પત્ર નં. ૪૦..ઓક્ટો.૧ ‘૧૬..

કલમ-૨

શનિવારની સવાર…

 

પ્રિય દેવી,

થોડી વ્યસ્તતાને લીધે ઉત્તર આપતાં મોડું થયું અને પત્ર લખવો એટલે સંવાદ સાધવો એમ હું સમજું છું. આ સંવાદની વચ્ચે અન્ય અવાજો ભળે ત્યારે લખવાનો મૂડ જ ન જામે, યાર!

ચાલો, હવે તારા પત્ર પર આવું. આર્ટ ફિલ્મો, ગીતો વિગેરે પછી હવે જે દેશમાં રહીએ છીએ ત્યાંની વાત તેં છેડી તે ગમી. આપણી પેઢી બંનેનો આનંદ ઉઠાવી શકે છે જ્યારે અત્યારની અહીંની પેઢી એટલે કે અહીં જ જન્મીને મોટી થતી જનરેશનનો ઝોક, તેઓ જ્યાં રહે છે તે તરફ વધારે હોય એ સ્વાભાવિક છે.

અહીં પણ ‘કોરોનેશન સ્ટ્રીટ’, ‘એમડેલ ફાર્મ’, ‘કેઝલ્ટી’, ‘હોલ્બી સિટી’, ‘ક્રોસ રોડ્સ’ વિગેરે. જેમાં કોરોનેશન સ્ટ્રીટ ૧૯૬૦થી ચાલે છે અને હજુ પણ આવે છે. અમે આ દેશમાં આવ્યા ત્યારે મેં નોંધ્યું કે રમૂજી સિરિયલોની સંખ્યા વધુ હતી- પછી ખ્યાલ આવ્યો કે હ્યુમર માટે બ્રિટિશ લોકો ખૂબ જાણીતા છે. તે વખતે ‘સ્ટેપ્ટો એન્ડ સન્સ’, ‘ડેડ્સ આર્મી’, ‘અપસ્ટેર્સ ડાઉન સ્ટેર્સ’, ‘યસ મીનેસ્ટર’, ‘ઓનલી ફુલ્સ એન્ડ હોર્સીસ’ અને ‘ફોલ્ટી ટાવર્સ’ ‘માઈન્ડ યોર લેગ્વેજ’ જેવી સિરિયલોની સામે ‘કોરોનેશન સ્ટ્રીટ’, ‘ઈન્સપેક્ટર મોર્સ’, ‘ડૉ.હુ’, ‘શેરલોકહોમ્સ’, મીસ માર્પલ, પૉરો(Poirot), ‘જનરલ હોસ્પીટલ’ જેવી અનેક સિરિયલો અમે જોતાં. શરુઆતમાં ખાસ સમજણ નહોતી પડતી, પછી ધીમે ધીમે મઝા પડવા લાગી. એના બે કારણો હતાં એક તો મનોરંજન માટે એ જ માત્ર સાધન હતું અને બીજું એ કે આ બધી સિરિયલો ફેમિલિ સાથે બેસીને જોઈ શકાય એવી હતી. છતાંય મને કોરોનેશન સ્ટ્રીટ જેવી સિરિયલો જોવી નહોતી ગમતી અને હજુ પણ નથી ગમતી કારણ આખો દિવસ થતી રહેતી નિરર્થક દલીલો, ઝગડાં, ત્રાગા, છળ-કપટ વિગેરે. જો કે આપણી અમુક સિરિયલોને બાદ કરતાં હિન્દી સિરિયલો તો એને ય ટપી જાય એવી હોવાથી એ જોવાનું તો બંધ જ છે. અમે શરુઆતમાં ‘ડાલાસ’ રોજ જોતાં. પરંતુ મનને સ્પર્શી ગઈ હતી ‘રૂટ્સ’.

હવે આ વાત અહીં જ અટકાવીને મનને તળીયેથી મળતાં મોતીની વાત કરું.તેં કરેલી તે જ વાત. વર્ષો પહેલાં અમે અમારી ભલીભોળી બાને શ્રાધ્ધમાં કાગવાસ માટે ખૂબ કનડતાં.  બાપુજી આર્યસમાજી અને તેમાં પાછા ગાંધીવાદી એટલે આવી બધી વાતોમાં બિલકુલ અશ્રધ્ધા.  બાનો કાગવાસ માટેનો જવાબ મને હવે થોડો વ્યાજબી લાગે છે. તે કહેતીઃ કાગડો એવું કદરુપું પક્ષી છે કે કોઈ એને પોતાના છાપરાં પર પણ બેસવા દે નહીં. એવા કાગડાને બોલાવીને ખવડાવવું એટલે કંઈ નહીં તો એટલા દિવસ ભેદભાવ (ડેસ્ક્રિમિનેશન) નડે નહીં, એનામાં પણ ભગવાન છે એનો પદાર્થ પાઠ આપવા માટે કદાચ હશે”.

આ વર્ષે મારાં પૂજ્ય સાસુજીના અવસાન પછી શ્રાધ્ધની વિધિ અને આપણા બહેનોનો અંધવિશ્વાસ વિગેરે જોઈને તો ગુસ્સો અને દયાની મિશ્ર લાગણી અનુભવી. પરંતુ સૌથી વિશેષ અક્ળામણ તો ‘ગરુડ પુરાણ’ સાંભળીને થઈ. એક સમય હશે કદાચ જ્યારે સમાજને ભગવાન તરફ વાળવા માટે પુરાણોમાં ડર ઘુસાડ્યો હશે જેથી અભણ-અજ્ઞાન લોકો ડરીને પણ ખોટા કામો ન કરે. પરંતુ આજના જમાનામાં એ સાવ જ અસંદિગ્ધ લાગે. એટલું જ નહીં ભણેલા લોકો પણ માથું હલાવી હલાવી સાવ મૂર્ખા જેવા પ્રશ્નો પૂછે, દા.ત. કેટલા માટીના કોડિયાંમાં દૂધ-પાણી ભરીને મૂકવાના, કયા સમયે? ડાબે હાથે શ્રાધ્ધની વિધિ ન કરે તો શું થાય?….વગેરે..

આ વાત કરતાં કરતાં બીજી પણ એક વાત યાદ આવી. પાંડુરંગ શાસ્ત્રીજીએ એક ગીતાનો શ્લોક સમજાવતાં જે કહ્યું હતું તે ખૂબ જ બુધ્ધિજન્ય મને લાગેલું. ‘પત્રં પુષ્પં ફલં તોયં’ની વાત કરતાં હતાં કે કૃષ્ણએ કહ્યું એ આ બધી વસ્તુ મને આપો. હવે આ જ્યારે લખાયું ત્યારે બધું જ પદ્યમાં લખાતું હોવાથી વિસ્તારપૂર્વક કહેવાય નહીં એ સ્વાભાવિક છે. પરંતુ આપણે ‘so call intelligent’ કહેવાતાં લોકોને પ્રશ્ન થવો જોઈએ કે એ ચારેય વસ્તુ ભગવાને જ બનાવી હોય તો પછી એ જ વસ્તુ થોડી કાંઈ માંગે? એટલે પત્રનો અર્થ જેમ પાંદડું છે તેમ પત્ર(letter)પણ થાય. આપણે એને પત્ર લખીએ’- પછી પત્રોના પ્રકારો કહ્યા હતાં એમાં સમજાવ્યું કે ‘કોઈને પણ પ્રથમ પત્ર લખીએ તો તેમાં ક્ષેમ-કુશળ હોય પરંતુ આપણો કાગળ તો ફરિયાદોથી અથવા તો માંગણીથી સભર હોય….. ધીમે ધીમે આ પત્રો એવા સ્તરે પહોંચવા જોઈએ જ્યારે વ્યક્તિ ભગવાનને કહે ‘તેં જે આપ્યું તેનાથી ખુશ છું, સુખી છું. જે મળ્યું છે તેને માટે આભાર’. આ એક સામાન્ય બુધ્ધિશાળી વ્યક્તિ સરળતાથી સમજી શકે તેમ સમજાવ્યું હતું. ‘બીજી કોઈ વખત પુષ્પં, ફલં,તોયંની વાત.

