સંગ્રહ

‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ…

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનને આંગણે ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ.

બેઠક નં ૨૫૫..

અહેવાલઃ  રેખા સિંધલ ( ટેનેસી)
સંપાદનઃ દેવિકા ધ્રુવ
તસ્વીર સૌજન્યઃ જયંત પટેલ 

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન તરફથી, તારીખ ૨૭મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ શારદા-અંબા મંદિરના ઑડીટોરિયમમાં, તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ ૧૬૫ થી વધુ સાહિત્ય-પ્રેમીઓએ એ પુસ્તકના ૧૨ જેટલા  હાજર રહેલા સર્જકો સાથે સાંજ વીતાવી હતી.

અતિથિ-વિશેષ તરીકે ‘વિદેશીની’ તરીકે જાણીતા અને માનીતા કવયિત્રી શ્રીમતી પન્નાબહેન નાયકના હાથે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વર્ષોથી ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રૈમાસિક અમેરિકામાં પ્રકાશિત કરનાર સાહસિક પ્રકાશક શ્રી કિશોરભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી. એમણે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ સાથે જોડાઈને આ ‘સ્મૃતિસંપદા’નું પ્રકાશન કર્યું છે; જેમાં પંદર ગુજરાતીઓએ પોતાની જીવનકથામાં પરદેશની ધરતી પરની એમની વિકાસ કથા લખી છે. સાહસ અને વિકાસ સાથે સંઘર્ષમય અનુભવો સ્વાભાવિક જોડાયેલા હોય. આ અનુભવોમાં વિકસેલા ગુણોના અંકુર ગુજરાતની ભૂમિમાંથી વિસ્તરી દરિયાપાર ફેલાયા છે. જીવનના કોઈ પણ ક્ષેત્રે અને કોઈ પણ તબક્કે આ અનુભવોનું ભાથું બળપ્રેરક બની રહે તેવું છે. આ પુસ્તકમાં પંદર લેખકોમાંથી છ હ્યુસ્ટનના રહેવાસીઓ છે અને કેટલાંક તો આ સાહિત્ય સરિતા સાથે વર્ષોથી જોડાયેલાં છે; જેમાંનાં એક એવાં દેવિકા ધ્રુવે, આ સંસ્થાને ‘હ્યુસ્ટનના આંગણે ઊભેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો” કહી ગૌરવવંતી ઝલક આપી હતી.

શ્રી હસમુખ દોશી, કિરીટ ભક્તા,ઈના પટેલ જેવા અન્ય ઘણા દાતાઓ આ અવસરમાં આર્થિક સહકાર આપી સહયોગી થયા હતા.

કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદે કેટલીક જાહેરાત સૂચનાઓ વગેરે આપ્યા પછી, બરાબર  સાંજે ૪ક.૧૦મિનિટે શ્રીમતી જ્યોત્સના વેદની સરસ્વતી વંદનાથી થઈ હતી. તે પછી સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ પ્રાસંગિક વક્તવ્ય આપી સૌનું સ્વાગત કર્યુ હતું.

શ્રીમતી જ્યોત્સના વેદ
સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદ
સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલ મહેતા

નૃત્યકાર ઉમા નગરશેઠની  દોરવણી હેઠળ સંસ્થાની બહેનો દ્વારા દીવડા-નૃત્યની સુંદર રજૂઆત કરવામાં આવી હતી; જેના શબ્દો હતાઃ “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું”.

(અવની મહેતા, ભારતી મજમુદાર, જ્યોતિ વ્યાસ, મંજુલા થેકડી,
માયા મહેતા, નયના ગોસાલીઆ,સ્મિતા પુરોહિત અને  વર્ષા શાહ)

ત્યારબાદ પુસ્તકના સંપાદક શ્રીમતી રેખા સિંધલે એક પછી એક મહેમાનોની ઓળખ આપી હતી.  અમેરિકાનાં અન્ય રાજ્યમાંથી આવેલા આમંત્રિત લેખકોએ અને સ્થાનિક લેખકોએ પોતાનાં વકતવ્ય રજૂ કર્યાં હતાં; જેમાં ફ્લોરિડાથી વિશ્વપ્રવાસીની પ્રીતિ શાહ સેનગુપ્તા, વોશિંગ્ટનથી જાણીતા અર્થશાત્રી ડો. નટવરભાઈ ગાંધી, નેશવીલથી ‘સ્મૃતિસંપદા’ના સંપાદક શ્રીમતી રેખા સિંધલ, કૅલિફોર્નિયાથી શ્રીમતી સપના વિજાપુરા, લાસવેગાસથી શ્રી જગદીશ પટેલ, હ્યુસ્ટનના નાસા કેન્દ્રમાં કાર્યરત અવકાશવિજ્ઞાની ડો. કમલેશ લુલ્લા, ઑસ્ટિનથી શ્રીમતી સરયૂ પરીખ, હ્યુસ્ટનનાં શ્રીમતી દેવિકા રાહુલ ધ્રુવ, શ્રી અરવિંદભાઈ થેકડી તેમ જ શ્રી મનસુખભાઈ વાઘેલાએ પોતાની કેફિયત ટૂંકમાં રજૂ કરી હતી. અતિથિવિશેષ પન્નાબહેન નાયક અને  શ્રી કિશોર દેસાઈએ પણ સભાજનોને સંબોધ્યાં હતાં.

શ્રીમતી રેખા સિંધલ, નેશવિલ
શ્રીમતી પન્ના નાયક
શ્રી કિશોર દેસાઈ
શ્રીમતી પ્રીતિ સેનગુપ્તા
શ્રી નટવર ગાંધી,વૉશિંગ્ટન
શ્રીમતી દેવિકા ધ્રુવ, હ્યુસ્ટન
ડો કમલેશ લુલ્લા,હ્યુસ્ટન
શ્રી જગદીશ પટેલ, લાસવેગાસ
શ્રીમતી સપના વિજાપુરા,કેલિફૉર્નિયા
શ્રીમતી સરયૂ પરીખ, ઑસ્ટીન
શ્રી મનસુખ વાઘેલા,હ્યુસ્ટન
શ્રી અરવિંદ થેકડી,હ્યુસ્ટન

‘સ્મૃતિસંપદા’ના જે પાંચ લેખકો આવી નહોતા શક્યા તે ડો. ઈન્દુબહેન શાહ (હ્યુસ્ટન), ડો. જયંત મહેતા(નેશવિલ), ડો. બાબુ સુથાર (પેન્સિલવેનિયા) ડો. દિનેશ શાહ (ફ્લોરિડા) અને શ્રી અશોક વિદ્વાંસ (ન્યૂજર્સી) દ્વારા ઈમેલથી મળેલા તેમના સંદેશાઓ, પ્રમુખ શ્રી નિખિલભાઈએ વાંચી સંભળાવ્યા હતા.

હાજર રહેલા આમંત્રિત મહેમાનોને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ તરફથી સન્માન-પત્ર અને સંસ્થાના logo સાથેની વિવિધ ભેટોનો સંપુટ, સરસ મજાના વિવિધ વૈચારિક અને મનનીય સૂત્રો દા.ત ‘A book is a dream you hold in your hand’ સાથે આપ્યો. તે ઉપરાંત દરેક ભાગ લેનાર, સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓ અને દાતાઓને પણ ભેટોનો સંપુટ આપ્યો હતો જે સૌએ પ્રેમથી વધાવ્યો હતો. ડો.કમલેશ લુલ્લા તરફથી ‘ચંદ્ર પરથી પૃથ્વીના ઉદય’ની એક વિરલ અને અલભ્ય તસ્વીર પણ સૌને આપવામાં આવી હતી.

સન્માન પત્ર અને વિવિધ ભેટોનો સંપૂટ અર્પણ
સન્માન પત્ર અને વિવિધ ભેટોનો સંપૂટ અર્પણ
સન્માન પત્ર અને વિવિધ ભેટોનો સંપૂટ અર્પણ

આ પ્રસંગે સરસ્વતી મંદિરના પ્રમુખ ડો.દાસિકાજીએ સનાતન ધર્મ વિશે પોતાના વિચારો દર્શાવ્યા હતા અને  વ્યવસ્થાપક શ્રી પ્રસાદજીએ મંદિરના સ્થાનના યોગ્ય ઉપયોગ અંગે  માહિતી પૂરી પાડી હતી.

સરસ્વતી મંદિરના પ્રમુખ ડો.દાસિકાજી અને  વ્યવસ્થાપક શ્રી પ્રસાદજી

સાંજે સાડા છ વાગ્યે, ગુજરાત અને ગુજરાતીઓને અનુલક્ષીને એક સુંદર, મજેદાર ‘શેરાક્ષરી’ની રજૂઆત કરવામાં આવી જેને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.  તે પછી શ્રીમતી રિદ્ધિ દેસાઈએ આભારવિધિ કર્યા બાદ આ સાહિત્યિક સંધ્યાની પૂર્ણાહૂતિ થઈ.

નીતિન વ્યાસ, મનોજ મહેતા, ફતેહ અલી ચતુર,પ્રકાશ મજમુદાર, દેવિકા ધ્રુવ, ભાવના દેસાઇ અને રિદ્ધિ દેસાઈ… )
સંકલન કર્તાઃ  દેવિકા ધ્રુવ
સંસ્થાનાં હાલનાં ઉપપ્રમુખ શ્રીમતી રિદ્ધિ દેસાઈ

છેલ્લે સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી, તૃપ્તિના ઓડકાર સાથે સૌ વિદાય થયા. તે સમયે ઘણી વ્યક્તિઓના હાથમાં ‘સ્મૃતિસંપદા’ પુસ્તકને જોઈ આનંદ રેલાયો.

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનના વહેતા પ્રવાહમાં ઝબોળાવા સાથે ન્હાવાની મઝાથી મન હજીયે પ્રફુલ્લિત છે.

સૌ આયોજકો, કલાકારો અને અન્ય કાર્યકર્તાઓને આ સફળ કાર્યક્રમ માટે  અભિનંદન અને શુભેચ્છા.

–રેખા સિંધલ
ટેનેસી

સંપૂર્ણ સૂર્યગ્રહણ.

સંપૂર્ણ સૂર્યગ્રહણ

 ક્યારે અને શું થવાનું છે?

 એપ્રિલ,૮ ૨૦૨૪ ના રોજ, સંપૂર્ણ સૂર્યગ્રહણ સીધું ટેક્સાસ પરથી પસાર થશે. તેની  ખૂબ અસર, સાન એન્ટોનિયો, ઓસ્ટિન, ફોર્ટવર્થ અને ડલાસના કેટલાક ભાગોમાં જોવા મળશે, તેનું કારણ એ છે કે, તે  ઉત્તર-પૂર્વ (નોર્થ-ઇસ્ટ) તરફ ફરવાનું છે.

આનું આટલું બધું મહત્ત્વ કેમ છે?

કારણ કે, આવું ગ્રહણ ભાગ્યે જ થાય છે. દર ૩૭૫ વર્ષે એક જ વાર ધરતી પરના કોઈપણ બિંદુ પરથી પસાર થાય છે. આને કારણે ટેક્સાસ કે જેને ‘લોન સ્ટાર સ્ટેઇટ કહેવાય છે, ત્યાં ૧ મિલિયન લોકો આવશે તેમ જાણવા મળ્યું છે. પરિણામે ટેક્સાસના તે શહેરોમાં ટ્રાફિક, રહેવાની વ્યવસ્થા, ખોરાક તથા ગેસ વગેરે સપ્લાય પર અસર થશે.

આ દિવસે સૌએ તૈયાર રહેવું પડશે. બહાર નીકળતી વખતે રોજના સમય કરતાં વધારે વહેલાં નીકળવું પડશે. જો કે, કેટલીક શાળાઓ તો આને કારણે બંધ રહેશે.  સ્કુલ તરફથી આવતી સૂચનાઓ સાંભળતા રહેવું પડશે.

સલામતીનું પણ ધ્યાન રાખવાનું છે.

 સૌથી પહેલાં તો એ કે, આ દિવસે સૂર્ય તરફ સીધું જોવું ખૂબ જોખમી છે. ગ્રહણ સમયે   ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યને ઢાંકી દે છે અને દિવસ અંધકારમય બની જાય છે. આ ભાગ્યે જ થતી ઘટના છે. સૂર્ય તરફ સીધું જોવાથી સંભવ છે કે, આંખને નુક્સાન પહોંચે. તો એવું ન બને તે માટે ખાસ ગ્રહણ માટે બનાવેલા ચશ્મા પહેરો. આપણા સામાન્ય ‘સનગ્લાસ’નહિ ચાલે. ગ્રહણ માટેના આ ચશ્મામાં ખાસ લેન્સ હોય છે; જે  સૂરજના નુક્સાન કરતાં તેજકિરણોને આંખોમાં પ્રવેશતા અટકાવે છે. શ્રેષ્ઠ ગુણવત્તાવાળા આ ચશ્મા તેના પેકેટ ઉપર ( ISO Compliance Label) ‘આઇએસઓ કમ્પ્લાયન્સ લેબલ’ રાખશે, તેથી ખરીદ કરતી વખતે લેબલ તરફ ખાસ નજર કરશો.

ટેક્સાસમાં  સૂર્યગ્રહણઃ
 ૮ એપ્રિલ ૨૦૨૪, સોમવાર .

ગ્રહણ શરૂ થવાનો સમયઃ ૧૨.૧૬ પીએમ.

સંપૂર્ણ ગ્રહણની શરૂઆતઃ ૧.૩૫ પીએમ.

પૂરેપૂરું ગ્રહણઃ ૧.૩૬ પીએમ.

ગ્રહણ બંધ થવાનો સમયઃ.૧.૩૭ પીએમ.

 આમ, સંપૂર્ણ સૂર્યગ્રહણની પ્રક્રિયા કુલ ૨ મિનિટ અને ૩૯ સેકંડ સુધી રહેશે. 

અને શરૂઆતથી અંત સુધીનો સમય ગણીએ તો ૨ કલાક ૪૦ મિનિટ અને ૫૨ સેકંડ સુધીનો.
મહત્તમ મેગ્નીટ્યુડ – 1.01 કદનો રહેશે.

હવે એક જૂની  ધાર્મિક માન્યતા મુજબ પણ જોઈ લઈએ.

સૂતક શરૂ થાય છે – 10:43 PM, એપ્રિલ 07

(બાળકો માટે વૃદ્ધો માટે અને બીમાર વ્યક્તિઓ માટે સૂતક શરૂઆત – 07:11 AM)

સૂતક સમાપ્ત થશે – 02:57 PM

સૂર્યગ્રહણના આ બધા સમય, અમેરિકાના ટેક્સાસ (CST) અનુસાર લખવામાં આવ્યા છે. ભારતના પંચાંગ સાથે નથી. તેથી ગોટાળા ન કરશો, પ્લીઝ.

જે દેશ અને સ્થાન પર પૂજા, પ્રાર્થના, વિધિ વગેરે કરવામાં આવે છે તેના સમય મુજબ જ મહુરતનો (મુહૂર્ત) સમય જોઈ લેશો અને તે પ્રમાણે જ પાલન કરશો.

***************************************************************************************

મળેલી માહિતીને આધારેઃ

April 8, 2024

*total solar eclipse* 

What is happening?

On April 8, 2024, a total solar eclipse will pass directly over Texas. The full effects will be seen over parts of San Antonio, Austin, Fort Worth and Dallas as it travels on its north-easterly path.

Why it matters:

This rare eclipse passes over any point on Earth only once every 375 years. It is expected to bring 1 million people to the Lone Star state. This influx may affect traffic, lodging and food and fuel supplies. Be prepared and allow plenty of additional time for travel, if necessary

Also, some schools are closing for the event (check your local listings).

Safety first:

Please put safety first. Looking directly at the sun is very dangerous, even when the moon completely covers the sun and the day turns dark.

Wear quality eclipse glasses to view this rare event safely and avoid potential temporary or permanent eye damage. Your normal sunglasses won’t do the job.

Eclipse glasses have special lenses that block harmful radiation from entering your eyes. The best quality eclipse glasses will carry an ISO compliance label on their packaging, so look for this when purchasing.

—————————————————

Solar Eclipse સૂર્ય ગ્રહણ in Texas

8th April 2024

Monday / સોમવાર

Eclipse Start Time – 12:16 PM

Total Eclipse Start Time – 01:35 PM

Maximum Eclipse Time – 01:36 PM

Total Eclipse End Time – 01:37 PM

Eclipse End Time – 02:57 PM

Total Eclipse Duration – 02 Mins 39 Secs

Total and Partial Eclipse Duration – 02 Hours 40 Mins 52 Secs

Maximum Magnitude – 1.01

Sutak Begins – 10:43 PM, Apr 07

(Sutak for Kids, Old and Sick Begins – 07:11 AM)

Sutak Ends – 02:57 PM

All Solar Eclipse  times are written according to Texas (CST) of America 🇺🇸 🙏🏻 Don’t confuse with India’s Panchang 🙏🏻 (Muhurta should be followed according to the country and place where worship/rituals are performed)

પુસ્તક પરિચય અને સર્જકો સાથે સાંજ..

