પત્રાવળી-૨૮

રવિવારની સવાર
પત્રમિત્રો,
‘પત્રાવળી’ની શબ્દયાત્રામાં અત્યાર સુધી હું ‘પ્રવાસી’ હતો, આજે “સહયાત્રી” બન્યો. પ્રવાસી તરીકે મુગ્ધ બની વાંચતો હતો, હવે સહયાત્રી તરીકે શબ્દમાં શ્રદ્ધા ભળી. ‘પત્રાવળી’ યાત્રારથના ચાર પૈડાં પૈકી દેવિકાબેને પ્રારંભમાં જ શબ્દને અહમ્-થી સોહમ્-ની યાત્રા ગણાવ્યો છે. કેટલું બધું આવી જાય છે આ બંનેની વચ્ચે?!

પણ એક મિનિટ, શબ્દ એટલે શું? શબ્દની પોતાની કોઈ ભાષા ખરી? શું બોલાય, લખાય અને વંચાય એ જ શબ્દ? મને તો લાગે છે શબ્દ એક એવું ‘નિરાકાર’ તત્વ છે જે દરેક આકાર અને સ્વરૂપમાં આપણી સામે આવે છે. શબ્દ આંખના ઈશારામાં હોય છે. શબ્દ હોઠ અને ચહેરાના હલનચલન દ્વારા વ્યક્ત થાય છે. શબ્દ તો સ્પર્શ દ્વારા પણ વ્યક્ત-અભિવ્યક્ત અને કન્વે (convey) કરી શકાય છે. સાંભળી અને બોલી નહીં શકનાર દિવ્યાંગ માટે જે કંઈ દેખાય છે એ જ શબ્દો છે. તો જોઈ નહીં શકનાર દિવ્યાંગ સાંભળીને અથવા સ્પર્શ કરીને શબ્દને અનુભવે છે.

અરે, નવજાત બાળક માટે માતાના સ્પર્શમાં રહેલી શબ્દની શક્તિને કેવી રીતે મુલવીશું? અને એ નવજાતને સૂવડાવવા માટે હાલરડું ગાતી માતા પોતે તો શબ્દનો સહારો લે છે, પણ ઘોડિયામાં હિંચતાં બાળક માટે એ શબ્દોનું કોઈ મહત્ત્વ છે ખરું? ના, એ તો માતાના અવાજ અને હાલરડાંના લયને સાંભળતાં સાંભળતાં જ સૂઈ જાય છે ને! શબ્દમાં યુદ્ધની ક્ષમતા છે તો શબ્દમાં શાંતિની અસાધારણ તાકાત પણ છે.

કુદરતી વાતાવરણમાં રહેતાં પશુ-પક્ષી-પ્રાણી તમને શબ્દ વિના જ આનંદ અને ડરની લાગણી કરાવે છે ને! આંગણામાં રમતી ખિસકોલી કે પતંગિયાને તમને આનંદ આપવા માટે શબ્દની ક્યાં જરૂર પડે છે! તો એકાએક સામે આવી જતા વંદો, ગરોળી કે પછી સાપ કોઈ શબ્દ વિના જ આપણને ડરની અનુભૂતિ નથી કરાવતા? વહેતા ઝરણાંના ખળખળમાં કોઈ શબ્દ નથી, પણ તેમાંથી ઊઠતા ધ્વનિમાંથી થતી શબ્દરૂપી અનુભૂતિ આપણી પોતાની છે. દરિયાના ઘૂઘવાટમાં કોઈ શબ્દ નથી, પણ ઘૂઘવાટનો એ અનુભવ આપણામાં શબ્દરૂપ લે છે. ઈશ્વર સાથેના સંવાદમાં ભાષા અને શબ્દનાં બંધન માણસને ક્યાં નડ્યાં જ છે? એક ગુજરાતી ભાવિક ગુજરાતી ભાષામાં શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે તો દક્ષિણ ભારતીય ભાવિકો વેંકટેશ્વરની સ્તુતિ તેલુગુ, કન્નડ કે તમિળ ભાષાઓમાં કરે છે. શ્રીકૃષ્ણના આ બંને સ્વરૂપ કઈ ભાષાના કયા શબ્દ સમજે છે એ કોઈને ખબર છે ખરી? છતાં, આપણને સૌને વિશ્વાસ છે કે આપણી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચે છે, પહોંચશે. અહીં “પ્રાર્થના” એ ‘ભાવ’ છે અને આ “ભાવ” એ જ ‘શબ્દ’ છે.

