સંગ્રહ

તાજા કલામને સલામઃ ૨ઃ પારુલ બારોટ

કવિતા અને આસ્વાદ

સોનેટમૃત્યુ સંવાદ.. પારુલબહેન બારોટ

રસદર્શનઃ દેવિકા ધ્રુવ

મંદાક્રાંતા… 


ના જાણો એ રીતથી હળવે શ્વાસમાં પાસ આવે,

એવી રીતે રમત રમતું  જીવ સાથે હંમેશા

આંખો કોરી નિરખી રહીને હોશ દેતું ઉડાડી,

પીડાના કૈ વમળ ઉઠતાં વેદનાથી ભરેલાં

નાડી તૂટે નસ નસ  સહેજે,ખેલ ખેલે ધૂતારું!—–

મૂંઝારાથી ઘણું પજવતું વિષ કન્યા સરીખું

વીંછી જેવું રવ રવ ચઢે ઝેરની જેમ અંગે!

લે જાશે અકળ ગતિએ જીવ કોની સંગે

તંબૂરાના રણઝણી થતાં તાર તૂટી પડે જ્યાં

કોરા ધાગા, તિલક, ગજરા , મુખ ગંગા વંદા,

સ્કં લૈ ને સ્વજન સઘળાં કાયમી દે વિદાઈ,

જોતાં સૌએ, સજળ નયને છૂટતાં સાથ ન્યારો,

મૃત્યુ ઓઢી જલ પર જતો દીપુ ડૂબી જવાનો,

ફૂલે ગૂથ્યો  છબી ઉપરનો હાર મ્હેંકી જવાનો      

પારુલ બારોટ…

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

આધુનિક યુગમાં જ્યારે અક્ષરમેળ છંદની અછત જણાઈ રહી છે ત્યારે આ જાતની કવિતાનું સર્જન સૌથી પ્રથમ તો આવકાર્ય અને પ્રશંસનીય બની રહે છે.

મૂળ ખેરાલુના પણ અમદાવાદમાં અભ્યાસ કરી સ્થાયી થયેલાં પારુલબહેન બારોટના આઠ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. તેમાં સૌથી વિશેષતા તેમના ‘ત્રિદલ’ નામના સોનેટ સંગ્રહની ગણી શકાય. કારણ કે, સૉનેટ કવિતાકલાની કલગી છે. તેમાં પણ પારુલબહેને  સાહિત્ય જગતને એક સોનેટ નહિ પરંતુ સોનેટ સંગ્રહ આપ્યો છે.

મંદાક્રાંતા છંદમાં ૮ અને ૬ ના ભાગ કરી લખાયેલ આ ચૌદ લીટીનું સોનેટ કવયિત્રીની કવિતા-પ્રકારની સ્પષ્ટ સમજ દર્શાવે છે. વિષયને અનુરૂપ છંદની પસંદગી એ તેમની બીજી વિશેષતા. ‘મૃત્યુ-સંવાદ’ શીર્ષક કરુણતાનો ઓછાયો ઊભો કરતો હોઈ કવિ શ્રી કલાપીની ‘રે,પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો’ની જેમ મંદાક્રાંતા છંદમાં વધુ બેસે છે.

આ કવિતામાં પીડા કરતાં વાસ્તવિકતાની વાત વધુ વર્તાય છે. અહીં કોઈના અવસાનની વાત જ નથી. હકીકતનું બયાન છે. કેવું છે એ? ‘ના જાણો એ રીતથી હળવે શ્વાસમાં પાસ આવે’… માનવી સુખેથી જીવન જીવી રહ્યો હોય છે. એની પ્રવૃત્તિશીલ દુનિયામાં વિચાર સુદ્ધાં નથી કરતો કે ક્યારેક મૃત્યુ એની પાસે પણ આવવાનું જ છે, એટલી સહજતાથી એ પાસે જ રહે છે!

એવી રીતે રમત રમતું જીવ સાથે હંમેશાં’ ઉચિત શબ્દો પ્રયોજ્યા છે. એની ગતિ-રીતિનું વર્ણન કરતા કવયિત્રી યોગ્ય રીતે જ આગળ વધે છે. એ કેવી જુદી જુદી રીતે આસપાસ રમતું રહે છે તેનું વર્ણન કરતા પ્રત્યેક શબ્દો અલગ અલગ ચિત્રો ઊભા કરે છે.