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન(gujaratisahityasarita.org)ને આંગણે એપ્રિલ ૨૭મીએ ‘સર્જકો સાથે એક સાંજ’ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ સમયે અમેરિકાવાસી ગુજરાતીઓની અનુભવકથાઓના સંગ્રહ ‘સ્મૃતિસંપદા’નું વિમોચન કરવામાં આવશે. તેમાં જોડાવા સૌ ચાહકોને ભાવભર્યુ આમંત્રણ.

‘સ્મૃતિસંપદા’માં જેમની કૃતિઓ પ્રગટ થઈ છે, તે પંદર લેખકોમાંથી મોટાભાગના આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત સૌના માનીતા અને જાણીતા કવયિત્રી પન્ના નાયક અતિથિવિશેષ તરીકે હાજરી આપશે. સૌને મનગમતા એવા બીજા કેટલાક લેખકો પણ જોડાશે તેવી આશા છે.

આ સાથેના ફ્લાયરમાં સંપર્ક માટેની તથા અન્ય વિગતો છે.

સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલભાઈ મહેતા અને કાર્યવાહક સમિતિ વતી આ કાર્યક્રમમાં જોડાવા માટે સૌ રસિકોને આમંત્રણ છે.

પ્રતિભા પરિચય-

રાજુલ કૌશિક –

‘નિર્મોહી એક અવાજ’ માસિકમાં પ્રકાશિત લેખ. સૌજન્ય તંત્રી:શ્રી અંકિત ચૌધરી.

સહ તંત્રી:ભારતી ભંડેરી

પ્રતિભા પરિચય- દેવિકા ધ્રુવ

‘રોજ રોજ ઊડું છું તરંગની પાંખે

ને દૂર દૂર જોઉં છું વિશ્વની આંખે

શબ્દોના કુંડાંમાં ભાવોના રંગ ભરી,

પીંછી બોળું ને ચીતરાતી એક પરી’

એવું કહેતાં બહુઆયામી લેખિકા દેવિકા ધ્રુવ જ્યારે મ્યુનિસિપાલિટીના દીવા નીચે બેસીને વાંચતાં હશે ત્યારે એમણે અંતરથી તરંગની પાંખે ઉડવાનું અને શબ્દોનાં કુંડાંમાં ભાવોના રંગ ભરી કાલ્પનિક પરી ચીતરવાનું સપનું જરૂર જોયું જ હશે.

બહુઆયામી લેખિકા તરીકે પરિચય આપવાનું મન થાય એટલું વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સર્જન દેવિકા ધ્રુવના નામે બોલે છે.

નાનપણથી જ અભ્યાસમાં અવ્વલ રહેવાની સાથે શાળામાં વકૃત્વ સ્પર્ધા, નૃત્ય- નાટકની પ્રવૃત્તિમાં આગળ પડતાં દેવિકા ધ્રુવને નાનપણથી જ શેર, શાયરીમાં રસ પડવા માંડ્યો હતો. પંદર વર્ષે લખેલી પહેલી કવિતા પછી તો કેટલાય ગીતો, ગઝલ, છંદબદ્ધ અને અછાંદસ રચનાઓ ગુજરાતી સાહિત્યને આપ્યાં છે.

ભૂડાસણ જેવાં નાનાં ગામમાં ૧૯૪૮માં જન્મ. થોડીક આર્થિક વિટંબણાઓ વચ્ચે બાળપણ વીત્યું પણ અંદરનું અને અંતરનું જે ઓજસ હતું એ હંમેશાં ઝળકતું રહ્યું. ૧૯૬૪માં S.S.C.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયાં પછી B.A.માં પ્રથમ વર્ગની સાથે સોમૈયા ગોલ્ડ મેડલ અને અન્ય ચાર ઈનામો પ્રાપ્ત કર્યાં. પ્રથમ આવવું એ જ એમની ખાસિયત છે. કાવ્ય પઠન સ્પર્ધામાં ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ મેળવ્યાં પછી કૉલેજની ઈતર પ્રવૃત્તિમાં નાટક, સંસ્કૃત ભાષાનાં વકતવ્યમાં પણ સતત ઈનામો જીતતાં રહ્યાં. સવારની કૉલેજની સાથે બપોરે ટ્યુશન, ટાઇપિંગ જેવી પાર્ટ ટાઇમ જોબ કર્યા પછી ગુજરાત યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગમાં જોડાયાં.

૧૯૭૧માં જાણીતા રણજી ટ્રોફી પ્લેયર રાહુલ ધ્રુવ સાથે પ્રેમલગ્ન, ૧૯૮૦માં અમેરિકા કાયમી વસવાટ, ૧૯૮૦થી ૨૦૦૩ સુધી ન્યુયોર્કની બેંક ઓફ બરોડામાં જોબ, ૨૦૦૩માં હ્યુસ્ટન સ્થળાંતર. જો કે શબ્દોમાં લખવા જેટલી સરળતાથી અમેરિકામાં ગોઠવાવું સરળ નહોતું. નવો દેશ, નવું વાતાવરણ, નવી સંસ્કૃતિની સાથે તાલમેલ જાળવવાં સંઘર્ષ પણ વેઠ્યો છતાં આ સમગ્ર સમય દરમ્યાન સાહિત્ય વિસરાયું નહોતું.

૨૦૦૩માં હ્યુસ્ટન સ્થાયી થયાં પછી એમની સાહિત્યિક પ્રવૃત્તિને હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’નું પ્લેટફોર્મ મળ્યું. સાહિત્ય સર્જનને વેગ મળ્યો. દેવિકાબહેને આજ સુધી જે મેળવ્યું એ એમણે અનેક રીતે પાછું વાળ્યું છે. ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ને ફક્ત હ્યુસ્ટન સુધી સીમિત ન રાખતાં વિશ્વભરમાં એની ખ્યાતિ પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યાં. ગુજરાતી સાહિત્ય સરિતામાં આમંત્રિત મહેમાન લેખકો, કવિમિત્રો વિશે માહિતી એકઠી કરીને દેવિકાબહેને ઈબુક બનાવી. આ ઈબુકમાં ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીની ‘હ્યુસ્ટન સાહિત્ય સરિતા’ની પ્રવૃત્તિનો ઈતિહાસ સચવાયો છે. હ્યુસ્ટનના લેખકો, કવિઓ માટે દેવિકાબહેન લખવાનું પ્રેરકબળ બન્યાં છે. દેવિકાબહેને છંદ બંધારણની ઓળખ વિશે યોગ્ય માર્ગદર્શન આપીને સભ્યોને વધુ લખવા પ્રોત્સાહિત કર્યાં છે.

આ સાથે ગુર્જરી, નવનીત સમર્પણ, કવિલોક, ફીલિંગ્સ, ગુજરાત દર્પણ, ફીલિંગ્સ, ઓપિનીયન, કુમાર જેવાં સામયિકોમાં દેવિકા ધ્રુવની રચનાઓ પ્રકાશિત થતી રહી છે.

ગીત, ગઝલને અનુરૂપ એવા ટહુકો, અક્ષરનાદ, લયસ્તરો, રીડ ગુજરાતી, વેબ ગુર્જરી, આસ્વાદ જેવા બ્લોગમાં એમની પદ્ય રચનાને આવકાર મળ્યો. પ્રિન્ટ મીડિયા સુધી એમની રચનાઓ સીમિત ન રહેતાં ડલાસ રેડિયો, આઝાદ, લંડન સંસ્કાર રેડિયોની સાથે લોકલ રેડિયો સ્ટેશનની જેમ યુટ્યુબ પર પણ એમની રચનાઓ ગુંજતી થઈ.

ગુર્જરવાણી, સ્પીકબિન્દાસ, સ્વરસેતુ, બુધસભા, કેલીફોર્નિયા, યુનિ.ઓફ ફ્લોરીડા, ગુજરાતી રાઈટર્સ ફોરમ ઓફ યુ. કે. વગેરેનાં પ્રસારણમાં પણ દેવિકા ધ્રુવ ઝળકતાં રહ્યાં છે. લંડન, આંતરરાષ્ટ્રીય જુઈ મેળા જેવા અનેક કાર્યક્રમોમાં વક્તા તરીકે ઉપસ્થિત રહીને સ્વ-પ્રતિભા પરિચય કરાવ્યો છે. ‘સદા સર્વદા કવિતા, અમદાવાદ’ વગેરે સ્થળે કાવ્યપઠન કર્યું છે. દેવિકાબહેનની ૨૫ જેટલી રચનાઓને જુદા જુદા સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવી છે.

