સંગ્રહ

ન્યારી નાગરી ન્યાત…..

આજથી થોડાં વર્ષો પૂર્વે  નાગર ન્યારીનામે રચના કરેલ. ત્યારે કેટલાંક રસિયાઓ નાગરી નાર જ સમજી બેઠાં હતાં!!!
અરે ભાઈ, ન્યારી નાર નહિ, ન્યાતની વાત છે આ.. નાગરોની ઓળખ,ખાસિયત,રીતભાત, અટક વગેરે અંગે, સુધારા વધારા સાથે અને શિર્ષકના સ્પષ્ટીકરણ સાથે, ફરી એકવાર એ  જૂની, હળવી રચના  નવા વેશમાં..

*********************************************************************************

નાગરી ન્યાતની વાત છે ન્યારી,
નરસિઁહ મહેતાની એ પ્યારી પ્યારી,
વાણી છે જેની મીઠી સુંવાળી,
 ને નારી છે જેની સૌથી રૂપાળી.

 

ખાટ ને પાન હર ઘરની રૂહાની,
ચાંદીની કોઠીમાં એલચી સુહાની.
નાણાવટી,કચ્છી,દીક્ષિત કે બક્ષી,
નોખી છે સૌની  વાણીમાં શુદ્ધિ.


કંથારિયા,જોશીપુરા, ખારોડ કે પારઘી,
ભાષાનો અલંકાર અહીં અતિશયોક્તિ !!
શક્રાદે,મહિમન ને હાટકેશની પુજારી,
ગુણિયલ,ગુમાની ભાત છે અમારી.


માંકડ,મચ્છર, ઘોડા ને  હાથી,
ટકમાં પ્રાણીની આ છે નીશાની.
લવિંગીયા, દીવેટીઆ, બુચ, વચ્છરાજાની,
અરે, મહારાજા,મુનશી, મેઢ કે અંતાણી.


ભુલશો ના કોઇ આ ધ્રુવની કહાની,
કે નવલી આપણી વાત છે મઝાની.

ગરવા ગુજરાતની મોંઘેરી
પ્યારી,
નાગરી ન્યાતની વાત છે ન્યારી……

 

શરદપૂનમનો રાસ

આવી આવી ને સરી જાય હો રાજ, મારી  નીંદર આવીને સરી જાય.
જાગી જાગીને સૂજી જાય હો રાજ, મારી  આંખો જાગીને સૂજી જાય.

ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,
પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,
ઓઢું ઓઢું ને ઊડી જાય હો રાજ,
મારી ચુન્ની શિરેથી ઊડી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.

એવાં તે કામણ કહે, શીદને ત્‍હેં કીધા,
ભરિયા ના જામ તો યે, મદિરા શા પીધા ?
મળી મળીને વળી જાય હો રાજ,
કેમ નજરું મળીને વળી જાય.
આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.

લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,
ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,
ફરી ફરીને રાતી થાય હો રાજ,
મુજ કાયા લજવાતી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય..%e0%aa%b6%e0%aa%b0%e0%aa%a6%e0%aa%aa%e0%ab%82%e0%aa%a8%e0%aa%ae

આવ્યો શ્રાવણ આંગણિયે…

આવ્યો શ્રાવણ આંગણિયે ઝુમતો, ઝુલતો, મૂરલીવાળો…
આવ્યો  વલ્લભનો મહિનો પ્રીતનો, ઝુમતો, શ્રીજી કેરો.. 

લાવ્યો કામણ કહાનો કાળી કાળી રાતમાં,
ભાવ્યો જગમાં માધવ મીઠી મીઠી વાતમાં,
ઘેલાં તનમન  થયાં  એના ગુલતાનમાં
એના ગુણગાનમાં…. આવ્યો શ્રાવણ આંગણિયે…

તાત વસુદેવ મનડે જાગે તલસાટ,
માત દેવકીના હૈયાને વીંધે છે ઉચાટ,
નંદજી ને જશોદાને નથી કોઇ જાણ,
એ તો સાવ અણજાણ…. આવ્યો શ્રાવણ આંગણિયે… 

કેવાં યમૂનાના જળ આજ ખળભળ  થાય,
પેલી વાંસલડીના સૂર આજ  થનગન  ગાય,
ઉંચે આકાશે મેઘરાજ વ્યાકુળ દેખાય,
એ તો વરસે ચોધાર,,,,,, આવ્યો શ્રાવણ આંગણિયે …

ત્યાં તો આવી ઊભી શુભ ઘડી અણમોલ,
પીડા જગની શમાવવાને આવ્યો મનમોર,
ભૂલી સુધબુધ નમે સૌ બાલકુંવર,
કોઇ જાણે ના ભરમ….. આવ્યો શ્રાવણ આંગણિયે..

પરપોટો..

ત્યાંથી છૂટા પડ્યે
વર્ષો વિતી ગયાં.
તારો એક પ્રચંડ ધક્કો
ને તે પછી..
કઠોર,કોમળ,
આઘાત ને આશ્ચર્ય,
રહસ્ય ને વિસ્મય,
કંઈ કેટલાય આરોહ-અવરોહ.
સ્થળ,સમયનું અંતર.
સ્મૃતિ-વિસ્મૃતિની ગલીઓમાં
ભ્રમણ અને મંથન..
ખુશી અને ગમની સાથે સાથે
પરિવર્તન.
સત્ય-અસત્યની
સતત ખોજ..
સદીઓથી ક્ષણજીવી,
સ્વપ્ન જેવી જ સાચી!
સમયની ક્રમિક ફૂંક.
એક ધક્કો…
ને લાધ્યો
રંગીન પરપોટો.
આ પરપોટો….

