સંગ્રહ

“ઉ” ની ઉર્જા.

શબ્દારંભે સ્વર એક  ::  

ઉગમણેથી ઉષા ઉતરે,

 ઊંચે ઊંચે ઉદધિ ઉછળે,

ઊંબરે ઉભેલ ઊર્મિ ઉરે,

ઉમંગના ઉમળકા ઉમટે.

ઊર્ધ્વસ્થિત ઉમાપતિના,

ઉત્સવો ઉછળી ઉછળી ઉજવે,

ઉદ્યમી ઉઠી ઊર્જાસભર,

ઉટપટાંગ ઉકેલો ઉકલે.,

ઉદાર,ઉમદા,ઉષ્મ ઉષાકર,

ઉજ્જ્વલ ઊજળો ઊજળો ઉઘડે.

ઉગમણેથી ઉષા ઉતરે,

‘ અ ‘- આદિત્ય

   

 

 

 

નવા  વર્ષની  શુભ  શરુઆતઃ ઃઃ ઃઃ

  શબ્દારંભે સ્વર એક  ::  

  આદિત્ય.

  આવો, આવો આંગણે આજે,

આવકારીએ આદિત્યના આગમનને આજે….

અમાસના અંધકારને ઓગાળતા,

આરોગ્યને આશાઓને અજવાસતા,

આવકારીએ આદિત્યના આગમનને આજે….

અર્પી અમી આંખમાં એકમેકને,

અદ્વિતીય આનંદ અંતરથી,

આરાધીએ આદિત્યના આગમનને આજે…..

અખૂટ ઐશ્વર્ય આપ્તજનોને,

આસપાસ આદરનો  અને

આરોગ્યનો ઓચ્છવ

અભ્યર્થીએ આદિત્યના આગમનને આજે…

‘સ’નું સંગીત

સોનેરી સાંજે,સુરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે,

સાંવરી,સલોની,સુહાની સંગીતા,

સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે..

સંસાર સાગરે,સૌમ્ય સ્વરૂપે,

સમંદરમાં સમાતી સરિતાને સ્મરતી,

સર્વે સહોદરના સ્નેહાળ સથવારે,

સેંથીમા સિંદૂર સજીને સ્હેલતી.

સસ્મિત,સાનંદ,સુંદર સુદિને,

સ્મરીને સ્નેહે સૌને સત્કારતી,

સોનેરી સાંજે,સુરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે.
******************************************

 

“શબ્દારંભે અક્ષર એક” ના મારા નવીન પ્રયોગના કક્કાનો “સ” જેના માટે લખાયો તે સંગીતા,
સૂર અને સંગીતની સાધક સંગીતાને,
તેના સુદિને ( જન્મદિવસે ) આજે  સ્સ્નેહ,શુભેચ્છા સહ, ફરી એક વખત….થોડા સુધારા સાથે…..

 

‘ક્ષ’ અને ‘જ્ઞ’નો મેળો

2008 ના વર્ષની સાથે સાથે ચાલેલ મારી “શબ્દારંભે અક્ષર એક” ની યાત્રા પણ ‘ ક્ષ અને જ્ઞ ‘ ના મેળા સુધી આજે પરિપૂર્ણ  થાય છે. આ તબક્કે આપ સૌના પ્રતિભાવ અને એ દ્વારા મળેલ પ્રેરણા માટે ર્હ્ર્દયપૂર્વક, સવિનય ખુબ ખુબ આભાર..

************     *************    *************    ***************

 ગદ્ય

ક્ષરાક્ષરના જ્ઞાતા ક્ષત્રિય ક્ષમિતે,

જ્ઞાન-ચક્ષુથી ક્ષીરનીરના જ્ઞાનથી,

જ્ઞાતિના ક્ષેત્રની ક્ષતિઓને,

ક્ષમ્ય-ભાવે ક્ષમી, ક્ષણે ક્ષણે,

ક્ષેમકુશળતા બક્ષી…..

 ************************************************************

‘ય’નો યોગ

 

‘ય’નો યોગ

યુગ્મની યાત્રા યાદગાર.

યોગવિણ યુધિષ્ઠિરને યાતના;

યોગવિણ યુધ્ધે યાદવાસ્થળી..

યુગ-યુગથી યોગયોજના.

યથાકાલ યત્કિંચિત યજ્ઞથી

યજમાન યોગે યશસ્વી.

યાત્રા યથા યાદગાર...

  

 

‘ળ’ ન હોત તો ?

ન હોત તો ગોળ ગળ્યો ન હોત,

        ને સઘળું સળવળતુ ન હોત;

ન હોત તો ફળિયે મળ્યા ન હોત,

        ને કાળજે સોળ ન હોત;

ન હોત તો માળવે મળ્યા ન હોત,

        ને મેળે મેળાવડો ન હોત;

ન હોત તો ખોળિયું હેતાળ ન હોત,

        ને વાંસળી થી વ્યાકુળ ન હોત;

ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,

        ને ઝાકળ ઝળહળ ન હોત;

ન હોત તો આંગળી ઝબોળાઇ ન હોત,

        ને જળ ખળભળ ન હોત.

‘ણ’ મળે તો ?

‘ણ’ને કદી એકલા ન ગમે.
કોઈને  મળે તો જ ગમે!
અને એ મળે તો શું થાય?
જાણો છો ને?
******************************
‘ણ’ મળે તો ?

ક ને મળે તો નાનો કણ,
ખ ને  મળે તો  માથુ ખણ.
ગ ને મળીને  પૈસા ગણ,
ચ ને મળે તો પંખી ચણ. 
જ ને મળે તો જન્મે જણ,
ધ ને મળે તો ટોળે ધણ 
પ ને મળીને નિરાશ પણ,
 ભ ને મળે તો સાચું ભણ. 
મ ને મળે તો ભાર મણ,
ર ને મળે તો તરસે રણ.
હ ને મળી કોઇને ના હણ,
 ક્ષ ને મળે તો સરકે ક્ષણ.
ત્ર ને મળે તો ત્રિપુટી ત્રણ,
ઋ ને મળે તો માથે ઋણ.
અગર મળે જો અક્ષર ત્રણ તો…
તો
આંગણ ફાગણ, શ્રાવણની જેમ
મળી એમ કરતો કામણ,
‘ણ’ તો  હૈયા-ધારણ!!!

‘હ’ની હવા

 
ળવી હળવી હવા હતી.

હુતો-હુતીની હૂંફ હતી.

હવેલીના હિરાજડિત હિંડોળે,

હોંશીલી હસીનાની હસ્તી હતી.

હેતાળ, હુંફાળા હાથ હાથમાં,

હસતા હોઠોની હલચલ હતી.

હરદમ હરિયાળી હરિયાળી,

હૈયામાં હેતની હેલી હતી.

હેમવર્ણા હરણ-હરણીઓની,

હજાર હંસોની હારમાળા હતી.

હોડીના હલેસા હસ્તમાં,

હરિની હુબહુ હાજરી હતી.

હળવી હળવી હવા હતી;

હુતો-હુતીની હૂંફ હતી.

‘સ’નું સંગીત.

સોનેરી સાંજે, સૂરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે,

સાંવરી, સલોની, સુહાની સંગીતા,

સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે..

સંસાર સાગરે, સૌમ્ય સ્વરૂપે,

સમંદરમાં સમાતી સરિતાને સ્મરતી,

સર્વે સહોદરના સ્નેહાળ સથવારે,

સેંથીમા સિંદૂર સજીને સ્હેલતી.

સોનેરી સાંજે, સૂરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે.