સંગ્રહ

દિવ્ય દર્પણ.

એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

દિવડાની ઝીણી આશકાને નિરખી,
ભિતરના ઓજસની ઝાંખી કરી,
તન-મનની શુધ્ધિની આરતી ઉતારે.
એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

રસ્તે પડેલા કોઇ કંકરને હાથ ધરી,
સ્નેહે સંભાળીને, પ્રેમથી પંપાળી,
મૂર્તિ બનાવી, એમાં પ્રાણ પૂરી આપે.
એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

કાગળ પર ફરતી કલમની કમાન,
કાપે છો જોજન આ શબ્દો ચોપાસ,
અક્ષર એક પામે જ્યાં સત્ય આરપાર,
એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

એકાંતી મોતી

 “સબરસગુજરાતી” પર યોજાયેલ ‘એકાંત’ વિષયક સ્પર્ધામાં નોંધપાત્ર રચનાઓમાં પ્રથમ સ્થાન પામેલ આ “એકાંતી મોતી”…..

 

એકાંતી મોતી અમે વીણવાને બેઠા, ત્યાં વળગીને આવી અમોલી વાત.
સદીઓથી  સંતો ને સૂફીઓએ દીઠા, રત્નો પામે માણસની જાત!

                      કોઇ  કહે  એકાંત મુજને  છે વહાલું,
                      
ને  કોઇ  કહે એકાંત લાગે અકારું;
                     ખુદને   ડુબાડી  ભીતરમાં  જઇ  જોઇ,
                     
મોંઘી ત્યાં જોડી જીવશિવની નોખી.

નીરવ  વનમાં  કોયલના  ટહુકા શી  મૌનના કોગેબી પડઘાની વાત,
એકાંતે  સંતો ને સૂફીઓએ  દીઠા, રત્નો   પામે માણસની જાત!

                      ધરતીને ઓઢાડી,સૂવાડી ડૂબે,
                      
પેલો સૂરજ પણ એકાંતી દરિયે;
                      
નીરખે બંધ આંખે ને ઊંડે જઇ ભરે,
                     
અજવાળા લાવી ને દુનિયા પર વેરે.

વાલિયા  લૂંટારાની  કાયાપલટ  કરે, એકાંતી એવી વાલ્મીકિ ભાત!!
સદીઓથી સંતો ને સૂફીઓએ દીઠા, રત્નો પામે માણસની જાત!

                      શબ્દોને  પાર, દૂર મૌનને  આવાસ,                     
                      
ક્ષણ સંભળાય ઉર એકાંતી નાદ;
                      અદ્વૈત આનંદ ને ઉજ્જવલ ઉજાસ,                     
                      
બસ આરપાર રોમ ઓમ શાંત..

અહમ્બ્રહ્માસ્મિનેસોહમ્‍”ના તારની અદ્ભૂત સરગમ દે અનંતનું ગાન,
એકાંતે  સંતો ને સૂફીઓએ દીઠા, રત્નો પામે માણસની જાત!

ખુશ્બૂ-ભીની સવાર..

    હ્યુસ્ટનની આજની  (૨૨મી નવે.) ની સવાર… 


 

      મને આવી સવાર ગમે.
      ખુશ્બૂ-ભીની બહાર ગમે. 

અંધારને ઉઘાડતું, શબ્દોને જગાવતું,
આછેરા અજવાસનું, કુણું કુણું પ્રભાત ગમે. 

       મને આવી સવાર ગમે.
       ઝરમરતી જલધાર ગમે. 

યાદોને પંપાળતી, અંતરને અજવાળતી,
ચરણને પડકારતી,
ભીની ભીની રાહ ગમે. 

       મને આવી સવાર ગમે.
       ફરફરતી જલધાર ગમે.

 આભને છલકાવતો, ધરતીને પખાળતો,
માટીને મ્હેંકાવતો,  કુદરતનો પ્રસાદ ગમે. 

        મને આવી સવાર ગમે.
        ઝીલમીલતી  જલધાર ગમે. 

મનમર્કટને માંજતો, ઘન-ગર્જન અટકાવતો,
બાજીગરને સ્મરાવતો, ધીરો ધીરો વરસાદ ગમે. 

       મને આવી સવાર ગમે.
       ખુશ્બૂ-ભીની બહાર ગમે.

