પત્રાવળી-૫૬ મહાથાળ….

પત્રાવળી-૫૬ મહાથાળ

  

અમારાં સૌ પત્રપ્રેમીજનો !
પત્ર ! અત્ર, તત્ર, સર્વત્ર એવા આ પત્રયાત્રાના અંતિમે પહોંચેલા, ને એક નહીં પણ ચચ્ચાર જણાં દ્વારા, અત્રે આકાશી ચોતરેથી લખાયેલા પત્રથી અમે આપ સૌને સ્નેહયાદી મોકલી રહ્યાં છીએ.
વાત જાણે એમ બની કે
બરાબર એક વરસ પહેલાં, એટલે કે ગયા જાનેવારીમાં આરંભાયેલી અમારી આ પત્રાવલિ અનેક રીતે જુદી પડનારી હતી. આરંભમાં તો અમનેય ખબર નહોતી કે એનું સ્વરૂપ કેવું હશે….

અમે તો પત્રની આ પરંપરાને પત્રઆવલિ ગણીને એક પત્રમાળાધારી હતી પરંતુ આરંભમાં જ પતરાળીશબ્દ સાંભરી આવેલો ! ને પછી તો આ પત્રોને અમે (ખાખરાનાં પાંદડાંને ગૂંથીને બનાવાતી પતરાળી જ ગણીને) ભોજનવાનગીઓ પીરસતાં હોઈએ એ રીતે જ આપ સૌ વાચકો સમક્ષ (જાણે કે તમે સૌ અમારા આ નેટઆંગણે મહેમાન બનીને પધાર્યાં હોય તેમ) જુદી જુદી શબ્દવાનગી પીરસતાં રહ્યાં !!

મહેમાનોને આ વાનગીઓ કેટલો સમય પીરસી શકાય/પીરસી શકાશેની ગડમથલમાં અમે એવું નક્કી કરેલું કે ભોજનયજ્ઞ કર્યો જ છે તો પછી છપ્પનભોગ ધરીને જ સંતોષ લેશું…..

તો વાત આવી છે, વાચકમિત્રો ! તમને તો અમે આમ દર અઠવાડિયે વિવિધ વાનગીઓ પીરસતાં પીરસતાં પંચાવન ડીશો પીરસી વળ્યાં ને હવે આ છપ્પનમી છે. તમને શું લાગે છે, પંગતમિત્રો ! આ છપ્પનમી થાળીમાં શું આપીએ તો ઠીક ગણાય ?”

બસ, આ જ સવાલના માર્યા આજે અમે ચારેય પીરસણિયાં (દેવિકા ધ્રુવ, રાજુલ કૌશિક, પ્રીતિ સેનગુપ્તા અને જુભૈ) આકાશીચૉરે ભેળાં થયાં છીએ ને સૌની વાનગીઓની ભેળ બનાવીને મૂકવા ધારીએ છીએ…..

વાચકમિત્રો ! આપનામાંનાં મોટાભાગના નેટજગતે સુજ્ઞવાચક તરીકે સામાજિક માધ્યમો દ્વારા વિવિધ માહિતી મેળવતા રહે છે; ઘણા વાચકોને પોતાનાં બ્લૉગસાઇટ કે ફેસબુક જેવાં પ્રકાશનસ્થાનો પણ છે. ક્યાંક, ક્યારેક, કોઈ નિમિત્તે આ સૌ ભેળાં થઈ જઈને સામૂહિક કાર્યોને સફળ બનાવે છે. અમે પણ આ પત્રમાળા દ્વારા કંઈક એવું જ ગોઠવેલું જેને કારણે આ લખનાર ચાર જણ સિવાય પણ ઘણા બધા લોકો પત્રથાળીમાં પોતાની વાનગી પીરસી ગયાં ! ને એટલે જ, એ સૌ લેખકમિત્રોની સાથે સાથે આપ સૌ વાચકોનો પણ સાભાર ઉલ્લેખ આરંભે જ કરી લેવો છે.

આપ સૌનો સહયોગ કાયમ યાદ રહેશે….

