સંગ્રહ

નિત્યનીશી-૨ઃ ચંદરવો-૭

ઑગષ્ટ, ૨૦૨૩

આજે સવારે ‘શાવર’ દરમ્યાન એની ધારાઓ વચ્ચે એક વિચાર ઝબક્યો. કદાચ કાલે રાત્રે બેકયાર્ડમાં મોડા સુધી આકાશના તારાઓ જોતી રહી હતી તેથી જ હશે. ભીતરથી કશુંક તારાઓની જેમ કહેતું હતુંઃ

I like to shine by own light.

બીજું કારણ કદાચ એ પણ હોઈ શકે કે, કાલે રાત્રે I love Lucy નો એક જૂનો ‘ઍપીસોડ જોતાં હતાં; જેમાં લ્યુસી એક નીરવ શાંત જગાએ રાત્રે સૂતાં સૂતાં બોલે છે કે, OMG this peace is SOOO noisy!! લ્યૂસીનો સ્વભાવ બહુ બોલકો છે એટલે શાંતિ એને અકળાવનારી લાગે છે, પણ જરા ઊંડાણથી વિચાર્યું તો એ વાક્યમાંથી કેટકેટલા અર્થો નીકળી આવ્યા! કેવો વિરોધાભાસ અને છતાં કેટલો અર્થસભર! શાંતિમાં કદી ઘોંઘાટ હોય?

જંગલમાં વસ્તી ન હોય તેથી આમ તો શાંતિ હોય, પણ એ શાંતિ, એ મૌન પણ કેટલું બોલકું હોય છે! પ્રકૃતિના એક એક તત્વો શાંત છે પણ એમાં વાતોનો ખજાનો છે. પશુ-પંખી, ઝાડ-પાન, ઠંડી-ગરમી, વાદળ-વરસાદ, આભ-ધરતી, ચાંદ-સૂરજ, પર્વત-ઝરણાં, નદી-સાગર, વસંત-પાનખર, રસ્તા-વાહન…આ બધાં જ વચ્ચે સતત મૌનસંવાદ ચાલુ જ હોય છે અને તે દરેકનું કામ નિર્ધારિત સમયે અને સ્થળે થયાં જ કરતું હોય છે. નવાઈની વાત તો એ કે, ત્યાં કશે વાણીનો વ્યવહાર નથી. વિચારતાં વિચારતાં ઘણાં વિસ્મયો મળે છે અને વળી વધારે ઊંડા ઉતરતાં જતાં એમાંથી જ જવાબો પણ જડે જ છે.

વળી જવાબો પણ પાછા વ્યક્તિએ વ્યક્તિએ જુદાજુદા. કોઈને ડર લાગે તો કોઈને સૌંદર્ય દેખાય. કોઈને વિસંવાદ વર્તાય તો કોઈના હૈયાંમાં સંવાદિતાના સૂરો ગૂંજી ઊઠે. જેવી જેની દૄષ્ટિ એ મુજબ એનું સંવેદનાતંત્ર ખળભળે.

કુદરત અને જીવન ક્યાં જુદાં છે! ફરક માત્ર એ છે કે, એકમાં વાણીનો કોલાહલ છે તો બીજામાં શાંત કોલાહલ. લ્યૂસીની Noisy peace! એટલે જ પ્રશ્ન એ થાય છે કે, માણસને વાણી કેમ મળી હશે? જરૂર છે એની? ઘણીવાર એનો દૂરુપયોગ થતો હોય છે અથવા તો પછી વાણીને કારણે જ ગેરસમજો થતી જોવા મળે છે.

-હજી આગળ વિચારું ત્યાં તો ફોનમાં એક Reminding message “ડીંગ’ થયો. સાંજે પડોશીઓ સાથે રમત-ગમત અને સામૂહિક ભોજન છે. ગઈ વખતે મઝા આવી હતી તેથી જવું ગમે છે. અલગઅલગ દેશના પડોશીઓ એક જગાએ ભેગાં થાય ત્યારે વિશ્વ વચ્ચે બેઠાં હોઈએ તેવું લાગે. જાણે ‘કોરીકટ પાટી પર એકડો’. ઘણું નવું શીખવા/જાણવા અને માણવા મળે.

ફરી પાછો એક message? ઓહ.. હજી કાલે તો એક મિત્રની વિદાયના સમાચાર હતા અને આજે ફરી બીજા? ઉપરાછાપરી અચાનક બે મિત્રોની વિદાયના સમાચાર સાંભળવામાં આવ્યા.

એક તો એચ.કે.કોલેજમાં એક જ બેંચ પર સાથે બેસીને સંસ્કૃતનો અભ્યાસ કરેલ મિત્ર અને બીજા જેમણે થોડા વખત પહેલા મારી એક ગઝલનું સ્વરાંકન કરી પોતે ગાયું પણ હતું તે. જીવનની આ આવનજાવન કેવી છે? કદાચ એ જ તો એનો મતલબ છે. ખેર!

–આટલું લખ્યા પછી રોજિંદા દૈનિક કામોમાં પરોવાઈ ગઈ. દિવસ ઝડપથી પૂરો થઈ ગયો, છેક અત્યારે રાતના સમયે આ સવારની અધૂરી રહેલી ડાયરી લઈને બેકયાર્ડમાં બેઠી. હવે આ એક નિયમ થઈ ગયો છે. આ ઋતુમાં છેક ૯ વાગ્યા સુધી અજવાળું રહે છે. ઉઘડતી સવારની જેમ જ પડતી જતી રાત- કહું કે, ઊતરતા જતા અંધકારના ઓળા પણ જોવા ગમે છે; એટલે લખવાનું આગળ વધારું તે પહેલાં તો ફરીથી ખીલતા તારાઓની ચમક તરફ ખેંચાતી ગઈ. સવારના ‘શાવર’ દરમ્યાન એની ધારાઓ વચ્ચે આવેલો પેલો વિચાર મનમાં હલચલ મચાવતો રહ્યો. જાણે કશુંક બહાર આવવાની તૈયારીમાં હતું.
I like to shine by own light.
Neither from Moon at night
Nor from Sun’s daylight.
Just deep inner of own sight…

સામેના તળાવના તળિયેથી ચારેબાજુ ફૂટતી જતી ફુવારાની રંગીન ધાર અને એનાં સહસ્ત્ર ટીપાંઓની જેમ વિચારો મનમાં ગોળગોળ ઘૂમરાયા કરે છે. બસ એમ જ. હવે એને જ પડવા અને સ્વયં પ્રસરવા દઉં એમ વિચારી આ ડાયરી બંધ કરું. ફરી ક્યારેક ખોલીશ. ક્યારે? ક્યાં ખબર છે?!!ઉઘાડવાસ ચાલ્યા જ કરશે. આભલે ટમટમતા તારાઓના ચંદરવાની જેમ…જીવનની જેમ.

—દેવિકા ધ્રુવ

ઑગષ્ટ ૨૦૨૩

નિત્યનીશી-૨ ચંદરવોઃ ૬

નિત્યનીશી ૨.

ચંદરવો -૬   :    દેવિકા ધ્રુવ         :    ફુલશીયર, હ્યુસ્ટન

જુલાઈ, ૨૦૨૩

ડાયરીનું પાનું ખોલું તે પહેલાં વિચાર્યું હતું કે, પૉર્ટલેન્ડના પ્રવાસ અંગે લખવું છે. પણ શરૂ કરવા બેઠી છું ત્યારે હવે આંખ સામે પહેલું જે દૄશ્ય આવે છે તે સવારમાં ખુલ્લાં ખેતરોમાં ચરતી ગાયોનાં ધણનું. એ ચિત્રને ડાયરીમાં દોરવાનું એક વિશેષ કારણ છે.

અત્યાર સુધીમાં પશુ-પંખી-પ્રાણીઓનાં વાણીવિહીન જગતની, વ્યવહારની, એકબીજાંની કાળજી વગેરે વિશે ઘણું બધું વાંચ્યું છે, જાણ્યું છે અને અવલોક્યું પણ છે. પરંતુ ગાયોની કડક શિસ્તબદ્ધતા જિંદગીમાં પહેલી વાર, નજર ન ખસેડી શકાય તે રીતે સતત ચાળીસેક મિનિટ સુધી જોવા/માણવા મળી. એમાં એવું હતું કે, લગભગ ૨૦૦થી પણ વધારે ગાયો તેમની નક્કી કરેલ જગાએ જઈ રહી હતી. સૌથી પ્રથમ એક ગાય, લીડરની જેમ આગળ ચાલે; તેની પાછળ પાછળ દસેક ગાયો ચાલે. થોડે આગળ જઈને પેલી પહેલી ગાય પાછું વળીને ત્રાંસી નજરે જુએ અને ઊભી રહે. પછી પાછળની દસે ગાયો આવી જાય એટલે તેમની સાથે એ થોભે. જ્યાં સુધી પાછળની બીજી ગાયોની લીડર-ગાય ચાલવાની શરૂઆત ન કરે ત્યાં સુધી રાહ જુએ. જેવું બીજું ગ્રુપ ચાલવાની શરૂઆત કરે તે પછી જ એ પહેલું ગ્રુપ આગળ ચાલે. એ પ્રમાણે એક પછી એક બધી ગાયો અનુસરે. બરાબર એ જ રીતે એ બધી ગાયોનાં લગભગ ૨૦-૨૨ જેટલાં ગ્રુપ્સ બને અને બધાં જ ખૂબ વ્યવસ્થિત, હારબંધ અને શિસ્તબદ્ધ રીતે ચાલે. જોવાનું એટલું આશ્ચર્યજનક લાગે કે વાત નહિ. પછી એક નાનકડું વાછરડું ઘણે દૂર રહી ગયું હતું તો છેલ્લાં ગ્રુપની લીડર-ગાય પાછી વળીને વાછરડાને લઈ આવી. વળી ત્યાં સુધી તેનું ગ્રુપ પણ રાહ જોતું ઊભું રહી ગયું હતું! ઓહોહોહો.. અદ્ભૂત દૄશ્ય જોવા મળ્યું. આ તે કેવી સમજણ! કેટલી નૈસર્ગિક ચેતના! ઘડીભર લાગે કે જાણે શિક્ષકો પોતપોતાના વર્ગના વિદ્યાર્થીઓને દોરી જતા ન હોય! તે પછી તો ઈશ્વરની આ લીલા પર, મૂંગા વિશ્વના વિસ્મયો પર વારી જવાયું. માનવીને વાણી શું કામ મળી હશે?! એવા  કંઈ કેટલાયે વિચારો મન પર સવાર થઈ ગયા.

બીજી તરફ  નજર પડી કે, કેટલાક લોકો માત્ર ફેમિલી માટે જ ખેતી કામ કરતા હતા. કશું ધંધાકીય નહિ. એકદમ વ્યવસ્થિત. લીલી અને તાજી ભાજી ઉગાડે, રોજ ભોજન પૂરતી ચૂંટે. રોજેરોજ સવાર-સાંજ નિયમિત કાળજીપૂર્વક જતન કરે. વિવિધ પ્રકારની ‘Berry’-Blueberry, Strawberry, Blackberry અને લીલી  grapes પણ જોવા અને ચાખવા મળી. તે લોકોની પાસે તો જઈ શકાયું અને બધી વાતો સાંભળતાં સાંભળતાં  મોસાળમાં માણેલા ગામનું દૄશ્ય ખડું થઈ ગયું. અતિ પ્રેમાળ બા(નાની)ની યાદો પણ ફરકી ગઈ.

