સંગ્રહ

સ્મરણની શેરીમાંથી…..૨૧

                           (૨૧)

સ્મૃતિની જેમ સમયનું વિસ્મય પણ ખરેખર અદભૂત છે. સ્મરણોની શેરીમાં રખડતા,આખડતા,ખૂંદતા કંઈ કેટલીયે ઊંડી ખીણોમાં ઉતરી જવાય છે. તેમાંથી માંડ વર્તમાનની સમતળ ભૂમિ પર આવીએ આવીએ ત્યાં સુધીમાં તો ક્ષણમાત્રમાં, એક ક્ષણ પહેલાંની ક્ષણ, ભૂતકાળ બની જાય છે! યુગના પર્વતપર જઈ ઠલવાય છે. તે કેવી સ્થિતિ? ક્યાં છે વર્તમાન?!! બધો યે ભૂતકાળ થઈ જાય છે અને છતાં પ્રત્યેક ક્ષણ આવતીકાલની ચિંતામાં ખેંચાઈ જાય છે! શું છે બધુ? શેને માટે છે? સવાલોની સતત ઉઠતી રહેતી પરંપરા અટકવાની ખરી? ના, ક્યારેય નહિ. કારણ કે, સવાલો જીવન છે, બધા વિરોધાભાસ પણ જીવન છે. અને આવું જીવન જેમાં ઝીલાઈને રહે છે; તે છે સ્મરણો. તેથી સ્મરણો મહામૂલા છે, અમોલા છે.

વિરોધાભાસની વાત લખું છું ત્યારે વળી પાછો એક પ્રસંગ સાંભરે છે. હું ખૂબ નાની હતી ત્યારથી જ આપણી પૌરાણિક વાર્તાઓ વાંચુ કે વડિલો/શિક્ષકો વગેરે પાસેથી સાંભળું ત્યારે હંમેશા મનમાં ઘણા સવાલો ઉદભવે. પણ કુમળું મન જાત સાથે જ કંઈક સમાધાન કરી લે. આવું તે કંઈ પૂછાય તેવી થોડી ભીરુતા પણ ખરી જ. મને હમેશા એમ થાય કે, કુંતીએ મંત્રનો ઉપયોગ કર્યો અને કર્ણનો જન્મ થયો એ વાત સાચી માની જ કેવી રીતે લેવાય? બીજું, ધારો કે ઘડીભર માની પણ લઈએ તો કુંતીએ એ વાત છુપાવી કેમ? એક જ વાર હિંમત કરીને કહી દીધું હોત તો કેટકેટલાં અનર્થો અટકાવી શકાત? એ જ રીતે, ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો માંગ્યો એ વાત ક્યારે ય મને જચતી ન હતી.પછી તો એ વાતને વર્ષો વીત્યા. અને એ કુતૂહલતા લગભગ દબાઈ ગઇ હતી. તેવામાં પૌત્રીને વાર્તાઓ કહેવામાં એ જ વાર્તા સળવળીને નજર સામે આવી. જેમ જેમ હું કહેતી ગઈ તેમ તેમ એના ચહેરાની રેખાઓમાં આશ્ચર્ય અને આંખોમાં પ્રશ્નાર્થ ડોકાતા ગયા. છેવટે એ બોલી જ ઉઠી. બાપરે! શિક્ષક થઈને વિદ્યાર્થીનો અંગૂઠો માંગ્યો? ના…ના.. આ તો બરાબર ના કર્યુ કહેવાય. That is not fair…

 ઘડીભર હું આનંદ અને આશ્ચર્ય વચ્ચે સ્તબ્ધ થઈ ગઈ. આનંદ એ વાતનો કે  આજે  સાચું અને ખોટુંવચ્ચેનો તફાવત સ્પષ્ટ છે અને આશ્ચર્ય એ વાતનું કે, વર્ષો પહેલાંનો સવાલ આજે ફરીથી મારા જ લોહીમાં દોહરાય છે અને જવાબ ??? નૈતિક મૂલ્યોની પરંપરા આજે પણ કોયડો બની રહી છે.

આવી તો કંઈ કેટલીય વાતો આપણા પુરાણોમાં છે. ભગવાન થઈને નાની વાતમાં કોઈનું માથું કાપી નાંખે?-એવો પ્રશ્ન એક બાળક કરે ત્યારે કેવું લાગે?. એકલા પુત્રનું જ નહીં હાથીની ય હત્યા કરી. અત્યારના યુગમાં આ વાર્તા સાંભળતો બુધ્ધિશાળી બાળક તરત જ કહે કે, ગણપતિનું માથું તો તાજું ત્યાં  જપડ્યું હતું તે ન ચોંટાડતાં, એક હાથીની હત્યા કરવાની શી જરુર હતી?

આમાંથી સમજવાની વાત તો છે કે કાલ્પનિક વાર્તાઓ હોય કે, સાચાં સ્મરણો હોય, તેનો દસ્તાવેજી ઈતિહાસ પણ, એક એવું સાહિત્ય છે કે જેમાંથી વિરોધાભાસની વચ્ચેથી પણ સારાસારનો વિવેક સમજવા મળે છે, તેની વચ્ચે પણ જીવંત રહેવાનું શીખવા મળે છે.

બધા સંસ્મરણો લખ્યા પછી ટૂંકમાં કહેવું હોય તો જન્મ ગુજરાતના એક ગામડામાં, ઉછેર, લગ્ન અને બે દિકરાઓના જન્મ અમદાવાદમાં  અને તે પછી પરિવાર સાથે વસવાટ અમેરિકામાં. આમ તો આટલી અમસ્તી વાત. પણ આટલી અમથી વાતની પાછળ ઘણાં પરિબળો, અસંખ્ય ઘટનાઓ, અનેક સંજોગો, વિવિધ સ્થાનો, અલગ અલગ દેશી અને વિદેશી વ્યક્તિઓ. આ લખું છું ત્યારે ઝુંપડીની પોળના ભોળાભાઈ અને રણછોડકાકા જેવાં પડોશીઓથી માંડીને હ્યુસ્ટનના એડવર્ડ વોલ્શ,એના કે નેલ્સ અને જેનીફર જેવા નેબર સુધીના તમામ માણસો સ્મૃતિમાંથી સરે છે. તો સાથે સાથે પ્રભૂતાબહેન,યશોધરાબહેન વગેરેથી માંડીને મિસ રોબર્ટ્સન,મિસ સીયેરા અને મિસ ફીમસ્ટર વગેરે શિક્ષકોના ચહેરા પણ તરવરે છે. ભારત,અમેરિકા,હોંગકોંગ,સિંગાપોર,કેમ્બ્રીજ વગેરેના રસ્તાઓ પણ દેખાય છે. પ્રસંગો અને ઘટનાઓના હરણટોળાં ફરીથી એકવાર ચારેબાજુથી મનોકાશમાં દોડાદોડ કરી રહ્યા છેજાણે કોઈ ગીચ ઝાડીમાંથી ઊડી આવતા તીડના ટોળાંઓ ! તો ક્યારેક જાણે નજર સામે ફરફરતાં મનગમતાં પતંગિયાઓ !!

થોડા દિવસો પહેલાં જ વર્ષો જૂના કાગળિયાં હાથ લાગ્યાં. ફરીથી ફીંદવાનું મન થયું. લગભગ ૪૦ વર્ષ પહેલાં ભારતમાં છોડેલાં સ્વજનો અને મિત્રોની મોંઘી મિરાત હતી . સાચવીને રાખેલાં, મિત્રોના જૂનાં પત્રો વાંચતી ગઈ,વાંચતી ગઈ ને પછી તો વાંચતી રહી. વિદેશની ધરતીની શરુઆતની અવનવી વાતો, મથામણો,મૂંઝવણો અંગેની મારી નુભૂતિઓના મળેલાં પ્રતિપત્રોકેટકેટલું ભર્યું હતું એમાં કે જેણે આજે પણ હ્રદયને હલાવી, વલોવીને ઉલેચી નાંખ્યું ! મનમસ્તિષ્ક પર જબરદસ્ત રીતે ચોંટી ગયેલી સ્મરણીય યાદો આંગળીઓ પર વળગીને શબ્દ બની ઠલવાતી ચાલી..

આમ તો અનુભવ સૌનો હશે …હોય જ..

આંગળીઓના ટેરવેથી કેટકેટલું ઝર્યું હશે ?
ને હૈયાના હોજમાંથી ત્યારે કેટકેટલું સર્યું હશે?
સમયના પડ,બની થડ,જામી જાય છે મૂળ પર
પણ પાંદડીઓ વચ્ચે પતંગિયા જેવું કૈંક ફરફર્યું હશે.
અંતરની એરણ પર ધસમસતા અતીત પૈડે,
જરૂર જોજનો સુધી, ખેતરોના ખેતરને ચાતર્યું હશે.
દિલના હાર્મોનિયમ પર યાદોની સારેગમપધનીસા,
અવશ્ય ક્યાંક, કોઈક અલૌકિક સંગીત અવતર્યું હશે .

આમ જોઈએ તો જાણેઅજાણે આ બધી સ્વયંની જ શોધ નથી શું? અને આ સ્વયંની શોધ પાછળની મથામણના મૂળ પણ એક વીજઝબકાર જેવું રહસ્યમય નથી શું? 

જે હોય તે.. પણ મનમાં ભરીને જીવવું, એના કરતાં, મન ભરીને જીવવું..! એજ  સાચુ જીવન છે. 

જીવન અને સાહિત્ય વિષે પુસ્તકો ભરીને વિગતવાર અર્થો ઠેકઠેકાણે અપાયાં છે. પણ હું મારા આજ સુધીના વ્યવહાર જગતના જુદા જુદા અનુભવો પછી ખુબ સ્પષ્ટપણે અને પ્રામાણિકપણે હંમેશા એમ માનતી અને કહેતી આવી છું કે સાહિત્ય બીજું કંઈ નથી પણ જીવાતું જીવન છે અને જોવાતું જગત છે. અહીં શિખરની ટોચ છે, અને તળેટી પણ અહીં જ છે. અહીં  જ વસંત છે અને પાનખર પણ છે જ. અહીં માનવસંબંધોના સૂરીલા સૂર છે તો વાસણોના ખખડાટ પણ છે. હાથમાં લીધેલાં સુંદર ગુલાબના ફૂલમાં કુમાશ પણ છે અને કાંટા પણ સાથે છે. એક એક વ્યક્તિ અલગ છે. સરવાળાબાદબાકી બધામાં છે અને બધે છે. ઈશ્વર પણ ક્યાં પર્ફેક્ટ લાગે છે? નહિ તો માત્ર સુખ અને સુખ સર્જ્યું હોત ?

જીવનમાં ઘણીવાર ન ધારેલું બની જતું હોય છે. જો ઉભી થયેલી નવી પરિસ્થિતિઓ વિશે રડ્યા જ કરીએ તો કંઈ જ થઈ ન શકે.. પણ દુઃખનું પક્ષી માથા પર આવી બેસે તો એને માળો બાંધવા ન દેવાય. સિફતપૂર્વક અને શાંતિથી એને ઉડાડી મૂકાય. જીંદગીમાં એકલા ઝઝુમીએ તો જ નવા રસ્તા દેખાય છે, તો જ ચાલવાની હિંમત વધે છે અને આનંદ પણ ખરો જ. પોઝીટીવ વિચારતા રહેવાથી બધું સારું જ થાય છે.. વિચારો સારા તેના આચાર આપમેળે સારા અને જેના આચાર સારા એનું જીવન સારું.

નવા યુગના GPS (Global Positioning System) જેવો અતિ સરળ રાહ સૌને મળે, આ સફરને સુંદર અને સફળ બનાવે અને અંતિમ મુકામ સુધી સરળતાથી પહોંચાડે તો ‘વિશ્વશાંતિ’ નું સ્વપ્ન સાકાર બને.

