સાહિત્યિક સંરસન “Literary Consortium” ફેબ્રુઆરી ૨૦૨૩.

આદરણીય સાહિત્યકાર શ્રી સુમનભાઈ શાહ સંચાલિત અને એકત્ર ફાઉન્ડેશન પ્રકાશિત સાહિત્યિક સંરસન “Literary consortium”ના પ્રથમ અંકમાં પ્રકાશિત મારી બે રચનાઓ અહીં તંત્રી નોંધ સાથે.
આનંદ અને આભાર સહ..

દેવિકા ધ્રુવ

૧. કલમની કરતાલે.. પાના નં. ૨૬
૨. શિશુવયની શેરી.. પાના નં ૨૭

તંત્રી શ્રી સુમનભાઈની નોંધઃ

તાજા કલામને સલામઃ ૧૦ઃ હિમાદ્રી આચાર્ય

  ગઝલઃ હિમાદ્રી આચાર્ય

લગાગાના ૨૦ માત્રાઃ મુત્કારિબ છંદ

નયન  એથી લાગે નિરાળા અમારા
વસે આંખમાં કંઈક સપના તમારા!

પરસ્પર છે હોવાપણુ આપણું આ
તમે ઊંડા સાગર અમે તો કિનારા!

કરી દૂર ખાટું, હું મીઠું જ આપું
છું શબરી તમારી, તમે રામ મારા!

અચળ આપણો યુગયુગોનો છે નાતો
તમે છો ગગન ને અમે ધ્રુવ તારા!

તમે અમને ઊંચાઈ આપી અનેરી
શિખર જાણે પૂજે છે નીચા મિનારા!

*હિમાદ્રી આચાર્ય દવે*

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

સાહિત્ય અને કલાના વાતાવરણમાં ઉછરેલ હિમાદ્રી આચાર્યના પગરણ, સાહિત્ય ક્ષેત્રે આમ તો નવાં છે પણ નોંધનીય છે.

પત્રકાર લેખકની પુત્રીએ અભ્યાસલક્ષી વાંચનને કેવી સુંદર રીતે ઝીલ્યું છે તેનું પ્રતિબિંબ, માત્ર પાંચ જ શેરની નાનકડી ગઝલમાં દેખાઈ આવે છે. ઉપરોક્ત ગઝલમાં હિમાદ્રીબહેને પ્રેમના વિવિધ રંગોનો છંટકાવ કર્યો છે. દેખીતી રીતે યૌવનના પહેલા પહેલા જાગી ઊઠેલા પ્રેમની શરૂઆત કરી, પ્રથમ શેરથી જ ઘેનમાં ડૂબેલ પ્રેમીનાં સપના સેવતી વ્યક્તિનું એક રોમાંટીક ચિત્ર ખડું ખરી દીધું છે. એક પ્રેમી કે જેની આંખમાં એટલાં બધાં અને એવાં એવાં સપના આવતાં રહેતાં હોય છે કે જેને પરિણામે એને સ્વપ્નાઓનું ઉદ્ગમ સ્થાન એવી આંખો સુંદર અને નિરાળી લાગવા માંડે છે.

સપના તો મઝાના હશે જ હશે પણ ગઝલની નાયિકા તો અહીં એમ કહે છે કે, “નયન એથી લાગે નિરાળા અમારાં, વસે આંખમાં કંઈક સપના તમારા!” અહીં જાણીતી ઉક્તિ યાદ આવે જ ઃ

 Beauty Is in The Eye of The Beholder. 

હજી એ નિરાળા સપનાની રંગીન દુનિયામાં ભાવક પ્રવેશે તે પહેલાં તો તરત જ બીજો શેર સાગર અને કિનારાનું રમ્ય છતાં વિરોધાભાસી દૄશ્ય ઉપસાવે છે, એમ કહીને કેઃ

પરસ્પર છે હોવાપણું આપણું આ.
તમે ઊંડા સાગર અમે તો કિનારા! 

અહીં એકસામટા ઘણાં અર્થો  ઊમટે છે. એકમેકથી અલગ હોવા છતાં સ્ત્રી-પુરુષના અવિનાભાવની આ વાત છે? કે તફાવતની ફરિયાદનો સૂર છે? સાગર જેવી, અંદર ઘણું સમાવતી ઊંડી વ્યક્તિની વાત છે? કે પછી ત્રીજા શેરમાં પ્રગટે છે તે, શિવ થકી જીવ હોવાના, એ રીતે પરસ્પરના હોવાપણાંનો ઊંચેરો અર્થ છે?

કરી દૂર ખાટું, હું મીઠું જ આપું.
“ છું શબરી તમારી, તમે રામ મારા!

અહીં સ્વાભાવિક રીતે જ કવયિત્રીએ સ્થૂળથી સુક્ષ્મ પ્રેમનો ભાવ વ્યક્ત કર્યો છે. કંકુ જ્યારે પાણીમાં પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ નથી રાખતું. એ પાણી મટીને કંકુ બની જાય છે. પ્રેમનું સાચું રૂપ એ જ છે અને તર્પણ પણ એ જ હોઈ શકે. મને શું મળે છે તે મહત્ત્વનું નથી. મારે શું આપવું છે તે અગત્યનું છે. ચાખી ચાખીને ખાટાં બોર દૂર કરી રામ માટે મીઠાં જ બોર ધરવાની શબરી જેવી લાગણી એ જ ખરી ભાવના. એમ બને તો જ અને ત્યારે જ કહી શકાય કે, 

અચળ આપણો યુગયુગોનો છે નાતો
તમે છો ગગન ને અમે ધ્રુવ તારા!

 યુગયુગોના તાંતણા કોઈપણની સાથે અનુભવી શકાય,પછી એ વ્યક્તિ હોય કે ઈશ્વર, ગગન હો કે સિતારા, વૃક્ષવેલી, નદી,સાગર, પર્વત, ખીણ- જડચેતન દરેક અવસ્થામાં ‘સ્નેહની કડી સર્વથી વડી’ એ નિર્વિવાદ સત્ય છે. આ શેરમાં ‘નાતો’ શબ્દની સાથે સહેતુક વપરાયેલ ‘અચળ’ વિશેષણ ઈશ્કે હકીકીની લાલિમા પાથરી દે છે. અહીં મને મારો એક શેર યાદ આવે છેઃ 

નથી છતાં તું  છે અહીં, બધે છતાં કહીં નહી. 
ભીતર છે અંશ શિવ તણા, ન જીવ જાણે અંત લગી. 

છેલ્લાં અને પાંચમાં શેરમાં કવયિત્રીએ ગૂઢ વાત કરી છે. જે ઊંચા આસને બેસાડે છે તેના તરફ પૂજનીય ભાવ, તેની કૃપા દૃષ્ટિની અવિરત આરઝુ, ઝંખના. એકતરફ જે જોઈએ તે બધું જ આપણને મળે છે, ક્યાંય કશી પણ ખોટ કે અભાવ ન હોય ત્યારે પણ સતત એક ભાવ જાગતો રહે છે અને તે, એની અમી નજર.

