કવિતાઃ હિતેન આનંદપરા
રસદર્શનઃ દેવિકા રાહુલ ધ્રુવ
કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે…
વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી
એકદમ અણધાર્યા ખૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે…
સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય
ડાળીને અંધારા ફૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે…
અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય
આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાંય તૂટે…
– હિતેન આનંદપરા
રસદર્શનઃ દેવિકા ધ્રુવ
મુંબઈસ્થિત કવિ શ્રી હિતેન આનંદપરાનું આ ગીત સૌથી પ્રથમ ૨૦૦૪માં પ્રગટ થયેલાં કાવ્યસંગ્રહ ‘ત્રણ’માં વાંચવામાં આવ્યું. તે પછી બે ત્રણ વાર નજર સામે આવ્યા કર્યું ને ખસવાનું નામ ન લે! માણસ અને સંબંધનું પણ કંઈક એવું જ છે ને? જે સાચું છે તે ખસતું જ નથી ને જે ખસે છે તે સાચું નથી!
આમ જોઈએ તો આ વિચાર આ કવિતાના સંદર્ભમાં થોડો વિરોધાભાસી લાગશે. પણ સાવ એવું નથી. પ્રથમ મુખ્ય પંક્તિમાં ‘કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે, પળમાંય તૂટે…’ કહીને તરત જ ખૂબીપૂર્વક સરેલા શબ્દો. ‘વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી એકદમ અણધાર્યા ખૂટે…” કવિના મનોવ્યાપારને છતા કરી દે છે.
આરંભથી જ એક વાત તો સ્પષ્ટ થાય છે કે અહીં માત્ર સ્થૂળ સંબંધોની વાત નથી. કંઈક વિશેષ છે. હા, માનવ–જીવન અને સંબંધોમાં તો એમ છે જ કે પળમાત્રમાં તૂટી જાય. એ તો સર્વ વિદિત સર્વકાલીન તથ્ય છે, સત્ય છે. ઘણા સર્જકોની કવિતાઓ અને ગઝલોમાં અવારનવાર એ ભાવ પ્રગટ થયા કરે છે. પરંતુ જરા ઊંડાણથી વિચારીશું તો અહીં એક સ્તર ઉપરની વાત છે. અણધાર્યા તૂટી જતાં અને દેહથી છૂટી જતા શ્વાસના સનાતન સત્યનો નિર્દેશ છે. શરીર અને શ્વાસનો સંબંધ આખી જીંદગી રહે છે, જ્યાં શ્વાસ તૂટે ત્યાં શરીરની ચેતના બંધ. વિશ્વાસ તૂટે ત્યાં સ્નેહનો સંબંધ ખતમ અને તે પણ શ્વાસની જેમ જ એક પળમાત્રમાં.
સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય.
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય.
અહીં સુંદર રૂપક પ્રયોજ્યું છે. વહાલની વાસંતી વેલને સીંચો, વિસ્તારો, વીંટાળો અને પછી… એક પાનખરની સવારે… ડાળીને અંધારા ફૂટે.. સંબંધ છે, પળમાંય તૂટે…આ બે પંક્તિની વચ્ચે કવિએ જે નથી કહ્યું તે તો છે આખા યે જીવતરમાં વધેલો, વિસ્તરેલો, વહેંચાયેલો અલગારી આતમ, એનું વસ્ત્ર, કાયાનું વસ્ત્ર જીર્ણ થાય છે અને ચેતના ક્ષીણ થતી જાય છે; અંતે એક જ ક્ષણમાં તો કાયા હતી ન હતી થઈ જાય છે.
સંબંધોનું પણ એવું જ છે ને? સમય, સંજોગ અને સમજણના અભાવને કારણે કેટલાંયે દુન્યવી સંબંધો ઝડપથી તૂટી જાય છે. એક જાણીતા ચિંતકે કહ્યું છે તેમ દરેક સંબંધની એક લાઇફલાઇન હોય છે. સંબંધનું સર્જાવું જેટલું સ્વાભાવિક હોય છે, સંબંધનું તૂટવું પણ એટલું જ સાહજિક હોય છે. કાચના તૂટવા કે પરપોટાના ફૂટવા જેવુ. કોઈ સંબંધ લાંબો હોય છે તો કોઈ સંબંધ ટૂંકો હોય છે. બહુ ઓછા સંબંધ કાયમી હોય છે. જાળવવા હોય તો પણ દરેક સંબંધ જળવાય જ એવું હંમેશા નથી પણ હોતું.
