પત્રાવળી ૫૫…કવિ શ્રી રઈશ મનીઆર..

 રવિવારની સવાર…
પ્રિય શબ્દમિત્રો,
આજે વિચાર’ વિશે વિચારીએ.
શબ્દની સહાય વગર વાણી તો શક્ય નથીપણ શબ્દની સહાય વગર વિચાર કરી શકાયકદાચ વિચાર લાગણી અને વાણીને જોડતી કડી છે.
        ગુજરાતી ગઝલના આદ્યપુરુષ જનાબ શયદાની એક ગઝલનો એક શેર યાદ આવે છે.
                        વિચારવાળા વિચાર કરજો વિચારવાની હું વાત કહું છું.
                        જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે વિચાર આવે.

      માનવમાત્ર જાગૃત અવસ્થાના મોટાભાગના સમયે વિચારતો જ હોય છે. જીવન એ બીજુ કંઈ નહીં વિચારોની આવનજાવન છે.

    મિત્રો, વિચાર પણ કેટલી જાતના હોય! સ્ફૂરણા કે પ્રતિભાવ, કલ્પના કે સ્મૃતિ, ચિંતા કે આશા, કડવાશ કે મધુરપ, તુક્કો કે યોજના, સંકલ્પ કે સ્વચ્છંદતા, સમર્પણ કે હુંકાર, કુટિલતા કે સદભાવ, પ્રેમ કે ધિક્કાર! આવા અંતિમબિંદુઓની વચ્ચેના કોઈપણ મુકામ પર આપણે વિચારના હાર્મોનિયમ પર, કાળી-સફેદ પટ્ટીઓને સ્પર્શી આપણા જીવનનું ગીત કે ઘોંઘાટ નીપજાવતાં હોઈએ છીએ. કેટલાક સાઅને પકડી જ રાખે, કેટલાક જીવનભર એ પટ્ટી શોધતાં જ રહે, પણ પટ્ટી ન પડે.

      કેટલાકને જીવનની સપાટી ઉપરની ઘટનાઓમાં એવી તલ્લીનતા સાંપડે છે કે એમને વિચારવાની ફૂરસદ હોતી નથી. એથી ઊલટું, ઘણા વિચારવા જાય છે તો એમને અજંપા કે બેચેની સિવાય કંઈ હાથ લાગતું નથી તેથી તેઓ વિચારથી દૂર ભાગે છે અને કોઈને કોઈ વ્યસ્તતામાં પોતાની જાતને ખૂંપાવી દે છે. ઘણાનું જીવન વિચારના અતિરેકથી વિચારનો ખીચડો કે શંભૂમેળો બની જાય છે. ઘણા વિચારની ભૂમિ પર મબલખ ખેડાણ કરનારા વાસ્તવની ભૂમિ પર સાવ પંગુ નીવડે છે. જનાબ ખલીલ ધનતેજવીનો શેર યાદ આવે.
                                    દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું.
                                    દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે.

      વિચારીવિચારીને જીવાતું જીવન કદાચ સાહજિક ન રહે. કદાચ આયાસને કારણ એમાં તાણ કે તણાવ ઉત્પન્ન થાય. ઉપદેશથી જીવાતું જીવન, આદેશથી જીવાતું જીવન… મૌલિકતાની સૌરભ ગુમાવી બેસે એવું શાયર અમૃત ઘાયલને લાગે છે.

                                      જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું.
                                      ઉતારું છું પછી થોડું ઘણું એને મઠારું છું.
                                      તફાવત એ જ છે તારા અને મારા વિશે ઝાહિદ,
                                      વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.

      ખોખલા વિચારો પર જીવનનું ચણતર કરવાને બદલે નક્કર અનુભૂતિઓના રિફ્લેક્શનરૂપે જીવનને મમળાવવાનું કદાચ વધુ રસપ્રદ રહે.

પણ વિચારતાં લાગે છે કે વિચારવું શબ્દ બહુ વ્યાપક અર્થછાયા ધરાવે છે. પ્રાણી અને મનુષ્ય વચ્ચેનો મુખ્ય ભેદ વિચાર છે. પ્રાણી લાગણી અનુભવે છે, લાગણીને યાદ રાખે છે. પ્રાણી પાસે દૃશ્ય, ગંધ કે સ્પર્શની સ્મૃતિ છે પણ પ્રાણી પાસે ભાષા નથી. પ્રાણી પાસે ઈચ્છા અને આવેગ છે, પણ ભાષા નથી.

