સંગ્રહ

પડછાયાના માણસઃ એક અવલોકનઃ દેવિકા ધ્રુવ

પડછાયાના માણસઃ લેખિકાઃ જયશ્રી મર્ચન્ટઃ
અવલોકનઃ દેવિકા ધ્રુવ
Gujarate times US : published on March 10 2023

અમેરિકામાં કેલિફોર્નિયાસ્થિત લેખિકા જયશ્રીબહેન મરચન્ટનું પુસ્તક ‘પડછાયાના માણસ’ ભેટ મળ્યું.

તાજા જ આથમેલા સૂરજના રંગ જેવું મુખપૃષ્ઠ જોતાંની સાથે જ આ નવલકથાનાં પાનાં વંચાવા માંડ્યાં. પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પણ સમય ચોરીને, અધીરાઈપૂર્વક એને સંપૂર્ણ વાંચી લીધી.

૨૮ પ્રકરણમાં પથરાયેલ આ પુસ્તકમાં સૌથી પ્રથમ તો, આખી વાર્તાને એકદમ અનુરૂપ મુખપૃષ્ઠનો રંગ, તેની પર લંબાતા જતા પડછાયાનું ધૂંધળું ચિત્ર અને શીર્ષક, કથાવસ્તુને યથાર્થ બનાવે છે. કવિતાથી ઉઘડતી અને કવિતાથી વિરમતી આ નવલકથા એની નાયિકા સુલુ દ્વારા અતીતના આગળા ખોલતાં ખોલતાં આલેખાઈ છે. કાવ્યમય ઉઘડતી વાત પળવારમાં તો કરુણ દૄશ્ય ઊભું કરી દે છે. મુંબઈના ફ્લેટની બાલ્કનીમાંથી સુલુની એકલતામાં સ્મૃતિઓની વણઝાર આરંભાય છે; તે અંતે શિકાગોના એક ‘પાર્કિંગ લૉટ’માં પરિવાર સાથે વિરમે છે. એની વચ્ચે આખું કથાનક રસપ્રદ રીતે વહે છે.

વાર્તા અતિ સંવેદનશીલ છે અને સમજણથી રસાયેલી છે. વાંચતાં વાંચતાં એક ભાવક તરીકે મનમાં ઉપસેલી છાપને ટાંકતા પહેલાં, ટૂંકાણમાં વાર્તાવસ્તુ વિશે જોઈ લઈએ.

મુંબઈમાં રહેતી સુલુ નામે યુવતી નાનપણમાં પિતા ગુમાવ્યા હોઈ પિતાના મિત્રના પરિવારની હૂંફમાં, તેમની નજીકના મકાનમાં મા સાથે મઝાથી રહે છે. સુલુને ઋચા નામે એક સરસ સખી મળેલ છે. ઉગતી યુવાનીના આ સુખદ ચિત્ર પછી અચાનક જ, તેના પાંગરતા પ્રેમ પર વિધાતાની પીંછી ફરી જાય છે. સમજુ મા-દીકરી અને ઋચા સ્નેહથી સાચો ઉકેલ લાવે છે. પછી તો પરણીને અમેરિકા ગયેલ દિલીપના (સુલુનો પ્રેમી) જીવનમાં ઉપરાછાપરી અણધારી ઘટનાઓ બને છે. બંનેના જીવનમાં જુદી જુદી રીતે નવાં પાત્રો ઉમેરાતાં જાય છે. એકપછી એક સંઘર્ષો ઊભા થાય છે. ઘણું બધું ન બનવાનું બને છે. દિલીપના માતપિતા, સુલુની મમ્મી વગેરે એક પછી એક વિદાય લે છે. ડિપ્રેશનમાં ગયેલી દિલીપની પત્ની અચાનક તેને છોડી જાય છે. દિલીપ કેન્સરની બીમારીનો ભોગ થઈ પડતાં બાકી રહેલી જિંદગી સુલુ સાથે ગાળવા માટે મુંબઈ પાછો ફરે છે. યુવાનીના ઉત્તરાર્ધમાં બંને પરણે છે અને ત્રણ જ મહિનામાં દિલીપનો સૂરજ આથમી જાય છે તે પછી તેની પ્રથમ પત્ની ઇન્દીરા દિલીપના જોડિયા દીકરાઓને જન્મ આપે છે. માનસિક અસંતુલન ધરાવતી ઇન્દીરાનાં માતપિતા સુલુની મદદ માંગતા સુલુ ત્યાં પહોંચી જાય છે.

ઇન્દીરા, માનસિક હાલતની ખરાબીને લીધે નર્સિંગ હોમમાં હોવાથી સુલુ, તેનાં અમેરિકન મિત્ર સેમના સંપૂર્ણ સહકારથી જોડિયા બાળકોને દત્તક લે છે. સેમ પણ સુલુને પરણીને બાળકોને પોતાનું નામ આપે છે. બંને નિયમિત રીતે ઇન્દીરાની પણ કાળજી રાખે છે, મોટા થતાં જતાં બાળકોને સિફતથી સાચી વાત કરે છે અને આ પરિવાર દિલીપની છાયાને સાચવે છે અને સુલુ પોતાના પડછાયારૂપ દિલીપને.

આ આખીયે કથાનો મુખ્ય સૂર વિશ્વાસ અને વફાદારી છે; અને તે ખૂબ નાજુકાઈથી આલેખાયો છે. લગભગ ૧૮ થી ૨૦ પાત્રોની સાથે ગૂંથાયેલ આ નવલકથામાં સ્નેહ છે, સંઘર્ષ છે, સમજણ અને સ્વાર્પણ પણ છે. ક્યાંયે મુખ્ય કથાનો કોઈ ખલનાયક નથી તે એનું મોટું જમા પાસું છે. સંવાદો ખૂબ જ ચિત્રાત્મક અને અસરકારક રીતે લખાયાં છે. કેટલુંક અવલોકન નોંધનીય છે. લેખિકાની કવિતા અને કુદરત તરફની પ્રીતિ અવારનવાર ડોકાય છે.  બાળપણના સુંદર અને હૃદયસ્પર્શી ચિત્રાંકન પછી મૂળ વાત “રાત મને નથી ગમતી”ને સાંકળતી કથા અતીતના દોરે જ આગળ વધે છે. મોટાંભાગના પ્રકરણોની શરૂઆત જુદીજુદી, નવીનવી અને રસપ્રદ રીતે ભૂતકાળની સ્મૃતિઓ તરફ ખેંચી જાય છે. પ્રકરણોનાં શીર્ષકો પણ ઉચિત અને આકર્ષક લાગે છે. “કારવાં સાથ ઔર સફર તન્હા..” હોઠોં પે દુઆ રખના..”વગેરે મઝાનાં મૂક્યાં છે. હસતી, કુદતી, રમતિયાળ  અને Full of Life ૠચાના વ્યક્તિત્ત્વને ખૂબ જ આબેહૂબ રીતે વર્ણવ્યું છે. શરૂઆતના પ્રકરણોમાં ગમી જતાં દ્વંદ્વયુક્ત વાક્યો નોંધપાત્ર છે. દા.ત. “હું હજી જીવું છું, શ્વાસ વિના કે શ્વસી રહી છું જીવ્યા વિના?”

  • “ટીસમાં રંગાયેલો વિયોગ હતો કે  વિયોગમાં ઝબોળાયેલી ટીસ હતી?”
  • “એ એક રાતને હું રાસ આવી ગઈ હતી કે પછી એ એક રાત મને રાસ આવી ગઈ હતી?”
  • “આ શબ્દોની હૂંફભરી ભીનાશ અને ભીનાશભરી હૂંફ”..વગેરે.

પ્રકરણ-૬માં દિલીપની સગાઈનો નિર્ણય અને તે દરમ્યાન બંને કુટુંબો વચ્ચે સમજણપૂર્વકની સંબંધોની જે સુગંધ ફેલાય છે તે વાંચતાં હૈયું ગદ્ગદિત થઈ જાય છે. સંકળાયેલા “ત્રણે પાત્રોની ભીની આંખના કારણો જુદાં હતાં” જેવાં વાક્યો વાચકને હચમચાવી દે છે. તો સુલુ અને દિલીપની એક જ અનુભૂતિને વ્યક્ત કરતા અને મનોવેદના સૂચક મૂકસંવાદો “હૃદયનો એક હિસ્સો હું લઈને જાઉં છું” અને “રડવા જેવું હસ્યાં” વગેરે દિલને રડાવી દે છે. તો ૮માં પ્રકરણમાં ‘એને શાંતિથી જવા દે’ વાંચતા વાંચતાં, સુલુ-દિલીપના પ્રેમની મુક્તિનું એ સંધાન, એક કરુણમંગલ આહ નીપજાવે છે.. એ જ રીતે નવલકથાનાં પાછળનાં પાનાંઓમાં “અનરાધાર વરસાદમાં, જનમ આખો છાપરા વિનાનાં ઘરમાં હું રહેતી હોઉં ને અચાનક જ મારા માથા ઉપર એક છત આવી ગઈ હોય!” એવી અનુભૂતિનું બયાન, નવલકથાનું હાર્દરૂપ વાક્ય “ત્રણેયના પડછાયાઓને જોતાં જોતાં મારા પોતાના પડછાયા સાથે ચાલી રહી હતી” એવી ઘેરી સંવેદના તથા છેલ્લી કવિતાના ભાવોની સચ્ચાઈ ઊંડે સુધી પહોંચે છે.

ક્રમિક રીતે નવાં પાત્રો, રવિ, ગુરખાકાકા પાર્વતી, સીતા, ઇન્દીરા શીના, સેમ,વકીલ વગેરે ઉમેરાતાં જાય છે અને દરેકનું વ્યક્તિત્ત્વ,લાગણી વગેરે સુપેરે આલેખાયાં છે. આફતો અને સંઘર્ષો વચ્ચે આ દરેક પાત્રોની એકમેકને પડખે ઊભા રહેવાની તૈયારી,  એકથી વધુ મૈત્રીભાવનાં ઝરણાં અને મુખ્ય બે પાત્રોના અલૌકિક સખાભાવનું બારીક નકશીકામ જેવું લેખન દાદ માંગી લે છે. ઋચાનું પાત્ર કથાના ભારણને સ્નેહપૂર્વક હળવાશ આપતું રહે છે. માત્ર એક જ વખત, બે ત્રણ વાક્યો બોલતા ગુરખાકાકાનું પ્રેમાળ વ્યક્તિત્વ પણ નજર સામે સજીવ બની હૈયું હલાવી દે છે. તો દિલીપના માતા, વાત્સલ્યમૂર્તિ ધાજી અને ‘બુદ્ધની કરુણા’ ધરાવતા, સતત હૂંફાળો ખભો આપતા  દિલીપના પિતા, નામે અદાને શિર નમી જ જાય છે. વર્ષોના માંજાની ફિરકી ફેરવતાં ફેરવતાં સુલુના, એની મમ્મીના, સેમના, દિલીપના માતપિતાના કેટલાંયે સંવાદો હૃદયસ્પર્શી લખાયા છે. તો પ્રેમના રોમેન્ટીક સંવાદો પણ ખૂબ સ્વાભાવિક રીતે ઝીલાયાં છે.

સાથે સાથે તે સમય અને સ્થળની કૌટુંબિક ભાવના, સમાજની સંકુચિત મનોસ્થિતિ, રાજકીય વાતાવરણ અને શોષણની પણ ઝલક ઉપસી આવી છે. એટલું જ નહિ, પૂર્વનાં કે પશ્ચિમનાં દરેક સ્થાનોનું વર્ણન, અમેરિકન સમાજ, રીતભાત, frankness તથા “ શીનાને પ્રુરુષો ગમતાં નથી’ જેવાં ઓછા શબ્દોમાં વધુ કહ્યા વગર ઘણું બધું સમજાઈ જાય તે રીતે કહેવાયું છે. તે ઉપરાંત, બીજી એક વાત ધ્યાન ખેંચે છે કે આ કલમને ઊર્દૂ શબ્દો અને શેર-શાયરી વધુ જચે છે! ખાસ કરીને પ્રકરણોનાં શીર્ષકોમાં, સંવાદોમાં, “સમઝદારીકી બાતેં તુમ કિયા ન કરો, ગાલિબ” જેવા શેરો ટાંકવામાં અને કેટલાંક ‘દકિયાનૂસી’ ‘કુર્નીશ’ જેવા શબ્દોના ઉપયોગમાં!

આ પુસ્તકના અવલોકનમાં ખૂબીઓની સાથે સાથે બીજાં પણ થોડા મુદ્દાઓની નોંધ લેવી રહી.

દા.ત. સુલુ મુંબઈ, શિકાગો કે ન્યૂયોર્ક, જ્યાં જાય છે ત્યાં તેને બધું જ readily available મળે છે. જોબ હોય કે એપાર્ટ્મેન્ટ તરત મળી જ જાય છે, જોબમાં રજા પણ સહેલાઈથી મળે છે, મિત્રો અને ઘરકામની સહાય પણ એ રીતે જ મળે છે. ક્યાંય આર્થિક સંકડામણ કે વ્યવહાર જગતની બીજી કોઈ અથડામણ ભોગવવી પડતી નથી. અલબત્ત, જે કંઈ સંઘર્ષ આવે છે તે સંવેદનાતંત્રને ખળભળાવી નાંખનાર અને અચાનક આવી પડે છે; જેને સુલુ સરસ રીતે સંભાળી શકે છે. એટલે આ હકીકતને, ક્ષતિ ન ગણતાં ‘દૈવનો સુયોગ’ તરીકે ગણાવી શકાય. પાના નંબર ૬૫ અને ૭૧, બંને પર દિલીપના ચોથાની વિધિ આજે પૂરી થઈ તેમ લખાયું છે જે એક હકીકતદોષ જણાય છે. કારણ કે, બંને પાનાં પરની તારીખો અલગ અલગ છે. કદાચ સુલુની Disturbed મનોદશાનું એ પ્રતિબિંબ હશે!

સુલુની મમ્મીનું નામ રેણુ શોધવું પડે છે. મને લાગે છે કે આખી નવલકથામાં માત્ર એકાદ વખત જ આવે છે. કદાચ જરૂર નહીં હોય. ઇન્દીરાનાં માતાપિતાનાં નામો તો ક્યાંયે જણાતાં નથી! ક્યાંક ક્યાંક જોડણી દોષો રહી ગયા દેખાયા તો ક્યાંક કેટલાક શબ્દોમાં સુધારાને અવકાશ જણાયો. દા.ત.હાથની હસ્તરેખા, એક્સેસરી, sign માટે સાઈનસ, તકલીફદેય, કાચરી, બોઝો,વગેરે.ક્યાંક બે-ત્રણ વાક્યરચના શિથિલ પણ જણાઈ છે.

સમાપનમાં, છેલ્લે જરૂર લખવું ગમશે કે, ૧૯૨ પાનાંની આ ભાવકથા, બે ત્રણ આદર્શ પરિવારોના સેવાભાવી પાત્રોની સાથે, તેમની જિંદગીના તડકા-છાંયડાની સાથે કોઈ સરસ ચાલતા ચલચિત્રની જેમ રસ-સભર રીતે ગૂંથાઈ છે. તેનાં પાત્રો અને સંવાદો આપણી આસપાસ ફરતાં દેખાય છે. એટલે નાટ્ય રૂપાંતર, ધારાવાહી સિરિયલ કે મુવી માટે સક્ષમ બની રહે છે.  અવલોકન દરમ્યાન ધ્યાનમાં આવેલા છેલ્લા મુદ્દાઓ તેમાંની અનેક ખૂબીઓની સામે, ચોક્કસપણે ક્ષમ્ય છે જ. અરે, એક સ્ત્રીની કલમે પુરુષોની સંવેદના પણ કેટલી બધી બારીકાઈથી નિરુપાઈ છે!! તે ઉપરાંત, સુલુ, રેણુ, દિલીપ, સેમ,ઋચા,રવિ વગેરેના પાત્રો દ્વારા મળતો નિસ્વાર્થ પ્રેમનો અને સદાના સાચા સાથી તરીકેનો સંદેશ વાચકવર્ગને જરૂર પ્રેરણાદાયી બની રહેશે. સાહિત્યજગત આ પુસ્તકને આવકારશે અને પ્રેમથી પોંખશે એવી મને શ્રદ્ધા છે.

લેખિકા શ્રીમતી જયશ્રીબહેનને ખૂબ ખૂબ અભિનંદન અને એક ભાવક તરીકેના અવલોકન માટે પુસ્તક મોકલવા બદલ આનંદ અને આભાર. તે માટે ખાસ મારા તરફથી બે પંક્તિ સ્નેહાદરપૂર્વક ઉપહારરૂપે!!


અતીતના આગળે અડક્યાં જ્યાં આંગળાં,
       પગરવ તમારા સંભળાયા;
સ્મૃતિનાં દ્વાર જરા ખોલ્યાં ન ખોલ્યાં,
        પડછાયા તમારા પરખાયા;

વધુ સર્જનની શુભેચ્છા સાથે…


અસ્તુ.

૨/૨/૨૦૨૩

વિશ્વ પુસ્તક મેળો..

નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ 6 થી 9 માર્ચ દરમ્યાન યોજાયેલા વિશ્વ પુસ્તક મેળામાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાંનો એક ઓનલાઈન કાર્યક્રમ હતો “ગુજરાતી મહિલા લેખનની ગઈ કાલ, આજ અને આવતીકાલ” .આ વિષય પર ઉષા ઉપાધ્યાય, દેવિકા ધ્રુવ, લક્ષ્મી ડોબરિયા અને પ્રાર્થના જહાએ વક્તવ્ય આપ્યાં હતા. આ સુંદર કાર્યક્રમ માટે NBT અને શ્રી ભાગ્યેન્દ્ર પટેલનો આભાર.

નરસિંહ મહેતાના પદ અને વેદાંત વિચાર કાર્યક્રમ અંગે શીઘ્ર પ્રતિભાવઃ

નરસિંહ મહેતાના પદ અને વેદાંત વિચારઃ શીઘ્ર પ્રતિભાવઃ દેવિકા ધ્રુવ

  આજે ૨૩ મી જાન્યુ.ની અમેરિકાની સવારે, સાહિત્ય, સંગીત અને તત્ત્વજ્ઞાનના ત્રિવેણી સંગમ સમા એક અદભૂત કાર્યક્રમે આજનો શનિવાર ધન્ય કરી દીધો. આ એક યુટ્યુબ ઉપર પ્રસારિત થયેલ પ્રીમિયર શો હતો. જૂનાગઢની  કુદરતની ગોદમાં શ્વેત વસ્ત્રમાં સજ્જ  ગાયક અને વાદક વૃંદ તથા ઘેરા ભૂરા આકાશી રંગના પોશાકમાં સુસજ્જ વક્તા બહેન રાધા મહેતાની અસ્ખલિત વાણીના આ મંત્રમુગ્ધ કાર્યક્રમ અંગે શીઘ્ર પ્રતિભાવ લખવાનું  તરત જ મન થયું.