બીજા અંતરામાં સુંદર લયબદ્ધ્ રીતે કવિ કહે છે કે, આ તૂટવાનું, ફૂટવાનું કે છૂટવાનું કંઈ સહેલુ નથી. અવાજ વગરની ચીસ ન જાણે કેટલી વીંધાય છે, એ ગૂંગળામણ અને ભીંસ ઘરની દીવાલોમાં રુંધાય છે અને સંવેદનશીલ માણસ એમ મૂંઝાય છે. આ ભાવ ખૂબ સંયમિત છતાં અસરકારક શબ્દોમાં પ્રગટ થયો છે. અહીં એક સાચો અને સ્વસ્થ અવાજ સંભળાય છે.
“અળગા થવાનું કંઇ સહેલું નથી,
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી,
દીવાલો બંધાતી જાય
આ મૂંઝારો માણસને લૂંટે,
સંબંધ છે, પળમાંય તૂટે…
બે જ અંતરામાં રચાયેલું આ કાવ્ય દેખીતી રીતે સંબંધની વાતનો અર્થ વ્યક્ત કરે છે. પણ ખરા કાવ્યત્ત્વના લક્ષણો, અભિધા અને લક્ષણા ઉપરાંત વ્યંજના પણ ઉઘાડી આપે છે. “ધ્વનિ કાવ્યનો આત્મા છે” ‘કાવ્યસ્યાત્મા ધ્વનિ:’ કાવ્યમાંથી સ્ફુટ થતી વ્યંજના અનોખું કાવ્યતત્વ છે. આ કવિતામાં એ ભારોભાર છલકે છે. માત્ર એક જ વખત સીમિત શબ્દોમાં ‘શ્વાસ કદી’ કહીને કવિ એ અર્થને જાણે કે ભાવક પર છોડી દે છે! કવિકર્મની ખરી ખૂબી એ છે. કવિતાની ધ્રુવપંક્તિ ‘સંબંધ છે, પળમાંય તૂટે… અત્યંત સરળ અને સહજ શબ્દોમાંથી એક ત્રીજો અર્થ પણ સ્ફૂરે છે અને તે એ છે કે, નજીકનો સંબંધ તૂટે ત્યારે દર્દ થાય છે. પણ સંબંધની સાર્થકતા એમાં છે કે તૂટેલા સંબંધને તમે કેવી રીતે જુઓ છો. બરાબર એ જ રીતે શરીરમાંથી શ્વાસ છૂટે છે ત્યારે છૂટતી વખતે જનારને અને તે પછી પાછળ રહેનારને, બંનેને તીવ્ર વેદના થાય છે. પણ જેણે એકવાર એવી સમજણ કેળવી છે કે, આત્માનું જૂનું થયેલુ વસ્ત્ર ઉતરી જઈ, ક્યાંક નવા વાઘા ધારણ કરશે તેના મનને, ‘સંબંધ છે, પળમાંય તૂટે…એ બહુ લાંબા સમય સુધી પીડાદાયક નહિ રહે એવો ઈશારો પણ અહીં ગર્ભિત છે.
સંસારી સંબંધોથી માંડીને શરીર અને શ્વાસના સંબંધોની વાતને સરળતાથી રજૂ કરતી આ ટૂંકી, લયબધ્ધ કવિતા દરેક ભાવકને સ્પર્શે જ એમ લાગ્યા વગર રહેતું નથી. કવિ શ્રી સુરેશ દલાલે સાચું જ કહ્યું છે કે, હિતેન આનંદપરાની કવિતામાં મુગ્ધતા અને સજ્જતાનો સમન્વય વર્તાય છે.
અસ્તુ.
દેવિકા રાહુલ ધ્રુવ
https://aapnuaangnu.com/2021/11/15/sambandh-che-palmaye-tute-devika-rahul-dhruv/
વાહ! શું ગૂઢાર્થ નિચોવીને રસદર્શન કરાવ્યું! ખૂબ ગમ્યું! ભાષા પરનો કાબુ આને જ કહેવાય!
LikeLike