તમે અમને ઊંચાઈ આપી અનેરી
શિખર જાણે પૂજે છે નીચા મિનારા!

સઘળું આપી દઈને કોઈ પૂજનીય ભાવ જગાડે અને અકબંધ રહેવા દે એ કેવી ખૂબી! કેવું બારીક નક્શીકામ?. અહીં પણ ઊંચા શિખર અને નીચા મિનારાનાં વિરોધી પ્રતિકો દ્વારા શ્લેશ અલંકાર જેવો બેવડો અર્થ ઉપસે છે. એક તો પોતાને બધું મળી ગયું છે તેનો અહોભાવ, આપનાર નીચે કે દૂર કેમ તેની મીઠી ફરિયાદ અને આ બંનેની વચ્ચે ભીતરની એક ઝંખના! સતત એનો સાથ અને એની જ પૂજા. વાહ..

મુત્કારિબ છંદના ૨૦ માત્રામાં લખાયેલ આ ગઝલ આશિક-માશુકાના ઇશ્કેમિજાજીથી શરૂ થઈ ઇશ્કેહકીકી તરફ ઢળી વિરમે છે.

સાદ્યંત શુદ્ધ છંદમાં ગૂંથાઈ છે તે પણ એનું જમા પાસું છે.

આ કલમ વધુ ને વધુ વિકસતી રહે અને કાવ્યતત્ત્વથી સભર થતી રહે એવી શુભેચ્છા સાથે આવકાર અને અભિનંદન.

અસ્તુ..  —- દેવિકા ધ્રુવ

*********************************************************************************************************

પોણી સદીની પાળે..

પોણી સદીની પાળે, આ સાગરને મઝધારે, અમે ચઢી ગયાં વિચારે;
જરા ડોલતી નાવની ધારે, જોઈ સામે તે કિનારે, અમે ચઢી ગયાં વિચારે….

પાર કરી છે પોણી ને પા જેટલી બાકી,
આજ લગી આ નૌકા વેગે રાખી હાંકી,
હવે પહેલાં કરતાં, જરા ચાલે હાલમ ડોલમ.
પણ કલમ-હલેસાં નથી ગયાં હજી હાંફી!

સમય આવ્યો, સમજી લેવા આબોહવાને તાલે, એકમેકને ઈશારે,
એક સમી સાંજને ટાણે, આ સાગરને મઝધારે, અમે ચઢી ગયાં વિચારે….

તારું મારું, મારું તારું, કહેતાં કહેતાં ચાલ્યાં,
આગળ-પાછળ, પાછળ-આગળ, કરતાં કરતાં દોડ્યાં,
ખાડા-ટેકરા,તડકા-છાંયા રસ્તાઓ વટાવ્યાં,
ખારાં-તૂરાં, કડવાં-મીઠાં પીણાં સઘળાં ચાખ્યાં.

રહ્યું કશું ના બાકી, લાગે ઝબકી તંદ્રાવસ્થે, પરસ્પરને સહારે,
પોણી સદીની પાળે, જાગ્યાં ત્યાંથી સવારે, અમે ચઢી ગયાં વિચારે….

–દેવિકા ધ્રુવ

૨/૭/૨૦૨૩ ફેબ્રુઆરી ૭,૨૦૨૩

વાસંતી વાયરો..

આ મહા સુદ પાંચમની વસંતપંચમી અમેરિકા માટે તો ખૂબ વહેલી ગણાય. હજી અહીં ટેક્સાસમાં તો કદાચ થોડીયે જણાય. પણ બાકીનાં મોટા ભાગનાં પૂર્વ તરફનાં રાજ્યોમાં તો ઠંડી અને સ્નોનું સામ્રાજ્ય. તેમ છતાં…. સાત પગલાં સાથે માંડવાના શુકનવંતા દિવસે આ ત્રણ અંતરાની એક રચનાઃ
આજે હ્યુસ્ટનમાં વાસંતી લહેર જેવી હવા છે ખરી.

આ વાસંતી વાયરાને હૈયે ઝીલું, ઝીલી ઝીલીને આખું ગગન ઘૂમું.

ગગનની પાર ઘૂમી ભીતર વળું,
ભીતર વળીને પૂરો સમંદર ભરું.
શીતલ શીકરથી હવા ભીની કરું,

સ્નેહભીની લહેર થકી જીવન સીંચું.. આ વાસંતી વાયરાને હૈયે  ઝીલું.

જીવનની મહેકને ચોપાસ વીંટું,
વીંટી વીંટીને, બસ ગુલશન વીંઝુ.

ગરવા આ વીંઝણાને શબ્દે ગૂંથું,
ગૂંથી ગૂંથીને કોઈ સરગમ  રેલું.. આ વાસંતી વાયરાને હૈયે ઝીલું.


સરગમ સંગ ગાનને વ્હેતાં મૂકું,
વહેતાં બે ગીતના ઠમકે ઝૂમું.

ઝૂમતાં, ડોલતાં, મુક્તમન નાચું..
ને દૂર આભે ઊડું, પરમ પ્રેમમાં ડૂબું… આ વાસંતી વાયરાને હૈયે ઝીલું, 

                            …

તાજા કલામને સલામઃ ૯ઃ શિલ્પા શેઠ

ગઝલ : તરસઃ શિલ્પા શેઠ

છંદ રજઝ – ગાગાલગા ગાગાલગા ગાગાલગા ૨૧ માત્રા

તારા વગર તો કોણ છીપાવી શકે?
મારી તરસ તો તું જ સંતોષી શકે!

ડૂમો ગળે બાજેલો છે કેવો છતાં,
શબ્દો જ કેવળ ખુદને ભરમાવી શકે.

એ કેટલી હદથી નડે કોને ખબર?
શું દૂરતા પણ દૂરીઓ લાવી શકે!

ગુંગળાયેલી એ ક્યાં સુધી જીવી શકે?
તરફડતી ઈચ્છાઓ મરણ પામી શકે!

કુદરતના દ્વારા એ થયું કે ખુદબખુદ,
મૃત્યુનું કારણ કોઈ ક્યાં જાણી શકે?

ધગધગતો અગ્નિ હોય અંતરમાં સતત, 
પણ દેહ આખો થોડો એ બાળી શકે?

લાગે જે સહેલું એટલું અઘરું છે એ,
ક્યાં પ્રેમમાં સર્વસ્વ સૌ ત્યાગી શકે?

છે મીણ ઓગળવા હવે જ્યોતિ નીચે,
છે પ્રશ્ન અગ્નિ કોણ ત્યાં ચાપી શકે?

પથ્થરને પૂજાવું હશે, પણ શું કરે?
એક “શિલ્પ”ને તો કોણ કંડારી શકે?

–શિલ્પા શેઠ “શિલ્પ” મુંબઈ

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

મુંબઈના વતની અને લેખન વાંચનના શોખીન શિલ્પા શેઠ સાહિત્યના દરેક સ્વરૂપમાં રસ ધરાવે છે. વિવિધ સહિયારા સર્જનોમાં તેમની લેખિની પ્રગટ થતી રહી છે. પ્રસ્તુત ગઝલ ‘તરસ’ દ્વારા તેમની કલમની ઝલક મળે છે.

મત્લાથી શરૂ થયેલ પ્રશ્નોની શ્રુંખલા મક્તા સુધી આ ગઝલમાં વિસ્તરી છે. તરસ છીપાવવાનો સવાલ કોઈક અધૂરી ઝંખનાને આરે જઈ ઊભો રહે છે. પ્રિયજનની રાહ જોવાય છે પણ અહીં રોમાંસ નથી.  કશોક ગમ છે, ગળે ડૂમો બાઝ્યો છે ને તે પણ શબ્દોથી જ શમી શકે તેમ છે. અહીં કડવા મીઠા કે પછી સમજણના શબ્દો જ સ્વયંને શાંત કરી શકે તેમ છે.

એકબીજાનો વિરહ ક્યારેક મિલન થતાં પ્રેમમાં ઉમેરો કરે તો વળી બહુ લાંબી દૂરતા અંતરાય પણ લાવી શકે. અહીં મોઘમ વાત કરી છે કે,
એ કેટલી હદથી નડે કોને ખબર?

શું દૂરતા પણ દૂરીઓ લાવી શકે!

પરિસ્થિતિનો તાગ પામવાનું વાચક પર છોડી દીધું છે. ‘ એ’ ના એકાક્ષરી શબ્દોમાં કવયિત્રી શેની વાત કરે છે? પ્રિયપાત્રની દૂરતાની, મિલનની ઇચ્છાની કે શબ્દોની? પછીના શેરમાં વળી વાત થોડી છતી થાય છે કે, ઇચ્છાઓનો તરફડાટ એવો હોય છે કે કદાચ એ ગૂંગળાઈને મરણ સુધી પહોંચે!

નિરાશા અને હતાશા માનવીને માટે કેવો વિનાશ નોંતરે છે તેના તો અસંખ્ય દાખલાઓ સમાજમાં જોવા મળતા જ રહેતા હોય છે. પાંચમાં શેરમાં વિષયને વધુ આકાર મળ્યો છે. કશુંક ખૂબ દુઃખદ બન્યું છે,કોઈ દૂર, સુદૂર ચાલ્યું ગયું છે. કદાચ અચાનક જ. કારણની પણ જાણ નથી. તેથી કાવ્યની નાયિકા કહે છે કે,

કુદરતના દ્વારા એ થયું કે ખુદબખુદ,

મૃત્યુનું કારણ કોઈ ક્યાં જાણી શકે?

આ એક મોટો કોયડો છે. વિજ્ઞાને ખૂબ શોધ કરી છે પણ છેલ્લી પળ કોઈનાથી પકડાઈ નથી.

“આખરી પળ પણ એવી અકળ અહીં…પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.”

 એ જેના પણ જીવનમાં જીરવવાની આવે છે તેનું આખુંયે અંતર બળે છે પણ એ ચિતાથી દેહ બળતો નથી. માત્ર જનારની પાછળ વ્યક્તિનું મન સતત બળ્યા કરે છે. છઠ્ઠા શેરમાં એ સવાલ ઘૂંટાય છેઃ

ધગધગતો અગ્નિ હોય અંતરમાં સતત, 
પણ દેહ આખો થોડો એ બાળી શકે?

પ્રેમમાં સર્વસ્વ ત્યાગવાની વાતો તો સૌ કરે છે; પણ જ્યારે  ખરો સમય આવે છે ત્યારે કોઈ કોઈની પાછળ કુદી પડતું નથી કે જનાર પણ એનો સમય આવે છે ત્યારે બસ, એમ જ, પાછળનાનો વિચાર કર્યા વગર જ વિદાય લે છે. ખરેખર તો પ્રશ્નોની આ પરંપરા પરમની સામે છે અને વિસ્મય તો એ વાતનું છે કે,દરેક વ્યક્તિને આ અનુભવ થતો જ રહે છે. એટલે આમ જોઈએ તો આ ગઝલમાં એક સૂફી વિચાર સમાયેલો છે, જે કદાચ લખતી વખતે કવયિત્રીને અભિપ્રેત ન પણ હોઈ શકે! શબ્દોની અને અર્થોની આ જ તો ખૂબી છે કે એ વાચકના ભાવવિશ્વ મુજબ અર્થચ્છાયાઓ ઊભી કરે છે.

છેલ્લા બે શેર પણ મઝાના બન્યા છે. ઓગળવા માટે  તૈયાર મીણ છે, જ્યોત છે, પણ ફરીથી પ્રશ્ન થાય છે કે, હવે કોણ ચાંપશે?! એકાકી મનની આ તે કેવી દર્દભરી દાસ્તાન? પથ્થરને કંડારાવું હશે, પૂજાવું હશે. પણ જે ખુદ શિલ્પ છે જ તેને તો કોણ કંડારે?

પથ્થરને પૂજાવું હશે, પણ શું કરે?
એક “શિલ્પ”ને તો કોણ કંડારી શકે? અહીં  મક્તાના આ શેરમાં બખૂબી તખલ્લુસ ભળી ગયું છે. આમ,

તરસ, વિરહ દૂરતા, મૃત્યુ અને  વિષમતાના ભાવોને શિલ્પાબહેને યથોચિત ઉપસાવ્યા છે.

૨૧ માત્રાના રજઝ છંદમાં, ૯ શેરોમાં ગૂંથાયેલ આ નવી કલમને આવકાર સાથે વધુ સારી ગઝલોના સર્જન માટે શુભેચ્છા.

અસ્તુ

—દેવિકા ધ્રુવ

ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક નં. ૨૪૦નો અહેવાલ.

૨૦૨૩ના નવા વર્ષની પ્રથમ બેઠકનો અહેવાલઃ

 હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૨૪૦ મી બેઠક, ૧૪ જાન્યુઆરી ૨૦૨૩, શનિવારે બપોરે ૨ થી ૪ દરમ્યાન,  સુગરલેન્ડના કૉમ્યુનિટિ હોલ-ઇમ્પીરિઅલ રિક્રિએશન સેન્ટર ખાતે યોજાઈ હતી.