      માણસ માટે વિચાર એ લાગણી અનુભવવાનું, લાગણીને યાદ રાખવાનું સાધન છે. ભાષા માત્ર બોલવા માટે નહીં પણ વિચારવા અને કલ્પના કરવા માટે પણ કામ લાગે છે. કદી ભાષા વિચારને સુરેખ અને સ્પષ્ટ બનાવી જીવાતાં જીવનનો સાર કાઢી આપે, અને કદી ભાષા ગરબડ કરીને વિચારને અને જીવનને ગૂંચવીય નાખે!

       પ્રાણીને ઋતુનું ભાન હોય છે ખરું, પણ પ્રાણી મહંદશે વર્તમાન ક્ષણમાં જીવે છે. માણસ વિચારો દ્વારા સ્મૃતિના વાહનમાં બેસી ભૂતકાળમાં ફરી આવે અને આશાના વાહનમાં બેસી ભવિષ્યમાંય વિહરી આવે.

પ્રાણીનો સ્વનો ખ્યાલ તત્ક્ષણ સુરક્ષા કે આવેગ પૂરતો હોય છે. જ્યારે વિચારવાની શક્તિ માણસના સ્વના ખ્યાલને ભૂતકાળથી લઈ ભવિષ્ય સુધી વિસ્તારી એને ખૂબ પ્રબળ બનાવી દે છે.

        જ્યાં વિચાર છે ત્યાં વિચારનાર છે. વિચાર જો વર્તુળ હોય તો વિચારનાર કેન્દ્ર છે. માનવની મોટાભાગની વિચારણામાં હુંહોય છે. એ હુંતગડો હોય તો વાહવાહ ઝંખે અને નબળો હોય તો દયા ઝંખે. પણ ગમે તે રીતે વિચારને ઝંખનામાં પલટાતાં વાર નથી લાગતી. વિચાર તમારી પાસે લાલચુ બાળક જેવું વર્તન કરાવે. વિચાર અંકે કરી લેવા માંગે. વિચારે ગાંઠે બાંધી લેવા માંગે. વિચારની સમસ્યા એ છે કે વિચારનું એક અડધિયું જેવું લોભી બને કે તરત એનું બીજું અડધિયું ડરપોક બનવા માંડે. વિચારોનો અતિરેક મોટેભાગે સ્વકેન્દ્રિતતાનો અતિરેક સૂચવે છે. વિચારવું એ માનસિક રીતે અરીસો જોઈ પોતાની જાત પર મુગ્ધ થવાની કે પોતાની જાતથી ચીડાવાની પ્રક્રિયા છે.

અરીસાઘરમાં રહ્યા કૈદ આયખુ નીકળ્યું.
ઉખાડ્યા દર્પણો, સામે જ બારણું નીકળ્યું.
વિચારજાળ મેં નાખી તો ના કશું નીકળ્યું.
ડૂબ્યો સ્વયં તો સકળ વિશ્વ અવનવું નીકળ્યું. 

તેથી જ સંતોએ વિચાર વગરની સ્થિતિને ઈચ્છનીય ગણી છે. કવિ બકુલેશ દેસાઈનો શેર છે…
                                                          વિચારો વગરની સ્થિતિ આજ આપો.
                                                         નહીં તો વિચારો તમારા જ આપો.

      સ્વયંનો વિચાર છોડીને સકળને અનુભવવું સહેલું નથી. સકળ વિશે વિચારવું એ પાછી સ્વકેન્દ્રી પ્રક્રિયા જ છે, એની મથામણ છોડી, સકળ અને સ્વની વચ્ચે સૂત્ર કે સેતુનો, સળંગપણાનો અનુભવ કરવો એ વધુ મહત્વનું છે કેમ કે જો વિચારવા જઈએ તો સકળ અકળ છે.

અંતમાં જનાબ શયદાની એ જ ગઝલના બીજા શેર પર ધ્યાન દોરું, જેમાં કવિ કહે છે યુગોથી પચાસ કે સો વરસનું અલ્પ આયુ લઈ મારા-તમારા જેવા માનવપુષ્પો ખીલતાં-કરમાતાં રહે છે, પણ આ સૃષ્ટિના બગીચાની શોભા ઘટતી નથી. એટલે વિચારવાનું ઓછું કરી, એની સૌરભથી તરબતર થઈએ.