દેવિકા બહેન પોતાનો પરિચય આપતાં કહે છે કે,

“નામ મારું દેવિકા હું છું શબ્દ-સેવિકા.”

૧૯૪૮થી માંડીને વર્તમાન ૨૦૨૩ સુધીમાં કેટલાય આવાસ બદલ્યાં હશે પણ હંમેશ માટે એમનાં સર્જનનું સરનામું તો એક જ રહ્યું ‘પોએટ કોર્નર’.

આવાસ બદલાયા એની સાથે વાતાવરણ બદલાયું હશે પણ અંતરથી એમનો નાતો પ્રકૃતિ અને પરમ સાથે રહ્યો. આવાસ બદલાયા એની સાથે સંસ્કૃતિ, સાથીઓ કે પાડોશી બદલાયા હશે, પણ દિલનો અતૂટ નાતો તો કવિઓ સાથે જ રહ્યો.

સમય અને સ્થળાંતર સાથેની દોડમાં ક્યારેક સારાનરસા અનુભવ થયા હશે, સાચાખોટા માણસો સાથે મુલાકાત થઈ હશે, ખટમધુરી યાદોની સાથે મન ચચરી જાય એવી યાદો પણ આ સફર દરમ્યાન ઉમેરાતી ગઈ હશે અને એમાંથી જ સ્ફૂરી હશે આ પંક્તિઓ…..

‘કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો…

ભર્યા ઠાલા અને પોલા છે અર્થો શબ્દ-કોષોમાં
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો’

દેવિકાબહેને મનની ઊર્મિઓ, હૃદયના ભાવો, પ્રસંગો, તહેવારો પર અનેક રચનાઓ આપી છે. એમની રચનાઓમાં નાવિન્ય છે. સૌ જ્યારે કૃષ્ણજન્મ ઉજવતાં હોય ત્યારે એમનાં દિલને દેવકીનો વલોપાત વ્યથિત કરતો હોય. સાત સાત બાળકોની કંસના હાથે હત્યા થઈ હોય એ માતાનાં હૃદયમાં આઠમા બાળકના જન્મ સમયે જે ભય,આતંકનો ઓળો ઝળુંબતો હોય ત્યારે જે ભાવ ઉદ્ભવે એ ભાવની કલ્પના માત્રથી જન્માષ્ટમી નિમિત્તે લખાય એક સાવ અનોખી રચના.

“શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…

સાત સાત નવજાત હોમીને સેવ્યો,

નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો,

જન્મીને જ જવાને આવ્યો જ શાને?“

દેવિકા ધ્રુવ જિંદગીને વિસ્મયોનો કિલ્લો અને અનુભવોનો બિલ્લો કહે છે. જિંદગી એક વર્તુળાકાર ગતિ છે જેમાં હારજીત તો છે જ નહીં. આ ક્ષણે યાદ આવે છે કવિ આનંદ બક્ષીએ લખેલું એક ગીત,

“ये न सोचो इस मे अपनी हार है के जीत है

इसे अपना लो जो जीवन की रीत है”.

કેટલું સામ્ય છે બંને ભાવ અભિવ્યક્તિમાં?

દેવિકાબહેનનાં બીજા એક પાસા વિશે વાત કરવી છે. એ સ્વલિખિત રચનાઓ સુધી સીમિત રહેવાનાં બદલે એ અન્યની રચનાઓમાં પ્રગટ થતા ભાવ, સૌંદર્યને જાણે છે, માણે છે અને વાચકો, ભાવકોને એ ગીત, ગઝલનો સુંદર કાવ્યમય આસ્વાદ કરાવે છે.

શબ્દારંભે અક્ષર એક ‘શબ્દોના પાલવડે’ પુસ્તક પ્રગટ કર્યું જેને એ માનસિક વ્યાયામ કહે છે પણ ‘શબ્દોના પાલવડે’ વાંચીએ તો સમજાય કે, સાચે જ એમનાં માટે એ કેટલો કપરો વ્યાયામ રહ્યો હશે. બારાખડીના દરેક અક્ષર પરથી એમણે કાવ્યો રચ્યાં છે. એ કાવ્યોની કડીઓમાં પણ શબ્દની શરૂઆત એક જ અક્ષરથી કરી છે. જેમકે,

આવો આવો આંગણે આજે, આવકારીએ આદિત્યનાં આગમનને આજે.

અમાસનાં અંધકારને ઓગાળતા, આરોગ્યને આશાઓને અજવાસતા…”

આ તો માત્ર એક જ રચના છે પણ કલ્પના કરીએ કે ખ,છ,ઝ, ટ, ઠ, ઢ, ળ, ણ, ક્ષ કે જ્ઞ પરથી રચના કરવી હોય તો એના માટે પ્રાસ બેસાડવાની કેવી અને કેટલી મથામણ કરી હશે!

પ્રસ્તુત છે એવા અક્ષર -ઢ અને ઉ- પરની રચના,

‘ઢ’પરની

‘ઢોલિયો ઢાળી ઢોલીએ,

ઢોલક ઢમ ઢમ ઢબુકાવ્યાં.’

ઉ’ પરથી

‘ઉગમણેથી ઉષા ઉતરે,

ઊંચે ઊંચે ઉદધિ ઉછળે,

ઉમંગના ઉમળકા ઉમટે,

ઊર્ધ્વસ્થિત ઉમાપતિના’

શબ્દારંભે અક્ષર એક’ સાવ અનોખું કહી શકાય એવું પ્રકાશન છે. એ ઉપરાંત અન્ય પ્રકાશિત પુસ્તકો છે, જેમાં કવયિત્રી, ગઝલકાર, લેખિકા દેવિકા ધ્રુવની રચનાઓ જ નહીં ખુદ દેવિકા ધ્રુવ આવીને મળે છે.

વાત કરીએ દેવિકા ધ્રુવનાં સાહિત્ય સર્જન વિષે …

૧- શબ્દોના પાલવડે- ૨૦૦૯

૨- અક્ષરને અજવાળે- (ગીત અને છંદોબદ્ધ ગઝલનો સમાવેશ.) ઈબુક-૨૦૧૩

૩- ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક- ઈબુક -૨૦૧૫

૪- Glimpses into a Legacy of Dhruva Family. eBook in English-2016

૫-Maa- Banker Family- eBook in English 2017

૬- કલમને કરતાલે (ગીત, ગઝલ અને અછાંદસ કવિતાઓનો ગૂર્જર પ્રકાશન દ્વારા પ્રકાશિત સંગ્રહ-૨૦૧૭

૭- ‘આથમણી કોરનો ઉજાસ’ પત્રશ્રેણીને- ડૉ. બળવંતભાઈ જાની દ્વારા ૨૦૧૬-૧૭માં ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક વિજેતા પુસ્તક તરીકે જાહેર કરવામાં આવ્યું. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ Glow From Western Shores (july 10, 2020) નામે પ્રસિદ્ધ થયો છે.

૮- Glow From Western Shores: July 10, 2020

૯- પત્રોત્સવ- ‘ગૂર્જર’ દ્વારા પ્રકાશિત પત્રશ્રેણી (સંપાદકઃ દેવિકા ધ્રુવ, પ્રીતિ સેનગુપ્તા, જુગલકિશોર વ્યાસ, રાજુલ કૌશિક)

૧૦- From There to Here.. સ્મરણની શેરીમાંથી ઈબુક ( અંગ્રેજી અને ગુજરાતીમાં)

૧૧- નિત્યનીશી- ઈબુક ( સંપાદકોઃ જુગલકિશોર વ્યાસ, પ્રીતિ શાહ-સેનગુપ્તા, દેવિકા ધ્રુવ, નયના પટેલ, રાજુલ કૌશિક)

આ ઉપરાંત વર્તમાનમાં વેબગુર્જરી’ની પદ્યસાહિત્ય સમિતિના સંપાદન કાર્ય અને હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’માં દેવિકાબહેન સન્માનિત સક્રિય સભ્ય તરીકે કાર્યરત છે.

દેવિકા ધ્રુવને વધુ જાણવા હોય, વધુ ઓળખવા હોય તો એમનાં અનેક ગીત, ગઝલ, કાવ્યોની સાથે ગદ્ય સર્જન જ્યાં મુકાયું છે એ ભાવવિશ્વ https://devikadhruva.wordpress.com ની મુલાકાત લેવી ઘટે.