અંતે, અકળ એવી સૃષ્ટિમાંથી થતાં અગમ્ય ચમકારા જેવી આ, મારી અનુભૂતિઓ છે અને એના અહેસાસની ઝલક છે, સ્મરણની શેરીમાં રખડતા રખડતા જડેલી જડીબુટ્ટી છે. કહો કે, દરિયાની રેતીમાં વેરાયેલા છીપ છે,જેનું આમ તો મૂલ્ય કશું જ નહિ, છતાંય ખૂબ અમૂલ્ય!

અને છેલ્લે આ સ્મરણોને પંપાળીને સજાવતી, સમજાવતી અને સ્નેહપૂર્વક સ્વીકારતી કલમની શક્તિ થકી સૌને વંદન…એને જ હાથમાં લઈને કહું છું કે,  “લો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે…


અહીં નીચેના પિક્ચર ઉપર ક્લીક કરી સાંભળો…

સ્મરણની શેરીમાંથી…(૨૦)

                                (૨૦)

 

 સર્જન-પ્રક્રિયાની અનુભૂતિ લખતા લખતા,ગયાં પ્રકરણમાં એક જૂની સ્મૃતિની ખડકીમાં વળી જવાયું હતું ફરી પાછી આજે વર્તમાનના મુખ્ય રસ્તે આવીને ઉભી.એક તરફ ન્યૂ જર્સી છોડ્યાનો ગમ તો બીજી તરફ છેલ્લાં ૧૫ વર્ષમાં હ્યુસ્ટનની ધરતી પર કરેલ પ્રવૃત્તિઓ અને પ્રગતિની ખુશી પણ અનુભવાય છે.

ગુજરાતી કીબોર્ડ અને નેટ-જગતના વ્યાપે ઘણું નવું શીખવાડ્યું તો અહીંના સાહિત્યના મંચે એક નવી જ દિશા ખોલી આપી. એના જ બળે વિવિધ વાંચન વિસ્તર્યું, લેખનકામને વેગ મળ્યો અને એ રીતે એક નવું જ વિશ્વ, (સાહિત્યનું, કલાનું વિશ્વ) ઊભું થયું. કેટલાં બધાં સાહિત્યકારોને મળવાનું થયું, ઘણા કાર્યક્રમો માણ્યા અને ઘણા કાર્યક્રમો કર્યા પણ ખરા. અમદાવાદની બુધસભાથી માંડીને ફ્લોરીડાના ‘પોએટ્રી ફેસ્ટીવલ’,કેલિફોર્નીઆની સાહિત્ય-બેઠક, યુકે.ની ‘ગુજરાતી રાઈટર્સ ફોરમ’ ગ્રુપની ૨૫ વર્ષની ઉજવણીનો ઉત્સવ, અમદાવાદની ‘સદા સર્વદા કવિતા’માં રજૂઆત, કવયિત્રી સંમેલન,ન્યૂ જર્સીનું સાહિત્યિક અધિવેશન,વગેરે જગાઓએ આમંત્રિત થવાનું અને કાવ્યપઠન કરવાનું સદભાગ્ય પણ મળ્યું અને માણ્યું.  જીંદગીનો ખરો ખજાનો આ સ્મરણો જ છે ને?

અહીં એક બહુ જૂનું નહિ એવું એક સ્મરણ તાજું થઈ રહ્યું છે. યુકે.ના રાઈટર્સ ફોરમના ‘રજત જયંતિ’ ઉત્સવ પછી શ્રોતાજનોમાંથી કોઈકે પૂછ્યું કે તમે કવિતા કેવી રીતે લખો છો? જવાબ કોઈ રેસીપીની જેમ સહેલો ન હતો.પણ એના જવાબમાં મને મારી એક કવિતા યાદ આવી.અત્રે ટાંકવાનું જરૂરી એટલા માટે લાગે છે કે, સર્જન-પ્રક્રિયાના આ ચાલુ મુદ્દાના ભાગ રૂપે છે.  હંમેશા તો નહિ પણ સામાન્ય રીતે પીડામાંથી પ્રસવ થાય. તો પેલા સવાલના જવાબમા બે શેરઃ

કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રેવા દો.      
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રેવા દો!!

ઝવેરી વેશ પ્‍હેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,
હિરા ફેંકી, વિણે પત્થર, નકામી વાત રેવા દો.

હા, એક વાત ખૂબ જરૂરી જે વારંવાર કહેવાનું ગમશે. સારા વાંચનની અસર સંવેદનામાં સજ્જતા કેળવે છે અને તો સારું સર્જન સંભવે છે. સાહિત્ય તો એક દરિયો છે તેમાં જેમ જેમ ઊંડા જઈએ તેમ તેમ આનંદના મોતી મળતા જાય. પદ્યમાં છંદોની મઝા પણ ત્યારે અનુભવાય. કવિકર્મની સહજતા પણ ત્યારે જ લાગે. સાહિત્ય સારાસારની સમજણ આપે છે. સાચું જીવન જીવાડે છે. બધા વિરોધાભાસની વચ્ચે જીવંત રહેતા શીખવે છે. સાહિત્ય માત્ર શબ્દોની રમત  નથી,અંતરની જણસ  છે, અંદરની સમજણ છે. શબ્દની સાર્થકતા પણ એમાં જ છે.

 ઘણા બધા પરિબળો એક સાથે એવાં કામ લાગ્યા કે જેને પરિણામે ‘શબ્દોને પાલવડે’, ‘અક્ષરને અજવાળે’, ‘કલમને કરતાલે ‘એમ ત્રણ કાવ્યસંગ્રહો તૈયાર થઈ શક્યા તો એ પછી બંને પરિવારની નવી પેઢીને માટે ખૂબ જરૂરી એવા મૂળને આલેખતા બે સંકલન પુસ્તકો, ધ્રુવ કુટુંબનું“ Glipses into a Legacy’ અને બેંકર પરિવારનું “Maa.” પુસ્તકો પણ પ્રગટ થયાં. એ જ રીતે ગુજરાતી સાહિત્ય સરિતાના ૧૫ વર્ષના ઈતિહાસને આલેખતું એક બીજું પણ દસ્તાવેજી ઈપુસ્તક, સૌની મદદથી પ્રકાશિત કર્યું.

  ત્યારબાદ ૨૦૧૬ની સાલમાં નવા વર્ષની સવારે અચાનક મનમાં એક ઝબકારો થયો. એની વાત પણ રસપ્રદ છે. એક વહેલી સવારે સૂરજ ઉગવાના સમયે, નવા વિચારોની લહેરખીઓ મનમાં એની તીવ્ર ગતિથી આવ-જા કરી રહી રહી હતી. કંઈક નવું, કશુંક જુદું લખવા કલમ થનગની રહી હતી. સંવેદનાના કેટલાંયે ઝરણા મનમાંથી સરક સરક થઈ રહ્યા હતા એવી અવસ્થામાં પત્રોની સરવાણીએ આપમેળે જ આકાર લીધો. આમ તો પદ્ય અને કવિતા તરફ સવિશેષ લગાવ.પણ ગદ્યમાં મારો પ્રિય સાહિત્ય-પ્રકાર પત્ર-સ્વરૂપ. તેમાં વળી ૪૮ વર્ષની પાકી મૈત્રીનો ઢાળ મળ્યો. કોલેજકાળની સહેલી નયના પટેલે પ્રતિકુળ સંજોગોની વચ્ચે પણ સંપૂર્ણ સહકાર આપ્યો.

આજસુધી વિશ્વના જુદા જુદા સ્થળે મર્યાદિત સમય માટે પ્રવાસી તરીકે ગયેલા ઘણાં લોકોએ અલપ ઝલપ, ઉપરઉપરની વિગતો લખી છે.પરંતુ ૩૫,૪૦ વર્ષો વિદેશમાં રહ્યા પછી, સંઘર્ષ વેઠીને, અનુભવેલી સારી ખોટી તમામ અનુભૂતિઓને અતિ ઝીણવટથી અને તટસ્થતાપૂર્વક લખાયેલ  જાણમાં નથી. એમ વિચારી દર શનિવારે નિયમિત રીતે અમારા પત્રો બ્લોગ ઉપર લખાવાની શરૂઆત થઈ. દર પત્રમાં એક નવા વિષય સાથે જૂની અનુભૂતિ, થોડી હળવાશ, કાવ્યકણિકા અને અભિવ્યક્તિના  આદાનપ્રદાન થતાં રહ્યાં. તેમાં બે દેશો (યુ.કે અને યુએસએ.) ની વિકટ અને નિકટની વાતોને સાહિત્યિક રીતે આલેખાતી ગઈ. અમારા આશ્ચર્ય વચ્ચે વિશ્વના ખૂણે ખૂણેથી વાચક અને ભાવક મિત્રો અને વડિલોના પ્રતિસાદ મળતા ગયા. તેથી  કલમમાં વધુ બળ ઉમેરાયું. પરીણામેઆથમણી કોરનો ઉજાસપુસ્તકનો જન્મ થયો.

ત્યારબાદ દીવે દીવો પ્રગ્ટે તેમ પુસ્તકમાંથી વળી પાછી એક નવીપત્રાવળીશરૂ થઈ જેમાં મૂળે તો હમ ચાર હી ચલે થે જાનિબે મંઝિલ મગરલોગ સાથ આતે હી ગયેકારવાં બનતા ગયા…. રીતે ધીરે ધીરે ઘણા બધા ભાષાના કસબીઓ જોડાયાં અને જાતજાતના ભોજનવ્યંજનોના રસથાળ પીરસાયા, યથા મતિશક્તિ શબ્દોના કંકુચોખા, અબીલ અને ગુલાલ વેરાતા ગયા અને વહેંચાતા રહ્યાં. આવા સુખદ અનુભવો ફરી ફરી માણવાનો પણ એક અનેરો લ્હાવો છે.

સ્મરણોની શેરી ક્યાંથી ક્યાં લઈ આવીએનું સમાપન એક વિસ્મયભર્યો વિષય છે. આજ તો આજ છે પણ લખતા લખતામાં તો ગઈ ક્ષણ ભૂતકાળની ગર્તામાં ચાલી ગઈ ને? વિશે આવતા છેલ્લાં પ્રકરણમાં રસભરી વાતો….

હાલ તો માનવસહજ સ્વભાવનું એક દૄશ્ય જુઓ, જોતાં જોતાં સાંભળો અને માણોઃ click on this picture and listen..

સ્મરણની શેરીમાંથી….૧૯

સ્મરણની શેરીમાંથી….(૧૯)

seashell_pearls.jpg

સંવેદના અને સર્જનની વધુ વાતો લખવા બેઠી ત્યાં વળી પાછી આજે એક જૂની,ખૂબ જૂની ખડકીમાં વળી જવાયું. એ પ્રસંગ કેમ યાદ આવ્યો તે વિશે વિચારું ત્યાં આપમેળે જ એનું સર્જનપ્રક્રિયા સાથે સંધાન થઈ ગયું! આ તે કેવી અનુભૂતિ!

સાલ હતી ૧૯૬૪ની. ત્યારે હું ૧૧માં ધોરણમાં તે સમયે ૧૨મું ધોરણ ન હતું.અગિયારમાં ધોરણ પછી તરત જ પ્રિ.આર્ટ્સ,સાયન્સ,કોમર્સ વગેરે શરૂ થાય. શાળાની પ્રીલીમીનરીની પરીક્ષાના પરિણામનો એ દિવસ.દરેક વિષયના શિક્ષક પોતે જ, જે તે વિષયનું પરિણામ જાહેર કરે.જે કંઈ કહેવા લાયક હોય તે કહેતા જાય અને તે મુજબ ફાઈનલ પરીક્ષાની તૈયારીઓ પણ થવા માંડે. તે રીતે ગણિતના શિક્ષક વર્ગમાં આવ્યા. પરિણામની જાહેરાત શરૂ થઈ. એક પછી એક નામો બોલાતા ગયાં, કેટલાં માર્ક્સ મળ્યા તેની જાહેરાત અને જરૂરી સૂચનો પણ અપાવા માંડ્યા. તે દિવસે મારું નામ જ ન બોલાયું. મને એમ કે, દર વખતની જેમ ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ જ હશે એટલે છેલ્લે બોલાશે અને મોટે ભાગે એમ જ બનતું. તે સમયે આત્મવિશ્વાસ પણ લગભગ અભિમાન જેવો હતો અને તેનું કારણ પણ શિક્ષકો જ હતાં! કારણ કે મને સૌએ ખૂબ જ પોરસાવી હતી.