                                      તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ.
                                       હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

                 રઈશ મનીઆર
amiraeesh@yahoo.co.in

7 thoughts on “પત્રાવળી ૫૫…કવિ શ્રી રઈશ મનીઆર..

 1. કવિ શ્રી રઇશને હાસ્ય રચનાઓ દ્વારા વાતાવરણ રમુજી કરતા માણ્યા છે પણ આજના લેખે વિચાર વમળ ..
  ‘આપણા જીવનનું ગીત કે ઘોંઘાટ નીપજાવતાં હોઈએ છીએ. કેટલાક ‘સા’ અને ‘પ’ પકડી જ રાખે, કેટલાક જીવનભર એ પટ્ટી શોધતાં જ રહે, પણ પટ્ટી ન પડે …’
  વિચારતા ગુંજે ઘણાની સ્થિતી
  जीवन बीन मधुर न बाजे झूठे पढ़ गये तार बिगड़े काठ से काम बने क्या मेघ बजे न मल्हार
  पंचम छेड़ो मध्यम बोले खरज बने गन्धार बीन के झूठे पढ़ गये तार
  અને એનો હવે તો આજ ઉપાય
  बजने को है गूंज नगाड़ा होना है सबसे छुटकारा अपना जो है उसे समझ लो वह भी नहीं हमारा

  ‘વિચારવા જઈએ તો સકળ અકળ છે.’ સાથે સૌ પ્રથમ યાદ આવે વૈચારિક સ્વતંત્રતાના આશક-આરાધક ગાંધીવાદીઓના સામાન્ય સમુહમાંથી જુદું તરી આવતું એક નામ એટલે દાદા ધર્માધિકારી. તેમના પ્રવચનમા માણેલું ‘ વિચાર ક્રાન્તિ’ . વિનોબાજીના ભૂદાનયજ્ઞે એમને રાજદરબારમાંથી મુક્તિ અપાવી. સર્વોદયની માસિક પત્રિકા કાઢવા વિચારાયું ત્યારે સહસંપાદક તરીકે દાદા એમાં જોડાયા. તેઓ ભૂદાન, ગ્રામદાન અને સર્વોદય વિચારના જ્યોતિર્ધર બની દેશભરમાં ઘૂમતા રહ્યા. ભૂદાન યજ્ઞ નિમેત્તે દેશભરમાં ફરીને એમણે ગાંધીવિચાર પર વ્યાખ્યાનો આપ્‍યાં. દાદાનું સળંગ દર્શન એમનાં ત્રણ પુસ્તકો ‘વિચાર-ક્રાન્તિ‘, ‘સર્વોદય દર્શન‘ અને ‘અહિંસક ક્રાન્તિની પ્રક્રિયા‘ વાંચવાથી મળી શકે છે. ध्यायते विषयां पुंसः संगस्तेषूपजायते. संगात्संजायते कामः कामात् क्रोधोभिजायते क्रोधात् भवति सम्मोहःसम्मोहात् स्मृतिविभ्रमः. स्म्रुतिभ्रम्शात बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति મહાન વ્યક્તિઓની મહાનતા તેમના આદર્શ આચરણને લઈને જ છે અને આચરણનું મૂળ વિચાર છે. જેવો વિચાર આવે તેવો આચાર એટલે કે આચારની જન્મોત્રી મનમાં ઉદભવતા વિચારો છે. “જેવા વિચારો તમે કરવાના,એવા જ જરૂર તમે થવાના”મહાન વ્યક્તિઓનું આદર્શ જીવન તેમના વિચારોમાં પ્રતિબિંબિત થતું હોય છે.આ વિચાર વમળમાંથી નીકળી તેઓએ કહ્યું તેમ વિચારવાનું ઓછું કરી, એની સૌરભથી તરબતર થઈએ.
  તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ.
  હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

  Liked by 4 people

 2. ”વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.”

  વાંચવા અને વિચારવા જેવો વિચાર !