આલેખનઃ રાજુલ કૌશિક —

‘સાહિત્યિક સંરસન’નો ત્રીજો અંક

https://www.ekatrafoundation.org/p/literary-consortium-3

સાહિત્યકાર શ્રી સુમનભાઈ શાહ સંપાદિત ‘સાહિત્યિક સંરસન’નો ત્રીજો અંક પ્રકાશિત થઈ ચૂક્યો છે અને ‘એકત્ર ફાઉન્ડેશન’ની વેબસાઈટ પર મૂકાઈ ગયો છે. આ અંકમાં મારી ત્રણ રચના લેવાયાના આનંદ સાથે અત્રે એ લીંક આપી છે. આ અંકની દરેક વાર્તા, કવિતા પરની તંત્રીનોંધ વાંચવા જેવી જ છે.

મારી ત્રણ કવિતાઃ

૧) દોસ્ત.

૨) વંટોળ

૩) અતિ નાજુક.

તંત્રી શ્રી સુમન શાહ.

શબ્દારંભે અક્ષર એકઃ ‘સ’નું સંગીત

૨૦૦૮ની એક જૂની વાત …નવી રીતે…

દૄશ્ય અને શ્રાવ્યરૂપે..

શબ્દારંભે અક્ષર એક..

ક,ખ,ગ,ઘ,  ચ,છ,જ,ઝ,

ટ,ઠ,ડ,ઢ,ણ,  ત,થ,દ,ધ,ન

પ,ફ,બ,ભ,મ, ય,ર,લ,વ,શ… અને

 આજનો અક્ષર છેઃ ‘સ’.. ‘સ’નું સંગીત

શબ્દાંકન અને પ્રસ્તુતિઃ દેવિકા ધ્રુવ

વિડીયો નિર્માણઃ સંગીતા ધારિયા

ફોટો ડિઝાઈન અને વિડીયો સંકલનઃ રાજુલ અને કૌશિક શાહ

 મિત્રો, આ અક્ષરોની આરાધના છે, શબ્દોની સાધના છે, પૂજા છે.
એક નવો પ્રયાસ છે અને રીતે એનો રિયાઝ પણ છે.
આપ સૌ એમાં જરૂર જોડાયેલા રહેશો.  આશા છે આપને ગમશે.

સોનેરી સાંજે, સૂરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે,

સાંવરીસલોનીસુહાની સંગીતા,

સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે..

સંસાર સાગરેસૌમ્ય સ્વરૂપે,

સમંદરમાં સમાતી સરિતાને સ્મરતી,

સર્વે સહોદરના સ્નેહાળ સથવારે,

સેંથીમા સિંદૂર સજીને સ્હેલતી.

સોનેરી સાંજે, સૂરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે.

સાહિત્યકાર શ્રી વલીભાઈ મુસાની વિદાય.. શબ્દાંજલિ..

છેલ્લાં થોડાં વર્ષોમાં સાહિત્ય જગતે ઘણાં સર્જક ભાઈબહેનો/મિત્રો ગુમાવ્યાં. તેમાં વધુ એક તેજસ્વી સિતારો ખર્યો. મુ. વલીભાઈ મુસાની વિદાય એક આંચકો આપી ગઈ. તરત જ એકસામટાં સ્મરણો મનમાં ધસી આવ્યાં.

તેમનો પ્રથમ પરિચય ૨૦૧૧માં તેમની હ્યુસ્ટનની મુલાકાત દરમ્યાન ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં થયો. એકદમ સરળ સ્વભાવની ઉમદા વ્યક્તિ અને સર્જક તરીકેની છાપ મનમાં  ત્યારે જ અંકાઈ ગઈ હતી.

ત્યારપછી તેમના બ્લોગની અવારનવાર મુલાકાત લેવાનું બનતું ગયું. અચાનક એક દિવસ ત્યાં મારી એક ગઝલનો રસાસ્વાદ જોઈ આશ્ચર્ય,આનંદ તો થયાં જ અને સાથે શ્રી સુરેશ જાનીએ આપેલ ‘માનસપૂજા’ નો દરજ્જજો જોઈ ધન્યતા પણ અનુભવી. તે પછી શ્રી વલીભાઈ સાથે અવારનવાર ફોન પર વાતો થતી રહેતી. ત્યારબાદ એક દિવસ શ્રી જુગલભાઈના એક સૂચન મુજબ’ વેબગુર્જરી’માં શ્રી વલીભાઈ સાથે પદ્યવિભાગમાં જોડાયા પછી નિયમિત રીતે તેમનો સંપર્ક ચાલુ રહ્યો. તે દરમ્યાન તેમની શિસ્તબદ્ધ રીતે, સ્નેહપૂર્વક કામ કરવાની રીત વર્તાતી ચાલી. એક પ્રેમાળ સહકાર્યકર સાથે કામ કરવાનું કોને ન ગમે? સાહિત્યનાં ઘણાં બધાં સ્વરૂપોમાં તેમનું પ્રદાન મળતું રહ્યું. પછી તબિયતની નાદુરસ્તીને કારણે‘વેબગુર્જરી’ની સંપાદન સમિતિમાંથી તેમણે નિવૃત્તિ લીધી પણ લેખનકામને તો સતત ચાલુ જ રાખ્યું. ઘણું લખ્યું અને સતત લખ્યું. આજ સુધી ‘વેબગુર્જરીમાં ચાલુ રહેલાં ‘વ્યંગ્યકવન’નો પાયો વલીભાઈએ રોપ્યો હતો.

 તેમની સાથેનાં  એવાં એક પછી એક ઘણાં સુખદ સ્મરણો છે. તેમાંનું એક, મારી ભારતની મુલાકાત દરમ્યાનનું. ૨૦૧૭ની સાલ અને નવેમ્બર મહિનો. શ્રી વલીભાઈ, ત્યારે તેમના ગામ કાણોદર હતા. છતાં ખાસ મારા એક ડાયસ્પોરિક પુસ્તકના વિમોચનના સમાચાર મળતાં જ ખાસ અમદાવાદ આવ્યા હતા અને સવારનો ૧૦ વાગ્યાનો સમય હોવા છતાં હાજરી આપી હતી; એટલું જ નહિ,આખા પ્રસંગનો ચિતાર આપતો સુંદર અહેવાલ લખી ‘વેબગુર્જરી’માં પ્રકાશિત પણ કરાવ્યો હતો. તે સમયે તેમની હાજરી મારે મન ખૂબ મૂલ્યવાન બની ગઈ. અવારનવાર ફોન પર વાતો તો થતી રહેતી. તેમની તબિયત અંગે વાતો પણ થતી. એટલે જાણ તો હતી. છતાં કાયમી વિદાયના સમાચાર ખૂબ કપરા લાગતા હોય છે.

 વલીભાઈ મુસા એક અચ્છા ઇન્સાન હતા,એક સારા સાહિત્યકાર હતા અને ઉમદા મિત્ર પણ હતા. ભાઈ શ્રી નવીન બેંકરના તો નિકટના મિત્ર એટલે દિલ ખોલીને બંને એકબીજાની વાતો કરતા. હવે બંને મળી ત્યાં ઉપર સાથે પ્રેમથી ભેટીને મળશે અને સાહિત્યગોષ્ઠી કરશે એ વિચારે આંખો ભીની થાય છે.  ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના, ખુદા તેમની રૂહને જન્નત બક્ષે એ જ દુઆ સાથે …

શબ્દાંજલિ.

વંદન કરી, ચરણે તમારા, ભાવથી નમીએ અમે.
શબ્દો તણાં ફૂલો ધરી, સાથે મળી ઝુકીએ અમે.

સુગંધ જે  ફેલાવી છે, અક્ષર થકી ચારે દિશે,
તમ આતમાની શાંતિ અર્થે અંજલિ દઈએ અમે.

ૐ શાંતિ..

અસ્તુ.

દેવિકા ધ્રુવ
હ્યુસ્ટન
જુન ૨૮, ૨૦૨૩

સ્વતંત્રતાઃ વ્યક્તિત્વના વિકાસની નિર્ભયતાભરી મોકળાશ.

વિવિધ લેખિકાઓની કલમે સ્ત્રી-સ્વાતંત્ર્યનાં મૂલ્યોને આલેખતું પુસ્તક- ‘હોવાપણું ખરું – હાવીપણું નહીં’- લેખિકા ગોપાલી બુચ દ્વારા સંપાદિત પુસ્તકમાં પ્રકાશિત લેખ. સ્ત્રી સ્વાતંત્ર્ય અંગે મારા વિચારો.

શું છે સાચું સ્ત્રી સ્વાતંત્ર્ય?

સ્વતંત્રતાઃ વ્યક્તિત્વના વિકાસની નિર્ભયતાભરી મોકળાશ.

