી ક્ષણને શું કરું:
  ઓગળી  જાતાં  ચરણને શું કરું.
  કાળમીંઢી  શક્યતા પલળે નહીં,
  તો  ભીનાં વાતાવરણને શું કરું.
 • વહાણ ચાલે છે સમયની રેત પર,
  કોણ મારે છે હલેસાં શી ખબર ?
  છે ખલાસી પર મને શ્રદ્ધા અડગ,
  એ મને છોડે નહીં મઝધાર પર.
  – ભરત પાલ
 • બની જા – જલન માતરી
  કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,

  વધારે   ચાંદથી  સુંદર  બની જા;
  જગે    પુજાવું   જો   હોય   તારે
  મટી જા માનવી પથ્થર બની જા. 
 • આંખ લૂછું છું – શેખાદમ આબુવાલા
  તમારી   મૂંગી આંખમાં   જવાબોના  જવાબો છે

  છતાં   બેચેન થઈ હું   કેટલાયે   પ્રશ્ન  પૂછું  છું;
  મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું  છું  હું?
  તમે રડતા નથી ને તોપણ તમારી આંખ લૂછું છું.
 • કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે
  કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે
  સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
  એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
  – સૈફ પાલનપુરી
 • સંબંધ – રમેશ પારેખ
  તમે હાથ હેઠા કરે દ્યો હવે,

  કે સંબંધ તોડી શકતા નથી.
  તમે ફોડી શકશો અરીસા કદી,
  ચહેરાઓ ફોડી શકતા નથી.
 • વાત મારી નીકળી તો હશે,
  સાંભળી પાંપણો ઢળી તો હશે,
  મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’
  ચીસ આંખોમાં સળવળી તો હશે.
  -’ઘાયલ’
 • જીવન જેવું  જીવું છું,  એવું  કાગળ પર  ઉતારું છું;
  ઉતારું   છું,   પછી   થોડું   ઘણું   એને   મઠારું   છું.
  તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
  વિચારીને   તું   જીવે   છે,  હું   જીવીને  વિચારું છું.
  – અમૃત ‘ઘાયલ’

તાજમહાલ
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે

મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે                 -શેખાદમ આબુવાલા

 • કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
  બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
  ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
  ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.         -શેખાદમ આબુવાલા
 • હું મુક્ત-વિહારી માનવ છું,કવિને મન દુનિયા કેદ નથી,
  મારે મન ગંગા યમુના કે મંદિર-મસ્જિદમાં ભેદ નથી,
  માધ્યમ છે મારું માનવતા,મિલ્કતમાં અજબ ખુમારી  છે,
  ગુણગાન કરો તો ગર્વ નથી,અવગુણ ગાઓ તો ખેદ નથી.

                                                  ********** ‘વિશ્વરથ’*********

 • મારાં ખોવાયેલાં સ્વપ્નાઓ સજીવન કરવા,
  મારી રીતે મારી દૂનિયા મેં વસાવી લીધી;|
  મારા પડછાયાને મેં મિત્રનું ઉપનામ દીધું,
  મારી એકલતા મેં એ રીતે નભાવી લીધી.
 •                                                       ——–‘ યુસુફ ‘ બુકવાલા—————
 •  ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
  ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
  ———–ગની દહીંવાલા——————

 • ફૂલ તુજ કિસ્મતનાં ગીતો ગાઉં છું,
  મારી હાલતની દયા હું ખાઉં છું;
  તું મરીને થાય છે અત્તર અને-
  હું મરીને રાખ કેવળ થાઉં છું.
  —————‘સગીર’————-

 • આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
  દિલમાં કોઇની યાદનો રાજ્યાભિષેક છે.
  ———— ‘ શૂન્ય ‘ પાલનપૂરી————
 • સૌ પથ્થરોના બોજ તો ઉંચકી લીધા અમે,
  અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
  ———-મરીઝ————-
 • પરવતને ઉંચકું પણ પાંપણ ન ઉચકાતી,
  આ ઘેન જેવું શું છે,આ કારી ઘાવ શું છે ?
  ——-રાજેન્દ્ર શુક્લ———-
 • મધૂરા કંઠની સાથે ગઝલનો રંગ લાવ્યો છું,
  મળે છે દાદ તો માનું છું કે હું કૈંક ફાવ્યો છું,
  નથી તમે કે મં કદી જોયો જીવનભરમાં,
  છતાં પયગામ એનો હું ગઝલમાં લઇને આવ્યો છું.
  ————-શ્રી અર્જુન ‘ રાહી ‘———–
 • ઓ વતનવાળા,વતનથી ખેલ મા !
  છેક ઉજડેલા ચમનથી ખેલ મા !
  હું તને શયદા વધારે શું કહું :
  તું ગરીબોના કફનથી ખેલ મા !

                                                              ——શયદા——–

  •  કોઇ સ્મિતે સ્મિતે સળગે છે,
   કોઇ રડીને દિલ બહેલાવે છે;
   કોઇ ટીપે ટીપે તરસે છે,
   કોઇ જામ નવા છલકાવે છે.
   ——-સૈફ પાલનપુરી—–
  •  કોઇના ભીના પગલાં થાશે એવો એક વરતારો છે,
   સ્મિત ને આંસુ બંનેમાંથી  જોઇએ કોનો વારો છે ?
   ——-સૈફ પાલનપુરી—–
  • મારી જીંદગી જો ખરાબ થઇ ગઇ,
   તો શરમ છે એની તને ખુદા;
   કે રજૂ થએલાં આ ગીતમાં,
   હું તો શબ્દ છું-તું વિચાર છે.
   ——-સૈફ પાલનપુરી—–
  • બાળવાચક શબ્દનો કક્કો શીખું છું,
   કેમ લખવો પાન પર ટહૂકો શીખું છું;
   દાવ સામે પેચની છોડી રમતને,
   હું હવે અડકો ને દડકો શીખું છું.
   —–મુકેશ જોશી—–
  • આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?
   એક સુખદ ઉંઘમાં લેટું તો જગત શું કહેશે ?
   મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
   એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ?
   —-હરીન્દ્ર દવે—
  • હતી કંઇ પ્યાસ એવી હરપળે બસ દોડતો રાખ્યો,
   પછાડ્યો રેતીએ તો મૃગજળે બસ દોડતો રાખ્યો;
   ઘણા સત્યો બની સાંકળ ચરણ જકડીને બેઠા’તા,
   ઋણી છું એનો જે મોહક છળે બસ દોડતો રાખ્યો.
   —રઇશ મણીઆર–
  • મારા સમ સોનલવર્ણું છે,હૈયું કસ્તૂરી હરણું છે;
   તમ શમણું મારું શરણું છે,ભવરણમાં મીઠું ઝરણું છે.
   —અમૃત ઘાયલ—
  • સમણાં મઢેલી રાતમાં તારા સજાવતા,
   એ સૂર્ય થઇ આવી ચઢે,તું શું કરી શકે ?
   તારી કને હો છાંયડાના સાત દરિયા,પણ
   એને ફક્ત તડકા ફળે, તું શું કરી શકે ?
   –મુકેશ જોશી–
  • હ્ર્દય મારું વ્યાપક,નજર મારી સુંદર,
   કલા મારી મોહક વિચારે વિચારે.
   નથી આભને પણ કશી જાણ એની,
   કે મેં ચાંદ જોયા સિતારે સિતારે..
   —મરીઝ—-
  • તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં;
   ફરી એ વાત પુરાણી તમે કહો તો,કહું;
   ગઇ બતાવી ઘણાં યે રહસ્ય બેહોશી,
   સમજવા જેટલા બાકી હોશ હો તો, કહું.
   —હરીન્દ્ર દવે–
  • ભલે એ ના થયા મારાં,ભલા આ સ્નેહ શું કમ છે ?
   ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી,
   કસુંબલ આંખડીના કસબની વાત શી કરવી !
   કલેજું કોતરી નાજૂક મીનાકારી કરી લીધી.
   –અમૃત ઘાયલ—
  • જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે,
   ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.
   રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
   પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે.
   —બાળાશંકર કંથારીયા—
  • લાવે છે યાદ કૂલો છાબો ભરી ભરીને ,
   છે ખુબ મ્હોબતીલી માલણ મને ગમે છે.
   —અમૃત ‘ઘાયલ’—
  • શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ,
   સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેંક્યો કસુંબીનો રંગ..
   —ઝવેરચંદ મેઘાણી—
  • અમારે નથી ચાંદની સાથ નિસ્બત,અમારે રુકાવટ વિના ચાલવું છે;
   અમારી છે યાત્રા સળગતી ધરા પર,દિવસ પર જે સૂરજની લૂથી રસી છે.
   —મધુકર રાંદેરિયા—
  • જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
   બહું ઓછાં પાનાં જોઇ શક્યો બહુ અંગત અંગત નામ હતા.
   —‘સૈફ’ પાલનપુરી—
  • ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક,કો અણગમતી રમત રમવી પડી છે;
   મેં ટૂંપી છે ખચિત મારા જ હાથે,કંઇક ઇચ્છાઓને દમવી પડી છે.
   —‘સાબિર’ વટવા–
  • આભાર ભરેલા મસ્તકને ઉંચકવું શયદા સહેલ નથી,
   હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.
   –શયદા—
  • એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા !
   એક પળ માટે વીતેલી જીંદગીનું કામ છે.
   આપની સામે ભલે સોદો મફતમાં થઇ ગયો,
   આમ જો પૂછો બહું મોંઘા અમારા દામ છે.
   –મરીઝ—
  • શબ્દની આરપાર જીવ્યો છું,
   હું બહુ ધારદાર જીવ્યો છું.
   બાગ તો બાગ સૂર્યની પેઠે,
   આગમાં પુરબહાર જીવ્યો છું.
   —- અમૃત ઘાયલ—
  • લાગણીનું નામ આવ્યું,શ્વાસ સૂનો થઇ ગયો,
   શબ્દ જેવો શબ્દ પણ બેબાક મૂંગો થઇ ગયો.
   હું કશું સમજું એ પહેલાં સાવ અળગો થઇ ગયો,
   ફિલસૂફીમાં હું ગળાડૂબ મિત્ર શાણો થઇ ગયો.
   —- ગુલામ અબ્બાસ—
  • વાતાવરણમાં ગીતને ગૂંજી ગયું એ કોણ છે ?
   બેચેન જેની યાદમાં આ  દિલ થયું એ કોણ છે ?
   એ કોણ છે જેને ભૂલી શક્તી નથી પળવાર પણ,
   સ્વપ્ન પણ જેને સદા ઝંખી રહ્યુ એ કોણ છે ?….
  • હું બધા સંજોગને અપનાવતો ચાલ્યો ગયો,
   જીંદગીને એ થકી શોભાવતો ચાલ્યો ગયો,
   કોઇ દિન થશે ફળીને બાગ,એ આશ મહીં,
   બીજને વેરાનમાં હું વાવતો ચાલ્યો ગયો.
  • માર્ગ મળશે,હે હ્રદય તો મૂંઝવણનું શું થશે ?
   ધાર કે મંઝિલ મળી ગઇ તો ચરણનું શું થશે ?
   જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો,”ગની,
   આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે ?”
  • આશા ઉપર જીવન હતું એ પણ મરી ગઇ,
   દિલને જરા મળી હતી એ બાંહેધરી ગઇ;
   મારા વિના ના ગમ્યું તને ક્યાંય વેદના !
   ઘર દિલનું જોઇ લીધું અને ઘર કરી ગઇ !!…
  • સકલ સંસારમાં અમ શાયરોની વાત છે જુદી,
   અમે જોગી ,જગતના કાયરોથી જાત છે જુદી;
   અમારી સ્વપ્નની રંગીન એવી રાત છે જુદી,
   તડપતા પ્રેમીઓ જેવી અમારી નાત છે જુદી.
  • કાંટાનો બાગ માંગુ છું,રૂદનનો રાગ માંગુ છું,
   ચાંદની ખુશામત સૌ કરે,હું તેનો દાગ માંગુ છું;
   સંસારથી સન્યાસ લેવો,માનવીની કમજોરી છે,
   હું સંસારમાં રહી સંસારથી વૈરાગ્ય માંગુ છું.
  • માનવ જીવનમાં આદર્શ નથી તો કંઇ નથી,
   પુષ્પમાં મધ હોય પણ ફોરમ નથી તો કંઇ નથી;
   છે વિપુલ જળરાશિ પણ સાગર કદી છલકાય છે ?
   વાણીને યૌવન મહીં સંયમ નથી તો કંઇ નથી.
    
