રસદર્શન-૪

રસદર્શનઃ
કવિ શ્રી વિવેક ટેલરની એક કવિતા (પ્રણયગીત)નું રસદર્શન..

નજર્યુંની વાગી ગઈ ફાંસ..

ભરબપ્પોરે ભરમેળામાં નજર્યુંની વાગી ગઈ ફાંસ,
એક-એક પગલાના અધ્ધર થ્યાં શ્વાસ

દલડાની પેટીમાં સાચવીને રાખેલા 
ઊઘડી ગ્યાં સાતે પાતાળ;
ગોપવેલી વારતા હરાઈ ગઈ પલકારે,
ચોરીનું કોને દઉં આળ?
અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.

છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં
અને ફૂટ્યા છ કાન આખા મેળાને
લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો,
મૂઈ, ગાળો ન દઉં આ તડકાને?
મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.

ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું,
ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે 
વાંહે આવ્યો તુંનો ઢોલ. 
મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.

વિવેક મનહર ટેલર
(
૨૦-૦૧-૨૦૦૮)

જાન્યુ. ૨૦૦૮માં લખાયેલું આ ગીત  પહેલી વારમાં જ મનમાં વસી ગયું હતું. તે પછીની તરતની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં વાંચ્યું હતું. આજે ફરી શોધીને ખાસ વાંચ્યું અને રસદર્શન કરવાનું મન થયું.

ગીતનો ઉપાડ જ કેવું મઝાનું મેળાનુ ચિત્ર મનમાં ઊભું કરે છે? બપોરનો સમય, મેળો, માનવમહેરામણ, કોઈની નજર અને શ્વાસનું અધ્ધર થવું.. પ્રથમ બે પંક્તિમાં તો ઘણું ઘણું કહી દીધું અને તે પણ એકદમ અસરકારક રૂપક અલંકાર પ્રયોજીને..!” નજરની અનુભૂતિની એ તીવ્રતાને “વાગી ગઈ ફાંસ” અને “પગલાંના અધ્ધર થ્યાં શ્વાસ” જેવા શબ્દ અને પ્રાસ યોજીને જાણે વાચકની જિજ્ઞાસાને અધ્ધર કરી દીધી! આ શરુઆતની પંક્તિમાં જ આટઆટલું ભરી દેનાર કવિનું કવિકર્મ ઝળકી ઊઠે છે.

પહેલા અંતરામાં, તળપદી લોક-બોલીમાં  ગામડાની એક ભોળી મુગ્ધાનું વરવું વર્ણન મન હરી લે છે. પહેલવહેલો પ્રેમ અનુભવતી નાદાન છોકરીનું હૈયું કંઈક નવા અને જુદા ધબકારા સાંભળવા માંડે છે. ક્યાંય સીધી વાત નથી છતાં “કશુંક તો ચોરાઈ ગયું છે” ની લાગણી પછી મંથન તો જુઓ?” “ચોરીનું કોને દઉં આળ?”આ ચોરી  હકીકતે તો ગમી ગઈ છે ને? ને તે પછી તો કવિએ વિષયને અનુરુપ છોકરીના હાવભાવનું પહેલી પહેલી વાર થતી અંગભંગીનું વર્ણન કરી, જરી શૃંગાર રસની છાલક પણ “અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.”દ્વારા રંગભીની કરી છે. એક અંગડાઈ લેતી છોકરીનું ચિત્ર ઉભું થાય છે.

તે પછી બીજા અંતરામાં કવિતાનો, એના વિષયનો ક્રમિક વિકાસ પણ યથોચિત છે. કાચી કુંવારી એ વયમાં સૌથી પહેલી વાત સહિયરને કહેવાનું મન થાય એ રીતે “છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં” કહીને કેવી ફરિયાદ કરે છે કે અહીં મારા ધબકારા વધી ગયા છે પણ  જાણે એ સંભળાય છે મેળાના લોકને! કાવ્યની નાયિકાના દિલની  અદ્ભૂત હિલચાલ ખૂબ જ સાહજિકતાથી અહીં ગૂંથાઈ ગઈ છે.  અત્યંત ઋજુતાથી પોતાના ગાલની લાલાશનુ કારણ પણ મીઠી રીસથી તડકાને સોંપી દઈ,મનમાં મલકતી અને શરમાતી છોકરી આપણી નજર સામે છતી થાય છે. “મેળો બનીને રેલાતી મેળામાં”એ શબ્દથી, માધુર્ય અને લયની સાથે મન-નર્તન સહજ પણે ઉભરે છે.