આમ, આવું બધું વિચારતી હું રાહ જોયા કરતી હતી ત્યાં તો એક સખત મોટો શાબ્દિક ધડાકો થયો. સાહેબના કડક શબ્દો હતાઃ “ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો.” ઓ મા…હું તો હેબતાઈ ગઈ! સાહેબ આ શું બોલે છે? ફરી પાછી ચહેરાની રેખાઓ થોડી તંગ કરી,મારી તરફ જોઈ બોલ્યાઃ “પછી શિક્ષકોની ઓફિસમાં મળજો”. પછી તો જેવો ઘંટ વાગ્યો કે તરત કંઈ કેટલાયે વિચારોના વમળો લઈ હું વંટોળવેગે દોડી ઓફિસ તરફ. બે ચાર અન્ય શિક્ષકો અને પ્રિન્સિપાલ બેઠા હતા. સાહેબે મારું પેપર ખોલ્યું,પાસે બોલાવીને બતાવ્યું અને એક નાનક્ડી ભૂલને કારણે આખો દાખલો કેવી રીતે ખોટો પડ્યો તે વિષે સખત શબ્દોમાં મારી ઝાટકણી કરી,લાંબુ લેક્ચર આપ્યું અને ગુસ્સો વ્યક્ત કરતા કહ્યુઃ “આખું વર્ષ ૧૦૦માંથી ૧૦૦ માર્કસ લાવનારને આવી ભૂલ કેવી રીતે થઈ,૧૦૦ ને બદલે ૯૩ માર્ક્સ? આ ચાલી જ ન શકે વગેરે,વગેરે…”આઘાત તો મને પણ લાગ્યો, આંખમાં આંસુ પણ આવી ગયા, પણ  મનમાં સવાલ મૂંઝવ્યા કરતો હતો કે,આટલા સારા સાહેબ આજે આટલા બધા ગુસ્સે થયા? ઘણીવાર ઘણાંનાં માર્ક્સ ઓછા આવ્યા હતા,દાખલા ખોટા પડ્યા હતા.આજે આમ કેમ?

વાતાવરણમાં સ્તબ્ધતા હતી. થોડી ક્ષણો પછી, દુઃખી દિલે બધું ચૂપચાપ સાંભળી લીધા પછી, મેં પાણીનો ઘૂંટ પીધો. હિંમત ભેગી કરી પૂછી જ લીધુઃ સર, તમે કોઈ દિવસ નહિ ને આજે આટલા ગુસ્સે?…વાક્ય અધૂરું જ રહ્યું ને સાહેબે થોડા સ્વસ્થ થઈ જવાબ વાળ્યો. “ હા, કારણ કે, મારી હાઈસ્કુલના વર્ષોમાં ખરે વખતે મારે આવું જ બન્યું હતું. જે ભૂલ મેં કરી હતી તે કોઈપણ તેજસ્વી વિદ્યાર્થીની ન જ થવી જોઈએ, એ ઈતિહાસ રીપીટ ન થાય અને હજી તમારે તો ફાઈનલ બાકી છે, તમે ચેતી જાવ તેથી કડવી રીતે આ કહ્યું. દરેક વખતે ઓછા માર્ક્સ લાવનારને માટે આવું દુઃખ ન થાય. પણ જેના તરફથી શાળાને મોટી આશા છે તેની ભૂલ તો ન જ થવી જોઈએ. નાની સરખી ભૂલ જીવનમાં ન થાય તે પણ આમાંથી જ શીખવાનું છે. ગુસ્સો એટલા માટે કે જીવનભર આ વાત યાદ રહે.” સાંભળીને હૈયું એક થડકારો ચૂકી ગયું. બસ, તે દિવસે, અધ્ધર ઉડતા મારા પગ ધરતી પર આવી ગયા. અને એ સંવેદનાએ, તે રાત્રે કાગળ પર થોડા અક્ષરો પાડયા. આખી રચના તો યાદ નથી. માનીતા શિક્ષકને બીજે દિવસે આપી દીધી હતી.પણ  મુખ્ય ભાવની એક પંક્તિ સ્મૃતિના દાબડામાં આજસુધી અકબંધ રહીઃ
‘લાવું નંબર એસ.એસ.સી.માં સેન્ટર અમદાવાદમાં, કરું પ્યારી શાળાના નામને રોશન અમદાવાદમાં..”

સર્જનની કેવી પીડાજનક પ્રક્રિયા? એ વાત દિલમાં હંમેશા કોતરાઈ ગઈ અને સતત કામે લાગી. આખરે કોલેજની ડીગ્રીમાં યુનિવર્સિટિમાં પ્રથમ આવી ત્યારે મનમાં શાતા થઈ.

આ વાત અહીં અટકતી નથી. વર્ષો વીત્યા, અમેરિકા આવી. એક દિવસ દીકરાનું mathનું ‘હોમવર્ક’ જોતી હતી. એક જગાએ નાનક્ડી, લગભગ એવી જ (!) એક ભૂલ જોઈને સર યાદ આવ્યા. દીકરાને આખો પ્રસંગ કહી સંભળાવ્યો. તે સમયે એરોગ્રામ લખાતા. વચ્ચેના વર્ષોમાં કોઈ સંપર્ક રહ્યો ન હતો. છતાં તરત જ મેં ડાયરીમાંથી સરનામુ કાઢી, પેલી જૂની વાતને યાદ કરતો એક પત્ર ગણિતના સરને લખ્યો. ૧૫ દિવસ પછી તેમના દીકરાનો આંસુભીનો જવાબ આવ્યોઃ “તમારો પત્ર મળ્યો, મેં વાંચ્યો પણ પપ્પા હવે આ દૂનિયામાં રહ્યા નથી. ગયા મહિને જ….  હવે તેમણે શીખવાડેલું ગણિત  હું જીવનમાં શીખું છું અને શીખવાડું છું”. વાંચીને ગળે ઊંડો ડૂમો ભરાઈ આવ્યો. આવા શિક્ષકો હવે મળે?!

મન ચક્ડોળે ચડ્યું. આજની યુનિવર્સિટિનો સ્નાતક બનીને બહાર નીકળતો વિદ્યાર્થી જીવન પ્રવેશ માટેનો પાસપોર્ટ તો મેળવે છે પણ શું જીવન-પ્રવાસ માટેનો વીસા પામે છે ખરો?

સ્મરણની આ ખડકી, આજે અર્થસભર સર્જનની સાંકળ ખોલી કેવી મ્હેંકી ગઈ?!! જીંદગીમાં ક્યારેક આવી ઘટનાઓ વંચાય અને દીવાદાંડી બને એવી શુભ ભાવના સાથે આજે અલ્પવિરામ…

મનની ભીતરમાં ભર્યા છે ખજાના,
        સાગર મહીં જેમ મોતી સુહાના;
સાચાં કે ખોટાં, સારા કે નરસા,
        કદી ન જાણે કોઈ અંતરની માળા.

અસ્તુ..

 

 

સ્મરણની શેરીમાંથી…..( ૧૮ )

                                  ( ૧૮ )

 

હ્યુસ્ટનમાં બંને ભાઈ બહેન હોવાથી તેમનો સતત સાથ મળ્યો. અને સતત ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિઓને કારણે મોટામાં મોટો ફાયદો એ થયો કે મારી ભીતરની સર્જનાત્મકતાને મઝાનો ઢાળ મળ્યો, સુંદર ગતિ મળી અને ‘રોલર કોસ્ટર’ની જેમ વેગીલી બની. કલમ કસાતી ગઈ, સાહિત્યિક મિત્રો મળતા ગયાં,વાંચન વધતું ગયું, પ્રવૃત્તિઓ પણ વધતી ગઈ. સાથે સાથે ટેક્નોલોજીને કારણે વિવિધ વ્યાપ પણ વધતા ચાલ્યા.

અહીં થોડી સર્જનપ્રક્રિયાની ગલીમાં વળું છું. કોલેજ-કાળ દરમ્યાન વિદ્વાન પ્રોફેસર્સ પાસેથી જે શબ્દાર્થમીમાંસા અને કાવ્યમીમાંસાનો અભ્યાસ કર્યો હતો તેમાં અહીંના મૂળે પાકિસ્તાની ગઝલકાર શ્રી રસિક ‘મેઘાણી’ જેવા અને બીજાં પણ ઘણાં વેબપરના કવિ-મિત્રો તથા વિવિધ માધ્યમોના સીંચને મોટો ભાગ ભજવ્યો. એ તો હકીકત છે કે, દરેક સર્જનપ્રક્રિયાનું મૂળ સંવેદના છે એ પછી સજ્જ્તા પણ એનું બીજું ચરણ છે. જીવાતા જીવનમાંથી અને જોવાતા જગતમાંથી આપણને ઘણું બધું સતત મળતું જ રહે છે.થોડી સભાનતા અને સજાગતા હોય તો પંચેન્દ્રિયોને  સ્પર્શતી દરેક અનુભૂતિ આપમેળે કોઈ ને કોઈ રીતે વ્યક્ત થતી રહેતી હોય છે. પણ જો એને કવિતાના નિશ્ચિત્ત રૂપમાં નિખારવી હોય તો થોડી સજ્જતા જોઈએ જ. જેમ થાળીમાં વેરાયેલાં રંગબેરંગી ફૂલો સૌને ગમે. પણ એને એક પેટર્નપ્રમાણે વ્યવસ્થિત ગૂંથીને, વેણી કે હાર બનાવીએ તો વધુ શોભે. અથવા બીજી રીતે કહીએ તો નાનું બાળક હાથપગ હલાવીને નાચવા લાગે તો એને ડાન્સ કર્યો કહીને તાળીઓ પાડીએ અને એ જ બાળક નક્કી થયેલાં નિયમ અનુસાર તાલીમ લઈને ભરત નાટ્યમકે કથ્થકકે એવો કંઈક શાસ્ત્રીય ડાન્સ કરીને બતાવે તો એ સાચી નૃત્યકલા કહી શકાય. બસ, એનું જ નામ સજ્જતા. સાધના પછીનું સર્જન. અભ્યાસ,આયાસ અને રિયાઝ પછીનો નિખાર.

આના સંદર્ભમાં એક બીજી, જરા જુદી વાત પણ માંડું. આ વાતના નેપથ્યમાં બાળપણમાં વાંચેલા અને સાંભળેલા કેટલાંક વાક્યો હતા. આજથી લગભગ ૫૫-૬૦ વર્ષ પહેલાં એક મેગેઝીનમાં વાંચ્યું હતું.”પાટણમાં પંકાયેલા પ્રતિષ્ઠિત પુરુષ પ્રાણલાલ પીતાંબર પંડ્યાએ પોતાના પ્રિય પુત્ર પ્રતાપને, પેટલાદમાં પંકાતા પ્રેમજીભાઈ પ્રભુલાલની પુત્રી પુષ્પા સાથે પરણાવ્યો.પુષ્પા પોતાના પિયરથી પુષ્કળ પોલકાં-પટોળાં પામી. પ્રભુકૃપાએ પુષ્પાને પુત્ર પસવ્યો.”  વર્ષો પછી એ વાંચનનું સ્મરણ જાગી ઉઠ્યું અને મનમાં એક તરંગ જાગ્યો કે આવું ગદ્યમાં તો ઘણાએ લખ્યું છે પણ કોઈએ પદ્યમાં લખ્યું છે? લખ્યું હોય તો કેવું? પણ એવા પદ્યને કવિતા તો ન કહેવાય એવી જાણ હોવા છતાં એ વિચારને અમલમાં મૂક્યો.ખૂબ જ અઘરું કામ હતું.ઘણો ઘણો સમય લાગ્યો.પણ છેવટે આપણા ગુજરાતી  બધા જ મૂળાક્ષરો પર એક કાલ્પનિક વાર્તા વિચારીને પદ્ય-રચના કરી. દા.ત. પહેલો અક્ષર ‘ક’ લઈએ તોઃ

કોમળ કોમળ કરમાં કંગન,
કંચન કેરા કસબી કંકણ;
કંઠે કરતી કોકિલ કુજન,
કુંવારી કન્યાના કાળજે કુંદન.

કળી કળીના કમનીય કામણ,
કંડાર્યા કવિએ કોરે કાગળ.
કુમકુમ કંકુ,કીકીના કાજલ,
ક્વચિત કિંચિત,કામના કારણ.

કાલિન્દીના કાંઠડે કેડી,
કોતરી કોણે કદંબ કેરી ?
કટક,કીડી કે કુટિર કોઇની,
કણકણ કૃષ્ણ કનૈયે કોરી.

અને આ રીતે ‘ખ’ જેવાં અઘરાં અને ‘ણ,ળ, ક્ષ અને જ્ઞ જેવાં અશક્ય અક્ષ્રરો ઉપર પણ કામ કર્યું અને ‘ક થી જ્ઞ’ સુધીના તમામ અક્ષરો પર કામ કરી ‘શબ્દોને પાલવડે’ નું પુસ્તક પ્રગટ કર્યું.

આ શબ્દ-સાધનાની સાથે સાથે કવિતાનો રિયાઝ પણ ચાલુ જ રહ્યો. આપણા થઈ ગયેલાં મહાન કવિઓની જીવનમાં પડેલી વધતી ઓછી અસરોને કારણે સાચી સર્જનાત્મકતા જાગતી જ રહી.

એક સુંદર સવાર હતી. રૂપાળું પોતીકું ગ્રાન્ડ સંતાન ખોળામાં હતું, એનું હસતું વદન, બારીની બહારથી ઝરમરતો વરસાદ અને સામે તરતા કમળના ફૂલનું મનોહર દ્રશ્ય જોઈને એક લયબધ્ધ ગીત લખ્યું જેની લયાત્મકતા અને વ્રજભાષી ઝલક ઠેકઠેકાણે પોરસાઈ અને સ્વરબધ્ધ પણ થઈ.  રસદર્શન કરાવતા એક સાહિત્યકારે એ વિશે  લખ્યું છે કે “ આ ગીતના પદબંધમાં શબ્દ સંગીત, શબ્દ સંગતી અને નાદ સૌંદર્ય ઉભરે છે. વાંચતા વાંચતા જ અનાયાસે ગવાતું જાય એવી આ ગીત રચના છે”  તે અત્રે ટાંકીને આજે અહીં જ અટકીશ.

શતદલ

શતદલ

શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર,
શત શત બુંદ સરક દલ વાદળ,
ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર,
છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક,
પલપલ શબદ લખત મનભાવન,
ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ

મસ્ત મસ્ત બરસત અવિરત ઝર,
ઝુલત,ઝુમત શતદલ મધુવન પર….

                             સંવેદના, સજ્જતા અને સર્જનની વધુ વાતો હવે પછી….

સ્મરણની શેરીમાંથી…. ૧૭

                            (૧૭)

આમ થોડા વર્ષોમાં તો સૌ એક જ સ્ટેઈટમાં સ્થાયી થયા અને એક નવું પૂર્વવત જીવન શરૂ થયું.

મને યાદ છે, ૨૦૦૪ની સાલમાં જ્યારે ન્યુ જર્સીથી હ્યુસ્ટન સ્થળાંતર કર્યું ત્યારે મારા ભાઇબેનોએ કહેલું કે મને અહીં ખુબ ગમશે કારણ કે,અહીં ગુજરાતી સાહિત્ય સરિતા છે ! પછી ૨૦૦૪ની સાલમાં જ્યારે દર મહિને નિયમિત મળતી હ્યુસ્ટનની આ સાહિત્ય-સરિતામાં કદમ માંડ્યા ત્યારે એમાં ચાલતી પ્રવૃત્તિઓ જાણીને મન આનંદિત થઈ ગયું.  જન્મજાત વવાયેલા ભીતરના બીજને પ્રકાશ અને પાણી મળતા એક પ્રફુલ્લિત છોડ ઉછરતો ત્યારે સ્પર્શાયો ! ધીરે ધીરે,કલમને એક દિશા મળી,પછી વેગ મળ્યો, સાચું માર્ગદર્શન મળ્યુ અને એમ કરતા કરતા આંતરિક  જાગૃત શક્તિઓ સળવળી, વિકાસને પંથે વળી.

ત્યાં તો ૨૦૦૫માં માએ અચાનક વિદાય લીધી. ‘સમય મારો સાધજે વ્હાલા’ ગાતી માનો સમય ક્ષણમાત્રમાં વિલીન થઈ ગયો. ન્યૂયોર્કમાં જ એના નાના દીકરાના ઘરમાં સૌની સાથે સાંજના સમયે, જમી-જમાડી એ દીવો કરવા બેઈઝ્મેન્ટમાં નીચે ગઈ ને એનો પ્રાણ ઉપર ચાલી ગયો..કશી યે માંદગી કે ચાકરી વગર બસ, એમ જ. કંઈ ખબર ના પડી કે શું થયું અને કેવી રીતે થયું? ‘અંત સમય મારો આવશે જ્યારે….ના પડઘા હવામાં પ્રશ્નાર્થ બનીને રહી ગયા. એની જીંદગીનો સૂરજ અચાનક આથમી ગયો.આભમાં ન જાણે ક્યાં વિલીન થઈ ગયો. વર્ષોના વ્હાણાં વાઈ ગયાં પણ હજી આજે ય  જન્મદિવસે સૌથી પહેલી આ જન્મદાત્રી સાંભરે છે.

દૂરથી ઉડી આવતાં પંખીના ટોળાં,
ફફડાવી પાંખો કરતા યાદોના મેળા;
ચાંચોથી ખોતરતા મનનાં સૌ જાળાં,
જાળેથી ખરતા જૂના તાણાવાણા….
ઉપસી છબી માની ફેરવતી પાના,
લખતી રહેતી સદા ભગવાનના ગાણાં;
કહેતી’તી “વેરજો બેન,પંખીને દાણા,
ને જાઓ જો દેશ તો ગાયોને પૂળા..
અવગણજો પડે જો મનને કો’ છાલાં,
વિવાદ-વાદ ના કરશો કોઇ ઠાલા;
સંસાર તો  જાદુગરની છે માયા,
અહીંયા ના કોઇને કોઇની છે છાયા….”
નિસ્પૃહી માતાની સ્મૃતિનાં ટોળાં,
નીતારે પાંપણથી આંસુની ધારા;
અર્પુ શું અંજલિ લઇ અક્ષ્રરની માળા,
શબ્દો પડે જ્યાં ઉણા ને આલા….
ગીચ ઝાડીથી ઉડતાં  પંખીના ટોળાં,
ફફડાવી પાંખો રચે મમતાના મેળા….

ખૈર.. આગળ ચાલું..ચાલતી ગાડીએ Rear view mirrorમાં જોયા જ કરીએ તો આગળ કેમ વધાય?!!

ફરી એકવાર જીંદગીના એક નવા મોડને સ્વીકારી મનને સ્થિર કર્યું. કાગળની દોસ્તી અને કલમ સહેલી !!  એટલે કે કલમ સખી..અરે..ના..ના.. કીબોર્ડની દોસ્તી અને ક્લીક ક્લીક સહેલી…

અગાઉ જણાવ્યું તેમ શરૂઆતમાં અહીંની પ્રાથમિક સ્કૂલમાં volunteer work શરૂ કર્યું.  પુસ્તકોનું આકર્ષણ વધારે હોવાથી સ્કૂલની લાયબ્રેરીથી આરંભ કર્યો. આશય એવો હતો કે, પૌત્રીઓની આસપાસ સ્કુલમાં જ રહી શકાય.. ન્યૂયોર્ક/ન્યુ જર્સીથી તદ્દન જુદા જ વાતાવરણમાં હોવા છતાં મારી દિલચશ્પી વધી. નવા અમેરિકન મિત્રો થયા. ઘણું શીખવાનું મળ્યું. એક-બે પ્રસંગોની વાત કરું.

પૌત્રીની પહેલી એલિમેન્ટ્રી સ્કૂલના પ્રિન્સિપાલનું નામ હતું મિસ સીએરા. ખૂબ જ સૌમ્ય, શાંત અને વિવેકી. સદા યે હસતા. હું વોલેન્ટીયર વર્ક કરતી તેથી મારી પર ખૂબ જ પ્રભાવિત. દીકરાની બદલી લંડન થતાં પૌત્રીઓને પણ એ સ્કૂલ છોડીને જવું પડ્યું. છતાં પણ મેં મારું કામ ત્યાં ચાલુ જ રાખ્યું હતું. એક દિવસ તેમણે મને પોતાની કેબીનમાં બોલાવી અને અડધોએક કલાક મિત્રભાવે વાતો કરી, મારા હવે પછીના પ્લાન વિશે પણ જાણ્યું. મને ખૂબ સારું લાગ્યું પછી તો થોડાંક સમય પછી એક ‘વીકેન્ડ’માં મારા મોબાઈલ પર ફોન આવ્યો કે, સ્કૂલને તમારી જરૂર છે. તમે ફોર્મ ભરીને મને  હમણાં મોકલાવો અને સપ્ટે. મહિનાથી ફુલ ટાઈમ જોબ શરૂ કરી દેશો.  મારા આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. ખુશીના પ્રતીક તરીકે મેં ફૂલ-પાંખડી આપી તે પણ ‘YOU deserve it’ કહી પ્રેમથી પરત કરી. ત્યારપછી તો ખૂબ જ આદરપૂર્વક મેં, આર્થિક જરૂર ન હોવા છતાં પણ મિસ સીયેરા તે સ્કૂલમાં હતાં ત્યાં સુધી, ત્યાં જ જોબ કરી. તેમની સાથેનો સંબંધ પણ કાયમ  માટે યાદગાર અને અકબંધ જ રહ્યો.

એવો જ એક બીજો પ્રસંગ બીજી એક સ્કૂલના પ્રિન્સિપાલ મિસ ફીમસ્ટરનો થયો. ૨૦૧૩ની સાલ હતી. મારી વર્ષગાંઠનો દિવસ. સ્કૂલના ‘ડ્રાઈવે’માં મારી કાર પાર્ક કરી ફોન પર મારા દિકરા સાથે મારી નવી ગુજરાતી બૂક  ( કાવ્યસંગ્રહ) પબ્લીશ થયાની ખુશીની વાત કરી રહી હતી. મને ખ્યાલ ન હતો પણ પાર્કીંગ લોટમાં ચાલતા ચાલતા પ્રિન્સીપાલના કાન મારી વાત સાંભળવામાં સતેજ થયા. ફોન પૂરો થતાં થતાં તેમણે એ વિશે થોડી પૂછપરછ કરી. દરમ્યાનમાં અમે બંને સ્કૂલની અંદર પ્રવેશી ચૂક્યાં હતાં. થોડી જ વારમાં બેલ વાગ્યો અને સ્કૂલના ન્યૂઝ બુલેટીનના ટીવી પર તેમણે એનાઉન્સ કર્યું કે ‘ here is a news.. Please Join me to congratulate our staff, Mrs. Dhruva for her newly published  foreign language Book today…હું તો છક્ક થઈ ગઈ અને પછી તો આખો દિવસ મારી પર અભિનંદનનો વરસાદ  સતત વરસતો રહ્યો. વાત તો નાની સરખી હતી પણ જે રીતે એને વધાવવામાં આવી તેની મહત્તા ઘણી હતી.