કવયિત્રી કહે છે કે કોઈની આંખ કોરી અને બાકી બધું બેહોશ! કોઈને કંઈક નાની નાની પજવતી પીડા તો કોઈને અસાધ્ય રોગની લાંબી બિમારી. આ તો થયો શબ્દોનો વાચ્યાર્થ. પણ એની પાછળની વ્યંજના તો આધિ, વ્યાધિ, ઉપાધિ ત્રણેની વ્યથાનો ગર્ભિત અર્થ છૂપાયો છે.

વીંછી જેવું રવ રવ ચઢે ઝેરની જેમ અંગે!
લે જાશે એ અકળ ગતિએ જીવ કોની ય સંગે,

જીવ, જીવન અને જગતની જેમ જ અંતિમ ક્ષણની અકળ ગતિને કોણ જાણી શક્યું છે? ગહન એવા આ વિષયને એક નાનકડો પ્રશ્નાર્થ કરી છોડી દીધો છે. એની ઝાઝી પીંજણ કરવાનો અર્થ પણ શો?

જેને કોઈ ટાળી શક્તું નથી, જે સનાતન સત્ય છે અને સૌને સ્પર્શે છે એને સ્વીકાર્યા વગર ક્યાં કશો છૂટકો પણ છે! અહીં ગીતાનો શ્લોક યાદ આવ્યા વગર રહેતો નથી. जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च |

આટલા અને આવા કથન પછી કવિતાના બીજા ભાગમાં એક વળાંક આવે છે અને તે છે આખરી વિદાયની  ખરેખરી વેળા. રણઝણતા તંબૂરાના તાર તૂટી પડે પછી શું થાય છે? અચાનક બધી જ ગતિ-વિધિ બદલાઈ જાય છે. સૂરીલું સંગીત બંધ થઈ જાય છે. પળમાત્રમાં તો સઘળી જુદી ક્રિયાઓ શરૂ થઈ જાય છે.

તિલક, દોરા, જાપ, મુખમાં ગંગાજળ, સ્વજનોનું ટોળું,અશ્રુભીની સૌની આંખો, કાંધે લઈ જતાં લોકો અને વિલીન થતો જતો જીવ. જાણે કે,

મૃત્યુ ઓઢી જલ પર જતો દીપુ ડૂબી જવાનો,
ફૂલે ગૂંથ્યો  છબી ઉપરનો હાર મ્હેંકી જવાનો

આ છેલ્લી બે પંક્તિમાં વ્યક્ત થયેલું અર્થનું ગાંભીર્ય સમજવા જેવું છે. કવયિત્રીએ એમ નથી કહ્યું કે, મૃત્યુ આવીને જીવને લઈ ગયું. એ તો કહે છે કે, જીવે મૃત્યુ ઓઢી લીધું! પાણી પર એક દીપ જે સાહજિકતાથી વહે છે, તેણે મૃત્યુને ઓઢી લીધું છે અને જળ પર જતો એ દીપ ડૂબી જાય છે; અને તે પછી ફૂલોથી ગૂંથેલો હાર છબી પર મહેકે છે. એટલે કે, જીવન દરમ્યાન જે સુગંધિત કામો કર્યા હશે તે જ તો અહીં સદા રહે છે.  શબ્દોની અભિધા પાછળ છૂપાયેલો આ ઊંચો ભાવ એ કવિતાનો કસબ.

સોનેટ કાવ્યમાં ૧૪ પંક્તિઓ હોય. પંક્તિનું માપ ન ઓછું કે ન દીર્ઘસૂત્રી હોવું જોઈએ. એટલે કે ૧૪ થી ૧૯ અક્ષરનું પ્રાધાન્ય રહે તે મુજબ આ ૧૭ અક્ષરમાં ગૂંથાયેલું છે.

શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ સોનેટમાં કાવ્યતત્ત્વની દૄષ્ટિએ કવિતાનો બીજો ભાગ ઉચ્ચતર હોવો જોઈએ. તેમાં વળાંક,મરડ,ગુલાંટ અને આછો લહેકો પણ હોવો જરૂરી છે. તે ઉપરાંત સોનેટના ૮ અને ૬ એવાં બે સ્પષ્ટ ઘટકો હોવાં જોઈએ. તે રીતે આ સોનેટ સરસ બન્યું છે. એકાદ બે જગાએ નાનકડો છંદદોષ કે છૂટ લીધી વરતાઈ છે જે બેશક નિવારી શકાઈ હોત.

તે સિવાય આખી કવિતામાં વિષયનો સહજ ઉઘાડ, ક્રમિક ગતિ, યોગ્ય શબ્દોની ગૂંથણી છે. ગહન કથિતવ્યની સ્પષ્ટતા છતાં ઊંડો મર્મ અને આ બધાંની વચ્ચે સોનેટનું સ્વરૂપ જળવાયું છે. શિર્ષકમાં પણ ‘મૃત્યુસંવાદ’ કહી કોની સાથેનો સંવાદ સૂચવ્યો છે? જાતનો જીવ સાથેનો કે જીવનો ઈશ્વર સાથેનો? એમ પણ માની શકાય કે, જીવનની કલ્પના અને વાસ્તવિકતાનો સંવાદ? વિસંવાદ! કે પછી હયાત વ્યક્તિનો છબી સાથેનો સંવાદ!

વિષય નવો ન હોવા છતાં નવી રીતે કહેવાયો છે જે નોંધનીય છે.

—દેવિકા ધ્રુવ

તાજા કલામને સલામઃ ૧ઃ અંજના ગોસ્વામી

અંજના ગોસ્વામીઃ તને યાદ છે?.

ગીત ..

ફરતાં’તાં હાથમાં લઈ હાથ તને યાદ છે?.

આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.

આંખોમાં ઓરતાઓ શમણા થઈ સ્ફુરતા,

મીઠા સહવાસ માટે કેટલુંય  ઝુરતા,

સપનામાં ભીડેલી  બાથ તને યાદ છે?.

આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.

સાત સાત જન્મોના કોલ દીધા આપણે, 

સંગ સંગ જીવવાના સમ લીધા  આપણે ,

મનથી મેં માન્યો’તો નાથ  તને યાદ છે?.

આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.

ભીના  સંકેલ્યા’તા લાગણીના ખેલને ,

પળમાં વિખેર્યા’તા સપનાના મ્હેલને,

સંમતિથી છોડયો’તો સાથ તને યાદ છે?.

આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.

           _અંજના ગોસ્વામી ‘*અંજુમ આનંદ*

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

અનેકવિધ પ્રતિભા ધરાવતાં ભાવનગરના વતની અંજના ગોસ્વામી તેમનાં ગીત અને ગઝલથી નોખી ભાત પાડી રહ્યાં છે. ‘યાદ કર’ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ.

યાદોને મમળાવતું ઉપરોક્ત ગીત એક રુહાની રિશ્તેદારીનો મખમલી ભાવ જગવે છે. સ્મરણોની શેરીમાં ઘૂમવું કોને ન ગમે? સ્મૃતિઓ સારી હોય કે ખોટી, ખુશીની હો કે દર્દની પણ એ ઘડીભર એક વિશેષ રોમાંચ જગવે છે.

આ ગીતની ધ્રુવ પંક્તિમાં નાયિકા સીધા જ મીઠા સંગાથનું એક સુગંધિત અત્તર છાંટી દે છે..

ફરતાં’તાં હાથમાં  લઈ હાથ તને યાદ છે?

આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?

અને એની મહેકથી ભાવકને ધીમે ધીમે, આખા ગીતમાં, યાદોની ગુલાબી ગલીઓમાં દોરી જાય છે.

તાજી ઊગેલી કૂંપળ સમી આ કલમ એક મઝાનું ભાવચિત્ર દોરી, નજર સામે તાદૃશ કરી દે છે!