  • અરે ઓ તાજના જોનાર તને એ ગુલઝાર લાગે છે ?
   ગોળાની ચાંદનીમાં આરસ તણો અવતાર લાગે છે;
   પણ મળે જો શાહજહાં તો પૈગામ એટલો કહેજે’
   સૂતેલી મુમતાઝને પણ પત્થરોનો ભાર લાગે છે.
  • ચમકતો ને દમકતો એ શાહજહાંનો મહેલ જોવા દે,
   મને  ધનવાન મજ્નુએ કરેલો ખેલ જોવા દે;
   પ્રદર્શન કાજ જેમાં પ્રેમ કેદી છે જમાનાઓથી,
   મને એ ખુબસૂરત પત્થરોની જેલ જોવા દે.
  • અય શાહજહાં,તારું એ સંગેમરમરનું દર્શન જોઇ લીધું
   ને તેં કરાવેલ દૂનિયાને દોલતનું દર્શન જોઇ લીધું;
   પણ યાર  કબર પર ફૂલો હોય,  પત્થર નહીં,
   મેં તાજ શું જોયો,તારી અક્કલનું પ્રદર્શન લીધું.
  • તાજનું શિલ્પ-કાવ્ય નીરખીને લોકો,
   હર્ષના આંસુ લૂછે છે,
   દાદ આપે છે સૌ શાહજહાંને,
   એના શિલ્પીને કોણ પૂછે છે ?
  • સોહામણું ઉપવન ને જમના કિનારો,
   ને બહુરંગી ઠઠારાથી ઉભેલો એ મહેલ !
   સંપત્તિનો લઇને સહારો એક શાહે આદરી,
   આપણા જેવા ગરીબોની મહોબતની મજાક…!
  • મૃદુ હૈયું મળ્યું એને ગણું છું ભેટ કુદરતની,
   અને આઘાતને માની લઉં છું ભેટ દૂનિયાની.
  • રડી લઉં છુ  જ્યારે હ્ર્દય પર ખૂબ ભાર લાગે છે,
   નર્યા આંસુ જ મારા દર્દનો  ઉપચાર લાગે છે.
  • આવનારા બધાં જાએ “આવજો આવજો” કહી,
   એકાકી ઉર મારાને ચાલ કહેનાર કોઇ નહી.
  • શ્રધ્ધા કેરી કદી ના ખૂટજો વાટમાં વાટ ખર્ચી,
   પ્રયત્ન કેરી પતરાળીમાં ભરી જશે ભોજન ભાગ્ય આવી.
  • કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
   અડગ મનના મુસાફરને રસ્તો નથી નડતો.    —-શૂ.પા
  • મને એ સમજાતું નથી કે આમ શાને થાય છે ?
   ફૂલડાં ડૂબી જાય છે ને પત્થરો તરી જાય છે.
  • હૈયે વડવાનલ જલે તોયે સાગર ગાય,
   હસી જાણે જગ ઝેર પી સંતન તે કહેવાય.   
 • તને છોને વરસાદ હોય વ્હાલો,પણ
  કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં,
  તને આટલું ચોમાસું વ્હાલુ જો હોય,
  તો આંખો ભીંજાય કોની યાદમાં.
  • ઉઠાવું છું કદમ કિંતુ નથી અભિલાષ મંઝિલની,
   લથડિયું ખાઉં ત્યાં મંઝિલ બનાવીને હસી લઉ છું;
   સ્વજનો સાથ છોડી માર્ગમાં ફંટાઇ જાયે તો,
   પરાયાંને જ પોતાના બનાવીને હસી લઉં છું.
  • છોને મળી એ હાર અમને જીવન કેરાં યુધ્ધમાં,
   સત્ય સાચું પામતા એ હાર પર હસતો રહ્યો;
   ખુબ  ગુજર્યા છે  સિતમ મંઝિલ કિનારે પહોંચતાં,
   મંઝિલ મળી,જે માન મળ્યું એ માન પર હસતો રહ્યો.
  • હો પ્રથમ મુશ્કેલી તો અંત સારો આવશે,
   ને કિનારો જીંદગીનો થઇ સહારો આવશે;
   દુ:ખ આવે તો સમજો સુખના એંધાણ છે,
   પાનખર જેમ પીઠ પાછળ  લઇ બહારો આવશે.
  • તમારી મૂંગી આંખોમાં જવાબોના જવાબો છે,
   છતાં બેચેન થઇને કેટલાં હું પ્રશ્નો પૂંછુ છું;
   મને પણ થાય છે કે હું આ કરું છું શું ?
   તમે રડતા નથી તો પણ તમારી આંખ લૂછું છું..
  • અનુભવની મઝા કોઇને કહેવામાં નથી હોતી,
   અસલ વસ્તુની ખૂબી એની છબીમાં નથી હોતી;
   સમીપ આવ્યાં વિના શું માપશો મારી પ્રતિભાને,
   ચમક દરિયાના મોતીમાં છે,દરિયામાં નથી હોતી.
  • રેત ભીની તમે કરો છો પણ રણ સમુંદર કદી નહીં લાગે,
   શબને ફૂલ ધરો છો પણ મોત સુંદર કદી નહીં લાગે.  
  •          
  • રોકી શકો તો રોકો તમે કાળચક્રને,
   યુગને ન રોકો,એ તો ફક્ત રાહદાર છે;
   મારા જીવનની ખૈર પૂંછો છો તો કહી દઉં,
   દિપક જલી રહ્યો છે,છતાં અંધકાર છે.
  • ભાગ્ય રૂઠી જાય તો માનવ બિચારો શું કરે ?
   કમનસીબી હોય તો ઉન્નત વિચારો શું કરે ?
   નાવડી પોતે ખરાબે શીશ પટકીને તૂટે,
   તો દિશા બતાવનારો ધ્રુવ તારો શું કરે.
  • સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,
   સાગર ડૂબાડી દે મને તેવો કિનારો હું નથી,
   મારે તો અજવાળવા અંધારઘેર્યા પંથ સૌ,
   ચમકી ને તૂટી પડે તેવો કિનારો હું નથી.
     
 
  • સહનની આવડત હોય તો મુસીબતમાં યે રાહત છે,
   દિલ જો ભોગવી જાણે તો દુ:ખ પણ એક દોલત છે.
   દુ:ખની ઉડાડે ધૂળ તે શયતાન હોય છે,સુખનું વહાવે ઝરણું તે ભગવાન હોય છે,બં
   નેનો મેળ સધાવીને નિપજાવે જીંદગી;
   મારૂં તો માનવું છે કે એ ઇન્સાન હોય છે.
  • તૂટેલા કાચના કટકા સિતારા કદી થાતા નથી,
   પાવડર લગાડેલા ચેહરા રૂપાળા કદી થાતા નથી;
   કવિઓની વાણીને કિનારા કદી હોતા નથી,
   અમારા એ અમારા કદી તમારા થાતા નથી.
  • કળી તારે સુમન થઇ ચમન છોડી જાવાનુ છે,
   વતનમાં ફૂલીફાલી વતન છોડી જાવાનું છે;
   અરે ઓ ચાંદ ચમકી લે આસમાને ચાર દિન,
   અમાસની રાતે તારે પણ ગગન છોડી જાવાનુ છે.
  • જીવનની રાતમાં ઉત્કંઠિત ચમકાર લાગે છે,
   પણ હોય જો હદમાં તો એ શણગાર લાગે છે;
   વધુ પડતી પ્રભાની કંઇ હોતી નથી મહત્તા,
   ગગન પણ ખેરવે છે જે સિતારા ભાર લાગે છે.

  • પહાડમાંથી કોઇએ  પાષાણનું શોધન કર્યુ,
   શિલ્પાકારે રૂપ આપીને પરિવર્તન કર્યું,
   ઘાવ, ઘણ અને ટાંકણાના ખુબ ઝીલ્યા દેહ પર,
   માનવીએ એ જ પથ્થરને નમી વંદન કર્યુ.

  • આપના વિશ્વાસમાં ઉંડો ઉતરતો જાઉં છુ,
   ડૂબવાની કોને પરવા,હાલ તરતો જાઉં છુ,
   આપ મારા શ્વાસ છો,એનો મને વિશ્વાસ છે,
   એટલા વિશ્વાસ પર શ્વાસ ભરતો જાઉં છુ.

  • જ્યાં જ્યાં અન્યાય દીઠો,ખુદ જઇ પોકાર કર્યો,
   લેવા અશ્રુના પુરાવાઓ દિશે દિશામાં ફર્યો,
   આ બધું લઇને ગયો જગની અદાલતમાં જ્યાં,
   આપ એ માનશો ? ત્યાં હું જ ગુનેગાર ઠર્યો…..

  • નદી પાસેથી માંગી હતી,નિર્મળતા મળી,
   ફૂલ પાસેથી ચાહી હતી,કોમળતા મળી,
   માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે;
   કહેવાની જરુર ખરી કે નિષ્ફળતા મળી ?
   ——‘-યુસુફ ‘ બુકવાલા————–
   ***********************************************************************

 • માનવી નહિ શ્વાસો જીવી રહ્યા છે.
  મોત ભરી જીંદગી પ્રેત પ્યાલામાં પી રહ્યા છે.
  બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું
  નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
  -બરકત વિરાણી બેફામ
 • રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી
  હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી
  -બરકત વિરાણી બેફામ
 • આ બધાં બેફામ જે આજે રડે છે મોત પર
  એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને
  -બરકત વિરાણી બેફામ
 • કદર શું માંગુ જીવનની એ જગત પાસે
  કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

-બરકત વિરાણી બેફામ

 • ફક્ત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધાં બેફામ
  નથી જન્નતમાં જવું મારે દુનિયાની હવા લઈને
  -બરકત વિરાણી બેફામ
 • છે અહીં બેફામ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી
  પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે

-બરકત વિરાણી બેફામ

 • બેફામ મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે
  મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું
  -બરકત વિરાણી બેફામ
 • મર્યા પછી તો કબર આપશે બધા બેફામ
  મરી શકાય જ્યાં એવો નિવાસ તો આપો
  -બરકત વિરાણી બેફામ
 • બેફામ બંધ આંખે તું કેમ જોઈ શકશે
  બેઠાં છે મારનારાં પણ તારા ખરખરામાં
  -બરકત વિરાણી બેફામ
 • જીવ્યો છું ત્યાં સુધી કાંટા જ
  વેઠ્યા છે સદા બેફામ
  કબર પર ફુલ મૂકીને
  ન કરજો મશ્કરી મારી
  -બરકત વિરાણી બેફામ
 • ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો મને
  જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને
  -બરકત વિરાણી બેફામ
 • ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
  કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
  -બરકત વિરાણી બેફામ
 • દુઃખ ને સુખ અંતમાં તાસીરમાં સરખાં નીકળ્યા
  સાર તકદીર ને તદબીરમાં સરખાં નીકળ્યા
  કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ ઉભય નીર રૂપે
  સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં
  -બરકત વિરાણી બેફામ
 • સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી
  ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી
  ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું બેફામ
  પીડા મારાં દુઃખોની કોઈ બીજામાં નથી હોતી
  -બરકત વિરાણી બેફામ
 • એક મારો અંશ મારાથી જે પર બની ગયો
  પાપી જગતની દ્રષ્ટિએ ઈશ્વર બની ગયો
  -બરકત વિરાણી બેફામ
 • આ એક ગુનાહ ખુદાએ સ્વીકારવો પડશે
  કે જાન લેવા મને એણે મારવો પડશે
  -બરકત વિરાણી બેફામ
 • મૂર્તિની સન્મુખ જઈને કેમ પ્રાર્‌થે છે બધાં
  પીઠ પાછળ શું પ્રભુની પણ નજર રહેતી નથી
  -બરકત વિરાણી બેફામ
 • છૂટ્યો જ્યાં શ્વાસ ત્યાં સંબંધ સૌ છૂટી ગયો બેફામ
  હવા પણ કોઈએ ના આવવા દીધી કફનમાંથી
  -બરકત વિરાણી બેફામ
 • ઉડે એને ય પાડે છે શિકારી લોક પથ્થરથી
  ધરા તો શું અહીં ખાલી નથી આકાશ ઠોકરથી
  -બરકત વિરાણી બેફામ
 • હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય
  એકાંતમાં તો જાતને સામે મળી જવાય
  સામે મળી જવાય તો બીજું તો કંઈ નહિ
  પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય
  -આદિલ મન્સૂરી
 • વેન્ટીલેટર પ્રાર્થના
  મગજનું છો થતું મૃત્યુ ન ભલે વિચાર કો ઝબકે
  ઈચ્છું પ્રેમ થડકો ઉરે જીવું ત્યાં લગણ ધબકે
  -અજ્ઞાત
 • મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
  આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પુરાઈ ગઈ
  -ઓજસ પાલનપુરી
 • કહું છું ક્યાં કે પયગમ્બર બની જા
  વધારે ચાંદથી સુંદર બની જા
  જગે પૂજાવું જો હોય તારે
  મટી જા માનવી પથ્થર બની જા
  -જલન માતરી
 • દુઃખી થાવાને માટે કોઈ ધરતી પર નહિ આવે
  હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહિ આવે
  હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો
  જગતના ઝેર પીવાને હવે શંકર નહિ આવે
  -જલન માતરી
 • શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
  કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી
  -જલન માતરી
 • હું જો અનુકરણ ન કરું તો કરું શું
  અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે
  -જલન માતરી
 • ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર
  ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે ?
  -જલન માતરી
 • જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
  ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો
  કોઈના ઇકરાર અને ઇન્કાર પર હસતો રહ્યો
  જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો
  ઓ મુસીબત એટલી ઝિંદાદીલીને દાદ દે
  તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો
  -જમિયત પંડ્યા
 • એક ગાડું ક્યારનું પૈડાં વગર
  બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર
  આંખ ઊંચી જ્યાં કરું તો બ્રહ્મા હતા
  સાવ થાકેલા હતા સરજ્યા વગર
  -જયંત ઓઝા
 • ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી
  કોણે કહ્યું અમીન ન માગ્યા વગર મળે
  -અમીન આઝાદ
 • હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને
  ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી
  -જવાહર બક્ષી
 • શબ્દો છે બેશુમાર ગઝલ એક પણ નથી
  વરસ્યોતો ધોધમાર ફસલ એક કણ નથી
  લાશોને ચાલતી લહું શહેરો મધી કદી
  કબરોમાં શમે એ જ ફક્ત કંઈ મરણ નથી
  -અબ્દુલકરીમ શેખ
 • શ્રદ્ધાથી બધાં ધર્મોને વખોડું છું હું
  હાથે કરીને તકદીરને તોડું છું હું
  માગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ
  તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું
  -મરીઝ
 • જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ
  એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે
  -મરીઝ
 • બસ એટલી સમજ મને પરવરદિગાર દે
  સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે
  -મરીઝ
 • દુનિયામાં એને શોધ તું ઈતિહાસમાં ન જો
  ફરતા રહે છે કંઈક પયમ્બર કહ્યા વિના
  -મરીઝ
 • જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે
  અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે
  કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીઝ
  પોતે ન દે બીજાની કને માગવા ન દે
  -મરીઝ
 • પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
  હર ચીજમાં એ લાભની તક શોધે છે
  આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ
  આંસુમાં ગરીબોના નમક શોધે છે
  -મરીઝ
 • બે જણા દિલથી મળે તો એક મજલીસ છે મરીઝ
  દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી
  -મરીઝ
 • જીવવા જેવા હતા એમાં ફક્ત બે ત્રણ પ્રસંગ
  મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી
  -મરીઝ
 • સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળને પીતાંતાં
  હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યાં છે
  -મરીઝ
 • ન તો કંપ છે ધરાનો
  ન તો હું ડગી ગયો છું
  કોઈ મારો હાથ ઝાલો
  હું કશુંક પી ગયો છું
  -ગની દહીવાળા
 • ચાહું ત્યારે ઘૂંટ ભરું ને ચાહું ત્યારે ત્યાગ કરું
  મારું તો એવું છે મારા ફાવે તેવા ભાગ કરું
  સારા નરસા દિવસો એ તો ઈચ્છાના ઓછાયા છે
  મારા આ દુર્ભાગ્યને સાજન ઈચ્છું તો સોહાગ કરું
  -અમૃત ઘાયલ
 • જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું
  ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું
  તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહિદ
  વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું
  -અમૃત ઘાયલ
 • કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે
  કારણ નહીં જ આપું કારણ મને ગમે છે
  -અમૃત ઘાયલ
 • અમૃતથી હોઠ સૌના એંઠાં કરી શકું છું
  મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
  આ મારી શાયરીયે સંજીવની છે ઘાયલ
  શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું
  -અમૃત ઘાયલ
 • કેમ ભૂલી ગયા? દટાયો છું
  આ ઈમારતનો હુંય પાયો છું
  વિસ્તર્યા વિણ બધે છાયો છું
  હું અજબ રીતથી ઘવાયો છું
 • એ જ પ્રશ્ન છે કોણ કોનું છે
  હું ય મારો નથી પરાયો છું
  સાચું પૂછો તો સત્યના પંથે
  ખોટી વાતોથી દોરવાયો છું
  -અમૃત ઘાયલ
 • ચડી આવે કદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે
  નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે
  કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે
  અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે
  -અમૃત ઘાયલ
 • વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં
  બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
  સદા જીતું છું એવું કૈં નથી હારું છું પણ બહુધા
  નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં
  -અમૃત ઘાયલ
 • જેમની સંસારમાં વસમી સફર હોતી નથી
  તેમને શું છે જગત તેની ખબર હોતી નથી
  જિંદગી ને મોતમાં છે માત્ર ધરતીનું શરણ
  કોઈની વ્યોમે હવેલી કે કબર હોતી નથી
  અજ્ઞાત
 • જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી
  બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં
  -સૈફ પાલનપુરી
 • કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે
  કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે
  સંજોગોના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો
  એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
  -સૈફ પાલનપુરી
 • જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે ગની
  હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે
  -ગની દહીંવાલા
 • કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
  એ જ ઇચ્છા છે હવે એ પણ ન હો
  કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી
  કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો
  -ચિનુ મોદી
 • જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે
  પુષ્પ જેવા પુષ્પ પર એની સવારી હોય છે
  -ચિનુ મોદી
 • પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી
  ઈર્શાદ આપણે તો ઈશ્વરને નામે વાણી
  -ચિનુ મોદી
 • તારું કશું ન હોય તો છોડીને આવ તું
  તારું જ બધું હોય તો છોડી બતાવ તું
  સાકરની જેમ ઓગળી જઈશ હું પણ
  છલકાતો કટોરો ભલેને મોકલાવ તું
  -રાજેશ વ્યાસ- મિસ્કીન
 • દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે
  રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે
  દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કીન પડ્યો છે
  ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે
  -રાજેન્દ્ર વ્યાસ મિસ્કીન
 • ત્રાસી ગયો છું એટલો એક જ અનુભવે
  બીજો ખુદા નિભાવી શકું એ જીગર નથી
  -શૂન્ય પાલનપુરી
 • કાબા ને સોમનાથના પાષાણ ભિન્ન છે
  સમજી શકો તો એથી વધુ ફેર કૈં નથી
  -શૂન્ય પાલનપુરી
 • મનની મર્યાદા તજી એનું જ આ પરિણામ છે
  એમ લાગે છે કે સચરાચર હવે મુજ ધામ છે
  કોઈ કાબા હો કે મંદિર ભેદ છે સ્થાપત્યનો
  પૂજ્ય થઈ જાયે છે પથ્થર આસ્થાનું કામ છે
  -શૂન્ય પાલનપુરી
 • યાદ કોઈની દિલમાં આવી દિલની માલિક થઈ બેઠી
  શૂન્ય હવે આ સત્તાલોભી શરણાગતને શું કહેવું
  -શૂન્ય પાલનપુરી
 • ઝાંઝવા જળ સીંચશે એ આશ પર
  રણમાં તૃષ્ણાએ કરી છે વાવણી
  -શૂન્ય પાલનપુરી
 • જેનાં કદમ અસ્થિર હો એને રસ્તો કદી નથી જડતો
  અડગ મનના પ્રવાસીને હિમાલય પણ નથી નડતો
  સદા સંસારીઓ પર શ્રાપ છે સંતાપ સહેવાનો
  ધરાથી દૂર ઉડનારાને પડછાયો નથી નડતો
  -શૂન્ય પાલનપુરી
 • નથી માનવકીકીથી વધુ સૃષ્ટિની મર્યાદા
  પછી કેવા ભરમમાં ઈશ્વરે લીલા વધારી છે
  વિઘાતક છે જે ફૂલોનાં એ પથ્થરના પૂજારી છે
  પ્રભુ તુજ નામની પણ કેટલી ખોટી ખુમારી છે
  -શૂન્ય પાલનપુરી
 • કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે
  અમોને સંકૂચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે
  નથી એ ધર્મના ટીલાં કલંકો છે મનુષ્યોનાં
  વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે
  -શૂન્ય પાલનપુરી
 • સમંદરને ક્યાંથી ગમે ભલા બુદબુદની પામરતા
  અમોને પણ અમારા દેહની ઓખાત ખટકે છે
  દઈ વર્ચસ્વ સૃષ્ટિ પર ભલે રાચી રહ્યો ઈશ્વર
  અમોને દમ વિનાની શૂન્ય એ સોગાત ખટકે છે
  -શૂન્ય પાલનપુરી
 • તું આવ કે ન આવ જશે તું જ ખોટમાં
  પૂજા તો થઈ શકે છે ગમે તે પ્રતિકથી
  -શૂન્ય પાલનપુરી
 • હસે જે મારી મુક્તિ પર એ કેવળ ભીંત ભૂલે છે
  નથી ડરતો જરા પણ હું જીવનની દુર્દશાઓથી
  જો પ્રકટાવી શકું છું દીપ તોફાની હવાઓમાં
  બચાવી પણ શકું છું એને તોફાની હવાઓથી
  -શૂન્ય પાલનપુરી
 • એક શાયર છું જીવન કર્મોથી ના અજ્ઞાન છું
  વેદનો પણ છું ઉપાસક કારીએ કુઅરાન છું
  કિંતુ જો ઈમાનની પૂછો તો આસિમ સાંભળો
  હું ન હિન્દુ છું ન મુસ્લિમ છું ફક્ત ઈન્સાન છું
  -આસિમ રાંદેરી
 • હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે
  અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ
  સહેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે
  નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ
  -કુતુબ આઝાદ
 • મને આ જોઈને હસવું હજારો વાર આવે છે
  પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે
 • -હરજી લવજી દામાણી શયદા
 • તમો શોધો તમોને એ જ રીતે
  હું ખોવાયા પછી મને જડ્યો છું
  -હરજી લવજી દામાણી શયદા
  • ગમતા સુભાષિતોઃ ‘નીરવ રવે’માંથી સાભાર..સંકલનઃજયેન્દ્ર પંડ્યા.1. असतो मा सदगमय।
   तमसो मा ज्योतिर्गमय।
   मृत्योर्मामृतम् गमय॥(બૃહદારણ્યક ઉપનિષદ)
   અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા
   ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા
   મહામૃ્ત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા2. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते।
   पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥ઈશાવાસ્ય ઉપનિષદનો આ શાંતિપાઠનો શ્લોક છે. તેનો શબ્દાર્થ છેઃ તે પૂર્ણ છે. આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે. પૂર્ણમાંથી પૂર્ણ બહાર કાઢો તો પણ પૂર્ણ બચે છે. આ શબ્દોનું સૌથી સરળ અર્થઘટન એવું છે કે બ્રહ્મ સંપૂર્ણ છે. બ્રહ્માંડ પણ સંપૂર્ણ છે. બ્રહ્મમાંથી બ્રહ્માંડ પ્રગટ્યું છે અને બ્રહ્મમાંથી બ્રહ્માંડ બહાર આવવા છતાં શેષ બ્રહ્મ સંપૂર્ણ છે.3. ॐ भूर्भुव: स्वः तत् सवितुर्वरेण्यं।
   भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्॥આ ગાયત્રી મંત્ર સૂર્ય આરાધનાનો મંત્ર છે. ભાવાર્થ છેઃ હે સર્વોપરી દેવ ! તું જીવનનો આધાર છે, અમારા સર્વ દુઃખ દૂર કરે છે, તું સ્વયં પ્રકાશિત છે, સૌથી વધુ પૂજનીય છે, અમે તારું ધ્યાન ધરી પ્રાર્થના કરીએ છીએ કે તું અમારી બુદ્ધિને વધુ પ્રજ્વલિત કર.4. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै।
   तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै॥
   ॐ शान्ति: शान्ति: शान्ति:॥