ચહેરો

reflaction

 

 

 

 

રોજ રોજ અરીસામાં
જોવાય છે ચહેરો,
દેખાય છે કાયા.
એ જ આંખ-કાન,
એ જ નાક-ગાલ.
જોવું ગમે છે;
ગમે છે આ માયા.
કેવાં કેવાં વેશ ભજવાય છે?
દીકરી,બહેન,કદીક
પત્ની ને માતા.
કંઈ કેટલાયે સગપણના નાતા,
ને વળી સંબંધોના માળા/જાળાં.
તો યે નજર સામે તો
એક જ મુખારવિંદ.
એ જ આંખ-કાન-નાક.
સઘળું એનું એ જ.
અચાનક…
કંઈક જુદું
સમજાય છે એક દિવસ.
દેખાય છે દર્પણમાં,
ફક્ત મ્હોરું !
અસલી ચહેરો તો….
ખોવાઈ ગયો છે;
શૈશવની સાથે દૂર દૂર..
નિર્દોષતાથી ઘણે દૂર…

લયસ્તરો પર રજૂ થયેલ ‘શતદલ’: ગુજરાતી કવિતા આસ્વાદ

 

મે ૨૦, ૨૦૧૪ના રોજ  ‘લયસ્તરો’ પર પ્રગટ થયેલ એક મનગમતી સ્વરચના-

શતદલ – દેવિકા ધ્રુવ

શતદલ

શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ,
ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક.
પલપલ શબદ લખત  મનભાવન,
ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ.
મસ્ત મસ્ત  બરસત અવિરત ઝર,
ઝુલત ઝુમત શતદલ મધુવન પર.

દેવિકા ધ્રુવ

ખુલ્લા આકાશમાં અનાયાસ વિહરતા પંખી જેટલી સહજતાથી આ ગીતનો લય મનને મોહી લે છે. મોટેથી બે વાર વાંચતા તો મને સુન્દરમના ગીતોની ( 1, 2 ) યાદ આવી ગઈ. ગીતનો સશક્ત લય તમને પણ ‘ભીંજવી’ નાખશે એની પૂરેપૂરી ગેરેન્ટી છે. મોટેથી, લય સાથે વાંચતા જાવ:, ‘સદ્યસ્નાત’ જેવો ભારે શબ્દ પણ જીભ પરથી માખણની જેમ સરકી જશે ત્યારે લયની તાકાત અને ભાષાની ઋજુતા પર મોહી પડ્યા વગર રહેવાશે નહીં.- ધવલ શાહ.

 

 

બુલંદ નાદે,મૃદંગ બાજે….

શેરીનો ગરબો ભલે અદ્રશ્ય થયો  વતનમાં, પણ મિત્રો, હવે એ આવી પહોંચ્યો છે વિદેશમાં !
પરદેશમાં જન્મીને  મોટી થયેલી  કુમારીકાઓને ગરબે  ઘૂમતી જોઇ છે ને ?
માથે જાગ,કેડમાં ઘડા, હાથમાં દીવડા થકી શોભતી કેટલી સુંદર લાગે છે ?
અરે, સાથે વિદેશીઓને 
પણ ઘુમવા લઇને આવે છે ! પોતપોતાના  વિસ્તારને એક નાનકડું ભારત, (little India )બનાવીને વસે છે
અને  એક થનગનતુ ગુજરાત સજાવીને નીકળી પડે છે  શેરીને ગરબે ઘૂમવા ! એ જોઇને આ કલમ  કેમ શાંત રહે ?
લો, લઇ લો એક નજરાણું  આપને માટે…ફરી એક વાર,નવા રંગરોગાન સાથે… 

******************************      ******************************

હે…..

બુલંદ નાદે,નોબત વાગે,મૃદંગ બાજે,માઝમ રાત,

કસુંબ કોરે,આભની ટોચે,રતુંબ રંગે, સોહત માત,

હે…

ચુંદડી ઓઢી,સૈયર સાથે,માવડી નાચે,નવનવ રાત……

રૂમઝુમ રૂમઝુમ,પાયલ વાગે,ખનન ખનન કર કંકણ સાજ,

હે…

છુમછુમ છુમછુમ ઝાંઝર બાજે,ઝગમગ ઝગમગ દીવડા હાર,

ધડક ધડક નરનારી આજે,છલક છલક ગોરી ગુજરાત….


ગરબો

રાસ–

આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.
જાગી જાગીને સૂઝી જાય હો રાજ, આજ આંખો જાગીને સૂઝી જાય.

ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,

પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,

ઓઢું ઓઢું ને ઉડી જાય હો રાજ,

મારી ચુન્ની શિરેથી ઉડી જાય,

આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.

એવા તે કામણ કહે, શીદને ત્‍હેં કીધા,

ભરિયા ના જામ તો યે, મદીરા શા પીધા ?

મળી મળીને વળી જાય હો રાજ,

કેમ નજરું મળીને વળી જાય.

આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.

લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,

ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,

ફરી ફરીને રાતી થાય હો રાજ,

મુજ કાયા લજવાતી જાય,

આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય..