રસદર્શનઃ ૩૦- સરયૂ પરીખ

 હે જી રે, મારા પ્રેમના ઝરૂખાનો દીવો,
     રે રાજ રત, પાવન પ્રકાશે  પ્રગટાવો.

 જાગે મારા આતમમાં પ્યારો પલકારો,
    વાગે રૂડા અવસરનો ન્યારો ઝણકારો,
     હે જી, હું તો હરખે  બજાવું  એકતારો,
    ને રાજ રત, મનમાં મંજુલ સૂર તારો.

 નાની  પગલી  ને  લાંબો  પગથારો,
    ના હું  એકલી,  છે તારો   સથવારો.
    શૂલ  હો,  મને   ફૂલશો  અથવારો,
    રે  રાજ  રત, તારો  અતૂટ સહચારો.

અંક  અંકુરમાં  પગરવ    સુહાણો,
    તેજપુંજ  ઝળહળ  દીપતો  અજાણ્યો,
   ઘેરા  ઘનમાં  સોનેરી  પ્રકટ  જાણ્યો,
    રે રાજ રત,  કાળજડે કાનજી સમાણો.

                              — સરયૂ પરીખ.
સંપર્કઃ saryuparikh@gmail.com

અમેરિકાના ઑસ્ટીન શહેરમાં રહેતાં સરયૂબહેન પરીખનું એક સુંદર કાવ્ય ‘પ્રકાશપુંજ’ વાંચતાંની સાથે જ ચિંતનની એક ઊંચાઈ પર જઈને બેસી ગયું. સંસ્કારી વાતાવરણમાં ઉછરેલાં અને સંગીતમય વિશ્વમાં પાંગરેલાં સરયૂબહેનને કવિતા, વારસાગત મળેલી દેન છે, જે ઉત્તરોત્તર સ્વ-સમજણ અને સૂઝથી વિકસતી ગઈ છે. 

ઉપરોક્ત કાવ્ય તેના આરંભથી જ એક અજવાળું લઈને આવે છે. ભૌતિક કોડિયાના દીવડાની કે તેના ઉજાસની અહીં વાત જ નથી. અહીં તો છે પ્રેમનો ઝરુખો અને તે દ્વારા પ્રગટતો દીવો જેને પ્રગટાવવાની એક ઝંખના છે, એના પાવન પ્રકાશને પામવાની એક પ્રાર્થના છે. એટલે જ તો
‘હે જી રે…’ અને ‘રે રાજરત’…જેવા ઉચિત શબ્દપ્રયોજનથી બુલંદ છતાં
  મૃદુતાસભર આરંભ થાય છે.

 પ્રથમ અંતરામાં નાયિકા આંતરમનનું વર્ણન કરવાનો પ્રયાસ કરે છે. કોઈ શાંત પડેલા વાજીંત્ર પર આંગળીઓ ફરે ને જે મધુર રણકાર થાય તેમ આ પાવન પ્રકાશના વિચાર માત્રથી જાણે કે, એક અજબનો અનુભવ થાય છે. કોઈ મંગલ અવસરની આગાહી જેવો હરખ થાય છે અને તેથી જ સૂરો પણ મંજુલ થઈ રેલાય છે. અહીં એક મઝાનો સુવિચાર યાદ આવ્યા વગર રહેતો નથી કે, “મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દીવડાઓ કરતાં અંતરના ઊંડાણમાં પ્રગટાવેલો શ્રદ્ધાદીપ આત્માને વધુ ઉજાસ આપનારો નીવડે છે.”

બીજા અંતરામાં આ જ વિષયને આગળ વધારતાં હકીકતની સજાગતા વરતાય છે. કલમકાર જાણે છે કે, માત્ર ઇચ્છા કે પ્રાર્થના કરવાથી આ પાવન-પુંજ સુધી પહોંચી શકાતું નથી. કારણ કે, એનો પંથ સુદૂર છે, પગથાર લાંબો છે, પોતાની પગલીઓ નાની છે. પણ છતાં એક વિશ્વાસ છે કે, પોતે એકલ નથી, પરમ ‘એ’નો સાથ છે, સહારો છે, આધાર છે અને તેથી જ માર્ગમાં ભલે ને  ડંખે કે વાગે એવી  હજાર હજાર શૂળ આવે, કાંટા આવે પણ અનુભૂતિ તો  ફૂલ-શી જ લાગે. એક અતૂટ સાથની શ્રદ્ધા છે.
“નાની  પગલી  ને  લાંબો  પગથારો,
 ના હું  એકલી,  છે તારો   સથવારો.
શૂલ   હો,  મને   ફૂલશો  અથવારો,
 રે  રાજ  રત, તારો  અતૂટ સહચારો.”

અહીં ‘અથવારો’ શબ્દ પ્રાસની રીતે સાનુકૂળ છે. છતાં  ‘ઓથારો’ વધુ  ઉચિત લાગે છે.  કારણ કે, કવયિત્રીને  ‘આધાર’ અર્થ અભિપ્રેત છે તે સ્પષ્ટપણે વરતાય છે. લય આસ્વાદ્ય બન્યો છે અને મઝાનો ગૂંથાયો છે.

હવે ત્રીજા અને ચોથા અંતરામાં આતમરાજના  અનુપમ આનંદની ક્ષણો ઝીલાય છે. અગાઉ  સુપેરે વર્ણવેલ આંતરમનનો ભાવ, હકીકતની સજાગતા  અને તે પછીની શ્રદ્ધાને કારણે થયેલી સુસજ્જતા પછી રુદિયામાં એક અનોખા આનંદની સરવાણી ફૂટે છે. કંઈક પગરવ જેવું સંભળાય છે, હલચલ થતી ભાસે છે. જાણે પહેલાં નહિ જોયેલો,જાણેલો એવો એક ઝળહળતો, સોનેરી તેજપુંજ પ્રકાશતો ભાસે છે. મનમાં આનંદ આનંદ છવાય છે. એ બીજું કોઈ નહિ પણ, કાવ્યનાયિકા ઘટસ્ફોટ કરતાં કહે છે કે, ભીતરમાં   રે રાજ રત,  કાળજડે કાનજી સમાણો.’ આધ્યાત્મિક અનુભવની એક પરમ અવસ્થાનો આ આનંદ તે જ પામી અને માણી શકે જેને એમાંથી પસાર થવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હોય.

આમ, પ્રેમના ઝરુખેથી  શરૂ થઈને ૧૪ પંક્તિમાં રચાયેલ આ કાવ્ય અંતે કાનજીના પ્રકાશપુંજ સુધી પહોંચે છે. ધ્રુવપંક્તિ યથાર્થ રીતે દોહરાવી છે અને લગભગ આખી રચનામાં લય પણ જળવાયો છે તેથી સ્વાભાવિક રીતે જ મનમાં ગણગણ્યાં વગર રહેવાતું નથી. ભીતરના ખજાનાની વાત જ ન્યારી છે. કેટલી સાચી વાત છે કે, ‘માંહી પડે તે જ મહાસુખ પામે’.

આ કવિતા માટે સરયૂબહેનને અભિનંદન અને તેમની પાસેથી વધુ ને વધુ સારી કવિતા મળતી રહે તેવી શુભેચ્છા.

—દેવિકા ધ્રુવ

સંપર્કઃddhruva1948@yahoo.com

મે ૧૦,૨૦૨૪

મે ૧૦,૨૦૨૪.

 
 

2 thoughts on “રસદર્શનઃ ૩૦- સરયૂ પરીખ

Leave a comment