આજનો ‘ઝૂમ’તો ગરબો..

નવરાત્રી પૂરી થઈ. શરદ-પૂનમ પણ આવી ને ચાલી ગઈ. દરમ્યાનમાં નેટના પડદે ઘણું ઘણું જોયું. તે પછી આજની સવારે, મૂળે ગંભીર પ્રકૃતિની મને, કોણ જાણે કેમ, એક મજાકી, ટીખળી વિચાર સૂઝ્યો. મને પોતાને ય નવાઈ લાગી. પણ પેનને ચાલવા જ દીધી.
અટકાવી જ ન શકી ને! જુઓ તો, આવું મેં ક્યારેય લખ્યું છે?!!!

હળવો ગરબોઃ
(કેસરિયો રંગ મને લાગ્યો ‘લા, ગરબા..ના ઢાળમાં)

ઝૂમતણા ઝાંપેથી નીકળીને લો હવે,
ચાલ્યાં આ ફેસબુકના ફળિયે રે લોલ.

મંગળા, આરતી ને પૂજાના પાઠ સૌ,
વંચાવવાને (!) મળિયે રે લોલ..

ઊંડું ને ઊંચું કૈં વાંચવાને બદલે,
કોને ગમ્યું મારું, જરા કળિયે રે લોલ.

લાગણીઓ-બાગણીઓ કોરાણે મૂકી
કોઈનું સ્વ-નામે રળિયે રે લોલ.

આજના તાલે ને રાસે રે ઘૂમીએ
ખુદના નગારા લૈ નીકળીએ રે લોલ.

અંતરના આંગણે ઝુમતાં ના આવડે.
અંબર પર પહોંચવા ઉછળીએ રે લોલ.

ઓછું વધારે તો કહેવું શું જાતને!
સાનમાં સમજીને વળીએ રે લોલ.

માઠું કે મીઠું ના લગાવ મારા જીવડા,
લીટાડા ખેંચી હવે ઢળીએ રે લોલ..

દેવિકા રાહુલ ધ્રુવ

6 thoughts on “આજનો ‘ઝૂમ’તો ગરબો..

Leave a comment