મિત્રો, ટપાલવહેવાર તો હવે ભૂતકાળ બની રહ્યો છે એવે ટાણે આ આકાશી પત્રોએ અમને પ્રેરણા આપી છે. આમ જોઈએ તો ટપાલ ફક્ત સંદેશાવ્યવહારનું જ માત્ર સાધન નહોતું. પત્ર એક સાહિત્યસ્વરૂપ પણ હતું જ. ગુજરાતી સાહિત્યમાં પણ પત્રોએ ઉત્તમ, સાહિત્યિક વાચન પૂરું પાડ્યું છે. અત્યારે, આ લખતાંમાં યાદ આવી ગયો હીરાબહેન પાઠકનો, વંદનીય સ્વ રા.વી.પાઠકને લખેલો પરલોકે પત્ર” ! સહયોગીઓ, આપણી ગરવી ગુજરાતીમાં લખાયેલા આવા અન્ય પત્રો પણ તમને યાદ આવે તો વળતી ટપાલે (કૉમેન્ટકક્ષે) જણાવજો પાછાં !

પત્ર શબ્દ જ એવો છે જે સાંભળતાં જ વૃક્ષને વળગી રહેલું પાન યાદ આવી જાય. કેટકેટલા રંગો, કેટકેટલા આકારો, શાખાપ્રશાખાને વળગીને કરાતા કેટકેટલા ધ્વનિવિશેષ…..અને ખાસ કરીને કેટકેટલા તેના ઉપયોગો !! પાંદડું, પાન, પર્ણ ને પત્ર એમ વિવિધ નામે સંબોધાતું આ પાન ખરેખર તો વૃક્ષવેલીછોડનું રસોડું છે તે કોણ નથી જાણતું ? ભૂમિજળ, સૂર્યનાં કિરણો અને હવાની સામગ્રીમાંથી આ જ પાન રસોડું ચલાવે છે ને વિશ્વને મળી જાય છે અણમોલ, પૌષ્ટિક જીવનતત્ત્વો !! પુષ્પમ્ અને ફલમ્ તો આ પત્રમને જ આધારિત છે ને !

અમે લોકો આ પત્રને રસોડે જે કાંઈ રાંધવાને મથ્યાં એમાં પહેલો પદારથ અમને મળ્યો તે શબ્દનો ! ભોજન તૈયાર કરવામાં વિવિધ સામગ્રીની જરૂર પડે. અમારી મુખ્ય સામગ્રી તો હતી શબ્દ ! એ શબ્દની સાથે વિચારોભેળવ્યા અને ભાવનું ઉમેર્યું મોણ ! સરસ મજાનો પીંડ બંધાતો રહ્યો ને અમે એમાંથી વાનગીઓ સર્જતાં રહ્યાં…..પણ, હા કબુલ કરવું જ રહ્યું કે ક્યારેક કોઈ વાનગી પત્ર કરતાં લેખ જેવીય બની ગઈ ખરી ! ધ્યાન ન રહે તો બહુ વખાણી વાનગી દાંતે વળગે ખરી.

અમે શબ્દને સહારે જેટલું બન્યું તેટલું સર્જ્યું. તમને બધાંને યાદ હશે કે, આ પત્રાવલિમાં મોટે ભાગે શબ્દનો મહિમા થયો છે. અમારા બધાંમાં આગળ ચાલનારાં દેવિકાબહેને આ ચૉરે બેઠાં શબ્દને બરાબરનો રજૂ કર્યો; કહે કે,

વિચારું છું કે માણસના જન્મ્યા પછીના હાવભાવના હોંકારામાંથી ક્રમે કરીને કદાચ ૐનો અક્ષર મળ્યો. ૐના આ અક્ષરમાંથી શબ્દ બન્યોશબ્દમાંથી ભાષા સર્જાઈ અને ભાષા થકી ભાવોને અભિવ્યક્તિના વાઘા મળ્યા, અલંકારોના શણગાર પણ સોહ્યા અને તેમાંથી જ તો પેલા અસલ હોંકારાને અવનવાં અનેક રૂપો મળ્યાં !

એમની વાત સાંભળીને અનેક સામયિકોનાં લેખિકા એવાં રાજુલબહેને હોંકારો ભણીને પોતાની વાત આ રીતે ટહુકાવી

“શબ્દનું તો એવું છે ભાઈ, એ શાસ્ત્ર બનીને મારગ ચીંધે તો ક્યારેક શસ્ત્ર બનીને સંબંધોની આડે પણ આવીને ઊભો રહે. એને તો ક્યાં, ક્યારે અને કેવી રીતે વાપરવો એ સૌની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે એટલે જ તો આજે રાહી ઓધારિયાની આ ચાર પંક્તિઓ યાદ આવી..