 ત્રીજો આખો યે અંતરો,એના શબ્દેશબ્દમા “ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હુંથી માંડેની તું નો ઢોલમેળાને અનુરુપ ચકડોળ, ઢોલ ધ્રમ ધ્રમ, વાંહે વગેરે  તળપદા શબ્દપ્રયોગને કારણે વાતાવરણના મેળા સાથે પ્રેમમાં પડેલી મનોઅવસ્થા તાદૃશ બની ખીલી ઉઠે છે. છેલ્લી પંક્તિ મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.” અનેક અર્થછાયાઓ ઉભી કરે છે. ગમતું અણગમતું કરીને, જાણે કે પોતાની જાતને અળગી કરી, સ્રી સહજ ‘પ્ર્થમ અસ્વીકાર’નું બહાનુ બતાવતી દોષારોપણ તો સામા પાત્ર પર જ ઠાલવી દે છે!!! પ્રથમ પ્રણયની સંવેદનાનું આટલું નાજુક અને બારીક નક્શીકામ ! અને તે પણ એક પુરુષની કલમે! વ્યવસાયે ડોક્ટર એવા કવિએ તો હૈયાના એક્સરે (X-ray)નો રિપોર્ટ બખૂબી કંડારી દીધો!!

નખશીખ સુંદર લયબધ્ધ આ ગીત માનસપટ પર અમીટ છાપ મૂકી જાય છે. જેટલી વાર વંચાય એટલી વાર આ ગીત તાજું તાજું જ લાગે. કવિ શ્રી વિવેક ટેલરને ખૂબ ખૂબ અભિનંદન. સાહિત્ય જગતને આવા જ ગીતો અમરતા બક્ષે એમાં કોઈ શંકા નથી.

રસદર્શન-૩

મીરાંબાઈના બે પદોનું રસદર્શનઃ

ભારતના સંત સાહિત્યમાં મીરાંબાઈનું સ્થાન અજોડ છે. મધ્યકાલીન ભક્તિયુગનાં આ ઉત્તમ કવયિત્રી ખરેખર તો સર્વકાલીન શ્રેષ્ઠ કવયિત્રીના આસને બિરાજે છે. સમયના ધસમસતા પ્રવાહે તેમની રચનાઓને ક્યાંય ફેંકી દીધી નથી. એટલું જ નહિ વધુ ને વધુ અમર બનાવી છે.

પ્રેમલક્ષણા ભક્તિથી ભરપૂર તેમની પદાવલીઓના ૬ ભાગ પૈકી આજે એક-બે પદોનું રસદર્શન કરીશું.

પાંચમી પદાવલીના ૧૭માં પદમાં મીરાંબાઈ કહે છેઃ

हे री मैं तो प्रेम दिवानी, मेरो दरद न जाणै कोय।
सूली ऊपर सेज हमारी सोवण किस विध होय।
गगन मंडल पर सेज पिया की किस विध मिलणा होय।
घायलकी गत घायल जाणै जो कोई घायल होय।
जौहरि की गति जौहरी जाणै दूजा न जाणै कोय।
दरद की मारी बन-बन डोलूँ बैद मिल्या नहिं कोय।
मीराँ की प्रभु पीर मिटे जब बैद साँवलिया होय।

પ્રાંરંભની પંક્તિ हे री मैं तो प्रेम दिवानी, मेरो दरद न जाणै कोय। માં જ ખુલ્લી કિતાબ જેવા તેમના જીવનની કહાની પ્રતિબિંબિત થાય છે. રાજસ્થાની મિશ્રિત ભાષામાં લખાયેલ આ પદમાં નરી આર્જવતા છે,મૃદુતા છે છતાં યે ભારોભાર પ્રેમની સ્પષ્ટ અભિવ્યક્તિ છે. એ દિવાની છે,તેનું દર્દ કોઈ ક્યાંથી જાણે? જેની પથારી શૂળી પર થઈ હોય તેને નીંદ ક્યાંથી આવે? सूली ऊपर सेज हमारी सोवण किस विध होय। આકાશના માંડવે પિયુ સૂતો છે મળવાનું કેવી રીતે બને? गगन मंडल पर सेज पिया की किस विध मिलणा होय। પ્રશ્નોત્તરીની આ હારમાળાના મૂળ તેમની બાલ્યાવસ્થાના સંસ્મરણોને કેવી સહજતાથી ઉઘાડી આપે છે? બાળક મીરાં ના રાજમહેલ પાસેથી એક વરઘોડો પસાર થતો હતો અને તેણે મા ને પૂછ્યું કે, ” આ કોણ છે અને ક્યાં જાય છે?” માએ કહ્યું ,” આ તો વર રાજા છે અને પરણવા જાય છે.” અને મીરાં એ સામે પ્રશ્ન કર્યો કે,”,મારો વર કોણ છે?” એટલે મા મીરાના ભોળપણ પર હસી પડી અને ત્વરિત કહ્યું કે, આ જ તો છે તારો વર,તારા હાથમાં જ છે કૃષ્ણની મૂર્તિ એ જ તારો વર.”  અને બસ! આ શબ્દો મીરાના જીવનના  એક અદ્ભુત વળાંક સાબિત થયાં. કૃષ્ણ તરફની દિવાનગી ત્યારથી જ શરુ થઈ. આગળના પદોમાં તે કહે છે કે, घायलकी गत घायल जाणै जो कोई घायल होय।

અગાઉની પંક્તિઓમાં દર્દ શબ્દ પ્રયોજીને હવે ઘાયલ શબ્દપ્રયોગ પણ ક્રમિક રીતે કેટલો યથાર્થ યોજ્યો છે!! વળી એ અર્થને વધુ સ્પષ્ટ કરવા બિલકુલ બરાબર એક રૂપક પણ ધરી દીધું કે, जौहरि की गति जौहरी जाणै दूजा न जाणै कोय। ભાઈ, ઝવેરી હોય તેને ઝવેરાતની સૂઝ પડે ને?! અહીં જુઓ તો! કેવી મઝાની નાજુક ખુમારીની અદાકારી અનુભવાય છે! તેમના અંતરનું હીર ભાવકને અનુભવાય છે.

હવે પ્રેમમાં ઘાયલ ક્યારે થયા? કેવી રીતે થયા? એ ઘટના પણ તેમના જીવનના અણગમતા પ્રસંગોની યાદ અપાવે છે. રાજરમતના ભાગરૂપે તેમના બાળલગ્ન થયાં કે જ્યારે તેઓ કૃષ્ણની મૂર્તિને લઈને ફર્યા કરતા હતાં. નાનપણમાં વિધવા પણ થયા. સાસરામાં અને સમાજમાં કૃષ્ણ ભક્તિની ઘેલછાને કારણે ઝેરના પ્યાલા પીવા પડ્યા વગેરે જાણીતી ઘટનાઓએ તેમને “ઘાયલની દશા”ની વેદના આપી. અહીં તેમના એકે એક અક્ષર હ્રદયના ઉંડાણમાંથી સર્યાની પ્રતીતિ થયા વગર રહેતી નથી.તેમનું હૈયું બરાબર વલોવાયું છે. दरद की मारी बन-बन डोलूँ बैद मिल्या नहिं कोय।
मीराँ की प्रभु पीर मिटे जब बैद साँवलिया होय।

દર્દ છે, ઉપચાર શોધે છે, વનેવન ભટકે છે,પણ વૈદ્ય મળતા નથી. કૃષ્ણને આધીન થતા ખુબસૂરત ભાવો વ્યક્ત થાય છે કે મીરાંની પીડા તો ત્યારે જ મટશે જ્યારે “ સાંવલિયો” (શ્યામ)વૈદ્ય થશે. અહીં સાંવલિયો શબ્દ, અંતરના પ્રેમને પખાળતા સાંવરિયા શબ્દ સાથે કેટલો બંધબેસતો પ્રયોજાયો છે ! મીરાબાઈની ભાષામાં હિન્દી અને રાજસ્થાનીનું મિશ્રણ સહજ  વરતાય છે.