આદિ કવિ શ્રી નરસિંહ મહેતાની પાંચ કવિતાઓ અને તેના દરેક પદનું સમજણભર્યુ, સીધી સાદી, સરળ ભાષામાં વક્તવ્ય અને તેની સાથે ભાઈ શ્રી નિર્વેશ દવેના કંઠે ગવાતું ગાન પણ મનમોહક અને યાદગાર બની રહ્યું. વાદ્ય વૃંદના શ્રી કિશન પાઠક,સાગર સોલંકી અને પૂજન મુનશીએ પણ યથોચિત સુંદર કલા દાખવી.

સાત જેટલી ભાષાઓ જાણનાર રાધાએ નરસિંહ મહેતાની પાંચ અમર  કવિતાઓના મર્મને, એના શબ્દે શબ્દના અર્થને અને તત્ત્વને સમજાવ્યો તો ખરો જ. પણ એને અલગ અંદાજમાં વેદાંત વિચાર સાથે અદભૂત રીતે સાંકળી બતાવ્યો. વેદ ઉપનિષદ, ભાગવત,શ્રુતિ, સ્મૃતિ,ગીતા વગેરેના અવતરણો  યથાવત  તેના મૂળ રૂપમાં ટાંક્યા અને સંસ્કૃત ભાષાના ધાતુથી બનેલા શબ્દનો મહિમા પણ સુંદર રીતે, રૂપકોની ફ્રેઈમમાં મઢી સજાવ્યો અને સમજાવ્યો.

તે ઉપરાંત મરાઠી સંત શિરોમણિ રામદાસથી માંડીને,કબીર,શંકરાચાર્ય,સંત તુકારામ, સાંપ્રત સમયના ગઝલકારના શેરો, અરે, હિન્દી ફિલ્મના  (કૃષ્ણના રોલમાં ) હીરોના મુખે બોલાયેલ સંવાદોનો પણ ઉલ્લેખ કર્યો જેને કારણે તત્ત્વજ્ઞાન જેવા અઘરા અને ગૂઢ વિષયને પણ સરળ અને રસથી તરબોળ રાખ્યો. તેમના શુધ્ધ ઉચ્ચારો, જ્ઞાનની સ્પષ્ટતા, વક્તૃત્વ છટા અસરકારક અને નોંધપાત્ર હતી.એટલું જ નહિ, જ્ઞાનને આત્મસાત કર્યાની પ્રતીતિ કરાવતા હતા.

૧.ધ્યાન ધર હરિ તણું, ૨.નીરખને ગગનમાં, ૩.અખિલ બ્રહ્માંડમાં, ૪.હું ખરે તું ખરો અને ૫.ભૂતળ ભક્તિ પદારથ મોટું આ પાંચ કવિતાના પદોનો  વેદાંત વિચાર સાથે કરાવેલ સુંદર આસ્વાદ મમળાવવો ગમે તેવો રોચક અને અર્થસભર રહ્યો.

ઘડીભર માટે  સાબરમતીના તીરે આવેલ એચ.કે. આર્ટસ કોલેજના  વર્ષો જૂના વહેલી સવારના ઝીરો પીરયડવાળા સંસ્કૃતના ક્લાસમાં પહોંચી ગઈ.  જ્યાંથી પ્રો. શ્રી પરમાનંદ દવે અને ઈન્દુકલાબહેન ઝવેરીના વેદ અને ગીતા વિષયના વ્યાખ્યાનો મનોભૂમિકા પર પડઘાતા રહ્યાં. સાહિત્યનો રત્નાકર કેટલો વિશાળ છે અને કેટલો ઊંડો છે. તેમાંથી અમોલા મોતીઓ તો મળે જ પણ એને, સાચા અર્થમાં ભણનાર અને  આત્મસાત કરનાર રાધા મહેતા જેવાં રત્નો પણ સાંપડે જ. જે ખરા મૂલ્યોનું જતન કરે અને જગતમાં  આનંદપૂર્વક એની લ્હાણી પણ કરે.

કાર્યક્રમની લીંકઃ
https://youtu.be/u9X819MjY24

નરસિંહ મહેતાના જૂનાગઢમાં ગૂંજેલી કરતાલનો આનંદ હજી આજે પણ કેવો સૂરીલો બની વહે છે! પાંચે ગીતોના શબ્દાર્થ,ભાવ,મર્મ,કર્મ,જ્ઞાન,ભક્તિ સમગ્ર તત્ત્વ નો અખિલાઈપૂર્વક આનંદ માણ્યો. આ આંગણે આવેલ અષ્ટમહાસિધ્ધિ જેવા અથવા કહું કે, ચિદાનંદ સમા કાર્યક્રમ માટે સમગ્ર ટીમને સાચા દિલથી અભિનંદન. ફરી ફરી આ રીતે વધુ આગળ સોપાન ચઢતા રહો એ જ શુભેચ્છા.

દેવિકા રાહુલ ધ્રુવ.

હ્યુસ્ટન

તા. જાન્યુ.૨૨ ૨૦૨૧

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનમાં યોજાયેલ ૨૧૩મી બેઠકઃ અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ

ગુજરાત ટાઈમ્સમાં લેવાયેલ નોંધ.

ગુજરાત ન્યૂઝ લાઈન,કેનેડામાં પ્રસિધ્ધ અહેવાલઃ

છેલ્લા ૨૦ વર્ષથી ચાલી આવતી હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં આજ  સુધીમાં ૨૧૨ બેઠકો યોજાઈ ચૂકી છે એની ખાસ નોંધ સાથે વધુ એક બેઠક ૨૫મી ઓક્ટોબર અને રવિવારે ‘ઝૂમ’ના મંચ પર યોજવામાં આવી. આકાશી માંડવે સૌ સ્મિતવદને ગોઠવાયેલ હતા.

બરાબર બપોરે ૩ વાગે પ્રવર્તમાન કપરા સંજોગોને અનુરૂપ ‘મામ પાહિ’ની સ્તુતિ દ્વારા શ્રીમતી ભારતીબહેન અને પ્રકાશભાઈ મજમુદારે ભાવભેર બેઠકની શરૂઆત કરી.  ત્યારબાદ સંસ્થાના પ્રમુખ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ સૌનું સ્વાગત કર્યું અને સેક્રેટરી શ્રી મનસુખ વાઘેલાએ તાજેતરમાં સંસ્થાના એક ગુમાવેલ સભ્ય શ્રી પ્રકાશભાઈ શાહને માટે શોકજનક સંદેશો, સંસ્મરણો સાથે ( શ્રી સતીશભાઈ પરીખ લિખિત) વાંચી સંભળાવ્યો.

ચીલાચાલુ વિષયોને બદલે આ બેઠકનો વિષય હતો ‘સાહિત્યને સથવારે’. સૌથી પ્રથમ શ્રી પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટે નવરાત્રિના પર્વને અનુલક્ષીને સ્વરચિત ગરબો રજૂ કર્યો. તે પછી શ્રીમતિ જલિનીબેન પંડ્યાએ આસિમ બક્ષી લિખિત એક માનવતાભરી વાર્તા ભાવવાહી રીતે વાંચીને રજૂ કરી. ફતેહ અલીભાઈ ચતુરે આ જીંદગીની સફર દરમ્યાન જન્મના હાલરડાથી માંડીને,નિશાળોની બાળ-કવિતા,યુવાનીના રંગીન ગીતો, શાયરીઓ અને અંતિમ પડાવને અનુરૂપ ‘ચરર ચરર મારું ચક્ડોળ ચાલે’ સુધીની વિવિધ અવસ્થાઓને બખૂબી વર્ણવી અને જુદી જુદી જાણીતી તથા માનીતી યોગ્ય પંક્તિઓને છટાભેર પ્રસ્તૂત કરી. આ રજૂઆત માટેની તેમની  સૂઝ અને તૈયારીને સૌએ તાળીઓથી વધાવી લીધી.

વાતાવરણમાં રંગ જામતો જતો હતો અને તેમાં ઉમેરો થયો શ્રી પ્રકાશભાઈ મજમુદાર દ્વારા. તેમણે કાઠિયાવાડી ખમીરવંતુ દુલા ભાયા ‘કાગ’નું ગીત ‘ હે જી,તારા આંગણિયે પૂછી જે કોઈ આવે રે તેને આવકારો મીઠો આપજે રે જી. ગાઈને રજૂ કર્યું તો તરત જ તેમના સહધર્મચારીણી શ્રીમતી ભારતીબહેને  શ્રી અવિનાશ વ્યાસનું “પિયરને પીપળેથી આવ્યું પારેવડું’ ગાયું. ગીતના આ વળાંક પછી શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ સાહિત્ય અને સુવિચારોની સરસ વાતોનું સંધાન કરતા જણાવ્યું કે, સાહિત્ય અને સુવિચારોની સરિતા એટલે ગુજરાતી સાહિત્ય સરિતા અને ખરાબ વિચાર પર સારા વિચારોનો વિજય એટલે દશેરા.” સાહિત્યની જ વાતને આગળ વધારતા શ્રીમતી ઈન્દુબહેન શાહે સાહિત્યના કેટલાંક જુદા જુદા પ્રકારો જેવાં કે વાર્તા,પ્રવાસ વર્ણન, લેખ, કવિતા વગેરે અંગેની મૂળભૂત વાતોને પ્રસ્તૂત કરી, થોડા ઉદાહરણો સાથે છણાવટ પણ કરી.

ત્યારબાદ બેઠકનો દોર સંગીત તરફ વાળતા શ્રીમતી ભાવનાબહેન દેસાઈએ સૂરસામ્રાજ્ઞી સ્વ. કૌમુદિનીબહેન મુનશી સાથેના સંસ્મરણોને યાદ કરી એક સુંદર ‘સેમી ક્લાસીકલ’ ગીત મધુર કંઠે ગાઈ સંભળાવ્યું. નીનુ મઝુમદારનું ગીત. શબ્દોઃ
‘વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે.
કાંકરી ઉછાળી ઉભો વનમાળી,
કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી… જાતાં ડર લાગે’.

તે પછી બેઠકમાં એક નવો રંગ ભર્યો શ્રી નીતિનભાઈ વ્યાસે. તેમણે શ્રી જ્યોતિન્દ્ર દવેની હાસ્યરસની વાતોથી સૌના ચહેરા પર અને એ રીતે ઝૂમના સ્ક્રીન પર હાસ્યનું મોજું ફેલાવ્યું. તો વળી તરત જ એ જ રંગને ઘેરો કરતા શ્રી પ્રશાંત મુન્શાએ શ્રી રઈશ મનીઆરની  ખૂબ જ જાણીતી હઝલ, “પૈનીને પહતાય ટો કે’ટો ની..અસ્સ્લ સુરતી લ્હેંકાથી રજૂ કરી. ત્યારબાદ શ્રી નુરુદ્દીનભાઈ દરેડિયાએ “તારા કેસરિયા ફેંટાના રંગનું ફૂમતું” વાંચી સંભળાવ્યું.

સમય સરતો જતો હતો. દર્શકોની મઝામાં વધારો થતો દેખાઈ આવતો હતો. ત્યાં સૂકાની શ્રીમતી શૈલાબેને  વિશ્વના વર્તમાન વિપરીત સંજોગોને પ્રતિબિંબિત કરતી એક સ્વરચિત તાજી ગઝલ રજૂ કરી. તેમના બે મઝાના  શેરઃ
રામ-રાવણ માનવીની આરસી,
માણસાઈ બસ જગાવી જાણવું“
કોણ જાણે આ ઘડી ટળશે કદી?
મન ખુશીથી તો રિઝાવી જાણવું.”

છંદગૂંથણી દ્વારા ગઝલ ક્ષેત્રે તેમનો વિકાસ નોંધનીય રહ્યો.

ત્યારબાદ આ અહેવાલ લખનાર દેવિકા ધ્રુવે  સત્વશીલ સાહિત્યની સવિશેષ નવી વાતો કરી. તે માટે સરસ્વતી સન્માન પામેલ આજના ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદના પ્રમુખ શ્રી સિતાંશુભાઈ યશશ્ચન્દ્રની ‘નોળવેલની મ્હેંક’ની સવિસ્તાર સમજૂતી આપી. તેનો સાર એ છે કે, કોરોના નામના સર્પની સામે પ્રજારૂપી નોળિયાએ નોળવેલ (નામની વનસ્પતિ)ની મ્હેક એટલે કે, સાહિત્યની સુગંધ ધરીને આ કપરા સમય/સંજોગ સામે ઝઝુમવાનું છે. એક નાનકડા વિષાણુ સામે વિજાણુ ધરી ખેલવાનું છે અને ઉપાધિયોગને સમાધિયોગ થકી હરાવવાનો છે. ઊંચા,ઊંડા અને સત્વશીલ સાહિત્યના સર્જન માટે વિશાળ વાંચન,અભ્યાસ,આયાસ અને રિયાઝ દ્વારા વિકાસ કરવાનો છે.


એટલી વાત પછી  ‘સંભવામિ યુગેયુગે’ કહેનારને બોલાવતું સ્વરચિત  આરત-ગીત રજૂ કર્યું . કેટલીક પંક્તિઓ છેઃ

“આજ કોરું, સૂકું ને સાવ અકારું લાગે.
તમે આવો ઘડીભર તો સારું લાગે.”
પાસે બેસીને કા’ન વાતો કરીને,
તમે ફેરવો જો હાથ હરિ-યાળું લાગે.
કોઈક મારું લાગે,કંઈક ન્યારું લાગે,
હવે આવો ઘડીભર તો સારું લાગે.

સમયને લક્ષમાં લઈ, બાકી રહેલ સાહિત્યના એક સ્વરૂપ, અંગ્રેજી કવિતાનો અનુવાદ  ‘બે નારીઓના રૂપ’ પણ શૈલાબહેને પ્રસ્તૂત કર્યો. તે પછી સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી ચારુબહેન વ્યાસે બોલીની શરૂઆત અને વિકાસની થોડી ઝલકભરી વાતો કરી અને સૌ સભ્યોનો દિલથી આભાર માન્યો.

 બેઠકના અંતમાં  પ્રમુખે  સમાપન કરતા જણાવ્યું કે આગામી વર્ષ માટે નવી સમિતિની નિમણૂંક કરવાનો સમય આવી પહોંચ્યો છે. તો નેતાગીરી સ્વીકારવા માટે સ્વૈચ્છિક રીતે આગળ આવી નિયમો મુજબ સાહિત્યની સરિતાને વહેતી રાખવા કટિબધ્ધ થઈએ. ઓક્ટોબર મહિનામાં મૂકાયેલ આ વિચારબીજના મુદ્દાને આવતી બેઠકમાં આગળ વધારીશું.

‘સાહિત્યને સથવારે’ વિષયને યોગ્ય ન્યાય આપતી, આજની બેઠક સાચા સાહિત્ય રસિકોના સાથમાં સંપૂર્ણ રીતે સફળ રહી.  સાહિત્યના વિવિધ પ્રકારોને સ્પર્શતી ૨૧૩મી આ બેઠકના આયોજકો અને તમામ સભ્યોને ધન્યવાદ.

દેવિકા રાહુલ ધ્રુવ

Newspaper Published about 200th Bethak of GSS

Gujarat Darpan of New Jersey published the report of 200th Bethak

 

 

 

 

 

 

 

 

 

Also many pictures of  GSS 200the Bethak in Akilanews paper:

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટને  ઠસ્સાથી ઉજવ્યો


‘બસ્સોમી બેઠકનો જલસો’-અહેવાલઃ દેવિકા રાહુલ ધ્રુવ
 

વિદેશની ધરતી પર છેલ્લાં ૧૯ વર્ષથી નિયમિત રીતે ચાલતી હ્યુસ્ટનની ‘ ગુજરાતી સાહિત્ય સરિતા’એ ૨૫મી ઓગષ્ટના રોજ  ૨૦૦મી બેઠકની શાનદાર રીતે, જાનદાર ઉજવણી કરી.

   
ગુ.સા.સની હાલની  સમિતિ                                          તસ્વીર સૌજન્યઃ શ્રી જયંતભાઈ પટેલ
ખજાનચીઃ અવનીબહેન મહેતા,ઉપપ્રમુખઃ શૈલાબહેન મુન્શા,પ્રમુખઃ ફતેહ અલી ચતુર અને 
 સલાહકારઃ દેવિકાબહેન ધ્રુવ

( તસ્વીર સૌજન્યઃ શ્રી ભાર્ગવ વસાવડા)

             શ્રાવણના તહેવારોના ઓચ્છવની જેમ બપોરે ૧ થી ૫ના સમય દરમ્યાન સુગરલેન્ડના કોમ્યુનીટી સેન્ટરમાં સાહિત્ય સરિતાના સૌ સભ્યો, સુશોભિત ગુજરાતી પરિધાનમાં સુસજ્જ બની મહાલતાં હતા.

      
(તસ્વીર સૌજન્ય શ્રી નીતિન વ્યાસ  સતીશ પરીખ અને શ્રી જયન્ત પટેલ )

શ્રી  હસમુખભાઈ દોશીના સૌજન્યથી ગોઠવાયેલ ભોજન-વિધિ બાદ  બરાબર ૨.૩૦ વાગે સરસ્વતીની પ્રાર્થનાથી શુભ આરંભ થયો.

      

( તસ્વીર સૌજન્ય શ્રી સુરેશભાઈ ઝવેરી)

સંસ્થાના પ્રમુખ અને બેઠકના સૂત્રધાર શ્રી ફતેહ અલીભાઈએ, મહેમાન કવિ શ્રી સુરેશભાઈ ઝવેરીનું સ્વાગત કરી,  ગઝલિયતના કેફથી  શ્રોતાજનોને  ઉમળકાભેર આવકાર્યાં. ખીચોખીચ ભરાયેલા હોલમાં, ઘરના લગ્ન પ્રસંગ જેવો માહોલ વરતાતો હતો. પ્રોજેક્ટરના પડદા ઉપર ૨૦૦ ફોટાઓનો સ્લાઈડ શો ચાલી રહ્યો હતો.

                બેઠકનો વિષય ‘ગુજરાતી સાહિત્ય સરિતા’હતો અને સૌના ચહેરા પર ગર્વના પર્વ જેવી ગરિમા છલકાતી હતી. એક પછી એક ૯-૧૦ વક્તાઓ સંસ્થા વિશેની પોતાની અભિવ્યક્તિ રજૂ કરતા જતા હતા. 

પ્રવીણાબહેન કડકિયાએ સંસ્થાના સદગત  સર્જકોને તેમની કામગીરી સાથે યાદ કરી  શબ્દાંજલિ અર્પી.  દેવિકાબહેન ધ્રુવે, ૧૯ વર્ષની પ્રવૃત્તિઓને બિરદાવતા સંસ્થાની દરેક વ્યકિતઓને, તેમની જુદા જુદા ક્ષેત્રે  આપેલી સેવાઓને  મન મૂકીને વધાવી. શ્રી હેમંતભાઈ ગજરાવાલાએ સંસ્થાની સ્થાપના અંગે પોતાની વર્ષો જૂની સ્મૃતિને ઢંઢૉળી ભાવવિભોર રજૂઆત કરી. સંસ્થાના આદ્ય સ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટે સાહિત્ય સરિતાને  ‘પરબ ’સમી ગણાવી, પીનાર અને પીવડાવનાર બંનેની તરસ છીપાય છે એવી અર્થસભર વાત કરી.