પ્રારંભિક સ્વાગત અને આવકારના ભાવભીના શબ્દો પછી તરત જ પ્રમુખ શ્રીમતી ભારતીબહેન મજમુદારે પ્રાર્થના માટે  શ્રીમતી ભાવનાબહેન દેસાઈને આમંત્રણ પાઠવ્યું. તેમણે  ‘હે શારદે મા, અજ્ઞાનતાસે હમેં તાર દે મા’ ની પ્રાર્થના સુમધુર કંઠે રેલાવી.

સુંદર અને શુભ શરૂઆત પછી નવી સમિતિમાં ઉપપ્રમુખ તરીકે આવેલ શ્રીમતી મીનાબહેન પારેખ અને અન્ય નવા સભ્યોને આવકાર મળ્યો અને તરત જ વક્તવ્યોની શરૂઆત થઈ.

સૌથી પ્રથમ શ્રીમતી પ્રવીણાબહેન કડકિયાએ ઉત્તરાયણની પોતે લખેલી એક સરસ વાર્તા ‘કપાયો છે’ માં રહેલી પતંગ કપાયાની ખુશી!’નો સાર લઘુકથાની જેમ કુશળતાથી રજૂ કર્યો.  શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ પણ આજના વિષયને અનુરૂપ એક સ્વરચિત રચના સરસ રીતે વાંચી સંભળાવી.

‘જિંદગી એક પતંગ અને દોર જેવી, એકમેક વગર બેસહાય અને અધૂરી’ .

ત્યારબાદ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ પોતાની કુશળ કલમને એક કવિતા થકી રેલાવી કે “વીતેલાં વર્ષો યાદોનો ખજાનો ભરી જાય, બાકીની પળો જીવનનું ચેન હરી જાય . અને બીજી એક, ખુમારીનું ગૌરવ પ્રગટ કરતી ગઝલ રજૂ કરીઃ
“ભીખ જોઈતી નથી, બસ જીતવું છે. દોડ પાકી, સવલતોથી હારવું છે, હર ડગર જીવન ખુશીથી માણવું છે.”

સભાજનોના આનંદમાં વધારો કરતાં શ્રી નૂરુદ્દીનભાઈ દરેડિયાએ તેમના અસ્સલ હળવા મિજાજમાં સંસ્કૃતિની ગહન વાતો કરી..કબીરના દોહા, બ્રહ્માનંદની વાણી, કવિ શ્રી મકરંદ દવેની સુંદર પંક્તિઓ, શ્રી કાકાસાહેબ કાલેલકરના અર્થસભર શબ્દો, ગાંધીજીના સુવાક્યો વગેરેથી માહોલને રંગી દીધો.

તે પછી દેવિકા ધ્રુવે સંસ્થાની, વેબસાઈટની, પુસ્તકોની, નવા વર્ષની, નવા સભ્યોની વગેરે વાતોનો અછડતો ઉલ્લેખ કરી ‘જિંદગી’ વિષયક  સ્વરચિત કવિતા રજૂ કરી. તેના શબ્દો હતાઃ જિંદગી વેળાવેળાની છાંયડી છે, સંજોગની પાંખે ઊડતી પવનપાવડી છે.’ તેના જ સંદર્ભમાં “કોઈ હજી મને ભણાવે છે’ વિષય આપી સૌને લખવા માટે આમંત્રણ આપ્યું અને એ વિશે સંસ્થાના સભ્યો સાથે એક નવા સહિયારા પ્રોજેક્ટની વાત કરી.

એક નવા સભ્ય શ્રીમતી દક્ષાબહેન બક્ષીએ કવિ શ્રી સુરેશ દલાલના ‘ઝલક’ પુસ્તકમાંનું ‘ઈમર્સન’નું એક પાનું વાંચી સંભળાવ્યું. ત્યારબાદ શ્રીમતી ભાવનાબહેન દેસાઈએ નરસિંહ મહેતાનું એક ભજન, “આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે”; વાદ્યવૃંદના સાથમાં અને ‘સખીની સાખી’ સાથે બુલંદ અવાજે પ્રસ્તુત કર્યુ..સ્વરાંકન તેમનું પોતાનું હતું અને સાખીના શબ્દો દેવિકા ધુવના હતાઃ “પનઘટ વાટે ઈંઢોણી સાથે, નટવર નાચે ગોકુળ ગામ”. સૌએ તાળીઓના ગડગડાટથી ભાવનાબહેનને વધાવ્યા. હવે વારો હતો શ્રી હસમુખભાઈ પટેલનો જેમણે સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની ભેદરેખા દર્શાવી તેને અધ્યાત્મ સાથે સાંકળતા પોતાના વિચારો દર્શાવ્યા. તે પછી શ્રી પ્રકાશભાઈ મજમુદારે આગામી ૨૬મી જાન્યુઆરીને લક્ષમાં રાખી  ‘વતનપેં જો ફિદા હોગા” નું જાણીતું ફિલ્મી ગીત સંગીત સાથે રજૂ કર્યું.

રજૂઆતોનો આ દોર પૂરો થયા પછી પ્રમુખ શ્રીમતી ભારતીબહેને નવા સભ્યોની ઓળખાણ થાય તે હેતુથી સૌ સભાજનોને પોતપોતાના નામો બોલવા માટેની શરૂઆત કરી. તે દરમ્યાન સંસ્થાના આદ્યસ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટે “નેઈમપ્લેટ’નું સૂચન કર્યું જે નવી સમિતિએ અમલમાં મૂકવા માટે સ્વીકાર્યું. બીજાં પણ એક-બે સૂચનો મળ્યાં જેની નોંધ લેવાઈ.

અંતે નિયમ મુજબ સામૂહિક તસ્વીર લેવાઈ અને બટાકાવડાં, ગાંઠિયા, તલસાંકળી વગેરે અલ્પાહાર પછી, મધુર યાદો લઈ સૌ છૂટા પડ્યાં.

 નવા વર્ષની આ બેઠકના આયોજકો, સહાયકો, વક્તાઓ, શ્રોતાઓ અને વાદ્યવૃંદના સભ્યો… સૌને અભિનંદન.

—દેવિકા ધ્રુવ

ૐ નામે Home

જૂનું ઘણું ખાલી કરતાં…

ખૂબ ચકડોળે ચડેલા સમયની વચ્ચે કંઈ કેટલાય વિચારો અને અનુભવોની આવનજાવન ચાલી. આ સમયરેખાને સ્થળ સાથે જોડવાથી એક સંપૂર્ણ ચિત્ર તમામ દૄશ્યોની સાથે તૈયાર થઈ નજર સામે ઊભું થાય છે.

કેટલાં મકાનો બદલાયાં! કેટલી વખત સુસજ્જ માળાઓ સજાવ્યા અને સંકેલ્યા! જૂનું ઘણું ખાલી કર્યું. વિશ્વના મંચનો મહાન દિગદર્શક ક્યારે, શું કરાવે છે? કંઈ ખબર પડે છે!!!

