કોને મળી..

જીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેની કરી તેની કહો કોને ફળી !
 

વાવણી કોઇ કરે ને કાપણી કોઇ કરે,
ચાંદ ઊગે આભમાં ને ચાંદની સૌને મળી. 

ઇશ્વરે હૈયા ઘડ્યાં ઇન્સાનના ફૂલો સમા,
ઘાટ કીધો પથ્થરોથી ઇશનો સૌએ મળી.
 

મોકળુ મેદાન દીધું વિશ્વનું જેણે સદા;
માનવીએ કેદ કીધો મંદિરે એને વળી ! 

પારધીના બાણથી વીંધાય પંખી વૃક્ષનું.
તો ય બાંધે નિજનો માળો લઇ ચાંચે સળી. 

જીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેણે કરી તેની કહો કોને ફળી !
 

********************************** 

 છંદવિધાન ઃ  રમલ ૨૬
( ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા )
 

23 thoughts on “કોને મળી..

  1. પારધીના બાણથી વીંધાય પંખી વૃક્ષનું.
    તો ય બાંધે નિજનો માળો લઇ ચાંચે સળી.
    હોવાની વેદના આથી વધારે કેવી રીતે અભિવ્યક્ત કરાય???
    http://himanshupatel555.wordpress.com
    આવો કાવ્ય વાંચવા ..આભાર

    Like

  2. સરસ,
    દેવિકાબેન પ્રતિકો અને ભાવ સરસ લેવાયા છે પણ અભિવ્યક્તિ મને લાગે છે હજૂ વધુ સારી અને અસરકારક થઈ શકી હોત….છતાં પંખી વાળો શેર ગમ્યો
    પ્રયત્ન સારો રહ્યો.- અભિનંદન.

    Like

  3. બહેનજી- તમારી બધી કૃતિઓ વાંચી ગયો- તમે બહુ સુંદર સર્જો છો. તમારી રચનાઓ સમય સાથે વધુ સારી બનતી ગઇ છે-આ કોને મળી-અને નગર- તો બહુ અદભૂત સર્જાઇ છે-અદભૂત એટલા માટે કે એ બતાવે છે કે ગઝલ ઉપર તમારો રોબ કેટલો છે-
    હરનિશ જાની.

    Like

Leave a reply to Harnish Jani જવાબ રદ કરો