‘શબ્દ ક્યાં મારો કે તમારો છે? શબ્દ હર કોઈનો દુલારો છે.

બુઠ્ઠા, અણિયાળા, રેશમી, બોદા, શબ્દના કેટલા પ્રકારો છે !

ભાવ છે અર્થ છે, અલંકારો – શબ્દોનો કેટલો ઠઠારો છે;

જો જરાક અડકો તો છટપટી ઊઠશે, શબ્દ સંવેદનાનો ભારો છે.’ ” 

વિશ્વપ્રવાસી એવાં પ્રીતિબહેન સેનગુપ્તા પણ આકાશીચૉરે હાજર હતાં; એમણે વાતની વાટને સંકોરતાં કહ્યું

બસ, હવે વધારે શું કહેવાનું? આખું આવર્તન પૂરું થયું. આટલાં અઠવાડિયાંથી શબ્દની ઉપસ્થિતિનો, શબ્દની અનુભૂતિનો, એની અર્થચ્છાયાઓનો, અને એના રૂપ-સ્વરૂપનો યથેચ્છ મહિમા થતો રહ્યો. જાણે શબ્દોત્સવનું પર્વ ઊજવાયું. શબ્દ વિષેનું કલ્પન જુગલકિશોરભાઈએ સૂચવ્યું, પણ પછી પત્રાવળીતરીકેના એના આકારનો વિમર્શ તો દેવિકાબહેનનો, ખરું છે કે નહીં? પછી રાજુલબહેન જોડાયાં, અને મને પણ સાથે જોડાવાનો લાભ મળ્યો…

 

આગળ કહ્યું તેમ, આ પતરાળી ભોજનપર્વનું માધ્યમ જ બની ગઈ ! ટપાલ એના આકારે કરીને ભલે જુદી ભાસે, પણ એમાં લખનાર એના વાંચનારને જે વાતો પીરસે છે તે ભોજનવ્યંજનોથી સહેજેય ઊતરતી નથી હોતી ! ભૂખ્યો માણસ જેમ થાળીના ખખડવાની રાહ જુએ તે જ રીતે ભાવપૂર્ણ રીતે પત્રો લખનારની વાત સાંભળવા એનો વાચક રાહ જોતો હોય છે ! જુઓ, (નહીં, સાંભળો…) પ્રીતિબહેન શું બોલ્યાં :

વર્ષો પહેલાં, નાની ઉંમરમાં, ને તેય એકલી, જ્યારે અમેરિકા આવી ત્યારે, જડમૂળથી દૂર થયેલા છોડની જેમ, ક્યાંય સુધી સર્જનાત્મક કશું પાંગરી શકે તેમ હતું જ નહીં. તે સમયે ચાલુ રહ્યું હતું ફક્ત પત્ર-લેખન. વર્ષના સો-સવાસો પત્ર હું લખી મોકલતી. મારી માને તો, એમના અવસાન સુધીમાં, પાછા જુદા. એની સંખ્યા સાતસો પત્ર જેવી જરૂર થઈ હશે. આમ કાગળ લખીને, અને જવાબ મેળવીને કેટલાયે સંપર્ક વિદેશમાંની શરૂઆતની એકલતામાં આધારરૂપ બની રહેલા.

શબ્દની ત્રણ શક્તિઓ છે: અભિધા, લક્ષણા ને વ્યંજના. અભિધા સાદી વાત સીધી રીતે કહી દે છે; લક્ષણા વાતને વાંકીચૂંકી કરીને કહે છે પણ વ્યંજના તો……કૉળિયો જેમ જેમ ચવાતો જાય તેમ તેમ જે રીતે સ્વાદ વધતો જાય તેમ શબ્દના અનેક અર્થો આપ્યાં કરે ! અમારા પત્રોમાં પીરસાયેલી વાનગીઓનું પણ એવું જ સમજવું….પત્રનો શબ્દ ફાઇલ કરી દેવાનો હોતો નથી. એ તો રાજુલજી કહે છે તેમ શબ્દ બ્રહ્મ છે  તો એ અનશ્વર પણ છે. વ્યક્તિના ક્ષય પછી પણ એ કોઈ પણ સ્વરૂપે બ્રહ્માંડમાં કાયમ રહે છે. આશા છે કે આપણા આલેખાયેલા અને ક્યાંક કોઈને સ્પર્શેલા શબ્દો થકી આ પત્રાવળી સૌના મન-બ્રહ્માંડમાં કાયમી બની રહે…

