સંગ્રહ

નજર ઉતારે છે !

સવાર ને સાંજ ગગનગોખમાં રોજરોજ દીવા થાય છે, ધરતી પણ ખબર ન પડે તે રીતે, રોજરોજ ગરબા ગાય છે. સતત ચાલતી કુદરતની આ પૂજામાં જાણે રિયાઝનો સૂર સંભળાય છે. પણ આજે  તો દિવસે અંધારું થયેલું જોયુ!!
આકાશમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ
થયું, ત્યારે મનમાં થયું; ઓહોહોહો……
ચંદ્રનું આવરણ કરીને દિવસે અંધારું કરતો આ અનોખો ખેલ તો જુઓ!! જાણે કોઈ પૃથ્વીની નજર ઉતારે છે !

******************************************************************************************

સવાર ઊગે ને સાંજ ઢળે, કોઈ નભને ગોખે, દીવડાઓ પ્રગટાવે છે.
આકાશ,વાદળ સંગ મળી, કોઈ પાઠપૂજાનાં, મધુર ગીત ગવડાવે છે.

ગજબ ગવૈયો રિયાઝ કરતો
થનગન થનગન ધરા ફેરવતો,
નિત્ય નજારા નવા ચીતરતો
આવનજાવન કરતો જાણે, વિસ્મયતાલ પૂરાવે છે.
કોઈ ગગનગોખમાં દીવડાઓ પ્રગટાવે છે.

કદીક મંગલ મંડપ ગૂંથે,
કદીક વિનાશી તાંડવ ખેલે.
વળી કદી ગ્રહ-તારક ગ્રાસે.
ચાંદનું આવરણ કરીને જ્યારે સૂરજને એ ગ્રાસે છે;
અહો, લાગે ત્યારે જાણે, નજર પૃથ્વીની ઉતરાવે છે!

થોભ્યાનો થાક!

થાક ક્યારે લાગે? જ્યારે ખૂબ કામ કર્યું હોય ત્યારે એમ સામાન્ય રીતે માનવામાં આવે છે. પણ એ વિધાન સંપૂર્ણપણે સાચું છે ખરું? મન ગમે તે રીતે ગમતું કરવા તરફ જ વળે છે. ક્યાં થોભે છે?!
કદાચ થોડીવાર થોભી જાય કે થોભવું પડે, પણ Passionની તાકાત! ગજબની છે.

*************************************************************************

થોભ્યાનો થાક હવે લાગે સખી મુને, થોભ્યાનો થાક કેમ લાગે?

સરસરતી ક્ષણો તો ઊડઊડતી જાયે,
ને ડગમગતી નૈયાયે થરથરતી ભાસે.
પણ કેમ કરી મનવું આ મનડાના મોરને,
એને થનગનતું નર્તન ને કળા જ ભાવે..
થોભ્યાનો થાક હવે લાગે સખી મુને, થોભ્યાનો થાક મને લાગે.

છેક ઊંડેથી એક સખી આજ જરા હાલી
હળવેથી બોલી એ આંગળીને ઝાલી,
“જે ઝંખે છે પગલાં એ કેડી છે સામે,
કેમ આમ ભૂલે ને મોજ નહિ ચાખે?”
સખી, ત્યાં તો થોભ્યાનો થાક જાય ભાગે, દૂર ભાગે
!
સખી મુને, સરિતા સમ વહેવાનું ફાવે.

રસભર

રસભર

જ્યાં રસ ઝરે અતિ સરસ સરસ ને ટીપે છીપે તરસ તરત.

જેમ તેજ સરે નભ પરમ નરમ, તેમ તે જ તરે અહીં મન સરવર.

નવરંગ દીસે જીવનનું ચણતર,

ધૂપ-છાંવ ઝીલે અંતર આ ઘડતર.

કંઈક સતત કરે ધીમું નયન અંજન.

જેની એક ઝલક, સુખ દે દરશન.

જેમ તેજ સરે નભ પરમ નરમ, તેમ કલમ ફરે, ઝરે અ-ક્ષર હરપળ

પર્વત પર્વત ઘૂમતું ધુમ્મસ.

વાદળ કોરે આશનું ઓજસ.

નાજુક સરતું સરળ તરલ,

દિલ હરખ હરખ, મળે અરથ વિરલ.

જેમ તેજ સરે નભ પરમ નરમ, તેમ તે જ તરે અહીં મન સરવર.

નજરુંના ગોખે

તુલસીને ક્યારે કોઈ દીવો પ્રગટાવે એમ સાંજ જરા હળવે ઝુલાવે.

તરંગ-ઝરૂખે જે ઝુલતાં’તાં ગીત હવે, નજરુંના ગોખે  ઝીલાવે.

કોરી કલમને કંકુમાં બોળી

રક્તભરી આંગળી ઝબોળી

સોળ સોળ મોસમની ભેગી રંગોળી

આથમણી કોરની સેંથી પૂરાવે

આજ નભનો નઝારો સજાવે…નજરુંના ગોખે ઝીલાવે..

છપ્પર ફાડીને લઈ લેતો કીમિયાગર

ગબ્બર ગોખેથી દઈ દેતોયે જાદૂગર

સરવર સમ છલકાવે તનમન

ચાહે શું કોઈ કૈં, એથી વધારે?

રંગીન ફુવારે ભીંજાવે…સાંજ  આજ અંતર ઉજાસે…

તુલસીને ક્યારે કોઈ દીવો પ્રગટાવે એમ સાંજ જરા હળવે ઝુલાવે..

–દેવિકા ધ્રુવ

મે 2023

પોણી સદીની પાળે..

પોણી સદીની પાળે, આ સાગરને મઝધારે, અમે ચઢી ગયાં વિચારે;
જરા ડોલતી નાવની ધારે, જોઈ સામે તે કિનારે, અમે ચઢી ગયાં વિચારે….

પાર કરી છે પોણી ને પા જેટલી બાકી,
આજ લગી આ નૌકા વેગે રાખી હાંકી,
હવે પહેલાં કરતાં, જરા ચાલે હાલમ ડોલમ.
પણ કલમ-હલેસાં નથી ગયાં હજી હાંફી!

સમય આવ્યો, સમજી લેવા આબોહવાને તાલે, એકમેકને ઈશારે,
એક સમી સાંજને ટાણે, આ સાગરને મઝધારે, અમે ચઢી ગયાં વિચારે….

તારું મારું, મારું તારું, કહેતાં કહેતાં ચાલ્યાં,
આગળ-પાછળ, પાછળ-આગળ, કરતાં કરતાં દોડ્યાં,
ખાડા-ટેકરા,તડકા-છાંયા રસ્તાઓ વટાવ્યાં,
ખારાં-તૂરાં, કડવાં-મીઠાં પીણાં સઘળાં ચાખ્યાં.

રહ્યું કશું ના બાકી, લાગે ઝબકી તંદ્રાવસ્થે, પરસ્પરને સહારે,
પોણી સદીની પાળે, જાગ્યાં ત્યાંથી સવારે, અમે ચઢી ગયાં વિચારે….

–દેવિકા ધ્રુવ

૨/૭/૨૦૨૩ ફેબ્રુઆરી ૭,૨૦૨૩

વાસંતી વાયરો..

આ મહા સુદ પાંચમની વસંતપંચમી અમેરિકા માટે તો ખૂબ વહેલી ગણાય. હજી અહીં ટેક્સાસમાં તો કદાચ થોડીયે જણાય. પણ બાકીનાં મોટા ભાગનાં પૂર્વ તરફનાં રાજ્યોમાં તો ઠંડી અને સ્નોનું સામ્રાજ્ય. તેમ છતાં…. સાત પગલાં સાથે માંડવાના શુકનવંતા દિવસે આ ત્રણ અંતરાની એક રચનાઃ
આજે હ્યુસ્ટનમાં વાસંતી લહેર જેવી હવા છે ખરી.

આ વાસંતી વાયરાને હૈયે ઝીલું, ઝીલી ઝીલીને આખું ગગન ઘૂમું.

ગગનની પાર ઘૂમી ભીતર વળું,
ભીતર વળીને પૂરો સમંદર ભરું.
શીતલ શીકરથી હવા ભીની કરું,

સ્નેહભીની લહેર થકી જીવન સીંચું.. આ વાસંતી વાયરાને હૈયે  ઝીલું.

જીવનની મહેકને ચોપાસ વીંટું,
વીંટી વીંટીને, બસ ગુલશન વીંઝુ.

ગરવા આ વીંઝણાને શબ્દે ગૂંથું,
ગૂંથી ગૂંથીને કોઈ સરગમ  રેલું.. આ વાસંતી વાયરાને હૈયે ઝીલું.


સરગમ સંગ ગાનને વ્હેતાં મૂકું,
વહેતાં બે ગીતના ઠમકે ઝૂમું.

ઝૂમતાં, ડોલતાં, મુક્તમન નાચું..
ને દૂર આભે ઊડું, પરમ પ્રેમમાં ડૂબું… આ વાસંતી વાયરાને હૈયે ઝીલું, 

                            …

રોજ રોજ જોઈ એમ થાય..

વીજળીના તાર પર કતારબંધ બેઠેલા પંખીઓને રોજ રોજ જોઈ એમ થાય
ઊડઊડતી પાંખને અદબભેર ગોઠવી સંપીલા ઈશારા આમ થાય?


ન વાચા,ન વાણી,ન કર્મોની કહાની,
ન જર,જમીન કે જોરુની ગુલામી.
ઝાડ-પાન, ફળ-ફૂલ,ડાળ શહેનશાહી.
મુક્તિનું આ બંધન કે બંધનની છે મુક્તિ,સવાલ એમ થાય.
તાર પર કતારબંધ બેઠેલા પંખીને રોજ રોજ જોઈ એમ થાય.

એક લાવે ચોખાનો ને,બીજો લાવે દાળનો દાણો,
ઘાસ-ફૂસ,પીંછા,ને સળીઓથી, સજ્જ કરે માળો.
ચાંચમાં ચાંચ રાખી બાંધતા એ પ્રેમ તણો નાતો.
મીઠા કલશોરના પડઘાથી રોજ સાંજ જંપી જંપીને દૂર જાય,
આભમાં આ હારબંધ સાથ સાથ ઉડતા સૌ પંખીને જોઈ એમ થાય,


દિલ-દિમાગ, વાણીની ભેટ તો યે, માનવીથી આવું  ન કેમ થાય?
વીજળીના તાર પર કતારબંધ બેઠેલા પંખીઓને રોજ રોજ જોઈ એમ થાય….

વીંધાતી વાંસળી

કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર વીંધાઈ હશે!
બોર મીઠાં ચૂંટવાને શબરીની આંગળી, કાંટાથી કેવી ટિચાઈ હશે
!

વેદના, સંવેદના, વ્યથા ને ચિંતા,

આફત,અડચણ તકલીફ ને પીડા,

લાગણીની સઘળી આ ફૂંક ને ચૂંક

રૂપાળા વિશ્વમાં વિષમતા આવી, સર્વત્ર શાને લીંપાઈ હશે ?!!!
કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર એ વીંધાઈ હશે!


પથરો, કોલસો, હીરો કે કાંકરો

તાંબું, સોનું, રૂપું કે રત્નો

ઘસાય, તપાય, કેવાં તે કષ્ટો,

અત્તર થઈ મહેકવા, જાતને જાળવતી પાંદડી પણ કેટલી પીસાઈ હશે!
કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર વીંધાઈ હશે!

છાનુંછપનું

 છાનું છે ને  છપનું છે, એક એને ગમતું સપનું છે.
એક સવારે, તેજની ધારે, સરી પડેલું ઝરણું છે.

પીળું થઈને પડેલ પત્તું, લીલાં ઘાસને જોઈ પૂછે,
રે, તણખલા, રંગ પીળો, જોઈ મારો આમ હસે?
ના રે ના, રંગ તો સૌનો એ જ બદલતો નિયત ક્રમે,
ગુમાન નાનું, કદી ન ઉખડું ધરતીથી, એ તપનું છે.
આ છાનું છે ને  છપનું છે, એક એને ગમતું સપનું છે. 

જા રે તરણાં, તું શું જાણે? મોહ-ત્યાગ લગીરે?
લગાવ હૈયે તોયે ખરીએ, વસંત કાજે  જઈએ.
કૂણું તૃણ  પણ હર સમે, અમે અડીખમ થઈ રહીએ.
દઈ દે તાળી, બંને સાચા, ઝીલે કોઈ તો ખપનું છે..
આ છાનું છે ને  છપનું છે, એક એને ગમતું સપનું છે.

સરિતાને તીર…

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાને ૨૦ વર્ષ પૂરાં થશે એ માંગલિક અવસર પર…

સરિતાને તીર આજે ઉમટ્યો છે મેળો,ઉપવનમાં મ્હેંકે જેમ જૂઈનો વેલો..

મંડપની મધ્યે છે ગુજરાતી ગરવાં.
ને ભાવોનાં ગાણામાં ભાષાની ગાથા.
મોસમ મઝાની જો, છલકે આપમેળે,
ભીતર તો કેવું ચડ્યું રે ચક્ડોળે.
સરિતાને તીર આજે ઉમટ્યો છે મેળો, ઉપવનમાં મ્હેંકે જેમ જૂઈનો વેલો..

અંતર ઉમંગથી આ ઉડવાનો અવસર
ને ભાષા સંગાથે ભીંજાવાનું મનભર.
ગમતો ગુલાલ ને  મનની મિરાત
ઘડી બે ઘડી, આમ વહેંચી અમીરાત

સરિતાને તીર આજે ઉમટ્યો છે મેળો, ઉપવનમાં મ્હેંકે જેમ જૂઈનો વેલો..