તારી બે વાતના પ્રતિભાવ આપવામાં જ પત્ર તો ભરાઈ ગયો!!

આકાશમાંથી પૃથ્વી પર જોતાં પિતૃઓની કલ્પના,કવિતા આફલાતૂન છે.

ભાષાની વાત તું કરે છે ત્યારે તે અંગે એક બીજો શબ્દ -‘સંવાદ’. બાળક-માનો પ્રથમ સંવાદ ભાષાથી પર છે. એ બંને પક્ષે આંખોમાંથી વહેતાં અસ્ખલિત પ્રેમની ભાષા છે. ક્યારેક એમ થાય છે, દેવી, કે ભાષાની શરુઆત જ ન થઈ હોત તો કેવું સારું? ભાષાને લઈને વર્ષોથી ચાલી આવતી તકરારો, મારી ભાષા તારા કરતાં વધુ ઊંચી, માતૃભાષાની ખેંચાતાણી અને તેમાંય જોડણીની માથાકૂટ, ઉચ્ચારોની લમણાઝીંક…..કાંઈ પણ હોતે?(મશ્કરીમાં લેજે યાર!) પૃથ્વી પર રહેતાં અન્ય પ્રાણીઓ જીવે જ છે ને? બધાં કરતાં વધુ બુધ્ધિ આપીને ભગવાને કે કુદરતે માનવી પાસે આવી અપેક્ષા રાખી હશે? મને લાગે છે સંવાદ મહત્વનો છે. પછી તે બોલીને હોય કે બૉડી લેગ્વેજમાં હોય, આંખોમાં હોય કે સ્પર્શંમાં હોય માણસે સંવાદ અને તે પણ મધુર સંવાદ કરવાની જરુર છે.

ભૂલાતી જતી ભાષાની આ વેદના અદમભાઈ ટંકારવીની ગઝલના થોડા શેરમાં આપીને વિરમું…

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.

લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છું.

જડી છે એક લાવારીસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.

જામ ભાષાનો છલોછલ છે’અદમ’,
સાથે બેસી પીનાર શોધું છું.

નીનાની સ્નેહ યાદ.

 

21 thoughts on “પત્ર નં. ૪૦..ઓક્ટો.૧ ‘૧૬..

  1. એક ફરી ફરીને વાંચવા ગમે એવો ઉચ્ચ સ્તરે પહોંચેલ ઉત્તમ પત્ર. અને કોરોનેશન સ્ટીટ…….બોરિંગ.
    ભાષા અને બોડી લેન્ગવેજની વાત કરીયે તો પત્રમાં કેવી રીતે દર્શાવીશું? ફેસ બુક ના સ્ટિકરો પત્રમાં ચાલે?

    Liked by 2 people

    • કોરોનેશન સ્ટ્રીટ જેવી ડેઈલી સિરિયલ યુકેના વર્કિંગ ક્લાસને પ્રતિબિંબિત કરે છે અને ૬૦થી ચાલતી સિરિયલ હજુ પણ ચાલે છે તે દર્શાવે છે કે લોકોની પસંદ કેવી છે? પરંતુ પ્રવિણભાઈ આપણી સિરિયલમાં પણ લગ્ન બહારના સંબંધો, છળ-કપટ, ઝઘડા વિગેરે જોઈને થાય છે કે લોકોની પસંદગી કઈ તરફ જશે? ખેર, ફેઈસબુકનાં સ્ટિકર્સ લગાવીને આપણી વેદના અભિવ્યક્ત કરી શકાશે જરૂર પણ પરિસ્થિતિમાં ફેર થોડો પડશે.
      પ્રતિભાવ માટે આભાર