અમેરિકન સ્કૂલની આવી તો ઘણી વાતો અને યાદો છે. નાનાં ભૂલકાઓની વિવિધતા, નવી રીતો અને શિક્ષણ સંસ્થાઓનું નવું વાતાવરણ વગેરે જાણવાનું હંમેશા મળતું રહે છે અને એ જ કારણસર મેં હજી પણ અઠવાડિયામાં બે દિવસ જવાનું ચાલુ જ રાખ્યું છે,ગમે છે. આજની જે વાત મારે કહેવી છે તે એ કે, જ્યાં જે કામ કરો તેને મન મૂકીને ચાહીને, પ્રેમથી કરો અને આંખ-કાન ખુલ્લાં રાખી કશુંક નવું શીખવાનું અને સારું સ્વીકારવાનું  ચાલુ રાખો. ચાહો તે ન મળે તો જે મળે તેને ચાહો. ખૂબ મઝા આવશે.

સ્મરણની આ શેરી આગળ વધીને વર્તમાનને રસ્તે વળે તે પહેલાં હજી થોડી ગલીઓ, ખાંચા, ખડકી,પોળ મળશે. કલમ, કાગળ અને સર્જનની વચ્ચેની પ્રકિયાની વાતોના ચોકમાં ફરી મુલાકાત..

શબ્દોની નાવ લઈ ચાલી સવારી સંવેદનાના સાગરમાં તરતી.
ભાવો-અભાવોના કાંઠાની વચ્ચે આમ અક્ષર-હલેસેથી સરતી.
મારા-તારા ને કદી આપણા તે રસ્તાઓ, છેદી-ભેદીને બસ,
મસ્તીથી આગળ ને આગળ, સમયની ધારે વિહરતી…

સ્મરણની શેરીમાંથી…(૧૬)

                        (૧૬)

એકવીસમી સદીની શરુઆત જાણે જીંદગીને એક નવા વળાંક પર લઈ આવી. ન્યુજર્સીના ઘરના ૨૧-૨૨ વર્ષના સહસ્ત્ર સંભારણાની પોટલી બાંધી ન્યુજર્સીથી  સામાન બાંધી ગાડી રવાના કરી. ઘર છોડ્યાની વેદનાએ જાતજાતના શબ્દ-રૂપ ધર્યા, ગતિ પકડી.

સૌએ સાથે મળીને સ્વેચ્છાએ જ નક્કી કર્યું હતું કે હવે આ કાતિલ ઠંડીમાંથી બહાર નીકળીને ભારત જેવી ઋતુવાળા સ્ટેઈટમાં જવું અને એ રીતે જ અમે તૈયારી પણ કરી હતી.પણ છતાં પેલાં “જૂનું ઘર ખાલી કરતા”ની અનુભૂતિએ મનને વીંધી નાંખ્યું. ખરેખર ઘર સમેટવું એટલે જાણે જીવન સંકેલવું! કેટલું બધું છોડવાનુ? છોડતાં છોડતાં રડવાનું ને રડતાં રડતાં છોડવાનું. સાચું કે ખોટું, સારું કે નરસું પણ મારું એટલું સારું! કેટલાંકના ભૌતિક મૂલ્યો તો કેટલાંક જીવથી અમોલા. અરે,વસ્તુની તો સીધી વાત.પણ સંસ્મરણો? એ તો મરણના દુઃખ જેવાં. દેખાય નહિ ક્યાંય પણ ઊંડે સુધી ભોંકાય. બિલોરી કાચની કણીની જેમ ખૂંચે. તો યે જીવતરના ગોખે પાછા ઝગમગે! માનવના શરીરરૂપી ઘરને સંકેલતા ઈશ્વરને પણ વેદના થતી જ હશે ને? કદાચ પરિવર્તન એનો ક્રમ હશે? તો પછી એની પ્રક્રિયા સહજ કેમ નથી? સરખી કેમ નથી? માંડવું અને સમેટવું,ઉકેલવું ને સંકેલવું,જન્મ અને મરણ,મિલન અને વિરહ. ફરક કેમ? કદાચ ઈશ્વરનો સંદેશ એવો હશે કે, ફરક સમજમાં છે. સ્વસ્થતા હોય ત્યાં ફરક નથી. એટલે કે બંનેને માણો અને સ્વસ્થ રહો.

ઓહ..ગાડી જુદે પાટે વળી ગઈ. વાત એમ બની કે, બંને દીકરાઓ ભણી-ગણી-પરણી પોતપોતાના ક્ષેત્રે આગળ વધ્યાં. વ્યવસાય પ્રમાણે સૌએ સ્થળાંતર કર્યું. રાહુલને પણ હોંગકોંગ,લંડન વગેરે જુદે જુદે સ્થળે, જોબને કારણે ફરવાનું શરૂ થયું. ભર્યુંભાદર્યું  ન્યૂ જર્સીનું ઘર ખાલી થઈ ગયું.  બીજી પૌત્રીનો જન્મ થયો. એકલા પડેલ પૂ.બા, બહોળા કુટુંબમાં વધુ આનંદ કરી શકે એ હેતુથી ઘરનો સંગાથ જોઈ ભારત પાછા ગયાં. તે પછી બીજી પૌત્રીનો અને ૨૦૦૪ના ઓક્ટો.મા પૌત્રનો જન્મ થયો. એ દિવસ ન્યૂજર્સીનો આખરી દિવસ હતો.

 ન્યૂજર્સીના ઘર છોડ્યાની વાતો મારા શબ્દોમાં, મારા અવાજમાં અહીં સાંભળો….જૂનું ઘર છોડતાં

થોડો વખત કનેક્ટીકટ રહી સામાન પહોંચ્યો કે તરત જ હ્યુસ્ટનની સફર આદરી.  શરૂઆતમાં તો પાર્ટનરને જોબ ચાલુ હોવાથી અને દેશવિદેશ લાંબો સમય ફરતા રહેવાનું હોવાથી મેં એકલીએ જ હ્યુસ્ટન સ્થળાંતર કર્યું.સમયને પસાર કરવા માટે શરૂઆતમાં અહીંની પ્રાથમિક સ્કૂલમાં volunteer work શરૂ કર્યું.  પુસ્તકોનું આકર્ષણ વધારે હોવાથી સ્કૂલની લાયબ્રેરીથી આરંભ કર્યો. આશય એવો હતો કે, પૌત્રીઓની આસપાસ સ્કુલમાં જ રહી શકાય.પણ પછી તો બન્યું એવું કે કામથી પ્રભાવિત થઈને મને ત્યાં જ જોબની ઑફર મળી અને મેં સ્વીકારી જેને કારણે મને મોટી હૂંફ મળી. અમેરિકાની શિક્ષણ પધ્ધતિ, લોકોનો વિવેક, વાણી વર્તન-વ્યવહારને ખૂબ નજીકથી જોવા/સાંભળવા અને એ રીતે અનુભવવા મળ્યા. ન્યૂયોર્ક/ન્યુ જર્સીથી તદ્દન જુદા જ વાતાવરણમાં હોવા છતાં મારી દિલચશ્પી વધી. નવા અમેરિકન મિત્રો થયા. ઘણું શીખવાનું મળ્યું. એ વિશે  પ્રસંગો ટાંકવા ગમશે. પણ આવતા હપ્તે.

આજે તો હજી  થોડી વધુ, બે દાયકાથી વધારે એવા ઘરની સ્મૃતિઓ મન મૂકીને વાગોળવાનું મન થયા કરે છે.

હળવે ફરે છે પાનાં જૂનાં,
મનમાં છે જે હજી તાજાં.
પ્રસંગો ખૂલે છે ખૂણે ખૂણે,
પ્રગ્ટે છે જેમ દીવે દીવા.
શૈશવ વીત્યું દીકરાઓનું,
બા-દાદાની શીળી છાંયામાં.
ભણ્યાં ગણ્યાં ને પરણી માંડ્યા,
આ જ ઘરમાં કુમકુમ પગલાં.
મોંઘા-મૂલા દિવસો અમારા,
સ્વજન મિત્રોના નિકટ સાથમાં.
ભૂલાય કેમ હા,સૌની વચમાં.
શિવ સદાયે મારા ઘરમાં.
ટૂંકા નાના સીમિત આંચલમાં,
પોષાયાં સૌ પ્રેમ-મંદિરમાં.
ક્ષણ-કણ વીણી આ જ ઘરથી,
બાંધ્યા સૌએ નિજના માળા.
વીતેલી આ સમય-વીણા પર,
સ્મરણ-નખલી ફરે છે ઘરમાં.
ગઈકાલની સવાર હતી પહેલી.
આજની રાત હવે રહી છેલ્લી.
વચમાં વરસ વીસની વાત વીતી.
સ્મૃતિ ગઠરી બાંધી,અમે નીસર્યા ચાલી…

સુખી સૂરીલા સૂરો છેડે,
જાણે આરતી ઘર-મંદિરમાં..
મન-મંદિરમાં….

હવે શરૂ થશે હ્યુસ્ટનની સફર….અને શરૂઆતની યાદો….

 

સ્મરણની શેરીમાંથી…(૧૫)

(૧૫)

જીવનના અગત્યના ૨૩ વર્ષો બેંક ઓફ બરોડા, ન્યૂયોર્કમાં વીતાવ્યા. એ સ્મરણોએ પીછો ન છોડ્યો. સારા ખોટા કંઈ કેટલાય પ્રસંગો, મિત્રોનો નાતો, વાતો અને અવિસ્મરણીય ઘટનાઓ?!

‘૮૦ની સાલમાં માત્ર વીસ-બાવીસ જણનો સ્ટાફ. એમાં ચાર વિદેશી સ્ત્રીઓ હતી.. તેમાંની એક આફ્રિકન અમેરિકન સહકાર્યકર સ્ત્રી સાથેનો, શરૂઆતના વર્ષોમાં થયેલ એક સંવાદ યાદ આવે છે. કદાચ, આધુનિક સમયમાં બહુ વિચિત્ર નહિ લાગે, પણ ત્યારે પહેલી પહેલી વાર મને એની વાત આંચકાજનક લાગી હતી. એણે પોતાના બે વર્ષના બાળકનો ફોટો બતાવીને કહ્યુઃ “ જો, કેવો ક્યુટ લાગે છે?”
મેં  એ  જોતા જોતા, ફોટામાં તેની બાજુમાં ઉભેલા એક યુવાનના ફોટા ઉપર આંગળી મૂકીને પૂછ્યુંઃ

“આ તારો હસબન્ડ છે?”

“ના, એ મારો બોયફ્રેન્ડ છે!”

“ ઓહ… તો તેં લગ્ન નથી કર્યા?”

“ના.. ના..પણ જો એના થકી મને બીજું બાળક થશે તો હું એની સાથે જ લગ્ન કરીશ!!!”

ઘડીભર તો દિલ-દિમાગ બંનેને આંચકો લાગ્યો. આવા સમાજ વચ્ચે રહેવાનું? પણ એ સાથે જ લગભગ એ જ અરસામાં ૨૫-૩૦ કે તેથી પણ વધુ વર્ષોનું સુખી દાંપત્યજીવન જીવતા વિદેશીઓના પરિચયમાં પણ આવવાનું થયું. કોઈક પડોશી હતા, કોઈક બેંકના ખાતેદાર હતા, કોઈક છોકરાઓની સ્કુલના શિક્ષક હતા તો કોઈક વળી રોજ ટ્રેઈનમાં મળતાં સહયાત્રી હતાં. સારું-ખોટું બધે જ છે, બધાનામાં છે એ સમજાતા વાર ન લાગી. અહીંની પંચરંગી પ્રજાના વૈવિધ્યપૂર્ણ માનસને સમજવું એક વિસ્મયનો વિષય બની ગયો હતો. ઈમીગ્રેશન પર આવેલા હોય કે જન્મજાત અમેરિકન હોય પણ દરેક વ્યક્તિ ઉપર પોતાના દેશની અસર હોય છે. આમ છતાં દરેક વ્યક્તિમાં પોતાની ભીતરની પણ એક સ્વતંત્ર ઓળખ અને તેમાંથી ઉપસતી એક વિશેષ પરખ બને છે.

બેંકમાં reconciliation કામથી શરૂ કરીને P & R Dept, remittance, loan, CD, Money Market, letter of credit, off shore banking એમ લગભગ બધાં જ ડીપાર્ટમેન્ટમાં કામ કર્યું, સમયની સામે જોયા વગર રસપૂર્વક અને ખંતથી કામ કર્યું. એનું વળતર પણ જરૂર સારું જ મળ્યું. બેંક સાથે એક પ્રકારનો વિશેષ લગાવ બંધાઈ ગયો હતો. તેથી જ તો ૨૦૦૩માં જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે હ્રદયમાં એક ઊંડી ઠેસ વાગી હતી. (જો કે, એ નિવૃત્તિ કાયમી ન હતી. આજની તારીખમાં પણ હું પ્રવૃત્ત જ છું.) પરીણામે એક પદ્યરચના ત્યારે પણ લખાઈ હતી. છોડ્યા પછી પણ હરપળમાં બેંકની સ્મૃતિઓ છવાયેલી રહેતી.

સમયની સાથે સાથે ઘણું બધું બદલાય છે. મૂળ વાત પર પાછી આવું. ૨૦મી સદીની શરુઆતથી મધ્યકાળ સુધીમાં સંયુકત કુટુંબો હતાં, જેમાં અમે ઉછર્યાં. છેલ્લાં ચાર દાયકામાં સ્થળાંતર વધ્યાં અને કુટુંબો અલગ થયાં પણ મૂળ ભાવનાઓ જળવાઈ રહી. એ રીતે અમે ભારત છોડ્યું પણ માતપિતા, ભાઈ-બહેનો વગેરે ઘણાંને બોલાવી સાથે રહ્યાં. શક્ય એટલાં એકમેકને મદદરૂપ બન્યાં.

૧૯૯૨માં  દેવ જેવા પિતાની ( સસરા) છત્રછાયા ગુમાવી. તે પછી ૧૯૯૨થી ૧૯૯૫ સુધી અમે ચાર અને પરિવારના અન્ય ચાર એમ કુલ આઠ જણ એક જ ઘરમાં રહ્યાં. ખૂબ ફર્યાં, હર્યાં, સાથે મઝા કરી. ૧૯૯૫માં મોટા દિકરાના લગ્ન થયાં. એ ‘યેલ યુનિ.’માંથી એન્જીનીયરીંગમાં ‘પીએચડી’ થયો. પરિવારના સૌ છોકરાઓ પોતપોતાની રીતે જુદી જુદી જગાએ સ્થાયી થયા. નાનો દિકરો ડોક્ટર (સર્જન) થયો.. ભારતથી અવરજવર ચાલુ જ રહી. ’૯૮ની સાલમાં ડીસે. મહિનાની ૯મી તારીખની સુંદર સવારે પ્રથમ પૌત્રીનો જન્મ થયો. હ્રદયમાંથી ખુશી સરી, ઉછળીને બહાર આવી, શબ્દરૂપેઃ “પહેલી ને નવલી અનુભૂતિ છે અમારે આંગણે, અગણિત છે આનંદ આ પરિવાર નાગર નામ ધ્રુવે.” ‘૯૯માં નાના દિકરાના વિવાહ થયા. ૨૦૦૧માં લગ્ન પણ થયાં. આમ, સમયનો આ  આખો યે ગાળો અવિસ્મરણીય બન્યો. ક્યારે શું પ્લાન કર્યા હતા, કેવી રીતે કર્યા હતા, અરે કર્યા હતા કે કેમ તે પણ ખબર નથી. બસ, શુભ ભાવથી યોગ્ય રાહે ચાલ્યા કર્યું અને  આપમેળે નવા નવા રસ્તાઓ ખુલતા ગયાં.

પોતાના માટે તો સૌ કોઈ જીવી જાણે, પણ સાથે સાથે જરૂરવાળા કોઈકને માટે કશુંક સારું કરી શકીએ તો તેનો આનંદ તો મળે જ છે પણ સારા ફળ પણ મળતા જ રહે છે તેવું સતત અનુભવ્યું. જેમ યોગ્ય જગાએ બી વાવીએ અને કુદરતી હવા,પાણી અને પ્રકાશ મળે ને ફળ-ફૂલ ઊગીને વિકસતા રહે. છતાં મનમાં ‘મેં કર્યાનો કોઈ ભાવ ન રહે’..ઈશ્વરદત્ત આ જીંદગીમાં ‘તેરા તુજકો અર્પણ’ સમજી સુકાર્યોમાં નિમિત્ત બનતા જઈએ એટલે બેડો પાર.

વિચારું છું કે કદાચ હવેની પેઢીને આ સમજવું મુશ્કેલ પડશે. કારણ કે, કુટુંબની વ્યાખ્યા ઝડપથી અત્યારે જ બદલાતી દેખાઈ રહી છે. પૂર્વ કે પશ્ચિમ, આખા વિશ્વમાં, પરિવાર એટલે ‘અમે અને અમારા બાળકો’ એટલી જ સમજ ફેલાવા લાગી છે. તેમાંયે આ ટેક્નોલોજીની વધતી જતી અસરોને કારણે વ્યક્તિ સ્વાતંત્ર્ય પણ ઘર કરી ગયું છે. દરેક જણને પોતાની સ્પેઈસ જોઈએ છે.

આમ તો આ પ્રકરણ ન લખ્યું હોય તો ચાલે. પણ નજર સામે આગળની ઉગતી પેઢી છે કે જેને વારસામાં કંઈક મળે એ ઉદ્દેશ છે. થોડી વિગતો મળે, થોડી જૂના સમયની જાણકારી મળે અને કદાચ ગળે ઉતરે તેવી પ્રેક્ટીકલ વાતોમાંથી સંભવતઃ શીખ મળે. જે અમે માણ્યું તેનો આનંદ મળે એય સાચું અને અમારા અનુભવોમાંથી થોડા સારા, નવા અને જુદા છતાં ઉંચા રાહ મળે. કાલની તો ખબર નથી. આજે આટલું કહેવા/સાંભળવાનો હમણાં તો સમય પણ ક્યાં છે? કાલે સમય પલટો લે અને કદીક આ બધું કામ લાગે તો આ કલમ સાર્થક થાય તેવું પણ મનમાં ખરું!! ખેર! આવતી કાલની ચિંતા છોડીને હાલ તો એક અંતરના અવાજ પ્રમાણે ચાલી રહી છું એ વાત પણ એટલી જ સાચી.

સૌ સારા વાના થાય, સર્વે સુખિનઃ ભવન્તુ એ જ શુભ ભાવ સાથે નવા પ્રકરણની શરૂઆત…

 હમણાં તો  એક કાવ્ય સુમધુર અવાજમાં..

“ચાલ મઝાના ઉંડા ખજાના ખોલીએ સાથે સાથે…”

સ્મરણની શેરીમાંથી-૧૪

                                        (૧૪)

ન્યૂયોર્ક જેવા શહેરની કાતિલ ઠંડીમાં પાર્ક એવન્યુ પરના બિઝનેસ વિસ્તારમાં ચાલતાં ચાલતાં “બેંક ઓફ બરોડા’નું પાટિયું વાંચતા જ મોં મલકી ઊઠ્યું.  મનમાં થયું કે જરી બે ચાર ભારતીયોને જોઉં, વાત કરું તો સારું લાગે. આમ તો ‘૮૦ની સાલ સુધીમાં ઘણાં ભારતીયો અહીં આવી ચૂકયાં હતાં અને કદીક રસ્તે જોવા મળતા પણ હતાં છતાં આજના જેટલાં તો નહિ જ! બેંકનું બારણું ખોલી અંદર ગઈ. ‘Jobs availability છે કે કેમ તે પૂછવા માટે સીધી મેનેજરને જ મળી. મને ખબર ન હતી કે મનની આ આખી યે પ્રક્રિયા જીંદગીની એક મહત્વની તક હતી!

મારા આશ્ચર્ય વચ્ચે એ દક્ષિણ ભારતીય મેનેજરે બેસાડી, અભ્યાસ,અનુભવ વગેરે વિશે ઈન્ટરવ્યુ જેવી પૂછપરછ કરી. એટલું જ નહિ, પોતે સંસ્કૃતના રસિયા હોવાથી અને હું સંસ્કૃતમાં સ્નાતક હોવાથી, એક શ્લોકનો અનુવાદ પણ પૂછ્યો. “આકાશં પતિતં તોયં યથા ગચ્છતિ સાગરમ”..આ તો મારો માનીતો શ્લોક હોવાથી મેં  તો વિગતે જવાબ આપ્યો. એ વિશે વધુ ઊંડાણમાં ચર્ચાઓ કરતા કરતા તેમણે વચ્ચે વચ્ચે, સિફતપૂર્વક મારા એકાઉન્ટસના અનુભવો વગેરે અંગે પણ ખાતરી કરી લીધી. મને ખબર પણ ન પડી એ રીતે સાચે જ મારો ઈન્ટરવ્યુ લેવાઈ ગયો. કશી પણ તૈયારી વગર બસ,એમ જ .. અને પરીણામે  જોબ મળી પણ ગઈ!! અનહદ આશ્ચર્ય અને અતિશય આનંદ હ્રદયમાં ભરી હું ઘેર આવી. બસ, ત્યારથી બરાબર ૨૩ વર્ષ સુધી બેંકમાં ખંતથી કામ કર્યું, પ્રગતિ કરી,સિધ્ધિઓ પ્રાપ્ત કરી. ક્લાર્કમાંથી સુપરવાઈઝર, સબ મેનેજર સુધી પહોંચી શકાયું.

 એ ૨૩ વર્ષ દરમ્યાન સહકાર્યકર,મેનેજર્સ, એકાઉન્ટ હોલ્ડર્સ, દેશવિદેશની અન્ય શાખાઓના સ્ટાફ મેમ્બર્સ વગેરે મળીને કંઈ કેટલાંયે લોકોના સંપર્કમાં આવવાનું થયું. ઘણાં બધા ચહેરાઓ નજર સામે હસતા તરવરે છે. ગઝલકાર શ્રી આદિલ મનસુરીને પણ બેંકના એક ‘ક્લાયન્ટ’ તરીકે મળવાનું થતાં અહીંથી જ નિકટનો પરિચય થયો. જુદા જુદા વ્યક્તિત્વ અને મનોભાવોને સમજતા શીખવાનું પણ અહીંથી વધુ મળ્યું. કેટલાંક સંબંધો આવ્યા અને ગયા, કેટલાંક સંપર્કો થોડા વર્ષો રહ્યા અને કેટલાંક હજી આજ સુધી ચાલુ રહ્યાં. સ્મૃતિના ડબ્બામાં ઘણું બધું હજી તાજું છે, અકબંધ છે. બેંકના જ કામે Bahamasની offshore branch, Nassauમાં  વર્ષ ૨૦૦૩ના માર્ચ મહિનાના closingના કામે બે અઠવાડિયા માટે જવાનો લાભ મળ્યો. તે ઉપરાંત, યુએસ. બ્રાન્ચના પ્રતિનિધિ તરીકે, Overseas Training દરમ્યાન ભારતની જુદી જુદી શાખાઓમાં ફરવાનું પણ મળ્યું, આમ, ઘણું બધું શીખવાનું મળ્યું. બેંક ઓફ બરોડામાં ભારત દેશના જુદા જુદા પ્રાંતના લોકો કામ કરતા હોવાથી એમ અનુભવાતું કે અહીં આખું ભારત શ્વસે છે.