આમ, આખા યે આ પદમાં વાંચતા વાંચતા જ ગણગણવાનું મન થાય તેવો એક સુમધુર લય સંભળાય છે, મુખ્ય ભાવ ક્રમિક રીતે, લયબધ્ધપણે વહેતો રહ્યો છે. પ્રેમની પીડા છતાં એક અસ્ખલિત, ઉચ્ચ કોટિના અનુરાગના છાંટણા ભીંજવી જાય છે.

આવું જ એક બીજું માધુર્યથી સભર, કોમળ પદઃ
मेरो मनमोहना, आयो नहीं सखी री॥
कैं कहुं काज किया संतन का, कै कहुं गैल भुलावना॥
कहा करूं कित जाऊं मेरी सजनी, लाग्यो है बिरह सतावना॥
मीरा दासी दरसण प्यासी, हरिचरणां चित लावना॥

મીરાંબાઈના પદાવલી ભાગ ૧નું  આ ૧૪મું પદ છે.

ખૂબ જ ઋજુતાથી જાણે પોતાની સખીને કહે છે, કે જો ને, કેટલું વીનવું છું પણ મારો મનમોહન આવ્યો નહિ. કેટલા બધા સંતોના કામો કર્યા અને કેટલી ગલીઓમાં ઘૂમી,ભૂલી પડી, સખી, શું કહુ? ક્યાં જાઉં? આ વિરહ સતાવી રહ્યો છે. मीरा दासी दरसण प्यासी આ  દાસી, મીરાં તો એના દર્શનની તરસી છે, हरिचरणां चित लावना॥ તેના ચરણોમાં જ મારા ચિત્તને શાંતિ મળશે.

ટૂંકા રચેલા આ પદમાં  ગલી ગલીમાં ફરતી, આકુળ વ્યાકુળ થતી વિરહવ્યથાનું કેટલું આબેહૂબ ચિત્ર ઉપસે છે! પોતે ભક્ત હોઈ દર્શન અને શાંતિની મનોવ્યથા ખૂબ જ ઓછા શબ્દોમાં આરપાર ઉતરી જતી વર્ણવી છે.

મીરાં એટલે પ્રેમની તન્મયતા અને સર્વસ્વ ન્યોચ્છાવર કરતી કૃષ્ણભક્તિ. તેમના પવિત્ર અને અલૌકિક પ્રેમની ઉંચાઈ અદ્વિતીય છે. તેમાંથી સર્જાયેલાં કાવ્યો,પદો અને ભજનોએ તેમને ભક્તિ ઉપરાંત સાહિત્યવિશ્વમાં સર્વકાલીન ઉત્તમ સ્થાન આપ્યું છે.

મીરાંબાઈના જુદાં જુદાં પદોને ભેગાં કરીને ફિલ્મી ગીતકારોએ પણ પોતાના તરફથી વધારાનું ઉમેરીને નવા ગીતો બનાવ્યાં છે.

સાચું જ કહેવાયું છે કે, મીરાંના પદોને સમજીએ તો જ અને ત્યારે જ એક ચિર- શાંતિનો દરવાજો ખુલે છે અને આપણે તેના આધ્યાત્મિક મહેલના આંગણે ઉભા રહી શકીએ અને તો જ મીરાંબાઈ જેવા એક સાચા સંતના મનોરાજ્યનું “મોતી” પામી શકીએ.

અસ્તુ.

દેવિકા ધ્રુવ

હ્રદયનો આસવ…

શબ્દ બ્રહ્મ છે, ભીતરનો અભિગમ છે.
એ અવિનાશી અક્ષરોનો અર્ક છે.
શબ્દ સાહિત્ય રચે છે ને સંગીત સર્જે છે,
એ ચિત્રાંકન, શિલ્પ અને નર્તન કરે છે.
શબ્દ કલાના હર રુપની સરગમ છે.
એ વિચારોની પાંખ છે, ચિંતનની આંખ છે.
શબ્દ મનનો ઉમંગ છે, અંતરનો તરંગ છે,
એ અભિવ્યક્તિનું અંગ છે, અનુભૂતિનો રંગ છે.
શબ્દમાં આભની ઉંચાઇ ને સાગરની ગહરાઇ છે.
એમાં સૂરજનું તેજ છે ને ચંદ્રનું હેત છે.
શબ્દ વિશ્વનો વ્યવહાર છે, વાણીનો શણગાર છે.
એ મનોવ્યાપાર છેહૈયાનો ધબકાર છે.
શબ્દ શ્વાસનો ઝંકાર છે ને મૌનનો ૐકાર છે.
એ અરમાનોની ઓઢણી છે,
 આશાઓની રોશની છે.
શબ્દ અહમથી સોહમની યાત્રા ને
 ઈષ્ટની આરાધના છે.
એ વૈખરી, મધ્યમા, પશ્યંતી,અને પરા છે.
શબ્દ હ્રદયનો આસવ છે ને પવિત્ર પ્રેમનો પાલવ છે.

Continue reading

રસદર્શન-૨

મારી બંસીમાં…કવિ શ્રી સુંદરમ..

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.  …મારીo

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા. …મારીo

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.  …મારીo

સુંદરમ્

 રસદર્શનઃ

ગાંધીકાલીન કવિઓમાંના ઊંચી કોટિના અગ્રણી કવિ એટલે સુંદરમ. ‘સુંદરતેમનુ ઉપનામ અને મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તેમણે એક લીટીમાં પ્રેમનું ઉપનિષદ લખ્યું છે, વિરાટની પગલીમાં પ્રભુદર્શન કરાવ્યું છે તો પુષ્પ તણી પાંદડીમાં પ્રકૃતિ સહિત પરમતત્ત્વની અદભૂત વાત પણ કરી છે. આવા મહાન કવિ સુંદરમની ઉપરોક્ત કવિતા ખુબ કર્ણમંજુલ અને મનોહારી છે.

મારી બંસીમાં બોલ બે વગાડી તું જાથી શરુઆત કરીને, જરાક રમતિયાળ રીતે એક ઊંચો અને અસામાન્ય વિષય આરંભ્યો છે અને તરત મારી વીણાની વાણી જગાડી તું જાકહીને ભીતરના ભાવને પ્રસ્થાપિત કરી મૃદુતાભરી અરજ પણ આદરી દીધી છે. કઈ બંસી અને કઈ વીણા એના ઘટસ્ફોટની ભાગ્યે જરૂર રહે છે. એક સંસારી કવિને મન અહીં કવિતાની બંસી કે સાહિત્યની વીણાની સાથે સાથે સંસારની આધિવ્યાધિ અને સંઘર્ષ પણ અભિપ્રેત હોય તેમ લાગ્યા વગર રહેતું નથી. છતાં યે લેશ માત્ર દર્દનો સૂર સંભળાતો નથી. એટલું નહિ, ત્રણે અંતરા તો જુઓ?

ઈશ્વર ક્યાં જવાબ આપવાનો છે? એમ વિચારી પાછા કવિ પોતે મઝાના ઉપાયો પણ સૂચવે છે. એક અતિ પ્રેમાળ માનુનીની જેમ ધીરે ધીરે ખભા ઉલાળી, ડોલતા ડોલતા, રીસાતા, રીઝાતા, મરકતા, સરકતા કહે છે કે, ‘ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોણલું બતાડી તું જા.’ કેટલી વર્ણાનુપ્રાસભરી મધુર લયાત્મક્તા અને કેટલી આબેહૂબ ચિત્રાત્મકતાથી ભરીભરી પંક્તિઓ છે ! પિયાનું સંબોધન કરી ઇશ્વરને પલાળવાની તે કેવી પ્રેમભરી પ્રયુક્તિ !

પછી બીજા અને ત્રીજા અંતરામાં સુંદર લયમાં નાગદમનની, શબરીની, નૈયાપારની વગેરે પ્રખ્યાત અને ચમત્કારિક વાર્તાઓની યાદ અપાવીને, શબ્દે શબ્દમાં મીઠાશ વેરીને તારે તારવા હોય તો તું કોઈ પણ રીતે તારી શકે છે.’ એવી પોતાની અંતરની શ્રધ્ધા વ્યકત કરી દીધી છે. અહીં કવિ ખુદ મથે છે, સ્વયંને સમજાવે છે અને સફળ પણ થાય છે. તેથી તો છેલ્લેમનના માલિક તારી મોજના હલેસે, ફાવે ત્યાં એને હંકારી તું જાકહી સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. સમર્પણની સાથે સાથે પોંડિચેરીના આશ્રમના એક સાધકની સાચી અનુભૂતિનો રણકાર સંભળાય છે. કવિતા માત્ર નિજાનંદે લખાયેલ નથી તે પરખાય છે. સમાજને એક ઉંચો અને ગર્ભિત સંદેશ મળે છે કે, ફાવે ત્યાં હંકારાતી લાગતી હોડીને આખરે યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને, માલિક પાર પાડશે. સફળ જીવનની ચાવી સમું મનોબળ અને આત્મશ્રધ્ધા ખુબ સહજ રીતે પ્રગટ થયાં છે; જે ભાવકના મનમાં દ્રઢપણે અંકિત થઈ જાય છે.