      Liked by 2 people

      • “મમતા”માં આપની “સુખી થવાનો હક” વાર્તા વાંચી. બે સંસ્કૃતિમાં અટવાયલા-ખોવાયલા દંપતિની મનોદશાનું અને બાળકોની સાહજિકતાનું સરસ ચિત્ર રજુ કર્યુ. સાથે આપ્નો અલ્પ પરિચય પણ મેળવી લીધો. ભારતથી પરદેશના જીવનની મારી શરૂઆત પણ ૧૯૬૮માં લેઇસ્ટરમા મારા મિત્ર દયાળજી પટેલને ત્યાં 1 Upper Kent માં જ થઈ હતી. પાંચ વીક પછી લંડન અને ૧૯૭૦થી અમેરિકા. આપની સાથે વગર ઓળખાણે ટ્રેઈનના સહપ્રવાસી જેવી અંગત વાત કરી દીધી ખરું ને? મમતાનો છેલ્લો આર્ટિકલ વાંચ્યો?

        Liked by 1 person

      • What a coincidence, Pravinbhai! પ્રથમ તો મમતામાં મારી વાર્તા વાંચીને પ્રતિભાવ આપવા માટે આભાર. બીજું એ કે તમે આપેલી ટ્રેઈનના પ્રવાસીની ઉપમા ગમી. અમે તો આવ્યા ત્યારથી લેસ્ટરમાં જ રહીએ છીએ. દયાળજીભાઈને ઓળખતી નથી પરંતુ એક દયાળજીભાઈ વેપારી હતા એવું કંઈક યાદ આવે છે. અને હજુ મને જુલાઈનો અંક મળ્યો નથી એટલે તમે તમે પૂછેલા પ્રશ્નનો જવાબ ‘ના’. આભાર

        Liked by 2 people

      • દયાળજી એટલે ડીજે પટેલ મૂળતો નવસારી પાસેના સદલાવ ગામના. ગ્રોસરીની સુકાન હતી. અને ૧૯૬૮ તેમણે મુક્તા ‘સુપર માર્કેટ’ ખોલી હતી. દર વિકેન્ડમાં જ્યોતિ સિનેમા અને કોલોઝિયમમાં મુવી લાવતા. પછી સંપર્ક રહ્યો નહિ. સાંભળ્યું હતું કે અમેરિકા મુવ થયા પછી એઓ ગુજરી ગયા હતા.
        થોડા સ્નેહીઓ લેસ્ટરમાં છે.
        આપનું ઇ મેઇલ એડેસ નથી. જો હોત તો “મમતા” મોકલી આપત.
        કુશળ હશો.

        Liked by 1 person

  2. ગરુડપુરાણ અંગે મેં એક લેખ લખેલો અને શ્રી. ઉત્તમ ગજ્જર તરફથી પણ એનો સારો પ્રતિભાવ મળેલો. હું પણ આ બધા રૂઢિરિવાજો, કર્મકાંડોનો વિરોધી છું. પણ હવે મારે સાક્ષીભાવે જ જોતાં જોતાં જીવવાનું છે.

    નવીન બેન્કર

    Liked by 1 person

    • સૌથી મોટું પુરાણ કે ધર્મશાસ્ત્ર આપણી પોતાની જાત છે. એક હી સાધે સબ સધે સબ સાધે સબ જાય.કેવળ દૃષ્ટિ પોતાનિ જાત પરત્વે ભિતર વાળવાની છે. બાકી ગીતા અને કુરાન કે અન્ય, બધા બે કોડીના છે. બધ્ધા સતગુરુ પછી તે કૃષ્ણ હોય કે ક્રાઈસ્ટ કે કબીર એક જ વાત કરવાના છે અને આપણે બધા બેહોશ જીવો ગમે તેટલું કહે થોથાં ઊથલાવી પંડિતાઈમાં જ રાચવાના છીએ. સાલો પંડિતાઈનો રસ કેમ છોડાય? કોઈક વિરલા જ હોય છે જે સ્વાધ્યાય તરફ વળે છે.