 

 

 

 

મનનો માણીગર..

એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.

લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી,નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.

દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર પૂછતો’તો આજે.

         રમતું મૂક્યું કેવું નિર્દોષ બાળ મ્હેં,

         હસતું ને ખેલતું સૃષ્ટિને બારણે,

         એકના અનેક થઇ, રુપને કુરુપ કરી,

         કાયાપલટ  ત્‍હેં  કીધી કૈં એવી,

ન બાળક રહ્યો, ના મોટો થયો, જોઇ વિશ્વનો બાજીગર હસતો’તો આજે.

         રોબાટ થયો ને થયો મશીન એ,

         પૈસાને પૂજતો ઠેર ઠેર ભટકી,

         અરે, ભૂલ્યો એ ભાન કૈં કારણ વગર,

         ને રહી ગયો લાગણી-શૂન્ય ને પથ્થર,

ન ભગવાન બન્યો, ન માણસ રહ્યો!  જોઇ જગનો જાદુગર હસતો’તો આજે.

        પેઢી બે પેઢીના અંતર વધાર્યા,

        સમયના બહાને નિત નુસખાઓ ખેલ્યાં,

        જુગજૂની વાતોના મનભાવન અર્થ લઇ,

        દેવતાના નામે ભૂંડા વાડાઓ રોપ્યાં.

ન જડતાને ટાળી, ન ચેતના એ પામ્યો, કુદરતનો કારીગર હસતો’તો આજે.

 

એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.

લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી, નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.

દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર રડતો’તો આજે ?!!

 

શરદ-પૂનમની રઢિયાળી રાત

 

   

રાસઃ

આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
જાગી જાગીને સૂઝી જાય હો રાજ, મારી આંખો જાગીને સૂઝી જાય. 

ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,
પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,
ઓઢું ઓઢું ને ઉડી જાય હો રાજ,
મારી ચુંદડી શિરેથી ઉડી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય. 

એવા તે કામણ કહે શીદને ત્‍હેં કીધા,
ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા ?
મળી મળીને વળી જાય હો રાજ,
કેમ નજરું મળીને વળી જાય.
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય. 

લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,
ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,
ફરી ફરીને રાતી થાય હો રાજ,
મુજ કાયા લજવાતી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય. 

અમે વાદળ-દળ પર વિહર્યા…

 
છેલ્લાં ચાર દાયકાથી પ્લેઇનની મુસાફરી કરી છે.પરંતુ સાથે બેસીને, બારીની બહારનું અ‌દ્‍ભૂત સૌન્દર્ય  જોતી  નાનકડી પૌત્રીએ જ્યારે પૂછ્યું કે
“have you written poem about this scene ?” ત્યારે એને “ના” નો જવાબ આપવાનું કેમ ગમે ? અને એનો પ્રશ્ન પ્રેરણા બની ગયો. ખાસ એના માટે,એના જવાબ રૂપે, એક હવાની લ્હેરખી જેવી હલકી ફૂલકી રચના “અમે વાદળ-દળ પર વિહર્યા”…
 
 ***************          ********************      
 

પવન પંખ લઇ નભસરવર મહીં વાદળ દળ પર વિહર્યાં,

સ્વરગ-નરકની મધ્યે જાણે પતંગિયા થઇ ફરક્યાં.

          અમે વાદળ-દળ પર વિહર્યા

 

તારણહારની અકળસકળ આ અજબગજબની લીલા,

ભરચક ખેલ શી નીરખી નીરખી વિસ્મિત થઇને ઉડ્યા,

           અમે વાદળ-દળ પર વિહર્યા…

 

હસ્તવિંઝનથી હવામહીં  બસ ઘડીભર મસ્તી માણી,

બંધ નયનથી પંખી સરીખુ મનભર રંજન પામ્યાં,

          અમે વાદળ-દળ પર વિહર્યા

 

કલ કલ કરતા ઝરણાં જોતાં ફરફર હવામાં હાલ્યા,

ગુન ગુન કરતા ભમરા સઘળાં દેવદૂત-શા ભાળ્યા,

          અમે વાદળ-દળ પર વિહર્યા…

 

