સૌને આવડે છે!….

હવે સૌને આવડે છે....

 

 

 

 

 

 

 

 

 

 

કોમ્પ્યુટર યુગમાં નવું નવું, હવે સૌને આવડે છે!
આંગ્ળીઓના ટેરવે  નાચતા, હવે સૌને આવડે છે!

પાટી-પેનને નેવે મૂક્યાં, ડસ્ટર-બસ્ટર  તો હવામાં,
‘કી’ની ક્લીકથી લખતા ભૂંસતા,હવે સૌને આવડે છે!

જુનૂ ને જાણીતું સઘળું  નવા આકાર લઈ  રહ્યું છે.
લો, આડી રીતે ઘી કાઢતા, હવે સૌને આવડે છે!

ડુંગર ખોદી ઉંદર કાઢે, પ્રખ્યાતિના પહાડ જીતે.
ધીરા ડગથી દ્વારો વાસતા, હવે સૌને આવડે છે!

સમજી જા ‘દેવી’, ચેતી જા વહેલી, નહીં તો, અહીં તો,
“કસીનો’ જેવું  રમતા, લૂંટતા, હવે સહુને આવડે છે.

પત્ર નં ૩૪- ઑગષ્ટ ૨૦, ૧૬

કલમ-૨

શનિવારની સવાર..

પ્રિય દેવી,
કુશળ છે ને?
ખલીલ જીબ્રાનનું વાક્ય વાંચી એમાં જ એક પૂર્તી કરવાનું મન થયું. ધરતીમાં પડેલા ઝવેરાતને શોધવા ખેડૂતની શ્રધ્ધા હોવી જોઈએ અને જ્યારે પાક લહેરાતો હોય ત્યારે પણ ઇશ્વર જ તેને સંભાળે છે ને? સામાન્ય ઝવેરાત તો બેંકના લૉકરમાં મૂકી શકાય. પરંતુ ઊભો મોલ જેના કણસલામાં મોતી જેવા દાણા ભર્યા પડ્યા હોય  તેને ઈશ્વર ભરોસે જ ખેડૂત રાખે છે તે અખૂટ વિશ્વાસ –શ્રદ્ધા જે કહો તે જ ખેડૂતને નિશ્ચિંત બનાવે છે. ક્યારેક ઊભો મોલ ચોરાઈ પણ જતો હોય છે. છતાં બીજે જ વર્ષે થોડી કાળજી સાથે ફરી ઈશ્વર ભરોસે જ એણે તો જીવવાનું છે.

નાગરિક કહેવડાવતાં આપણને કેટલી શ્રદ્ધા છે ઈશ્વરમાં?

અમારા લેસ્ટરનાં ચંદુભાઈના સ્વરમાં એક ભજન છે, ‘મનનાં રે મેલાં, આપણે માનવી, મનનાં રે મેલાં’.

અખૂટ શ્રદ્ધાની વાતો કરવાવાળા આપણે માત્ર મોટી વાતો જ કરીએ છીએ.દા.ત. એક તરફ આપણે ઢોલ પીટીને કહીએ છીએ કે ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ….’માતા-પિતાને બાળકના ભલા-બૂરાની ખબર હોય એટલી બાળકને ન હોય એ સ્વભાવિક છે ને? છતાં દરેક જણ પોતાની સમજણ પ્રમાણે હાથ જોડીને સ્વગત કે સૌ સાંભળે એ રીતે આપણે કાંઈને કાંઈ ભગવાન પાસે માંગીએ છીએ. કાંઈ નહીં તો ‘સદ્‍બુધ્ધિ આપજે’-બરાબર?

પ્રશ્ન એ થાય કે ક્યારે માંગવું પડે? વગર માંગ્યે આટલું બધું આપનારમાં એટલી શ્રધ્ધા ન હોય ત્યારે જ કાંઈ માંગીએ ને? બાધા-માનતા એ ઈશ્વર તરફની ભારો ભાર અશ્રધ્ધા સિવાય શું છે?

ક્યારે ય પણ આપણે હાથ જોડીને એમ કહીએ છીએ ખરાં કે, ‘ઈશ્વર, હું સુખી છું. થેન્ક્સ.’

