હાઇકુ વિષે..

સાહિત્યનાં કોઈપણ કાવ્યસ્વરૂપને શીખતાં પહેલાં તેનું મૂળ, ઉદ્ભવ, સ્વરૂપ, વિકાસ વગેરે વિષે જાણવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે દરેક કાવ્યપ્રકારનાં અંતર્ગત અને બાહ્ય સ્વરૂપ હોય છે. બાહ્યસ્વરૂપ માત્ર જે તે કાવ્યપ્રકારનું માળખું સમજાવે છે. પણ ખરું કાવ્ય તત્ત્વ અને ખૂબી આંતરસ્વરૂપમાં છે.

 હાઇકુ નામે કાવ્યપ્રકાર, કાવ્યવિશ્વમાં સૌથી નાનું સ્વરુપ છે. એક ચમકારો-ઝબકારો હોય એટલું નાનું કદ ધરાવે છે. છતાં એમાં અપાર શક્તિ રહેલી જણાય છે.

આંતરસ્વરૂપ- માત્ર ત્રણ જ લીટીમાં,  સત્તર અક્ષરોમાં, જાણે પીંછીના એક જ લસરકે ચિત્ર દોરી દેવાનું, ને છતાં એમાંથી ઉભી થતી ‘ઈમેજ’ દ્વારા વિશ્વની કોઈ એક અજાયબી મનોજગતમાં સ્થાપી દેવાની !! એમ બને ત્યારે જ એ સાચું હાઇકુ ગણાવી શકાય. શાંત જળમાં પડતી એક કાંકરી જેમ અનેક વર્તુળો ઉભાં કરી દે કે પછી આકાશમાં થતો એક તેજલીસોટો એની પાછળ ગડગડાટ સર્જે તે રીતે હાઇકુના સત્તર અક્ષર પૂરા થતાં જ એક ઈમેજ, એક કલ્પન પ્રગટીને વાચકના મનમાં ભાવશૃંખલા જગવી જાય છે.

કવિ શ્રી યોસેફ મેકવાન કહે છે કેઃ હાઇકુની પ્રથમ શરત એ છે કે એ પ્રકૃત્તિનાં તત્ત્વોથી શબ્દચિત્ર રચાય. 

હાઈકુને આમ પણ સમજી શકીએ. 
કેલિડોસ્કોપમાં
 રંગીન કાચના ટૂકડાઓ હોય છે. તેના વડે આકાર /આકૃતિ રચાતાં હોય છે તે જોઈ મન કેવું વિસ્મય સાથે આહ્‍લાદ અનુભવે છે, હરખાય છે! ને જે સંવેદન જગાડે તેવું અહીં 
૫–૭–૫ની શ્રુતિ વડે રચાતું લઘુકાવ્ય તે હાઇકુ !

હવે તેનાં મૂળ વિષે થોડું જાણીએ.

હાઇકુ એ મૂળ જાપાનનો કાવ્યપ્રકાર છે.. હાઈકુ શબ્દનું મૂળ ‘હોક્કુ’ છે. તેનો અર્થ થાય છે ‘પ્રારંભિક કડી’. હોક્કુને માટે ‘હાઇકાઈ શબ્દ પણ પ્રયોજાતો. કોઈ અંગ્રેજી સાહિત્યકારે એને માટે સચોટ શબ્દ વાપર્યો છે,’સ્ટોપ-શોર્ટ’. “Stop-short” ! અર્થાત અહીં જ અટકો.  ત્રણ પંક્તિમાં જ બધું આવી જાય છે, ને કાવ્ય પૂર્ણતાને પામી જાય છે ! જો કે ત્યાં સ્ટોપ થતાં જ એક ઈમેજ, પ્રબળતાથી ભાવકચિત્તમાં ઝબકી ઉઠે છે જે એને ક્યાંનો ક્યાંય લઈ જાય છે. ત્રણ પંક્તિઓ જ વામનનાં વિરાટ ત્રણ પગલાં જેવી લાગે.