      Liked by 1 person

      • કેમ છો શરદભાઈ? હું એ લોકોની વાત કરું છું જે લોકો પુરાણોને જ આધારભૂત માને છે. સ્વ-અધ્યાય કરવો જ જોઈએ પરંતુ સાથે સાથે વાસ્તવિકતાથી પણ જાગૃત રહેવું જોઈએ કે જેથી આપણે અને આપણા જેવા અન્યો બૌદ્ધિક અને શારીરિક રીતે કાર્યરત રહીએ. તમે કહ્યું તે સાચું જ છે કે પુરાણો અને શાસ્ત્રો આપણી અંદર જ છે પરંતુ હું વાત કરું છું જેઓ વિધિ કરાવનાર કે કથા કહેનારની વાતો બુધ્ધિના દરવાજા બંધ કરીને અનુસરે છે અને તેની ટકાવારી ખૂબ મોટી છે તેની આપણને ખબર છે. પ્રતિભાવ માટે આભાર

        Liked by 2 people

  3. નીના બહેન.
    મેં કોઈ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી. પણ એટલી ખબર પડે છે કે એ શાસ્ત્રોની ભાષા સંસ્કૃત છે જે સમજવી મારે માટે કઠીન છે. બીજી ખબર પડે છે કે એમાં ઘણી ખરી વાતો સાંકેતીક રીતે કહેવામાં આવી છે. એ સંકેતો સમજવા આમ માણસ માટે શક્ય નથી. ત્રીજી વાત જે સમજાય છે તે એ કે આ શાસ્ત્રોમાં કાળક્રમે ધર્મના ઠેકેદારોએ પોતાના સ્વાર્થ સાધવા કેટલાય સુધારા વધારા કર્યા છે. ચોથી વાત સમજાય છે કે આ શાસ્ત્રો જે સમયે લખાયા છે તે સમયમાં અને હાલના સમયમાં દરેકે ક્ષેત્રે અનેક ફેરફારો થયા છે. પાંચમી વાત સમજાય છે કે સાંકેતિક ભાષા, ચિન્હો, વગેરેને સમજવા એક ઊંડી અંતરયાત્રા કરલી હોવી જરુરી છે. છટ્ઠી વાત સમજાય છે કે પુરાણ કે શાસ્ત્રો વાંચીને કોઈ બુધ્ધ ક્યારેય થયો નથી. કે કોઈને પણ સમાધાન/શાંતિ મળી નથી.
    હવે આ શાસ્ત્રો અને તેનુ જ્ઞાન આપણા માટે કેટલા ઉપયોગી છે તે આપણે જાતે નક્કી કરવાનુ છે.

    Liked by 2 people

  4. “કાગડો એવું કદરુપું પક્ષી છે કે કોઈ એને પોતાના છાપરાં પર પણ બેસવા દે નહીં. એવા કાગડાને બોલાવીને ખવડાવવું એટલે કંઈ નહીં તો એટલા દિવસ ભેદભાવ (ડેસ્ક્રિમિનેશન) નડે નહીં, એનામાં પણ ભગવાન છે એનો પદાર્થ પાઠ આપવા માટે કદાચ હશે

    શ્રધ્ધા અંધશ્રધ્ધાની વાત મુંડે મુંડે મતિર ભિન્ના જેવી વાત છે અને જેને જે કાર્ય કરવું જ છે એ પોતાની માન્યતાને અનુરૂપ કારણ શોધી જ લેતા હોય છે. પરંતુ આજ સુધી આ કાગવાસ અંગે આપની બા ની વાત જેવી સુંદર વાત કદાચ કોઇએ ભાગ્યે જ કરી હશે.

    Liked by 2 people

  5. પ્રવીણભાઈના બ્લોગ ઉપરથી આ બ્લોગ્ની ખબર પડી અને આજેજ આ બ્લોગ વાંચ્યો. હજી તો ૩-૪ પત્રોજ વાંચ્યાં છે અને સાચેજ મજા આવે એવા છે અને બાકીના પત્રો પણ વાંચવાનુ શરૂ કર્યુ છે. બહુ સુંદર છે.

    Liked by 2 people

Leave a comment