એટલે જ મને મૂળ રવિન્દ્રનાથ ટાગોરની અને પછી ગુજરાતીમાં અનુવાદિત પ્રાર્થના, ‘કરો રક્ષા વિપદ માંહે ન એવી પ્રાર્થના મારી, વિપદથી ના ડરું કો’દિ પ્રભુ એ પ્રાર્થના મારી….

“ત્રણ વાનાં મુજ ને મળ્યાં, હૈયુ,મસ્તક ,હાથ,
બહુ દઈ દીધું નાથ, જા…ચોથું નથી માંગવુ.”…….ઉમાશંકર જોશી

વાત ક્યાંથી ક્યાં હું લઈ ગઈ નહીં?
તેં લખ્યું કે, ‘માનવીઓની વિવિધતા અને ભાષાઓના ઉચ્ચારોની વિવિધતા એ એક રસપ્રદ અને વિસ્મયભર્યો વિષય છે.’ તે વાંચી મને મારી બા અહીં યુ.કે આવી હતી ત્યારની એક વાત યાદ આવી ગઈ. એને માટે ગુજરાતી સિવાયની બીજી ભાષા એટલે હિંદી એટલે જ્યારે પણ અહીંના કોઈ અંગ્રેજની હું ઓળખાણ કરાવું એટલે એ હિંદીમાં શરુ થઈ જાય!!

અને ઉચ્ચારો તો બાર ગાઉએ બોલી બદલાય અને તેમાંથી જે રમૂજ ઉપજે…તેની એક વાત લખું. અમારા એક ઓળખીતા ભાઈ ચરોતરનાં એટલે ‘ળ’ની જગ્યાએ ‘ર’ વાપરે. જ્યારે એ લગ્ન કરવા બેઠાં ત્યારે લગ્ન કરાવનાર મહારાજે ‘મને પગે લાગો’ એમ ન કહેતાં કહ્યું, ‘હવે ગોરને પગે લાગો.’ પેલા ભાઈ કહે હું તો બધે જોઈ વળ્યો પણ ક્યાંય પણ મને ‘ગોર(ખાવનો ગોળ)’ દેખાયો નહીં એટલે પુછ્યું, ક્યાંછે ગોર?’ ત્યારે ગોર મહારાજે ‘હસીને કહ્યું મને પગે લાગો’.

ચાલ, હવે  તેં જે પૂછ્યું કે’ નૈતિક મૂલ્યોના પાયા એટલા બધા નબળા છે કે તે વાવાઝોડા સામે ટકી ન શકે?

દેવી, નૈતિક મૂલ્યો કોણ નક્કી કરે છે? સમાજમાં રહેતાં માનવી જ ને?

થોડી એ વાતને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ.

પુરાણમાં એક વાર્તા છે કે, શંકર ભગવાન તપશ્ચર્યા કરીને પાછા આવ્યા ત્યારે જોયું કે એક કિશોર બહાર ઉભો છે અને પાર્વતીજી અંદર સ્નાન કરતાં હોવાથી શંકર ભગવાનને રોકે છે. ત્યારે શંકર ભગવાન ગુસ્સે થઈ એનું માથું ધડથી જુદું કરી નાંખે છે. પછી ખબર પડી કે એ એમનો પુત્ર જ હતો એટલે એક હાથીનું માથું કાપીને એ પુત્રના ધડ પર લગાવી દે છે.- ભગવાન થઈને આટલી નાની વાતમાં કોઈનું માથું કાપી નાંખે?-એવો પ્રશ્ન મને એક બાળકે પૂછ્યો અને મારી આંખ ખોલી નાંખી. એકલા પુત્રનું જ નહીં હાથીની ય હત્યા કરી. અત્યારના યુગમાં આ વાર્તા સાંભળતો બુધ્ધિશાળી બાળક મને જેમ એકે કહ્યું હતું તેમ કહે કે ‘ગણપતીજીનું માથું તો તાજું જ ત્યાં પડ્યું હતું તે ન ચોંટાડતાં, એક હાથીની હત્યા કરવાની શી જરુર હતી?’

બોલ, હવે એક તરફ આપણા શાસ્ત્રોમાં અહિંસાને મહત્વ આપ્યું છે અને બીજી તરફ ઘણા પુરાણમાં હિંસા અને ક્રોધથી ભરપૂર વાતો છે! કઈ વાત સાચી માનવી? કઈ વાતને નૈતિકતામાં ખપાવવી?