બે વક્તાઓની વચ્ચે સૂત્રધાર પણ વિષયને ન્યાય આપતા,ભૂતપૂર્વ પ્રમુખ અને તેમની સમિતિને  યોગ્ય રીતે બિરદાવતા જતા હતા.

શ્રી વિજયભાઈ શાહે સંસ્થાની સ્થાપનાથી માંડીને આજ સુધી થયેલો ટેક્નીકલી વિકાસ અને તેને કારણે સર્જનની પ્રવૃત્તિમાં થયેલા વેગ અંગે સુંદર છણાવટ કરી. એટલું જ નહિ, ગુજરાતી કીબોર્ડના  સંસ્થાપક હ્યુસ્ટનસ્થિત વિશાલ મોનપરાને ‘સ્પેલચેકર’ની સુવિધા અંગે પ્રેરણા આપી, વિનંતી કરી અને આશા પણ સેવી.વડિલ  શ્રી ધીરુભાઈ  શાહે વિષયાનુસાર બે નાનકડાં કાવ્યો રજૂ કર્યા. કિરીટભાઇ મોદીએ પણ પ્રસંગોચિત સ્મૃતિ તાજી કરાવી.

 શ્રી નૂરુદ્દીન દરેડિયાએ વાતાવરણમાં રમૂજ રમતી મૂકી સૌને  ખડખડાટ હસાવ્યા.શ્રી મુકુંદભાઈ ગાંધીએ એકપાત્રીય અભિનય રજૂ કરી અનોખું દૄષ્ય સર્જ્યુ.

       બેઠકના   સપ્તરંગી મેઘધનુષને વધુ નિખારતા કુશળ સૂત્રધાર પણ મજેદાર શાયરીઓથી રંગ જમાવતા જતા હતા. રમૂજી રીતે  વિવિધ રંગના ફુવારા ઉડાડવાની તેમની અદાકારી શ્રોતાઓએ મનભરીને માણી.

 ત્યારપછી  ઉપપ્રમુખ શ્રીમતી શૈલાબહેને મહેમાન કવિ શ્રી સુરેશ ઝવેરીનો પરિચય આપ્યો અને ખજાનચી શ્રીમતી અવનીબહેન મહેતાએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ. “બેફિકર’ના તખલ્લુસથી લખતા કવિ શ્રી સુરેશભાઈ  ટૂંકી બહેરના એક પછી એક ચોટદાર શેર,મુક્તક અને ગઝલની રજૂઆત કરી શ્રોતાઓની દાદ પર દાદ મેળવતા ગયા.તેમના થોડા હળવા શેર આ રહ્યાઃ

  • “પ્રેમ કરે છે હા,ના,કરતા.
    રહેવા દેને એના કરતા!!

  • એણે કીધું એની હા છે.
    આ તો એનો પહેલો ઘા છે!

સાહિત્ય સરિતાને  માટે આ પ્રસંગને અનુરૂપ,  મમળાવવી ગમે તેવી પંક્તિઓ ભેટ આપી ગયા.

  • આવીને ખાસ્સો જોયો છે, બસ્સોનો ઠસ્સો જોયો છે.
    શબ્દે શબ્દે હોય સરિતા, એવો મેં જુસ્સો જોયો છે.

ત્યાર પછી  શ્રી કિરીટભાઈ મોદી અને ઈન્દીરાબહેને એક ગુજરાતી ગીત” આયો રે આયો રે સાહ્યબો શું શું લાયો રે..  પર  વેશભૂષા સાથે આકર્ષક આંગિક અભિનય નૃત્ય  કર્યું.  શ્રીમતી ચારુબહેન વ્યાસે  રવીન્દ્રનાથ ટાગોરના એક બંગાળી ગીત ’મમ ચિત્તે,નિત નૃત્યે તાતા થૈ થૈ. પર  સુંદર નૃત્ય રજૂ કર્યું.

     

તે પછી  શંખનાદ અને ઢોલ નગારા સાથે, ૧૦ પાત્રો દ્વારા એક નાટ્યાત્મક રજૂઆત કરવામાં આવી જેનું શિર્ષક હતું “જલસો નંબર બસ્સો.”  પ્રથમ બેઠકથી માંડીને ૨૦૦મી બેઠક દરમ્યાન,સંસ્થાની મુલાકાતે આવી ચૂકેલા ‘આદિલ મનસુરીથી અનિલ ચાવડા સુધીના મોટાં ભાગના સર્જકોને તેમની કવિતાઓની પંક્તિઓ/શેરને સંવાદોમાં  ટાંકી યાદ કર્યાં  હતા. તો સાથે સાથે ૧૯ વર્ષમાં કરેલી પ્રવૃત્તિઓ જેવી કે,કાવ્યોત્સવ,શબ્દસ્પર્ધા, નાટકો,શેરાક્ષરી,ઉજાણી,દશાબ્દિ મહોત્સવ વગેરેને  અને તેની સુખદ ઘટનાઓને નાટ્ય સ્વરૂપે વાગોળી. એટલું જ નહિ સરિતાનું વહેણ ચાલુ રાખવા માટેનો સંદેશ પણ પાઠવ્યો.. નાટકનો ઉદ્દેશ પ્રેરણાદાયી હતો. સૌનો અભિનય અને સંવાદોની અભિવ્યક્તિ પણ કાબિલેદાદ રહી.

ત્યારપછી  શ્રીમતી ભાવનાબહેન દેસાઇની આગેવાની હેઠળ ગરબા રાસની રમઝટ જામી. તેમની સાથે આવેલ મહેમાન મિત્રો અને શ્રી જ્યોતિભાઈ દેસાઇએ પણ યાદગાર સૂર પૂરાવ્યો. ભાવનાબહેન રચિત ગરબો”સૌને હૈયે આનંદ આનંદ રે,સાહિત્ય સરિતાની ખાસ બેઠક રે..આજની બસ્સોમી બેઠક રે…માં ઘૂંટાયેલો રણકાર, સૂરોની રમઝટ ,વાજીંત્રોની સૂરીલી ધૂન વચ્ચે -નવરાત્રિની જેમ સૌ  મસ્તીથી ગરબે ઘૂમી અને ઝુમી રહ્યા હતા.

    

અંતે સમયને ધ્યાનમાં લઈ , આભારવિધિ અને સમૂહ તસ્વીર બાદ, નિર્ધારિત સમયે,
ચિરસ્મરણીય  કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ. આમરીમઝીમ બરસતા સાવન’ જેવો આ
ઉત્સવ  શરુઆતથી
 માંડીને  છેક અંત સુધી સંપૂર્ણતયા આસ્વાદ્ય  બની રહ્યો.

આ પ્રસંગે મળેલા શુભ સંદેશાઓમાઃ
ભારતથી  કવિ શ્રી રઈશ  મનીઆર,અનિલ ચાવડા, કૃષ્ણ દવે, શ્રી જવાહર બક્ષી,
વાર્તાકાર શ્રી વલીભાઈ મુસા,  યુકે.થી  શ્રી અદમ ટંકારવી, શિકાગોથી શ્રી અશરફ  ડબાવાલા, મધુમતીબહેન મહેતા અને  ફલોરીડાથી ડો. દિનેશભાઈ શાહ ની આનંદપૂર્વક નોંધ લેતા,
ગુ.સા.સ.ના સૌ સભ્યો  અત્રે ગૌરવ, આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરે છે.

સાહિત્યની રુચિને જગવતા,ખીલવતા અને પ્રતીતિ કરાવતા શાનદાર કાર્યક્રમના
દરેક ભાઈબહેનોને, આયોજકોને, ‘સાઉન્ડ સિસ્ટમ’ના  નવા યુવાન ગ્રુપના શ્રી ભાર્ગવ
વસાવડા, તેમના માતુશ્રી પદ્મજાબહેન વસાવડા અને બીજાં નવયુવાન ધાર્મિક નાણાવટીને અને હ્યુસ્ટનના સ્નેહાળ સહાયકોને 
 ખોબો ભરીને દરિયા જેટલાં અભિનંદન અને બસ્સો (!) શુભેચ્છાઓ….
 અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ.
૮/૨૬/૨૦૧૯

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે ‘જૂઈમેળા’નો ઉત્સવ: અહેવાલ: દેવિકા રાહુલ ધ્રુવ

ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના માંડવે જૂઈમેળાનો ઉત્સવ:અહેવાલ: દેવિકા રાહુલ ધ્રુવ

તા.૨૭મી મેના રોજ, ઑસ્ટીન પાર્કવે,સુગરલેન્ડના કોન્ફરન્સ સેન્ટરમાં, સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૧૯૭મી બેઠક યોજાઈ અને ઉજવાઈ.

લીલાંછમ્મ પાંદડા પર  મઘમઘ  મહેંકતાઝીણાં ઝીણાં શ્વેત ફૂલોની ડીઝાઈનથી શોભતા આ માતૃભાષાના માંડવે,સવારના અગિયાર વાગ્યાથી જ સેવાભાવીઓની ચહલપહલ  શરૂ થઈ ચૂકી હતી. બરાબર બાર વાગે પ્રીતિભોજનને ન્યાય આપી નિર્ધારિત સમયે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

         
તસ્વીર સૌજન્યઃ શ્રી જયંત પટેલ અને  શ્રી ગીરીશ વ્યાસ

જૂઈમેળાના પ્રણેતા અને પ્રતિભાશાળી કવયિત્રી ડો. ઉષાબહેન ઉપાધ્યાયની હાજરીમાંભાવનાબહેન દેસાઈના સુમધુર કંઠે સરસ્વતીની પ્રાર્થનાના સૂરો રેલાયાસંસ્થાના પ્રમુખ શ્રી ફતેહઅલી ચતુરેઆજના મેમોરીઅલ ડેને અનુલક્ષીને વિશ્વભરના શહીદોના સ્મરણ સાથે, કાવ્યાત્મક રીતે મહેમાનનું સ્વાગત કર્યુ, ઉપપ્રમુખ શૈલાબહેન મુનશાએ મહેમાનનો સુંદર રીતે સવિશેષ પરિચય આપ્યો અને સૂત્રધાર દેવિકાબહેન ધ્રુવે મોસમ આવી છે સવા લાખની’, કહી ઉમળકાભેર ઉષાબહેનને તેમના સાહિત્યિક વક્તવ્ય માટે મંચ પર આમંત્ર્યા.

ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો.ઉષાબહેને  ગૌરવવંતા અને પ્રસન્ન ચહેરે સૌનું સ્વાગત કરી વક્તવ્યનો આરંભ કર્યો. સૌથી પ્રથમ તો જૂઈમેળાની પૂર્વભૂમિકાનામકરણ અને પ્રસારની રસપ્રદ માહિતી આપી. પુરોગામી સ્ત્રી લેખિકાઓના ઊંડા સંશોધન પછી તૈયાર કરેલા પુસ્તકો  શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ’, ‘રાધા કૃષ્ણ વિના બીજું બોલ માઅને તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ અમેરિકા નિવાસી ગુજરાતી સાહિત્યકારો અને માતૃભાષાની સવિશેષ માહિતી આપી. સાથે સાથે તેમણે પુરોગામી કવિઓની ઉત્તમ પંક્તિઓ ટાંકી કવિતા એટલે શું?, કાવ્યત્ત્વ કેવું અને ક્યાં ઝબકતું હોય છે તે તથા કાવ્યસર્જનની પ્રક્રિયા  વગેરે સ્વાનુભવો સાથે સુપેરે સમજણ આપી. રવિન્દ્રનાથ ટાગોરખલીલ જીબ્રાનરમેશ પારેખ,રાજેન્દ્ર શાહ વગેરેના ઉલ્લેખ વખતેતેમના ચહેરા પરનો સાહિત્યપ્રીતિનો હિલ્લોળ શ્રોતાઓને પણ ભીંજવતો હતો અને ખૂબ આનંદ આપતો હતો.

૧.ભાવના દેસાઈ ૨.સૂચી વ્યાસ ૩.પ્રવીણા કડકિયા ૪.શૈલા મુન્શા ૫.દેવિકા ધ્રુવ.૬.અવની મહેતા.

કાર્યક્રમના બીજાં દોરમાં  ડો.ઉષાબહેનની ઇચ્છા મુજબ કેટલાંક  સ્થાનિક સર્જકોની કૃતિઓ રજૂ કરવામાં આવી. નોર્થ અમેરિકાની લીટરરી એકેડેમી અને સાહિત્ય સંસદના સભ્ય શ્રીમતી સુચીબહેન વ્યાસે બાનું એક સુંદર રેખાચિત્ર  વાંચી સંભળાવ્યું. પ્રવીણાબહેન કડકિયાએ  તાજેતરમાં બનેલી સુરતની દુઃખદ ઘટના વિશેની વેદના અછાંદસ કૃતિરૂપે રજૂ કરી. તે પછી સૂત્રધારે આ જૂઈમેળાશી બેઠકમાં મોગરાની મહેંક પણ ભેળવી છે કહીસ્ત્રી-પુરુષની સમાનતાના પ્રતીકરૂપે ભાઈઓને પણ આવરી લીધા. તે રીતે ચમન ‘ તખલ્લુસથી લખતા શ્રી ચીમનભાઈ પટેલે પોતાની ખૂબ જાણીતી થયેલી હળવી રચના: 
 નાના-મોટાઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીધા! સેલ-ફોન પર શાક્ભાજી પણ વેચતા કરી દીધા!  સંભળાવી જેને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી દીધી. ત્યારબાદ  પ્રસન્નવદના શૈલાબહેને કોઈ રાહ બની તો કોઈ રાઝ બની ધબકે છે,સમજો તો કોઈ આશ બની ધબકે છે’ રજૂ કરી.

તે પછી  દેવિકાબહેન ધ્રુવેચંદ્ર  પરથી  નીલ આર્મસ્ટ્રોંગ દ્વારા લેવાયેલ તસ્વીર જોઈને લખેલ એક ગઝલ પૃથ્વી વતન  કેવાય છે.’ પ્રસ્તૂત કરી જેમાંનો એક શેર :
હું કોણ છું ને ક્યાંનો છું પ્રશ્નો  નકામા લાગતા,આજે જુઓ આ વિશ્વનું પૃથ્વી વતન  કેવાય છેદ્વારા શ્રી ઉમાશંકરભાઈનો વિશ્વમાનવનો ભાવ પ્રગટ કર્યો.ત્યારબાદ  નાસાના સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિક  ડો. કમલેશ લુલ્લાએ તે વિશે બે શબ્દો કહી સભાની શાન વધારી. તે પછી સાચા સાહિત્યપિપાસુ  અને નાટ્યપ્રેમી શ્રી ફતેહ અલીભાઈએ  કવિ શ્રી રઈશ મનીઆરની હઝલ યાદ કરી અને હિન્દી કવિ શ્રી અશોક ચક્રધરની એક અતિ ટૂંકી રચના ‘ खाल मोटी है’ રજૂ કરી. સમય ઝડપથી સરતો જતો હતો.

સભાના ત્રીજા અને મહત્વના દોરમાં ડો. ઉષાબહેને કવિતાનો રસથાળ પ્રેમથી ધરી દીધો. ગીત,ગઝલ અને અછાંદસ રચનાઓથી બેઠક છલકાઈ ગઈ.વરસાદના આરંભથી ઉઘાડ સુધીના દ્રશ્યોને ખડાં કરી દેતી જળબિલ્લોરીની  રજૂઆત  કરી.
 ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું  જોર અને છે જળબિલ્લોરી. અને  કેટલાંક  કાબિલેદાદ શેરઃ
ન માનો એમ અમે હારી જવાનાભલે આપો પથ્થર તરાશી જવાના.’,

મળ્યું ઘર ગાર-માટીનું ને દીવો શબ્દનો બળતો.
ગયા ભવનો ચરુ ઉકળેકવિતા એ જ સરજાવે.’ અને

એ સહુને પોતાના ગણે છે,વેદના હર દિલમાં વસે છે.
ખાસ નાતો હશે અમારે
,દૂર જઈ ક્યાં વસે છે?  તથા

 છે એ જ નિયમ દૂનિયાનો કે જો હેમ બનો તો તાવે છે’..વગેરે શેર એક અનોખા અંદાઝમાં રજૂ કર્યા.

તે ઉપરાંત લયઝરતા ગીતો  જેવાં કે પાંદડી’,’સોગાતમા’, મેશ’ અને ઊંટજેવી ગંભીર રચનાઓ, તો કેટલીક  ફોન’, ‘રેવા’ અને તાજા કલમ જેવી અછાંદસ કવિતાઓ પણ પ્રસ્તૂત કરી. અંતમાં સમયને નજર સામે રાખી પ્રચંડ ચંડ આંધીએ’ જેવી શિવરાત્રી’  જાણે પવિત્ર સ્તોત્ર જેવી લયબધ્ધ કવિતા સંભળાવી.. કેટલાંક ગીતોની પંક્તિઓ  હજી કાનમાં ગૂંજે છે કે પાથરણું પાથરીને બેઠીતી પાંદડીપિત્તળનું બોઘરણું પાસે મૂકી.’ આમ,અતિ સહજ અને સરળતાથી કાવ્યાનંદ આપી આ સાક્ષર કવયિત્રીએ સૌનો આભાર માની,ભારતમાં થનાર આગામી ‘જૂઈમેળા’ની વિગતો આપી  પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.

અંતમાં, સંસ્થાના ખજાનચી શ્રીમતી અવનીબહેન મહેતાએ સૌ સભ્યો,સહાયકો,Food sponsor શ્રી કીરીટભાઈ ભક્તા અને શ્રોતાઓનો આભાર માન્યો. સાહિત્ય સરિતાની કમિટીએ સાથે મળી ઉષાબહેનને  સન્માન પત્રસંસ્થાના ઈતિહાસની ઝાંખી કરાવતું  પુસ્તક અને ખાસ તો  ડો. કમલેશ લુલ્લાના સૌજન્યથીહ્યુસ્ટનની  Fort bend County Judge Proclamation Award અર્પણ કર્યો.
હ્યુસ્ટનના કેટલાંક આગામી કાર્યક્રમોની જાહેરાત પણ કરવામાં આવી.


                               ગુ.સા.સ.ના સભ્યો અને મહેમાનો

આમ, ગરવા ગુજરાતી અને બિન-ગુજરાતી શ્રોતાઓની મધ્યે માતૃભાષાની ગાથા ગૌરવભેર ગવાઈ. મોસમ પણ મઝાની હતી.  સરિતાને તીર એવો ઉમટ્યોતો મેળોજાણે ઉપવનમાં મ્હેંકતો જૂઈનો વેલો’ એવા ભાવ સાથે સામૂહિક તસ્વીર લેવામાં આવી અને સૌ  કાવ્યના આનંદ અને સંતોષ  સાથે સાંજે ૪ઃ૦૦ વાગ્યે વિખેરાયા.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ

Email: Ddhruva1948@yahoo.com

https://devikadhruva.wordpress.com/

http://devikadhruva.gujaratisahityasarita.org/

GLA of NAનું ૧૧મું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન-SEPT.7,8,9– દેવિકા ધ્રુવ

‘સંચયન’ઑક્ટો.૨૦૧૮ના દિવાળી અંકમાં તથા ગુજરાત સમાચાર યુએસએ ૭મી ઓક્ટો’૧૮ની આવૃત્તિમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલઃ  

ઘણા મહિનાઓથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ‘ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા’નું ૧૧મું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન  આ વર્ષે સપ્ટે.ની તા ૭,૮,અને ૯ના રોજ ઉજવાયું. 

