ગુજરાતને ઝરૂખેથી……….

ગુજરાત-૧

ગરવી ગુજરાતને ઝરૂખેથી ઊભી, ઝળહળતા દીવડા પ્રગ્ટાવી તો જો.

એકવાર સત્યના ચરખાને કાંતી, અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.

સાબરનો આરો ને તાપી કિનારો, ગુજરાતની ગરિમાને ગાઇ તો જો.

કસુંબલ કંઠના આષાઢી સૂરો, આ વિશ્વમાં સૌને સંભળાવી તો જો.

 

સુરતના પાસાદાર હીરાની ચમક,પારખી ઝવેરાત નાણી તો જો.

પાટણની આભલા મઢેલી ઝમક, નિરખી પટોળાને પામી તો જો.

ધૂમકેતુના ‘તણખા ને મુન્શીની’અસ્મિતા’, શૌર્યનો ઈતિહાસ વંચાવી તો જો,

મેઘાણીની ‘રસધારને સુંદરમની’વસુધા’, કવિઓના થાળને જમાડી તો જો.

 

રોમરોમ ઝંઝોડતી ‘શયદાની ગઝલ, અંતરમાં ધીરેથી વસાવી તો જો.

થનગનતી ગુજરાતી નારીની ઝલક, હળવેથી નિકટ જઈ માણી તો જો.

નાટકનો લ્હેકો ને રંગીલો છણકો, ભીતરમાં આરપાર ઊતારી તો જો.

સંસ્કૃતિ ને માણસાઈના દીવાનો તણખો, થઈ વિશ્વમાનવ  ફેલાવી તો જો.

 

રોશન કરી ગઈ છે જગને જે દીપિકા, બની ગુજરાતી પ્રસરાવી તો જો.

આલેખે વિદેશી ઝરૂખેથી ‘દેવિકા’,જાગી,ઊઠી,જરા વિચારી તો જો.

વ્હાલા ગુજરાતને ઝરૂખેથી ઊભી, ઝળહળતા દીવડા પ્રગ્ટાવી તો જો.

એકવાર સત્યના ચરખાને કાંતી, અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.

 

11 thoughts on “ગુજરાતને ઝરૂખેથી……….

  1. વાહ..!
    દેવિકાબેન,
    બહુજ સરસ વાત લાવ્યા છો…-અભિનંદન.
    એક નમ્રસૂચન કરવાનું મન થાય છે કે, દરેક પંક્તિના અંતે, તું જો આવે છે ત્યાં – તો જો ! – કરીએ તો ? દા.ત.
    વ્હાલા ગુજરાતને ઝરૂખેથી ઊભી, ઝળહળતા દીવડા પ્રગ્ટાવી તો જો
    એકવાર સત્યના ચરખાને કાંતી, અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો !.

    Like

Leave a reply to ડૉ.મહેશ રાવલ જવાબ રદ કરો