રામ એક તરફ ‘સત્ય’ને મહત્વ આપે અને કૃષ્ણ ‘નરો વા કુંજરો વા’ કહેવાનું કહે!

મારી દ્રષ્ટિએ દરેક વાત સમય, સંજોગો, દેશ, કાળ વિગેરેને ધ્યાનમાં રાખીને અને સમજીને અમલમાં મૂકવી જોઈએ..

ટેકનોલોજીએ દુનિયાને નાની કરી નાંખી છે એટલે વિશ્વ એકબીજાને નજીકથી જોઈ શકે છે. હવે એક દેશના નૈતિકતા, એ બીજા દેશમાં અનૈતિક હોઈ શકે. જેમકે એક દેશમાં તેમના નેશનલ ધ્વજનું વસ્ત્ર પહેરવું સામાન્ય હોય અને બીજા દેશમાં એને ધ્વજનું ‘અપમાન’ ગણવામાં આવે!

આ બધી વાતમાં બે મુખ્ય પરિબળો કામ કરે છે,

અનુકરણ અને નાવિન્ય શોધતો માનવી. અને આગળ પહેલા મેં લખ્યું હતું તે મુજબ ઢોળાવ ઉતરવો સહેલો છે, ચઢવો અઘરો છે.

ચાલ હવે બહુ ભારેખમ ન બનતાં ‘I can do it’…. ‘“Never underestimate what you can accomplish in life’ – લખેલી તારી વાત મને ખૂબ જ ગમી. ફરી શ્રધ્ધા-વિશ્વાસની વાત આવી. આત્મશ્રધ્ધા કહો કે આત્મવિશ્વાસ અને ધ્યેય સુધી પહોંચવાની મક્કમતા જ સફળતાની ચાવી છે. મેં ઘણા વર્ષો પહેલા આ.દોલતભાઈ દેસાઈની ‘કસ્તુરીમૃગ આપણે સહુ’ યાદ આવી ગઈ. ‘નાભિમાં કસ્તુરી છે જ’ એવો ધરખમ  વિશ્વાસ અને ઈશ્વરે દરેકને એ શક્તિ આપી જ છે એ શ્રધ્ધા.

આ પત્રશ્રેણી જ મને લાગે છે ‘ગમતાનો ગુલાલ’ છે બાકી આપણે વર્ષોથી ‘ગુંજે’ તો ભરતાં જ રહ્યા હતાં ને?

સ્નેહયાદ સાથે,

નીના.

 

 

ગુજરાત મિત્ર-રવિપૂર્તિ-ઑગષ્ટ ૧૫ ‘૧૬

આદરણીય શ્રી ઉત્તમભાઈ ગજ્રજરની ઈમેઈલ દ્વારા મળેલ સુખદ આશ્ચર્ય….

http://gujaratmitra.in/Portals/6/Supplements/Ravi5.pdf

ગુજરાત મિત્ર

 

http://gujaratmitra.in/Portals/6/Supplements/Ravi5.pdf

કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.     
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો.

ભર્યા ઠાલા અને પોલા, છે અર્થો શબ્દ-કોષોમાં,
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો.

જુએ સામે અરીસો લઇ, છતાં ના જાતને જોતા,
મળે ઇશ્વર, તો શું દેખે? બેગાની વાત રે’વા દો.

સુગંધી શ્વાસમાં સૂંઘી, ભરે અત્તરને વસ્ત્રો પર
ફૂલોની પાંદડી તોડી,પીસ્યાની વાત રે’વા દો.

ઝવેરી વેશ પ્‍હેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,
હિરા ફેંકી, વિણે પત્થર, દીવાની વાત રે’વા દો.

કોઇ લાવો નવા રાજા ને રાણીની કથાવાર્તા,
પરીઓની ખરી ખોટી, રૂપાળી વાત રે’વા દો..

કહ્યું છે સાચું વિજ્ઞાને હજારો વાર પૃથ્વી ગોળ,
મળે રોવાને ક્યાં એકે, ખૂણાની વાત રે’વા દો.

 

પત્ર નં ૩૩-ઑગષ્ટ ૧૩

 

કલમ-૧

 શનિવારની સવાર….