શબ્દોની તાકાત, તેની નબળાઈ અને તેની મજા બધું કહેવતોમાં સૌથી શ્રેષ્ઠ રીતે વ્યક્ત થાય છે. તેના વિશે આખી પત્રાવળી શ્રેણીમાં ઘણા વિદ્વાનોએ લખ્યું છે. કાવ્યોમાં શબ્દોની પસંદગીની વાત પણ આવી. પણ આપણી પાસે એવા એવા શબ્દો હોય છે જેના ઉપયોગ અને તેની અર્થછાયામાં ઊંડા ઉતરવામાં આવે તો એક સાવ નવી જ દુનિયા જોવા મળે. જેમ કે – દિશા. આ શબ્દ વાંચતાં કે સાંભળતાં જે અર્થ આપણા મનમાં આવે તે સિવાય પણ કેટકેટલા અર્થ તેમાં સમાયેલા છે! એવી જ રીતે ઊંડાણ અને ઊંચાઈ! પણ એ બંનેનો અનુભવ કરવા માટે તમારે શબ્દોની જરૂર છે ખરી?

શબ્દ બ્રહ્મ છે એવું આપણે સાંભળ્યું છે. તો પછી અર્થ શું છે? અર્થ સાપેક્ષ છે. હું જે બોલું છું અથવા લખું છું તે બરાબર એ જ અર્થમાં તમે નથી સમજતા તો તેના બે અર્થ છે – એક, હું જે બોલું કે લખું એવું ખરેખર કહેવા માગતો નથી… અથવા બે, તમે તેને તમારી માન્યતા મુજબ સાંભળવા કે સમજવા માગો છો. અને એ સંદર્ભમાં અર્થ સાપેક્ષ છે.

પત્રાવળીની આ શ્રેણીએ શબ્દ વિશે આટલું બધું વિચારવાની તક આપી એ આ પ્રયાસની સૌથી મોટી સફળતા ગણાય. મને તો લાગે છે કે આ શ્રેણીના પત્રોનું સંપાદન કરીને પુસ્તક તૈયાર કરવામાં આવશે તો ગુજરાતી ભાષા, સાહિત્ય અને શબ્દ વિશે એક અમૂલ્ય ગ્રંથ તૈયાર થશે. શબ્દને માતાની જેમ લાડ લડાવવામાં આવે, પિતાની જેમ શિસ્તમાં રાખવામાં આવે તો તેમાંથી કેવો ભવ્ય પરિવાર તૈયાર થાય તેનું પ્રત્યક્ષ ઉદાહરણ પત્રાવળી છે, એવું કહેવામાં અતિશયોક્તિ મને તો નથી લાગતી.

સૌને  શાબ્દિક વંદન..