આયોજન મુજબ ૭મી તારીખની સાંજે પાંચ વાગ્યાથી ન્યૂજર્સીની ફેરબ્રીજ હોટેલના ‘કોન્ફરન્સ સેન્ટર’માં આમંત્રિતો અને સાહિત્યરસિકોની ચહલપહલ શરુ થઈ ચૂકી હતી. રજીસ્ટ્રેશનની પ્રારંભિક વિધિ અને ભોજન વગેરે પછી બરાબર ૮ વાગે એકેડેમીના પ્રમુખ શ્રી રામભાઈ ગઢવીએ સ્વાગત પ્રવચન શરુ કર્યું.

 સાહિત્ય સંમેલનના મુખ્ય મહેમાન જાણીતા વિવેચક, નિબંધકાર, સંપાદક અને અનુવાદક શ્રી રમણ સોની હતા.

આ લીટરરી એકેડેમી દર બે વર્ષે અમેરિકામાં રહીને ઉત્કૃષ્ટ સર્જન કરતા સાહિત્યકારોનું બહુમાન કરે છે અને પારિતોષિકો એનાયત કરે છે. જેમના સૌજન્યથી આ પારિતોષિકો શક્ય બને છે એ શુભેચ્છકો ડો. નવીન મહેતા, શ્રી કેની દેસાઈ અને ટીવી એશિયાના સંસ્થાપક શ્રી એચ આર શાહ છે.  શ્રી નવીન મહેતાના પિતાશ્રીની યાદમાં સ્થપાયેલું  $૧૦૦૦નું શ્રી ચુનીલાલ મહેતા પરિતોષિક, ૨૦૧૮ના વિજેતા કવિ, લેખક, નાટકકાર શ્રી કૃષ્ણાદિત્ય ડો. પ્રમોદ ઠાકરને મળ્યું. ૧૯૪૦માં જન્મેલા પ્રમોદભાઈએ કાવ્યસંગ્રહો ઉપરાંત અનુવાદો, નાટકો, નિબંધોના કુલ મળીને પંદરેક જેટલાં પુસ્તકો લખ્યાં છે. એટલું જ નહિ, ભારત તથા અમેરિકામાં ‘અમેરિકાની રંગભૂમિ’, વિજ્ઞાન અને દર્શન’ યંત્રજ્ઞાન અને સમાજ’ ‘ભારતના મર્મી કવિઓ’ વગેરે વ્યાખ્યાન સંવાદો પણ કર્યા છે. 

શ્રી કેની દેસાઈના સૌજન્યથી શ્રી રમેશ પારેખ પારિતોષિક  કેલિફોર્નિયાસ્થિત શ્રી મનીષા જોશીને આપવામાં આવ્યું. ૪૭-૪૮ વર્ષના યુવાન મનીષાબહેનને કોલેજકાળ દરમ્યાન સિતાંશુભાઈ યશશ્ચન્દ્ર, ગણેશદેવી અને બાબુ સુથાર જેવા અધ્યાપકોની અસરથી કાવ્યલેખન માટે રુચિ કેળવાઈ હતી. તેમનાં કાવ્ય સંગ્રહો ‘કંદરા’, કંસારા બજાર’,અને ‘કંદમૂળ’ છે. તેમનાં કાવ્યો અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાઓમાં અનુવાદિત થયાં છે. બહેન મનીષાએ ‘કંસારા બજાર’ની કવિતા તેમના કોમળ મધુર અવાજમાં ભાવવાહી રીતે વાંચી સંભળાવી.

આ પ્રસંગે ન્યૂ જર્સીના દાતાઓ શ્રી એચ આર શાહ, ડો.નવીન મહેતા અને ડો. સુધીર પરીખે હાજરી આપી પ્રાસંગિક શબ્દો કહ્યા હતા.

ત્યારબાદ વિદ્વાન ભાષાશાસ્ત્રી શ્રી બાબુ સુથારે અન્ય આમંત્રિત મહેમાનોનો સુપેરે પરિચય આપ્યો હતો.

          અન્ય આમંત્રિત મહેમાનોમાં વિવેચક શ્રી રમણ સોની, નવલકથાકાર શ્રી મણીલાલ હ. પટેલ, વાર્તાકાર શ્રીમતિ ઈલા આરબ મહેતા, વિવેચક શ્રી સુમન શાહ, વક્તા શ્રી જય વસાવડા, કવિ શ્રી મુકેશ જોશી, શ્રી અનિલ ચાવડા, ડીજીટલ ટેક્નોલોજીમાં કામ કરતા શ્રી અપૂર્વ આશર અને  સંગીતકાર શ્રી અમર ભટ્ટ મુખ્યત્વે હતાં. તે સૌએ પણ ખૂબ જ સંક્ષેપમાં પોતાના વક્તવ્યો રજૂ કર્યા.

  બે કલાક ચાલેલા આ કાર્યક્રમ પછી રાતના ૧૦ વાગ્યે શ્રી મુકેશ જોશીના સંચાલન હેઠળ રસથી તરબોળ સંગીત શરૂ કરવામાં આવ્યું. સંગીતકાર શ્રી અમર ભટ્ટની ઓડિયો સીડીના વિમોચન પછી ‘શબ્દ સૂરની પાંખે.. અમે ગીત ગગનનાં ગાશું…નો પ્રારંભ થયો.. તેમને સાથ પૂરાવનાર અમદાવાદના બહેન હિમાલી વ્યાસ અને મુંબઈના જાહ્નવી બહેન શ્રીમાંકર હતાં. અમર ભટ્ટના ભાવવાહી અવાજમાં ‘અમે ગીત ગગનના ગાશું” થી વાતાવરણ સંગીતમય બની ગયું.

  શ્રી અમર ભટ્ટ,હિમાલી વ્યાસ અને જાહ્નવી શ્રીમાંકર

ત્રણે કલાકારોની ગાયકી અને કવિના મનભાવન સંચાલનને કારણે નરસિંહથી નિરંજન ભગત સુધીની સંગીત-યાત્રા અદભૂત રહી. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું (નરસિંહ મહેતા), ‘મુજ અબળાને શામળો એ જ ઘરેણું સાચું’(મીરાંબાઈ)નું , વીજના ચમકારે મોતીડા પરોવો બાઈ, ગંગાસતીનું ગીત, ભગવતીકુમાર શર્માનું “મારે રુદિયે બે મંજીરા..એક જૂનાગઢનો મહેતો અને બીજી મેવાડની મીરાં, રમેશ પારેખનું ‘રહીશું અમે ગુમાનમાં, નહિ બોલીએ…નિરંજન ભગતનું ચાલ,ફરીએ…માર્ગમાં જે મળે તેને હ્રદયનું વ્હાલ દઈએ. વગેરે ગીતોએ સૌ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધાં. ત્રણે ગાયકોએ શબ્દે શબ્દે લીધેલી સંગીતની તરજ, હલક વગેરે કાબિલે દાદ હતી. બંને બહેનોના મધુર કંઠે વાતાવરણને રસથી તરબોળ કરી દીધું હતું. અમર ભટ્ટે પોતે સ્વરાંકન કરેલ ગીતો જેવાં કે, કવિ શ્રી રમેશ પારેખનું ‘વહાલ કરે તે વહાલું’ અને શ્રી અનિલ જોશીનું ‘ઝીણાં ઝીણાં રે આઘેથી…ખૂબ જ સુંદર રીતે ગાયાં.

કવિઓના શબ્દોને સ્વરકાર કેવા કેવા પંપાળે છે,  ગાયક કેવી કેવી રીતે લડાવે છે  અને એ રીતે કેળવી કેળવી એનું રૂપ ઑર નિખારે છે એનો અનુભવ આહલાદક રહ્યો. ભિતરના કવિ હ્રદયને ખૂબ સંતૃપ્તિ સાથે ક્ષણવાર માટે સપનાઓ જાગી ગયાં!! સંગીતમય આ ત્રિપુટીની ગાયકીને અને મુકેશભાઈના સંચાલનને પણ સો સો સલામ.

સંગીતરસિયાઓએ વધુ ને વધુ માંગણી કરતાં વળી પાછા બોનસમાં ત્રણ ગીતો મળ્યાં. પહેલી હરોળમાં બાજુમાં બેઠેલા અને સૌને શોભાવતા પન્નાબેન નાયકનું એક ગીત, શ્રી મકરંદ દવેનું ‘અમે ગાતાં ગાતાં જાશું’ અને  નીનુ મઝુમદારનું ‘મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ…અને તે પછી મોડી રાત્રે સૌ વિખરાયાં. ત્યારે હૈયું શબ્દ અને સૂરના પ્રભાવ વિશે એક નવું અનોખું ગીત ગણગણતું હતુઃ

 બીજાં દિવસની સવારે એટલે કે સપ્ટે.ની ૮મી તારીખનો કાર્યક્રમ  સવારથી રાત સુધી આખા દિવસ માટે  ભરચક હતો. સવારના ૭.૩૦ વાગ્યાથી ગરમ તાજાં ફાફડા, કડક જલેબી, સેવખમણી, ટોસ્ટ,સીરીયલ,મસાલેદાર ચહાની સુગંધ સાથે હોલ મઘમઘતો હતો અને સૌ સ્નેહગોષ્ઠી સાથે નાસ્તાને ન્યાય આપી મઝા માણી રહ્યા હતાં. બરાબર ૯ વાગે પ્રમુખ શ્રી રામ ગઢવીએ સ્વાગત કરી, મુખ્ય મહેમાન શ્રી રમણભાઈ સોનીને મંચ ઉપર આમંત્રણ આપ્યું. ૭૨ વર્ષના શ્રી રમણભાઈ સોની વિવેચક, નિબંધકાર,સંપાદક અને અનુવાદક છે. તેમનો વિષય હતોઃ ”ગુજરાતી સાહિત્યનો વર્તમાન અને પહેલા યુગનું સ્મરણ.  શરુઆતમાં જ તેમણે આજકાલ મળતા રહેતા ઢગલાબંધ પારિતોષિકો પર વ્યંગ, પુસ્તક પ્રકાશનની અવનવી રીતો, તેની પાછળના પીઠબળો, સામયિકોની બદલાતી જતી રીતો પર અજંપા સહ પ્રકાશ પાડ્યો. સાથે સાથે તેમણે ઘણી સરળ રીતે સર્જક અને વાચકો બંનેની તકલીફોના કારણો સવિસ્તર, સ્પષ્ટપણે દર્શાવ્યા. તેમણે આપેલાં કારણો આ પ્રમાણે હતાઃ

યુનિ.માં વિદ્યાનું તેજ નથી. તેથી યુવાન સાહિત્યકારો શોધવાની તકલીફ થઈ છે. Recognition સસ્તુ થયું છે તેથી સાહિત્યમાં પ્રવેશ સુલભ થયો છે. વાચકો કરતાં લેખકોની સંખ્યા વધી રહી છે!! તેમના Exposures વધ્યા છે. સાહિત્યમાં નિષ્ઠા ઓછી થતી ચાલી છે. સર્જકે વાંચીને, સાધના કરીને પુષ્ટ થવું જરૂરી છે તે થતું નથી. વાંચનવૃત્તિ મંદ થતી ચાલી છે.પાયાની કેળવણી લુપ્ત થતી ચાલી છે, જોડણીકોશમાં જ ભૂલો મળે છે!!! વાણી લુપ્ત થતી નથી.પણ લિપિના રૂપો બદલાતા જાય છે. સર્જક કાયમ નવોદિત રહે છે. કારણ કે, એને સર્વપ્રિયતાનો કેફ ચડ્યો છે. ઉત્તમ સેમીનારો થતા નથી, વિદ્યાની ચર્ચાઓ થતી નથી.

આ વાતની સુંદર અને સ્પષ્ટ રજૂઆત પછી રમણભાઈએ દલપતરામના ઠાવકા હાસ્યરસની, આખાબોલા કવિ શ્રી નર્મદની “લોકોની લાજેન્દ્રિયો બહેર મારી ગઈ છે” જેવી ઉક્તિઓ અને  સેન્સરશીપ સામે વાંધો ઉઠાવનાર નીડર પત્રકાર ઈચ્છારામના કટાક્ષસ્તોત્ર અંગે વાતો કરી હતી. તેમનું આખુંયે વક્તવ્ય  સાહિત્યની સાંપ્રત સ્થિતિ પર મનનીય હતું. સમય ઓછો પડયો.

ત્યારપછી સવારના ૧૦ વાગે  ગુજરાતી કાવ્યસમૃધ્ધિનો સંગીતસભર અનુભવ કરાવનાર શ્રી અમર ભટ્ટનો ‘સ્વરાંકનની સમીપે’ શિર્ષક હેઠળ કાર્યક્રમ શરુ થયો. આગલી રાતનો સંગીતનો નશો ઉતરે તે પહેલાં ફરી એક વાર સંગીતનો પ્રારંભ થયો. આ સમયે અમરભાઈએ પોતાનો સંગીતમાં પ્રવેશ અને તેમાં થયેલી પ્રગતિ પાછળના પરિબળો, તેના સંસ્મરણો સાથે સુંદર રીતે ચિત્રિત કરી ગાઈ બતાવ્યા.  પંડિત ઓમકારનાથના સ્વરાંકન અને કવિ નાનાલાલની કવિતા ‘વિરાટનો હિંડોળો ઝાકમઝોળ’ની પોતાના મન પર થયેલી અસર, શ્રી ક્ષેમુભાઈ દિવેટીઆ સાથેની યાદો, બાલમુકુંદ દવેનું સોનેટ અને રાજેન્દ્ર શાહના વિલંબિત લયના મૃદુ ગાનની વાતો પછી તેમણે પોતે સ્વરાંકન કરેલ ‘આભમાં તોરણ બંધાણા ત્રિલોકના” ગાઈ સંભળાવ્યુ.  નરસિંહના ઝુલણા છંદના ગીતનો ઉ.જોશીએ કરેલ આસ્વાદ, સુંદરમના ગીતનો આસ્વાદ વગેરેની વાતો રસભર રીતે કરી. એટલું જ નહિ, પોતે વકીલાતના વ્યવસાયમાં હોવા છતાં કહે છે કે, “અસીલોના વિસંવાદમાં સૂરીલો સંવાદ સાધવાનો હોય છે એ રીતે જોઉં છું તો સંગીત અને વકીલાતનો વ્યવસાય જુદો નથી લાગતો!!” આ સાથે જ તેમણે ક્ષેમુભાઈના સ્વરાંકન અને નીનુ મઝુમદારની રચના, જનસંમોહિની રાગમાં  “ હેજી વ્હાલા સાવ રે અધૂરું મારું આયખું” ગીત સંભાળાવ્યું. તે ઉપરાંત શ્રી ચંદ્રકાંત શેઠનું “ખાલી કુવે કોશ ચલાવી હવે અમે તો થાક્યા રે” ગીત પણ કુવામાંથી કોશ ચાલતો હોય તેવા લયમાં, સ્વરબધ્ધ થયેલ સંભળાવ્યું. મઝાના વક્તવ્યો સાથેના તેમના બધાં જ ગીતોએ અતિ આનંદ આપ્યો.

ત્યારબાદ ૧૧ વાગે સાહિત્યની પ્રથમ બેઠકમાં નવલકથા અને નવલકથાકારનો વિભાગ હતો

તેનું સંચાલન શ્રી નટવર ગાંધીએ કર્યું હતું.


શરુઆત થઈ નવલકથાકાર, મણીલાલ હ.પટેલથી. તેઓ પોતે વાર્તાકાર, વિવેચક અને કવિ પણ છે. તેમણે ‘રાવજી પટેલ કવિ કરતાં નવલકાથાકાર વધુ છે’ એ વિષય પર ઉદાહરણો સાથે વાતો કરી. રાવજી પટેલની ‘ઝંઝા’ અને ‘અશ્રુઘર’ બંને નવલકથાઓની થોડી થોડી વાતો કરી અને જણાવ્યું કે રાવજીનું ગદ્ય સંવેદનશીલ ગદ્ય છે, અદભૂત કલ્પનપ્રધાન છે અને તે માટેના કેટલાંક અવતરણો પણ ટાંકી બતાવ્યાં. “ગયા ભવના ખીલા કળે છે છાતીમાં”, એક બપોરે મારા ખેતરના શેડેથી ઊડી ગઈ સારસી” અને  “અમે અજાણ્યા ક્યાં લગ રહીશું તમારા ઘરમાં” વગેરે વર્ણવી જણાવ્યું કે રાવજી પટેલની આ બંને નવલકથાઓમાં ઈતિહાસ, ક્રમિક થતો બદલાવ, વાસ્તવિક ભાષા, વિચ્છેદની સંવેદના, અદભૂત કલ્પનો અને કૃષિ જીવનનો અસબાબ છે અને ‘ઝંઝા’ તો વળી ડાયરી શૈલીમાં લખાયેલ નવલકથા છે.

તે પછી નવલકથાકાર શ્રી સુમન શાહનો વારો હતો. તેઓ નવલકથાકાર ઉપરાંત અનુવાદક, નિબંધકાર,સંપાદક અને વાર્તાકાર પણ છે. તેમને જોઈ, મળીને ૨૦૦૯ના અરસામાં તેમની હ્યુસ્ટનની મુલાકાત યાદ આવી ગઈ. તેમણે નવલકથાકાર  શ્રી સુરેશ જોશીની સાત પ્રકારે ઓળખ આપતા, તેમના અનેક પ્રદાનો પૈકી ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ વિશે ઘણી વાતો કહી. તેમણે કહ્યું કે શ્રી સુરેશ જોશી વિસ્મયના સર્જક હતા અને તેમણે ભારતીય પરંપરાના સાહિત્ય-વિશ્વને વિદેશી ક્ષિતિજો દેખાડી છે. તેઓ ગુજરાતી કથાસાહિત્યને વિદેશી સાહિત્યના સંદર્ભમાં મૂલવતા અને સર્જનને શુધ્ધ સાહિત્ય સ્વરૂપ બનાવવાના આગ્રહી હતા. તેમની વાતોમાં મઝા આવતી ગઈ પણ સમય મર્યાદા નડી અને વક્તવ્ય પૂરું કરવું પડ્યું.

 તેમના પછી  જાણીતા નવલકથાકાર અને વાર્તાકાર લેખિકા શ્રીમતિ ઈલા આરબ મહેતાનો ક્રમ હતો. તેઓ ગુણવંતરાય આચાર્યના સુપૂત્રી અને વર્ષાબેન અડાલજાના બહેન છે. તેમણે પોતાના પિતા લેખક શ્રી ગુણવંતરાય આચાર્યના સર્જન વિશે વક્તવ્ય આપ્યું. સ્ટેશન પરના તેમના અકસ્માતથી માંડીને જીંદગી તરફનો હકારાત્મક દૄષ્ટિકોણ,પૌરુષની,મર્દાનગીની, દરિયાઈ સાહસકથાઓ અને જાસૂસકથાઓની વાતો કરી. ‘ભસ્માંગના’ અને પુત્રજન્મના ઉલ્લેખ સાથે, માણસે માણસ બનવા માટે કરવા પડતા સંઘર્ષની અને સાહિત્યમાં કલાની સાથે સાથે કલ્યાણની ભાવના હોવી જોઈએ તે વાત પર ઘણો ભાર મૂક્યો. છેલ્લે  સાહસિક પિતાના શબ્દો ‘જવાબદારી પૂરી થઈ હવે’ સાથે જીંદગીનો પડદો કેવી રીતે પડ્યો તેની પણ હ્રદયદ્રાવક વાત કરી.

 કાર્યક્રમના મુખ્ય મહેમાન  સાહિત્યકાર શ્રી રમણભાઈ સોનીનો વિષય હતો ‘કનૈયાલાલ મુનશી અને પૃથ્વી વલ્લભ.’ આ રસપ્રદ વિષયની શરૂઆત તેમણે આ રીતે કરીઃ ર.વ.દેસાઈને કોઈકે પૂછ્યું કે, “મુનશી અને તમારામાં કોણ વધુ લોકપ્રિય?” તેમનો જવાબ હતોઃ ”જાહેરમાં મુનશી અને ખાનગીમાં હું!!” ર.વ.દેસાઇ, પ્રણયત્રિકોણ, ત્યાગ અને સમર્પણની વાતો લખતા જ્યારે મુનશી સ્વતંત્ર અને મૌલિક વિચારો રજૂ કરતા. તે કથારસ છિપાવતી વાતો ધરતા. ‘પૃથ્વીવલ્લભ’ના સંદર્ભમાં પાત્રોની ગતિશીલતા, નાટ્યાત્મકતા અને કથાવસ્તુ વગેરે સભર હતા તેમ જણાવ્યું. ગોવર્ધનરામની કથામાં ઈષ્ટ હતું તો મુનશીની કથામાં મિષ્ટ. શ્રી રમણભાઈની રસપ્રદ વાતોમાં મઝા આવતી ગઈ અને સૌ તેમને વધુ સાંભળવા આતુર હતા.પણ સમયની સાંકળ નડી અને તેમને  પણ વક્તવ્ય ટૂંકાવવું પડ્યું.

બે કલાક ચાલેલા આ ઉંચેરા સાહિત્યિક માહોલ પછી સ્વાદિષ્ટ ભોજન પીરસાયું. યુવાન કાર્યકરોનો ઉત્સાહ,આયોજન અને સેવા પ્રશંસનીય હતી. તે પછી  બપોરે ૨.૩૦ વાગે તાજેતરમાં જેઓ વિદાય થયા છે તે  ન્યૂજર્સીના હાસ્યલેખક શ્રી હરનીશ જાનીના મૃત્ય સમયે સાથ આપેલ સભાજનોને બે શબ્દો આભારના કહેવા માટે  માટે હંસાબેન જાની તેમની પૂત્રી સાથે આવ્યા. પતિની રમૂજી વાતોને યાદ કરી, ખૂબ જ સ્વસ્થપણે  ‘સિતારા તૂટ ગયા’, હરિવંશરાય બચ્ચનની કવિતા વાંચી અને સૌનો આભાર માન્યો.  હંસાબેન જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તેમને ભેટીને મૌન આશ્વાસન આપતાં આપતાં હરનીશભાઈની યાદે હૈયું ભરાઈ આવ્યું. તે પછી શ્રી એચ આર શાહે મંચ પર આવી વધુ ને વધુ લોકો ગુજરાતી  ભાષા બોલે તેવી મહત્વાકંક્ષા દર્શાવી.

 આજની બીજી બેઠકમાં  ‘ડિજિટલ ટેક્નોલોજી અને પુસ્તકોનું ભવિષ્ય’ એ વિષય અંગે ભારતથી પધારેલ શ્રી અપૂર્વ આશર અને અમેરિકામાં સ્થાયી થયેલ શ્રી બાબુભાઈ સુથાર વક્તા હતા.

   અપૂર્વ આશર

સંચાલક શ્રી રમણભાઈ સોની કે જેઓ ઈસામયિક સાથે સંકળાયેલ છે તેમણે જુદા જુદા ‘ફોન્ટ’નો પ્રશ્ન છેડ્યો.. અપૂર્વ આશરે ‘વીડિયો પ્રેઝન્ટેશન’ની સાથે સાથે કેટલાંક જરૂરી મુદ્દાઓ જેવાં કે, યુનીકોડની સમાનતા ( Standardized) , લિપિના ફેરફાર ( script change), લખાણોની બોલીમાં અભિવ્યક્તિ (Text to speech), પુસ્તકો રાખવાની જગાની તકલીફોના ઉપાય (space problem), પુસ્તકો ગમે ત્યારે, ગમે ત્યાં હાથવગા (mobility),  Epub, Future proof publications વગેરે અને બીજાં પણ ઘણા ફાયદાઓની સુંદર છણાવટ કરી.

આ વાત સાથે શ્રી બાબુ સુથારે મઝાના  અને મનનીય મુદ્દાઓ રસપ્રદ રીતે રજૂ કર્યા. તેમણે કહ્યું કે, Ebookની ઉત્ક્રાંતિમાં Adjustment અનિવાર્ય થઈ પડશે. પહેલું તે એ કે, હસ્તપ્રત નાબૂદ થશે, લેખન પદાર્થ જતો રહેશે, learning Process બદલાશે, વર્તનમાં ફેરફાર થશે, પુસ્તક ભેટ આપવાનો વિચાર નહિ રહે વગેરે. મને જે બહુ ગમ્યો તે તેમના એક અનુભવની મઝાની વાતનો સાર લખું..  ટપાલપેટીમાં કાગળ નાંખીએ પછી એ કાગળ પોતાની પાસે ન રહે. ઈમેઈલ મોકલ્યા પછી (send button દબાવ્યા પછી) એ ઈમેઇલ disappear થવી જોઈએ ને? એને બદલે પોતાનો પત્ર પોતાની પાસે દેખાય પણ ખરો. એ કેવું?!!! પહેલીવાર તેમને જ્યારે આ અનુભવ થયો ત્યારે પોતાનો પત્ર પહોંચ્યો જ નથી એમ જ લાગતો કારણ કે, કાયમ પોતાની સામે Sent માં દેખાયા કરતો હતો!! અને બીજો એક વ્યંગ પણ વિચાર માંગી લે તેવો હતો  કે, books are allowed to suicide after the Expiry date in interest of Business !!  આ કટાક્ષને વધુ સમજાવવાની ક્યાં જરૂર છે? વિષયના બંને પાસાઓ સાંભળવાની ખૂબ મઝા આવી.

પંદર મિનિટના  ચહા-કોફીના મધ્યાન્તર પછી  આજની તૃતીય બેઠક ‘કવિતા-વિશ્વની અમેરિકાની તારિકાઓ’ની શરૂઆત કરવામાં આવી. આ વખતે એકેડેમીએ પ્રથમવાર જ અમેરિકાની કવયિત્રીઓને સ્થાન આપ્યું એ હકીકતનો અને  માત્ર ચાર જ વ્યક્તિઓમાં મારું નામ પસંદ કરવામાં આવ્યું તેનો આનંદ છે.

https://www.youtube.com/watch?v=nAHzpG7aEy0&t=62s

   ગીતોના ગઢવી કવિ શ્રી મુકેશ જોશીના સંચાલન હેઠળ  ૪.૩૦ વાગ્યાની આસપાસ આ કાર્યક્રમ રંગીન અને કાવ્યમય રીતે શરૂ થયો. સૌથી પ્રથમ પાછળથી ઉમેરાયેલ ન્યૂ જર્સીના પૂર્ણિમાબહેને પ્રેમની કવિતાઓ સંભળાવી. ‘તને મળ્યા પછીના સમયને હું મારો નવો જન્મ કહીશ’, રણની વચ્ચે જંગલ, તે પછી ડેલાવરના રેખા પટેલે શિયાળામાં વરસતા બરફ પર અને ‘પગલાં હજી ભીનાં છે’ વગેરે સ્વરચિત કવિતાઓ વાંચી સંભળાવી. ત્રીજા નંબરે મારો (દેવિકા ધ્રુવ) ક્રમ આવ્યો અને મેં એક ગીત, ‘લો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે’, એક ગઝલ, ‘મને હું મળી ગઈ,’ એક  શિખરિણી છંદમાં સોનેટ ‘શિશુવયની શેરી’’ફરી મારી પ્યારી શિશુવયની શેરી જરી મળી…’ વરસાદી ઝરમરતા લયની ‘શતદલ’ કવિતા ‘શતદલ પંખ ખીલત પંકજ પર..પલ પલ શબદ લખત મનભાવન..ઝરત પ્રીત મન કરત પાવન’ અને સંગીતકાર ગૌરાંગ વ્યાસ દ્વારા સ્વરબધ્ધ થયેલ ‘ગુજરાત’ વિશેની રચના ‘વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.’ ની થોડી પંક્તિઓ સંભળાવી. સાન્ફ્રાન્સિસ્કોથી આવેલ જયશ્રીબેન મરચન્ટે તેમનાં ‘લીલાછમ ટહૂકા’નામના કાવ્યસંગ્રહમાંથી લીલોછમ ટહુકો ઉગ્યો છે પાનમાં, મને દઈ દો આ ટહુકાનું આયખું, સવાર કે સાંજ કોઈપણ સમયના તોલમાં હવે હું ક્યાં છું” ‘થીજે છે સૂરજ કેવો અહીં સમંદરના ફીણ વચ્ચે’, ’લખવી છે મારે એક કવિતા..   સુંદર રીતે રજૂ કરી. બાલ્ટીમોરથી આવેલ નંદિતા ઠાકોરે ગઝલથી શરુઆત કરી કે ‘લોહીના એક એક કણમાં ક્યાંક ભળતું હોય છે…’ પ્રલંબ લયનું ગીત ” એક અટૂલા માળામાં એક એકલવાયું પંખી એની એકલતાને ટીપે ટીપે ચણ્યા કરે છે’ અને ‘તારી આંખોમાં શમણાંની જેમ અમે રહીશું’ સુમધુર અવાજથી તરન્નુમમાં પ્રસ્તૂત કર્યુ. સંચાલનની કામગીરી બજાવતા કવિ શ્રી મુકેશભાઈએ પણ દરેક વક્તાઓ પછી મઝાની કાવ્યમય વાતો કરી આનંદ કરાવ્યો.

  સાંજના ૬.૦૦ વાગે થોડા વિરામ પછી અસ્સલ બાજરીના રોટલા,ગોળ,ઘી,ખીચડી,કઢી પાપડ વગેરેનું ભોજન પીરસવામાં આવ્યું. તે પછી રાતના ૮ વાગે  શ્રી શૈલેશ ત્રીવેદી અને રૂપલ ત્રીવેદીએ ‘ નાટ્યસંધ્યા’માં ભવાઈનો એક અંશ રજૂ કર્યો. સૌથી પહેલાં તો જૂની રંગભૂમિના જમાનાની,,ફેશનવાળાની ફજેતીના એક ટ્રેકની અને જૂની  ગ્રામોફોનના રેકોર્ડ પરના ગીતોની પણ થોડી વાત કરી.પછી દૂંદાળા ગણેશની પૂજાના દોહાને લલકારી વંદના કરી અને ‘કજોડાંનો વેશ’ નામની ભવાઈનો એક નાનકડો અંશ સરસ રીતે અભિનીત કર્યો. બંને કલાકારોએ પોતપોતાની ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો હતો.

રાત્રે ૯-૯.૩૦ની આસપાસ ‘ગમી તે ગઝલ’ શિર્ષક સાથે  શ્રી અમર ભટ્ટ અને તેમના સાથીદારોનું સંગીત પીરસાયું. બ્રીજ જોશી કીબોર્ડ પર, નિકુલ શાહ સાઉન્ડસિસ્ટમ અને દિપક ગુંદાણી તબલા પર સાથ આપતા હતા. જાણીતા ગઝલકારોની ગઝલોથી વાતાવરણમાં શરાબી કેફ જામતો જતો હતો.

અમર ભટ્ટે મરીઝની ગઝલ,’જીંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી’ ગૌરાંગ ઠાકરની ‘તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું છું’.ગની દહીંવાલાની ‘ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું’ તથા મનોજ ખંડેરિયાની, મુકેશ જોશીની ગઝલ ખૂબ સુંદર રીતે ગાઈ સંભળાવી. કીબોર્ડ,તબલાની જુગલબંધી પણ મઝાની રહી. હિમાલી વ્યાસે તેમના જાદૂઈ અવાજમા કવિ શ્રી લાલજી કાનપરિયાની ‘સાંજ પડી ઘર આવો બાલમ,પંથ ખડી,ઘર આવો બાલમ’ અને ન્યૂ જર્સીના ભાઈ શ્રી રથિન મહેતાના સ્વરાંકનમાં ભગવતીકુમાર શર્માની એક ગઝલ ગાઈ તો જાહન્વીબહેને ‘ફૂલ કેરા સ્પર્શથી દિલ હવે ઘબરાયછે’ અને ‘મિસ્કીન’ રાજેશ વ્યાસની ગઝલ ‘તારું કશું ન હોય તો છોડીને આવ તું. તારું જ બધું હોય તો છોડી બતાવ તું.. બેફામની ગઝલ ‘શું જલુ કે કોઈની જાહોજલાલી થાય છે, ને એ દશા એવી છે જ્યાંથી પાયમાલી થાય છે.’ અફલાતૂન ગાયું. આ બંને બહેનોએ વળી સાથે મળીને, આશિત દેસાઇનું સ્વરાંકન,  જલન માતરીની ગઝલ ‘રહસ્યોના પડદાઓ પાડી તો જો..ખુદા છે કે નહિ હાક મારી તો જો. ગાયું ત્યારે શ્રોતાઓએ દાદ ઉપર દાદ આપી હતી. છેલ્લે અમરભાઈએ ઘાયલની “ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં,કાવ્યો મળી રહ્યા છે કહાણીના સ્વાંગમાં’ રજૂ કર્યું. આમ, ૮મી તારીખનો આખો દિવસ સાહિત્યમય, કાવ્યમય, ગઝલમય, સંગીતમય રહ્યો. જરાયે થાક વગર મઝાની ઉંઘ આવી ગઈ.

તા.૯મી ની સવારે ચહા,નાસ્તા અને સાહિત્યકારો સાથે વાતોચીતો, તસ્વીરો વગેરે પછી સવા નવ વાગે શ્રી અશોક વિદ્વાંસના સંચાલન હેઠળ સ્થાનિક સર્જકોનું પઠન શરૂ થયું. તેમણે એક પછી એક નામો બોલી સમય મર્યાદાનો નિર્દેશ કરી સૌને આમંત્રિત કર્યા. કિશોરભાઈ ઘીવાળાએ ‘હરિ ઈચ્છા અને જાગ કબીરા’ ની કવિતા રજૂ કરી. આશાબેન પંડિતે હિન્દીમાં ડાયસ્પોરિક રચના સંભળાવી અને ગુજરાતીમાં મીરાંનું કાવ્ય વાંચ્યું. ભૂપેન્દ્રસિંહ રાવે મઝાની રીતે સુંદર વાર્તાનું વાંચન કર્યું. ચંદ્રકાંત દેસાઈએ પત્નીની યાદમાં શ્રધ્ધાંજલિ અને સ્મરણાંજલિ રજૂ કરી. હિમાદ્રીબેને ‘નવું નકોર’ અનુસંધાન અને એક અછાંદસ રચના સંભળાવી. પૂર્ણિમાબેન ગાંધીએ જયેશ શાહ અને હરનીશ ગાંધીની યાદમાં બે કૃતિઓ વાંચી સંભળાવી. રણધીર નાયકે ‘શું શું ગયું’, જપતાં જપતાં ઉંઘવાનું નહિ’ એ ગઝલ અને એક અછાંદસ કવિતા વાંચી સંભળાવી.રમેશ શાહે પનઘટની  કવિતા પ્રસ્તૂત કરી તો ફ્લોરીડાથી આવેલ ડો.દિનેશભાઈ શાહે પોતાની ‘’લાકડાની નાવ’’ કવિતા રજૂ કરી.શ્રી તુષાર ચૌહાણે ગુજરાતની અને ‘મારું ગામ’ની કવિતા વાંચી. હંસાબેન મોદીએ વાત્સલ્યનું ઝરણું હાલરડું રજૂ કર્યું. એકંદરે વિષય વૈવિધ્ય જોવા મળ્યું. અશોકભાઈએ સમયની મર્યાદામાં રહી સરસ સંચાલન કર્યું.

ત્યારબાદ કેલિફોર્નિયાના મહેન્દ્ર મહેતા અને બીજાં એક ભાઈ નામે ઉકાભાઈની  વિદાય અંગે મૌન પાળવામાં આવ્યું. 

  

બે કલાકના ઉપરોક્ત કાર્યક્રમ પછી ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ભારતથી ખાસ આમંત્રિત કવિઓની રજૂઆતની બેઠક હતી. આમંત્રિત કવિઓમાં સર્વ શ્રી મુકેશ જોશી, તુષાર શુક્લ અને ચેતન નાયક અને શ્રી અનિલ ચાવડા હતાં. આ બેઠકનું સંચાલન પણ મુકેશ જોશીએ સંભાળ્યું હતું.  શરૂઆતમાં કવિઓની હાજરીમાં, ૯૦ની આસપાસ પહોંચેલા હંસાબેન શાહના બે પુસ્તકોની જાહેરાત અને વહેંચણી કરવામાં આવી. તે પછી ‘ઘાયલ’ના મુક્તકથી અદભૂત રીતે શરૂઆત કરી. સૌ પ્રથમ તેમણે ચિંતન નાયકને આમંત્રણ આપ્યું. સોહામણા નવયુવાને  ચાર-પાંચ ગઝલો અને એક મરીન ડ્રાઈવનું અછાંદસ રજૂ કર્યું. તેમની પ્રથમ રજૂ કરેલ ગઝલ મને ખૂબ ગમી ગઈ જેના શબ્દો હતાઃ  “ખુદ મને પણ જાણ એની થાય નહિ એ રીતે હું પ્રેમ કરુ, ને તું પણ તુજથી ઝુંટવાય નહિ એ રીતે તને પ્રેમ કરુ.” ગઝલની સાથે સાથે એમાં રહેલાં વ્યક્તિ સ્વાતંત્ર્યનો કેવો મોટો વિચાર સમાવ્યો છે? ‘ખુદથી વધુ ખુદાને શું શોધુ?’ એ ગઝલ પણ મને ખૂબ જ ગમી. ભાઈ શ્રી ચિંતન નાયક, સુમધુર, સૂરીલી ગાયિકા હિમાલી વ્યાસના સાથીદાર છે તે જાણી વધુ આનંદ થયો. 

