સ્મરણની શેરીમાંથી…. ૧૭

                            (૧૭)

આમ થોડા વર્ષોમાં તો સૌ એક જ સ્ટેઈટમાં સ્થાયી થયા અને એક નવું પૂર્વવત જીવન શરૂ થયું.

મને યાદ છે, ૨૦૦૪ની સાલમાં જ્યારે ન્યુ જર્સીથી હ્યુસ્ટન સ્થળાંતર કર્યું ત્યારે મારા ભાઇબેનોએ કહેલું કે મને અહીં ખુબ ગમશે કારણ કે,અહીં ગુજરાતી સાહિત્ય સરિતા છે ! પછી ૨૦૦૪ની સાલમાં જ્યારે દર મહિને નિયમિત મળતી હ્યુસ્ટનની આ સાહિત્ય-સરિતામાં કદમ માંડ્યા ત્યારે એમાં ચાલતી પ્રવૃત્તિઓ જાણીને મન આનંદિત થઈ ગયું.  જન્મજાત વવાયેલા ભીતરના બીજને પ્રકાશ અને પાણી મળતા એક પ્રફુલ્લિત છોડ ઉછરતો ત્યારે સ્પર્શાયો ! ધીરે ધીરે,કલમને એક દિશા મળી,પછી વેગ મળ્યો, સાચું માર્ગદર્શન મળ્યુ અને એમ કરતા કરતા આંતરિક  જાગૃત શક્તિઓ સળવળી, વિકાસને પંથે વળી.

ત્યાં તો ૨૦૦૫માં માએ અચાનક વિદાય લીધી. ‘સમય મારો સાધજે વ્હાલા’ ગાતી માનો સમય ક્ષણમાત્રમાં વિલીન થઈ ગયો. ન્યૂયોર્કમાં જ એના નાના દીકરાના ઘરમાં સૌની સાથે સાંજના સમયે, જમી-જમાડી એ દીવો કરવા બેઈઝ્મેન્ટમાં નીચે ગઈ ને એનો પ્રાણ ઉપર ચાલી ગયો..કશી યે માંદગી કે ચાકરી વગર બસ, એમ જ. કંઈ ખબર ના પડી કે શું થયું અને કેવી રીતે થયું? ‘અંત સમય મારો આવશે જ્યારે….ના પડઘા હવામાં પ્રશ્નાર્થ બનીને રહી ગયા. એની જીંદગીનો સૂરજ અચાનક આથમી ગયો.આભમાં ન જાણે ક્યાં વિલીન થઈ ગયો. વર્ષોના વ્હાણાં વાઈ ગયાં પણ હજી આજે ય  જન્મદિવસે સૌથી પહેલી આ જન્મદાત્રી સાંભરે છે.

દૂરથી ઉડી આવતાં પંખીના ટોળાં,
ફફડાવી પાંખો કરતા યાદોના મેળા;
ચાંચોથી ખોતરતા મનનાં સૌ જાળાં,
જાળેથી ખરતા જૂના તાણાવાણા….
ઉપસી છબી માની ફેરવતી પાના,
લખતી રહેતી સદા ભગવાનના ગાણાં;
કહેતી’તી “વેરજો બેન,પંખીને દાણા,
ને જાઓ જો દેશ તો ગાયોને પૂળા..
અવગણજો પડે જો મનને કો’ છાલાં,
વિવાદ-વાદ ના કરશો કોઇ ઠાલા;
સંસાર તો  જાદુગરની છે માયા,
અહીંયા ના કોઇને કોઇની છે છાયા….”
નિસ્પૃહી માતાની સ્મૃતિનાં ટોળાં,
નીતારે પાંપણથી આંસુની ધારા;
અર્પુ શું અંજલિ લઇ અક્ષ્રરની માળા,
શબ્દો પડે જ્યાં ઉણા ને આલા….
ગીચ ઝાડીથી ઉડતાં  પંખીના ટોળાં,
ફફડાવી પાંખો રચે મમતાના મેળા….

ખૈર.. આગળ ચાલું..ચાલતી ગાડીએ Rear view mirrorમાં જોયા જ કરીએ તો આગળ કેમ વધાય?!!