ત્રીસીની શરૂઆતમાં વિદેશગમન અને ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં ૩+૨૧ વર્ષ પસાર થઈ ગયાં.

વળી પાછાં ૧૮ વર્ષ હ્યુસ્ટનના ‘સિએના પ્લાન્ટેશન’ વિસ્તારના ‘પોએટ કોર્નર’માં ગાળ્યાં. સાચા અર્થમાં ત્યાં જ વધુ સાહિત્યિક કામ (૧૧ પુસ્તકો) થયું. પોઍટ કોર્નર હતો ને?!!

અને… હવે આ લગભગ પોણી સદીની પાળે, વળી પાછાં Fulshear (હ્યુસ્ટનની દક્ષિણ દિશાનો વિસ્તાર)ના, એક નાનકડા તળાવને કાંઠે, તદ્દન નવાં મકાનમાં મુકામ.

પાછું વળી જોતાં થાય છે કે ઓહોહોહો કેટલું બધું ચાલ્યાં?!!!!….અત્યાર સુધી જુદે જુદે રસ્તે ફંટાતો, સરળ-કઠણ લાગતો રસ્તો હવે એક શાંતિભર્યા રહેઠાણ પર આવીને ઊભો.. વળી એક ઑર નવો અને જુદો અનુભવ. ૐ નામે HOMEમાં! એક નવી સવાર…

વિસ્મયોનો કિલ્લો અને અનુભવોનો બિલ્લો એટલે જ જિંદગી. માનવ માત્રને પ્રત્યેક નવે તબક્કે અજબનાં આશ્ચર્યો અને ગજબના પડકારો મળતા રહે છે. અંધાર-ઉજાસના આ ખેલને શું કહેવાય? હારજીત તો આમાં છે જ નહિ. બસ, એક વર્તુળાકાર ગતિ છે, ચક્ડોળ છે અને તે પણ સતત છે. સમય નામ તો માણસે આપ્યું. બાકી નિયતિનો આ ક્રમ તો કુદરતમાં પણ છે જ, છે.

આ બધાંની વચ્ચે આમ જોઈએ તો સંવેદનાએ પડકારો ઝીલ્યા છે. અતિશય નાજુક એવું આ ભીતરનું તંત્ર કેટકેટલી વાર અને કેવી કેવી રીતે ખળભળ્યું હશે! ક્યારેક સવાલો ઊઠે છે કે વિરાટના હિંડોળે ઝુલીને કે ઝીલીને, આ કોમલ સંવેદનાઓ ધારદાર બને છે કે પછી બુઠ્ઠી થઈ જાય છે?  એક સ્થાયી ભાવની જેમ નિર્લેપ અને સ્થિર થતી હશે? ઘણી મિશ્ર લાગણીઓ વચ્ચે અંદર કંઈક આવું સળવળે છે.

જે ગયા હતા, મધુરા હતા, જે મળ્યા તે સારા પડાવ છે…    
છે વિરક્તિ ને જરી હાશ પણ હૃદયે જુદો જ લગાવ છે..      

ન કશો હવે કંઈ રંજ છે, કે નથી કશોયે અજંપ કંઈ.
અહીં તો સવાઈ નિરાંત છે, સખે જો આ શાંત ઠરાવ છે.

અહીં નીકળ્યાં ભ્રમણે હતાં, ને હવે સફર તો સફળ થઈ.
જે લકીર હાથ મહીં હતી, તેનો તો જવાનો સ્વભાવ છે.

જે મળી સુગંધ ભરી કરે, તે કલમ થકી જ વહી રહી
પમરાટ હો, દિનરાત હો, ન હવે જરાય તણાવ છે.     

સરે શ્વાસના અણુએ અણુ, અને રોમરોમમાં નામ એ
પછી તો સદાનો વિરામ છે, કહો ક્યાં કશોય અભાવ છે!!   

તાજા કલામને સલામઃ ૮ઃ શબનમ ખોજા

શબ્દ જો ખૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું 
તું ય જો રૂઠી જશે તો મૌન ગાઈ લઈશ હું .

જે રીતે ખોટી પડી છે શક્યતાઓ એ રીતે
ભ્રમ બધા તૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું 

હોઉં એવી જેની સામે થઈ શકું જાહેર,-એ
આયનો ફૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું

મારું આ હોવાપણું ટહુકે છે તારા સાથથી
સાથ જો છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું

એ પછી મારે કશું કહેવાપણું રહેશે નહીં
અર્થ તું ચૂકી જશે તો મૌન ગાઈ લઈશ હું.

આ ઘડીનું સત્ય છે -‘ના ચાલશે તારા વિના’
મોહ આ છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું.

શબનમ  ખોજા

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

 કચ્છના ગઝલ વિશ્વમાં એક નવી, ગાજતી પ્રતિભા એટલે શબનમ ખોજા.

‘રાવજી પટેલ એવોર્ડ’ના વિજેતા  બહેન શબનમની, મૌનનો મહિમા ગાતી ઉપરોક્ત ગઝલ વાંચતા વેંત જ આકર્ષી ગઈ.

પ્રથમ શેરથી જ એક મસ્તીની છાલક વાગે છે. કશું ધાર્યું ન થાય તો પણ કાંઈ વાંધો નહિ. ‘આમ નહિ થાય તો તેમ કરીશ’ એવી ખુમારીભરી, મસ્તીભરી, રસ્તાઓ ખોલતાં જવાની રીતોમાં ભીતરની સૂઝ અને  કેવળ શાંતિભર્યા આનંદની લહેરખી છવાતી જાય છે.

શબ્દ જો ખૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું 

 તું ય જો રૂઠી જશે તો મૌન ગાઈ લઈશ હું .

આહાહા.. દમદાર મત્લાથી ઉઘડતી ગઝલ એક પછી એક ચડિયાતા શેરથી બખૂબી આગળ વધે છે.. સામાન્ય રીતે માણસમાત્રનો એક સ્વભાવ રહ્યો છે ગમને ઘૂંટવાનો, રડવાનો, આક્ષેપો અને ફરિયાદ કરવાનો. પોતાના દોષો તરફ નજર-અંદાઝ કરવાનું ખૂબ સહેલું હોય છે. પણ અહીં તો વિપરીત સંજોગોને કેવી મઝાથી વાળી લેવાની અભિવ્યક્તિ થઈ છે કે, શક્યતાઓ ખોટી પડે કે પછી કંઈ પણ તૂટી પડે તો પણ મૌન તો પોતીકું છે ને? એને ગાઈ લેવામાં કોણ રોકવાનું છે?

જે રીતે ખોટી પડી છે શક્યતાઓ એ રીતે

ભ્રમ બધા તૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું .

ત્રીજો શેર વળી એક તદ્દન મૌલિક વાત લઈને આવે છે. કવયિત્રી કોઈ વ્યક્તિની વાત કરતાં નથી.એ તો અરીસાને ધરી દે છે. પોતાને કશાયે મેક-અપ વગર અસ્સલ દેખાવું છે. પોતે જે છે તે જ રૂપે આયના સામે ઊભા રહેવું છે, દેખાવું છે. પણ જો એ આયનો જ તૂટી જાય તો ? કોઈ વાંધો નહિ. ‘તોરા મન દર્પન કહલાયે’.. મન સાથે ગુફ્તગુ માંડવી છે, મૌનના મંડપ નીચે!..

ચોથા શેરમાં કવયિત્રી એક મઝાનો વળાંક લે છે. એક ફિલસૂફીની ઝલક વર્તાય છે. પોતાનું આ હોવાપણું કોનાથી છે? કોનાથી હોઈ શકે? સવાલોના ઝબકારા જાગે છે અને તે સાથે જ જગતના ‘સુપ્રીમ પાવર’ના સાથનું સ્મરણ થાય છે. માનવી માત્રના હોવાનો ટહુકારો તો કેવળ એક જ ‘એ’ થકી છે ને? વિષમ પરિસ્થિતિમાં પણ ટક્કર ઝીલી સરસ જીવવાની રીતિ કેળવી લીધી હોવા છતાં જો ‘એ’નો સાથ ન રહે તો છેલ્લે મૌનનો સહારો એ જ સાચો રસ્તો. ખૂબ ઊંચી વાત.

મારું આ હોવાપણું ટહુકે છે તારા સાથથી

સાથ જો છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું.

અને વાત કેટલી સાચી છે કે એ પછી તો કશું કહેવાનું રહેતું જ નથી. અને જ્યારે  અંતિમ અવસ્થામાં કોઈના વિના ચાલે જ નહિ એ સત્ય પણ કાંચળીની જેમ ઉતરી જાય, મોહ છૂટી જાય પછી તો?? કશી ક્યાં ખબર છે? રહેશે કેવળ મૌન…મૌન.. અને માત્ર મૌન જ.

મૌનમાં કેટલું વજન છે? અર્થોના અનેક દરવાજા ‘ખુલ જા સિમસિમ’ની જેમ ખુલે છે. શબ્દ ન કરી શકે તે મૌન સાધી શકે.

આ ઘડીનું સત્ય છે -‘ના ચાલશે તારા વિના’

મોહ આ છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું.

જે નથી કહેવાયું તે અચાનક સમજાઈ જાય છે! જે કહેવું છે તે વિશે તો કવિતાની નાયિકા મૌન જ રહ્યાં છે અને તે જ તો સાચું કવિકર્મ બન્યું છે. દરેક શેરમાં અંતરની આભા છલોછલ છલકાય છે. ગાલગાગાના ૨૬ માત્રાની આ ૬ શેરની ગઝલમાં શબનમે સુંદર નક્શીકામ કર્યું છે. આ સાથે  વિષમ છંદમાં ગૂંથેલ મારો એક શેર તેમને અર્પણ કરું છું.

મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી સખા સો વાર લાવી છું….

 તાજી કલમોના સાહિત્યિક સંમેલનોમાં એક અનોખા અંદાઝથી પઠન કરનાર બહેન શબનમને,  તેમની આવી મૌલિક, નૂરાની તાકાતવાળી, તાજી કલમથી સાહિત્યવિશ્વને  વધુ રળિયાત બનાવતાં રહે એજ શુભેચ્છા અને તહેદિલથી અભિનંદન.

અસ્તુ..

—દેવિકા ધ્રુવ

તાજા કલામને સલામઃ ૭ઃ રીંકુ રાઠોડ

“આપણું આંગણું”ના સૌજન્યથી…તસ્વીર સહિત

ગીતઃ  મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે: રીંકુ રાઠોડ

એવાં સખી વાદળાં ને વીજળી ને ઝરમર વગેરે

મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે.

હૈયામાં જાગે કૈં યાદોના મેળા

થોડા નિસાસા પણ આવે છે ભેળા

એમ પાછા ઘા ઉપર મીઠું ઉમેરે

મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે.

ઉંબર તે નદીઓ ને પ્રાંગણ તે ગામ,

રહી જાતું વહી જાતું મનગમતું નામ.

કાચ્ચી ઉંમર તણાતી જાય લ્હેરે! 

મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે.


આસ્વાદઃ દેવિકા ધ્રુવ

‘શર્વરી’ તખલ્લુસથી ગઝલો લખતાં રીંકુ રાઠોડનું નામ હવે યુવાજગતમાં મશહૂર છે. તેમને યુવાગૌરવ પુરસ્કાર અને કવિ શ્રી રાવજી પટેલ એવોર્ડ પણ મળ્યો છે.

 તેમનું ઉપરોક્ત મનમોહક ગીત એટલે પ્રકૃતિ સાથેનું એક મઝાનું પ્રણય ગીત. એક મુલાયમ અનુભૂતિનું ગીત. આમ તો પ્રકૃતિ સાથે દરેક સર્જકનો રુહાની નાતો છે. ખૂબી એની અભિવ્યક્તિની રીતમાં છે, લઢણમાં છે, જે રીંકુ રાઠોડને જન્મજાત મળેલી અમોલી ભેટ છે.

ગીતની ધ્રુવ પંક્તિ ‘ મૂઆં રુંવે રુંવેથી મને ઘેરે’ થી  માટીની સોડમ જેવી ગામઠી બોલી નીસરે છે. વાદળાંઓનો ગડગડાટ થાય, વીજળીઓ ચમકે અને એય ઝરમર ઝરમર વરસાદનું આગમન થાય એ આખાયે દૄશ્યને માત્ર એક જ લીટીમાં તાદૃશ કરી  મનની મસ્તીથી,  રુંવે રુંવેથી ઘેરવાની મૂખ્ય વાત મઝાની રીતે વહેતી મૂકી દીધી છે.

‘મૂઆં’ શબ્દ્પ્રયોગ દ્વારા કશુંક ગમતું, વહાલભર્યું કહેતી, આંખને ખૂણેથી જોતી કાવ્યનાયિકાનો પ્રેમ નીતરતો રીસભર્યો ચહેરો નજર સામે દેખાય છે! અહીંથી જ  કવિતાની પકડ તો એવી જબરદસ્ત અનુભવાય છે કે આખું ગીત વાંચ્યા વગર ચાલે જ નહિ.

હવે આ રોમાંચિત ચિત્રમાં થોડી રેખાઓ આગળ દોરાય છે. એવું તે શું હતું એ વરસાદમાં? સ્મૃતિઓનો પટારો સહજ ખુલે છે. મેળાની જેમ યાદો ઉઘડે છે ને યાદોમાં જરા નિસાસા સંભળાય છે.  કેવા છે નિસાસા? એને યાદોમાં લાવવા નથી. મનમાં ખુશી આણવી છે, હકારાત્મક મનોભાવ છે તો પણ એ નિસાસાયે મનગમતી યાદોની સાથે ભેગા આવી જ જાય છે.