ત્યારબાદ  મુંબઈના  કવિ અને આ બેઠકના સંચાલક શ્રી મુકેશ જોશી ‘લક્ષ્મીની જેમ લાગણીઓ ગણે છે, માણસ બરાબર નથી..’વગેરે દ્વારા કવિતાના માહોલને અવનવા ભાવરંગોથી મઢી શ્રી અનિલ ચાવડાને આમંત્રણ આપ્યું. જેમના નામનો પવન વિશ્વભરમાં ફૂંકાઈ રહ્યો છે તેવા અમારા અમદાવાદના  કવિ અનિલ ચાવડાના હાથમાં માઈક આવ્યું. તેઓ એક પછી એક અંદાઝમય રજૂઆત કરી પ્રેક્ષકો પર છવાઈ ગયા. તેમની વારંવાર સાંભળવી ગમે તેવી સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, ‘લગોલગ’ગઝલના શેરો  અને “એક નાના કાંકરે આખી નદી ડહોળાય નૈં, પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં? આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,“આ રીતે તો એક દા’ડો પણ હવે જીવાય નૈં.વગેરે શેરોથી  સભાગૃહમાં ‘વાહ’ અને ‘ક્યા બાત હૈ’ના અવાજો ગૂંજવા માંડ્યાં. ‘ચોપાસે સણસણતી ગોફણ છે, ગોફણ છે, ગોફણ છે..અને ‘પાંપણ ધરાય નહીં ત્યાં સુધી દોમદોમ એવો વરસાદ અમે પીધો.’તથા ૨૦૮ની ઝડપે દોડતું ૧૦૮નું શહેર છેની અમદાવાદની રચના, અનેનયનસંગ બાપૂના દરબારની અસલ લઢણે ગર્જનાત્મક અવાજથી શ્રોતાઓને કવિતાના કેફમાં ઢાળી દીધાં !!

ત્યારબાદ શ્રી મુકેશ જોશીએ કવિતા શું છે ની રસસભર વાત કરીને…’ચાલો પેલી પાર તમને લઈ જાવા છે’, દૂકાન સાથેની વાતચીતની કવિતા અને આસમાન અહીં મળે? એવા પ્રશ્ન સાથેક્યાં છે મારું ફીટીંગની એક મર્મભરી રચના સંભળાવીને કવિ શ્રી તુષાર શુક્લને આમંત્રણ આપ્યું. તેમણે તેમના અસલ મૃદુ, કોમળ અંદાઝમાંફુગ્ગાવાળોની કવિતા, ‘વાળવગી ઓળખપિતાજીની જન્મતિથિને સંભારીતમે ગયા તે દિવસે’, અને દીકરીના દીકરા માટે લાવેલ આલ્ફાબેટના અક્ષરોની કવિતા  હ્ર્દયસ્પર્શી રીતે વાંચી સંભળાવી. શ્રોતાઓએ ખૂબ વધાવેલી કેટલીક પંક્તિઓ -‘જેનું નામ છે ડાઈ તે કેટલું જીવાડે?”, ‘જેમાં ઓઢેલી છત્રીઓ નડે છે, હવે એવો વરસાદ ક્યાં પડે છે? વગેરે હતી.

મુકેશભાઈએ સમયનેમધની શીશીમાં બોળાયેલકહી દોર આગળ વધાર્યો. અમદાવાદના એક કવિ શ્રી કિરણ ચૌહાણની કવિતાદર સોમવારે,વહેલી સવારે, મારા પપ્પા મને લાં….બી પપ્પી કરી ચાલ્યા જાય છે..પછી છેક શનિવારે આવે..કહી અધિવેશનના તમામનો આભાર માની, બે વર્ષ પછી થનાર અધિવેશનની વાત છેડી, મજેદાર રીતે, આમંત્રિત કવિઓના એક કલાકનું  સમાપન કર્યું.

  

કવિસંમેલન પછીચલો ઈન્ડિયાના આયોજકો શ્રી સુનિલ નાયક,પ્રફુલ નાયકની હાજરી જોઈ શ્રી રામભાઈ ગઢવીએ તેમનો પરિચય આપી પ્રાસંગિક શબ્દો માટે આમંત્રણ આપ્યું. સુનીલભાઈએ સાચા અર્થમાં બે શબ્દો જેટલી ટૂંકી અને સુંદરસ્પીચઆપી.

લગભગ ૧૨.૩૦ વાગે  લોકપ્રિય વક્તા શ્રી જય વસાવડા,શ્રી સુભાષ ભટ્ટ, નેહલ ગઢવીએ આનંદ, સૌંદર્ય અને પ્રાર્થનાની જીવન યાત્રાની એક પ્રેમગોષ્ઠીનો કાર્યક્રમ શરૂ કર્યો. શ્રી જય વસાવડા લેખન અને વક્તવ્યની સાથે મોજની ખોજ કરતી પ્રેમસફર ખેડતા રંગરસિયા છે. તેમની પ્રશ્નોત્તરીમા જોડાયેલ શ્રી સુભાષ ભટ્ટ રૂમી,જીબ્રાન અને ટાગોરના ચાહક છે. ઝેન અને સૂફી પંથના પથિક છે. તેઓ દર વર્ષે હિમાલયનો પ્રવાસ ખેડે છે.

 

જયભાઈએ તેમને  કેટલાંક મઝાના સવાલો કર્યા કે, “તમે હિમાલયને જોઈ ધરાતા નથી? ‘તમારા ઘરનું નામસરાઈ’ (ફારસી શબ્દ) કેમ છે? તમને બનારસ કેમ ગમે છે? અને સૌંદર્ય એટલે શું?. આના જવાબમાં સુભાષભાઈએ કહ્યું કે, ઘર, હિમાલય અને જીવન ત્રણેનું મૂલ્ય મને હિમાલય પાસે જઈને સમજાય છે. તેના સંદર્ભમાં પોતાને ગમતી એક  રણના ખૂણે રાહ જોતા ફકીરના પ્રેમની કથા, બુધ્ધિને તોડવાની એક  અદભૂત ઝેન કથા રસમય રીતે કહી. સૌંદર્ય વિશે કહ્યું કે, “point of view is beauty. It is not in the object. Beauty is a state of consciousness. સૌંદર્યને આપણી ધારણાઓમાં મૂંઝવો નહિ. આનંદ તો ચૈતન્યની અવસ્થા છે. બનારસ ચૈતન્યની ચોરાસી કોટિ છે.
સવાલો સુભાષભાઈના સનાતન જીવનસખી નેહલ ગઢવીને પૂછવામાં આવ્યા જેમના જવાબો, સંબંધોની એક ઉચ્ચતમ ભૂમિકામાંથી વરસેલા અનુભવાયા. નેહલબહેન એક સુંદર,હસે ત્યારે ફૂલ ઝરે અને બોલે તો મોતી સરે એવું આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી નમણી નારી છે. આમ તો અવિકસિત બાળકોની શાળાના સમર્પિત શિક્ષિકા છે. સ્નેહ અને સર્જનથી સભર વાતો કરી હજારોની મેદનીમાં ચૈતન્યની ઉર્જા ફેલાવે છે. તેમણે ખૂબ ઊંચી વાત કરી કે, ‘સુભાષભાઈ જ્યારે હિમાલય જાય છે ત્યારે હું તેની આસપાસના ભૂખથી પીડાતા લોકોની વચ્ચે રહું છું!! નારીના અધિકારોના નારા બોલાવતી સ્ત્રીઓને સાથ આપવા છતાં ખૂબ સહજ રીતે, પુરુષ પાસેથી મળેલી સમજનો સ્વીકાર કરી વ્યક્તિ માત્રને બિરદાવવાની વાત કરી. તેમણે ખુરશીની સત્તાને બદલેપોતે રસોડામાં હોય છતાં પોતાની વાત થાયએવા કામોની સત્તાનું મહત્વ આંક્યું. છેલ્લેજે આઘેથી નથી આવી શક્તા તેમને નજીક લાવવાનીઅર્થઘેરી વાત કરી. તેમની બધી વાતો ખુબ પ્રેરણાદાયી હતી. જયભાઈને પણ  જગત સાથેની મૈત્રીનું બળ શું છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો જેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘જીંદગીની મુસાફરીમાંપ્લે અને સ્ટોપ બટનની વચ્ચે જે અનુભવાય છે તે જીંદગી છે અને મને એના sharingની ભૂખ છે. મારી ભૂખ વધારે છે તેથી વધુ લોકો સાથે હું માણ્યા કરું છું.’ અંતે જીંદગીના રસ્તાઓ કાપવાના અનેક ટેકાઓમાંના એક ટેકા રૂપે આવા સંમેલનો છે એવા વક્તવ્યથી અધિવેશનનો આ ભાગ પણ પૂરો થયો.

એકેડેમીના સક્રિય કાર્યકર શ્રી રથિન મહેતાએ અતિ સુંદર રીતે સાથ, સહકાર અને સેવા આપનાર દરેકનો ઉમળકાભેર આભાર માન્યો. સૌ ભોજન માટે વિખરાયા.

  ત્રણ દિવસનું અધિવેશન મારા માટે એક જુદો અનુભવ હતો. જાણીતા મોટા સાહિત્યકારોને રૂબરૂ મળવાનો, સાંભળવાનો લ્હાવો મળ્યોએચ.કે. આર્ટ્સ કોલેજના યશવંત શુક્લ, નગીનદાસ પારેખ,મધુસૂદન પારેખ વગેરેના વર્ગોમાંના અભ્યાસના સ્મરણો તાજાં થયાં. ન્યૂ જર્સીના ‘ઈસ્ટ હેનઓવર’માં આવેલ ‘ફેરબ્રીજ હોટલ’ની એક જગા પર અનેક જૂના,નવા મિત્રોને મળવાનો અવસર સાંપડ્યો. અવનવી રજૂઆતોને નીરખવાની તક મળી. Plus-minus તમામ પાસાંઓની પરખ વધુ સ્પષ્ટ થઈ. ભાઈ શ્રી ગૌરાંગ મહેતા અને પદ્મજા મહેતાની સતત કંપનીને કારણે પણ ખૂબ મઝા આવી

‘ટેક્સાસ’ માં  આનાથી પણ વધુ સારી લીટરરી એકેડેમી સ્થાપિત કરવાના મનોરથ સાથે ત્યાંથી વિદાય લીધી.

આ કાર્યક્રમના વીડિયોની કેટલીક લીંક નીચે મુજબ છે..

www.facebook.com/ashish.v.desai.7/videos/10210763586640391/

https://www.facebook.com/Janak.M.Desai.Poet/videos/10217417440292597/

https://www.facebook.com/ashish.v.desai.7/videos/10210763195150604/

https://www.facebook.com/ashish.v.desai.7/videos/10210763124348834/

https://www.youtube.com/watch?v=aX294WReiaM&feature=share

https://www.facebook.com/randhir.m.naik/videos/2168542689878763/

https://www.divyabhaskar.co.in/news/NRG-USA-LCL-gujarati-literary-academy-of-north-america-gujarati-news-5956869-PHO.html

આવા સુંદર કાર્યક્રમના આયોજનમાં સંકળાયેલ તમામ વ્યક્તિઓને,પરિબળોને અભિનંદન.

અસ્તુ..

દેવિકા ધ્રુવ

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાએ ઉજવ્યો ‘કાવ્યોત્સવ’-અહેવાલ–દેવિકા ધ્રુવ…

તા.૧૫મી સપ્ટે. ૨૦૧૮ને શનિવારના રોજ હ્યુસ્ટનના પ્રેક્ષા મેડિટેશન સેન્ટરના હોલમાં ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનનો ભવ્ય કાવ્યોત્સવ ઉજવાઈ ગયો. આ બેઠકના અતિથિ વિશેષ હતાં મુંબઈના  જાણીતા કવિ અને મંચના મહારથી શ્રી મુકેશ જોશી અને અમદાવાદના યુવાન કવિ અને રજૂઆતના રાજવી શ્રી અનિલ ચાવડા.

બરાબર બે વાગે સંસ્થાના  હાલના પ્રમુખ શ્રી સતીશ પરીખના ઉદ્બોધન, સૂત્રધાર ઈનાબેન પટેલ દ્વારા સ્વાગત અને પ્રેક્ષા મેડિટેશનની પ્રારંભિક માહિતી, પ્રાર્થના વગેરે વિધિ પછી સંસ્થાના સલાહકાર અને મુખ્ય દાતા શ્રી હસમુખભાઈ દોશીને તેમની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે ચિન્મયા મિશનના આચાર્ય શ્રી ગૌરાંગભાઈ ંનાણાંવટી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તે પછી શ્રી ભગવતીકુમાર શર્માની કાયમી વિદાય અંગે મૌન પાળવામાં આવ્યું. ત્યારબાદ ડો.ૠચાબેન  શેઠે સરસ્વતીની પ્રાર્થના કરી અને પ્રમુખ શ્રીએ સંસ્થાનો પરિચય આપ્યો. કવિઓના પરિચય માટે દેવિકાબહેન ધ્રુવે બંને કવિઓની કવિતાઓને ખૂબીપૂર્વક ટાંકી, સવિશેષ પરિચય આપ્યો. તે પછી પ્રમુખઉપપ્રમુખ દ્વારા કવિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.

જેમની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે  શ્રી મુકેશ જોશીએ ‘ઘાયલ’ના મુક્તકથી શરૂઆત કરી કે,”જીવન જેવું જોઉં છું તેવું કાગળ પર ઉતારું છું. ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.”

ત્યારપછી માણસ અને મગરની સુંદર વાર્તા સંભળાવીનેચાલો માણસ બની જઈએ..અને અશાર મેરે યૂં તો ઝમાનેકે લિયેકુછ શેર ફકત ઉનકો સુનાનેકે લિયેકહીને પ્રેમ, વિસ્મૃતિ, જીવ અને  શિવના છૂટા પડ્યાની અને એને શોધવાની મથામણ કરતા કવિની એક અનોખા અંદાઝથી રજૂઆત કરી શ્રોતાઓના મન જીતી લીધાં અને   તે પછી રીલાયન્સના મોટા ભાઈ મુકેશની જેમ નાના ભાઈ  અનિલ ચાવડાને આગળની રજૂઆત માટે આમંત્ર્યા.

કવિ શ્રી અનિલ ચાવડાએ રમૂજી રીતે પ્રારંભ કરી, સૌને હસાવી ગઝલની શરૂઆત કરી કે,
શ્વાસ મારે લઈ જવાતા છેક મહેંકાવા સુધી, બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી,ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો, પણ જરા ધીરજ ધરો જળના બરફ થવા સુધી.”“એક નાના કાંકરે આખી નદી ડહોળાય નૈં, પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈંઆવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,આ રીતે તો એક દા’ડો પણ હવે જીવાય નૈં.”  વગેરે શેરોથી  સભાગૃહમાં ‘વાહ’ અને ‘ક્યા બાત હૈ’ના અવાજો ગૂંજવા માંડ્યાં. આગળ વધતાં વળી તેમના જાણીતા,વારંવાર સાંભળવા ગમે તેવા શેરોની કેફિયત માણવા મળી કે,‘“આથમી ચૂક્યો છુ હું ને ઉગ્યો છુ હું એવું પણ નથી. કે ટુકડે ટુકડે જીવુ છુ પણ તૂટી ચૂક્યો છુ એવું પણ નથી.’ અને હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે, એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય? અને તે પછી તો  કહ્યું તુ, કે જશો નહિ સ્મરણોની ગલીમાંથીઆંસુને ઠાઠથી રાખ્યાં છે પાંપણની પાલખીમાંથી’…હવામાં નામ લખવાનું કહે.. ઘૂંટવું તો ઘૂંટવું કઈ રીતે?.. વગેરે રજૂઆત કરી. તે ઉપરાંત ક્યાંક વ્યંગરંગ પણ ધર્મ માટે આ જમીન કેટલી ફળદ્રૂપ છે!!’ કહી ભરી દીધો!! વતન પ્રત્યેની લાગણીની ગઝલ  સહેજ હસી લઉં, સહેજ રડી લઉં …”સાંભળી શ્રોતાઓને ગદગદ કરી મૂક્યાં. બીજા પણ ઘણા ગમતા શેરો જેવા કે તુજ હો જો મારું ગીત તો ગાઉં. ‘..“સપનામાં બાકોરું પાડ્યુંએમ હડસેલાયેલો છુ આજ એના દ્વારથી આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે, તો પણ છે, તો પણ છે…’ અને ‘પીડા જાણે પામર થઈ ગઈ….’,ગેંગેંફેંફેં.. ‘આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;‘ઘણું બધું છેકહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે’..વગેરે  જુદા જુદા દૄષ્ટિકોણથી ગઝલો સંભળાવી પોતાનાથી મોટા કવિ મુકેશ જોશીને આમંત્રણ આપ્યું.

કવિ શ્રી મુકેશ જોશીએ અમર પાલનપુરી,મરીઝ,ઘાયલ,આસીમ રાંદેરી વગેરેના અતિ ઉત્તમ શેરો સંભળાવી પોતાની કવિતાઓ રજૂ કરી કે, ‘એકલતાએ પીછો કીધો.. શબ્દો દીવાદીવા થઈ જાય..કવિ કરે આરતી એની આશકા લેવા જાય.. અને  સુંદર લયવાળું ગીત ‘એક તો પોતે તું મધ જેવી,તેમાં તારું  સ્મિત જાણે મધમાં સાકર નાંખી….તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યાં છો?.. અને ‘મારીચ બનવા મળે તો નાચું’ અદભૂત રીતે, ખુલ્લાં મને, બુલંદ અવાજે “વાહ વાહ’ના નારા વચ્ચે પ્રસ્તૂત કરતા ગયાં. સભા એમના રંગમાં રગાતી ગઈ..વચ્ચે વચ્ચે કોલેજકાળના પ્રેમની વાતો પણ રસપ્રદ રીતે રજૂ કરી. ‘અમે કાગળ લખ્યો’તો પહેલવહેલો અને ‘ગામડાની છોકરીઓ પાણી ભરવા જાય’ વગેરેની રજૂઆત દ્વારા લયબધ્ધ ગીતોની રમઝટ બોલાવી.