આ બધું ડાયરીમાં લખતાં રહેવાનું ખાસ કારણ એ છે કે, સમયની સાથે એટલે કે, ઉંમરની સાથે ઘણું બધું ભૂલાઈ જાય છે. ક્યારેક કશું યાદ કરવું હોય તો યાદોને ખેંચી, ઢંઢોળી, પાછળની કડીઓ સાંધીસાંધી છેવટે જે જોઈતું/કહેવું/માણવું હોય છે તેને, જે તે સમય અને પ્રસંગની સાથે ફરી પાછું નજર સામે લાવવું પડતું હોય છે. એટલે ફોટો-આલ્બમની જેમ ડાયરી તો તરત બધું હાજરાહજૂર કરી દે છે તે ફાયદો કંઈ ઓછો નથી! અને ભવિષ્યમાં કોઈ વાંચે તો એ વળી બીજો plus point!

જુલાઈ  , ૨૦૨૩

-થોડા દિવસ પહેલાં એક અણધાર્યા સમાચાર ફોનમાં “ડીંગ” અવાજ સાથે મળ્યા; વલીભાઈ મુસાની વિદાયના. હવે તો એ ઘટનાને બે અઠવાડિયાં વીતી ગયાં. છેલ્લાં થોડાં વર્ષોમાં સાહિત્યજગતે ઘણા સર્જકો ગુમાવ્યા. બધા જ અવારનવાર યાદ આવે છે અને જેમની સાથે વિશેષ પરિચય થયો હોય તેમને માટે તો આંસુ સરે જ. વલીભાઈ તેમાંના એક હતા. ‘હતા’ શબ્દ લખવાનું આકરું લાગે છે. યોસેફ મેકવાનના સમાચાર પણ આમ જ મળ્યા હતા. ભારતની મુલાકાત દરમ્યાન એ બંનેને મળવાનું બનતું રહેતું. વલીભાઈ એક અચ્છા ઇન્સાન હતા, એક સારા સાહિત્યકાર હતા અને ઉમદા મિત્ર પણ હતા. ભાઈ શ્રી નવીન બેંકરના તો નિકટના મિત્ર એટલે દિલ ખોલીને બંને એકબીજા સાથે વાતો કરતા. હવે બંને મળી ત્યાં ઉપર એકબીજાને પ્રેમથી ભેટીને મળશે અને સાહિત્યગોષ્ઠી કરશે એ વિચારે આંખો ભીંજાય છે. આ વિચાર પણ કેવો છે! એક પ્રકારની શ્રદ્ધા જ ને? બાકી જનારા કોણે આવીને કહ્યું કે ઉપર ગયા પછી  શું થાય છે? સ્વર્ગ અને નર્કની કલ્પના જ છે, બાકી ખરેખર તો બધું અહીં જ છે અને મૃત્યુ તો, મૃત્યુ પછીના જીવનનો એક પડદો જ કહી શકાય-જો નવો જન્મ અને જીવન હોય તો-

નવીનભાઈના ઉલ્લેખે અને  નજીકમાં આવતી રક્ષાબંધનના વિચારે, યાદો વધુ ઘેરી બની ડાયરી ભીની કરે તે પહેલાં અહીં જ થોભવું પડશે. ખુદા વલીભાઈની  રૂહને જન્નત બક્ષે એ જ દુઆ સાથે…ઓહ..ફરી પાછી એ જ કલ્પના અને શ્રદ્ધા “જન્નત”ની…

અસ્તુ.

જુલાઈ ૮, ૨૦૨૩

—દેવિકા ધ્રુવ

જુલાઈ ૨૦૨૩

નિત્યનીશી-૨. ચંદરવોઃ ૫..

નિત્યનીશી ૨.

ચંદરવો -૫   :    દેવિકા ધ્રુવ         :     ફુલશીયર,હ્યુસ્ટન
***************************************

મે ૧૬. ’૨૩

-નવા ઘરના આ આકાશી ચંદરવા નીચે ઊગતી સવાર રોજ નવી અને જુદી જ લાગે છે. સોનેરી હોય કે વાદળછાયી હોય, વરસાદી હોય કે કોરીકટ હોય, એનું જે પણ રૂપ હોય ખૂબ જ મઝાનું અનુભવાય છે. હજી તો છ મહિના પણ નથી થયા છતાં બહુ ઝડપથી આ જગા સાથે  ગજબનો લગાવ થવા માંડ્યો છે; અને જેની સાથે એકવાર પ્રીત બંધાય તેને છોડીને ક્યાંય કેવી રીતે જવાય એવો એક નવો ભાવ જાગવા માંડ્યો છે! રોજ સવારે મનમાંથી એક-બે નવા વિચારો સ્ફૂરે છે. એટલું જ નહિ, ખાસ એને લીધે જ સવારનો એક મનગમતો ક્રમ, નિયમ બંધાવા માંડ્યો છે. મોટેભાગે ડાયરી પણ સવારે લખાવા માંડી છે.

સૂરજ તો રોજ નખરાં કરતો ઊગે. એને જોવા માટે  સવારે વહેલાં ઊઠી જવાય છે.  કારણ કે, ક્યારેક એ હોળીનો ગુલાલ છાંટતો, પાણીમાં પ્રતિબિંબ થઈને તરતો આવે તો ક્યારેક પૂર્વના અગ્નિરથ પર સવાર થઈ ચારેદિશાએ સોનું વેરતો આવે. રોજ્જે એ અવનવાં રૂપો ધરી દેખાયા કરે. ઊંડેથી આહ ને વાહના, બસ, વિસ્મયો  જ ઝરે . આમ ચેતનાને ઝંકૃત કરે એટલે એ તો ગમે જ. પણ વચમાં એક દિવસ તો ખૂબ ધુમ્મસ હતું; ત્યારે પણ એમ લાગે કે, દૂર સામેના મકાનની બત્તીના ગોળામાંથી ફેંકાતા પ્રકાશમાંથી જે ધુમ્મસ સરે છે, તે જાણે આભ અને અવની વચ્ચે ઝરમરતો વરસાદ તસ્વીર બની તરવરતો ન હોય! એમ કંઈક ઑર જ લાગે.

આજે વળી વાદળાં છે; વરસાદ નથી. ખાસ ગમવા જેવું કશું જ નથી. છતાં પણ તળાવ ઉપરથી ઊઠતી પવનની ઠંડી લહેર, પડું પડું થતા વરસાદની સુગંધ, વાદળાંનાં રૂંવાડાં (!)જાણે કે ગજબનો કેફ જન્માવે છે! માટીની સોડમ, અમદાવાદની જેમ અહીં પણ મીઠી લાગે છે. ‘ગાઈડ’નું ગીત સાંભરે છેઃ “આજ ફિર જીનેકી તમન્ના હૈ, આજ ફિર મરનેકા ઈરાદા હૈ”.. આવી પ્રસન્નતા છતાં, “ પછી.. મારા અસ્થિ અહીં જ પધરાવજો” એમ બોલાઈ જ ગયું! સારું થયું એક ફોન આવ્યો ને વિચારવહેણ બદલાયું.

કેટલાક દિવસથી  બે પંક્તિ મનમાં આવનજાવન કરે છે.
“તુલસીને ક્યારે કોઈ દીવો પ્રગટાવે એમ સાંજ જરા હળવે ઝુલાવે.
તરંગ-ઝરૂખે જે ઝુલતાં’તાં ગીત હવે, નજરુંના ગોખે
  ઝીલાવે.  

આવો મઝાનો ઝુલો મૂકીને જવાની અને તે પછીની વાત ક્યાં વિચારવી!
મનમાં સ્મિત ફરકી જ ગયું.

મે ૨૨.’૨૩

વચમાં થોડા દિવસ ખાસ કશું વિશેષ લખાયા વિના ડાયરી એમ જ પડી રહી. આજે ખૂબ ખૂબ સમય મળ્યો. સાંજથી ઇન્ટરનેટ, ફોન અને ટી.વી. બધું બંધ થઈ ગયું હતું. આવું બેત્રણ વાર બન્યું. એટલે કુદરતની સામે અને સાથીદાર સાથે બેસી વાતો કરવી કે પછી હાથમાં પુસ્તક લઈ વાંચવા કે લખવા બેસી જવું, તે સિવાય ખાસ કંઈ કરવાનું હતું નહિ. ઘણા દિવસથી રમતી પેલી બે પંક્તિઓ પણ આવા સમયે વધારે આગળ ચાલી અને મઠારી! ડાયરી પણ રાત્રે જ હાથમાં લીધી.

‘ટેક્નોલૉજી’ ન હોય તો આવું શાંતિભર્યુ સુખ તો મળે જ; પણ તકલીફો ઘણી થાય એ ચર્ચા થઈ અને અનુભવ પણ થયો. દા.ત. પરિવારમાંથી કોઈ ફોન કરે અને બંનેમાંથી કોઈનો ન ઉપડે તો કેવી ચિંતાઓ થાય. બીજું ધારો કે, ‘ઈમરજન્સી’ ઊભી થાય અને તાત્કાલિક જે કરવું જોઈએ તે થઈ ન શકે તો શું થાય? અથવા ખાસ કારણસર કોઈ મિત્ર કે સ્વજન, આપણી મદદ માટે કે પછી સમાચાર માટે ફોન/ટેક્સ્ટ વગેરે કરતાં હોય અને ટેક્નિકલ તકલીફોને કારણે આપણાં સુધી પહોંચી જ ન શકે અને આપણને ખબર જ ન પડે તો? ટેક્સ્ટ કે વૉટ્સઍપ પણ ન હોય તો કનેક્શન ક્યાં અને કેવી રીતે કરવાં? ખરેખર આજે તો કોઈને ટેક્સ્ટ પણ ન થઈ શકે તેવી પરિસ્થિતિ હતી. રાતનો સમય એટલે બહાર પણ ક્યાં જઈ મુશ્કેલી દૂર કરીએ! ઘણી બધી વાતો અને અનુભવો થયા પછી વિચાર તો એ આવે કે જ્યારે આ બધાં ટેક્નોલૉજીનાં રમકડાં ન હતાં ત્યારે જીવન તો જીવાતું હતું પણ હવે બધું બંધ થાય તો ઘણું બધું ખોરંભાઈ જાય એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આપણે નવા યુગમાં,આ પ્રકારની સગવડોથી કેવાં ટેવાઈ ગયાં છીએ! ચાલો, સાંઈ કહે છે તેમ ”रामजी भला करे”. 