એ સમયનો શરૂનો ગાળો જીવનમાં ઘણો અગત્યનો હતો. ત્રણ વર્ષમાં તો અમે ન્યૂજર્સી સ્થળાંતર કર્યું.,ત્યાંના Iselin નામના નાનકડાં સુંદર ગામમાં. ત્યારે ત્યાં માત્ર એક જ ઈન્ડિયન સ્ટોર હતો, અને એક જ મંદિર. અત્યારે તો ત્યાં માઈલોના વિસ્તારમાં માત્ર ભારતીયો જ વસે છે. એક લીટલ ઈન્ડિયા ઊભું થઈ ગયું છે!! ત્યાંની John F Kennedy Schoolમાં બંને દીકરાઓ ભણ્યાં. ગ્રેજ્યુએટ થયા, સ્પોર્ટ્સમાં આગળ આવ્યા અને પોતપોતાના માટે, અમારી જેમ જ સારા પાત્રો શોધ્યાં, પરણ્યા અને સરસ રીતે, સીધી રાહ પર ચાલી સ્થાયી થયાં. એટલું જ નહિ કુટુંબની નજીકની વ્યક્તિઓને ભારતથી બોલાવી, સ્થાયી થવામાં તન-મનથી સહાયરૂપ બન્યાં. ખંત, મહેનત અને ઉમદા આશયથી સૌ પગભર થઈ શક્યા તેનો સંતોષ આજે ઘણો છે.

ન્યૂયોર્ક, ન્યુજર્સીમાં ઘણાં સારા મિત્રો મળ્યાં. સૌની સાથે હર્યા, ફર્યાં, માતપિતાને પણ અવારનવાર બોલાવ્યાં અને સાથે સંયુક્ત કુટુંબના લાભ પરસ્પર માણ્યાં. ભાઈબહેનો સાથે પણ સ્નેહનો તાર અતૂટ રહ્યો. અમેરિકન સ્કૂલમાં ભણતા દીકરાઓ પાસેથી ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યુ. પડોશ પરદેશીઓનો હોવા છતાં સારો સાથ મળ્યો. ઘણીવાર વિચારું છું કે અમેરિકન પ્રજા પાસેથી વિવેક અને શિસ્ત એક એવી શીખવા જેવી જરૂરી બાબતો છે કે જો આપણા દેશમાં અમલી બને તો અડધી શાંતિ થઈ જાય અને આબાદી વધે. જેનામાં જે સારું છે તે ગ્રહણ કરવામાં નાનમ ન હોવી જોઈએ. તેની ખોટી બાજુઓ સાથે આપણને શું નિસ્બત? ઘઉંમાંથી કાંકરાની જેમ બાજુએ મૂકી જે જરૂરી છે તે રાખી લેવાય ને? નકામા કાગળિયાઓને ફેંકી ટાંકણી કાઢી લેવાની!!

આમ, તો એ વાત સાચી જ છે કે, અમેરિકા એક લપસણી ભૂમિ છે. ખાસ કરીને યુવાન વર્ગ માટે. પણ એ જાણી લીધા પછી લપસણી ભૂમિ પર સાચવીને પગ મૂકવાનો વિવેક વાપરવો જોઈએ. કોઈ પ્રલોભનોની મેનકા એમાં ન પ્રવેશે તે તકેદારી આપણા સિવાય કોણ રખાવી કે રાખી શકે? સાચું શિક્ષણ એ છે. ડીગ્રી અને ભણતર તમને અર્થ-ઉપાર્જનમાં મદદ કરશે. પણ ગણતર અને ઘડતર તમને સાચું જીવન જીવાડી જાણશે. યાદ રહે કે, Money is necessary but it is not the definition of happiness. A King can have world’s wealth but he may not be the happy human being. Whereas a poor person can sleep on the road peacefully. આપણા વડદાદા-દાદી બહુ ભણેલાં ન હતાં પણ સરસ જીવન જીવી શકવા માટે સક્ષમ હતાં. મારા દાદી વિશે તો એમ કહેવાતું હતું કે તેઓ સ્ત્રી દેહે પુરુષ હતા.

આ બધું લખવા પાછળ જે કહેવું છે તે એ જ કે પ્રેમ અને શાંતિથી સરસ જીંદગી જીવો અને ભોગવો. કેવી રીતે? એ દરેકના પોતાના જ હાથમાં છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે, વિધાતા આપણા હાથની રેખાઓને ખૂબ ઝાંખી દોરે છે કે જેથી કરીને તમે પોતે તેમાં મનગમતો આકાર ઉપસાવી શકો. ૠતુઓ બદલાય છે, સમય બદલાય છે, સંજોગો અને સ્થિતિઓ બદલાય છે પણ માણસે પોતે મનને સતત એવું સ્થિર રાખવાનું હોય છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં ટટ્ટાર વૃક્ષની જેમ અડીખમ રહી શકે. અને હા, આ બધું કેમ કરવાનું એવો પ્રશ્ન કદાચ થાય તો જવાબ એટલો જ કે આપણી પોતાની શાંતિ માટે કરવાનું. મનમાં શાંતિ હોય તો  જ અને ત્યારે જ જીવન અને જગત બધું જ સુંદર લાગશે; જન્મ સફળ થયાની અનુભૂતિ થશે..

સ્મરણોની આ રફતાર આગળ ચાલતી રહેશે…આપમેળે..પોતીકી રીતે…

કદીક કથની,કદીક માત્ર અનુભૂતિ તો કદીક નર્યા ચિંતનનાં ઝરણાં રૂપે…દર ગુરુવારે..

આજની ક્લીપઃ

ન જવાબ છે, ન સવાલ છે.
ન પૂછો કશી શી કમાલ છે..

સ્મરણની શેરીમાંથી-૧૩

(૧૩)

તે સમયે અમેરિકા આવતી વખતે વ્યક્તિ દીઠ માત્ર ૨૪ ડોલર જ અહીં લાવી શકાતા. એ રીતે ૪ જણના અમે કુલ ૯૬ ડોલર સાથે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો. 

 આમ તો વીઝીટ કરવા જ આવ્યા છીએ એમ મનમાં રાખ્યું હતું પણ ગ્રીનકાર્ડ હાથમાં હોવાથી થોડી જોબ કરી,પૈસા ઊભા કરી પછી પાછાં જઈશું એમ વિચારી જોબ શોધવા માંડી. રોજ સવારે સેન્ડવીચનું પેક લઈ “એક અકેલા ઈસ શહરમેં”ની જેમ અમે નીકળી પડતા. ત્યારે આજના જેવું ઈન્ટરનેટનું કે મોબાઈલના વોટ્સેપનું માધ્યમ ન હતું. તેથી બપોરે નક્કી કરેલ જગાએ મળી સાથે સેન્ડવીચ ખાઈ પાછા નીકળી પડતાં અને સાંજ પડે, નિરાશાને હાથમાં લઈ બંને, એકબીજાંને સારા અનુભવો મળ્યાની વાતો કરી હિંમત આપતા. 

અત્રે એક નવા અનુભવની વાત કરું. અહીંની schools માં જૂન મહિનામાં વેકેશન પડે. અમે એપ્રિલ મહિનામાં ન્યૂયોર્કમાં આવ્યા. પહેલાં જ અઠવાડિયામાં બંને દીકરાઓને લઈ નજીકની સ્કૂલમાં ગયાં. અમને એમ હતું કે, સપ્ટે.થી શરુ થતાં વર્ષ માટે એડમિશનમેળવી લઈએ. અમારા આશ્ચર્ય વચ્ચે, માર્ગદર્શક શિક્ષિકા,( guidance consular) Mrs. Martin  અમારી સાથે એક કલાકથી પણ વધુ સમય મેળવી શાંતિથી બેઠાં. અમને વિનય અને આદરપૂર્વક બધી માહિતી આપી.આખી સ્કુલ ફરીને બતાવી અને એ જ દિવસથી પ્રવેશ પણ આપી દીધો!! એટલું જ નહિ, બીજાં જ દિવસથી શાળામાં જવાની મંજૂરી પણ આપી કે જેથી કરીને બાળકો અહીંના વાતાવરણથી, પધ્ધતિથી વાકેફ થાય અને તેમને ઈંગ્લીશ ઉચ્ચારોને સમજવાનો અવકાશ અને પૂરતો સમય મળી રહે! અમે તો આભા જ થઈ ગયા!  કારણ કે,અમારા મનના નેપથ્યમાં તો બાળકના જન્મ પહેલાં જ, સ્કૂલોના એડમિશનની ચિંતા કરતા માબાપોના દ્રશ્યો ચાલતા હતાં! What a difference?

વતનપ્રેમી મનમાં એક વેદનાની ટીસ ઉભી થઈ કે આપણા દેશમાં ઊંચામાં ઊંચું બુધ્ધિધન હોવા છતાં, એક માત્ર સારી પધ્ધતિને અભાવે કેટલો મોટો ફરક? નાની નાની વસ્તુઓનો મહિમા ઘણો મોટો હોય છે એ ત્યારે  વધારે સમજાયું. માતૃભૂમિ માટે મને ખુબ પ્રેમ છે, અભિમાન છે. તટસ્થ રીતે જોવાની દ્રષ્ટિ ત્યાંથી જ કેળવાઈ છે. કદાચ એટલે જ કશાયે પૂર્વગ્રહ વગર, જુદા જુદા પણ આવાં સાચાં દ્રશ્યો આલેખવા અને વહેંચવા જરૂરી લાગે છે.. માર્શલ પ્રોસ્ટ નામના એક લેખકે લખ્યું છે તેમ, ખરો આનંદ અને અભિવ્યક્તિ નવા દ્રશ્યો જોવામાં નહીં, પણ એ જ દ્રશ્યને નવા દ્રષ્ટિબિંદુથી જોવામાં છે.

છોકરાઓ નાના હોવાથી સરળતાથી ગોઠવાઈ ગયા. પ્રોફેશનલ ડીગ્રી ન હોવા છતાં, આશ્ચર્ય અને દૈવયોગે એકાદ મહિનામાં તો અમને બંનેને જોબ મળી ગઈ. પગાર હાથમાં આવે તે પહેલાં એપાર્ટમેન્ટ ભાડે લઈ લીધુ અને ન્યૂયોર્ક શહેરમાં જીવન શરૂ કર્યું. ભાઈબહેનોનો સાથ અને હૂંફ તો સતત સાથે જ હતા..સમયની સામે જોયા વગર અમે ખંતપૂર્વક એકસરખી મહેનતથી કામ કર્યું, ઉત્તરોત્તર પ્રગતિ કરી, પોઝીશન મેળવતા ગયા. ભારતમાં હતાં ત્યાં સુધી સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓને કારણે કેળવાયેલાં શિસ્ત અને મહેનતના પાઠો મારા સ્પોર્ટ્સમેનને(!) સાચા અર્થમાં ખૂબ કામે લાગ્યા.  જો કે, બેંકની જોબ મળતા પહેલા એકદમ શરૂઆતમાં મને એક પેન બનાવવાની મોટી કંપનીમાં જોબ મળી હતી. પણ કંઈ મઝા ન હતી. થોડો વખત તો જરુરિયાતને સામે રાખી ખેંચ્યે રાખ્યું.

મોટો દીકરો તો જાણે નાનપણથી જ મેચ્યોર લાગતો. થયું એવું કે, આવીને તરત વુડસાઈડની શાળામાં પ્રવેશ તો લીધો પણ પછી તરત એક મહિનામાં એપાર્ટમેન્ટ બીજા વિસ્તારમાં મળ્યું. ત્યારે ૮-૯ વર્ષની નાની ઉંમરે પણ બે ટ્રેઇન પકડીને એલમર્સ્ટથી વુડસાઈડની સ્કૂલ સુધી ક્યારેક એકલો જઈ શક્તો હતો. અલબત્ત, મારાં નાના ભાઈબહેનોની અવારનવાર કંપની રહેતી પણ છતાં તેનામાં એ સૂઝ, હોંશિયારી અને હિંમત હતા. આજે વિચારું છું કે, એની કેટલી અને કેવી હિંમત? નાના દીકરાને હજી સ્કૂલમાં મૂકવાને વાર હોવાથી તેને બે મહિના માટે મોટીબહેનના ઘેર બીજાં સ્ટેઈટમાં મોકલી આપ્યો. પણ એકે રીતે મન શાંત રહેતું ન હતું. અંતે બે-ત્રણ મહિના પછી એ ન ગમતી જોબ છોડી જ દીધી. દીકરાને પાછો બોલાવી સ્કૂલમાં સેટ કર્યો અને તે પછી, એટલે કે લગભગ વર્ષના અંતે બેંક ઓફ બરોડાની ન્યૂયોર્ક બ્રાંચમાં જોબ મળી.