તે પછી બીજાં દોરમાં ફરી અનિલ ચાવડાએ અને મુકેશ જોશીએ વારફરતી  પોતપોતાના ગીત અને ગઝલની જુગલબંધી પ્રેમથી, મનભર રીતે સંભળાવી જેમાં મુખ્યત્વે ‘ અનિલભાઈની કાઠીયાવાડી  લઢણમાં ‘નયનસંગ બાપુ’ ‘વતનના ચૂલાની તાવડી યાદ આવી..’ અને ‘છોડ દીવાને પહેલાં મને પ્રગટાવને..’ અને ‘મેં મારી અંદર છાપું સંતાડી રાખ્યું છે’ અને અમદાવાદની ગઝલ સાંભળી સૌ આફ્રીન પોકારી ઉઠયાં. મુકેશ જોશીની ‘મા’ની કવિતા ‘મમ્મી સ્કૂલે ગઈ છે એ સાંજે પાછી કેમ ન આવે? ના કરુણ ભાવમાં સૌ ભીંજાયા. ‘અમેરિકન એમ્બેસી’ ના વાતાવરણમાં લખાયેલ કવિતા ‘પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તો પણ એણે પૂછ્યું નામ,વિધવા થયેલા ફોઇ ફરીથી યાદ આવ્યાં મેં કર્યાં પ્રણામ.’, ‘સુખદુઃખની સવારી’  અને ‘પંખીઓ ઊડવાના ક્લાસ નથી ભરતા’વગેરેથી વાતાવરણ રસતરબોળ થઈ ગયું. તાલીઓના ગડગડાટ સાથે સૌનો આભાર માની કવિ શ્રી મકરંદ દવેના શેર ‘અમે તો અહીંથી જઈશું,પરંતુ અમે ઉડાડેલ ગુલાલ રહેશે..ખબર નથી શું કરી ગયા,પણ કરી ગયા તે કમાલ રહેશે’ કહી સમાપન કર્યું.

ત્યારબાદ શમણીજીના આશીર્વચન,પ્રવચન,ગીત, પ્રમુખ તરફથી આભારવિધિ,સન્માનપત્ર વિતરણ અને બંને  નમ્ર અને વિવેકી કવિઓને સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલકનું પુસ્તક તથા ફૂલ પાંખડી અર્પણ કરવામાં આવી. ત્યારબાદ સામૂહિક તસ્વીર લેવાઈ અને સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સૌ સમયસર વિખરાયાં.

એકંદરે  ગણેશોત્સવ અને પર્યુષણની આસપાસના સમયમાં યોજાયેલો આખોયે ‘કાવ્યોત્સવ’ શ્રોતાઓના મન-હ્રદયને તરબતર કરી ગયો અને સફળતાની લાગણી ચારે તરફ ફેલાઈ રહી. આવા સુંદર અને પ્રેરણાદાયી કાર્યક્રમ માટે ગુજરાતી  સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના સૌ આયોજકો, દાતાઓ, સહાયકો, સેવાભાવીઓ, શુભેચ્છકો, સંચાલકો, ફોટોગ્રાફર્સ, વિડિયોગ્રાફર, સંસ્થાના સૌ સભ્યો, શ્રોતાઓ અને કવિઓને ખોબો ભરીને દરિયા જેટલાં અભિનંદન.

અસ્તુ.
દેવિકા ધ્રુવ હ્યુસ્ટન

પોએટ્રી ફેસ્ટીવલ–ગેઇન્સવિલ,ફ્લોરીડા,

કાવ્ય-મહોત્સવ-ઑગષ્ટ ૨૦૧૨

    

કાવ્ય-મહોત્સવ-ઑગષ્ટ ૨૦૧૨

Poetry Festival,Gainsville,Florida.-Devika Dhruva-

 

 

 

 

 

છેલ્લાં કેટલાંક મહિનાઓથી જે કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી અને જેને મનભરીને માણવાની પ્રબળ ઝંખના હતી તે કાર્યક્રમ ગઇકાલે જ પૂરો થયો.તા.૨૫,૨૬ ઑગષ્ટના રોજ બે દિવસ માટે, યુનિવર્સિટી ઓફ ફ્લોરીડા,ગેઇન્સ્વિલમાં,સ્વ.શ્રીમતિ સુવર્ણા દિનેશ શાહના સ્મરણાર્થે ‘પોએટ્રી ફેસ્ટીવલ’ ના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો આ આયોજન CHiTra એટલે કે, Center for the Study of Hindu Traditions દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું દર્શન કરાવવા અંગે હતુ.પણ મારા મનમાં તો બે દિવસ કવિતાના માહોલમાં રાચવાનુ અને માનીતા કવિઓને પ્રત્યક્ષ સાંભળવાનુ હતું.

૨૪મીની બપોરથી ચહલપહલ શરુ થઇ ચૂકી હતી.બહારગામથી આવનારાઓમાં હું પહેલી હતી.ધીરે ધીરે એક પછી એક સાંજ સુધીમાં સૌ આવીને પોતપોતાની રીતે એક જ સ્થળે ગોઠવાઇ ગયાં હતા.ડો. દિનેશભાઇ શાહના નિવાસસ્થાને સાંજે સૌ ડીનર માટે ભેગા થયા ત્યારે આનંદ અને આશ્ચર્યનો જાણે કે દરિયો ઉમટ્યો. મારા પ્રિય સર્જક પન્નાબેન નાયક, શ્રી મુકેશ જોશી, શ્રી નટવર ગાંધી,શ્રી હરનીશ જાની,શ્રી હિમાંશુ ભટ્, મોના નાયક અને ગેઇન્સ્વિલના સ્થાનિક કવયિત્રી શ્રીમતિ સ્નેહલતાબેન પંડ્યા મળ્યાં. આ ઉપરાંત બ્લોગ જગતના નહિ જોયેલાં છતાં નિકટના મિત્રોમાં ‘સપના’ના નામથી ઓળખાતા શિકાગોના બાનુમા વિજાપુરા,બીજાં રેખા શુક્લ અને ઑસ્ટીનથી ઘરના અને પોતાના શ્રીમતિ સરયુબેન પરીખ. આશ્ચર્ય એટલા માટે કે ઓળખ વિધિ દરમ્યાન ૪૫ વર્ષ પછી બે જૂની સખીઓ ( સર્યૂબેન અને ઉર્વશીબેન ) એકબીજાને ઓળખીને ભેટ્યા ત્યારે આખું યે દ્રશ્ય, સંબંધોના  આવા અણધાર્યા યોગાનુયોગથી ભાવવિભોર અને સભર થઇ ગયું. ત્યારપછી સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી સંગીતનો કાર્યક્રમ ચાલુ થયો. શ્રી કર્ણિક શાહ અને રીંકી શેઠના સુંદર અવાજમાં રાતના દસ-સાડાદસ સુધી મેઘધનુષી ગીતો સાંભળ્યા.

૨૫મીની સવારે નિયત કરેલા સમયે અને સ્થળે સૌ પહોંચી ગયા.બરાબર ૯ વાગ્યે ડો. દિનેશભાઇ શાહે કાર્યક્રમની શરુઆત કરી અને સંચાલન વસુધાબેન નારાયણને સોંપ્યુ.યુનિ.ઓફ ફ્લોરીડાના  હિન્દુ ટ્રેડીશન સેન્ટરના ડિરેક્ટર,શ્રીમતી  વસુધા નારાયણે સ્વાગત-વચનથી સૌને આવકાર્યા અને ભારતની સંસ્કૃતિ,વિવિધ ભાષા,હિંદુ પ્રણાલી,તેનુ મહત્વ અને ગુજરાત પર પ્રકાશ પાડતો આ સંસ્થાનો અને આ કાર્યક્રમનો ઉદ્દેશ સુંદર રીતે વિગતવાર  સમજાવ્યો. ત્યારપછી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે મુકેશ જોશીથી કાવ્યોત્સવનો આરંભ થયો. બુલંદ અવાજ,મુક્ત છટા અને ભાવભરી અદાથી તેમણે જુદા જુદા મુકતકોની  સફર શરુ કરાવી. સૌ પ્રથમ શ્રી પિનાકિન ઠાકોરનું મુક્તક “લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર લખી ચંદન કરું છું, બે ગીત, બે ગઝલના પુષ્પો ચડાવી,સૌ પ્રથમ માતૃભાષાને વંદન કરું છું.’થી શરુઆત કરી. પછી ’પ્રેમના પાઠો તું પરવાનાથી શીખ…શ્રી રઇશ મણિયારનું “જુવાની જાય છે ક્યાં વૃધ્ધ બનતા વાર લાગે છે…જ.પંડ્યા રચિત આવતાં આવે છે, કૈં વારસે વળતી નથી,આંગળી સૂજી જતાં કૈં થાંભલો બનતી  નથી;પૂર્વના કાંઈપુણ્ય હોયેતો મળે છે જિગર,માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી..અને શ્રી ખલીલ ધનતેજવીનું ” વૃક્ષઝંઝાવાતનહીંઝીલીશકે,તરણુંઊખડીજાયતોકેજેમને.જિંદગીતારાથીહુંથાક્યોનથી,તુંજોથાકીજાયતોકેજેમને.…આમ એક પછી એક જોરદાર મુક્તકો અને તેની રજૂઆત સાંભળીને તાળીઓનો સતત ગડગડાટ ચાલુ જ રહ્યો. કેટલાંક ઓછા જાણીતા કવિઓ જેવા કે, નાઝ માંગરોળી.ઇસ્માઇલ પંજુ,અને એક કચ્છી કવિની રચનાઓની ઝલક પણ અદ્‍ભૂત રીતે પેશ કરી.તેમાંની એક વિશનજી નાગડાની રચના ’શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં ?જીભે તો રાખ્યા’તા રામને, હોઠેથી રામ એણે સમર્યાતા ક્યાં?ઠેઠ તળિયેથી ઝંખ્યાતા રામને.’ તો સાંભળીને શ્રોતાજનો બસ વારી ગયા.મરીઝની એક અજાણી ગઝલ બે સખીઓનો સંવાદ,સૈફ પાલનપુરીનો એક શેર’વર્ષોથી સંઘરી રાખેલ દિલની વાત જણાવું છું’પણ અફ્લાતૂન ઢબે રજૂ કરી અને છેલ્લે સ્વ.સુ્રેશ દલાલ.ના આ પટ્ટ શિષ્યે તેમની થોડી વાતો કરી. સ્વ.સુ.દ.ની મબલખ રચનાઓ પૈકી બે ‘અડસઠ વર્ષનુ બગાસુ ને સાઠ વર્ષની છીંક’ તથા “ અમે સમાજ છીએ’ એ કટાક્ષ કાવ્ય સંભળાવી પોતાનું વક્તવ્ય પૂરું કર્યુ.જો કે, શ્રોતાઓની માંગ તેમને સાંભળવાની ચાલુ જ રહી. મને તો લાગ્યું કે એ આખો દિવસ કાવ્યપઠન કરતા જ રહે અને બસ સાંભળ્યા જ કરીએ. મુકેશ જોશીના પ્રેઝન્ટેશન માટે જેટલું કહીએ તેટલું ઓછું છે.એક જ શબ્દમાં કહેવું હોય તો કદાચ શબ્દકોષમાં એક નવો જ અસરકારક શબ્દ સર્જવો પડે!!

૧૦ વાગે કોફી-બ્રેક પડ્યો અને તે પછી ફરીથી દોર શરુ થયો. ડો દિનેશભાઇ શાહે તેમના પૌત્ર-પૌત્રીઓના શુભેચ્છાસંદેશની એક નાનકડી વીડિયો ક્લીપ બતાવી જેમાં હિંદુ સંસ્કૃતિ, કૌટુંબિક ભાવના અને સંસ્કારો પ્રતિબિંબિત થતા હતાં.

ત્યારપછી બ્લોગ જગતમાં ઊર્મિના નામથી જ ઓળખાતી અને સૌની માનીતી અને લાડકી મોના નાયકે “પ્રેમ” વિષયને અનુલક્ષીને “ચમકતો ને દમકતો એ મ્હેલ જોવા દે,મને ધનવાન મજનુએ કરેલો ખેલ જોવા દે’ અને કલાપીની ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની”થી શરુઆત કરીને વિવિધ શાયરોના પ્રેમ અંગેના શેરો દબાબભેર રજૂ કર્યા. “તને મેં ઝંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી” એમ એક લીટીમાં પ્રેમનું ઉપનિષદ કહેનાર સુંદરમને તો ભૂલાય જ કેમ? પ્રેમ,વિરહ,વેદના,મિલન,પ્રતીક્ષા એમ અનેક વિધ પાસાઓાને સ્પર્શતી સ્વરચિત કવિતા અને શેર સુંદર રીતે રજૂ કર્યા.તેમની “તેરે જાનેકે બાદ’ની પંક્તિઓ “તું નથી,તું નથી,તું નથી,તું નથી,તું બધે તરવરે तेरेजानेकेबाद.‘ઊર્મિકેવી તરંગી હતી પણ હવેના જીવે, ના મરે तेरे जानेके बाद.અને “રાધાપો” ગઝલના આ શેરે તો દિલ હરી લીધું કે,”સોંપ્યું તેં સર્વસ્વ મારા હાથમાં,પણપ્રભુતાથીપછીલૂંટી મને.વાંસળી ફૂંકી કે ફૂંક્યો શંખ તેં,આખરે તો બેય થીવીંધી મને. મઝા આવી ગઇ.

હવે વારો આવ્યો ઓસ્ટીનથી આવેલ સરયુબેન પરીખનો જેમના બે કાવ્ય-સંગ્રહ પ્રકાશિત થઇ ચૂક્યા છે અને http://saryuparikh.gujaratisahityasarita.org/ પર  ગંગોત્રી નામના બ્લોગ પર રચનાઓ લખી રહ્યા છે.તેમણે મલ્હાર નામની સ્વરચના “મેહુલા ને અવનીની અવનવી પ્રીત, માદક ને મંજુલ ગવન ગોષ્ઠીની રીત“વાંચી સંભળાવી. તે પછી શિકાગોથી પધારેલ રેખાબેન શુક્લએ સ્વરચના ‘ખુશીછું, જોશછું,ઉભરાતી લાગણી ઉમંગછું….કારણકે હું નારી છું..! અને ખડકી ખોલીને બેઠી હું દ્વારેતારાસત્કારમાં,ફુલોની ફોરમનો લાવી ખજાનો…તારા સત્કારમાં. રજૂ કરી. ત્યારબાદ ‘સપનાના ઉપનામથી ઓળખાતા અને http://www.kavyadhara.com/પર સપનાઓને ખુલી આંખે બતાવનાર શિકાગોથી આવેલ સ્મિતવદના બાનુમા વિજાપુરાએ સ્વરચના વાંચી સંભળાવી કે, ‘સખી હું “શબ્દોને શમણે મ્હાલુ,અને વ્હાલુ વ્હાલુ બોલુ’ અને ‘ભીના ભીના નયન વરસે,આગ હૈયે લગાવે’… બંને કવિતા શ્રોતાજનોએ વાહ વાહથી વધાવી લીધી. ત્યારપછી ‘શબ્દોને  પાલવડે’ ભાવો ફરકાવતા મારો વારો આવ્યો અને મારી ખુબ જ પ્રિય અને સાહિત્યજગતે કસેલી ‘શતદલ’ કવિતા “શતદલ પંખ ખીલત પંકજ પર,હસત નયન જ્યમ શ્યામ વદન પર’ અને છંદોબધ્ધ એક ગઝલ ‘સોનેરી સાંજની એક વાત લાવી છું,તારા ભરેલી રાતનું આકાશ લાવી છું. રજૂ કરી જે સૌએ માણી અને ગમી જેનો ખુબ જ આનંદ છે. મુકેશભાઇના શબ્દોમાં “તમારી શતદલ ખુબ સરસ રચના છે “સાંભળી આનંદ બેવડાયો.

લગભગ સાડા અગિયાર વાગ્યે વોશિંગ્ટન ડી.સી.ના CFO અને “A Tryst with Destiny” નામના નાટકમાં ‘ગાંધી”નો રોલ ભજવનાર ખ્યાતનામ આદરણિય વ્યક્તિ શ્રી નટવર ગાંધી એક નવો જ ટોપીક લઇને આવ્યા.સૌથી પ્રથમ તો તેમણે સ્વ. સુવર્ણાબેન સાથેની થોડી યાદોને તાજી કરી.’અમેરિકા,અમેરિકા નામના તેમના પૂસ્તક્નો ઉલ્લેખ કરી એક પ્રભાવિત શૈલીથી ‘અશાંત ઉછળે ભળે, સમભળે,સળવળે,ઉછળે,દયા, દમન દાનનો દૈત દેશ દળે”અક્ષરમેળ છંદનો ગુંજારવ કર્યો. “છોને ભમુ ભૂતલ હું દૂર દેશદેશે,પા્છો વળું અચૂક હું ચિત્તમહીં સ્વદેશે…અમેરિકા અને ભારત અંગેની વાસ્તવિકતા, ભારતની બંને બાજુઓનો સોનેટ દ્વારા ચિતાર, આત્મદીપો ભવઃ essence of Budhdhism, વિશ્વ જે છે તે રીતે તેની સ્વીકૃતિનો ભાવ ‘અહીં આજુબાજુ જગત વસતુ ત્યાં જ વસીએ” જેવી ઘણી ઊંચી વાતો તથા પૃથ્વી,શિખરિણિ,મંદાક્રાન્તા,વસંતતિલકા,અનુષ્ટુપ જેવા અક્ષરમેળ છંદોની જે વાતો કરી તે સંસ્કૃતની વિદ્યાર્થિની હોઇ મને ખુબ ભાવી ગઇ. “ગયેલ પિતાની યાદમાં” “સવાર પડતા તમે નીકળતા દૂકાને જવા’રચના પણ તેમના મુખે સ્પર્શનીય બની રહી.

૧૨.૩૦ થી ૧.૦૦ લંચના વિરામ પછી ફરીથી ૧.૩૦ વાગ્યે કાર્યક્રમ આગળ વધ્યો.

ગેઇન્સ્વિલના કવયિત્રી સ્નેહલતાબેન પંડ્યાએ અવિસ્મરણિય સ્મૃતિ નામનુ  સોનેટ રજૂ કર્યું..રેખાબેન શુક્લએ બિકતા હૈ જહાં બિકતી હૈ જમીં બિક્ત હૈ યહાં ઇન્સાનકા ઝમીર,પરાયે તો પરાયે રહે,અપના ભી યહાં કોઇ નહીં’ અને“તું મઝાની વાર્તા’ કાવ્ય રજૂ કર્યું. સપનાબેને ‘એક આખું ગામ ઉદાસ રહે છે,લોક એવા એની પાસ રહે..અને સર્યુબેને ‘સુતર આંટીની સમી આ  ઝિંદગાની,ખેંચુ એક તાર વળે ગુંચળે વીંટાતી’. વાંચી સંભળાવ્યુ. સ્થાનિક કવિ ડો.પાઠક અને તેજલભાઇએ પોતપોતાની કૃતિ પેશ કરી.મેં પણ વિષયને અનુરૂપ ચંદ્ર પરથી લેવાયેલ પૃથ્વીના ચિત્ર પરથી રચાયેલ ગઝલ “હું કોણ છું ને ક્યાંનો છું,પ્રશ્નો નકામા લાગતા;ઇન્સાન છું બ્રહ્માંડનો એ કથન સમજાય છે,પૃથ્વી વતન કે’વાય છે” એ ગઝલ રજૂ કરી. તો ડો.દિનેશભાઇએ ‘આગિયા’ પરની રચના અંભળાવી..