   રક્ષણ કરો પોષણ કરો પ્રભુ આપ અમારું પ્રેમથી
   કરીશું શ્રમ સખત અભ્યાસમાં અમે ખંતથી
   હો મેઘા તેજસ્વી અમારી એટલું પ્રભુ આપજો
   ને સંબંધ સદા સ્નેહભર્યો ગુરુ શિષ્યનો રાખજો

   5. त्वमेव माता च पिता त्वमेव
   त्वमेव बंधू च सखा त्वमेव।
   त्वमेव विद्या द्रविणं त्वमेव
   त्वमेव सर्वं मम देव देव॥

   તમે છો માતા, પિતા તમે છો
   તમે છો બંધુ, સખા તમે છો
   તમે છો વિદ્યા, વળી ધન સંપત્તિ
   પણ સર્વ મારું તમે છો હે દેવ.

   6. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्।
   यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्॥

   જો તારી કૃપા ઉતરે તો મુંગો માણસ વાચાળ બને છે,
   અપંગ માણસ પહાડ ઓળંગી જાય છે.
   હે પરમાનંદ માધવ તને વંદન કરું છું.

   7. या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता
   या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
   या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
   सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥

   સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ
   માળા છે જેની સુંદર જળબિન્દુ સમ

   ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા
   વીણાદંડ સોહે જેના કર કમળમાં
   વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું

   સદા વંદન કરે જેને સર્વ દેવો
   બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે

   એવી દેવી મા સરસ્વતી દૂર કરજો
   અમ બુદ્ધિ કુંઠિત કરતા તિમિરને

   8. वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ।
   निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा॥

   હે વાંકી સૂંઢવાળા, વિશાળ કાયા ધરાવતા, અસંખ્ય સૂરજ સમાન કાંતિ ધરાવતા ગણેશ દેવ મારા શુભ કાર્યમાં આવતી અડચણને હંમેશા દૂર કરતા રહેજો

   9. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम्।
   विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम्॥
   लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्।
   वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥

   ભગવાન વિષ્ણુની આ સ્તુતિનો ભાવાર્થ છેઃ શાંતિ પમાડતા, નાગની શૈયા ધરાવતા, નાભિમાંથી કમળ પ્રગટાવતા, દેવોના અધિપતિ, વિશ્વના આધારરૂપ, ગગન જેવા વિશાળ, મેઘવર્ણી કાયા અને શુભ અંગો ધારણ કરતા, લક્ષ્મીજીના પ્રિયતમ, કમળસમ નેત્રો ધરાવતા, યોગીઓ ધ્યાન ધરે છતાં તેમના માટે અગમ્ય રહેતા, ભવનો ભય હરનારા, સર્વ લોકના નાથ વિષ્ણુને વંદન હો

   10. सर्वे भवन्तु सुखिनः।
   सर्वे सन्तु निरामयाः।
   सर्वे भद्राणि पश्यन्तु।
   मा कश्चित् दुःख भाग्भवेत्॥

   સર્વે બની રહો સુખી
   સર્વે બની રહો સ્વસ્થ
   મળે શુભદ્રષ્ટિ સર્વને
   ન દુઃખ ભોગવે કોઈ

62 ટિપ્પણીઓ

62 thoughts on “ગમતા શેર/મુક્તકો

 1. દેવિકાબેન

  સુંદર સંકલન
  મન પ્રસન્ન થૈ ગયું
  એક નાનુ સુચન કરુ?
  શક્ય હોય અને જો હાથવગા હોય તો દરેક શેર નાં શાયર્નું નામ મુકશો તો સંકલન સંપૂર્ણ થયુ તેમ મનાય્
  અભિનંદન અને આભાર!

  Like

 2. આજે પહેલી વાર તમારી ગમતી ગઝલો અને મુક્તકોની મુલકાત લિધી. વર્ષો પછી મારી એક ૪૦ વરસ પહેલાની શરૂ કરેલી નોટબુક,કે જેના પાનાઓ પણ પીળા પડી ગયેલ છે તે ઉઘાડીને વાંચવાનુ મન થઈ ગયુ. કારણ ફક્ત એકજ કે ઘણા મુક્તકો તમારા,મારા, કે આપ્ણા જેવા કેત્લાયે ગઝલ પ્રેમીઓના સંગ્રહ મા હશે જે કદાપી જુના નથી થતા.

  Like

  • પ્રભુ મારા માટે, મારા ઉપર તારું ખાસ ધ્યાન રહે,
   જગ નું શું?ભલે લોકોનું મારા તરફ બેધ્યાન રહે.
   પતન થાય પણ પવિત્ર રહું, મુજમાં એવું ક્ષાન રહે,
   ખોટાં દંભને શું પાળવો, વ્યાજબી અભિમાન રહે.
   મિલન પ્રિય તમારું એવું હોજો કે મારું માન રહે,
   મારુ તો કંઈ નહીં પણ પ્રિયતમા નું સન્માન રહે.
   દર્દ, પીડા થી શું વધારે વિરહમાં, એવું મન ઈનામ રહે,
   ભલે જુદા પડીએ અનિલ, હોઠો પર એનું નામ રહે,

   Like

   • પુરી જિંદગી ની વારતા મને અધુરી લાગે છે,
    કથા કાંઈ નથી તોય લખવી જરૂરી લાગે છે,
    અરથ વગર જીવ્યો આખી જિંદગી આમજ, તોય કહેવામાં જિંદગી મારી સારી લાગે છે,
    અસ્તિત્વ મારું હું જ લોકો ને કહેતો ફરુ,
    એટલે કહેવામાં પણ મને ખુમારી લાગે છે,
    લોકોએ રાખ્યો છે વિશ્વાસ એટલો મારા પર,
    દરેક કામ માં એ સમજે મારી દીલદારી લાગે છે,
    હવે પ્રભુ પણ બધે કહેતા ફરે છે અનિલ
    આ શખ્સને જીવવા કેટલી સમજદારી લાગે છે

    Like

   • પ્રથમ વખત વિવિધ ગઝલકારોની સંગ્રહ વાચી ખૂબ પ્રસન્ટતા થઈ , હું સાહિત્યમાં રસનો જીવ છું.મને આપની રચનાઓ જાહેર કાર્યક્રમોમાં સૌને પ્રેરિત કરવા ઊર્જા આપે છે. તેના પ્રાશ , બંધબેસતા છે.જે ચાહકોને પર્શી જાય
    છે. આપનો મનુભાઈ રાઠોડ.નડિયાદ.મોબાઈલ નંબર 9825552709

    Like

 3. ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
  ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

  ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
  કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.

  ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
  કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

  તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
  તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.

  તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
  તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.

  Like

  • શું કરું આભના તારાઓને જોઈને,
   જિંદગી માં મારા હવે કોઈ આસમાન નથી,
   પ્રેમ ને મારા માપી શક્યાં હોત કદાચ,
   પણ માપવાનું કોઈ સાધન નથી,
   એક પહાડ બની ગયો આપનું આ ગમ,
   ઉઠાવીને ફરીએ છીએ કોઈ તારણ નથી,
   મહામહેનતે પહોંચી શક્યા મંઝિલે અમે,
   તમે કહો છો મને તમારી વાતો કોઈ સ્મરણ નથી,
   ગમ ના કરે એ દરદે અનિલ,
   જિંદગી જીવવાની છે કોઈ કારણ નથી,

   Like

   • નક્કી કરી ને ચાલવા લાગીશ,
    તો મંઝિલ સુધી પહોંચી શકીશ,
    મંઝિલ તો જવા દે યાર,
    તારા દીલ સુધી પણ પહોંચી શકીશ,

    Like

  • કદાચિત દુનિયા માં આવ્યા ભલે ને રહેવું પડે,
   માયા ની માળા ફેરવીને પણ લોભાવવુ પડે,
   ખબર છે કાયમની સગવડ તો પ્રભુ પાસે પણ નથી,
   તોય શ્વાસ ચાલે ત્યાં લગી એને નમવું પડે,

   Like

  • રાહ જોવામાં તારી જાગરણ કરવું પાલવે નહીં,
   પછી આવેલા સપનાનું શું ?
   આને તું આવી ના શકે આખી રાત,
   પછી તારા બહાનાં નું શું ?
   તારા ને મારા વિશે લોકોને ચર્ચા કરવા મળશે,
   પછી આ જમાના નું શું ?
   કદાચ તારી રાહ જોવામાં થઈ જાઉં પાગલ હું,
   પછી આ દીવાના નું ?