અલકેશ પટેલ

Email: alkesh.keshav@gmail.com

10 thoughts on “પત્રાવળી-૨૮

  1. શબ્દ અર્થ સાપેક્ષ-સાદા શબ્દો, મૂળ અર્થ કાંઈ અલગ, સાંપ્રત અર્થ કાંઈ અલગ….
    શબ્દ સારા કે નઠારા હોય છે,
    અર્થ કાયમના ઠગારા હોય છે ! -ભરત ત્રિવેદી
    આ એવા શબ્દો છે કે જે પેદા થયા ત્યારે કોઈ એક અર્થ હતો પણ કાળક્રમે કંઈક અલગ અર્થમાં જ પ્રચલિત થયા છે. ખલનાયક એટલે નાયકનો વિરોધી પણ ખલનાયકનાં મતે નાયક જ ખલનાયક હોય છે. કોણ ખલનાયક છે? ગુજરાતી લેક્સિકોન અનુસાર ખલનાયક એટલે દુષ્ટ માણસ, હરામખોર માણસ, વિલન પુરુષ. પણ વિલનનો મૂળ અર્થ થતો હતો ‘ખેતમજૂર’. લેટિન ભાષામાં ‘વિલા’ શબ્દ છે જેનો અર્થ થાય છે ગામડાનું ઘર. ચૌદમી સદીમાં કૃષિ ક્ષેત્રે આજે છે એવા આધુનિક સાધનો નહોતા. કૃષિ ક્ષેત્રે ખેતમજૂર જ સઘળું કામ કરતા. એ બધા વિલન કહેવાતા. સ્વાભાવિક છે કે આ બધા મજૂરો ગરીબ હતા. પૈસા હોય નહીં એટલે તેઓ વિશ્વાસપાત્ર નહોતા ગણાતા. ગુના કરવા માટે એમની પાસે કારણ હતું. સદીઓ પછી આ શબ્દ એવી રીતે તબદિલ થયો કે આજે પૈસાદાર ગુના કરે છે અને એ વિલન કહેવાય છે. પ્રશ્ન પાછો એનો એ જ છે. વિલનનો અર્થ, તમે હીરો કોને ગણો છો? એની ઉપર આધારિત છે. વિલનનો અર્થ સ્વતંત્ર નથી. સાપેક્ષ છે.
    આ ફ્લુ- ઇન્ફ્લુએન્ઝાનું હુલામણુ નામ! મૂળ લેટિન શબ્દ ‘ઇન્ફ્લુયર’. ઇન એટલે અંદર અને ફ્લુયર એટલે વહેવું. વૈજ્ઞાનિક સંશોધન બતાવે છે કે વાઇરસ પોતે મરતા નથી. માણસોને મારે છેઅને બીલ ગૅટસ ને આનંદ થાય છે કે વૅકસીન માટે દાન કરેલી રકમ અનેક ઘણી વધી !
    3.ગુજરાતીમા અપનાવેલો શબ્દ હેઝાર્ડ એટલે સંકટ, ભય, જોખમ, આકસ્મિક ઘટના. પણ એનો મૂળ અર્થ કાંઈ અલગ હતો.હેઝાર્ડ એટલે જૂગટું રમવાનાં પાસા. મૂળ ફ્રેન્ચ શબ્દ ‘હેસાર્ડ’ જેનો અર્થ થાય પાસાથી ખેલાતી કોઇ પણ રમત. સ્પેનિશ શબ્દ ‘અઝાર’ એટલે પાસો અવળો પડ્યો હોય તેવી બદનસીબી. જ્યોફ્રી ચૌસરે હેઝાર્ડ રમતની વાત લખી અને હેઝાર્ડ નો અર્થ જોખમ થયો પણ હાલ હેઝાર્ડ શબ્દ બોલતા બેલજીયમના ફુટબોલ પ્લેયરની કિક યાદ આવે!
    અમારા સુ શ્રી રજુલબેને પરિચય કરાવ્યો કે અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા પછી બેચ્લર ઓફ જર્નાલીઝમ અને માસ કોમ્યુનીકેશન ની તાલિમ લઇ કારકિર્દી ની શરુઆત કરી. જો કે આ તબક્કે તેઓ એટલે કે ભણતા ભણતા પણ સહ તંત્રી કે તંત્રી તરીકે કાર્યરત તો હતાજ.— લેખનની શરૂઆત ૧૯૯૨-૯૩થી… જનસત્તા-લોકસત્તા માં વેપાર સિવાયના લગભગ તમામ વિષયો પર લેખો.— એ કામગીરી ત્યારબાદ ગુજરાત ટાઈમ્સ (યુકે), સમભાવ (અમદાવાદ), દિવ્ય ભાસ્કર , ગુજરાત ગાર્ડિયન માં પણ ચાલુ રહી. ૨૦૦૮થી લગભગ ૧૫ પુસ્તકોના અનુવાદ. એવા ઑલરાઉંડર મા શ્રી અલકેશ પટેલને નાચીજ ને શાબ્દિક વંદન

    Liked by 2 people

  2. શબ્દ બોલાય અને સમજાય કાંઈક અેવું ઘણીવાર બને છે. ત્યારે આપણે કહેવું પડે છે કે મારા કહેવાનો એ મતલબ નહોતો.
    શબ્દની વાત પરથી મારા કાવ્યની થોડી પંકતિ યાદ આવે છે.
    “શબ્દને મૌન હોય એમ પણ બને
    અને વળી શબ્દથી કોઈ ઘવાય એમ પણ બને
    કદી બને એવું, બને શબ્દ નિઃશબ્દ
    સાથ જો હો પ્રિયજન તો
    બસ બોલતી રહે આંખો અને
    મૌન બને શબ્દ !!”

    Liked by 2 people

  3. અલકેશભાઈ ખુબજ સરસ.
    શબ્દ વીના મનના ભાવથી વાત સમજાય પરંતુ આ ભાષાની સાથે શબ્દો તો જોડાયેલા છે, હોઠ સુધી આવ્યા નથી મનની અંદર તો શબ્દો રહેલા છે.સામેના માણસના કોઈ પણ ભાવ હોય, તે ભાવ આપણે તો શબ્દોમાં જ સમજીએ છીએ. મૌનની ભાષા હોય, આંખોની ભાષા હોય, તેને સમજવા માટે શબ્દો તો જોઈએ .
    શબ્દની સાથે ભાવ ઉમેરાય ત્યારેજ તે શબ્દોની તાકાત અને નબળાઈ જણાઈ આવે.મનના ભાવોને કારણે જ જાણે શબ્દની ઉત્પતી થાય છે એવું નથી લાગતું. મનની અંદર સારા ખોટા વિચારો આવે આ વિચારો પ્રમાણે ભાવ પેદા થાય, અને શબ્દોનું સર્જન થાય.
    વાહ રે ઈશ્વર, માણસનું શું જોરદાર દિમાગ બનાવ્યું છે !

    Like

Leave a comment