મહાથાળ પૂર્વેનો પત્ર….

પ્રિય પત્રમિત્રો,
કવિ શ્રી રઈશ મનીઆરના પત્ર-લેખે વિચારતી કરી મૂકી કે, આ રવિવારે તો ‘પત્રાવળી’નો છેલ્લો છપ્પનમો ભોગ, મહાથાળ આવી રહ્યો છે!  તે પહેલાં મારા તરફથી બે વાનગી પીરસવાનું અને સાથે બેસીને માણવાનું મન થયું.. આ મન કેવું છે હેં? ક્યાંથી ક્યાં લઈ જાય છે? વિશ્વના ખૂણે ખૂણે અને માનવીના અંતરને તળિયે. પણ દોસ્તો એના ચરણ તો શબ્દોના જ ને! કવિ શ્રી મનોજ ખંડેરિયા યાદ આવ્યા વગર કેમ રહે? (રઈશભાઈના પત્રની અસર!)

ગયા વર્ષના જાન્યુ.મહિનામાં પત્રાવળીની શરૂઆત કરી તે પહેલાં જુગલભાઈના શબ્દો  સાંકળ ખખડાવતા હતા ને પછીની પળે તો પત્રોના દરવાજા ખોલી ગયા.

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વરસોથી. લે, કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ….(મ.ખં)

ને એકદમ જ જાન્યુ.ની પહેલી તારીખે ભીતરથી મારા મને કૂદકો માર્યો એમ પોકારીને કે,

“મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા.
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.” (મ.ખં)


અને  પ્રિય રાજુલબહેન ઉમળકાભેર, ત્વરિત ગતિએ આવી પહોંચ્યા એમ કહીને કે, દેવિકાબહેન,


“રસમ અહીંની જુદી,નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.” (મ.ખં)

દોસ્તો, આનંદની આ ક્ષણોને આગળ પ્રવાસ કરાવ્યો  વિશ્વપ્રવાસિની પ્રીતિબેન સેનગુપ્તાએ અને ફરી મનોજ ખંડેરિયા સાંભર્યાઃ “તું ઋતુ જોઈ જોઈ મ્હોરે છે, શબ્દની હું તો બારમાસી છું.” અને જુગલભાઈએ પણ એ જ સૂર દોહરાવ્યો.

“શ્રી સવા બારણે લખ્યા કર તું, શબ્દથી બીજું શું સવાયું છે?”(મ.ખં)

અને એટલું જ નહિ, તે પછી તો દોસ્તો, વિશ્વના ખૂણેખૂણેથી પ્રતિભાવો મળતા અને ઘણાં બધાં વાચકમિત્રો પણ આ  પંગતમાં પ્રેમપૂર્વક સાથે જ બેઠાં.. શબ્દોની આ પંગતે ઊભા થવાને સમયે, પતરાળી જેવી આ ‘પત્રાવળી’ સંતોષનો ઓડકાર આપે છે તેની સાથે સાથે ફરી કોઈ પ્રસંગનો સાદ આપે છે જાણે! કંઈ ખબર નથી, કયો અને કેવો પ્રસંગ હશે? પણ હવે તો કોઈ કહે કે ન કહે, મને પોતાને જ લાગે છે કે હું શબ્દની ગંજેરી બની ગઈ છું. સતત આ ચલમ ફૂંક્યા કરવાનું મન થયા કરે છે.

“ન કપાય કે ન બળે,ના ભીનો વા થાય જૂનો, કવિનો શબ્દ છે,એ શબ્દનો કોઈ વિકલ્પ નથી.” (મ.ખં)

લાગે છે આજે મન પર મનોજ ખંડેરિયા છવાયેલા છે!

ને બીજી વાનગી પત્રોની ફરી એકવાર ફેરવીએ તો કેટકેટલાં ગીતો રંગબેરંગી પતંગિયાની જેમ આંખ સામે ફરફરે છે અને સાથે સાથે જૂની ફિલ્મના ગીતો अफ़साना लिख रही हु दिलबेकरारका,आँखों में रंग भर के तेरे इन्तेजार का..થી માંડીને  फूल तुम्हे भेजा है ख़त में,फूल नहीं मेरा दिल है અને चिट्ठी आयी है आयी है चिट्ठी आयी है, चिट्ठी है वतन से चिट्ठी आयी है, संदेशे आते है हमें तड़पाते है વગેરે સંભળાય છે.

અંગ્રેજી અને બીજી ભાષાઓના સાહિત્યમાં પત્રો એક મહત્વનું અને પ્રેરણાદાયી સ્થાન લઈને બેઠા છે. ગુજરાતી સાહિત્ય પણ એના પત્ર-ખજાનાથી સમૃધ્ધ છે. કેટકેટલાં યાદ કરીએ? કલાપીના પત્રો, સાહિત્ય-સંપૂટમાં રવીન્દ્રનાથ ટાગોરના પત્રો, ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં તેમના સચવાયેલા પત્રો, રાજેન્દ્ર શુક્લ અને ભગવતીકુમાર શર્માના પત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીના પત્રો અને પિતા-પુત્ર, મા-દીકરી વગેરે સગપણના તો પરસ્પર અઢળક પત્રો. માનવમાત્રની આ પત્રો વિશેની  મનગમતી તરસ છે, ભૂખ છે અને એ સીધી અંદરથી નીકળે છે. એટલે જ તો આ રમ્ય અને ગમ્ય લેખનસ્વરૂપ સાહિત્ય કૃતિઓમાં સ્થાન પામી શક્યું છે. સાહિત્ય એ માત્ર શબ્દોની રમત નથી, અંતરની જણસ છે અંદરની સમજણ છે. આપણા મહાન કવિ લેખકોએ જીવનની સચ્ચાઈને, હ્રદયની સંવેદનાઓને અદ્‍ભૂત રીતે શબ્દોમાં કંડારી છે. એટલું જ નહિ એ દ્વારા સાચું જીવવાની રીતો પણ બતાવી છે.

આપણી આ પત્રાવળીના અંતિમ ચરણ પર, ભાવિના સંભવિત ચિત્રની ઝાંખીમાં, એના જ સંદર્ભમાં, ભગવતીકુમાર શર્માના કેટલાંક સુંદર શેર યાદ આવ્યા વગર કેમ રહે?

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ, વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.
છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો
, કાળજીથી ખોલીને સળ વાંચીએ.

માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા, કંઈ નથી આગળ, તો પાછળ વાંચીએ.
ચાલ
, સાથે બેસી કાગળ વાંચીએ, વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.

‘આથમણી કોરનો ઉજાસ’ નામે ૨૦૧૬માં પ્રારંભ કરેલી પત્રશ્રેણીનો તેજલીસોટો લઈને ૨૦૧૮માં શરૂ થયેલ આ નવી‘પત્રાવળી’ તો જાણે ‘પત્રોત્સવ બની ગઈ!! તો લો, એના આનંદમાં જતા પહેલા, મારા તરફથી

 શબ્દભ્રમની જાળમાં પેઠાશબ્દબ્રહ્મની માળ ધરી..
સતઅસતના કાળમાં બેઠાઅસલસત્વનો થાળ ભરી.

આવતા અને છેલ્લાં  અંતિમ મહાથાળની( છપ્પનમાં ભોગની) રાહ જોતા રહેશોરવિવારની સવારેભૂલશો નહિ..

સૌ સર્જકવાચકસાહિત્યમિત્રોને

તમે રે ભાવક સાચા દિલના, તમારી મશે જ અમે સોહ્યાં” ના ભાવ સાથે, આદર સહિત, સ્નેહપૂર્વક વંદન અને  સાચા મનથી નમન..

 

દેવિકા રાહુલ ધ્રુવ.

11 thoughts on “મહાથાળ પૂર્વેનો પત્ર….