એક બાજુ આપણે શબ્દને શાશ્વત કરવા કે રાખવા માગીએ છીએ તો બીજી બાજુ શબ્દ જેનું એકમ છે તે ભાષા હવે વિજ્ઞાને આપેલાં ઉપકરણો થકી વિકસવાને બદલે જાણે કે વિકૃત થતી – ટૂંકાતી જતી બની રહી છે ! ભાષા તો ખરી જ પરંતુ શબ્દ પણ મોબાઇલ જેવાં ઉપકરણોના વપરાશે કરીને અ–નિવાર્યપણે ટૂંકાતો જાય છે ! ક્યારેક શબ્દ એનું સૌંદર્ય ગુમાવી રહ્યો છે તો એની વ્યંજના, એનાં સ્વાદમીઠાશ પણ ગુમાવી રહ્યો છે !!

પત્રનો શબ્દ જે બે વ્યક્તિ, બે કુટુંબો વચ્ચેનો સેતુ હતો તેનો ઇતિહાસ બહુ લાંબો, સદીઓ જૂનો છે. રુક્મણિએ કૃષ્ણને લખેલો પત્ર સૌથી જૂનો ગણીએ તો કાવ્ય–સાહિત્યની ઊંચી કોટિએ પહોંચેલો કાલીદાસનો મેઘદૂતીય સંદેશવ્યાપાર આજે ચિંતાની કઈ સ્થિતિએ પહોંચી ગયો છે ! ચિંતાનો આ વિષય, જુઓ રાજુલબહેન શી રીતે બતાવે છે :

“પત્ર પરંપરા તો સદીઓથી ચાલી આવતી પરંપરા. કવિ કાલિદાસના મેઘદૂતની રચના એટલે આજથી ૨૦૦૦ વર્ષ પહેલાના સમયનો ગાળો અને ત્યારથી માંડીને આજ સુધી અનેક રીતે પત્રોની આપ-લે થઈ હશે. સમય જતાં આજની ઇન્ટરનેટની સુવિધાએ ઇમેલ અને ટૂંકા સંદેશાવ્યહવારે- (SMS) અભિવ્યક્તિનો પનો પણ ટૂંકો કરવા માંડ્યો. લાગણી કદાચ વ્યક્ત કરી શકાતી હશે પણ ઉષ્મા ઘટી. પત્રના આદાન-પ્રદાનમાં જે આનંદ કે ઉત્સાહ-રોમાંચ હતો એ હવે ઓસરવા માંડ્યો…

પ્રીતિબહેન પણ એ ચિંતામાં હોંકારો તો ભણે છે છતાં અમારી આ પત્રાવલિએ જે લાભ આપ્યો તેનેય સંભારી આપે છે. કહે છે

સર્વોપરિ, સામૂહિક કરુણતા એ બની છે કે વૈદ્યુત્તિક સાધનોના અનહદ ઉપયોગની સાથે સાથે ભાષા પોતે જ ઝંખવાતી ગઈ છે. સુંદર શબ્દ-રૂપ અને અર્થ-સ્વરૂપથી મુગ્ધ થતાં રહેનારાંની સંખ્યા ઘટતી જઈ રહી છે.

પણ પછી સધિયારો આપતાં ઉમેરે છે  

અતિ આધુનિકતાના આવા સંજોગોમાં, ‘પત્રાવળીના આ અભિગમને કારણે, સાદા તેમજ અલંકૃત શબ્દો સાથે ઇષત્ ક્રીડા કરવા મળી. હા, ઉપકરણ બ્લૉગજેવું વૈદ્યુત્તિક ખરું, પણ એનો ઉપયોગ અત્યંત મૌલિક અને સર્જનાત્મક કાર્ય માટે થયો. 

 તો શું, આ પત્રમાળાનો અમારો આ પ્રયોગ સફળ ગણીશું કે અફળ ? એનો નિર્ણય કોણ ને કઈ રીતે કરશે ? કોણ કરશે એ તો તમે સૌ અમારા વાચકમિત્રો, સહપાઠીસહયોગીઓ જ કહી શકો પરંતુ શી રીતે ?”નો જવાબ તો દેવિકાબહેન પત્રને એક ભરેલા ઘડા સાથે સરખાવીને, એમની શૈલીમાં રજૂ કરતાં ગુજરાતના ત્રણ ઉત્તમ સાહિત્યકારો વચ્ચે થયેલા સંવાદ દ્વારા આ રીતે આપે છે :

યમુના નદીમાં તરતો ઘડો ખાલી રહે છે એટલે સુંદરમ કહે છે કે

“જો ઘડો ભરવો   હતો તો ઘડો ઘડ્યો શા માટે?