આંખોમાં સપના હતાં, મિલનના ઓરતા હતાં, નિકટનો સહવાસ અને આલિંગનનાં શમણાં હતાં. ખૂબ સિફતથી કહી દીધું છે કે આ બધું તો માત્ર સપનામાં હતું! આપણે ખરેખર તો ક્યાં મળ્યાં હતાં? ન મળ્યાંનો અહીં કોઈ રોષ નથી,દોષ નથી કે ફરિયાદ નથી, યથોચિત પ્રાસોની ગૂંથણીમાં યાદોની ‘બારાત’ આલેખી છે.

બીજા અંતરામાં પણ એજ ભાવને ક્રમબદ્ધ રીતે વાળી, કવયિત્રી વળી એક ઑર ગલીમાં ખેંચી જાય છે. યૌવન સહજ લાગણીઓ એકમેકની સાથે જીવવાની અને જનમોજનમ સંગાથ રાખવાની કેવી તૈયારી કરી દે છે! પરસ્પરમાં ભીંજાવાની એ ભીની ભીની ક્ષણો કંઈ કેટલુંયે જન્માવી દે છે. પ્રિયપાત્રને ન્યોચ્છાવર થઈ જવાની તમન્નાનો એ જૂનો સંગાથ હજી સહેજે વિસરાતો નથી, વિસરાયો નથી. ‘યાદ છે?’ની પુનરોક્તિ મનોમન વાર્તાલાપ રચે છે અને લાગણીઓને વધુ ઘેરી અને ઊંડી આલેખે છે.

ત્યાં અચાનક ત્રીજા અંતરામાં એક અણગમતી ઘટના વાસ્તવિક્તાની એક નવી કેડી પર પહોંચાડે છે. શું બન્યું, કેવી રીતે બન્યુંના કશાયે ઉલ્લેખ વગર એકધારા, એકસરખા લયમાં ગીત આગળ ગતિ કરે છે.  કારણો સાથે કોઈ લેવાદેવા નથી. પણ કંઈક તો એવું  બન્યું છે કે જેને કારણે એ કહે છે કે,

ભીના  સંકેલ્યા’તા લાગણીના ખેલને,

પળમાં વિખેર્યા’તા સપનાના મ્હેલને,

સંમતિથી છોડયો’તો સાથ તને યાદ છે?.

આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.

ખેલ અને મહેલ, સંકેલ્યાં વિખેર્યા જેવા શબ્દોનો યથોચિત ઉપયોગ છૂટા પડ્યાંના ભાવને અભિપ્રેત કરે છે. ખેલ હતો, ખતમ થયો, મહેલ સપનાની જેમ ઉડી ગયો. પણ સંજોગોની આ વિષમતામાં અહીં ‘સંમતિથી’ શબ્દ પ્રયોજી કવયિત્રીએ સમજણના સાત સાત કોઠાને ખોલી આપ્યા છે. દર્દના સૂરને સુંદર રીતે અવગણી દીધો છે. સાથ છૂટ્યાનું દુઃખ કોને ન હોય? પણ…ન તો ગમને ઘૂંટ્યો છે કે ન કશા આક્ષેપો, ફરિયાદો કે વિષાદનો દરિયો વહાવ્યો છે. બસ, સંજોગોની સ્વીકૃતિ કરી લીધી છે, સમજૂતી જોડી દીધી છે.

 વાહ.. જે ભીતર છે તે તો કહ્યા વિના જ કહી દીધું છે એ  જ તો કલમની કારીગીરી છે ને? ગીતને અનુરૂપ ગતિ, લયબદ્ધતા, યોગ્ય શબ્દગૂંથણી પણ એમાં ઉમેરો કરે છે.

મનની અનોખી મોસમ છલકાવતું આ મઝાનું  મખમલી છતાં વિરહી ગીત અંજના ગોસ્વામીના ઉપનામ ‘અંજુમ આનંદ’ના ગાલના મોહક ખંજન જેવું  ભાવક હૃદયમાં ટમટમે છે, ઝગમગે છે.

અસ્તુ.