  1. મહાથાળ પુર્વે અપાતું એપીટાઇઝર આટલું મન ભાવન તો મહાથાળ કેવો હશે?
    એક શ્વાસે પત્ર માણયો તેમા
    આ શબ્દ–ભ્રમની જાળમાં પેઠા, શબ્દબ્રહ્મની માળ ધરી..
    સત–અસતના કાળમાં બેઠા, અસલ–સત્વનો થાળ ભરી.
    સાંપ્રત સમયે શબ્દ–ભ્રમ અનુભવાતી વાતે ઉદયન ઠક્કર ની ચિંતા…
    હેડ લાઈનો અને લખાણો યુક્ત શબ્દોની ગોઠવણી દ્વારા વાચક વર્ગ વધારાયો !
    જૂતા પગના માપના ન હોય
    તો પગ જૂતાના માપના કરી નાખે
    એનું નામ બજાર !
    પત્રકારોએ મેનેજમેન્ટ ના ખેરખાંઓને કહ્યું
    “ભો ભો અભિયંતઃ ગુરો, શિષ્યઃ તેઽહં, શાધી માં ત્વાં પ્રપન્નઃ
    અને શિખાઉ ભગવાને બનાવ્યા હોય
    એવા ગલગોટા
    સિંડ્રેલાની સેન્ડલ જેવું ફૂલ
    જેનું નામ…ખોવાઈ ગયું છે
    વગડો એટલે… શ્યામા -શ્વેત લક્ષ્મીનો જમાનો પણ ઇં. ને. વાળા વહેલા પહોંચી ચર્ચાઓ કરે. સાથે આવ્યા તટસ્થતાનું મહોરું લગાવી વયસ્ક કટારીયાઓ લેખકો, મૂર્ધન્યો, સેલીબ્રીટીઓ તેઓ ગાળને બ્રહ્મવાક્ય માને…https://medium.com/wordsthatmatter/why-f-ck-is-the-word-of-the-year-7203511a0829
    ફૂલ વતી બોલતા ભમરા
    સીમ વતી બોલતાં તમરાં
    સદીઓથી ચુપચાપ ઊભેલા બે પહાડ
    …વાતની શરૂઆત કોણ કરે?
    અને છેવટે પશ્ચાજ્જીવતિ જર્જર દેહે
    વાર્તાં કો‌உપિ ન પૃચ્છતિ ગેહે સમયે ”તમે રે ભાવક સાચા દિલના, તમારી મશે જ અમે સોહ્યાં” ના ભાવ સાથે, આદર સહિત, સ્નેહપૂર્વક વંદન અને સાચા મનથી નમન..
    વાતે ગ દ ગ દ

    Liked by 3 people

  2. દેવિકાબેન હાર્દિક અભિનંદન,
    છપ્પન ભોગ પ્રેમથી પીરસાયો, અમે પ્રેમથી આરોગ્યો અને ઘણીજ તૃપ્તિ થઈ હવે નવા વર્ષે કંઈક નવુ માણવાનું મળે એ આશાએ આપને અનેક અનેક શુભેચ્છા.
    પતરાવળી Potluck સમાન છે માટે એવું લાગ્યું જાણે મિત્ર મંડળ અને એક પરિવારના સદસ્ય ભેગા થઈને તેનું આયોજન કર્યું, બધા ભેગા થઈને તેનો આનંદ માણ્યો. બસ આપણે સૌ આમ જ પ્રેમ આનંદ વહેચતા રહીએ.

    Liked by 2 people

  3. Email from:
    Uttam Gajjar
    To:Devika Dhruva,Rajul Shah

    વહાલા દેવીકાબહેન અને રાજુલબહેન,
    છપ્પનભોગના મહાથાળના આગમન પુર્વેનો તમારો પત્ર મને ગમ્યો..
    તે માટે તમ બન્ને બહેનોને મારા ધન્યવાદ..
    જીવીએ–જાગીએ ત્યાં સુધી આવી વૈવીધ્યસભર યાત્રા ચાલતી રહે તો કેવું સારું!
    તમારા સારા કામમાં સાથ આપનારા સૌને પણ અભીનન્દન..