ઉમાશંકર જોશી એનો જવાબ આપે છે કે, “જો ઘડાએ તરવું હોય તો એણે ખાલી રહેવું  જોઈએ

સુંદરમને વાત ઠીક ન લાગતાં દલીલ કરે છે કે “ઘડાની સાર્થકતા  તરે એમાં નથીભરાય એમાં છે…..” પણ મકરંદ દવે તો વળી ત્રીજી જ વાત મૂકીને આપણા આ પત્રવ્યવહારને એક દિશા બતાવી દે છે ! કહે છે :

“ઘડાની સાર્થકતા  તરે એમાં પણ નથી અને ભરાય એમાં પણ નથી, એની સાર્થક્તા તો એને કૃષ્ણનીકાંકરી લાગે એમાં છે.

આપણી  ‘પત્રાવળીના  શબ્દઘડા ને સાહિત્યજગતની દૄષ્ટિકાંકરી લાગે તો ભયો..ભયો

હવે આ વરસદિવસ ચાલેલો પત્રવ્યવહાર આજે છપ્પનમે પત્રે વિરામ લેવા જઈ રહ્યો છે ત્યારે અમે, આ ચારેય જણાં આપ સૌ વાચકમિત્રોને પૂછીશું…..

હે પ્રિય વાચકો !  આપ સૌની વિવેચનાભરી, આ અવનવીન પત્રચેષ્ટાને પ્રોત્સાહક પણ બને તેવી એકાદ કૃષ્ણકાંકરી અમારા કૉમેન્ટકક્ષે લગાવશો કે નહીં ?!!

કૃષ્ણકાંકરીની અપેક્ષાએ આતુર અમારાં ચારેય શબ્દપૂજક પત્રલેખકો વતી,


સાભાર – જુગલકિશોર.

 EmojiEmojiEmojiEmoji

13 thoughts on “પત્રાવળી-૫૬ મહાથાળ….