  લેખકોના સાહિત્ય સર્જન અને કલાકારોની કળાની પાછળ કોઈ એક વિચાર પડેલો હોય છે. કોઈ એક શાંત સરોવરમાં જેમ એક પથ્થર ફેંકાવાથી અનેક વમળો સર્જાય છે એમ જ એક વિચાર અનેક વિચારોનાં વમળો ઉત્પન્ન કરે છે અને એના પરિણામ રૂપે જ કાવ્ય કે આવા લેખોનું સર્જન શક્ય બને છે.આવા લેખ વાંચીને વાચકોના મનમાં પણ અનેક વિચારો આવે છે અને આવી કોમેન્ટ લખાય છે.!

  એમ મિત્રે કહેલી જોક યાદ આવી ગઈ !
  કનુભાઈ- આવતા ડીસેમ્બરમાં મારે યુરોપની ટુર પર જવાનો વિચાર છે.
  ધનુભાઈ- કનુભાઈ એ ટુર માટે તમને કેટલો ખર્ચ થશે.
  કનુભાઈ- અરે ભાઈ, વિચાર કરવામાં ક્યાં એક પાઈનો પણ ખર્ચ થાય છે !

  Liked by 3 people

 3. આજે પત્રાવળીનો નંબર ૫૫( ‘પપ’ માં પત્રાવળીમાં ‘પ’ ઉમેરો અને એને આંકડામાં ગણો તો એ આંકડો થયો ‘૬૦’ બરાબર ને! ને હવે આ પટેલભાઈનો ‘પ'(એને આંકડામાં ગણો) ને ‘૬૦’ માં ઉમેરે તો થયા ‘૬૫’ ! ‘૫૫’માંથી કુદકો મારી પહોચ્યા ‘૬૦’ના આંકડાપર! લો અમે તો ‘પ’ના આંકડાની રમત રમી લીઘી નવા વર્ષે!

  Liked by 1 person

 4. અમારા પ્રતિભાવના પ્રતિભાવ ઇ મેઇલથી આવ્યા છે-
  ૧ Rashmikant Desai
  To:Pragna Vyas
  जीवन बीन मधुर न बाजे વાળું જે ગીત છે તે મૂળ ચલચિત્રમાં જુદા સંદર્ભમાં ગવાયું હતું. સાયગલ એક જાસૂસ હતો. તેના સાથીદારો ફૂટી ગયા હતા. તે માહિતી તેના ઉપરી અધિકારીઓને જણાવવા માટે સાયગલે રેડિયો પર આ ગીત ગાયું હતું. આમાં કોઈ આધ્યાત્મિક વાત નહોતી.
  અને
  Uttam Gajjar
  To:’Pragna Vyas
  Jan 7 at 5:14 AM
  આજે ‘વિચાર’ વિશે વિચારીએ
  અહીંથી માંડી વીચાર વીશેનો આ લેખ વીચાર્યા વીના બે વાર વાંચી ગયો.
  પછી તે વીશે વીચાર્યું. વીચાર વીશે વીચારતાં એમ જણાય છે કે વીચાર વીશે
  વીચારાયેલું અને લખાયેલું બધું સાચું જ છે.
  વીનોદ ભટ્ટનો લેખ જ્યાં છપાતો દીવ્ય ભાસ્કરની રવીવારની પુર્તીમાં;
  બરાબર તે જ સ્થળે હવે ભાઈ રઈશનો લેખ હવે છપાય છે. તેયે મારે બે વાર જ વાંચવો પડે.
  પહેલી વાર મગજમાં વીચારનારા યંત્રને સ્વીચ ઓફ કરી, માત્ર મરકતાં મરકતાં એન્જૉય કરવા અને બીજી વાર, વીચારવાના યંત્રને ચાલુ રાખી, લેખકની ખુબીઓને પકડવા.. તે ખુબીઓ જેમજેમ પકડાતી જાય તેમ તેમ લેખક વીશે આદર વધતો જાય.
  શબ્દોનો વૈભવ એમની પાસે હોવા છતાં; લેખક શબ્દોનો વેડફાટ નથી કરતા.
  જુઓ નીચેનાં વાક્યો :
  જીવન એ બીજુ કંઈ નહીં વિચારોની આવનજાવન છે.
  વિચારીને તું જીવે છે; હું જીવીને વિચારું છું.
  માનવની મોટાભાગની વિચારણામાં ‘હું’ હોય છે.
  એ ‘હું’ તગડો હોય તો વાહવાહ ઝંખે અને નબળો હોય તો દયા ઝંખે.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s