પત્ર નં. ૫૧..ડીસે. ૧૭ ‘૧૬

christmas કલમ-૧

 શનિવારની સવાર…

પ્રિય નીના,

જીંદગીની ઘટનાઓના વિવિધ રંગો અને ભાવો વચ્ચે ઝુલતો તારો પત્ર મળ્યો. વાંચતા વાંચતા જ તારા પડોશીને ત્યાં બનેલ ગમખ્વાર બનાવ વિશે જાણીને એ મનોસ્થિતિની કરુણ કલ્પના માત્રથી ઘડીભર આંચકો લાગી ગયો. સારું થયું કે બંને જણા બચી ગયા. તેમને સાંત્વન આપજે કે એક દુઃસ્વપ્નની જેમ આખી યે વાતને ભૂલી જજો. બચી ગયા તે જ બસ છે. જાણું છું કે કહેવું સહેલું છે પણ આવી ઘટનાઓને ભૂલવી દુષ્કર છે. નજીકનાનો નજર સામે બનેલો બનાવ આઘાતજનક જ છે. પણ ધીરે ધીરે તું એમાંથી બહાર આવવા માંડજે. અગાઉ લખ્યું હતુ અને આજે ફરીથી લખું છું કે દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો ન બાંધવા દેવાય. ધીરેથી ઉડાડી મૂકવાનું જ હોય.

નીના, જોતજોતામાં તો ડિસે.પણ આ અડધો ચાલ્યો. જો ને,૨૦૧૬નું વર્ષ પૂરું થવા આવ્યું. આ વર્ષના પહેલા શનિવારથી શરુ થયેલ આપણા પત્રોએ પણ પૂરા વર્ષની વણથંભી કૂચ પૂરી કરી. હૈયાના હોજમાંથી કેટલું બધું ઠાલવ્યું? કંઈ કેટલી યે કેડી પર પગલાં માંડ્યા અને આગળ  ચાલ્યાં. ક્યાંથી, ક્યારે, કયો ફાંટો પડ્યો અને ક્યાં વળ્યો એ ખબર પણ ન રહી. બસ, ભીની ભીની પળોને વીણીવીણીને અહીં વાગોળી. સૂકી ક્ષણોને પણ સામસામે સેરવી. એમ કરતાં કરતાં પરસ્પરના અનુભવો, વિચારો,ચિંતન, મંથન વગેરેને એકમેકની આરસીમાં ખુલ્લાં હાથે વેર્યા અને ઝીલ્યાં.

આજના પત્રનો નંબર ૫૧ લખ્યો ત્યાં તો બાવન પત્તાની કેટ યાદ આવી. બાવન પાનાં એટલે જોકર વિનાની કેટ!! પૈસાની દ્રષ્ટિ વગર રમાય તો પત્તાની રમત નિર્દોષ આનંદ આપે, નહિ તો એ જુગાર જેવી લત બની જાય. અમેરિકામાં સતત ઝાકઝાક થતાં ‘કસીનો’ના સ્લોટ મશીન પરની રમત ક્ષણભર એવો આનંદ આપતી હોય છે. જો કે, તેમાં યે નિયમ/સંયમની પાળ તો બાંધવી જ પડે.

ડિસેમ્બર મહિનો એટલે  અમેરિકામાં ચારેબાજુથી ઝાકમઝોળ. અરે, અમેરિકામાં જ કેમ? હવે તો પૂરા વિશ્વભરમાં ક્રિસ્મસ જોરશોરથી ઉજવાય છે. આધુનિક સદીનો માનવી હવે ગ્લોબલ સંસ્કૃતિમાં રાચતો થયો છે! ને એમાં કશું ખોટું પણ ક્યાં છે? તમામ વાડાબંધીઓને ફગાવી માણસ માત્ર માણસ બનીને જીવવા માંડે અને એક જ માનવતાનો ધર્મ પાળવા માંડે તો તો કવિવર શ્રી ઉમાશંકરભાઈનું ‘વિશ્વમાનવ’નું સ્વપ્ન સાકાર થઈ જાય. ન દેશ-પરદેશનો ભેદ, ન જ્ઞાતિ-વિવાદ કે ન ક્યાંયે કશો વિખવાદ. કેવળ સંસારને સર્જાવતી, સજાવતી અને સમજાવતી એક શક્તિનો સ્નેહપૂર્વકનો સ્વીકાર.