-દેવિકા ધ્રુવ

રસદર્શન -૨૬ઃ હિતેન આનંદપરા

કવિતાઃ હિતેન આનંદપરા
રસદર્શનઃ દેવિકા રાહુલ ધ્રુવ

કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે
વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી
એકદમ અણધાર્યા ખૂટે
સંબંધ છે, પળમાંય તૂટે

સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય
ડાળીને અંધારા ફૂટે
સંબંધ છે, પળમાંય તૂટે

અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય
આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાંય તૂટે

હિતેન આનંદપરા

રસદર્શનઃ દેવિકા ધ્રુવ

મુંબઈસ્થિત કવિ શ્રી હિતેન આનંદપરાનું આ ગીત સૌથી પ્રથમ ૨૦૦૪માં પ્રગટ થયેલાં કાવ્યસંગ્રહત્રણમાં વાંચવામાં આવ્યું. તે પછી બે ત્રણ વાર નજર સામે આવ્યા કર્યું ને ખસવાનું નામ ન લે! માણસ અને સંબંધનું પણ કંઈક એવું જ છે ને? જે સાચું છે તે ખસતું જ નથી ને જે ખસે છે તે સાચું નથી!

આમ જોઈએ તો આ વિચાર આ કવિતાના સંદર્ભમાં થોડો  વિરોધાભાસી લાગશે. પણ સાવ એવું નથી. પ્રથમ મુખ્ય પંક્તિમાં ‘કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે, પળમાંય તૂટે…’ કહીને તરત જ ખૂબીપૂર્વક સરેલા શબ્દો.વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી એકદમ અણધાર્યા ખૂટે…” કવિના મનોવ્યાપારને છતા કરી દે છે.

આરંભથી જ એક વાત તો સ્પષ્ટ થાય છે કે અહીં માત્ર સ્થૂળ સંબંધોની વાત નથી. કંઈક વિશેષ છે. હા, માનવજીવન અને સંબંધોમાં તો એમ છે જ કે પળમાત્રમાં તૂટી જાય. એ તો સર્વ વિદિત સર્વકાલીન તથ્ય છે, સત્ય છે. ઘણા સર્જકોની કવિતાઓ અને ગઝલોમાં અવારનવાર એ ભાવ પ્રગટ થયા કરે છે. પરંતુ જરા ઊંડાણથી વિચારીશું તો અહીં એક સ્તર ઉપરની વાત છે. અણધાર્યા તૂટી જતાં અને દેહથી છૂટી જતા શ્વાસના સનાતન સત્યનો નિર્દેશ છે. શરીર અને શ્વાસનો સંબંધ આખી જીંદગી રહે છે, જ્યાં શ્વાસ તૂટે ત્યાં શરીરની ચેતના બંધ. વિશ્વાસ તૂટે ત્યાં સ્નેહનો સંબંધ ખતમ અને તે પણ શ્વાસની જેમ જ એક પળમાત્રમાં.

સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય.
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય.

અહીં સુંદર રૂપક પ્રયોજ્યું છે. વહાલની વાસંતી વેલને સીંચો, વિસ્તારો, વીંટાળો અને પછી… એક પાનખરની સવારે… ડાળીને અંધારા ફૂટે.. સંબંધ છે, પળમાંય તૂટેઆ બે પંક્તિની વચ્ચે કવિએ જે નથી કહ્યું તે તો છે આખા યે જીવતરમાં વધેલો, વિસ્તરેલો, વહેંચાયેલો અલગારી આતમ, એનું વસ્ત્ર, કાયાનું વસ્ત્ર જીર્ણ થાય છે અને ચેતના ક્ષીણ થતી જાય છે; અંતે એક જ ક્ષણમાં તો કાયા હતી ન હતી થઈ જાય છે.

સંબંધોનું પણ એવું જ છે ને? સમય, સંજોગ અને સમજણના અભાવને કારણે કેટલાંયે  દુન્યવી સંબંધો ઝડપથી તૂટી જાય છે. એક જાણીતા ચિંતકે કહ્યું છે તેમ દરેક સંબંધની એક લાઇફલાઇન હોય છે. સંબંધનું સર્જાવું જેટલું સ્વાભાવિક હોય છે, સંબંધનું તૂટવું પણ એટલું જ સાહજિક હોય છે. કાચના તૂટવા કે પરપોટાના ફૂટવા જેવુ.  કોઈ સંબંધ લાંબો હોય છે તો કોઈ સંબંધ ટૂંકો હોય છે. બહુ ઓછા સંબંધ કાયમી હોય છે. જાળવવા હોય તો પણ દરેક સંબંધ જળવાય જ એવું હંમેશા નથી પણ હોતું.