બપોરે ૨ વાગ્યે હરનીશ જાનીનો હાસ્ય દરબાર શરુ થયો.”તાજો તાજો રીટાયર્ડ થયો છું,કામ નથી તેથી ટાયર્ડ થયો છુ. એ એક મિનિટની હઝલ કહેતા કહેતા તો તેમણે એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી એમ કંઇ કેટલીયે હાસ્યજનક વાતો,પ્રસંગો અને ઘટનાઓ  ૨૫ મિનિટ સુધી કહી સંભળાવી કે આખા યે હોલમાં ખડખડાટ હાસ્યના ફુવારા ઊડવા માંડ્યા.ઘડીભર તો બધાને એમ જ થયું કે કવિતાને બાજુએ મૂકી આમ જ હસ્યા કરીએ.નાની નાની વાતોમાંથી હાસ્ય ઉત્પન્ન કરવું એ પણ એક મોટી કલા છે.વચ્ચે વચ્ચે ડો. દિનેશભાઇ વિષયને સાંકળતી બે ચાર લાઇનો જેવીકે,”અમે મગનમાંથી મેટ થઇએ, છગનમાંથી જેક થઇએ.આપણે મોર્ડન છોરાં થઇએ’’ પીરસતા જતા હતાં.ત્યારપછી ગેઇન્સવિલના સ્થાનિક સર્જકો( ડો..પાઠક.શ્રી પંડ્યા)એ પણ પોતાની રચના રસભેર સંભળાવી. સપનાએ ‘નથી છૂટતું,નથી છૂટતુ,આ અમેરિકા નથી છૂટતું’,રેખાબેન શુક્લે “  હુક્કા-પાણીજલ્દીલાવો,પંગત પાડોઆંગણજી,ક્યાં થીઆવ્યાસાઢુજીસાથેલાવ્યા સાળાજી.અને સરયુબેન પરીખે “ વિચારવર્તનવાણીનો કાચોપાકો બાંધો  છે,સાંધામાપણ સાંધો છે ને એમાં સૌનેવાંધો છે’ હળવી રીતે રજૂ કર્યુ.આ જ દોરમાં સૌના આગ્રહને માન આપીને ફરીથી હરનિશભાઇ જાની હાસ્યનો થાળ લઇને આવ્યા અને તેમાંથી એમની છેલ્લે લખાયેલી હાસ્ય કવિતા- ‘‘વતનના વન ઉગ્યા હવેતો અમેરિકામાં.તમારા બાળકોનું વતન છે તો. વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.કયાં સુધી છત્રીઓ ખોલશો,અમેરિકામાં. આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો,કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં રજૂ કરી સૌને ખડખડાટ હસાવ્યા.

૩.૩૬ મિનિટે મારા ખુબ માનીતા પન્નાબેન  નાયક આવીને ઉભા.સૌથી પ્રથમ તેમણે પોતાનો કવિતાના ક્ષેત્રે પ્રવેશ અંગેનો પ્રારંભિક પરિચ આપ્યો.કાવ્યસર્જનનો યશ સુરેશ દલાલને આપી તેમની સાથેના આગલા થોડા દિવસોની વાતો સ્મરી…તે પછી.નાનપણની,ગુલમ્હોરથી ડેફોડિલ્સ સુધીની,અંગ્રેજ કવયિત્રીની પોતાના પર થયેલ અસર વગેરે ઘણી વાતો ટૂંકમાં જણાવી.અને પોતાના કપાળ પર ચાંલ્લો જોઇને એક અમેરિકન નાનકડા બાળકની કોમેંટ ‘અરે, આના કપાળમાં તો લોહી નીકળ્યુ છે’ સાંભળી પોતે અમેરિકામાં પરદેશી હોવાની અનુભૂતિ કરી તેની પણ વાત હ્રદયસ્પર્શી રીતે કરી. તે પછી તેમના જુદા જુદા કાવ્યસંગ્રહોમાંની એક એક ઝલક જે એમણે રજૂ કરી તે અહીં ટાકુ છું.

“પીઠી ચોળાવી બેઠા છે ડેફોડિલ્સ ઘાસ મંડપે’”તડકો સૂતો ડાળી પર ફૂલનું ઓશીકું કરી. અને સપનાના હૈયાને નંદવામાં વાર શી?તથા  “અછાંદસ રચના” બિલ્લી”ની “હવે તો હું સાવ  પાળેલુ પશુ બની ગઇ છું”.આ ઉપરાંત,ખુશીનો સ્નેપશોટલઈ મઢાવી સૂવાનાઓરડામાંટાંગીશકાયતો?, “આપણને જેભાષામાંસપનાંઆવે એ આપણીમાતૃભાષા. મને હજી યે ફિલાડેલ્ફિઆમાં સપનાં ગુજરાતીમાં આવેછે.” “સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું,સઘળું બરાબર થાય છે ત્યારે જ છટકે છે મારું મનબધામાં મને ક્યાં ગોઠવું ?કેન્દ્ર  શોધું છું’. શોધુંછું, બાનોહાથવગેરે લાગણીની તીવ્રતા વ્યક્ત કરતી વિવિધ  રચનાઓને ખુબ જ ભાવપૂર્વક આરપાર પઠન કર્યુ.

સમય સરતો જતો હતો.  રંગ જામતો હતો. ઘણા બધાને બોલવુ હતુ અને ઘણા બધાને સાંભળવુ પણ હતું. પરિસ્થિતિની આ નાજુકાઇ જોઇને મેં નક્કી કર્યું કે આ સેશનમાં મારો સમય કોઇ બીજાને મળે તેમ થવા દઇશ.યુનિ.ના લોકલ તાજા વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. તેમાના એક નિકિબેને કબીરનુ ભજન ગાયુ.ડો.પાઠક કે જે ‘પંથી’ના ઉપનામ થી લખે છે તેમણે “સૂસવાટા સમીરના છે અંધારા આકાશે’ અને શીતલભાઇએ એક લઘુકાવ્ય રજૂ કર્યું કે,તારી યાદોના ધોમધખતા તાપમાં ઉકળીને ઠંડા થયા યાદના વરસાદમાં અને “શબ્દો સાથે નાતો તોડી મૌન કરે છે જીભાજોડી,ઇચ્છાઓના સ્ટેશન પર કાયમ પડે છે ટ્રેઇન મોડી”..રેખાબેન શુક્લએવીણો હ્રદયના ટુકડા કવિતા નુ બનવાનું , અને શબ્દોનું લોહી ટપકટપક સરી જવાનું, મળે ટુક્ડે ટુકડે મા…..નવી બની જવાનું, લાગે કે સંગે ભગવાન ભળીજવાનું’.. વાંચ્યુ.  

મેં ‘શબ્દારંભે અક્ષર એક’ ના મારા નવતર પ્રયોગનો પરિચય આપી તેમાંનુ એક મુક્તક.’મેવાડની મીરાને માધવની મમતા.માધવને મથુરાના માખણની મમતા,મથુરાને મોહક મોરલીની માયા અને મૈયાને મોંઘેરા માસુમની મમતા’ રજૂ કર્યુ. તો ‘ક’ પરનું કોમળ કોમળ કરમાં કંગન,કંચન કેરા કસબી કંકણ’ પણ સંભળાવ્યુ.સપનાએ ‘આપણી વચ્ચે આ અવિશ્વાસની કાચની દિવાલ છે, અને ‘જડીબુટ્ટી’ કાવ્ય સરસ રીતે વાંચ્યું. ડો. દિનેશ શાહ, સ્નેહલતાબેન પંડ્યા,અને મોના નાયકે પણ એક વધુ રચના સંભળાવી. હિમાંશુભાઇ ભટ્ટે ‘ ન તો મંઝીલ હૈ, ન તો હમ સફર,હમેં રાસ્તોકી તલાશ હૈ’.એ રચના સુપેરે રજુ કરી.સરયુબેન પરીખે Must Have Done Something Good……A house on a hill and a window to the sky, In the blue of eyes feel warm sunny sky. સંભળાવ્યુંઅને ફરી પાછા મુકેશ જોશીને સાંભળવાનો અવસર સાંપડ્યો. એક પ્રેમપત્ર’ અમે કાગળ લખ્યો તો પહેલ વહેલો છાનોછપનો કાગળ લખ્યોતો પહેલ વહેલો;કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળયા’તા ફાગણ જ્યાં મલક્યોતો પહેલો…. છાનોછપનો..કવિતા રજૂ કરી શ્રોતાઓની વાહવાહ ઝીલી. મુકેશ જોશીને સાંભળવા એ એક લ્હાવો છે.સૌએ ફરીથી બીજા દિવસ માટે તેમને સાંભળવાની માંગણી કરી જે મુકેશભાઇએ માન્ય રાખી.સમયે એનુ કામ કર્યે રાખ્યું. દિવસ આખો ક્યાં વીતી ગયો, ખબર ના રહી.શબ્દોના આ માહોલમાં વિહરવાનુ એક સ્વર્ગ જેવું લાગે..છેલ્લે, આજના દિવસ માટે આભારવિધિ કરીને દિનેશભાઇએ સાંજે સંગીત અને ભોજનના કાર્યક્રમમાં સમયસર પહોંચવાની યાદ અપાવી. આમંત્રણ તો હતું જ!! એકાદ દોઢ કલાકના વિરામ બાદ સૌ સંગીત માટે એક્ઠા થયા.વસુધાબેને સ્વાગત પ્રવચન અને આ કાર્યનો હેતુ તથા વ્યવસ્થિત પ્લાન સમજાવતુ પાવરપોઇંટ પ્રેઝન્ટેશન કર્યું. તેમણે કહ્યું કે, This is the first major university to focus on Gujarat and its culture with an academic view point. ફ્લોરિડાના જુદા જુદા શહેરોમાંથી આવેલ જન સમુદાયે આ વાતને ખુબ વધાવી લીધી.એટલું જ નહિ, પરંતુ highlights of the Festival  is that Dr. Kiranbhai and Pallaviben Patel  offered  $ 125,000, an anonymous but proud Gujarati offering them $ 50,000 and  making a milestone of $ 300,000 as the Foundation of Gujarat Culture Program at UF.આ કોઇ નાની સૂની ઘટના નથી.જાણે કે એક ચમત્કાર હતો. દિનેશભાઇની પ્રસન્નતાનો કોઇ પાર ન હતો.તેમણે પોતે પણ આ ભગીરથ કાર્યમાં એક લાખ ડોલરનો ફાળો નોંધાવ્યો હતો.ઉમદા કાર્યના કોઇ સપના સાકાર થતા જોવા મળે ત્યારે ખુબ ખુબ આનંદ જ થાય. હું ત્યારે, મનોમન, એક ક્ષણ માટે મારા હ્યુસ્ટનના સાહિત્ય સરિતા્ની સુદામાપુરીને યાદ કરી અજંપો અનુભવી રહી હતી. Miracles do happen.મન મક્કમ જોઇએ અને સહિયારો સરખો ભાવ જોઇએ.આ એક પ્રેરક અને મનનીય ઘટના બની ગઇ.

હા, તો સુંદર અને સુસજ્જ હોલમાં સ્વાદિષ્ટ ભોજન સાથે,સાહિત્ય અને સંગીત પ્રેમી ઘણાની ઓળખાણ થઇ. નામો લખવા બેસું તો પાના ભરાઇ જાય.શરુઆતમાં આમંત્રિત કવિઓનો પરિચય આપવામાં આવ્યો અને તેમની એક બે પંક્તિ/શેર રજૂ કરવામાં આવી.ત્યારપછી ચાર સર્જકો જેવા કે, હિમાંશુભાઇ ભટ્ટ, ડો.દિનેશભાઇ શાહ, સ્નેહલતાબેન પંડ્યા અને લંડનનિવાસી રમેશ પટેલ.આ ચારેની સહિયારી ‘મેઘધનુષ’ નામની સીડીનું ઉદઘાટન કરવામાં આવ્યું.રાતના ૯ વાગ્યે કર્ણિકભાઇ શાહ અને રીંકી શેઠનો સંગીતનો કાર્યક્રમ શરુ થયો.એક પછી એક ગીતોની રંગત ચાલી.સભાખંડ મન મૂકીને માણી રહ્યો હતો. વાતાવરણમાં સરસ તબલા,હાર્મોનિયમના સૂરો,ગાયકોના સૂરીલા કંઠ રેલાતા હતા અને જ્યારે ગરબાની રીધમ શરુ થઇ કે તરત આ બંદાના તો પગ થનગનવા લાગ્યા અને અન્ય ભાઇ-બેનોના સાથમાં ગોળ ગોળ ગરબો ઘૂમવા લાગ્યો. આ દ્રશ્ય પણ બિલકુલ ત્વરિત આયોજાઇ ગયું!!બસ, મઝા આવી ગઇ.

બીજા દિવસે એટલે કે,૨૬મીની સવારે ૯ વાગ્યે બધા ફરી પાછાં નવા દિવસની મઝા માટે તૈયાર થઇ આવીને ગોઠવાઇ ગયા.દિનેશભાઇના ચહેરા પર એક ઇડરિયો ગઢ જીત્યાનો આનંદ,આનંદછલકાતો હતો. સૌથી પહેલી શરુઆત થઇ શ્રી હિમાંશુભાઇની ગઝલોના ગુલદસ્તાથી.ડલાસમાં રહેતા શ્રી હિમાંશુભાઇ ગઝલ ક્ષેત્રે મારા માર્ગદર્શકોમાંના એક છે. તેમણે ગઝલની સાથે સાથે ગીતો અને અછાંદસ રચનાઓ પણ કરી છે.આ રહી તેમણે રજૂ કરેલી કેટલીક પંક્તિઓ/શેર. ખુબ જ હળવી રીતે શરુઆત કરી કે,”સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ, કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો. અને સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,જીગર પર કોકનો  હરદમ તમે ઉપકાર રહેવા દો… તને દેખાય જે મારી, નથી ઉંચાઈ પોતાની ઉભો છું હું આ કોના પર? અને મારે ખભે કોઇતો વળી પ્રેમની વાત કરતાં તેમણે કહ્યું કે,”સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે….હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે.” અને ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે; ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે..શ્રોતાઓ ખુબ જ રસપૂર્વક સાંભળતા હતા.પૂત્રી પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરતી રચના “ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો,ખોળામાં લો, બેસો મને સપના ગણાવો, મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી.કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો” પર્વત તને મળે કદી, કે રણ તને મળે બસ જે સફરમાં ના ડગે, તે ચરણ તને મળે…આમ, તેમની એક એક રજુઆત કાબિલે તારીફ રહી.તે પછી સ્નેહલતાબેન પંડ્યાએ વસુધાબેન અને દિનેશભાઇના આ કાર્યને બિરદાવતુ એક મુક્તક રજૂ કર્યું. સોળે શણગાર સજી બેઠી આ જીંદગી,આંખોમાં હવે અમીરાતો ભરીએ.છો બેઠું કમળ લક્ષ્મીને ચરણે,તારી સાથે સીધો નાતો કરીએ.એ રચના સંભળાવી. આજે કેટલાંક કારણો સર schedualeને વફાદાર રહી શકાયું નહિ.પણ સૌને વ્હેતી ધારા મંજૂર હતી! ત્યારબાદ ફરી એક વાર આપેલ વચનને પાળવા મુકેશ જોશીને આમંત્રણ આપવામાં આવ્યું. !  તેમણે મન-મોહક શૈલીમાં રજૂઆત ચાલુ કરી કે,”કોઇ કોઇને ના પૂછે,તું હિંદુ કે મુસ્લિમ કોમનો.હવે આ જમાનો છે ડોટ.કોમનો.અને આ સાથે રહેતા શીખ્યાં તેથી વટ છે રવિ-સોમનો !.”..”કોઇ વાર એવું પણ થાય કે આપણે સિતારાઓ શોધતા હોઇએ ને મસ્તીમાં ને મસ્તીમાં ચાંદ મળી જાય..આપણે અત્તરની શીશી ખોલીએ ને અંદરથી ફૂલોના ડૂસ્કા સંભળાય એવું પણ થાય!! ‘અને મને જે ખુબ ગમ્યુ તે આ કે, ‘એ જ સંબંધો સાચા જેની પાસે ખુલતી હોય હ્રદયની વાચા;અને સાચવવાની લ્હાય નહિ તો યે રહે એ સાચા’ ….જ્યાં કોઇ ન હોય અહમના ખાંચા’…બીજી કેટલીક તેમની જાણીતી રચના ‘પાંચીકા રમતીતી, દોરડાઓ કુદતીતી,ઝુલતીતી આંબાની ડાળે ગામને પાદરે  જાન એક આવી,નેમારુ બચપણ  ખોવાયુ દાડે. અને ”ગયા સ્કૂલમાં રમવાના, ભણવાના દિવસો ગયા..બહુ જ ખુબીથી પેશ કર્યું. શ્રોતાજનોએ ઉભા થઇ સજળ નેત્રે તેમને બિરદાવ્યા.હું તો અંતરથી આ શબ્દોના અને અભિવ્યક્તિના બાદશાહને ઝૂકી ગઇ.એમ થાય કે બસ એ બોલ્યા જ કરે અવિરત અને સાંભળ્યા જ કરીએ સતત. સ્નેહલતાબેનનો અધૂરો સમય ફરી ફાળવવામાં આવ્યો અને તેમણે આદિલ મનસુરીને યાદ કરી થોડી લાઇનો રજૂ કરી. ‘સૃષ્ટિના સર્જન અને વિસર્જનના અમૂલ્ય બાગનો તું જ એક રક્ષણહાર’એવી બાળપણમાં પોતે લખેલી પંક્તિઓને યાદ કરી અને કેટલીક સુંદર અને ગંભીર સ્વરચનાઓ સંભળાવી.વચ્ચે વચ્ચે દિનેશભાઇએ પણ “જીવન-મરણની ઘટમાળને તુજ ખેલ સમજું ક્યાં સુધી ? અને માટી તણી આ જેલને હું મ્હેલ સમજું ક્યાં સુધી?” રજૂ કરી જે મને ખુબ ગમી.

પછી વીસેક મિનિટ માટે discussion about future planningને ન્યાય આપ્યો. કેટલાંક સભ્યોએ પોતપોતાના વિચારો દર્શાવ્યા. અને યુએસએના જુદા જુદા મોટા શહેરોમાં આવા ફેસ્ટીવલ યોજાય તેવી આશા વ્યક્ત કરી. સમયને સરક્તો કોણ રોકી શકે? ફેસ્ટીવલ અંત તરફ વળતો જતો હતો તેથી ફરી એક વાર મુકેશ જોશી પાસેથી “ મારા બાજુનો ફ્લેટ થયો ખાલી ઓ હરિવર લઇ લો આ ખાલી’સાંભળવાનો લ્હાવો લીધો છેલ્લે શ્રીમતિ વસુધાબેન અને શ્રી દિનેશભાઇએ આભારવિધિ કરી અને સહભોજન કરી સૌ છૂટાં પડ્યાં.

થોડા શબ્દોમાં કહેવું હોય તો મારે મન આ ‘પોએટ્રી ફેસ્ટીવલ’ એક મનમાન્યા કવિઓને પ્રત્યક્ષ સાંભળવાનો ઉત્સવ હતો, યાદગાર સંભારણુ હતું અને એક અનુભવ હતો.

અસ્તુ.