પ્રિય નીના,

મારા પત્રને ‘રણમાં મીઠી વીરડી’ જેવી ઉપમા આપવા માટે શું કહું?  મારા જ ભાવો આ શબ્દોમાં પ્રતિબિંબિત થતા અનુભવાયા!  મહત્વની વાત તો એ છે કે, આપણે મુક્તપણે ભિતરને ઢંઢોળી શકીએ છીએ. જગતમાં કોઈ એક પોતાનું, પોતાના જેવું વિચારતું હોય એનો સંતોષ જીવનમાં કેટલી મોટી તાકાત બક્ષે છે !

તારા પત્રની વાતોમાંથી દીવે દીવો પ્રગ્ટે તેવું થયું!!!! મોટી બાની વાતમાંથી મને એવી બે ત્રણ વાતો યાદ આવી. માણસોની વિવિધતાની જેમ હું ભાષાની વિવિધતાની વાત કરું.

મારી મા ભણી’તી ઓછું પણ ગણી’તી ખૂબ જ. જો કે, પહેલાંના જમાનામાં બધી જ સ્ત્રીઓમાં ભણતર કરતાં ગણતર વધારે જ હતું ને ? તેથી તો જીવન સરસ ચલાવી શક્તા હતા બધા. મા અહીં અમેરિકામાં ક્યારેક જરૂરી અંગ્રેજી શબ્દો બોલવાનો પ્રયત્ન કરે. દા.ત. ગારબેજ અને કારપેટ. તો એનાથી મિક્ષ થઈ જાય અને કંઈક નવું જ બોલે. શું ખબર છે? ગારબેટ ! અને કારપેજ!! કોર્ડલેસ શબ્દ બોલવો ન ફાવે એટલે વળી ‘હેન્ડફોન, હાથનો ફોન’કહે અને સ્પ્રાઈટને ગ્રીન, લીલો કોક કહે!! ને પછી ઝીણું હસે.

તો વળી મારા ‘મધર ઈન લો’તો એકદમ હોંશિયાર. એમને અંગ્રેજી આવડે ખરું, બોલે પણ ખરા. પણ કામ પૂરતું. પણ એ કંઈ અમેરિકનોને ચપચપ બોલતા સાંભળીને અંજાઈ ન જાય.એકવાર એમને સીટીઝનશીપનો ઈન્ટર્વ્યુ આપવા જવાનું થયું. તૈયારી તો કરી હતી. પણ મૌખિક પરીક્ષામાં અહીંના ઉચ્ચારો સમજવામાં ભૂલ થઈ જાય એવી દહેશત મનમાં હતી. હવે એક્ઝામીનરે સવાલ પૂછ્યો. કંઈ બહુ સ્પષ્ટ સમજાયું નહિ. પણ હોંશિયાર અને ચપળ ઘણાં જ. કંઈ ગાંજ્યા ન જાય. તેથી એકદમ મક્કમ ચહેરો રાખી, સીધું પરીક્ષકની આંખમાં ધારદાર જોઈને કહ્યુઃ Look.I know English. Okay? But I don’t know your English. You write question on paper and I will reply on paper ! મને અંગ્રેજી આવડે છે.ઓકે? પણ તમારું બોલેલું અંગ્રેજી નહિ. તમે કાગળ પર લખીને સવાલ પૂછો અને હું પણ કાગળ પર જ જવાબ આપીશ. નીના, પેલો અમેરિકન તો છક્કડ ખાઈ ગયો અને અને હસીને,ખુશ થઈને “પાસ” કરી દીધા.
આ વાતનો સાર એટલો કે માનવીઓની વિવિધતા અને ભાષાઓના ઉચ્ચારોની વિવિધતા એ એક રસપ્રદ અને વિસ્મયભર્યો વિષય છે.

હવે સંસ્કૃતિની વાત. કાળની સાથે યુગયુગાંતરે થતા પરિવર્તનો વિશે તેં સરસ સમજાવ્યું. સંસ્કૃતિ ઉપર જે તે યુગની પરિસ્થિતિની અસર થાય છે અને તે મુજબ મૂલ્યો પણ બદલાતા રહેતા હોય છે. વાત તો બરાબર. સંમત. પણ અહીં સવાલ એ ઉભો થાય છે કે, શું નૈતિક મૂલ્યોના પાયા એવા નબળા છે કે જે સંજોગો/પરિસ્થિતિઓના વાવાઝોડા સામે ટક્કર ન ઝીલી શકે? લીવીંગ રીલેશન કે લગ્ન પહેલાંના કે લગ્ન વગરના શારિરીક સંબંધોવાળી વાતો વિષે નવાઈ ભલે ન લાગે પણ આ સાંસ્કૃતિક કટોકટી, કોઈપણ જાગૃત ભાવક માટે ચિંતાનો વિષય બની જાય છે તે હકીકત છે. કંઈક આવા જ સંદર્ભમાં બે મુક્તક યાદ આવે છે.

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે.
હર ચીજમાં એ લાભની તક શોધે છે.
આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ.
આંસુમાં ગરીબોના નમક શોધે છે.
-મરીઝ 

એ જ પ્રશ્ન છે કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું.
સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું.
-અમૃત ઘાયલ

ચાલ, હવે આમાંથી બહાર નીકળીને એક સરસ વાત કરું. એક પુસ્તકના પાના ફેરવતા ફેરવતા ખલીલ જીબ્રાનનું વાક્ય નજરે ચઢ્યું. “પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને? બધે જ ઝવેરાત ભરી છે. શરત માત્ર એટલી કે, ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઇએ. આમ તો આ વાક્ય અગાઉ પણ વાંચ્યું હતું પણ જેટલી વાર વાંચું, ઝૂમી ઊઠું. પછી થોડીવાર રહીને નેટ્સર્ફીંગ ચાલુ કર્યુ ત્યાં એ જ વાતને સમર્થન આપતી એક સરસ વીડીયો જોવા મળી. સાર લખું છું તને ગમશે.

ગલ્ફ વોરમાં ઘાયલ થયેલ એક ૪૭ વર્ષનો માણસ (નામ ભૂલી ગઈ) ચાલવા માટે અશક્ત થઈ ગયો. વ્હીલચેરમાં બેઠા બેઠા તેનું વજન વધી ગયું. ખુરશીમાં માઈ ન શકાય એટલું બધું વધી ગયું. ડોક્ટરોએ પણ આ ડીસ-એબીલીટીના સુધારાની શક્યતાઓ ન જોઈ. પણ આ માણસે મનને મક્કમ કર્યું. તૈયાર થયો.ધીરે ધીરે એણે જાતે થોડી કસરત/યોગા વગેરે શરુ કર્યું. કેવી રીતે ખબર છે? કોઈની પણ મદદ વગર ખુરશીના સહારે ઊભા થવાના પ્રયત્નોથી માંડીને આખા ઉભા થવાનુ., ડગલા માંડવાનુ, થઈ શકે તેટલા હાથપગ હલાવવાનું વગેરે ચાલુ કર્યું. પડે,વારંવાર પડે,વાગે, ઘણું કષ્ટ પડે પણ હિંમત હાર્યો નહિ.એમ કરતા કરતાં કરોળિયાની જેમ લાંબા સમય સુધી અનેક વાર મથતો રહ્યો.  એ રીતે ૧૦ મહિનામાં ૧૪૦ પાઉન્ડ વજન ઘટાડ્યું. ધીરે ધીરે ચાલતો થયો. એક જ ધ્યેયની પાછળ પડેલ આ માણસ હવે બરાબર નોર્મલ માણસની જેમ ચાલી શકે છે, અરે,દોડી પણ શકે છે. એણે ડોક્ટરોને ખોટા પાડ્યા. એ હંમેશા વિચારતો કે I can do it and he did it.  વીડિયોના અંતે એક સંદેશ લખ્યો છે કે “
Never underestimate what you can accomplish in life. આવી જ એક વાત એક અંધ વ્યક્તિની પણ કરવી છે. આવતા પત્રમાં એ લખીશ. પણ મને આ આખી યે પ્રેરણાદાયી વાત ખૂબ ગમી. થયું કે તારી સાથે ગમતાનો ગુલાલ કરું.

ચાલ, આવજે. સંભાળજે.

દેવીની યાદ. 

વહેલી સવારે…દરિયા કિનારે…

દરિયા કિનારે-૧

વહેલી સવારે, દરિયા કિનારે, ઘૂઘવતા મોજાં, લયબધ્ધ તાલે.
સૂરબધ્ધ સાજે, ધીરેથી આવી, આવીને વળગી ચરણ પખાળે.

દૂરથી ડોકિયા કરતો એક રાજજા,પૂરવની મેર એક કોડિયું સજાવે,
સોનેરી કણ બની તેજની ધારા, ને પુંજ થઈ સૌમાં ચેતન જગાડે.
વહેલી સવારે, દરિયા કિનારે.. ઉછળતા મોજાં, લયબધ્ધ તાલે..

સૂરજના સોનાને હૈયે મઢાવી, મંદ મંદ સંગીત દિલમાં રણકાવે,
ઉદધિ-વલોણે, ફીણ ફીણ તોયે, ઘમ્મરઘમ ફરતું ગીત લઈ આવે.
દરિયાઈ મોજાં, વહેલી સવારે.. રેતીને અડકી, ચુંબન દઈ  ભાગે!!.

ખુલ્લાં આકાશમાં, છૂટી છવાયી, આછેરી વાદળી, થનગનતી નાચે,
મોજાની સંગ સંગ મીઠું મલકાઈ, ઝરમરતા જલમાં વરસી સમાયે.
વહેલી સવારે, દરિયા કિનારે… શીકરની ‘ફરફર ’થી તનમન ભીંજાવે.


શીકર=પાણીની છાંટ

પત્ર-૩૨.. ઑગષ્ટ ૬ ‘ ૧૬

કલમ-૨

 

દર શનિવારે…..

પ્રિય દેવી,

તારો પત્ર આટલો જલ્દી મળ્યો એનો આનંદ થયો. આ દેશમાં એકલે હાથે બાળકો મોટા કર્યા અને હવે બાળકોના બાળકોને મોટા કરવામાં મદદરૂપ થઈએ કારણકે આપણે વેઠેલી મુશ્કેલી એ લોકોને ન પડે. પરંતુ સાથે સાથે આપણી ઉમર પણ તકાજો કરે ત્યારે કેવો અનુભવ થાય તે સ્થિતિમાંથી હમણા પસાર થાઉં છું એટલે તારા પત્ર આવે અને લખવા બેસું એ રણમાં મીઠી વીરડી જેવું લાગે.

તેં જે પત્ર માટેના વિષયોની વિવિધતા વિષે તારો અભિપ્રાય લખ્યો તે વાંચી મને મારા મોટીબા(મોટાકાકી) યાદ આવી ગયા. સાવ અભણ પરંતુ ખૂબ જ બુધ્ધિશાળી અને એકદમ નિખાલસ. અમે એકવાર ખાદીમેળામાં બારડોલી ગયા હતાં. હું ૧૦/૧૧ વર્ષની હોઈશ. મારા ઘરમાં અમને બધાને ડાન્સ પ્રત્યે ખૂબ લગાવ અને એ સાંજે હિંમતસિંહ ચૌહાણ(નામ જો ભૂલતી ન હોઉં તો!)નું નૃત્ય હતું અમે બધા એ જોવામાં મગ્ન હતાં, અમારા વ્હાલા મોટીબા પણ અમારી સાથે જ હતાં. એક તરફ હિંમતસિંહજી થાળીની ધાર પર નૃત્ય કરે અને એ જ વખતે મારા મોટીબા ત્યાં બેઠેલા માણસોને જોઈને અધ્યાત્મમાં લીન થઈ મોટેથી બોલ્યા, (સુરતી ભાષામાં ) ‘ જોની, આ કેટલા મનેખ ને પાછા બધ્ધાની પાહે આંખ, નાક, મોં પણ એ બધ્ધા જુદાં જુદાં! ભગવાનની લીલા તો જો!’ તે વખતે અમને હસવું કે રડવું તે સમજ ન પડી. એમને માટે નૃત્ય કરતાં ઈશ્વરની લીલા મહત્વની હતી.  

ચાલ હવે તારા બીજા ટોપિક પર આવું. 

મારી દ્રષ્ટિએ સંસ્કૃતિ પર જે તે યુગની પરિસ્થિતિ મોટી અસર કરતી હોય છે.  

મેં આગળના એક પત્રમાં તને વિશ્વયુધ્ધ પછી બદલાયેલા પશ્ચિમના મૂલ્યો વિષે લખ્યું હતું. એ વખતે જે બદલાવ આવ્યો એ પછી દ્રઢ થઈ ગયો જેને આપણે અત્યારની પશ્ચિમી સંસ્કૃતિ કહીએ છીએ. હવે તને મારી સમજ પ્રમાણે આપણી સંસ્કૃતિના બદલાતાં મૂલ્યોની વાત કરું તો જ્યારે જ્યારે આવા ભયાનક યુધ્ધો થાય ત્યારે ત્યારે પુરુષોની સંખ્યા સામાન્ય રીતે ઓછી થઈ જાય ત્યારે પુરુષોને એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની છૂટ એટલા માટે આપવામાં આવતી હશે કે જે તે સમાજમાં વ્યભિચાર વધી ન જાય. કારણ સ્ત્રીની પણ કુદરતી જાતીય માંગ હોય અને જો તે પૂરી કરવા ગમે તે પુરુષ પાસે મેળવે તો તેના આવનારા બાળકો કોને બાપ કહેશે? એક સમતોલ સમાજ માટે કદાચ એ વખતે એ જરુરી હશે-દા.ત. દશરથને ૪ રાણીઓ હતી.

પછી બીજા યુગમાં જોઈયે તો દ્રૌપદીને પાંચ પતિઓ હતાં. સમાજમાં સ્ત્રી-પુરુષની સંખ્યા ૫૦%/૫૦% હોવી જોઈએ. તું જો આજે ભારતમાં નજર નાંખીશ તો છોકરાઓ વધુ કુંવારા મળશે. અમુક રાજ્યોમાં સ્ત્રીની સંખ્યામાં ઘટાડો થયો છે એ વખતે સાંસ્કૃતિક મૂલ્યો બદલાય તો નવાઈ નહીં.

 હવે તું જે લખે છે કે, ‘ગમે તેટલું પશ્ચિમ દેશોનું અનુકરણ થતું હશે પણ ભારતિય યુવાનો આટલી હદે તો નહિ જ પહોંચતા હોય.’  એના જવાબમાં  એજ લખવાનું કે મોટા શહેરોમાં લિવીંગ રીલેશનમાં રહેવાની ફેશન(પશ્ચિમી અનુકરણ) કૂદકેને ભૂસકે વધતી જાય છે. એટલે તેં જે લખ્યું તેવી પરિસ્થિતિ હમણા તો કદાચ ન આવે પરંતુ આવતી પેઢીએ આવે તો મને નવાઈ ન લાગે. 

એક બીજું ઉદાહરણ એટલા માટે આપું છું કે જેથી બદલાતી પરિસ્થિતિનો ચિતાર જોઈ શકાય. આપણા જમાનામાં લગ્ન પહેલાં શારિરીક સંબંધ અવમૂલ્યન ગણાતું આજે એ સાવ સ્વાભાવિક થઈ ગયું છે. બદલાવ ક્યારેક અનુકારણિક હોઈ શકે અને ક્યારેક પરિસ્થિતિજન્ય હોઈ શકે. જ્યારે અનુકરણથી થતાં હોય તો તેના પરિણામો જેમ પશ્ચિમના દેશો હમણા ભોગવે છે તેમ ભોગવવા પડશે. યુ.કે.માં એક જ સ્ત્રીને જુદા જુદા પુરુષો થકી જુદા જુદા બાળકો થાય છે અને હવે અહીંની સરકાર ઈચ્છે છે કે બાળકના પિતાએ તેની જવાબદારી નિભાવવી જોઈએ. પરંતુ કોના પિતા કોણ તેની જ ખબર ન હોય અને વળી અમુક પુરુષો જવાબદારીથી ભાગવા માટે બીજા શહેરમાં જતાં રહે છે. અને એવું નથી કે આ માત્ર અંગ્રેજ લોકોમાં જ છે. ધીમે ધીમે આપણા સમાજમાં પણ એ વધતું જાય છે એની હું સાક્ષી છું.

ખેર, મૂલ્યોમાં ન માનનારા કહે છે કે મૂલ્યો નક્કી કરવાવાળા તમે કોણ જેને જેમ ફાવે તેમ રહે!!!!!

આ વાતના સંદર્ભમાં દીપક બારડોલીકરની ‘કૈં નથી કહેવું’ની એક પંક્તિ..