 મે ૨૬ ‘૨૩

ઘણાં વખત પછી એક સરસ નિબંધસંગ્રહની ડિજિટલ કોપી વાંચવા મળી. ૨૦૪ પાનાંમાં પથરાયેલો એ નિબંધસંગ્રહ ‘પારિજાત પૅલેસ’ વાંચીને મન પ્રફુલ્લિત થઈ ગયું. તરત જ તેનું અવલોકન કરી પ્રતિભાવ લખવા કલમ તૈયાર થઈ ગઈ. આનંદપૂર્વક  લખ્યા પછી વધારે ખુશી થઈ. સારાં પુસ્તકોનો પ્રભાવ આવું મનગમતું કામ કરાવીને જ જંપે. મનમાં રમતી પેલી બે પંક્તિની રચના જે આગળ ચાલી હતી તે પણ મઠારીને  આજે પૂર્ણ કરી.

જુન ૧,૨૩

ગઈકાલે સાંજે બેકયાર્ડમાં બેઠાં બેઠાં ફરી પાછાં ખૂબ જૂની ગલીઓમાં વળી ગયાં. ફરી એટલા માટે કે થોડા દિવસ પહેલાં જ એક દૂરના મિત્ર સાથે જૂની વાતો થઈ હતી અને આજે કદાચ એના જ અનુસંધાનમાં
૬-૭ દાયકા પહેલાંની રહેણીકરણી
, સમાજ, પરિવાર, વ્યક્તિઓ, મિત્રો, શિક્ષકો કંઈ કેટલુંયે યાદ કર્યું. ખૂબ મઝા આવી. એના ઉપરથી મનમાં એક આયોજન થવા માંડ્યું છે. જોઈએ કેવો આકાર લે છે. સંસ્કૃતમાં એમ કહ્યું છે કે, मनसा चिन्तिंत्ं कार्यं वचसा प्रकाशयेत् अन्यलक्षित कार्यस्य अतः सिद्धिर्न् जायते॥  એટલે હાલ તો  એ વિશે ચૂપ. હમણાં તો હવે પાંચેક વર્ષ પછી આવતીકાલે પ્લેનની મુસાફરી કરીશું. તે પણ પરિવાર સાથે એટલે એનો પણ ખૂબ જ આનંદ. બે-અઢી વર્ષ કોવિડ-૧૯ને લીધે અને બાકીના એટલાં જ વર્ષો જૂનાં/નવાં ઘરને સમેટવાં/સજાવવાં વચ્ચે સડસડાટ નીકળી ગયાં. એટલે નાનીમોટી તૈયારી કરીશું. પુસ્તક અને ડાયરી તો સાથે ખરાં જ. પૉર્ટલેન્ડની નવી વાતો હવે નવા પાને.

અસ્તુ.

–દેવિકા ધ્રુવ 

મે ૨૦૨૩

નિત્યનીશી-૨. ચંદરવોઃ ૪

નિત્યનીશી ૨.

ચંદરવો -૪       દેવિકા ધ્રુવ            ફુલશીયર

એપ્રિલ, ૨૦૨૩

તે દિવસે વળી એક નવો અનુભવ થયો. આમ તો Grandparents Day હતો. પણ સવારથી બપોર સુધીનો સમય એક વિદ્યાર્થીની જેમ હાઈસ્કૂલમાં પસાર કરવાનો મોકો મળ્યો.

ટેક્સાસ રાજયના કૅપીટલ ઑસ્ટીનની એક પ્રાઈવેટ સ્કૂલ, St. Stephen’s High School તરફથી આમંત્રણ હતું તે મુજબ સવારના સાડા સાત વાગે ત્યાં પહોંચી ગયાં. એકરોમાં પથરાયેલી અને કૉલેજના કેમ્પસ જેવી વિશાળ હાઈસ્કૂલમાં પ્રવેશતાંની સાથે જ શિસ્તની એક હવા સ્પર્શી ગઈ. પાર્કિંગથી માંડીને છેક પાછાં વળતાં સુધીની વ્યવસ્થા નોંધનીય હતી.

સૌથી પ્રથમ તો તેના આંગણમાં ચાલતાં હતાં ત્યાં જ સંગીત અને વાજિંત્રોથી સ્વાગત થઈ રહ્યું હતું. સહાયક સમિતિ સેવામાં હાજર હતી. રજીસ્ટ્રેશન ટેબલ પર નામોનાં ‘લેબલ્સ’ તૈયાર હતાં.  Grandparents સાથેના ફોટા માટે સુશોભિત કરેલા બેકગ્રાઉન્ડ સાથે ફોટોગ્રાફર પણ તૈયાર. તે પછી સવારના નાસ્તાના હૉલ તરફ સૌને દોરવામાં આવ્યાં. પ્રારંભિક આ વિધિ પછી કાર્યક્રમની વિગતો દર્શાવતી નાનકડી પુસ્તિકા મળી તે મુજબ સૌને ક્લાસમાં જતાં પહેલાં ‘ચેપલ’ નામના હૉલમાં જવાનું હતું. ત્યાં જતાં એક આશ્ચર્ય અનુભવવા મળ્યું.

 “સર્વધર્મ સમભાવ” નો ઉદ્દેશ ધરાવતી આ હાઈસ્કૂલના એક બીજાં હૉલની ભીંત ઉપર કૃષ્ણ-રાધાનું ‘પેઈંટ’ કરેલું ખાસ્સું મોટું ચિત્ર જોવા મળ્યું. ખૂબ આનંદ થયો; એ વિચારે કે હજારો માઈલ દૂરની આ એક અમેરિકન હાઈસ્કૂલમાં ભારતીય સંસ્કૃતિ ધબકે છે!

ત્યારબાદ ‘ચેપલ’માં સ્વાગતના માત્ર બે શબ્દો પછી તરત જ Instrumental Music સાથે અરેબિયન ગીત-સંગીત શરૂ થયું. માર્ગદર્શકના આંગિક હાવભાવ અને નિર્દેશસૂચક હાથની મુદ્રાઓમાં પણ હળવાશથી માંડીને જોરદાર  સંગીત છલોછલ છલકતું હતું. તે પછી ‘My Grandparent’s Blessings’ નું ભાવભીનું વાર્તાવાંચન થયું, સામૂહિક પ્રાર્થના થઈ અને કશાયે ઝાઝા દંભી પ્રવચનો વગર એ ‘સેશન’ સંપૂર્ણ થયું.

તે પછી પૌત્ર-પૌત્રી સાથે સૌને ક્લાસમાં જઈ બેસવાનું હતું. પહેલો ક્લાસ લૅટિનનો હતો જેમાં લૅટિન શબ્દોની સમજૂતી સાથે જુલિયસ સીઝર વિશેના લેખનો એક ભાગ શીખવાડવામાં આવ્યો. તે દરમ્યાન ૫૦-૫૫ વર્ષો પૂર્વેના વર્ગોનું સ્વાભાવિક સ્મરણ થયું. હા, તે પહેલાં થોડો સમય FREE PERIODનો હોઈ લાયબ્રેરીની મુલાકાત લઈ શકાઈ. ત્યાં પ્રિય વિભાગ કવિતાના વિભાગમાં લટાર મારી. પાબ્લો નેરુદાથી માંડીને કંઈ કેટલાંયે વિશ્વભરના સિદ્ધહસ્ત કવિઓની કવિતાનાં પુસ્તકો જોઈ મન પ્રસન્ન થઈ ગયું.

બીજો ક્લાસ હતો ગ્રાફિફ ડિઝાઈનનો જેમાં વધારે રસ પડ્યો. કારણ કે, તેમાં વર્તમાન સાથે સંધાન હતું અને સૌનાં આનંદનું સત્ય ‘આજ’ છે, ગઈકાલ નહિ! તે પછીનો વર્ગ હતો ઈંગ્લીશ સાહિત્યનો. તેમાં જે.ડી. સેલિંગરની એક ઈગ્લીશ નૉવેલ The Catcher In The Rye ના મુખપૃષ્ઠ પરથી થતાં અનુમાનો વિશેની ચર્ચા હતી અને એકાદ અગાઉ વંચાઈ ગયેલા પ્રકરણની વાર્તાવસ્તુ અંગેની છણાવટ હતી. પ્રાઈવેટ સ્કૂલ હોઈ માત્ર દસેક વિદ્યાર્થીઓનો જ ક્લાસ હતો અને  શિક્ષકનું વ્યક્તિગત અપાતું ધ્યાન અને વિદ્યાર્થીઓનું Involvement નોંધનીય રહ્યું.

દરેક Grandparentsના ચહેરા પર વિદ્યાર્થી બનવાનો, ફરી એકવાર મળતો આનંદ ખૂબ જ વર્તાતો હતો. સાડાબાર વાગે ભોજનનો સમય થતાં સૌની સાથે લંચ લીધો, સ્કૂલ ખૂબ જ મોટી હોવાથી ઠેકઠેકાણે ગૉલ્ફકાર્ટમાં રાઈડની સગવડ રાખવામાં આવી હતી જેથી વડીલોને વધારે પડતું ચાલવામાંથી રાહત રહે અને ન ચાલી શકે તેમને વાહન મળે. લંચ પછી સૌ છૂટા પડ્યાં. વચમાં શિક્ષકોને અને આચાર્યને મળવાની અને વાતો કરવાની પણ તક મળી. આમ, એ આખો દિવસ ગૌરવપૂર્વકના આનંદનો રહ્યો.

સામાન્ય રીતે એવી માન્યતા ફેલાયેલી હોય છે કે અમેરિકામાં ટીનેજનાં છોકરાં છોકરીઓ સ્વંચ્છંદી અને ઉદ્ધત હોય છે. પણ અહીં એનો  જડબેસલાક જવાબ હતો. સૌ કોઈ નમ્ર અને વિનયી જણાયાં એટલું જ નહિ, દાદા-દાદી, નાના-નાની સાથે આનંદપૂર્વક પોતાની બધી જ વાતો ગૌરવભેર કરતાં હતાં. એ આખોયે માહોલ અને પ્રસંગ સાચા અર્થમાં પ્રશંસનીય, નોંધનીય અને અન્યોને માટે પ્રેરણાદાયી રહ્યો. યાદગાર પણ ખરો જ. એટલે જ તો ડાયરીમાં નોંધવાનું મન થયું અને જરૂરી પણ લાગ્યું જ.

 બીજી પણ એક વાત; ભૂલાઈ ન જાય એટલે નોંધી જ લઉં. હમણાં ‘ગુજરાતી સાહિત્ય ફૉરમ’ના ઉપક્રમે યોજાયેલ ઝૂમના એક કાર્યક્રમમાં હાસ્ય કલાકારને સાંભળ્યાં. આમ તો કલાકનું વક્તવ્ય હતું પણ વચમાં તેમણે અંગ્રેજીની એબીસીડી અને ગુજરાતી કક્કાના દોહાની વાત કરી અને પછી એ…ય. દોહાના મજેદાર લહેકામાં- એમણે જે શરૂ કર્યું કેઃ

 હે….ક ક્લમનો ક, ખ ખડિયાનો ખ,

      ગ ગધેડાનો ગ ને ઘરનો ઘ….. ઘરનો ઘ….