ફરી એકવાર જીંદગીના એક નવા મોડને સ્વીકારી મનને સ્થિર કર્યું. કાગળની દોસ્તી અને કલમ સહેલી !!  એટલે કે કલમ સખી..અરે..ના..ના.. કીબોર્ડની દોસ્તી અને ક્લીક ક્લીક સહેલી…

અગાઉ જણાવ્યું તેમ શરૂઆતમાં અહીંની પ્રાથમિક સ્કૂલમાં volunteer work શરૂ કર્યું.  પુસ્તકોનું આકર્ષણ વધારે હોવાથી સ્કૂલની લાયબ્રેરીથી આરંભ કર્યો. આશય એવો હતો કે, પૌત્રીઓની આસપાસ સ્કુલમાં જ રહી શકાય.. ન્યૂયોર્ક/ન્યુ જર્સીથી તદ્દન જુદા જ વાતાવરણમાં હોવા છતાં મારી દિલચશ્પી વધી. નવા અમેરિકન મિત્રો થયા. ઘણું શીખવાનું મળ્યું. એક-બે પ્રસંગોની વાત કરું.

પૌત્રીની પહેલી એલિમેન્ટ્રી સ્કૂલના પ્રિન્સિપાલનું નામ હતું મિસ સીએરા. ખૂબ જ સૌમ્ય, શાંત અને વિવેકી. સદા યે હસતા. હું વોલેન્ટીયર વર્ક કરતી તેથી મારી પર ખૂબ જ પ્રભાવિત. દીકરાની બદલી લંડન થતાં પૌત્રીઓને પણ એ સ્કૂલ છોડીને જવું પડ્યું. છતાં પણ મેં મારું કામ ત્યાં ચાલુ જ રાખ્યું હતું. એક દિવસ તેમણે મને પોતાની કેબીનમાં બોલાવી અને અડધોએક કલાક મિત્રભાવે વાતો કરી, મારા હવે પછીના પ્લાન વિશે પણ જાણ્યું. મને ખૂબ સારું લાગ્યું પછી તો થોડાંક સમય પછી એક ‘વીકેન્ડ’માં મારા મોબાઈલ પર ફોન આવ્યો કે, સ્કૂલને તમારી જરૂર છે. તમે ફોર્મ ભરીને મને  હમણાં મોકલાવો અને સપ્ટે. મહિનાથી ફુલ ટાઈમ જોબ શરૂ કરી દેશો.  મારા આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. ખુશીના પ્રતીક તરીકે મેં ફૂલ-પાંખડી આપી તે પણ ‘YOU deserve it’ કહી પ્રેમથી પરત કરી. ત્યારપછી તો ખૂબ જ આદરપૂર્વક મેં, આર્થિક જરૂર ન હોવા છતાં પણ મિસ સીયેરા તે સ્કૂલમાં હતાં ત્યાં સુધી, ત્યાં જ જોબ કરી. તેમની સાથેનો સંબંધ પણ કાયમ  માટે યાદગાર અને અકબંધ જ રહ્યો.

એવો જ એક બીજો પ્રસંગ બીજી એક સ્કૂલના પ્રિન્સિપાલ મિસ ફીમસ્ટરનો થયો. ૨૦૧૩ની સાલ હતી. મારી વર્ષગાંઠનો દિવસ. સ્કૂલના ‘ડ્રાઈવે’માં મારી કાર પાર્ક કરી ફોન પર મારા દિકરા સાથે મારી નવી ગુજરાતી બૂક  ( કાવ્યસંગ્રહ) પબ્લીશ થયાની ખુશીની વાત કરી રહી હતી. મને ખ્યાલ ન હતો પણ પાર્કીંગ લોટમાં ચાલતા ચાલતા પ્રિન્સીપાલના કાન મારી વાત સાંભળવામાં સતેજ થયા. ફોન પૂરો થતાં થતાં તેમણે એ વિશે થોડી પૂછપરછ કરી. દરમ્યાનમાં અમે બંને સ્કૂલની અંદર પ્રવેશી ચૂક્યાં હતાં. થોડી જ વારમાં બેલ વાગ્યો અને સ્કૂલના ન્યૂઝ બુલેટીનના ટીવી પર તેમણે એનાઉન્સ કર્યું કે ‘ here is a news.. Please Join me to congratulate our staff, Mrs. Dhruva for her newly published  foreign language Book today…હું તો છક્ક થઈ ગઈ અને પછી તો આખો દિવસ મારી પર અભિનંદનનો વરસાદ  સતત વરસતો રહ્યો. વાત તો નાની સરખી હતી પણ જે રીતે એને વધાવવામાં આવી તેની મહત્તા ઘણી હતી.