આરા કે ઓવારા નહિ, જટિલ કઠિન બધી રાહો,

શ્વાસ સમા વિશ્વાસને ઝાલી, જાણે ભવની વાટે ઉડ્યાં,

         અમે વાદળ-દળ પર વિહર્યા.. 
         અમે વાદળ-દળ પર વિહર્યા…


ઉસાલ

તાજેતરમાં મારી ભારતની મુલાકાત દરમ્યાન  અમદાવાદના જાણીતા કવિ અને ગઝલકાર શ્રી યોસેફ મેકવાન સાથે ફોન પર મળવાનુ થયુ. તેમણે ગઝલપ્રકારમાંથી એક નવો પ્રયોગ કર્યાની વાત કરી. યોસેફ મેકવાનના શબ્દોમાં  ” USAL is a new form  which is  formed  from GAZAL.By this new form poet can reveal  his  feelings powerfully.
અહીં મત્લા ન હોય.ગઝલમાં જેને ઉલા અને સાની પંક્તિઓ તરીકે પીછાનીએ છીએ તે પંક્તિઓનું અહીં સાયુજ્ય સાધવાનુ હોય છે.તે દ્વારા અર્થ કે ધ્વનિ યા વ્યંજના પ્રગટ કરવાના હોય-ચમત્કૃતિથી. આરંભની પ્રથમ,ત્રીજી,પાંચમી,સાતમી એમ આગળની ઉલા પંક્તિઓ આવે તેના કાફિયા-રદીફ જાળવવાના.એ જ રીતે બીજી, ચોથી,છઠ્ઠી,આઠમી એમ આગળની સાની પંક્તિઓના અલગ કાફિયા રદીફ જાળવવાના.આ એક નવ્ય પ્રયોગ છે જેની નિપજ ગઝલમાંથી કરી હોઇ તેને “ઉસાલ” નામ આપ્યુ છે.દિલીપ મોદી,દત્તાત્રય ભટ્ટ, ફિલિપ ક્લાર્ક વગેરે હાથ અજમાવી સુંદર રચનાઓ કરે છે. “
મિત્રો, મારો પણ આ એક પ્રયાસ ઃઉસાલમાં ઃ
**************          **************           ***************           ***************
 
વરસાદના ફોરાં સમી ઝરતી સમય-ધારા બધી,
પલ પલ પડી યુગો તણાં પર્વત‍ પરે ખડકાય છે.
 
વિશ્વાસની મોટી અહીં સંસારની વાર્તા બધી,
સંબંધના ગીલેટની આ સાંકળો વરતાય છે.
 
સાચી કહો જૂઠી કહો લોભાવતી માળા બધી,
મારી તમારી આરતો મૃગજળ સમી સમજાય છે.
 
સૌએ વગાડે પોતીકા વાજિંત્ર અને ગાથા બધી,
વાહ્‍ વાહ્‍ કહીને ભીતરે જલતા અહીં પરખાય છે.
 
છોને થતાં દીવા અને મંદિરમાં પૂજા બધી,
ભીતર હશે જો પ્રેમ તો, ઇશ્વર સદા હરખાય છે.
**********   **************   **********

અલ્લડ આ મેઘ….

અલ્લડ આ મેઘને થયું  શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ,કે ચીરીને આભલાને તેથી એ આવે.

પાગલ પવનના અંગ મહીં સૂરો,
ફૂંકી ભરીને લીલા પાનને નચાવે !
શ્વેત આ પ્રભાત પર શ્યામરંગી ચાદર
પાથરીને પ્રેમભીની રમઝટ મચાવે.

અલ્લડ આ મેઘને થયું  શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.

પંખીના કલરવ ને મબલખ આ ધાર,
ગગનની ગરજન ને નવલખ આ ઝાર,
મખમલી ઊર્મિને મનભરી અડકે ને છેડે,
ને ધરાનો કુદરતી રાસ એ રચાવે !

અલ્લડ આ મેઘને થયું  શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.

રોમરોમ જાગે ને વાગે  શરણાઇઓ,
ભીતરના જીવમહીં શિવને જગાડે,
હૈયાના મંદિરમાં મૌનનો ઘૂમ્મટ લઇ,
અનંતના આનંદની ધ્વજા ફરકાવે.

અલ્લડ આ મેઘને થયું  શું આજે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.