આખા યે કાવ્યમાં શરુઆતથી એક નક્કી વિષયને પકડીને એને ક્રમિક રીતે ઉઘાડ મળતો ગયો છે. કોઈ દુન્યવી કારણોસર શાંત અને અચેતન થયેલી સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે પરમના આધારની અપેક્ષા અને અરજનો સ્પષ્ટ ભાવ લઈને કવિની કલમ આગળ ગતિ કરી રહી છે. લય, રૂપકો, સંકેતો, ચિત્રાત્મકતા, અલંકાર, ઉચિત શબ્દપ્રયોગો, ખળખળ વહેતા ઝરણા જેવો મઝાનો વર્ણાનુપ્રાસ અને બધાની વચ્ચે ભાવભર્યું કર્ણપ્રિય સંગીત જાણે ગૂંજતું રહ્યું છે. સૃષ્ટિના સૌંદર્યને જેણે સંપૂર્ણપણે માણ્યું છે, પ્રિયપાત્રને જેણે પ્રખર સહરાની તરસથી ઝંખ્યું છે અને પરમ તત્ત્વને જેણે સમર્પિત થઈ વાંછ્યું છે વ્યક્તિ આવી ઉત્તમ, કાવ્યત્વથી ભરીભરી કલાત્મક રચના સાહિત્યજગતને આપી શકે. વાંચતા વાંચતા અને વાંચ્યા પછી પણ ગણગણવું ગમે તેવા મઝાના ગીત/કાવ્યના સર્જકને અને તેમના કલામય કવિકર્મને સો સો સલામ.

દેવિકા રાહુલ ધ્રુવ

સ્વ.આતાજીને શબ્દાંજલિ

ઉંઘમાં ઉંઘી જવા જેવું સુખદ મૃત્યુ બીજું કોઈ નથી. પૂ.આતાજીને વર્યુ તે તેમના જીવનની ધન્યતા અને સફળતા. બ્લોગ જગતથી તેમની અક્ષરઓળખાણ. શેર શાયરીના શોખીન તેથી અવારનવાર મારી કવિતાઓને પોરસાવતા. મારી પત્રશ્રેણીમાં પણ આવતા થયાં. જ્યારે જ્યારે તેમના બે શબ્દો મળે ત્યારે જાણે પ્રતિભાવ નહિ પણ આશીર્વાદ આપી રહ્યા હોય એમ લાગે.
ગઈકાલે રાત્રે તેમની વિદાય પછીના એક કલાકમાં મળેલા સમાચાર સૌને માટે આંચકા સમા બની રહ્યા. પણ આતાજીનો જીવ તો શાંતિપૂર્વક શિવમાં ભળી ગયો વિચારે તેમના માટે મારા તરફથી સૌની સાથે  આજે માત્ર મૌન પ્રાર્થના.

presentation1-2

ઉડાન

%e0%aa%89%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8

પતંગ

વિશ્વના આકાશમાં,

ચગતા પતંગ જેવા આપણે.

કોઈ ફૂદડી,કોઈ ઘેંશિયો,

કોઈ જહાજ,કોઈ પાવલો.

હવા મુજબ,

કમાન અને કિન્નારને,

શૂન્ય/એકના માપથી

સ્થિર કરી, દોરીના સહારે,

ખરી ઉડાન કરીએ છીએ ખરા?

કદીક પવન સ્થિર,કદીક ભારે,

હળવેથી સહેલ ખાઓ,

કે ખેંચમખેંચ  કરો.

પણ ઊંચે જઈ, ન કપાય

કે કોઈથી ન મપાય,

છતાં સૌથી વખણાય,

એવી ઉડાન કરીએ છીએ ખરા?