અમેરિકન સ્કૂલની આવી તો ઘણી વાતો અને યાદો છે. નાનાં ભૂલકાઓની વિવિધતા, નવી રીતો અને શિક્ષણ સંસ્થાઓનું નવું વાતાવરણ વગેરે જાણવાનું હંમેશા મળતું રહે છે અને એ જ કારણસર મેં હજી પણ અઠવાડિયામાં બે દિવસ જવાનું ચાલુ જ રાખ્યું છે,ગમે છે. આજની જે વાત મારે કહેવી છે તે એ કે, જ્યાં જે કામ કરો તેને મન મૂકીને ચાહીને, પ્રેમથી કરો અને આંખ-કાન ખુલ્લાં રાખી કશુંક નવું શીખવાનું અને સારું સ્વીકારવાનું  ચાલુ રાખો. ચાહો તે ન મળે તો જે મળે તેને ચાહો. ખૂબ મઝા આવશે.

સ્મરણની આ શેરી આગળ વધીને વર્તમાનને રસ્તે વળે તે પહેલાં હજી થોડી ગલીઓ, ખાંચા, ખડકી,પોળ મળશે. કલમ, કાગળ અને સર્જનની વચ્ચેની પ્રકિયાની વાતોના ચોકમાં ફરી મુલાકાત..

શબ્દોની નાવ લઈ ચાલી સવારી સંવેદનાના સાગરમાં તરતી.
ભાવો-અભાવોના કાંઠાની વચ્ચે આમ અક્ષર-હલેસેથી સરતી.
મારા-તારા ને કદી આપણા તે રસ્તાઓ, છેદી-ભેદીને બસ,
મસ્તીથી આગળ ને આગળ, સમયની ધારે વિહરતી…

3 thoughts on “સ્મરણની શેરીમાંથી…. ૧૭

 1. પૂ. દેવીકાબેન ધ્રુવ ,
  શબ્દો પછી આવે છે પણ વિચાર પહેલાં મનમાં ધમરોળાતા જંપવા દેતા નથી હોતા … પછી
  નાગરત્વ તે વિચારો ને અલંકૃત કરતા શબ્દો કે જે વીણાટના ટોપલાનો મોરો હોય તેવા
  શબ્દો તે વિચારો નો પ્રભાવ એવો તૈયાર કરે કે જે નિજ મનને ધરવ કરાવે અને
  પરિજનોને તે અમૃત તૂલ્ય વંચાય…!
  દરેક ને જન્મ જાત સંસ્કાર તો નાભીમાંથી ઊતરેલા હોય અને પછી સ્વની ચેતના અને
  આસપાસ માંથી જે મળે તે અને તેની સામે પોતાની જાગૃતિ જે જતાડે તે અને પછી જો
  તેને યથા શબ્દો મળી જાય તો … ? તે શબ્દોને હીંડોળે શિત લ્હેરના હીલોળા માણવા
  મળે … !
  વિદેશમાં દેશ ઊભો કરવો અને પછી તે દેશી સંસકૃતિ ને પાળવી – પોષવી કે વ્હેંચવી
  તે સ્વાદના ઉમેરા કરવાની વાત બને છે.
  ગમે તો ~ તમારું વતન મને જણાવશો. વળી પૂછવાનું મન થાય છે તમે નાગર કે
  નાગર-બ્રાહ્મણ…? શબ્દો સાથે અનુભવાતી સંસ્કારીતા આ વાત પૂછાવે છે.
  કિશોર ઓઝા મુંબઇ થી.
  ૩૧.૫.’૧૯.શુક્રવાર

  Liked by 1 person

 2. આગળ વધવા ચાલતી ગાડીએ Rear view mirrorમાં જોયા ન જ કરાય એ વાત સાચી પણ સુંવાળી યાદોથી ભરપૂર સ્મરણની આ શેરીમાંથી નિકળતી તમામ ગલીઓ, ખાંચા,ખડકી, પોળમાં ફરી એકવાર અછડતી નજર નાખવાનું મન તો થાય છે જ કારણકે એની સાથે અનેક સ્નેહાળ યાદો ય જોડાયેલી છે ને?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s