હે…ચકલીનો ચ, છ છત્રીનો છ,

જ, જમરૂખનો જ, ને ઝભલાંનો ઝ…..ભઈ ઝભલાંનો ઝ…

આમ આખી કક્કાવારીની મઝા આવી ગઈ. કાર્યક્રમ પૂરો થયા પછી તો મનમાં બંને ભાષાઓમાં એકલાં એકલાં પગના ઠેકા સાથે મનમાં ગાઈ પણ જોઈ! ખરેખર ટેસડો પડી ગયો.

 સાંભળીને વિચાર આવ્યો કે, જો આવી રીતે નવરાત્રીના રાસ વખતે ગાવામાં આવે તો દેશી-વિદેશી તમામને કક્કો-બારાખડી આવડી જાય તો ખરાં ને એ રીતે પછી તો મોઢે પણ થઈ જાય !! નવા સમયની નવી રીતો ! આવકારવાલાયક જ.

 આજે નિરાંત હતી એટલે ઘણું લખાયું. ડાયરીનું પાનું ખાસ્સું લાંબુ થઈ ગયું. કેટલાક અનુભવો જ એવા હોય છે કે એને વિગતે લખીએ તો જ મઝા આવે અને જ્યારે વાંચીએ ત્યારે સાવ જ તાજા લાગે.

એપ્રિલ ૨૯, ૨૦૨૩

નિત્યનીશી-૨. ચંદરવોઃ ૩

ચંદરવો-૩ :દેવિકા ધ્રુવઃ ફુલશીયરઃ હ્યુસ્ટન.

માર્ચ, ૨૦૨૩…

આજે સ્વભાવથી વિરુદ્ધ એક રમૂજી વિચાર સૂઝ્યો. ગઈકાલે સાંજે ક્લબમાં પોલેન્ડના એક યુગલનો ભેટો થયો. તેમના ઉચ્ચાર જરા જુદા હોય છે. આમ તો આ વિસ્તાર ‘ફુલશીયર’ કહેવાય છે, પણ તેમને ફુલ-શાયર (ગઝલકાર) કહેતાં સાંભળ્યાં. મનમાં એક સ્મિતની લહેરખી પસાર થઈ ગઈ. પછી તરત જ એક silly વિચાર જાગ્યો કે ‘પોએટ-કોર્નર’ વાળા જૂના ઘરથી ‘ફુલશાયર’!!! શાયર?? અહીં પણ કવિતાનો જ નાતો?!

વિવિધ દેશોના લોકોના ઉચ્ચારો આવાં જાતજાતનાં સંધાનો કરે ત્યારે જરા મઝા આવે. તે ઉપરાંત તેમની પાસેથી નવું નવું જાણવાનું મળ્યાં જ કરે, પુસ્તકોનાં વાંચનની જેમ જ. તેમની રહેણીકરણી, રીતભાત, બોલીના ઉચ્ચારો, જીવનસરણીના વિચારો, ખોરાક, અનુભવો વગેરે કંઈ કેટલુંયે અવનવું. ફક્ત આપણું મન એ બધું એમની રીતે સમજવા જેટલું વિશાળ રાખવું પડે. આમ પણ જાણવાનું ને સમજવાનું જ હોય છે, સ્વીકારવાનું ક્યાં હોય છે? એ તો આપણી મતિ-ગતિ પર અવલંબે છે. આમ તો આ દેશમાં આવ્યે ૪૩ વર્ષ થયાં. એટલે ઘણું ઘણું જોવાનું અને જાણવાનું મળતું જ રહ્યું છે. છતાં આ વખતે પહેલી વાર એક પણ ભારતીય નહિ તેવા લોકો સાથે, એક દિવસ બસની ટ્રીપમાં જવાનું નક્કી કર્યું હતું.

સવારે ૭થી સાંજના ૭ સુધીનો સમય સરસ પસાર થયો. સ્પેનિશ, આફ્રિકન અમેરિકન, ચાઈનિઝ, યુરોપિયન, વગેરેનો સમૂહ હતો. આમ તો એક જ વિસ્તારના રહેવાસી અને કૉમ્યુનિટી ક્લબના સભ્ય હોઈ ચહેરાથી પરિચિત ખરાં પણ તે દિવસે એકમેકનો થોડો વિશેષ પરિચય થયો.

કોઈકે ઑસ્કાર ઍવોર્ડની વાત કરી તો કોઈકે વર્તમાન સમાચારોની વાતો કરી. ક્યારેક હળવા હાસ્યની છોળો ઊડી. વચમાં વળી Bingoની રમત રમવાની અને જીતવાની શિશુ-સહજ મઝા પણ માણી. પછી તો જેવા Louisiana Stateમાં પ્રવેશ કર્યો કે તરત ‘કસીનો’માં જીતાયેલા સિક્કાઓના ખણખણાટ અવાજોની ચિચિયારીઓ શરૂ થઈ. પાછળની સીટમાંથી, ભૂતકાળમાં હ્યુસ્ટનમાં થયેલ કુદરતી પ્રકોપ- જેમ કે કેટરીનાનો કેર, હાર્વીની હોનારત અને આઈક જેવી આફતોમાંથી કેવાં બહાર આવ્યાં તેની- અરે, કોવિડના કાળમાં ગુમાવેલ સ્વજનોની સ્મૃતિઓ પણ સરતી સંભળાઈ.

તે વખતે મનનાં નેપથ્યમાં ‘આઈક’ (હરિકેનનું નામ)ના ત્રિનેત્રનું તાંડવ તાદૄશ થયું.

સપ્ટે. ૨૦૦૮ની વાત સાંભરી. ૧૩મી સપ્ટેમ્બરની એ ભયાનક રાત હતી. તે રાત્રે આઈક નામના રાક્ષસે જાણે કે ત્રીજું નેત્ર ખોલ્યું હતું અને પ્રકૃતિ પર તાંડવ ખેલાયું હતું! ૭00 માઇલના ઘેરાવામાં અને ૧૧૦ માઇલની ઝડપે મોતની જેમ ઘૂરકિયા કરતો એ રાક્ષસ માતેલા લાખો આખલાઓની જેમ સઘળું પછાડતો હતો. અંધારી આલમ…મધરાત.. ટેલિફોનનાં કનેક્શનો ખોરવાઈ ગયાં હતાં, ઇલેક્ટ્રિસિટીના તારો તૂટી ગયા હતા, મોબાઇલની બેટરી ખતમ થઈ ગઈ હતી. પણ એ આતંકવાદીના ખસવાનું કોઈ ચિહ્ન જણાતું ન હતું.

કુદરતના એ કોપે ટેક્સાસમાં તાંડવ ખેલાઈ ગયું હતું. હ્યુસ્ટનમાં હોનારત સર્જાઈ ગઈ હતી. ‘બાર્બેક્યુ ગ્રીલ’ જેવી ભારે વસ્તુઓ પણ પક્ષીની જેમ હવામાં ઉડી જ્યાંત્યાં ફેંકાઈ હતી..જાનહાની પણ થઈ ચૂકી હતી. અને એ પછીનાં વર્ષોમાં થયેલી ‘હાર્વી’ની હોનારત પણ આંખ સામેથી પસાર થઈ ગઈ. પણ તરત જ એ અસુખકર્તા યાદોને દૂર ફગાવી દઈ વર્તમાન તરફ આંખ ખસેડી. આનંદમય રહેવાનો એ જ તો સાચો રસ્તો છે.

બસમાં સૌ કોઈ સમભાવથી એકમેકને સાંભળતાં હતાં. અહીં કોઈ ધર્મના, સંપ્રદાયના, ભાષાઓના કે એવા અન્ય કોઈ વાડા ન હતા. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો વગરનો એક અલગ માહોલ હતો. દરેક વ્યક્તિ પોતપોતાના મૂળ દેશના ઉચ્ચારોની સ્વાભાવિક લઢણ મુજબ અંગ્રેજી બોલતી હતી અને સાંભળનારી વ્યક્તિઓ, બોલનારને શાંતિપૂર્વક સમજવાનો પ્રયત્ન કરતી હતી. કદાચ જીવનની સમી સાંજની વયને કારણે બધાં ઠરેલપણાંના કિનારે ઊભેલાં હતાં!!

વચમાં એક ખાવાપીવાની શોખીન વ્યક્તિ, જ્યારે કંઈક નવી વાનગી (અત્યારે નામ યાદ નથી આવી રહ્યું) ની રીત બતાવતી હતી ત્યારે વર્ષો પહેલાં હોંગકોંગની એક Restaurantમાં થયેલો મઝાનો અનુભવ યાદ આવી ગયો જે ડાયરીમાં ટપકાવી લઉં. ત્યાં સાંજે ડીનર પછી પપૈયાની એક સ્વીટ ડિશ આપે. જેમાં પપૈયાને વચમાંથી આડું કાપી Boat shape બનાવે. તેની અંદરનો પપૈયાનો માવો, ત્યાં જ આજુબાજુ ખસેડે જેથી મોટો અને ઊંડો ખાડો થાય. તે ખાડામાં કેસરવાળું થોડું દૂધ ઉમેરે અને તેની અંદર ભાવતાં ફળો જેવાં કે દ્રાક્ષ, સ્ટ્રોબેરી, કેરી વગેરેને ઝીણા ટુકડા કરી ગોઠવે. પછી એને નાના Scoop થકી ખાવાનું. તે પણ એવી રીતે કે નીચે હોડકાના આકારની માત્ર છાલ જ રહે! આશ્ચર્યની વાત તો એ કે, જે વ્યક્તિ એ રીતે ખાઈ શકે તેને એ જ ડિશ ફરીથી ફ્રીમાં મળે ! તે વખતની નવાઈ જાણે હમણાં જ મળી હોય તે રીતે યથાવત્ યાદ આવી ગઈ.

આમ, જૂની યાદો અને અવનવી વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર ન પડી ને ટ્રીપ પૂરી થઈ.

એ સમય દરમ્યાન મનમાં ઘણાં વિચારબીજ નંખાવાં માંડ્યાં. લોકોના ચહેરા વંચાતા ગયા તો ક્યાંક ક્યાંકથી ચહેરા પાછળનાં પ્રતિબિંબ પણ દેખાતાં ગયાં. કલ્પનાના રંગો પણ એમાં ભળતા ગયા. મનમાં થયું કે, કુદરતની લીલાની જેમ માનવીના સર્જન પાછળ પણ કેટકેટલી લીલા છુપાયેલી છે ! લોહીનો રંગ તો સૌનો એકસરખો લાલ જ, સંવેદનાઓ પણ એકસરખી જ છતાં હર માનવીની કથા અલગ. દરેકનું જીવન અલગ. વ્યક્તિત્ત્વ પણ અલગ. ચાંદ, સૂરજ, સિતારા, વગેરેની જેમ જ માનવમાત્રની એક અલગ દુનિયા. કવિ શ્રી વિનોદ જોશીએ એક વક્તવ્યમાં કહ્યું છે તેમ ભાવ સ્થાયી છે, સંજોગો બદલાય છે અને તે મુજબ માનવીનું વર્તન અને જીવન બદલાય છે. માણસ એટલે માણસ વત્તા સંજોગોનો સરવાળો.