સદીઓથી કેટલાક પ્રશ્નો સતત અને અવિરત ચાલ્યા જ કરે છે, ઊઠ્યા જ કરે છે અને નવાઈની વાત તો એ છે કે જમાને જમાને એના ઉત્તરો બદલાયા કરે છે. સ્ત્રી સ્વાતંત્ર્યનો આ પ્રશ્ન એમાંનો એક છે જે ચર્ચાતો જ રહે છે. આમ જોઈએ તો આ પ્રકારની ચર્ચા-વિચારણા એક પરિવર્તનની પ્રક્રિયા છે અથવા તો વિકાસનાં પગથિયાં છે. દુનિયાના દરેક દેશમાં તેના સમય અને સંસ્કૃતિ મુજબ આ પ્રશ્ન અને આ પ્રકારના બીજા પ્રશ્નો, તેના કારણો અને હેતુ પણ અલગ અલગ રહ્યાં છે. મૂળથી જ વાત માંડીએ.

વૈદિક કાળ, સ્મૃતિકાળ અને પૌરાણિક કાળમાં એમ કહેવાતું કે, यत्र नार्येस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः એટલે કે, ‘જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો વાસ હોય છેઅને સ્ત્રીને ખૂબ સન્માન પણ આપવામાં આવતું. કહેવાય છે કે, તે સમયે કેટલીક મેધાવી સ્ત્રીઓ જેવી કે, આત્રેયી, અદિતિ, ઘોષા, સાવિત્રી વગેરેએ શિક્ષણ મેળવીને ઋગ્વેદ અને અથર્વવેદમાં વેદમંત્રોની રચના પણ કરી હતી. પછી ક્રમે ક્રમે સ્ત્રીઓની પરિસ્થિતિ કથળતી ગઈ. સ્ત્રીઓના અધિકારો, શિક્ષણ, શોષણ વગેરે ચળવળો ઊભી થવા માંડી. સ્ત્રીઓને વિવિધ અધિકારોથી વંચિત રાખવામાં આવી. એનું સ્થાન નીચું થતું ગયું. સમાનતા અને હક છીનવાતાં ગયાં. એ રીતે મધ્યકાલીન યુગ સ્ત્રીઓ માટે અંધકાર યુગ બન્યો. પાશ્ચાત્ય દેશોમાં પણ સ્ત્રીઓને મત આપવાનો અધિકાર ઘણો મોડો મળ્યો. વિશ્વના અન્ય દેશોમાં પણ પરિસ્થિતિ લગભગ આવી જ હતી.

તે પછી તો દેશ અને વિદેશમાં ઘણા મહાનુભાવોએ સ્ત્રીસશક્તિકરણ અને સ્ત્રી સ્વાતંત્ર્ય અંગે ખૂબ સરસ અને મોટાં કામો કર્યાં. ખાસ કરીને ભારતમાં સ્વતંત્રતાની ચળવળ દરમ્યાન અને તે પછી પરિવારમાં અને સમાજમાં પણ શિક્ષણથી માંડીને અનેક જુદાંજુદાં ક્ષેત્રોમાં સ્ત્રીઓનું સ્થાન વધુ ઊંચું આવવા માંડ્યું. પણ સ્ત્રીઓની સ્થિતિ અંગે વધુ વિગતોમાં ગયા વગર સ્ત્રીઓનાં સ્વાતંત્ર્ય અંગે ચોક્કસપણે કહી શકાય કે, સ્ત્રીઓ માનસિક, વૈચારિક અને વ્યવસાયિક  રીતે ખૂબ જ જાગૃત બનતી ગઈ, સ્વતંત્ર બનતી ગઈ.

આજની સ્ત્રીઓ પોતાની ઇચ્છા મુજબ સ્વતંત્ર રીતે નિર્ણયો લે છે, કારકિર્દી ઘડે છે, વ્યવસાય કરે છે, નોકરી કરી શકે છે, નોકરી અને કુટુંબ બંને ચલાવી શકે છે. વિજ્ઞાન, કલા, ખેતી, રાજકારણ, રંગમંચ, ઉડ્ડયન, પોલીસ, વકીલાત વગેરે જેવાં દરેક ક્ષેત્રે આગળ વધી છે. પહેલાંના સમયની જેમ એને માત્ર ઘરકામ કરીને બેસી રહેવાનું નથી રહ્યું. તેમાં પણ વધતી જતી ટેક્નૉલૉજીને કારણે સ્ત્રીઓ હવે સમયનું સુંદર રીતે મેનેજમેન્ટ કરી શકે છે. ઘણાંઘણાં કામો એક સાથે આયોજી શકે છે અને પાર પણ પાડી શકે છે. આજની સ્ત્રી, પુરુષ જેવી કે તેથી વધુ સશક્ત બની છે, સ્વતંત્ર બની છે; છતાં આ સ્ત્રી સ્વાતંત્ર્યનો પ્રશ્ન શમતો નથી. એનું કારણ એટલું જ છે કે, સ્વાતંત્ર્યનો  અભિગમ બદલાયો છે. તો હવે મુદ્દો આવે છે એ, કે શું છે સાચું સ્ત્રી સ્વાતંત્ર્ય?

સ્વતંત્રતા એટલે આઝાદી, મુક્તિ, છૂટ, સમાન મોકળાશ. એક કામ, કોઈપણ  એક વ્યક્તિ કરી શકે, તે દરેક વ્યક્તિ માત્ર કરી શકે તેવી વ્યવસ્થા, ક્ષમતા અને નિર્ભયતાભરી મોકળાશ; પછી તે પુરુષની હોય કે સ્ત્રીની. સ્વતંત્રતા એટલે વ્યક્તિત્ત્વના વિકાસ કરવાની મોકળાશ. માનસિક પરિપક્વતાની ખુશી.

હવે આમાં અગત્યની અને ખૂબ સમજવાની વાત છે કે, સ્વતંત્રતા એટલે છૂટ ખરી પણ નિરંકુશતા નહિ, કાબૂ બહારનું વલણ નહિ. લગામ વગરની રહેણીકરણી નહિ. ઘરકામમાંથી મુક્તિ એટલે સ્વતંત્રતા એવું નથી. પુરુષ પર રોફ જમાવવો આઝાદીનો અર્થ કે મૂલ્ય નથી. સમાજનું ધ્યાન ખેંચવા માટે બિન્દાસ થઈ, મનફાવે તે રીતે રહેવું કે વર્તવું સ્વતંત્રતા નથી. હા, મનને ગમે તે એટલે કે પસંદ પડે તે કરવું પણ ગમે તે રીતે, મન ફાવે તે રીતે બેદરકારીથી જીવવું એમાં સ્વતંત્રતાની મઝા મળે. સંદર્ભે એક માર્મિક અને મઝાનો શેર યાદ આવ્યોઃ

ખૂબ ઊંચે ઊડતાં હો તો, જરા સાંભળો;
પંખીઓ તો એમ કહે છે, આભલે માળો નથી!

સ્વતંત્રતા એટલે વિવેકબુદ્ધિથી નૈસર્ગિક રીતે સુંદર, સરળ અને વ્યવસ્થિત જીવન જીવી શકવાની સ્વૈચ્છિક અને જવાબદારીપૂર્વકની ગરિમાભરી નીતિરીતિ. આમ જોઈએ તો વાત સાવ સાદી સીધી છે. કુનેહથી પ્રયોજવામાં આવે તો સરળ પણ છે. છતાં આજ સુધી પ્રશ્ન સળગતો રહ્યો છે. કારણ કે, આજે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ ભૂલાઈ ગયેલો જોવા મળે છે. અનુકરણ અને નાવીન્યની પાછળ દોડતા માનવી માત્રથી ભેદરેખા ભૂંસાતી જતી જણાય છે.

ઘણીવાર તો એમ લાગે છે કે, આપણે જાતે કરીને સવાલને સળગતો રાખ્યો છે. સ્ત્રી સ્વાતંત્ર્ય શબ્દ કેમ? વ્યક્તિસ્વાતંત્ર્યમાં બધાં આવી જાય? શું સ્ત્રીઓએ પોતાની સ્વતંત્રતાને પુરુષની સ્વતંત્રતાથી જુદી પાડવી છે? હાથે કરીને આપણે સ્વતંત્રતાને ગૂંચવી નાંખી છે કે શું? સ્ત્રી સ્વાતંત્ર્યની ઝુંબેશમાં અને કહેવાતા વિકાસની વાતોમાં આજની નવી પેઢી સાચી દિશાથી દૂર થવા માંડી છે. ખરી આંતરિક આભા છે તે ઝાંખી થઈ રહી છે.

જરા ઊંડો વિચાર કરીએ તો જણાશે કે, ઈશ્વરે સ્ત્રી અને પુરુષ એમ  બે જુદાંજુદાં રૂપ કેમ બનાવ્યાં હશે? અને સર્જનક્ષમતા સ્ત્રીને કેમ આપી હશે? પરોક્ષ રીતે ત્યાં સ્ત્રી એટલે વધુ શક્તિશાળી એમ સાબિત થઈ ચૂક્યું છે . વધુ સાબિતીઓની જરૂર નથી; એટલે કે, સ્ત્રીઓએ પુરુષ સમોવડા બનવાનો તો સવાલ નથી. ઇશ્વરે સ્ત્રીને વધારે સક્ષમ બનાવીને મોકલી છે.

એક વાત કદી ભૂલાય કે, સ્ત્રી જ તો સર્જનની જનની છે અને સર્જકની પણ ખરી સ્તો! કલાના કોઈપણ ક્ષેત્રમાં એકપણ એવો કલાકાર કોઈને શોધ્યો પણ નહિ જડે કે જેણે સ્ત્રી વિશે કંઈ લખ્યું ન હોય કે ગાયું ન હોય કે દોર્યું ન હોય!!

દરેક વ્યક્તિ જાણે છે કે સ્થળ કે સમયના સીમાડા સ્ત્રીને ક્યારેય નડ્યા નથી. કાલે હતી તે જ વાત આજે પણ છે. વતનમાં હોય કે વતનથી દૂર પણ સ્ત્રી માત્રમાં નૂર છે. અલબત્ત, જીવન અને જગત પરિવર્તનશીલ છે એટલે આજની સ્ત્રી પછી એ પૂર્વમાં હોય કે પશ્ચિમમાં, બાહ્ય રીતે જરા જુદી તો લાગે જ. છતાં પ્રગતિશીલ, આધુનિક સ્ત્રીની આંતરિક આભા તો એ જ સદીઓ જૂની ચમકીલી છે. સ્ત્રીની સંવેદના તો બધે જ હરકાળમાં એકસરખી જ છે. આ સંવેદના જ તો એની તાકાત છે, નબળાઈ નથી. ધાર છે, કહો કે અણી વખતની ઢાલ છે, સંવેદનામાં જેટલી વધારે સચ્ચાઈ તેટલી વધારે શક્તિ. એટલે કે, સવાલ શક્તિનો નથી, શક્તિ તો નિર્વિવાદ સ્ત્રીમાં જ વધારે છે, સવાલ સ્વતંત્રતાનો છે.

 આ સંદર્ભે બીજી એક વાત. વિદેશમાં રહેતી સ્ત્રી સમયને અભાવે ભલે પિઝા, પિટા કે નાનથી ટેવાઈ હોય, ભલે ‘જેવો દેશ તેવો વેશ’ એ ન્યાયે પહેરવેશમાં ફેરફાર કર્યો હોય પણ હજી આજે પણ દરેક સ્ત્રીને સ્નેહનું સિંદૂર ગમે છે, પ્રેમના કંગન ગમે છે અને આદરના અલંકાર ગમે છે. આની સાથેસાથે સમાજે એ વાત સ્પષ્ટપણે સમજવી જરૂરી છે કે, દરેક સ્ત્રીને પોતાની રીતે કામ કરવાની, ડર વગર હરીફરી શકવાની સબળ સમાજ વ્યવસ્થા ગમે છે. એટલે કે, કામ માટે બહાર ગયેલ દીકરીઓની અઘટિત ચિંતા માબાપને ન થાય તે સાચી સ્વતંત્રતા. સ્ત્રીઓએ પણ એ વાત સમજવી એટલી જ જરૂરી છે કે, સ્વતંત્રતા વિવેકપૂર્ણ પામવાની હોય છે અને એ જ રીતે વાપરવાની હોય છે.

આજકાલ સમાજમાં “સ્ત્રી સ્વતંત્રતા” માટેની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે એ વાત સમાજમાં જ ક્યાંક અટવાઈ ગઈ છે. પરિણામે કુટુંબ-વિચ્છેદના દાખલાઓ વધવા માંડ્યાં છે. એક સમય હતો જ્યારે સમાજે સર્જેલા નિયંત્રણોને કારણે, સ્ત્રીઓ પોતાના પર થતાં જુદાંજુદાં પ્રકારના દમન સહન ન કરી શકવાથી કૂવા-હવાડા કરતી હતી, તો આજે એ વાત પણ એટલી જ સાચી છે કે, એમાંથી બહાર આવેલી સ્ત્રીઓ સ્વતંત્રતાને નામે અસહિષ્ણુ બનતી જાય છે, સ્વતંત્રતાનાં મૂલ્યો ભૂલતી જાય છે અને મુશ્કેલીઓનો, સંકટોનો, મતભેદોનો યોગ્ય રીતે યોગ્ય ઉકેલ લાવવાને બદલે ઘડીના છઠ્ઠા ભાગમાં સાથીથી છૂટી જવાનું પસંદ કરી લે છે. તો વળી આ બધું જોઈજોઈને એક વર્ગ એવો પણ ઊભો થયો છે કે, જે પાકટ ઉંમરે પરણવાનું વિચારે છે અથવા તો જિંદગીભર એકલા રહેવાનો નિર્ણય કરે છે. આમ, સ્વતંત્રતાનાં સાચાં મૂલ્યો વેરવિખેર થવાને કારણે અલગ અલગ સ્થિતિ સર્જાવા માંડી છે.

આપણી સામે અનેક દાખલા જોવા/સાંભળવા મળે છે.  દા.ત. કેટલીક ન ભણેલ કે ઓછું ભણેલ સ્ત્રીઓ જે ‘સ્વતંત્રતા’ની જાણ કે ઝાઝી પરવા વગર સ્વતંત્રપણે પોતાના પરિવારને સુપેરે ચલાવતી હોય છે. તો બીજી તરફ, પોતાને સ્વતંત્ર માનીને બહાર નોકરી કરવા જતી ઘણી સ્ત્રીઓ એવી પણ જોવા મળે છે કે, જેમની કુટુંબ-વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ હોય. પરસ્પર આક્ષેપો, વાદવિવાદ,ચડસાચડસી વગેરેને કારણે તેમનો સુસજ્જ માળો વિખેરાઈ ગયો હોય. એટલે સ્વતંત્રતાનાં સાચાં અર્થો અને મૂલ્યો એને યોગ્ય રીતે, સમજણપૂર્વક વાપરવામાં સમાયેલાં છે.

કહ્યું છે ને કે life is a learning process. જીવનમાં  અને જગતમાં શિખરની ટોચ છે, અને તળેટી પણ છે. અહીં વસંત છે અને પાનખર પણ. અહીં માનવ –સંબંધોના સૂરીલા સૂર છે તો વાસણોના ખખડાટ પણ છે. હાથમાં લીધેલાં સુંદર ગુલાબના ફૂલમાં કુમાશ પણ છે અને કાંટા પણ સાથે જ છે. જો વ્યક્તિ પોતે જરાક સજાગ હોય અને તૈયાર હોય તો જિંદગી ખુદ આ સારાસારની સમજણ આપે છે. સાચું જીવન જીવાડે છે. બધા વિરોધાભાસની વચ્ચે જીવંત રહેતા શીખવે છે. આ માત્ર શબ્દોની રમત  નથી, અંતરની જણસ  છે, અંદરની સમજણ છે. શબ્દોની માયાજાળથી દૂર રહીને અર્થોને અંદર સુધી ઉતારીને, શક્ય તેટલી સારી રીતે શ્વાસ ફૂંકીને જીવંત રાખીએ. સ્ત્રીઓને સ્વતંત્રતાને નામે સફળતા તો મળે પણ ખરી વાત તો એ છે કે સાર્થકતા મળવી જોઈએ.

ટેક્નોલૉજીએ દુનિયાને નાની કરી નાંખી છે, એને કારણે વિશ્વ એકબીજાને નજીકથી જોઈ શકે છે. એનો સાચો ઉપયોગ કરીને ભૂંસાતા જતાં મૂલ્યોને ફરી એકવાર યોગ્ય રીતે સમજીએ. જુદીજુદી સંસ્કૃતિઓના ત્રિભેટે ઊભેલા યુવાવર્ગને માટે ખરેખર તો આ કસોટીનો પણ કાળ છે અને મુક્તિનો પણ રાહ છે. તેમની સામે ‘સત્ય’ને મહત્વ આપતા રામની કથાઓ છે તો ‘નરો વા કુંજરો વા’ કહેતા કૃષ્ણની ગાથાઓ પણ છે તેથી દીવાદાંડી જેવું એક  સ્પષ્ટ અને સમજૂતીભર્યું આશાનું કિરણ નવી પેઢીને માટે અનિવાર્ય બની રહે છે. કહેવાય છે કે કોઈપણ સિદ્ધિ મેળવવી સહેલી છે પણ એને જાળવવી અઘરી છે, પણ ખૂબ જરૂરી છે. કારણ કે તો જ મળેલ સિદ્ધિની સાર્થકતા છે; અને એ કામ સમગ્ર માનવ-સમાજનું છે. સ્ત્રી નિર્ભયપણે હરીફરી શકે એવા સુદ્રઢ સમાજનું નિર્માણ થાય તે સાચું સ્ત્રી સ્વાતંત્ર્ય.