કશુંક વાગ્યાનો ચચરાટ છે, રુઝવા મથતા ઘા પર મીઠું ભભરાયાંની સંવેદના અડીને કલાત્મક રીતે દોડી જાય છે; પેલી રુંવે રુંવેથી ઘેરાવાની મીઠડી લાગણી તરફ.

અહીં ખૂબ સિફતપૂર્વક કવિહૈયું ખુલીને અટકી જાય છે.

બાંધી મુઠી છે લાખની, ખોલી રહો તો રાખની.
વાહ! બંધ મુઠ્ઠી જાણે ખોલી ખોલીને કવયિત્રીએ બીડી દીધી છે. સમુચિત શબ્દપ્રયોગ અને ભાવને ઘેરો બનાવતી પુનરુક્તિ નોંધપાત્ર છે.

નાનકડા બીજા અંતરામાં કાવ્યની નાયિકા ગામ અને નદી તરફ ખેંચી જાય છે.

ઉંબર તે નદીઓ ને પ્રાંગણ તે ગામ,

રહી જાતું વહી જાતું મનગમતું નામ.

 અહીં માત્ર ગામ ને નદીની જ વાત નથી. એ તો થઈ અભિધા. પણ જે મઝાનો સૂર રેલાય છે તે છેક લઈ જાય છે પેલી જૂની ને જાણીતી કવિ શ્રી મણિલાલ દેસાઈની પંક્તિઓના સૂક્ષ્મ ભાવ સુધી.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે….

નદીના વહી જતાં નીરમાં મન નામના પ્રાંગણમાં એક નામ વહી જતું ફરી એકવાર દેખાય છે. ક્યાંય કશી ઝાઝી ચોખવટ નથી, વેવલાઈ નથી, અર્થહીન થોકબંધ શબ્દોના ખડકલા નથી. ખૂબ જ લાઘવમાં ઊંડે સુધી ઉતરી ગયેલી જખ્મી વાત અને ગામ, નામની ઝલક આપી કવયિત્રી કવિતાને આગળ વહાવે છે.

કાચ્ચી ઉંમર તણાતી જાય લ્હેરે! 

આહાહા..કેટલું સુંદર અને અસરકારક કાવ્યતત્ત્વનું આ વહેણ! અદભૂત…અદભૂત રીતે તણાતી ઉંમરને કાચ્ચી કહીને, અપરિપક્વ સમજની અવસ્થાને સજાવી દીધી છે! નાદાન ઉંમર કશાયે ભાન વગર, કહો કે જાણ વગર લહેરથી વહેતી રહે છે એનું અનોખું ચિત્ર ઉપસે છે. ઘરના ઉંબરની લક્ષ્મણ રેખા ઓળંગીને ગામના આંગણમાં ને તેથીયે  કદાચ આગળ દોડતી જતી કાયા-માયાની ભાવના ઉંમરવશ યાદોને ઘેરી લે છે. પર્વતેથી નીકળી સાગર તરફ ધસમસતી નદીની જેમ જ કવિતાનું ભાવપોત ખીલી ઉઠ્યું છે.

એક વધુ અર્થચ્છાયા એ પણ સ્પષ્ટ થાય છે કે, આજે તો પાકટ સમજ છે કે એ વર્ષો જૂની ઉંમર કેવી કાચી હતી, ત્યારે કેવું કેવું થતું રહેતું હોય છે? પરીણામે કેવા ન પૂરાતા ઘાવ થાય છે જે કુદરતની જેમ જ, વાદળ, વીજ અને વરસાદની સાથે સાથે તાજાં થતા રહે છે. ઉંમર સહજ ઊર્મિઓનો છલકાટ પણ કેવો કુદરતી હોય છે?

માત્ર બે જ અંતરામાં ગૂંથાયેલ આ ગીત નાનકડા સુગંધિત ગજરાની જેમ મહેંકી ઊઠ્યું છે. ગીતનો લય, લયને ઝંકારતા ઝાંઝર જેવા મેળા, ભેળા; ઉમેરે,વગેરે,ઘેરે પ્રાસ ભાવોને ઘેરો બનાવતા યોગ્ય શબ્દોની પુનરુક્તિ અને ધીરે ધીરે દોરતા ચિત્રકાર જેવો વિષય વસ્તુનો ક્રમિક ઉઘાડ આ ગીતનું જમા પાસું છે. વારંવાર વાંચવું અને મમળાવવું ગમે તેવું આ ગીત રુંએ રુંએથી ન ઘેરે તો જ નવાઈ!

બહેન રિંકુ રાઠોડને તેમની તાજી કૂંપળ જેવી કલમ માટે ખૂબ ખૂબ અભિનંદન અને  વધુ ને વધુ ખીલી રહે એ જ અંતરથી શુભેચ્છાઓ.

અસ્તુ.

—દેવિકા ધ્રુવ

રસદર્શનઃ ૨૭ઃ ગઝલઃ કૃષ્ણબિહારી નૂર

ज़िंदगी से बड़ी सज़ा ही नहीं 
और क्या जुर्म है पता ही नहीं

इतने हिस्सों में बंट गया हूँ मैं
मेरे हिस्से में कुछ बचा ही नहीं

सच घटे या बढ़े तो सच ना रहे
झूठ की कोई इँतहा ही नहीं

चाहे सोने के फ्रेम में जड़ दो
आईना झूठ बोलता ही नहीं 

अपनी रचनाओं में वो ज़िन्दा है
‘नूर’ संसार से गया ही नहीं  –

कृष्ण बिहारी ‘नूर’ 

 

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

‘નૂર’ તખલ્લુસથી ગઝલો લખતા લખનૌના જાણીતા શાયર કૃષ્ણબિહારીની ઉપરોક્ત ગઝલ આફ્રીન પોકારી ઊઠીએ તેવી છે.

૧૯૨૫માં જન્મેલ આ શાયરની ગઝલોએ, કાશ્મીરથી કન્યાકુમારી અને પંજાબથી બંગાલ સુધીના તમામ મુશાયરાઓ ગાજતા અને ગૂંજતા રાખ્યા છે.. કહેવાય છે કે, ઊર્દૂ ગઝલોની એ રોશની હતા તો હિંદી ગઝલોના આધારસ્તંભ હતા.

