(૧૫)
જીવનના અગત્યના ૨૩ વર્ષો બેંક ઓફ બરોડા, ન્યૂયોર્કમાં વીતાવ્યા. એ સ્મરણોએ પીછો ન છોડ્યો. સારા ખોટા કંઈ કેટલાય પ્રસંગો, મિત્રોનો નાતો, વાતો અને અવિસ્મરણીય ઘટનાઓ?!
‘૮૦ની સાલમાં માત્ર વીસ-બાવીસ જણનો સ્ટાફ. એમાં ચાર વિદેશી સ્ત્રીઓ હતી.. તેમાંની એક આફ્રિકન અમેરિકન સહકાર્યકર સ્ત્રી સાથેનો, શરૂઆતના વર્ષોમાં થયેલ એક સંવાદ યાદ આવે છે. કદાચ, આધુનિક સમયમાં બહુ વિચિત્ર નહિ લાગે, પણ ત્યારે પહેલી પહેલી વાર મને એની વાત આંચકાજનક લાગી હતી. એણે પોતાના બે વર્ષના બાળકનો ફોટો બતાવીને કહ્યુઃ “ જો, કેવો ક્યુટ લાગે છે?”
મેં એ જોતા જોતા, ફોટામાં તેની બાજુમાં ઉભેલા એક યુવાનના ફોટા ઉપર આંગળી મૂકીને પૂછ્યુંઃ
“આ તારો હસબન્ડ છે?”
“ના, એ મારો બોયફ્રેન્ડ છે!”
“ ઓહ… તો તેં લગ્ન નથી કર્યા?”
“ના.. ના..પણ જો એના થકી મને બીજું બાળક થશે તો હું એની સાથે જ લગ્ન કરીશ!!!”
ઘડીભર તો દિલ-દિમાગ બંનેને આંચકો લાગ્યો. આવા સમાજ વચ્ચે રહેવાનું? પણ એ સાથે જ લગભગ એ જ અરસામાં ૨૫-૩૦ કે તેથી પણ વધુ વર્ષોનું સુખી દાંપત્યજીવન જીવતા વિદેશીઓના પરિચયમાં પણ આવવાનું થયું. કોઈક પડોશી હતા, કોઈક બેંકના ખાતેદાર હતા, કોઈક છોકરાઓની સ્કુલના શિક્ષક હતા તો કોઈક વળી રોજ ટ્રેઈનમાં મળતાં સહયાત્રી હતાં. સારું-ખોટું બધે જ છે, બધાનામાં છે એ સમજાતા વાર ન લાગી. અહીંની પંચરંગી પ્રજાના વૈવિધ્યપૂર્ણ માનસને સમજવું એક વિસ્મયનો વિષય બની ગયો હતો. ઈમીગ્રેશન પર આવેલા હોય કે જન્મજાત અમેરિકન હોય પણ દરેક વ્યક્તિ ઉપર પોતાના દેશની અસર હોય છે. આમ છતાં દરેક વ્યક્તિમાં પોતાની ભીતરની પણ એક સ્વતંત્ર ઓળખ અને તેમાંથી ઉપસતી એક વિશેષ પરખ બને છે.
બેંકમાં reconciliation કામથી શરૂ કરીને P & R Dept, remittance, loan, CD, Money Market, letter of credit, off shore banking એમ લગભગ બધાં જ ડીપાર્ટમેન્ટમાં કામ કર્યું, સમયની સામે જોયા વગર રસપૂર્વક અને ખંતથી કામ કર્યું. એનું વળતર પણ જરૂર સારું જ મળ્યું. બેંક સાથે એક પ્રકારનો વિશેષ લગાવ બંધાઈ ગયો હતો. તેથી જ તો ૨૦૦૩માં જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે હ્રદયમાં એક ઊંડી ઠેસ વાગી હતી. (જો કે, એ નિવૃત્તિ કાયમી ન હતી. આજની તારીખમાં પણ હું પ્રવૃત્ત જ છું.) પરીણામે એક પદ્યરચના ત્યારે પણ લખાઈ હતી. છોડ્યા પછી પણ હરપળમાં બેંકની સ્મૃતિઓ છવાયેલી રહેતી.
સમયની સાથે સાથે ઘણું બધું બદલાય છે. મૂળ વાત પર પાછી આવું. ૨૦મી સદીની શરુઆતથી મધ્યકાળ સુધીમાં સંયુકત કુટુંબો હતાં, જેમાં અમે ઉછર્યાં. છેલ્લાં ચાર દાયકામાં સ્થળાંતર વધ્યાં અને કુટુંબો અલગ થયાં પણ મૂળ ભાવનાઓ જળવાઈ રહી. એ રીતે અમે ભારત છોડ્યું પણ માતપિતા, ભાઈ-બહેનો વગેરે ઘણાંને બોલાવી સાથે રહ્યાં. શક્ય એટલાં એકમેકને મદદરૂપ બન્યાં.