   Like

 4. દેવિકા બેહેન તમે સાગર ને ગાગર મા પુરિ દિધો. અમ્ને સાગર મા મસ્ત કરિ દિધા બહુ મઝા આવિ. બહુ બહુ આભાર. આ સગ્ર્હ્ થિ આપે કેટલિ મેહેન્ત કરિ હ્શે તેનો અન્દાઝ આવિગ્યો. શુભેછા સ્વિકાર જો.

  Like

  • પ્રેમ કરૂં તને એ વિચાર સારો છે,
   તું કરે વિચારીને એકરાર તારો છે,
   જોતાવેંત ગમી ગયો એ શણગાર તારો છે,
   વાહ ! મુખેથી નિકળે એ ઉદગાર મારો છે,
   ને શરમથી છુપાવે તું ચહેરો એ અધિકાર તારો છે,
   તને જેને બનાવી સુંદર એ કલાકાર સારો છે,
   એ સાદગી ને તે શોભાવી એ પડકાર તારો છે,
   જોઈને તને વંદન કરું એ નમસ્કાર મારો છે,
   સાંભળતા સંકોચાઈ ગઈ એ અણસાર તારો છે,
   પ્રશંસા તારી તને સંભળાવી અનિલ લલકાર મારો છે,

   Like

  • માનવા જેવી વાત નથી પણ માની લઉં છું,
   દીવો પ્રગટાવવા હું અંધકાર ને બોલાવી લઉં છું,
   ખબર છે નિયમાવલી પ્રક્રુતિ ની મને બરાબર,
   તારા માટે પાનખર પહેલાં બહાર ને બોલાવી લઉં છું,
   સંજોગો એ પ્રભુ અમને નમતા શીખવાડી દીધું,
   માટે કહેવાની પહેલા આ શીશ ઝુકાવી દઉં છું,
   દુશ્મનાવટ હવે પરવડે એવી રહી નથી,
   માટે દુશ્મનો ને દોસ્ત બનાવી લઉં છું,
   મરણના ડરથી અનિલ ક્ષણે ક્ષણે શું મરવું,
   ક્ષણે ક્ષણે જીવનને વધુ શણગારી લઉં છું,

   Like

   • જિંદગી ને સાચવીને લાવ્યો છું મરણના દ્વાર સુધી,
    જેનું રાહ જોતું હતું ક્યારનું મરણ અત્યાર સુધી,
    ઉગતા સુરજને પુજનારા, ખ્યાલ સૂર્યાસ્ત નો રાખજો,
    અંધારૂ લઈ જશે તમને તમારી સવાર સુધી,
    ધન,દોલત,ઝરઝવેરાત,ગાડી, બંગલો ને મારા
    આ બધાનો રૂઆબ માનો,તમે છો કુમાર સુધી,
    સગાં સંબંધી, આડોશી પાડોશી,સ્નેહી,ને મિત્રો,
    સાથ આપશે તમને તમારા કુમાર સુધી,
    તને જીવાડવા તારો શ્વાસ પણ કામ નહીં આવે,
    અનિલ,
    પછી સમય પુરો થતા તને લઈ જશે મરણના દ્વાર સુધી.

    Like

  • તલાશ હતી જેની એમાં તરસ્યા રહ્યા,
   બુઝી નહીં તરસ તોય વરસ્યા રહ્યા,
   જિંદગી ને ઝાડની ડાળી સમજી હલાવતા રહ્યા,
   જેવું મળ્યું, જેટલું મળ્યું,ફળ અમે ખાતા રહ્યા,
   જીવવાના સ્વરની અમને ક્યાં ગતાગમ,
   જેવું આવડ્યું એવું આનંદથી ગાતા રહ્યા,
   પીડા નો ઉત્સવ અધરુપતા થી શું કરવો,
   આનંદથી આંખો છલકાવી રડતાં રહ્યા,
   જરૂર નથી અનિલ જીવન મરજી મુજબ નું હોય,
   જેવું મળ્યું,જેટલું મળ્યું અમે વખાણતા રહ્યા

   Like

 5. તલાશ હતી જેની, એમાં તરસ્યા રહ્યા,
  બુઝી નહીં તરસ, તોય વરસ્યા રહ્યા,
  જિંદગી ને ઝાડની ડાળી સમજી હલાવતા રહ્યા,
  જેવું મળ્યું, જેટલું મળ્યું, ફળ અમે ખાતા રહ્યા,
  જીવવાના સ્વરની અમને ક્યાં ગતાગમ,
  જેવું આવડ્યું એવું, આનંદથી ગાતા રહ્યા,
  પીડાનો ઉત્સવ,અધરુપતા થી શું કરવો,
  આનંદથી આંખો છલકાવી રડતાં રહ્યા,
  જરુરી નથી અનિલ જીવન મરજી મુજબ નું હોય,
  જેવું મળ્યું, જેટલું મળ્યું,અમે વખાણતા રહ્યા,

  Like

  • રજા તું આપે તો દીલની વાત કહી દઉં,
   હું તને ચાહું છું એ પણ કહીં દઉં,
   ફરક તારા ને ઈશ વચ્ચે કંઇ દેખાયો નહીં,
   માટે તારી પુજા કરું ને આરતી ઉતારી દઉં,
   તું રજા આપે તો દીલની વાત કહી દઉં,
   શોધખોળ રહેવા દે હવે જગની જગ પાસે,
   મારું જગ માત્ર તારી આંખોમાં જોઈ લઉં,
   તું રજા આપે તો દીલની વાત કહી દઉં,
   મારા સુખચેન ને સાથનો ખરો આસરો તું છે,
   તારા ખોળામાં માથું મૂકીને મારી જાતને સવારી લઉં,
   રજા તું આપે તો દીલની વાત કહી દઉં,

   Like

 6. શક્ય કરું મનમાં નાવ ચલાવું હું રણમાં,
  ઘણું બધું કહી નાખું જગને હું મૌન માં,
  હું મારામાં શોધી રહ્યો છું ઉદાસી ના કારણો,
  કેવી રીતે રહું લોકો ના હું દીલમાં,
  સાવ ખાલી થઇ ગયો હું જાતને વેચી વેચીને,
  ખાલીપો મળ્યો મને માનવતાની શોધમાં,
  અભરાઈ ઉપર મુકી દીધા મારા સ્વ ના નાદ ને,
  હું શું કરવા મરું આમજ મારી જિદ માં,
  જગના ભરોસે અનિલ જગને જીતવા,
  રડું છું, લડું છું, રહું છું, હું મારા જ ઘરમાં,

  Like

 7. વિહ્વળ છે મન વ્યાકુળ છે મન,ચિત કંયાય લાગે નહીં,
  હું ચાલ્યો જાઉં એકાંત માં,મન મારું કંયાય ભાગે નહીં,
  નિર્મળ, નિર્દોષ બની જાઉં,એક બાળક ની જેમ,
  વ્યોમમાં ભટકતા નિર્જળ વાદળની જેમ,
  કુતુહલવશ હસતો રહ્યો ભાળ મારી લાગે નહીં,
  બેધ્યાન બની ધ્યાન ધરું, પુજા, અર્ચના, પ્રાર્થના થી દૂર,
  લોકોના સ્વાર્થ,લોભ કામ, લાગણી ભાવના થી દૂર,
  મનને બનાવી શાંત રહું, અશાંત કાંઈ લાગે નહીં,
  આનંદની દષ્ટિ, આનંદની સુષ્ટી, આનંદની લહેર રાખું કાયમ,
  સુંદર, સ્વચ્છ, સ્વરૂપ ધારણ કરી મનને એકાગ્ર રાખું કાયમ,
  બનાવી અવકાશ શૂન્ય અનિલ ઝાળ કાંઈ લાગે નહીં,

  Like

 8. દુઃખ, દર્દ અને ઉદાસીનતા, કોઈ વાત નથી,
  તોય મન વેદનાય છે,શી ખબર,
  આંખોમાં પણ આંસુ આમ તો નથી,
  તો આંસુ ઓ લુછાય છે,શી ખબર,
  રાહ જોવાતી હતી મહેફિલ માં જેની,
  એ પણ આવી ગયા નજરમાં,
  તોય રાહ જોવાય છે,શી ખબર,
  મુલાકાત વગર મિત્રોય ઘણા મળ્યા,
  માત્ર હસ્તધૂનન કરીને ગયા એ ઘણા,
  તોય મળવાને ઝંખવાય છે,શી ખબર,

  Like

 9. મને નહીં, મારા પ્રેમને અજમાવી તો જુઓ,
  બસ એકવાર દીલને લગાવી તો જુઓ,
  ગાલ ગુલાબી પણ લાગશે સારા,
  નીચે ચહેરે. ધીરે-ધીરે શરમાઇ તો જુઓ,
  નજર કાતીલ છે કે નશીલી નજર,
  અંદાજે નજર થોડી થોડી માડી તો જુઓ,
  વગર ધોયે પણ ચહેરો ચમકશે ખરો,
  પાલવથી પસીનો લુછી તો જુઓ,
  કમરની લચકમચક પણ જોઈ લઈએ અમે,
  થોડા વરણાગી થઈ ચાલી તો જુઓ,

  Like

 10. તારી મુશ્કાન ની મેં એક શાયરી બનાવી લીધી,
  મારા દીલના પુસ્તક માં પણ લખાવી લીધી,
  સમયે આવે તને એ મેં સંભળાવી લીધી,
  કંઈ સમજું પહેલા તે નજરો પણ નમાવી વધી,

  Like

 11. મન નહોતું જરાયે રમવાનું, રમાઇ ગયું,
  બાજી હારવાની હતી ને જીતાઈ ગયું,
  સતત કાળજી રાખી આપના પ્રેમ ની,
  તે છતાં ખબર પડી ના ક્યારે બોલાઇ ગયું,
  સપનાં તારા જોવા હું જરા આડો પડ્યો,
  મળી ગઈ આંખ ને સવાર સુધી ઉઘાઈ ગયું,
  તારા જ નામનું ગીત એક લખી રાખ્યું છે,
  તને સંભળાવવાનું હતું ને ભુલાઈ ગયું,
  આમતો અમસ્તો બેઠો હતો સાકી તારી મહેફિલ માં,
  દોસ્તો એ ધર્યો જામ ને પીવાઈ ગયું,
  કોના થકી પ્રેમની જગને ખબર પડી અનિલ,
  નહોતું લેવાનું તારૂં નામ પણ લવાઈ ગયું,

  Like

 12. કોઈ વખત આંખ ઠારીને તો જો જે,
  મળે રાહમાં તો મલકારો તો કરજે,
  તારો એ ચહેરા, તારો અવાજ, તારી એ ચાલ,
  ત્યાં ગાલે કરેલો હાથના સ્પર્શનો એ વ્હાલ,
  મગજમાં નાનો ચમકારો તો કરજે,
  હાથમાં હાથ નાખીને ચાલવાની મસ્તી,
  મરી વાતો માં તું કેવું જોરદાર હસ્તી,
  ફરી ચહેરા પર એ હાસ્યનો મારો તો કરજે,
  તારી નજર ચૂકવીને નાખેલું માથામાં ગુલાબ,
  પછી લટકમટક ચાલવાનો તારો એ રૂઆબ,
  એ ચાલનો સુગંધ સાથે પડછાયો તો કરજે,
  ઘણી રાતો આમજ રહી છે મુલાકાતો વગરની
  તારી યાદો પડી રહી છે ઘણી વાતો વગરની,
  મળે ફુરસદ એકવાર નજારો તો કરજે,

  Like

  • વચનમાં વજન નહોતું,દિલ તુટી ગયું,
   હકીકતમાં એ પ્રેમી ન હતા એની ખાતરી થઈ,
   દીલ તોડવામાં પણ ક્ષણિક વિચાર ના કર્યો,
   એ જરાય દીલદાર ન હતા એની ખાતરી થઈ,
   નજર ઝુકાવી ને,નજર બચાવીને, જોવાની આદત,
   કેટલી ધારદાર હતી એની ખાતરી થઈ,
   બીજાને ધક્કો મારી ને પોતે પડી જાય,
   કેવી સહાનુભૂતિ હતી એની ખાતરી થઈ,
   હું હતો મુર્ખ એના પ્રેમમાં બન્યો પાગલ,
   અનિલ મેં જ મારી અવગણના કરી એની ખાતરી થઈ,

   Like

 13. મળી દોસ્તી, નિભાવી દોસ્તી,જડી દોસ્તી, બનાવી દોસ્તી,
  સાથ કદમ નો માંગ્યો, મંઝિલે મંઝિલે, ચાલી દોસ્તી,
  દીલમાં રાગ દ્વેષ ના મનદુઃખ રહે, મળી મને એ ભેદ વગરની દોસ્તી
  દોસ્તો ના દોસ્તી ના શોખ ખાતર નિભાવી પડી ઘણી દોસ્તી,
  અમારી ખામીઓ ની યાદી નીચે ખૂબીઓ માં એને ફેરવી દોસ્તી,
  હાલકડોલક થતી જ્યાં જીવન નાવ, ત્યારે ત્યારે એને તારી દોસ્તી,
  મારા લીધે એ બદનામ પણ થયો તોય હસીને વાળી દોસ્તી,
  મળે જો મોકો એવા દોસ્તો નો,તો મારે પણ નિભાવી છે એવી દોસ્તી,
  મારી આંખો ના આંસુઓમાં અંનિલ આજે ફરી ભીની થઇ દોસ્તી,

  Like

 14. આ ધરતી ઉપરની બેનમૂન કલાકૃતિ એટલે એક સ્ત્રી,
  ઈશ્વર ને પણ અચરજ માં મુકી દેતી પ્રકૃતિ એટલે એક સ્ત્રી,
  નારી સંવેદનાને નિરુપણ નો નિખાર એટલે એક સ્ત્રી,
  તમામ સુષ્ટિ ની સુંદરતા નું સમીકરણ એટલે એક સ્ત્રી,
  સહનતા ને શોષણની શિલ્પકાર એટલે એક સ્ત્રી,
  આક્રોશ માં આક્રમક વલણ અપનાવે એટલે એક સ્ત્રી,
  સમજી ને સમાજને સમજાવે એટલે એક સ્ત્રી,
  નીર્બળ રહીને શક્તિ નો પરચો બતાવશે એટલે એક સ્ત્રી,
  દરેક પાત્ર માં પ્રેમને બરાબર ઠાલવે એટલે એક સ્ત્રી,

  Like

 15. હૈયા ના હેતુ નું કંઈક તો મુલ્ય હશે,
  અંહી હું વહેવાર કે વેપાર નથી કરતો,
  પ્રભુ તારો ધર્મ માનવતાનો હું નિભાવું છું,
  પણ મંદિરે જઈ ને તારા દીદાર નથી કરતો,

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s