  1. મહાથાળે પ્રસન્ન
    ‘કમળાપતિ’ દ્વારકાધીશ અને રણછોડરાયને છપ્પનભોગ ધરાવવાનો આવે છે. એમાં કમળનું ફુલ નિમિત છે.કમળનાં ફૂલમાં સામાન્ય રીતે ત્રણ પડ હોય છે. સૌથી પહેલાં પડમાં આઠ, બીજા પડમાં એનાથી ડબલ સોળ અને ત્રીજા પડનાં એનાથી ડબલ બત્રીસ અને કુલ મળીને છપ્પન પાંખડીઓ ખૂલી જાય તેની મધ્યમાં ભગવાન બિરાજે છે. પછી દરેક પાંખડીઓ એક-એક ગોપી ભગવાનને છપ્પન વાનગીઓ ખવરાવે છે. અહીં ‘વાનગીઓની ભેળ’ વાત ગમી ગઇ. સૌને સઘળીનો સ્વાદ મળે! આકાશીચૉરે અને ત્રણ ચોટલા છે એટલે ઓટલા સલામત છે. આ ભેળમા ચાર જણ સિવાય પૂરી ,મમરા, સેવ, ખમણ, તલ, મીઠું, મરચું, ખાંડ અને ગરમ મસાલો , બટાકાના કડકા, ડુંગળીનું કચુંબર જેવા અમારા જેવાપણ પત્રથાળીમાં પોતાની વાનગી પીરસી ગયાં ! ટપાલ ‘પત્ર એક સાહિત્યસ્વરૂપ…’વાતે અમારા દાદાજીએ સંઘરી રાખેલો, કલાપીએ પોતાના હાથે લખેલો પોસ્ટકાર્ડ રદ્દીમા ગયો જેનું શૂળ ભોંકાયા જેવું દરદ યાદ આવ્યું…’પાનના ધ્વનિવિશેષે ‘યાદ આવી સ્નોના તોફાનમા ગૂલ થયેલી લાઇટ અને બહાર વીપીંગ વીલોમાંથી પસાર થતો સુસવાટા મારતો આક્રંદ કરતો પવન- જીવતાજીવ મરશિયાની મોજ કરાવતો હતો.સુ શ્રી રાજુલબહેનની ‘વિવેકબુદ્ધિ પર નિર્ભર શબ્દ’ પર નીરવરવવાળો શબ્દ યાદ આવે! વિશ્વપ્રવાસી સુ શ્રી પ્રીતિબહેન આકાશીચૉરે પોરો ખાધો -ગુંજન થાય મા – વેણીભાઈના ગીતનું
    જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
    મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?
    આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમને પોરો ખાવો છે,
    કોઈ દિલની સરાઈ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?
    છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
    કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?
    હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
    કે તુય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?
    સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મુરઝાય કળી,
    કોઈ લીલાંછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?
    જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખ-દુ:ખના જ્યાં સંજોગ નથી,
    જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?
    હું મોતને જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
    ને શબ જેવા આ દિલમાં યારબ, આ ધબકારો શા માટે? અને શબ્દની ત્રણ શક્તિઓ છે: અભિધા, લક્ષણા ને વ્યંજના વિષે વારંવાર સમજવા પ્રયત્ન કર્યો-વધુ મનન-ચિંતન કરવું પડશે. રાજુલજીની શબ્દ અંગે ‘વિકસવાને બદલે જાણે કે વિકૃત થતી …’સાથે “‘પત્રાવળી’ના આ અભિગમને કારણે, સાદા તેમજ અલંકૃત શબ્દો નો ઉપયોગ અત્યંત મૌલિક અને સર્જનાત્મક કાર્ય માટે થયો.” આનંદની વાત
    છેવટ-“ઘડાની સાર્થકતા એ તરે એમાં પણ નથી અને ભરાય એમાં પણ નથી,એની સાર્થક્તા તો એને કૃષ્ણનીકાંકરી લાગે એમાં છે.”યાદ આવે મા નાથાલાલજીની રચના
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
    વાગે રે અણદીઠા એના હાથની
    અવળી સવળી થપાટ…
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
    કર્મે લખીયા કાં કેર ?
    નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
    જાંળુ સળગે ચોમેર..
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    વેળા એવી વીતી રે વેદનતણી
    ઉકલ્યા અગનના અસનાન
    મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
    પાકા પંડ રે પરમાણ
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    હરિએ હળવેથી લીધા અમને હાથમાં
    રીઝ્યા નીરખીને ઘાટ
    જીવને ટાઢક વળી તળિયા લગી
    કીધા તે અમથા ઉચાટ
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    રાહ કૃષ્ણકાંકરીની

    Liked by 7 people

    • દિલથી ખૂબ ખૂબ આભાર અને વંદન..

      Mukund Gandhi
      To:
      Devika Dhruva

      માનનીય દેવિકાબેન,

      પત્રાવળીના ઘણાં પત્રો વાંચ્યાં છે. આ નવો દોર શરૂ કરી તેનું સંચાલન કરવા બદલ તમને
      હાર્દિક અભિનંદન. ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉત્કર્ષ માટે આ પત્રાવળીમાં ફાળો આપનાર
      સૌ અભિનંદનને પાત્ર છે. સમગ્ર વર્ષ દરમ્યાન ભિન્ન ભિન્ન વિષયો પર રસિકતાપૂર્વક શબ્દોની
      ગુંથણી દ્વારા જે લેખકો, કવિઓ અને વાંચકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તે સર્વને અભિનંદન.

      મુકુંદ ગાંધી.

      Liked by 2 people

  2. કાંકરી લગાવ્યે માટલી ફૂટતી હોય તો લો.. આ કાંકરી.
    પણ ‘એ’ માટલી તો લોઢાની છે અને પોલી નહીં – નક્કર છે. એ આ કાંકરીથી ટૂટશે ખરી?
    એને ઓગાળવા તો જાગૃતિની જ્યોત જોઈશે !

    Liked by 3 people

    • સુરેશભાઈ,
      આપ એક શબ્દ લખો કે એક લાઈન લખો તેમાં તત્ત્વ ચિંતન સમાયેલું હોય છે, વાંચતા જ આંખ સામે જાણે ગ્રંથ સામે આવી ગયો હોય એમ લાગે કારણ એ વાક્ય, એ વિષય પર વિચાર કરતા કરી દે છે.