આજે આંખ ઘણી વહેલી ખુલી ગઈ એટલે ઉપરના ફ્લોરના કોમ્પ્યુટરવાળા રુમમાં આવી લખવાનું ચાલુ કર્યું. થોડું લખીને બારી ખોલી તો વિશ્વચાલક એ શક્તિનો આવિષ્કાર થયો. જાણે મારા મનની બારીમાં વિચારોનો વીંઝણો થયો! સૂરજની શક્તિ અપરંપાર..નીના, સવારના પહોરમાં પાંપણના પડદા પંપાળતા, સોનેરી પ્રભાતના કિરણો એનો પ્રેમ…કાયાને મરોડતો અને જુલ્ફોને રમાડતો સમીર એનો સ્પર્શ… તો ચેતનાને જગાડતી આછીપાતળી વાદળી એનું વહાલ છે. અત્યારે બદલાયેલાં પાંદડાના અવનવા રંગો એની પ્રીત તો પંખીના સૂરીલાં ગીતો એનો નેહ છે. મનની મોસમ પર મેઘધનુષના રંગોનો છંટકાવ.. તેનો જાદૂ કહું? કેટકેટલુ અને શું શું કહું? યુગોથી રમાતી આદિ-અંતની આંખમીંચોલી, એની રમત કે નિયતિ? ચાલ, કવિતામાં ઢસડાઈ જાઉં તે પહેલાં મુખ્ય વાત પર આવી જાઉં. ખરેખર તો ગઈકાલે રાત્રે મહાન કવિ શ્રી મકરંદ દવેની ઘણી ઘણી કવિતાઓ વાંચીને સૂઈ ગઈ હતી તેથી એની અસર થઈ.

તારી બાળપણની વાતો વાંચવાની મઝા આવી. બાળપણ, ભાઈબેનો, માતપિતા,દાદી,માસી,મિત્રો એ વિષય જ એવો છે કે એમાં ખેંચાયા વગર રહેવાય જ નહિ. મારી કવિતાઓને પોરસાવવા અને પ્રોત્સાહન આપવા બદલ આનંદ. તને ગમે તે મને ગમે.

હવે વર્ષને અંતે એક છેલ્લો,નવો વિચાર આવ્યો. એને તું ઈચ્છા પણ કહી શકે. સાચું કહું? કંઈક ચટપટી વાનગી ખાવાનુ મન થયું.  તું સુરતની છે અને એકાદ નવી ચટાકેદાર વાનગી ન મળે તે કેમ ચાલે? પત્રોના આ રસથાળમાંથી ભૂખ્યા ઊઠતા હોઈએ તેવું ન લાગે? એટલે મારા તરફથી આ પત્ર ભલે કદાચ છેલ્લો હોય પણ તારે તો પીરસ્યા વગર નહિ જ જવાય. પંચેન્દ્રિયોમાં જીભ અને સ્વાદ તો મુખ્ય છે. અરે, પતિદેવોના દિલ સુધી પહોંચવામાં એ તો સીધો રસ્તો છે!  હસ નહિ. આ કામ તારે માથે. મને ખબર છે તને ગમે પણ છે. આમે તું મારાથી ૬ મહિના મોટી છું એટલે જમાડવાનું તારે માથે નાંખી હું છટકું છું..

આજની સવારની જેમ મન પ્રસન્ન છે. મારી પ્રસન્નતાની સાથે હંમેશા કવિશ્રી સુંદરમની પંક્તિઓ જોડાયેલી છે. અચૂક યાદ આવે જ, આવે.. “મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે,મારે અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે.” વધુ આનંદ છે મૈત્રીના ઉપનિષદ જેવા આપણા પત્રો. આ પત્રો દ્વારા આપણી મૈત્રીનું ઝરણું..અંતરમાંથી નીકળી આંગળી પર થઈ એ કેટલું વહ્યું? જીંદગીના તુલસીક્યારે પ્રગ્ટેલી આપણી મૈત્રીના દીવાની જ્યોત સદા ઝગમગતી રહે અને આ પત્રશ્રેણી દ્વારા ફૂટેલાં નવા નવા પાન લીલાંછમ રહે એવી શ્રધ્ધાજડિત પ્રાર્થના સાથે મારા પત્રોની પૂર્ણાહુતિ કરું છું. નાતાલના નજીક આવી રહેલાં ઉત્સવ પર અને નવા વર્ષની મુબારકબાદી સાથે તને અને સૌને એજ શુભેચ્છા.  જીવનના આ ખરા રસાયણનો સંતોષ કેવો ગજબનો છે!!

છેલ્લે, જીંદગીની સચ્ચાઈનું એક મુક્તક લખી દઉં?