પહેલી વાર જ્યારે ‘યુટ્યુબ’ પર તેમના ખાસ અંદાઝમાં ઉપરોક્ત ગઝલ સાંભળી અને ફરીથી ખૂબસૂરત સંગીતકાર  શ્રી સુજાત હુસેનખાંના અવાજમાં સાંભળવા મળી ત્યારે દિલથી સલામ થઈ જ ગઈ. તે પછી તો અનુપ જલોટા અને જગજીત સિંઘ વગેરે ગાયકોએ પણ આ ગઝલ ગાઈ છે.

ટૂંકી બહેરના મત્લાથી થયેલી ચોટદાર શરૂઆત જ ભાવકના દિલમાંથી ‘આહ’ સર્જાવે છે. એ કહે છે કે,

ज़िंदगी से बड़ी सज़ा ही नहीं 
और क्या जुर्म है पता ही नहीं 

  વાહ..જિંદગીની તાસીરનું શું રેખાચિત્ર ઉપસાવ્યું છે!!!

રહસ્યો અને વિસ્મયોથી ભરેલી આલમના વિવિધ રંગોમાં આ શાયરે જિંદગીને સજા ગણાવી! ને પછી તરત જ કહી દીધું કે સજા તો છે પણ કયા ગુનાની એ ખબર જ નથી!  અહીં એક વ્યથિત માનવીને ચિત્રિત કર્યો છે. પણ બીજી જ ક્ષણે જાણે એની વ્યથાને પડદા પાછળ છુપાવીને, બહાર તો એક બેફિકરાઈભરી મસ્તી બતાવી છે. સાથે સાથે એક વ્યંગાત્મક ઈશારો પણ કરી દીધો છે.  ગુના વગરની સજાભરી સ્થિતિ છે  આ તો કેવો ન્યાય છે?!  

જિંદગી જ્યારે સજા જેવી આકરી લાગે ત્યારે કવિનું હૃદય વિદારીને કવિતા ફૂટી નીકળે છે, ચિત્રકાર પોતાના રક્તથી એ દર્દની કલ્પનાને ચિત્રીત કરે છે, ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે..કવિ શ્રી અનિલ ચાવડાનો શેર અનાયાસે જ યાદ આવી જાય છે.
 “જિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે. 
મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી છે.”

બીજા શેરમાં ‘નૂર’ એ ભાવને વધુ ઘેરો કરતા કેવા ધારદાર શબ્દો પ્રયોજે છે કે,

इतने हिस्सों में बंट गया हूँ मैं 
मेरे हिस्से में कुछ बचा ही नहीं 

  આમ જોઈએ તો સંસારના આ ચક્રમાં માનવી અનેક જાતના રોલ ભજવે છે. સ્ત્રી હોય કે પુરુષ,  વ્યક્તિ માત્રનું જુદા જુદા રૂપે, સ્વરૂપે વિભાજન થતું જ રહેતું હોય છે. એ રીતે જ જિંદગી આખીયે જીવાઈ જાય છે. ને પછી સંધ્યા સમયે એક તાત્વિક વિચાર જાગી જાય છે કે, ખરેખર  હું કોણ, મેં શું કર્યું? મારા ભાગે શું રહ્યું? આ પ્રકારનો ભાવ મોટેભાગે અસહ્ય બનતાં જીવન ખુદ સજા જેવું લાગે જ લાગે.

ત્રીજો શેર વળી એક નવો વિચાર લઈને આવે છે. શાયર કહે છે કે, માણસમાત્રનો એક સ્વભાવ છે કે, સાચાંખોટાંની પરખમાં મહદ અંશે એ થાપ ખાઈ જાય છે. પણ સત્ય તો સત્ય જ રહે છે ને?  એમાં વધઘટ ન ચાલે. વધઘટ થાય તેને સત્ય ન કહેવાય. એ તો અવિચલ છે, સર્વકાળમાં સ્થિર છે. દુઃખની વાત તો એ છે કે, કસોટી સચ્ચાઈની જ થયા કરે છે, વારંવાર થયાં કરે છે. ઈતિહાસ કહે છે કે, જૂઠની કોઈ પરીક્ષા થતી નથી. સમાજ પરનો વ્યંગ છે આ. ‘બેફામ’ પણ કેવું સાચું જ કહી ગયા છેઃ “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.” આ શાયરને પણ આ જ પ્રશ્ન એટલો બધો મૂંઝવે છે કે ચોથો શેર હૈયાંના ઊંડાણમાંથી સરી પડે છેઃ 

चाहे सोने के फ्रेम में जड़ दो
आईना झूठ बोलता ही नहीं.

કોઈ ગમે તેટલા સોના,ચાંદી કે હીરાની ફ્રેઈમમાં જડાવીને રાજી થાય, કશું છુપાવી શક્યાની ઘડીભર મોજ માણી પણ લે. પરંતુ સાચી વાત તો એ છે કે, तोरा मन दर्पन कहलाये. ભીતરના ભાવો ચહેરા પર પથરાયા વગર રહેતા જ નથી.  મનનું દર્પણ ક્યારેય જૂઠું બોલતું નથી. ખૂબ થોડા પણ ધારદાર શબ્દોમાં અહીં કેટલું બધું ઠલવાયું છે? લાઘવ એ સિદ્ધહસ્ત કવિઓની કલા છે, જે અહીં સુપેરે અનુભવાય છે. એટલે જ નૂર સાહેબના એક મિત્ર, નામે મુનવ્વર રાણા; ગૌરવભેર અભિવ્યક્તિ કરતાઃ “આ શાયર લખનૌનું હરતું ફરતું નૂર હતા! એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં લખનૌની સભ્યતા, સંસ્કૃતિ, નઝાકત અને સ્નેહ છવાતો.”

આમ તો આ ગઝલ ૯ થી ૧૦ શેરોની છે પણ અત્રે ચુનંદા શેરો પ્રસ્તૂત છે. અહીં યાદ આવે છે કે કલાકાર અમિતાભ બચ્ચનના અવાજમાં બોલાયેલ નૂર સાહેબની બીજી એક ગઝલનો શેર કે જે ગલીએ ગલીએ ગવાતો, લોકોની જીભે ચડી ગયો હતો. એનો ઉલ્લેખ કર્યા વગર કેમ ચાલે?

‘लफ़्ज़ों के ये नगीने तो निकले कमाल के 

ग़ज़लों ने ख़ुद पहन लिए ज़ेवर ख़याल के!

 ઑર મઝાની વાત તો છેલ્લે  આ ગઝલના મક્તામાં આવે છે. તેમાં કવિ ખુદ કહે છે કે,
अपनी रचनाओं में वो ज़िन्दा है 
‘नूर’ संसार से गया ही नहीं .

કેટલી સાચી વાત છે? જાણે ભાવકના મુખે નીકળતા ઉદગાર ન હોય! આવા ઉચ્ચકક્ષાના શાયર તેમની રચનાઓ દ્વારા  સદા અમર જ રહેશે. શાયરને અને તેમની કલામને સો સો સલામ અને નમસ્કાર.