૧૯૯૨માં દેવ જેવા પિતાની ( સસરા) છત્રછાયા ગુમાવી. તે પછી ૧૯૯૨થી ૧૯૯૫ સુધી અમે ચાર અને પરિવારના અન્ય ચાર એમ કુલ આઠ જણ એક જ ઘરમાં રહ્યાં. ખૂબ ફર્યાં, હર્યાં, સાથે મઝા કરી. ૧૯૯૫માં મોટા દિકરાના લગ્ન થયાં. એ ‘યેલ યુનિ.’માંથી એન્જીનીયરીંગમાં ‘પીએચડી’ થયો. પરિવારના સૌ છોકરાઓ પોતપોતાની રીતે જુદી જુદી જગાએ સ્થાયી થયા. નાનો દિકરો ડોક્ટર (સર્જન) થયો.. ભારતથી અવરજવર ચાલુ જ રહી. ’૯૮ની સાલમાં ડીસે. મહિનાની ૯મી તારીખની સુંદર સવારે પ્રથમ પૌત્રીનો જન્મ થયો. હ્રદયમાંથી ખુશી સરી, ઉછળીને બહાર આવી, શબ્દરૂપેઃ “પહેલી ને નવલી અનુભૂતિ છે અમારે આંગણે, અગણિત છે આનંદ આ પરિવાર નાગર નામ ધ્રુવે.” ‘૯૯માં નાના દિકરાના વિવાહ થયા. ૨૦૦૧માં લગ્ન પણ થયાં. આમ, સમયનો આ આખો યે ગાળો અવિસ્મરણીય બન્યો. ક્યારે શું પ્લાન કર્યા હતા, કેવી રીતે કર્યા હતા, અરે કર્યા હતા કે કેમ તે પણ ખબર નથી. બસ, શુભ ભાવથી યોગ્ય રાહે ચાલ્યા કર્યું અને આપમેળે નવા નવા રસ્તાઓ ખુલતા ગયાં.
પોતાના માટે તો સૌ કોઈ જીવી જાણે, પણ સાથે સાથે જરૂરવાળા કોઈકને માટે કશુંક સારું કરી શકીએ તો તેનો આનંદ તો મળે જ છે પણ સારા ફળ પણ મળતા જ રહે છે તેવું સતત અનુભવ્યું. જેમ યોગ્ય જગાએ બી વાવીએ અને કુદરતી હવા,પાણી અને પ્રકાશ મળે ને ફળ-ફૂલ ઊગીને વિકસતા રહે. છતાં મનમાં ‘મેં કર્યાનો કોઈ ભાવ ન રહે’..ઈશ્વરદત્ત આ જીંદગીમાં ‘તેરા તુજકો અર્પણ’ સમજી સુકાર્યોમાં નિમિત્ત બનતા જઈએ એટલે બેડો પાર.
વિચારું છું કે કદાચ હવેની પેઢીને આ સમજવું મુશ્કેલ પડશે. કારણ કે, કુટુંબની વ્યાખ્યા ઝડપથી અત્યારે જ બદલાતી દેખાઈ રહી છે. પૂર્વ કે પશ્ચિમ, આખા વિશ્વમાં, પરિવાર એટલે ‘અમે અને અમારા બાળકો’ એટલી જ સમજ ફેલાવા લાગી છે. તેમાંયે આ ટેક્નોલોજીની વધતી જતી અસરોને કારણે વ્યક્તિ સ્વાતંત્ર્ય પણ ઘર કરી ગયું છે. દરેક જણને પોતાની સ્પેઈસ જોઈએ છે.
આમ તો આ પ્રકરણ ન લખ્યું હોય તો ચાલે. પણ નજર સામે આગળની ઉગતી પેઢી છે કે જેને વારસામાં કંઈક મળે એ ઉદ્દેશ છે. થોડી વિગતો મળે, થોડી જૂના સમયની જાણકારી મળે અને કદાચ ગળે ઉતરે તેવી પ્રેક્ટીકલ વાતોમાંથી સંભવતઃ શીખ મળે. જે અમે માણ્યું તેનો આનંદ મળે એય સાચું અને અમારા અનુભવોમાંથી થોડા સારા, નવા અને જુદા છતાં ઉંચા રાહ મળે. કાલની તો ખબર નથી. આજે આટલું કહેવા/સાંભળવાનો હમણાં તો સમય પણ ક્યાં છે? કાલે સમય પલટો લે અને કદીક આ બધું કામ લાગે તો આ કલમ સાર્થક થાય તેવું પણ મનમાં ખરું!! ખેર! આવતી કાલની ચિંતા છોડીને હાલ તો એક અંતરના અવાજ પ્રમાણે ચાલી રહી છું એ વાત પણ એટલી જ સાચી.
સૌ સારા વાના થાય, સર્વે સુખિનઃ ભવન્તુ એ જ શુભ ભાવ સાથે નવા પ્રકરણની શરૂઆત…
હમણાં તો એક કાવ્ય સુમધુર અવાજમાં..
“ચાલ મઝાના ઉંડા ખજાના ખોલીએ સાથે સાથે…”
કુટુંબની વ્યાખ્યા ઝડપથી અત્યારે જ બદલાતી દેખાઈ રહી છે. પૂર્વ કે પશ્ચિમ, આખા વિશ્વમાં, પરિવાર એટલે ‘અમે અને અમારા બાળકો’ એટલી જ સમજ ફેલાવા લાગી છે. KHUBAJ SAACHI VAAT. Almost all contemporary seniors of our age having sons or daughters are more or less experiencing this and sometimes getting frustrated but whatever we say good or bad of it but it is the present day reality and one has to accept it and move ahead with smiling face
LikeLiked by 1 person
‘સ્મરણની શેરી’ના લેખો રોચક લાગ્યા છે. આપે સુંદર રીતે રજૂઆત કરી છે, દેવિકાબહેન!
એક વીતેલા સમયનું પ્રેરક ચિત્રણ. ક્યાંય જૂના જમાના કે નવા જમાનાને બિનજરૂરી સરખાવ્યો નથી, કવખોડ્યો નથી; છતાં જીવન સમૃદ્ધિની મહેક શું છે તે ફલિત કર્યું છે.
આવનારી ગુજરાતી પેઢીઓ માટે આવા લેખ ખજાનો બની શકે!
અભિનંદન!
LikeLike
નમસ્તે,હરીશભાઈ.આપ વાંચો છો એ જ મારો ખજાનો. આપના પ્રતિભાવ બદલ આનંદ અને આભાર.
LikeLiked by 1 person