‘આપણું આંગણું’ ના આભાર સાથે….

ગઝલઃ ઈશ્વર અકળ નથી
જળ જેવું હોય આંસુ છતાં આંસુ જળ નથી.
છો શસ્ત્ર હોય આપનું તો પણ સફળ નથી.
કાદવ ભલે ને લાગતો હો સાવ કદરૂપો,
એનાં વગર અહીં કદી, આ જળકમળ નથી.
કાદવ સમા આ દુર્ગુણો, વિકાર છે ઘણાં,
ઊપર ઉઠ્યા નહીં તો જીવન, આ સફળ નથી.
કાણું છે એવું ભીતરે ભરતાં રહો સદા,
સમજાય છેક છેલ્લે કે ઈચ્છાને તળ નથી.
હું આંખ મીંચીને કરું છું સાધના સતત,
ત્યારે કળી શકાય કે, ઈશ્વર અકળ નથી.
દેખાય સારી સૃષ્ટિમાં જુદા જુદા રૂપે,
“એ” સાથ નથી એવી કદી, એક પળ નથી.
~ ડૉ. ભૂમા વશી
~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ
મૂળ અમદાવાદના પણ હાલ મુંબઈના વતની ડો.ભૂમા વશીની કવિતાપ્રીતિ નોંધનીય છે.

૨૨ માત્રાના વિષમ છંદમાં લખાયેલ ઉપરોક્ત ગઝલ શરૂઆતથી જ ઇશ્કે હકીકીનો રંગ પાથરે છે.
સરળ શબ્દોમાં, સહજ રીતે છતાં મક્કમતાથી, મત્લાના શેરમાં એ સ્પષ્ટપણે બેધડક કહે છે કે, ‘જળ જેવું હોય આંસુ છતાં આંસુ જળ નથી.’ જે દેખાય છે તે, એ જ સ્વરૂપે હોય છે તે માનવાની જરૂર નથી.

‘છો શસ્ત્ર હોય આપનું તો પણ સફળ નથી.’ કહી કવયિત્રી સહેતુક ‘નથી’ના રદીફ સાથે આગળ વધે છે. ‘નથી નથી’ તો પછી શું છે? એનો જવાબ, ને’તિ ને’તિના સૂફી સૂર સાથે વાચકના મનોવિશ્વ માટે છોડી દીધો છે.
બીજા અને ત્રીજા શેરમાં આ જ વાતનું સમર્થન કરતા કેટલાક દાખલાઓ રજૂ કરે છે; જાણે કે એક પછી એક સાબિતીઓ લાવીને ધરી દે છે. કહેવાય છે કે, Don’t Judge a Book by its Cover. પુસ્તકને એનું કવર જોઈને ન પ્રમાણો.

ચહેરો જોઈ વ્યક્તિત્વને ન માપો. કેટલું સાચું છે?! કેટકેટલા દાખલાઓ આંખ સામે તરવરી રહે છે. તેમાંના એકની વાત આગળ ધરે છે કે, કાદવ કોઈને ન ગમે પણ કમળ તો ત્યાં જ ખીલે છે ને?
કાદવ ભલે ને લાગતો હો સાવ કદરૂપો,
એનાં વગર અહીં કદી,આ જળકમળ નથી.

અહીં એકલા કમળને બદલે બખૂબીથી જળકમળ શબ્દ પ્રયોજાયો છે; જે આમ જુઓ તો નરસિંહના ‘જળકમળ’ કાવ્ય સુધીના ઊંડા તાત્વિક અર્થો ઉઘાડી આપે છે. કાદવ સમા વિકારો, દુર્ગુણોને ફગાવી ઉપર ઊઠવાની વાતનો જરા સરખો અંગૂલિ નિર્દેશ કરી દે છે અને ખૂબ ત્વરાથી, હજી જળકમળવત્-નો ભાવ ખુલે ન ખુલે ત્યાં તો કવયિત્રી આગળના શેરમાં સહજ રીતે માનવીઓની ઇચ્છાઓની હદ તરફ દોરી જાય છે.
અહીં કવિ શ્રી અનિલ ચાવડાના એક ગીતની પંક્તિ અચૂક સાંભરે. “ઇચ્છાઓની ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ” તો ગઝલકાર શ્રી ચીનુ મોદી પણ યાદ આવ્યા વગર રહે જ નહિ. એ પણ કહી ગયા કે,
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
ઇચ્છા, અભીપ્સા, લાલસાનો વિષય જ અગાધ છે, એને ક્યાં કોઈ મર્યાદા છે!
ચોથા શેરમાં અહીં કહ્યું છે કેઃ
કાણું છે એવું ભીતરે, ભરતાં રહો સદા,
સમજાય છેક છેલ્લે કે ઈચ્છાને તળ નથી.
સંસારી જીવોની આ સ્વાભાવિક આ વૃત્તિ છે; એ જાણવા છતાંયે કે ઇચ્છાને કોઈ તળિયું નથી. બસ, એ ક્યારેય ભરાતી જ નથી અને માણસ મથ્યે જાય છે.

કવિતા અને આસ્વાદ બંન્ને કાબીલે દાદ રહ્યાં છે.
LikeLike