અલ્લડ આ મેઘ….

અલ્લડ આ મેઘને થયું  શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ,કે ચીરીને આભલાને તેથી એ આવે.

પાગલ પવનના અંગ મહીં સૂરો,
ફૂંકી ભરીને લીલા પાનને નચાવે !
શ્વેત આ પ્રભાત પર શ્યામરંગી ચાદર
પાથરીને પ્રેમભીની રમઝટ મચાવે.

અલ્લડ આ મેઘને થયું  શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.

પંખીના કલરવ ને મબલખ આ ધાર,
ગગનની ગરજન ને નવલખ આ ઝાર,
મખમલી ઊર્મિને મનભરી અડકે ને છેડે,
ને ધરાનો કુદરતી રાસ એ રચાવે !

અલ્લડ આ મેઘને થયું  શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.

રોમરોમ જાગે ને વાગે  શરણાઇઓ,
ભીતરના જીવમહીં શિવને જગાડે,
હૈયાના મંદિરમાં મૌનનો ઘૂમ્મટ લઇ,
અનંતના આનંદની ધ્વજા ફરકાવે.

અલ્લડ આ મેઘને થયું  શું આજે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.

16 thoughts on “અલ્લડ આ મેઘ….

  1. અલ્લડ આ મેઘને થયું શું આજે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
    છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે……….

    વાહ! ” ……..શબ્દોના પાલવડે” પછી હવે ક્યારે બીજો કાવ્ય સંગ્રહ મુકો છો?

    Like

  2. રોમરોમ જાગે ને વાગે શરણાઇઓ,
    ભીતરના જીવમહીં શિવને જગાડે,
    હૈયાના મંદિરમાં મૌનનો ઘૂમ્મટ લઇ,
    અનંતના આનંદની ધ્વજા ફરકાવે.,, આમ તો આખું ગીત સુંદર છે..પણ આટ્લી પંક્તિઓ બહુ જ ગમી…

    Like

  3. પંખીના કલરવ ને મબલખ આ ધાર,
    ગગનની ગરજન ને નવલખ આ ઝાર,
    મખમલી ઊર્મિને મનભરી અડકે ને છેડે,
    ને ધરાનો કુદરતી રાસ એ રચાવે ! ખૂબ સરસ ગીત બન્યું લયબધ..
    સપના

    Like

  4. શ્વેત આ પ્રભાત પર શ્યામરંગી ચાદર
    પાથરીને પ્રેમભીની રમઝટ મચાવે…..
    અહીં ગુજરાતમાં અત્યારે વરસાદ તો નથી પરંતુ તમારા આ ગીત થકી વરસાદની મઝા માણી. અભિનંદન !

    Like

  5. ધરતી નભ બન્યા એકાકાર,ગરજંતા એ મેઘ-મલ્હારે,
    સખા થઈ એકાકાર બસ તુ ને હું આ વરસાદી મોસમે,

    ચાલ ને મનભર વરસતા જઈ”

    અલ્લડ આ મેઘ ને થયું શું સવારે વાંચી મને આ મારૂં કાવ્ય યાદ આવી ગયું. આવી મોસમ મા તો મનભર સાથી સાથે વરસતા જવાની ને એકાકાર થવાની મસ્તી કાંઈ ઓર જ હોયને!

    Like

Leave a comment