એક જાપાનીઝ લેખકનું વિધાન પણ આના અનુસંધાનમાં જરા જુદી રીતે યાદ આવી ગયું કે, માણસને ત્રણ ચહેરા હોય છે.

પહેલો ચહેરો જે તમે જગતને બતાવો છો તે.

બીજો ચહેરો જે તમે પરિવાર અને નિકટના મિત્રને બતાવો છો તે અને

ત્રીજો ચહેરો જે તમે ક્યારેય કોઈને બતાવતાં નથી તે… જે ખરેખર છો તેનું સાચું પ્રતિબિંબ.

ચાર દિવસ પહેલાંનો આ અનુભવ ‘કસીનો’માંથી થોડું જીત્યાં-હાર્યાંના અનુભવ કરતાં એક અનોખી રીતે આનંદદાયી હતો. એટલું જ નહિ, ડાયરીમાં લખીને યાદગાર પણ બની રહ્યો.

દેવિકા રાહુલ ધ્રુવ

માર્ચ ૨૦૨૩

નિત્યનીશી-૨. ચંદરવોઃ ૨

ગઈકાલે જૂના ઘેર છેલ્લી વાર ગઈ. પાછાં વળતાં, ભીંતો, રસોડાનાં કાઉન્ટર્સ, બૅકયાર્ડનાં ઝાડ, ફૂલ,પાન, ડૅક વગેરેને છેલ્લી નજરમાં ભરી બારણું બંધ કરતાં, બહુ દુઃખ થયું. જાણે કોઈ સ્વજનને ફરી જોઈ નહિ શકાય-એવી ઘેરી વેદના થઈ. બહુ દિલથી બધું સીંચ્યું હતું, સજાવ્યું હતું, મિત્રોની અને પરિવારની સાથે માણ્યું હતું તેની એકસામટી યાદોએ ધોધ વરસાવી દીધો. અત્યાર સુધી લાગતું હતું કે, નવા ઘરની રમણીય જગ્યાના ઉત્સાહની આગળ ખાસ કંઈ દુઃખ નથી થતું. પણ એ છેલ્લી પળ બહુ તકલીફ આપી ગઈ. ‘મારાપણા’નું બારણું મહાપરાણે, મુશ્કેલીપૂર્વક વાસી દીધું.

વ્યવહાર જગતમાં પાછાં વળતાં એક મસમોટો પ્રશ્ન જાગ્યો કે પૈસાથી જ શું પોતાપણું/માલિકીપણું રહે છે? ને જવાબ તો એ જ સનાતન મળ્યો કે, પૈસાથી માલિકીપણું મળે છે તે સાચું. પરંતુ પોતાપણું તો મનમાં હમેશાં જ રહે છે. હજીયે જૂનાં દરેક ઘર એટલાં જ પોતાનાં અનુભવાય છે. ફોટા અને વિડીયોની જેમ એ પણ મનનાં કેમેરામાં/આલ્બમમાં કેવાં ગોઠવાઈને બેઠાં છે? અને આ તો હતો “પૉએટ કૉર્નર”!!

ફેબ્રુ.૧૭

નવા ઘરમાં એક નવું રુટિન શરૂ થયું છે. આંખ ઘણી વહેલી ખુલી જાય છે. નવી અને જુદી હવાનો સ્પર્શ અનુભવાય છે. ચ્હાના કપ સાથે શિવમહિમ્ન, શક્રાદય-પ્રાર્થના અને વિવિધ સ્તુતિગાનથી ઘર ભરાઈ જાય છે. પહેલો કલાક બંને જણ શાંતિપૂર્વક ચૂપચાપ પોતપોતાનું કામ કરીએ છીએ. તે પછી વીસેક મિનિટ માટે અમેરિકન composer, producer & saxophonist (કેની.જી) Kenny G..નું સંગીત રેલાય.

બારીબારણાં ખોલ્યાં વગર જ સામે રોજ આસમાન અને સૂરજનાં નવાંનવાં રૂપો જોવા મળે છે. ક્યારેક ઉઘડતો અજવાસ, ક્યારેક ધુમ્મસને ચીરતાં કિરણો, ક્યારેક ઝરમરતો વરસાદ તો ક્યારેક ખુલતું જતું ચોક્ખું ભૂરું પારદર્શક આકાશ. સૂરજની તો વાત જ શી કરવી? એ વળી ક્યારેક પૂર્વના અગ્નિકુંડમાંથી એકદમ બહાર આવે, ક્યારેક ગુલાબી જાજમ પાથર્યાં પછી પધારે તો ક્યારેક વળી વાદળાંઓ સાથે સંતાકૂકડી રમતો રમતો જાણે કે સાગરમાં તરતો દેખાય. એને કેમેરામાં ઝીલવાની પણ એક ઑર મઝા. તો વળી એ વાતાવરણની વચ્ચે બેસી પુસ્તક ખોલીને વાંચવાની પણ મઝા ખરી જ..

કુદરતમાં પણ એક ચોક્કસ નિયમ છે. માત્ર ઋતુઓનો જ નહિ, પ્રત્યેક સમયનો પણ.

નિયમિતતા કેટલી મોટી વાત છે! એમાં જ ઘણા પ્રકારની જીતની ચાવી છે.

બુધવારની સવારે ટ્રૅશની એક ટ્રક આવે છે ને મન દોડી જાય છે જૂનાં ઘર તરફ. નિયમિત રીતે, ટ્રકના એ અવાજની સાથે જ એક નાનકડો ૪-૫ વર્ષનો છોકરો બારણું ખોલીને બહાર આવતો યાદ આવે છે. ટ્રકની સાથે સાથે જ એ હસતો હસતો દોડે.. ડ્રાઈવર પણ એની મઝા માણે અને નીચે ઉતરી, એની સામે મોજાં પહેરેલ હાથ હલાવતો રહે. ક્યારેક ખુશીના માર્યા બંને જણ હાથની મુઠ્ઠી વાળી, મુઠ્ઠીને ઊંધી કરી, અડધા ઈંચ જેટલી દૂર રાખી, એકમેકને અડકાડ્યાનો આનંદ પણ લઈ લે! એ લોકોનો એ એક ક્રમ હતો અને તે જોવાની અમને પણ મઝા આવતી. ટ્રકનાં હૉર્ન સાથે, નાનકડો છોકરો, ડ્રાઈવર અને અમે બે, એમ ત્રણ ત્રણ દૃશ્યો ભજવાતાં!

અહીં તો ૫૫+ની વસાહત છે. એ દૃશ્ય ક્યાંથી હોય? પણ મન એને ગમતું શોધી જ લેતું હોય છે. બરાબર સવારે સાતના ટકોરે સામેના તળાવમાંનો ફુવારો ચાલુ થઈ જાય છે અને નિયમિતપણે રાતના દસ વાગે શમી જાય છે. આ બંને ક્ષણો આંખને વારાફરતી ફુવારા અને ઘડિયાળ તરફ ખેંચી જાય છે! ક્યારેક એને પણ કેમેરામાં વિડીયોરૂપે ઝીલી લેવાનો આનંદ માણી લઈએ છીએ. કેટલી નાની નાની વાતો છે છતાં ખૂબ મોટી ખુશી આપી જાય છે.

આ બે મહિનાના ગાળામાં આવું ઘણું બધું નવું અને જુદું બનવા માંડ્યું! ખૂબ ખૂબ ભણવાનું પણ મળ્યું જ. Really, life is a learning process.

ફેબ્રુ. ૧૮

પછી કાલે બપોરે એક મિત્રનો ફોન આવ્યો. એના અવાજમાં વ્યથા હતી. સ્વસ્થ અને મક્કમ સ્વભાવની એ મિત્રને શું તકલીફ થઈ હશે એ જાણવાની ઉતાવળ અને ચિંતા થઈ ગઈ. આંચકાયુક્ત નવાઈ પણ લાગી જ. એને કશોક અજંપો હતો. કહીને ખાલી થઈ જવું હતું. હળવા થઈ જવું હતું. પણ એ અજંપો જેને કારણે હતો, જેને લીધે હતો તેને કહેવાતું ન હતું. કારણો એકથી વધારે હતાં. તેના મનમાંથી એ વાત/વર્તન/ઉપેક્ષા વગેરે ખસેડાતાં ન હતાં અને અજંપો ઝીલાતો ન હતો. એની બધી વાતો સ્પષ્ટતા વગર જ મોંઘમ મોંઘમ થયે જતી હતી. આવી સ્થિતિમાં કરવું શું? વાત સાંભળતાં સાંભળતાં મનમાં ઉકેલ વિચારાતો ગયો. સાચે, આવી કટોકટીભરી ક્ષણોમાંથી પસાર થવાનું કેટલું મુશ્કેલ હોય છે? ખાસ કરીને સંવેદનશીલ વ્યક્તિઓને માટે. ખૂબ નાજુક વાત હતી. સમજાયું નહિ શું કહેવું? શું કરવું? ઘણું વિચારમાં પડી જવાયું. પોતે જાતને સવાલો કરતી રહી, મનને મનાવતી રહી. વાત દરમ્યાન જ એ, સમજણ અને શક્તિઓને કામે લગાડતી ગઈ. સ્પષ્ટતા કરવાથી, unpleasant situation ઊભી થવાની દહેશત હતી અને વાત વણસવાનો એને ડર હતો.

છેવટે એકદમ જ એક ઉપાય જડ્યો અને એને સૂચવ્યો; લેખનનો, ડાયરીનો. ખાસ કરીને અંતરમુખી વ્યક્તિઓ માટે જે કહી ન શકાય તેને ડાયરીમાં લખીને હળવા થઈ જવાનો એ જ માર્ગ તત્ક્ષણ સૂઝ્યો.. ફોન ત્યાં જ પૂરો કર્યો.

થોડા કલાકો પછી એણે એની ડાયરીનાં પાનાંનો ફોટો મોકલ્યો. પહેલું જ વાક્ય હતું.

Any one thing, place or any one person is not THE END of life. Happiness is a choice.

વાક્યને છેડે, એક શાંત હસતા ચહેરાનું ચિત્ર પણ ગોઠવ્યું હતું.

ને તરત જ મારી નજર સામે Barry Neil Kaufmanના એ પુસ્તકનાં પાનાં ફરફર્યાંઃ

“Happiness is a Choice.
When we choose happiness, we choose inner peace. When we choose inner peace, we help others on the planet to choose it as well. We can make a difference. We are the difference.”

એ મિત્રના વિચારે મનમાં હાશ થઈ, ડાયરીલેખન સાર્થક લાગ્યું.

—દેવિકા ધ્રુવ

ફેબ્રુ.૨૦૨૩



નિત્યનીશી-૨. ચંદરવોઃ ૧

ઃ ચંદરવોઃ ૧ ઃ દેવિકા ધ્રુવ- ફુલશીઅર, હ્યુસ્ટન

(એક વર્ષ પૂર્વેની, એટલે કે ૨૦૨૩ની ડાયરીનું પ્રથમ પાનું.)