ज़िन्दगी में ना ज़ाने कौन सी बात “आख़री” होगी,
ना ज़ाने कौन सी रात “आख़री” होगी..
मिलते, जुलते, बातें करते रहो यार एक दूसरे से,
ना जाने कौन सी “मुलाक़ात” आख़री होगी.. 

 ચાલ, આવજે. હવે તો કદાચ રુબરુ મળવાનો સમય આવ્યો લાગે છે!! અમેરિકા આવીશ ને?

દેવીની સ્નેહ-યાદ

22 thoughts on “પત્ર નં. ૫૧..ડીસે. ૧૭ ‘૧૬

  1. દેવિકાબેન અને નયનાબેન,
    આપ બંનેના પત્રોમાં દરેક શબ્દ રંગબેરંગી પુષ્પો સમાન સજાવીને આલેખન કરીને,વાંચકોને વિવિધ વિષયોનુ રસપાન કરાવ્યુ. હવે નવા વિષય માટે અપેક્ષા.
    નવા વર્ષે કોઈ નવા વિષય માટે અનેક અનેક શુભકામના.

    Liked by 1 person

  2. ખરેખર એક વર્ષના વહાણા વહી ગયા ?
    જો કે તમારા અને નીનાબેનના પત્રો એટલા રસાળ અને વાચાળ હતા કે એમાં રસ તરબોળ થવાની, એને માણવાની મઝા આવી અને જેમાં મઝા આવે એમાં સમય ક્યાં વહી જાય એની ખબર સુધ્ધા ના રહે. એક મેકની સાથે સાંકળી લેતા અલગ અલગ વિષયો અને એની સાથે વણાયેલી લાગણીઓની તરલતાને લીધે હ્રદયને સીધા જ સ્પર્શતા હતા તો ક્યારેક એ વાતોમાં રહેલા તાર્કિક તથ્યના લીધે મન પણ એને સ્વીકારી જ લેતું હતું.
    આમ તો એમ કહેવાય છે કે રસના ચટકા સારા , હોજ નહીં પણ બંનેના હૈયાના હોજમાંથી ખુલ્લા હાથે ઠલવાયેલી ભીની ભીની પળો , વિચારો, ચિંતન અને મંથેન સાથે એક સરસ મઝાનો સેતુ બંધાતો ગયો.
    સાચે જ ખુબ માણી આ તમારી પત્રશ્રેણી………

    નાતાલ અને નવા વર્ષ માટે ખુબ ખુબ શુભેચ્છા.

    Liked by 1 person

  3. રાજુલબેન, ખરેખર એક વર્ષ વીતી ગયું. કેલેન્ડરના પાના ફરતા ગયાં અને એ સાથે કલમ પણ ચાલતી રહી. તમારા જેવા ઉમદા વાચકોએ કેટલો મોટો ફાળો આપ્યો? સૌને માટે જેટલા શબ્દો લખું તેટલા ઓછા જ લાગે. નીનાનો પ્રત્યુત્તર મળશે આવતા શનિવારે અને તે જ ખરેખર તો છેલ્લો પત્ર ગણાશે..જરૂર વાંચશો અને પ્રતિભાવ પાઠવશો.

    Like

  4. પત્રો દ્વારા અનેક રંગના વિષયો પર વિચારોના રંગપટને વિસ્તારવાનો આ પ્રયોગ ઘણો રસપ્રદ રહ્યો.
    ૫૨ પત્રો, એટલે કે એક વર્ષ સુધી આ યાત્રામાં વાચક તરીકે (પરોક્ષ) સાથ આપતા રહેવા બાદ છેલ્લેથી પહેલા પત્રમાં એક પ્રતિભાવ મઊકવાની લાલચ નથી રોકી શકાઈ.
    જેમ કોઈ વ્યક્તિ ક્યારેક જીવનમાં આવી જાય અને પછી વિલય થઈ જાય તે પછી હવે ક્યારે મળાશે એવી ભાવના કયા સંજોગોમાં પ્રજવળ્યા કરે ? કે કયા સંજોગોમાં એવો ભાવ પેઅદા થીને વિસરી જાય? કે પછી જેની સાથે લાંબો સાથ રહ્યો છે તેની સાથેનો સંગાથ છૂટી જાય ત્યારે હવે એ સંગાથની યાદમાં ઝૂરવા ઉપરાંત ફરૉ મળવાની ભાવના થાય?
    પહેલા પ્રકારના કિસ્સામાં સંબંધમાં ખટાશ આવી જવા કે બીજા કિસ્સામાં મૃત્યુ જેવા હાથ બહારની પરિસ્થિતિઓની વાત નથી મનમાં આવતી.આ સવાલો મનમાં કેમ આવ્યા તે પણ નથી સમજાતું !જવાબ તો શું જ હોય એ તો વિચાર્યું પણ નથી.બસ આ વિચાર મનમાં આવ્યો અને આટલું લખાઈ ગયું.
    સમજાય છે કે અધૂરૂં, અસંબંધ્ધ છે,અણ બસ, વિચાર મનમાં ઝબકી ગયો અને લખાઈ ગયું.
    છેલ્લા પત્રનો ઈંતજાર અને તેમાં શૂ કહેવાયું હશે તેની ઉત્સુકતા તો છે જ.

    Liked by 1 person

    • વાહ, અશોકભાઈ….તમારા આજ અહીં પગલાં થયાં જોઈ આનંદ,આનંદ. તમે લખો છો તેમ સવાલો કેમ આવ્યા,ક્યાંથી આવ્યા એ સવાલો મને પણ થયાં જ. છતાં ચાલો, વિચારોના વૃંદાવનમાં કંઈક તો અર્થસભર હશે જ અથવા ફરીથી સ્પષ્ટપણે ઝબૂકશે એવી આશા રાખીશું. તમારી જેમ અમે પણ રાહ જોઈશું. અત્યારે તો આભાર સાથે આટલું જ..

      Like

  5. દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો ન બાંધવા દેવાય.
    આપણા સુખ અને આપણા દુખ બધા સાપેક્ષ છે. એકનુ દુખ ક્યારેક બીજાનુ સુખ બની જાય અને એકનુ સુખ ક્યારે બીજાનુ દુખ બની જાય. એક જ વાત એકનુ સુખ હોય અને બીજાને માટે તે દુખજનક હોય. “ખ” નો અર્થ છે આકાશ. (ખગ= ખ + ગ= આકાશમાં ગતિ કરનાર). દુ + ખ= જેનુ ભિતરનુ આકાશ દુષિત થયું અને સુ + ખ= જેનુ ભિતરનુ આકાશ શુભ બન્યું. સુખ અને દુખનો આધાર ભિતરના આકાશ સાથે સંબંધીત વધુ છે, બહારની પરિસ્થિતી સાથે ઓછો. અને જીવનનુ સત્ય એ છે કે પરિસ્થિતીઓ બદલવી લગભગ સંભવ નથી હોતી, પરંતુ મનોસ્થિતી બદલવી તે આપણા હાથમાં છે. અને એ જ સુખની ચાવી છે.
    બીજું અહીં આપે બાવન પત્તાની કેટની વાત કરેલ છે. આ બાવન પત્તાની કેટ કોઈ સામાન્ય નથી. તેમાં આખું ભિતરનુ (અધ્યાત્મનુ) વિજ્ઞાન છુપાયું છે. એના રહસ્યો ગુર્જીએફે ખુલ્લા કર્યા છે. જગત આપણને જેટલું દેખાય છે અને સમજાય છે, તે આપણી ક્ષમતા મુજબ. બાકી અજબ ગજબના રહસ્યોથી ભરેલ છે.આપણા ઋષિમુનિઓ આવા અનેક રહસ્યો આપણા શાસ્ત્રોમાં મુકી ગયા છે. એ રહસ્યો કોઈ નાદાન હાથમા ન આવે તેથી ખુબ કાળજી પૂર્વકની સાંકેતીક ભાષામાં છે. ખેર! આ બધી આડવાત થઈ ગઈ.
    પત્ર સંબધે કહું તો ખુબ સુંદર અને સાહિત્યની નજરે ઊંચી ભાષામાં લખાયેલો છે. મારી સમજ છે પત્ર લખીએ ત્યારે જેટલું હૃદય અને ભાવ કલમ સાથે જોડાય તેટલો પત્ર બીજાના હૃદય્ને ઝકૃત કરે છે. બહુ ઊંચા ઊંચા શબ્દો, પ્રાસ, વિશેષણો, અલંકારોની જરુર નથી હોતી. કબીરને ઊમાશંકર જોષી, ભાષામાં કદાચ નપાસ કરી નાખે. સીધા સાદા શબ્દો લખાયેલી કબીરવાણીનુ કદાચ કોઈ ભાષાવીદ બહુમુલ્ય ન પણ આંકે. પણ ઉમાશંકર જોષીના કાવ્યો કરતાં કબીર આપણા હૃદયને વધુ સ્પર્શી જાય.
    આખરમાં તમારું મુક્તક થોડા ફેરફાર સાથે.. ज़िन्दगी में ना ज़ाने कौन सी बात “आख़री” होगी,
    ना ज़ाने कौन सी रात “आख़री” होगी..
    प्रेमसे मिलते, प्रेमको एक दुसरेसे बांटते रहो यार,
    ना जाने कौन सी “घडी” आख़री होगी..

    Liked by 2 people

  6. દેવિકાબેન,
    તમામ વાડાબંધીઓને ફગાવી માણસ માત્ર માણસ બનીને જીવવા માંડે અને એક જ માનવતાનો ધર્મ પાળવા માંડે તો તો કવિવર શ્રી ઉમાશંકરભાઈનું ‘વિશ્વમાનવ’નું સ્વપ્ન સાકાર થઈ જાય. ન દેશ-પરદેશનો ભેદ, ન જ્ઞાતિ-વિવાદ કે ન ક્યાંયે કશો વિખવાદ. કેવળ સંસારને સર્જાવતી, સજાવતી અને સમજાવતી એક શક્તિનો સ્નેહપૂર્વકનો સ્વીકાર.
    મારું આ પ્રિય કાવ્ય .તમારા આ પત્રમાં ઘણી મન પસંદ કવિતાની પંક્તિઓ પણ માણવા મળી..
    તમારી કવિયિત્રી કલમ નવું નવું લખતી રહે એજ શુભેચ્છા. આવતા શનિવારની રાહ….

    Liked by 2 people

  7. સાચી વાત જ એ છે કે માનવ ધર્મ એ જ સાચો ધર્મ. તમને પણ એવું જ વાંચવુ,વિચારવું અને લખવું ગમે છે તેનો આનંદ. આ સાથે તમને અને તમારી કલમને પણ એ જ શુભેચ્છા,ઈન્દુબેન.

    Like

  8. આ માનવધર્મનો શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ, પરંતુ માનવધર્મ એટલે શું? વાડાબંધી ફગાવવી એટલે શું? આપણને આપણે જ ઊભા કરેલા વાડાઓ દેખાય છે ખરા? આપણી ભિતર એક રાજકારણી (શાસ્ત્રોની ભાષામાં દાનવ) રહે છે તે વાડા પર વાડા ઊભે કર્યે રાખે છે તે દેખાય છે? આપણે આપણી જાતને જે ઓળખીએ છીએ તે નામથી, લીંગથી, જ્ઞાતિ-જાતિથી, પેટા જાતીથી, દેશથી, રાજ્યથી, ભાષાથી, રંગથી, રુપથી,પદથી, ડિગ્રીઓથી…. એમ એક પછી એક અસંખ્ય વાડાઓમાં આપણે જીવી છીએ. અને આપણા વાડાઓને આપણે અલંકારોથી શુશોભિત કરીએ છીએ. વળી તેનો ગર્વ કરીએ અને રુપાળું નામ આપીએ સ્વાભિમાન. હું ભારતિય હોવાનુ મને ગર્વ છે. હું ડોક્ટર છું તેનો ગર્વ છે. હું બ્રાહ્મણ છું, વિદ્વાન છું, સ્ત્રી છું, પુરુષ છું, મહારાષ્ટ્રિયન છું, સુરતી છું એમ એકયા બીજી રીતે આપણાજ વાડાઓને રંગીન બનાવીએ અને બીજી બાજુ માનવધર્મની વાતો કરીએ ત્યારે આપણા દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે તેવું ક્યારેય અનુભવાયું છે? વહેવારમાં તો બધું નકલી જ ચાલે છે પરંતુ જ્યારે અધ્યાત્મની (ભિતરની) યાત્રા કરીએ ત્યારે નકલી કામ નથી આવતું. ત્યાં અસલી નાણું જ કામ લાગે છે. અને આાપણા વાડાઓ ક્યારેય નકલી ઈલાજોથી દુર નથી થઈ શકતા. નકલી બીજથી માનવધર્મનો છોડ નથી ઊગતો. મેટ્રીમોનિયલની જાહેરાતો, જ્ઞાતિ જાતિના મંડળો, ગુજરાતી-સીંધી સમાજ કે અન્ય સમાજ આ અને આવા અનેક સંગઠનો આપણી ભિતરના દાનવને પ્રગટ કરતા પ્રમાણૉ છે. બસ આવું ચાલે છે અને ચાલવાનુ. બહાર બધું નકલી જગત અને નકલી સિકાઓ જ ચાલે. એક સમયે જે અસલી દેખાતું હોય અને ચલણમાં હોય તે ક્યારે નકલી થઈ જાય તેની ખબર ન પડે. (૫૦૦-૧૦૦૦ની નોટોની જેમ

    Liked by 2 people

Leave a comment