સમાપનને અંતે  ફરીથી લખીશ કે,  કૌટુંબિક જીવનની જવાબદારીઓમાંથી છટકવું એ સ્ત્રી સ્વાતંત્ર્ય નથી. સ્ત્રીની ઉન્નતિ તેણે સ્વયંમાં રહીને હાંસલ કરવાની છે, અને આ પુરુષની સાથે હરિફાઈ કરવાથી પ્રાપ્ત થતી નથી. સ્વતંત્રતાને નામે બેકાબૂ ન બનીએ. બસ, સ્વયં  ખુલી શકાય, ખીલી શકાય અને મહેકી શકાય સાચી સ્વતંત્રતા.. સ્વતંત્રતાને સહારે આપણે નમ્ર રહીએ, આપણે જાતે સમજવાની સ્વતંત્ર શક્તિ વિકસાવીએ અને એક એવા સમાજનું વિવેકપૂર્ણ અને નમ્રતાપૂર્વક છતાં મક્કમતાથી નિર્માણ કરીએ જ્યાં લાગણીઓ, વાસ્તવિક્તા અને વ્યવહારનો એવો સુમેળ સધાય કે જેમાં સ્વતંત્રતા ખુદ ભળી જાય અને સદીઓથી ચાલી આવતો સ્વતંત્રતાનો પ્રશ્ન પણ ઓગળી જાય. ખુદ પરિસ્થિતિઓને પડકારીએ, પડીએ તો, કોઈના પણ આધાર વગર જાતે ઊઠી શકીએ, ટકી શકીએ, ગરિમા અને ગૌરવ જાળવી શકીએ તેનું નામ સ્ત્રીની ખરી સ્વતંત્રતા, સાચો વિકાસ, ઉત્કર્ષ અને તેના સાચાં મૂલ્યો.

યુ.કે.ના એક પત્રકારે ખૂબ સાચું કહ્યું છે કે, “Life is not a competition between men and woman. It is a collaboration.” આ સંદર્ભે, તાજેતરમાં ડો. નિમિત્ત ઓઝાના વાંચેલા એક લેખનું અવતરણ પણ ટાંકવાનું  મન થાય છે.આંખનો પડદો નબળો પડે, પછી દ્રષ્ટિ સુધરે. ‘ઈન્ડીપેન્ડન્ટહોવાનું ઈલ્યુઝન લઈને ઘરની બહાર નીકળ્યાં હોઈએ અને અચાનક અંધારું છવાઈ જાય, પછી પેલું પરિચિત અજવાળું સૌથી વધારેમિસથાય.”

અસ્તુ.           

દેવિકા રાહુલ ધ્રુવ
Houston, USA

https://devikadhruva.wordpress.com

Email: Ddhruva1948@yahoo.com

સાહિત્યિક સંરસન “Literary Consortium” ફેબ્રુઆરી ૨૦૨૩.

આદરણીય સાહિત્યકાર શ્રી સુમનભાઈ શાહ સંચાલિત અને એકત્ર ફાઉન્ડેશન પ્રકાશિત સાહિત્યિક સંરસન “Literary consortium”ના પ્રથમ અંકમાં પ્રકાશિત મારી બે રચનાઓ અહીં તંત્રી નોંધ સાથે.
આનંદ અને આભાર સહ..

દેવિકા ધ્રુવ

૧. કલમની કરતાલે.. પાના નં. ૨૬
૨. શિશુવયની શેરી.. પાના નં ૨૭

તંત્રી શ્રી સુમનભાઈની નોંધઃ

ૐ નામે Home

જૂનું ઘણું ખાલી કરતાં…

ખૂબ ચકડોળે ચડેલા સમયની વચ્ચે કંઈ કેટલાય વિચારો અને અનુભવોની આવનજાવન ચાલી. આ સમયરેખાને સ્થળ સાથે જોડવાથી એક સંપૂર્ણ ચિત્ર તમામ દૄશ્યોની સાથે તૈયાર થઈ નજર સામે ઊભું થાય છે.

કેટલાં મકાનો બદલાયાં! કેટલી વખત સુસજ્જ માળાઓ સજાવ્યા અને સંકેલ્યા! જૂનું ઘણું ખાલી કર્યું. વિશ્વના મંચનો મહાન દિગદર્શક ક્યારે, શું કરાવે છે? કંઈ ખબર પડે છે!!!

ત્રીસીની શરૂઆતમાં વિદેશગમન અને ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં ૩+૨૧ વર્ષ પસાર થઈ ગયાં.

વળી પાછાં ૧૮ વર્ષ હ્યુસ્ટનના ‘સિએના પ્લાન્ટેશન’ વિસ્તારના ‘પોએટ કોર્નર’માં ગાળ્યાં. સાચા અર્થમાં ત્યાં જ વધુ સાહિત્યિક કામ (૧૧ પુસ્તકો) થયું. પોઍટ કોર્નર હતો ને?!!

અને… હવે આ લગભગ પોણી સદીની પાળે, વળી પાછાં Fulshear (હ્યુસ્ટનની દક્ષિણ દિશાનો વિસ્તાર)ના, એક નાનકડા તળાવને કાંઠે, તદ્દન નવાં મકાનમાં મુકામ.

પાછું વળી જોતાં થાય છે કે ઓહોહોહો કેટલું બધું ચાલ્યાં?!!!!….અત્યાર સુધી જુદે જુદે રસ્તે ફંટાતો, સરળ-કઠણ લાગતો રસ્તો હવે એક શાંતિભર્યા રહેઠાણ પર આવીને ઊભો.. વળી એક ઑર નવો અને જુદો અનુભવ. ૐ નામે HOMEમાં! એક નવી સવાર…

વિસ્મયોનો કિલ્લો અને અનુભવોનો બિલ્લો એટલે જ જિંદગી. માનવ માત્રને પ્રત્યેક નવે તબક્કે અજબનાં આશ્ચર્યો અને ગજબના પડકારો મળતા રહે છે. અંધાર-ઉજાસના આ ખેલને શું કહેવાય? હારજીત તો આમાં છે જ નહિ. બસ, એક વર્તુળાકાર ગતિ છે, ચક્ડોળ છે અને તે પણ સતત છે. સમય નામ તો માણસે આપ્યું. બાકી નિયતિનો આ ક્રમ તો કુદરતમાં પણ છે જ, છે.

આ બધાંની વચ્ચે આમ જોઈએ તો સંવેદનાએ પડકારો ઝીલ્યા છે. અતિશય નાજુક એવું આ ભીતરનું તંત્ર કેટકેટલી વાર અને કેવી કેવી રીતે ખળભળ્યું હશે! ક્યારેક સવાલો ઊઠે છે કે વિરાટના હિંડોળે ઝુલીને કે ઝીલીને, આ કોમલ સંવેદનાઓ ધારદાર બને છે કે પછી બુઠ્ઠી થઈ જાય છે?  એક સ્થાયી ભાવની જેમ નિર્લેપ અને સ્થિર થતી હશે? ઘણી મિશ્ર લાગણીઓ વચ્ચે અંદર કંઈક આવું સળવળે છે.

જે ગયા હતા, મધુરા હતા, જે મળ્યા તે સારા પડાવ છે…    
છે વિરક્તિ ને જરી હાશ પણ હૃદયે જુદો જ લગાવ છે..      

ન કશો હવે કંઈ રંજ છે, કે નથી કશોયે અજંપ કંઈ.
અહીં તો સવાઈ નિરાંત છે, સખે જો આ શાંત ઠરાવ છે.

અહીં નીકળ્યાં ભ્રમણે હતાં, ને હવે સફર તો સફળ થઈ.
જે લકીર હાથ મહીં હતી, તેનો તો જવાનો સ્વભાવ છે.

જે મળી સુગંધ ભરી કરે, તે કલમ થકી જ વહી રહી
પમરાટ હો, દિનરાત હો, ન હવે જરાય તણાવ છે.     

સરે શ્વાસના અણુએ અણુ, અને રોમરોમમાં નામ એ
પછી તો સદાનો વિરામ છે, કહો ક્યાં કશોય અભાવ છે!!