      Liked by 3 people

  3. વાહહહહહહહહહહ, ખૂબ સરસ. સમગ્ર શબ્દયાત્રાના નિચોડ સમાન આ 56મો ભોગ નિઃશબ્દ કરી દે એવો છે.
    ચારેય વડીલોને વંદન સાથે અભિનંદન.
    આભાર તો નહીં માનું, કેમ કે તમે અમને આવું પિરસણ નહીં પીરસો તો બીજું કોણ પીરસશે?

    Liked by 2 people

  4. મધસાગરના તરંગો પર ફૂલો વેરાય, ડૂબે નહી તરતા વિખરાતા જોયા કરીએ એવી જ અનુભૂતી પત્રાવલીમાં પિરસાયલા શબ્દો જોતાં થઈ. હું સાહિત્યનો અભ્યાસી નથી. સૂજ્ઞવાચકો જે માણી શકે તે કદાચ હું ન માણી શક્યો હોઉં, પણ કંઈક નવું જ જાણવા મળ્યાનો આનંદ તો થયો જ. બન્ને બહેનો અને જુભાઈને હાર્દિક ધન્યવાદ.

    Liked by 4 people

  5. આ મહાથાળમાં જ એટલું બધુ છે, પ્રતિભાવ રુપે કહેવા માટે શબ્દ નથી મળતા.એક વર્ષમાં પતરાવળીમાં છપ્પન ભોગ પીરસાયા, પ્રેમથી આરોગ્યા.
    હવે બસ બીજું કંઈક નવુ મળશે એવી આશા સાથે અનેક શુભેચ્છા.

    Liked by 3 people

  6. આ છપ્પન ભોગ જોઈ/વાંચી મોંમાં પાણી આવી ગયું, પેટે અને આંખોએ માણ્યું અને મગજ બોલ્યું! દિવિકાબેને પ્રથમ પત્ર વહેવાર શરું કર્યો હતો એમના એક લંડનવાસી બહેનપણી સાથે, એ મારા સ્મરણમાં સૌને આ મહાથાળ આરોગતા જોઈ આવી ગયા! એમને ઘણા સમયથી અહિ જોયા નથી! મારી વયના કરણે હું કોઈ ભૂલ તો નથી કરતોને? મિયાં ક્યું દુબલા એ તમે સૌ હવે જાણો! આ મહાથાળ પછી મુખવાસ વગર મોં જો મરડાય તો માફ કરશોને? છપ્પનભોગ લીધા પછી આ ગુજરતીની આંખો ઘેરાવા લાગી છે તો સૌને રામ રામ!

    Liked by 4 people

  7. આપ સહુનો અમને પિરસાયેલો ભોજનનો મહાથાળ જે છપ્પનભોગના મેવા મીઠાઈ અને મુખવાસના પાનબીડાંથી ભર્યો ભર્યો, અમારા માટે તો એક ઉત્સવથી ઓછો નથી. કેટલી નવિનતા, કેટલા નવા શબ્દોની માહિતી. ખરેખર આ પત્રાવળી એક નવો ઉત્તમ પ્રયોગ આપ ચારેની મહેનત,જ્ઞાન અને સાથે વાચકોના અતિ મુલ્યવાન પ્રતિભાવોથી સભર બની રહ્યો. આ પત્રાવળી ક્યાંક કોઈને સ્પર્શેલા શબ્દો થકી સૌના મન બ્રમ્હાંડમાં કાયમી એક અમિટ છાપ છોડી ગઈ છે. ઘડો ખાલી કે ભરેલો કરતાં ઘડાની સાર્થકતા તો એને કૃષ્ણની કાંકરી લાગે એમા છે અને ચોક્કસપણે એ કૃષ્ણકાંકરી આપની છપ્પનભોગથી ભરેલી પત્રાવળીને સહુ વાચકોના પ્રેમભીના પ્રતિભાવોથી લાગી ચુકી છે.
    આ પત્રાવળીને શરૂ કરી એક ભગીરથ કાર્ય એકધારું હર રવિવારે પ્રસ્તુત કરવા બદલ આપ સહુને ખુબ ખુબ ધન્યવાદ.
    શૈલા મુન્શા

    Liked by 3 people

  8. આ છેલ્લા પત્રનું સંકલન ખુબ સરસ કર્યું છે. સર્વેને અભિનંદન.
    પ્રજ્ઞાબહેને મામા નાથાલાલ દવેની રચના “કાચી રે માટીના..” મુકી રસાસ્વાદમાં ઉમેરણ કર્યું.
    સરયૂ પરીખ

    Liked by 2 people

Leave a comment