સ્નેહરશ્મિનાં હાઇકુસંગ્રહમાંથી વીણી વીણીને સુંદર હાઇકુઓ અત્રે મૂક્યાં છે. તેમના હાઇકુસંગ્રહનું સૌથી પ્રથમ હાઈકુઃ

“હિમશિખરે
ફૂટે પરોઢ : અહો !
 સૂર્ય હાઇકુ ! ”
સ્નેહરશ્મીના કુમાશભર્યા જીવનનું દર્શન આ હાઇકુમાં થાય છે.

તેમની કવિસહજ કુમાશ વ્યક્ત કરતાં આ હાઇકુ જુઓ :
નાજુક તારી
આંગળી ચૂંટે ફૂલ

ઘવાય નેણ

ચઢે  આકાશે
ચન્દ્ર: પર્ણે ઝીલાતી 
ચાંદની  કૉળે        [પાંદડાં  પર  ચારુતાનું દર્શન]

પર્ણ વિનાની
ડાળીઓમાં  સૂરજ
ટીંગાતો જાય       
(પંચેન્દ્રીયો દ્વારા અનુભવાતાં ચિત્રો )


 ઊડી ગયું કો
 પંખી કૂજતું : રવ
 હજીયે  નભે

ઝૂંપડીઓના
ધૂમાડે
  નંદવાયાં
રવિકિરણો       
  (ધુમાડાની ગતિલીલા)

ચડતી  પ્હાડે 
ગાડી : નીચે ખેતર
ચગતાં
  રાસે             ( ગતિ)

વીજ ગોખમાં
ચીતરી
  ગૈ  ટહુકો
કોક
  અદીઠો          (કાન-આંખ/ધ્વનિ-રંગોનું સંયોજન)

સ્નેહરશ્મિ પછી કેટલાંકે હાઈકુમાં યત્કિંચિત સર્જન કર્યું છે. કવયિત્રી પન્ના નાયકે ઘણાં સુંદર હાઈકુ સર્જ્યા છે. તેમનાં ‘અત્તર અક્ષર’ નામે હાઈકુ-સંગ્રહમાંથી મારા ખૂબ ગમતાં તેમનાં હાઇકુ જુઓઃ

પવન કરે
વાતો,બેવડ વળી
ડાળીઓ હસે..

ઊડ્યું એક જ
પંખી ને કંપી ઊઠ્યું,
આખુંયે વૃક્ષ..

ગાઢા વનમાં
સળવળી,સ્મૃતિની
લીલી સાપણ.

શયનખંડે
અંધારું અજવાળે
શબ્દોના દીવા..

કેટકેટલાં સ્પંદનો છે,ચિત્રો છે, બેહદ ભાવો છે.

ઉપરની બધી વાતો, થોડી મારી સમજણ, અભ્યાસ, વાંચન  અને  થોડાં સાહિત્યકારોનાં સંકલનમાંથી લખી છે. આશા છે આપ સૌને અને અન્ય કવિતાપ્રેમીઓને ઉપયોગી થઈ પડશે..

દેવિકા ધ્રુવ

2 thoughts on “હાઇકુ વિષે..

  1. શ્રી દેવિકાબેન,
    આ તમે જ કરી શકો.
    શ્રી ઝીણાભાઈ રતનશી દેસાઈ ને ગુજરી ગયે ત્રણ દાયકા ઉપર વરસો થયા.
    હા, ગુજરાતના વાચકોને હાઈકુ જેવી કવિતાની કલાની ઓળખ આપવાવાળા એટલે શ્રી
    *સ્નેહરશ્મિ. *
    *”ગાતાં આસોપલાવ” પુસ્તક અમારાં ઘરે હતું. *
    *તમે પ્રતવિક સરસ લખ્યું છે. *
    *મજામાં હશો, *
    *PS : આ પોસ્ટ શ્રી ચીમનભાઈ ને ભૂલ્યા વિના – જોકે તમે મોકલ્યું જ હશે. *

    *નીતિન *

    *નીતિન *

    Liked by 1 person

Leave a comment