નવા વર્ષની ડાયરીનું પ્રથમ પાનું.

‘નિત્યનીશી’ પર નવી નોંધ, નવા વિચારો અને આ નવો ચંદરવો !

क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः

આ નવું રૂપ કોનું અને શેનું? સુપ્રીમ પાવરનું? કુદરતનું? જિંદગીનું, અનુભવોનું, ભૌતિક વસ્તુનું કે આપણા ખુદના વિચારોનું? મઝાનો કોયડો છે. માનવમાત્રને એમાંથી સતત પસાર થતાં રહેવાનું હોય છે અને છતાં આ એક અણઉકલી વિસ્મયભરી હકીકત છે.

આ વર્તમાન ક્ષણની વાત લખું તો ઝરમરતો ધીમો વરસાદ છે, ગમતીલી ગુલાબી ઠંડી છે, છેલ્લાં ત્રણ વર્ષને વિસારી દે તેવી તાજગીભરી નવી હવા વર્તાય છે. કારણ કે, નવું ઘર છે, નવું રોમાંચક બેકયાર્ડ છે, સામે સુંદર ફુવારો અને ઉઘડતી સવાર છે. જોકે, હજી સૂરજદા’ નથી જાગ્યા. જાગ્યા હશે તો પણ વાદળાંઓનું સામ્રાજ્ય છે તેથી ઢંકાઈને બેઠા હશે; કદાચ જાણી જોઈને- ક્યારેક, ઘડીભર તો કોઈકને સત્તા આપવી જોઈએ ને!!

હમણાં જ એક દૂર રહેતી પણ ઘણી નિકટની સખી સાથે ‘ફેસટાઈમ’ પર આ ગમતીલો ગુલાલ વહેંચવાની મઝા માણી. ખૂબ આનંદ આવ્યો. જોતજોતાંમાં બે અઠવાડિયાં વીતી ગયાં. Boxes unpackingની પ્રવૃત્તિ અને સજાવટની પ્રક્રિયા લગભગ પતી ત્યારે હા….શ અનુભવી. આમ જોઈએ તો આ બધું કોઈક કરાવે છે. ગમે તેટલું માનીએ કે મેં કર્યું. પણ ના; HE always has plan ‘B’ for better which we realize later. વડીલોના આશીર્વાદ, મિત્રોની શુભેચ્છાઓ, પરિવારનો સાથ બધું ભળે ત્યારે જ કંઈક સારું શક્ય બને છે. આફતોના સમયમાં યાદ આવે છે; યુવાન કવિમિત્રે કહ્યું હતું કે, “હોનારત પછી જ કચ્છનું કેવું નવસર્જન થયું? એવું જ કંઈક જરૂર થશે.” બિલકુલ સાચી વાત. No gain without pain. પીડાની યાતના પછી જ પ્રસવની ખુશી. સાથે સાથે દાદીમાની એ વાત પણ એમ જ સાંભરી આવે છે “ वो छप्पर फाडके लेता है तो ठीक उसी तरह देता भी है। સાંઈ પણ એ જ કહી ગયા કે શ્રદ્ધા અને સબૂરી રાખો.

નવેમ્બર મહિનામાં કંઈક આવી જ વાતો વડીલ સર્જક શ્રી યોસેફભાઈ સાથે પણ થઈ હતી. તેમની વિદાય એક આંચકો આપી ગઈ. નાતાલની સવારે ફેસબુકનું પાનું ખોલતાંની સાથે જ એક સમાચાર વાંચવા મળ્યા હતા..ઘડીભર મન માની ન શક્યું. અરે? સાચે? હજી થોડા દિવસ પહેલાં તો વાત થઈ છે.. કોઈ અણસાર વગર જ!!! બીજી જ ક્ષણે હું ફેંકાઈ ગઈ હતી છેક ૨૦૦૯ના ડિસેમ્બર મહિના તરફ, જ્યારે યોસેફ મેકવાન સાથે અમદાવાદમાં પ્રથમ મુલાકાત થઈ હતી.. તે પછી તેમની સરળતા, સાદગી અને સર્જક વ્યક્તિત્ત્વને કારણે નિયમિતપણે ફોન પર, ઈમેઈલ દ્વારા તેમનો સંપર્ક થતો રહ્યો અને જ્યારે જ્યારે ભારત જાઉં ત્યારે પ્રત્યક્ષ મળવાનું બનતું રહ્યું. .. તેમની સાથેની કેટલી બધી યાદો!

છેલ્લે છેલ્લે યોસેફભાઈએ, હજી હમણાં નવેમ્બર મહિનામાં જ ‘નિત્યનીશી’ માટે એક પાનું પણ મોકલી આપ્યું હતું. આજે તેમના ‘અલખનો અસવાર’ અને ‘શબ્દ-સહવાસ’ પુસ્તકો મારા ટેબલ પર શોભી રહ્યા છે. નાતાલના દિવસે ઈસુ પાસે પહોંચેલા તેમના આત્માને અવશ્ય શાંતિ હશે જ.

ઉપરોક્ત વિચારોને વાળવા ઘડીભર કલમને અટકાવવી પડી. ડાયરી એમ જ ખુલ્લી રાખી જરાક ઊભી થઈ. સાંજ ક્યાં પડી, ખબર ન પડી. બપોરે નવા પડોશીએ દરવાજે ટકોરા માર્યા. આ પણ એક ગમતો અનુભવ. અહીં આ વિસ્તાર નવો છે, બધાં જ નવાં મકાનો અને નવાં રહેવાસીઓ છે. સૌને જીજ્ઞાસા છે, મૈત્રી અને સલામતીની ઝંખના છે. તેથી એકમેકને સ્નેહપૂર્વક મળવાની તૈયારી છે. કોઈ પ્રકારના વાડા કે પૂર્વગ્રહો વર્તાતા નથી. આમ તો જુદાજુદા દેશના હોવાને કારણે અલગ અલગ રીતભાત ખરી જ. છતાં માણસ તો માણસ છે. સૌનો લોહીનો રંગ તો એકસરખો લાલ જ અને હૃદય તો સરખું જ ધબકવાનું. ઘણી બધી વ્યક્તિઓને મળવાનું બન્યું. દિલને દિવાળી જેવું સારું લાગ્યું.

હજી સામેની લાઈનમાં મકાનોનાં બાંધકામ ચાલુ છે. એક માણસ અજવાળું થતાં કામ શરૂ કરે છે અને અવિરતપણે સૂરજ આથમે ત્યાં સુધી કામ કરે છે. એક પણ દિવસ રજા પાડતો નથી. નાતાલ અને નવા વર્ષના તહેવારોમાં પણ એને એકલા હાથે, મન દઈને કામ કરતા જોયો છે અને તે પણ સતત. છતાં એ ઘર કહેવાશે કોઈનું; એનું નહિ! આ વિચાર છેક તાજમહેલની ઈમારત સુધી લઈ ગયો.

‘તાજનું શિલ્પ-કાવ્ય નીરખીને લોકો હર્ષના આંસુ લૂછે છે,

દાદ આપે છે સૌ શાહજહાંને, એના શિલ્પીને કોણ પૂછે છે!!’

ખેર! અંધારાના ઓળા ઉતરવા માંડ્યા છે અને સામેના ફુવારાનો રંગ પણ હવે લીલો થવા માંડ્યો છે.
આજનું આ પાનું પૂરું કરતાં પહેલાં, સમગ્ર વિશ્વને માટે ૨૦૨૩નું વર્ષ સુખરૂપ રહે એવી દિલથી શુભેચ્છા અને પ્રાર્થના. વાદળાં અને ધુમ્મસને હટાવતાં સોનેરી કિરણોની જેમ સૌના જીવનમાં ઉજાસ પથરાય એ જ શુભેચ્છા.

ગગનમંચ પર પડદો ખુલે, અવની અંકે જગત વિહરે.

પૂરવ કોરે કુમકુમ છાંટી કોઈ રતુંબડી આશા જગવે.

વીત્યાં વર્ષો ભૂંસે એવું, નવું ઉજ્જવળ કિરણ પ્રસરે.

તનમન હોજો કુશળ સૌનું, મંગલકારી પ્રભાત ઉઘડે.

 

દેવિકા ધ્રુવ

જાન્યુ.૨૦૨૩

સૂરજનું પહેલું કિરણ..

કેવી નાનકડી ઘટના, કેવી નાની યાદ સુધી લઈ ગઈ! ને વળી એ સ્મૃતિને પકડી રાખવા માટે ‘નિત્યનીશી’નાં પાનાંઓ તરફ પણ બસ, એ એમ જ દોરી ગઈ. ખરેખર ઘણીવાર કેવું ન વિચારેલું, ન ધારેલું ઘણું બનતું રહેતું હોય છે? દૈવયોગે એવી ક્ષણો જો ઝીલાઈ જાય છે તો અને ત્યારે, મન ઑર આનંદિત થઈ ઊઠે છે.

આજે સવારે દિવાનખંડના કાચમાંથી ચળાઈને સવારના તડકાની ઝીણી સેર, મારા રસોડાના ભીના કાઉન્ટર પર પથરાઈ. પાણીનાં ટીપાંઓને લૂછતાં લૂછતાં તો મારા હાથનેય સ્પર્શી ગઈ ને એની સાથે જ ૬૫ -૬૭ વર્ષ દૂરના સમયમાં પહોંચી જવાયું. ઉંમર હશે ત્યારે ૭-૮ વર્ષ જેટલી. કેરીગાળામાં સૌ ભાઈબહેન રેવાબાને ઘેર ગામ જતાં. રેવાબા એટલે નાનીમા. નાનું સરખું ગામ. ન પંખા, ન લાઈટ, ન રેડિયો કે ન કશીયે  જીવનજરૂરી સગવડ ને છતાંયે ત્યાં ખૂબ ગમતું. ખાવું,પીવું, બહેનપણીઓ સાથે રમવું અને લીંપણવાળા આંગણામાં જાતે બાંધેલા હીંચકા પર ઝૂલવું. ઓહ.. बचपनकी वो भूली बीसरी बाते। સૌ એકબીજાને વાર્તાઓ સંભળાવતાં રહેતાં. સમયના થર નીચે એ સમય દટાઈ ગયો પણ વિસરાયો નહિ.

 આજની જેમ જ ત્યારે વહેલી સવારે હાથ પર સૂરજનું પહેલું કિરણ રેલાયું હતું. રોજ તો સૂરજ ઉગે પછી આંખ ખુલે. પણ એક દિવસ અંધારે જાગી જવાયું હતું. ફાનસનો દીવો કરવા બાને ઉઠાડવાં ન હતાં એટલે એમ જ પડી રહી હતી. ક્યારે અજવાળું થાય એની રાહ જોતી હતી. બે હાથ જોડી, બંધ આંખે, હે, ભગવાન અજવાળું કરો ને..એવું કંઈક બોલ્યે જતી હતી અને પછી તો જ્યારે આંખ ખોલી તો નળિયાંવાળાં છાપરાંના એક છિદ્રમાંથી સૂરજનાં કિરણોની એક ધાર મારા હાથ પર! ઓહ માય ગોડ! એ પહેલો અનુભવ ને હું તો ઊછળીને નાચવા માંડી. “બા, બા, જો, જો, ભગવાને મારી વાત સાંભળી!” બા પણ એમ જ બોલ્યાં હતાં કે સૂરજદાદા તો ઈશ્વર કહેવાય. એ ના ઊગે તો શું થાય? બધું અંધારું. ” રાજીની રેડ થઈ થઈને આખો દિવસ ફળિયામાં ઘૂમતી રહી. ક્યારે બહેનપણીઓ ઊઠે, મળે અને આ વાર્તા કહું!

આજે પણ આવું જ કંઈક થયું ને એવો જ રાજીપો અનુભવ્યો!

કેટલા દાયકા પહેલાનો પડદો સરી ગયો ને નજર સામે ફરી એકવાર એ જૂનું વિશ્વ રચાઈ ગયું. દરિયા જેટલા દૄશ્યો ને આભ-ધરતી જેટલો ફેર! કાલ અને આજ સાવ જુદી. કેટકેટલું બદલાઈ ગયું? બધું જ બદલાઈ ગયું. વિચારોના વંટોળે ઘણું બધું યાદ આવી ગયું. હું પણ બાળકીમાંથી દાદી બની ગઈ. ગામથી અમદાવાદની પોળ, પિયરથી સાસરાની પોળ, આંબાવાડીનું પોતીકું ઘર, વિદેશગમન, ન્યૂયોર્કથી ન્યૂજર્સી પછી હ્યુસ્ટનનું પોએટ કોર્નર.. જીવન અને જગત સદા પરિવર્તનશીલ.. એમાં જ પ્રવૃત્તિ અને પ્રગતિ..અને છતાં પણ સૂરજ અને તેનું પ્રથમ કિરણ એનું એ જ. સંવેદના પણ એની એ જ! અહો આશ્ચર્ય!

કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
કાળની પીંછી ક્ષણના રંગે યુગને ચીતરી આપતી જશે.

—-દેવિકા ધ્રુવ

**ચંદરવો**૧૧ –

**ચંદરવો**૧૧ ——– પોએટ કોર્નર, હ્યુસ્ટન.

આજનો સુવિચારઃ

ક્ષણમાં જીવે એ માનવી, ક્ષણને જીવાડે એ કવિ. –મિલ્ટન–

ઓહોહો…આવા જ સુંદર વિચારોવાળું એક બીજું વાક્ય હમણાં વાંચવામાં આવ્યું હતું. “પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.” –થોરો–

કેટલું સાચું અને મઝાનું વાક્ય છે! વાંચવાનું એટલું બધું હોય છે અને એવું ગમતું હોય છે કે, જીવન આખુંયે ઓછું પડે. દરેક વાંચનમાં કશુંક નવું મળે, જુદું મળે. ક્યાંક બુદ્ધિગમ્ય વાતો હોય, ક્યાંક પ્રેરણાદાયી પ્રસંગો હોય. કોઈ જ્ઞાનવર્ધક વાર્તાઓ હોય તો ક્યાંક અંદરથી વલોવી દે તેવી સંવેદનાથી સભર કવિતાઓ. અવનવા પ્રદેશનો પ્રવાસ પણ ક્યાંક ખરો. તે સિવાય પણ ઘણું ઘણું અને વધારામાં વળી લખવાની પ્રેરણા મળે એ જુદું.

આજે નિયમ મુજબ લખવા માટે ડાયરી ખોલી તો ખરી પણ આજકાલમાં, ખાસ કશું લખવા લાયક બન્યું નથી. આવું કંઈ થાય? ન થાય, પણ થયું! આમ તો નવું વર્ષ શરૂ થાય કે તરત જ આગલા વર્ષનું સરવૈયું લખાય. એ રીતે આ ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં પણ આગલા વર્ષનાં હિસાબકિતાબ લખવા જ હતા; પણ ખુશી-ગમના ૨૫/૭૫%એ જરા કલમને અટકાવી દીધી. પછી તો એ વિચારને જોરથી ઉડાવી દીધો. હવે જ્યારે વાદળાં ધીરે ધીરે હટવાં માંડ્યાં છે ત્યારે કળીઓનો રાજ્યાભિષેક કરતી વસંત ૠતુ વર્તાય છે. ઉત્તર અયનના પવનની જેમ વિચારોની દિશા પણ બદલાવા માંડી છે. ગઈકાલે વહેલી સવારે તો સૂરજે ઝાડ-પાન પર જાણે કે સોનું ભભરાવ્યું હતું!

હમણાં દસેક દિવસ પહેલાં જન્મદિવસ ગયો તે દિવસે મા બહુ યાદ આવી. ખરેખર તો એ માનો દિવસ જ ગણાય. એ દિવસ ઊગ્યો એનાથી વધુ સુંદર રીતે આથમ્યો. માની વિદાયની જેમ. વિદાય કંઈ સુંદર ન હોઈ શકે. છતાં પંદર વર્ષ પહેલાંની એની વિદાયની એ પળ ખૂબસૂરત હતી. એકદમ ત્વરિત, કોઈને પણ માંગવી ગમે તેવી પળ હતી. ન માંદગી, ન હોસ્પિટલની દોડધામ, ન સંતાનોને ગભરાટ. પરિવાર સાથે બેસી સાંજે જમી, વાતો કરી. દીવો કરવા નીચે ઊતરી, પગથિયે ઢળી અને ક્ષણમાત્રમાં તો… ઘણું બધું યાદ આવી ગયું. ઢળતી ઉંમરે એ હંમેશા કહેતીઃ “ધીમે ચાલું છું; કારણ કે, પડી જાઉં તો તમને કેટલી ઉપાધિ? એટલે પગ ઠરાવી મૂકું છું.” એ આવું ઓછું બોલે ને ધીમું હસે. એનો એ શબ્દ “ઠરાવીને” ખૂબ ગમતો. ત્યારે તો એની વાતને એમ જ હસી કાઢી હતી પણ આજે હવે જ્યારે હું ચાલુ છું તો પગ ‘ઠરાવીને’ મૂકું છું. વિચારું છું; પાસે બેસાડીને આવું કંઈ એણે શીખવ્યું તો નો’તું. છતાં અચાનક યોગ્ય સમયે, યોગ્ય રીતે એ બધું વર્તનમાં આવીને બેસી જ જાય છે! આવી તો માની કેટલીયે સ્મૃતિઓને આનંદપૂર્વક વાગોળવામાં જ, જન્મદિવસ કોરી આંખે વીતાવ્યો.

તે પછીની એક સવારે વળી એવો વિચાર આવ્યો હતો કે પૃથ્વી ઉપર જ્યારે કશું જ, એટલે કે કશું જ નહિ હોય તો શું હશે? સૌથી પહેલો માનવી ક્યાંથી અને કેવી રીતે દૄશ્યમાન થયો હશે? શું કરતો હશે? ખાવા, પીવા, બોલવા વગેરેની શરૂઆત કેવી હશે? ખૂબ ઊંડી કલ્પના છે. ક્યાંક વાંચવામાં આવેલ વાર્તા કે સાંભળેલી પ્રાચીન માન્યતા મુજબ, ધરતી પર જન્મ લેનાર પહેલો માનવ મનુ હતો જેની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુએ કરી હતી. વિષ્ણુએ મનુને માટીથી બનાવ્યો હતો. તેથી એ જ પાછળથી માનવ કહેવાયો. પણ આ બધું કહ્યું કોણે, ને કોઈ હોય જ નહિ, તો કોને કહ્યું હશે એવું આશ્ચર્ય થાય જ; અને તે પાછું લખાયું! આંખ બંધ કરી વિચારું તો સવાલો પર સવાલો ઉદ્‍ભવે છે. પછી બીજો માનવ ક્યાંથી, કેવી રીતે આવ્યો હશે? વગેરે, વગેરે.. અને એવી સ્થિતિમાંથી આટલું મોટું વિશ્વ ઊભું થયું, સાહિત્ય સર્જાયું; આ એક વિરાટ વિસ્મય છે. દરેક જીવ એક નાનકડું ટીપું છે અને છતાંયે દરેક ટીપાંનાં અવનવાં દૄશ્યો! વિવિધ રૂપો! દરેકના અનેકરંગી રૂપો. વાહ..વાહ.. दुनिया बनाने वाले, क्या तेरे मन में समाई, तूने काहे को दुनिया बनाई! આ પ્રકારના વિચારોનો તો કોઈ અંત જ નથી. મન વાળવું જ રહ્યું..

બારી બહાર નજર કરું છું તો સ્પષ્ટ વર્તાય છે કે, આજે સ્હેજ પણ પવન નથી. ઝાડપાન સ્થિર ઊભાં છે. વચમાં સખત ઠંડી હતી. થોડા દિવસ પર માવઠું થયું હતું. એક જ માવઠું અને બાગનું મૂરઝાવું, સુસજ્જ માળાનું રહેંસાવુ. શું કુદરત છે! પંખી ફરીથી માળો ક્યાં બાંધે? આના અનુસંધાનમાં થોડા દિવસો પર કવિમિત્ર શ્રી અનિલ ચાવડાએ ખૂબ સરસ વાત કરી હતી. એ કહેતા હતા કે, કચ્છમાં ભૂકંપ થયો તો એક નવું સુંદર કચ્છ રચાયું ને? સાંભળીને મનોમસ્તિષ્કમાં કંઈ કેટલાયે આનંદદાયી ચિત્રો ઊભા થયાં. સાચી વાત છે કે ગાઢ અંધારાં ઊતરે ત્યારે જ તારા ઝગમગે.

આ ગોરજ ટાણે અહીં ‘નિત્યનીશી’નાં પાને પાને, કેવા તરંગો ઊઠ્યા! કેવી રજકણો ઊડી! જાણે આભલાં ભર્યો ચંદરવો રચાઈ ગયો! પવન વેગે ઊડતો સમય કેવી કેવી સફર કરાવે છે! ઘણીવાર તો એમ થાય છે કે, થોડા દિવસ બસ, જે થાય છે તે માત્ર જોયાં જ કરું. કંઈ જ ન કરું. ડાયરી પણ બંધ. ન કોઈ ઘટના, ન કશી યાદો, ફરિયાદો કે ના કોઈ પ્રસંગો. વિપાસનામાં લપાતી ક્ષણો સમી વિરક્તિ, અનાસક્તિ, નિર્લેપભાવ. એ પણ એક વિશેષ અનુભવ થશે. શ્રી પ્રેમચંદ મુનશીએ મનની કેવી શાંત અવસ્થામાં આવું સુંદર લખ્યું હશે કે,

मैंने समंदर से सीखा है जीने का सलीक़ा, चुपचाप से बहना और अपनी मौज में रहना..

હા, બરાબર છે. થોડો વખત એમ જ રાખું. ચૂપચાપ વહેવું અને મોજમાં રહેવું. કદાચ એમ કરવાથી તનમનની પ્રસન્નતામાં ઉમેરો થઈ જાય! “क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः ॥ Silly me! કેવા કેવા વિચારો આવે છે!

નોબલ પ્રાઈઝ વિજેતા કવિ પાબ્લો નેરુડાનું વાક્ય પણ એમ જ અત્યારે સાંભરી આવ્યું. All paths lead to the same goal. આવા અચાનક જાગી ઊઠેલા આ ભાતભાતના ને જાતજાતના વિચારો માટે આ ક્ષણે તો, થાય છે કે બસ, ડાયરીને સલામ અને વિરામ.

રંગપર્વના પાવન દિવસે માંડેલા પંચરંગી અક્ષરો, ફરી કોઈ અનોખો મરોડ લેશે કે કેમ, તે તો માત્ર સમય જ જાણે.

—-દેવિકા રાહુલ ધ્રુવ

**ચંદરવો**૧૦  

**ચંદરવો**૧૦          પોએટ કોર્નર, હ્યુસ્ટન.

આજનો સુવિચારઃ

પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ  છે.

કેટલીયે વાર ડાયરી હાથમાં લીધી ને પાછી બંધ કરીને મૂકી દીધી. ધાર્યુ’તુ, આંગણમાં દોરાતી રંગોળીની જેમ ૨૦૨૨ના નવા વર્ષની શરૂઆતમાં સુંદર રંગોળી સજાવીશ, આશા-ઉમંગો અને અવનવી પ્રવૃત્તિઓના રંગો ભરીશ. પણ ડાયરીનાં પાનાંની કિસ્મતમાં એ હતું નહિ! અગાઉની એકાદ આફતનું ચોંટી ગયેલ ચિત્ર ઉખાડવું હતું; ખુશી ખુશી ચંદરવો ભરવો હતો. ત્યાં તો ફરી એની ઉપર હચમચાવી દે તેવાં બે ચિત્રો ચડી ગયાં! કદાચ જિંદગીનાં અવનવાં રૂપો અને ભાવિના સંકેતોમાંનો આ પણ એક નવો ઘાટ હશે.

આમ તો ડાયરીમાં એ ટાંકવાનો ઝાઝો અર્થ નથી, પણ વાસ્તવિકતાને અળગી રાખવાનું પણ કોઈ કારણ નથી જ. શું લખું? આજકાલ કોઈ તોફાની છોકરાની જેમ, માણસને સોગઠાં બનાવીને રમતા પેલા ઉપરવાળા બાજીગરને પ્રશ્ન છે. ફરિયાદ તો કેવી રીતે થાય?  શું ગુમાવ્યું એ સવાલ નથી, એનું દુઃખ પણ નથી; પણ કેવું થયું, કેમ થયું એ પ્રશ્ન ખૂબ પરેશાન કરી દે છે. એક bumpy ride…ને પેલી મનમાં રચાતી રંગોળી આખીયે ફીંદાઈ ગઈ.

૩૧મી ડિસેમ્બરની એ રાત કેવી હતી! દસેક વાગ્યે બહારથી ઘેર આવીને જોયું તો બેડરૂમ, બાથરૂમ અને તેનું ક્લૉઝેટ અસ્તવ્યસ્ત હાલતમાં. બધી જ ચીજ વસ્તુઓ, ખાનાં, કબાટ ખાલી થયેલાં, ખુલ્લાં અને વેરછેરણ. તોડેલી બારીના કાચના સેંક્ડો ચૂરેચૂરા ચારેબાજુ પથરાયેલા. ચોરીનું એ દૄશ્ય જોઈ હેબતાઈ જવાયું. મનને કાબૂમાં કરી, તાત્કાલિક જરૂરી સાવધાનીનાં પગલાં લેવાનું કામ પૂરું કરી લગભગ પરવાર્યાં. સમય લાગ્યો. ફરી એકવાર “બંને સલામત તો છીએ” વિચારીને, પેલી ‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે’ અને Footprints, મેરી સ્ટીવન્સનની કવિતાનું  સ્મરણ કરી લીધું. Anything can happen to anybody, anytime in life. એ જ દિવસે એક ખૂબ નિકટના મિત્રને પણ ગુમાવ્યા અને આ ઉપરાંત અસુખમાં ઉમેરો કરતો નવો ‘વાયરસ’ પણ વિશ્વમાં શરૂ. ખેર!

૨૦૨૨નાં બે અઠવાડિયાં વીતી ગયાં. ઉત્તરાયણનો તહેવાર પણ કાલે એમ જ પસાર થઈ ગયો. ઘણી બધી જૂની યાદો તાજી થઈ, પણ હવે એમ થાય છે કે આ બધું પણ જાણે એક ‘રુટિન’ લાગે છે, યંત્રવત્. વિરક્તિનો અહેસાસ થયા કરે છે.

કાલે સાંજે નાની બહેનનો ફોન આવ્યો ત્યારે પણ એવી જ જૂની યાદોમાં જરા જુદી રીતે વધારો થયો. ખૂબ વાતો થઈ. તે સમયે તો એની સાથે ડાહી ડાહી વાતો કરી લીધી કે, જૂની અસુખકર્તા યાદોને મનના ખૂણેથી ખેંચીને ફેંકી દેવી વગેરે,વગેરે; પણ પછી એ વિચારોમાં ઊંડા ઊતરી જવાયું. યાદો હઠીલી હોય છે. એને હટાવવાનું કામ કંઈ સહેલું નથી જ. ઘડીભર થયું કે, લખવા બેસી જાઉં પણ ‘રાતે વહેલા જે સૂઈ વહેલા ઊઠે વીર’ ના સૂત્ર મુજબ વર્ષોથી વહેલાં સૂઈ જવાની ટેવ. તેથી નિયમ મુજબ વહેલી સૂઈ જ ગઈ.

સવારે થોડીક સ્ફૂર્તિ લાગે છે. રાતના શરૂ થયેલા અને વાળી દીધેલા વિચારોને ડાયરીમાં લખવા બેઠી, પણ ઓહ, એ તો રિસાયેલ માનુનીની જેમ, કેમે કર્યા પાસે ફરક્યા જ નહિ, પણ જે થયું તે સારું થયું. ઘણીવાર એમ પણ લાગે છે કે જે થાય છે તે સારું નથી હોતું પણ કદાચ સારા માટે થતું હશે! કોઈ વધુ મોટી ખરાબીમાંથી ઊગરવા માટે થતું હશે!

આજની તાજગી સભર સવાર કંઈક જુદું જ કહી રહી છે. સામાન્ય રીતે દિવસ દરમિયાન  વાંચન અને વહેલી સવારે લેખન થતું હોય, પણ આજે વળી એક પુસ્તક હાથ આવ્યું, જેનાં પાનાં ફેરવતાં ફેરવતાં વાંચતા જ રહેવાયું અને પછી તો થોડી વારમાં Morning Walkનો સમય થયો એટલે અટકવું પડ્યું. ફરી પાછું પેલું રુટિન! જો કે, આ રુટિનમાં શિસ્ત અને આરોગ્ય બંનેનું મહત્ત્વ છે.

ચાલતાં ચાલતાં પેલા રાતના ખોવાયેલા વિચારોનો તાંતણો મળવા માંડ્યો! મૂળ વિચાર એમ હતો કે, સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાને ગમતું જ કામ કરતી હોય છે. કારણ કે, એને એમાંથી આનંદ મળતો હોય છે. કોઈકને ગાવું ગમે તો કોઈકને સાંભળવું ગમે, કોઈને સારાં સારાં કપડાં, ઘરેણાં પહેરીને ફરવું ગમે તો કોઈકને સાદા રહેવું ગમે. કોઈકને વાંચનમાં મઝા પડે તો કોઈકને લેખનમાં. આમ, જેટલા માણસો એટલો ખુશીનોયે પ્રકાર! એવી અનેક પ્રવૃત્તિઓ ગણાવી શકાય કે જે માણસ પોતાના આનંદ માટે કરતો હોય છે. પણ લેખન શું કેવળ નિજાનંદ માટે જ છે? મનમાં આવતા વિચારોને, અનુભવોને, સારા માઠા પ્રસંગોને ડાયરીમાં ટપકાવી લેવા તે ફક્ત શું આનંદ માટે જ છે? આ સવાલમાંથી એક એવી વિચારધારા પ્રગટી કે, ના,ના; આનંદ ઉપરાંત લેખન બીજું પણ ઘણું આપે છે. લેખનની ઇચ્છા અને પ્રવૃત્તિ વિચારોની ક્ષિતિજોને વિસ્તારે છે, વિવેકબુદ્ધિને ચકાસે છે, અંતરને વિક્સાવે છે અને વધુ સારા વાંચનની જિજ્ઞાસાને વધારે છે. સર્જનહારનો ઉદ્દેશ એ રીતે વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હશે એમ લાગે છે એ વિચાર જરા મનમાં સ્મિત ફરકાવી ગયો. એ ‘સુપર પાવર’નાં અનેક રહસ્યો અને વિસ્મયોમાંનું આ પણ એક ગણાવી શકાય.

ફરી પાછી એ વાત તો ખરી જ કે ગમતું કામ કરવું એટલે પેલાં રુટિન કામોમાંથી બહાર આવવું! ક્યાંકથી ઊડીને ચોંટેલી ધૂળને ઝાપટવી, અચાનક પીંખાઈ ગયેલ રંગોળીને  ફરી કલાત્મક રીતે વ્યવસ્થિત કરવી, સંગીતના સૂરોમાં ડૂબી જવું, યોગાસન વાળી સમાધિનો આનંદ લેવો, કુદરતની સામે બેસી લાખો પ્રશ્નોના ઉકેલ પામવા, વગેરે વગેરે..

વાસી-ઉત્તરાયણની સવારે આ વિચારોનો પતંગ ખરો ચગ્યો! છેક ટુક્ક્લ (તુક્કા?!) સુધીના સમય સુધી ઉડશે કે શું?! વિશ્વના આકાશમાં ચગતા પતંગ જેવા સૌ. કોઈ ફૂદડી, કોઈ ઘેંશિયો, કોઈ જહાજ, તો કોઈ પાવલો.  સવાલ તો એ થાય છે કે, હવા મુજબ, કમાન અને કિન્નાને, શૂન્ય/એકના માપથી સ્થિર કરી, દોરીના સહારે, ખરી ઉડાન થાય છે ખરી? કદીક પવન સ્થિર હોય, કદીક ભારે હોય. હળવેથી સહેલ ખાઈએ, કે ખેંચમખેંચ  કરીએ, પણ ઊંચે જઈ, ન કપાય કે કોઈથી ન મપાય, છતાં સૌથી પમાય, એવી ઉડાન થઈ શકે છે?!!

ડાયરી-લેખનનું આ એક બીજું મહત્ત્વ. જાત સાથેની જાત્રા. ભૌતિક વસ્તુઓ તરફ વિરક્તિ, મુસીબતમાં વિસામો અને શ્રદ્ધાની વાટમાં જ્યોતનો ઉજાસ.

—દેવિકા રાહુલ ધ્રુવ