Archive | ઓગસ્ટ 19, 2022

દેવકીની પીડા

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરુ થઇને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા,જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે ? કદી એની કલ્પના કરી છે?

 દેવકીનું દર્દ

શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.

છાતીમાં ધગધગતી કેવી લ્હાય?

કાયા તો ઝીલે લઈ ભીતર સંગ્રામ,

વદપક્ષની રાતે મુજ  હૈયું વ્હેરાય.

લમણે તો લાખ તોપમારો ઝીંકાય, હાય શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

સાત સાત નવજાત હોમીને સેવ્યો,

નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો.

જન્મીને જ જવાને આવ્યો જ શાને?

કંસડાનો કેર ત્યારે કાપ્યો ન કાને?

ગોવર્ધનધારી કેમ બિચારો થાય? હાયશ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,વાહ!

જગ તો ના જાણેઝાઝુ,દેવકીને આજ.

વાંક વિણ,વેર વિણ,પીધા મેં વખ,

ને તોયે થાઉં રાજી,જોઇ યશોદાનું સુખ.

આઠમની રાતે જીવે ચૂંથારોથાય,

કેમે ખમાય? બહુ પીડા અમળાય..હાયશ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

************************