ટૂંકમાં કહેવાયેલી આ વાતો વચ્ચે સંઘર્ષ ઘણો વેઠ્યો. પરિસ્થિતિઓ સાથે, મન સાથે અને નવી દૂનિયાના વાતાવરણ સાથે. પણ જીંદગીનું આ એક સાહસ હતું અને એને ઝીલવાનું હતું ને? ક્યારેક મા અને નાની બહેનો અમારી સાથે  રહેતા. તેમની હૂંફ  છોકરાઓના ઉછેરમાં ઘણી ઘણી સહાયક રહી. ન્યૂયોર્કના ત્રણ વર્ષના નિવાસ દરમ્યાન બે વખત એપાર્ટમેન્ટ બદલ્યાં, સાસુ-સસરાને અમેરિકા બોલાવ્યા. તેમનો સાથ અમને મદદરૂપ નીવડ્યો તો અમને જોઈ તેમને પણ અમારી નવી દૂનિયાનો ખ્યાલ આવ્યો અને દૂર જઈ બેઠેલા દિકરાના પરિવારને જોઈ મનને શાંતિ અને રાહત થઈ.

કુટુંબની નજીકની વ્યક્તિઓનો ફાળો જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે એ આજની ઉગતી પેઢીને તો કેવી રીતે સમજાય? વાંક તો કોઈનો નથી. પણ વિશ્વભરમાં હવે જીવનસરણી અને પધ્ધતિઓ સમગ્ર રીતે બદલાઈ ગઈ છે. સુખની વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે,ભૌતિક બની ગઈ છે. સદનસીબે હજી સુધી સચવાયેલી રહેલી અમારા  સંતાનોની ભાવના યથાવત રહે અને અરસપરસ તેમના પરિવારોમાં પણ આ વાત વહેંચાયેલી અને વિસ્તરતી રહે એવી સતત લાગણી અને શુભેચ્છા કલમમાંથી નીતરે છે.

 આ ક્ષણે, કોણ જાણે કેમ પણ થોડા દિવસ પહેલા જ જોયેલા એક હિન્દી કાવ્યસંમેલનમાં સાંભળેલી પંક્તિઓ ટાંકવાનું મન થાય છેઃ

“સપને વો હોતે હૈ જો સોને નહીં દેતે
  અપને વો હોતે હૈ જો રોને નહી દેતે….”

આવતા પ્રકરણમાં બેંક ઓફ બરોડાના ૨૩ વર્ષોના સ્મરણોની ગલીમાં….

અત્યારે તો ‘આકાશમાંથી વાદળદળ વચ્ચે વિહાર’ની સ્મૃતિ મમળાવવાનું મન થાય છે.

click on picture to listen…

 

સ્મરણની શેરીમાંથી-૧૨

(૧૨)

૧૯૮૦ના એપ્રિલ મહિનાના ગુડફ્રાઈડેના દિવસે  વિદેશની ધરતી પર કદમ માંડ્યાં. એ વાતને આજે લગભગ ચાર દાયકા વીતી ગયા છે. દરમ્યાનમાં ઘણું ઘણું બન્યું, સ્મરણોની આ શેરી વળાંકો લેતી લેતી બસ એમ જ, ચિંતન નામના વિ-દેશે (વિશેષ દેશે) ખેંચી જાય છે!! આપણે ક્યાં જીવન ચરિત્ર લખવું છે? ખાલી જીવનનો નીચોડ નીતારવો છે. આત્મકથા લખી શકવા જેટલી મહાનતા નથી. પણ આ લોહીમાં સતત ફરતી રહેતી શિરા-ધમનીઓને  સ્વજનમાં, સગપણમાં,વહેવડાવવી છે. હવે પછીની નવી પેઢીને વારસામાં આપવી છે. મિત્રોની મહેફિલમાં મોંઘી મિરાતની જેમ વહેંચવી છે અને  સાચા સહ્રદયીઓ સાથે માણવી છે.

હા, તો અગાઉ લખ્યું તે મુજબ મોટીબહેને બધા જ ભાઈબહેનોને અમેરિકા બોલાવવા માટે જરૂરી પેપરો ફાઈલ કરી દીધા હતા. પણ ભારતમાં જ રહીને, સારા મોટા કુટુંબની આદર્શ વહુ બનવાના ભીતરના  કોડને કારણે અમે એ વિષય ઠેલતાં રહ્યાં.વતનમાં જ રહેવાની  ઈચ્છાને કારણે મોટા દીકરાને ગુજરાતી માધ્યમની જ સ્કૂલમાં મૂકયો હતો અને નાનો દીકરો તો ખૂબ જ નાનો હતો. નાના બે ભાઈબહેનોના લગ્ન બાકી છે એવા બહાના હેઠળ પણ જવાનું ટાળ્યા કર્યું. પણ પછી તો તેમના લગ્ન પણ થઈ ગયાં. બધાં જ ભાઈબહેનો અને મા પણ અમેરિકા. મોટી બહેને મા-બાપની તમામ જવાબદારી સુપેરે નિભાવી હતી. બધાને સેટ કર્યા હતાં. હવે વિલંબ કરવા માટે બીજું કોઈ કારણ ન હતું.  ખરેખર તો સાચા અર્થમાં મારો પોતાનો માળો અમદાવાદમાં સુસજ્જ ગોઠવાયેલ હતો. પરંતુ દૈવયોગે કહો કે દીકરાના ભવિષ્યયોગે કહો, પણ ચાર ચાર મહિના સુધી મળેલ વીઝાના પેપર્સને દબાવી રાખવા છતાં અમે માત્ર વીઝીટના વિચારે અમેરિકા પ્રયાણ કર્યું.

એ રીતે ૩૯ વર્ષ પૂર્વે, ૧૯૮૦ની સાલમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરની ધરતી પર પગ મૂક્યો ત્યારે તો ઓહોહો આખું વિશ્વ કંઈ જુદું જ અનુભવેલું. ભાષાના ઉચ્ચારોથી માંડીને, ૠતુઓના ચક્ર, આબોહવા, રીતરિવાજ,લોકો, બધું જ સાવ નોખું. આંખ ખુલે ને સવાર પડે ત્યારથી માંડીને સૂવા સુધીની દિનચર્યા, દરેક પ્રક્રિયા, રહેણીકરણી બધું જ અલગ. એવા જીવનમાં ગોઠવાઈ શકાશે કે કેમ એ એક પ્રશ્ન બિહામણું રૂપ ધરીને ડરાવ્યા કરતો. પણ “સંકટ ભરી આ જીંદગીથી હારનારો હું નથી,સાગર ડૂબાડી દે મને તેવો કિનારો હું નથી.” એમ વિચારી વિચારી, મનને મજબૂત રાખી, આ સ્વૈચ્છિક સ્વીકારેલા સંજોગો અને સમયની સાથે તાલ મિલાવી આગળ ધપ્યે રાખ્યું.

પહેલાં દિવસની એ અનુભૂતિ.. જીવન જરૂરિયાતોની સરળતાથી ઉપલબ્ધિ.. ગ્રોસરી સ્ટોરમાં સુલભ વ્યવસ્થા.. કોઈને કાંઈ પૂછવું ન પડે. હસતાં મદદનીશો હાજર ને હાજર.  એરપોર્ટની સ્વચ્છ, સ્પષ્ટ અને સુઘડ વ્યવસ્થા, ડ્રાઈવીંગની સાઈડથી માંડીને લાઈટની સ્વીચ, પાણીના નળ, ચાવી ફેરવવાની રીત બધું જ અવનવું, સાવ જુદું અને ઝાકમઝોળ. રસ્તાઓની વિશાળતા, તેની બાંધણી, ટ્રાફીક સેન્સ, લોકો દ્વારા થતું શિસ્તબધ્ધ પાલન, હોર્ન વગરની શાંતિ, ચોક્ખાઈ, વિવેક…બધું જ આકર્ષક અને મનમોહક. એ અભિવ્યક્તિ મનમાં શબ્દાકાર બની થનગનતી હતી કે,

શિસ્તના શાસન થકી આ ચાલતું નગર જુઓ.
આભની વીજળી સમું આ આંજતુ નગર જુઓ.

પૂર્વની રીતો અને વે’વારથી જુદું ઘણું,
માનવીને યંત્રમાંહે શારતું નગર જુઓ.

રાત દી’ આઠે પ્રહર ડોલરની દોડધામમાં,
આદમીને હરપળે પલટાવતું નગર જુઓ.

પહેલે જ દિવસે જાણવા અને શીખવા એ મળ્યું કે આપણું એટલે બધું જ સારું એવું કાંઈ નહિ અને પરદેશનું કાંઈ જ સારું નહિ એવું પણ નથી જ. હકારાત્મક દૄષ્ટિની વિશાળતા ખોલવાની, એને વિક્સાવવાની અહીં તકો અનુભવાઈ. ભલે આપણા દેશથી તદ્દન જુદું વાતાવરણ અને રીતરિવાજો.. પણ જરા ઊંડાણથી વિચારતાં સમજાયું છે કે દરેક દેશની પરંપરા કે જીવન જીવવાની રીત, એ દેશની આબોહવા, ભૌગોલિક સ્થિતિ અને જૂના ઈતિહાસ પર આધારિત હોય છે.

આપણે જ સંસ્કારી અને બીજાં અસંસ્કારી એમ માનવાને બદલે બીજાં ભિન્ન છે, આપણાથી જુદા છે તેમ કહેવું વધારે સાચું છે. સારું ખોટું બધે જ છે, બધામાં છે અને છતાં જાણેઅજાણે માનવી એકબીજાં પાસેથી સતત શીખતો જ રહે છે. આનું પૃથ્થક્કરણ એક ખુબ રસનો વિષય છે.

 અહીં ઘણું અણછાજતું પણ જોવા મળ્યું જ.. પણ નજરની બારી કઈ ખુલ્લી અને કઈ બંધ રાખવી એ તો આપણા જ હાથમાં છે ને? કદાચ એ પણ એક નવો પાઠ હતો!! નવી પેઢીને આ દૄષ્ટિનો વારસો આપવો છે કે, લપસણી ભૂમિ પર સ્થિર પગ રાખીને ચાલવાનું ખૂબ મુશ્કેલ છે. તેથી સારા ખોટાનો ભેદ સમજવો અને વિવેકપૂર્વક યોગ્ય રાહ પસંદ કરવો. ભૂલો થયા વગર કે કર્યા વગર કોઈનું જીવન વીતતું નથી. ક્યારેક અમારાથી પણ ભૂલો થઈ જ હશે. પણ એનું પુનરાવર્તન ન થાય એ જ આ લખાણ દ્વારા દિલથી શુભ ભાવના.

છેલ્લાં ચાર દાયકા દરમ્યાન અનેક અનુભવો થયા અને તેને  શક્ય એટલી યોગ્ય રીતે, પત્રસ્વરૂપે મારી
‘આથમણી કોરનો ઉજાસ’ નામે પુસ્તકમાં આલેખ્યા છે. છતાં અહીં જ્યારે મુખ્ય મુખ્ય સ્મૃતિને તાજી કરવા બેઠી છું ત્યારે થોડી થોડી ઝલક જરૂર આપતી રહીશ..

 ઉપરના ચિત્ર ઉપર ક્લીક કરી સાંભળશો.

આવતા પ્રકરણમાં  શરૂ થશે શરૂઆતના સંઘર્ષની વાતો.

અસ્તુ..