‘અનૈતિક કોઈ ક્યાંયે કરે, કોઈ નહી પૂછે,
છે ખુલ્લેખુલ્લો પરવાનો અમારે કૈ નથી કહેવું.’

નવીનભાઈ બેંકરની ‘મંદિરના પ્રાંગણમાં’ સાચે જ રમુજી છે છતાં ખૂબ જ વાસ્તવિક છે. મારો અનુભવ કહું તો જ્યારે જ્યારે યુ.કે.માં સ્વાધ્યાયના કાર્યક્રમો થતાં ત્યારે ઘણીવાર મને તેનો અહેવાલ લખવાનું કહેવામાં આવતું, ત્યારે અહેવાલમાં બીજું બધું યથાવત રહેતું. પરંતુ પ્રેક્ષકોનો આંકડો બદલાઈને મોટ્ટો થઈ જતો. એને રમુજમાં નહી લઈએ તો આપણો માનસિક બોજો વધી જાય એટલે બસ નવીનભાઈની જેમ હસી લેવાનું… 

ચાલ વિરમું તે પહેલા મને કોઈએ હમણા પૂછ્યું કે ‘બધે કાગડાં કાળા’ કેમ કહીએ છીએ? આમ તો ચકલીઓ પણ સરખી હોય છે, હંસ પણ સરખા હોય છે…..વાત સાચી છે ને?

સુરેશભાઈની એક કવિતા લખી રજા લઉં.

સાવ બિડાયેલી સુગંધ જેવો તારી પાસે ખૂલી ગયો, હું ગીત લખવાનું ભૂલી ગયો.
ઝાકળ જેવા શબ્દો મારા, વરાળ થઈને ઊડ્યા,
આભ આખાને છોડી પંખી, નિજને માળે બૂડ્યાં.
હેત ભરેલો હાથ હવાનો ને ડાળની જેવું ઝૂલી ગયો, હું ગીત લખવાનું ભૂલી ગયો.

બંધ થયેલા રસ્તાઓ પણ, ખૂલે કમળની જેવી;
હોવું એટલું પૂરતું અમને નહીં લેવા કે દેવા,
મરજીવાની પાસે દરિયો ઝીણું કશુંક કબૂલી ગયો, હું ગીત લખવાનું ભૂલી ગયો.

 અને અંતે..

મીઠાંમાં મીઠાશ શોધવાની દ્રષ્ટિ, ઝેરમાં અમૃત મેળવવાની પ્યાસ અને ક્ષણમાં રહીને ક્ષણને માણવાની હૈયાઉકલત ઈશ્વર પાસે માંગીએ.

નીનાની સ્નેહ યાદ.

 

સફર…

PD*3140930

છુક છુક છુક છુક એન્જીન ગાડી ભાગતી ચાલે.
ટિક ટિક ટિક ટિક કાંટા વચ્ચે નાસતી ભાગે.
આડી અવળી, ખાડા-ટેકરે,
સર્પાકારે, સરતી જાયે.
હરિયાળી કે સૂકા રણ પર,
ધૂપ- છાંવ, તોફાન છો આવે,
છુક છુક છુક છુક એન્જીન ગાડી ભાગતી ચાલે……..ભાગતી ચાલે
ચઢે યાત્રીઓ નિત્ય નવા,
નિકટ ઘડી બે ઘડી આવે,
મુકામ ક્યાં ને કેટલાં વાગે,
કોનો આવે, કોઈ ના જાણે.
ટિક ટિક ટિક ટિક કાંટા-ગાડી નાસતી ભાગે……….ભાગતી ચાલે
મુકામ આવતાં, પલકારામાં,
‘ઘડીક સંગ’ એમ વિદાય થાયે.
આવજો’ કહેતાં હાથની સાથે,
આંખથી દૂર, હૈયું હલાવે.
ધક ધક ધક ધક ધમણ-શી ગાડી દોડતી ચાલે…….ભાગતી ચાલે
ફરી નવા મુસાફર આવે,
અજબ-ગજબના, દિલ મિલાવે,
રંક,રાય સૌ શ્વાસને ઘાટે,
ચક્ડોળ નામે ગોળાકારે,
ધમ ધમ ધમ ધમ સમયની ગાડી ભાગતી ચાલે….. ભાગતી ચાલે