    Kalpana Raghu
    To:Devika Dhruva

    પ્રિય દેવિકાબેન,
    આપ સાહિત્ય જગતની સારી સેવા કરી રહ્યા છો.મને પણ તમારી પત્રાવલીમાં સહભાગી બનવાનો મોકો આપ્યો હતો.ખૂબ ખૂબ આભાર.છેલ્લા મહાથાળ અને આગળની યાત્રા માટે મારી શુભેરછા.
    કલ્પના રઘુ

    Liked by 1 person

    • આમ તો આ પ્રેમી અને પ્રેમિકા વચ્ચેનો પત્ર વ્યવહાર લાગે , પણ એમાં સૈફ સાહેબે એક બહુ જ મોટી વાત કહી છે –
      —–……………..
      પણ આ છેલ્લી વાત કહ્યા વિણ મારાથી રહેવાતું નથી,
      કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી… ( એડિટ સવલત વાપરીને આ લીટીને બોલ્ડ કરવા વિનંતી)

      એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે,
      પોતાની પ્રેમિકાને સૌ આ રીતે સમજાવે…

      દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું,
      મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું…

      શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે,
      તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે…

      મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે,
      દુનિયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે…
      ————-
      બ્લોગિંગની શરૂઆત આ જ ભાવથી થયેલી. કમભાગ્યે ‘દાદ’ની ખેવના અને વાડકી વહેવારમાં મૈત્રીના એ નિર્દોશ ભાવનું પણ રાજકારણી કરણ બની ગયું. ૨૦૦૫ માં માંડ દસેક બ્લોગ હતા. ત્યારે નેટ મૈત્રી આવા ભાવની હતી.

      Liked by 2 people

  4. દેવિકાબેન,
    તમે શરૂ કરેલો પત્રશ્રેણીનો પત્રપ્રવાસ કોણ જાણે કેટલાય સીમાડા ઓળંગીને, કેટલાય સમુંદર પાર કરીને ફરી પત્રાવળીના શીખરો સુધી પહોંચ્યો અને હવે આશા રાખું કે વર્ષોથી ક્યાંક ખોવાઈ ગયેલો પત્રવ્યહવાર બસ આવી જ કોઈને કોઈ સ્વરૂપે પણ આકાશી ચોતરે જીવંત રહે..

    Liked by 3 people

  5. આપ સહુનો અમને પિરસાયેલો ભોજનનો મહાથાળ જે છપ્પનભોગના મેવા મીઠાઈ અને મુખવાસના પાનબીડાંથી ભર્યો ભર્યો, અમારા માટે તો એક ઉત્સવથી ઓછો નથી. કેટલી નવિનતા, કેટલા નવા શબ્દોની માહિતી. ખરેખર આ પત્રાવળી એક નવો ઉત્તમ પ્રયોગ આપ ચારેની મહેનત,જ્ઞાન અને સાથે વાચકોના અતિ મુલ્યવાન પ્રતિભાવોથી સભર બની રહ્યો. આ પત્રાવળી ક્યાંક કોઈને સ્પર્શેલા શબ્દો થકી સૌના મન બ્રમ્હાંડમાં કાયમી એક અમિટ છાપ છોડી ગઈ છે. ઘડો ખાલી કે ભરેલો કરતાં ઘડાની સાર્થકતા તો એને કૃષ્ણની કાંકરી લાગે એમા છે અને ચોક્કસપણે એ કૃષ્ણકાંકરી આપની છપ્પનભોગથી ભરેલી પત્રાવળીને સહુ વાચકોના પ્રેમભીના પ્રતિભાવોથી લાગી ચુકી છે.
    આ પત્રાવળીને શરૂ કરી એક ભગીરથ કાર્ય એકધારું હર રવિવારે પ્રસ્તુત કરવા બદલ આપ સહુને ખુબ ખુબ ધન્યવાદ.
    શૈલા મુન્શા

    Liked by 1 person

Leave a comment