 બીજા અંતરામાં સુંદર લયબદ્ધ્ રીતે કવિ કહે છે કે, આ તૂટવાનું, ફૂટવાનું કે છૂટવાનું કંઈ સહેલુ નથી. અવાજ વગરની ચીસ ન જાણે કેટલી વીંધાય છે, એ ગૂંગળામણ અને ભીંસ ઘરની દીવાલોમાં રુંધાય છે અને  સંવેદનશીલ માણસ એમ મૂંઝાય છે. આ ભાવ ખૂબ સંયમિત છતાં અસરકારક શબ્દોમાં પ્રગટ થયો છે. અહીં એક સાચો અને સ્વસ્થ અવાજ સંભળાય છે.

અળગા થવાનું કંઇ સહેલું નથી,
 ને સાથે ટહુકા રૂંધાય
,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી,
 દીવાલો બંધાતી જાય

આ મૂંઝારો માણસને લૂંટે,
સંબંધ છે
, પળમાંય તૂટે

બે જ અંતરામાં રચાયેલું આ કાવ્ય દેખીતી રીતે સંબંધની વાતનો અર્થ વ્યક્ત કરે છે. પણ ખરા કાવ્યત્ત્વના લક્ષણો, અભિધા અને લક્ષણા ઉપરાંત વ્યંજના પણ ઉઘાડી આપે છે.  ધ્વનિ કાવ્યનો આત્મા છે” ‘કાવ્યસ્યાત્મા ધ્વનિ:કાવ્યમાંથી સ્ફુટ થતી વ્યંજના અનોખું કાવ્યતત્વ છે. આ કવિતામાં એ ભારોભાર છલકે છે. માત્ર એક જ વખત  સીમિત શબ્દોમાં શ્વાસ કદીકહીને કવિ એ અર્થને જાણે કે ભાવક પર છોડી દે છે! કવિકર્મની ખરી ખૂબી એ છે.  કવિતાની ધ્રુવપંક્તિ ‘સંબંધ છે, પળમાંય તૂટે અત્યંત સરળ અને સહજ શબ્દોમાંથી એક ત્રીજો અર્થ પણ સ્ફૂરે છે અને તે એ છે કે, નજીકનો સંબંધ તૂટે ત્યારે દર્દ થાય છે. પણ સંબંધની સાર્થકતા એમાં છે કે તૂટેલા સંબંધને તમે કેવી રીતે જુઓ છો. બરાબર એ જ રીતે શરીરમાંથી શ્વાસ છૂટે છે ત્યારે  છૂટતી વખતે જનારને અને તે પછી પાછળ રહેનારને, બંનેને તીવ્ર વેદના થાય છે. પણ જેણે એકવાર એવી સમજણ કેળવી છે કે, આત્માનું જૂનું થયેલુ વસ્ત્ર ઉતરી જઈ, ક્યાંક નવા વાઘા ધારણ કરશે તેના મનને, સંબંધ છે, પળમાંય તૂટેએ બહુ લાંબા સમય સુધી પીડાદાયક નહિ રહે એવો ઈશારો પણ અહીં ગર્ભિત છે.

સંસારી સંબંધોથી માંડીને શરીર અને શ્વાસના સંબંધોની વાતને સરળતાથી રજૂ કરતી આ  ટૂંકી, લયબધ્ધ કવિતા દરેક ભાવકને સ્પર્શે જ એમ લાગ્યા વગર રહેતું નથી. કવિ શ્રી સુરેશ દલાલે સાચું જ કહ્યું છે કે, હિતેન આનંદપરાની કવિતામાં મુગ્ધતા અને સજ્જતાનો સમન્વય વર્તાય છે.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ

https://aapnuaangnu.com/2021/11/15/sambandh-che-palmaye-tute-devika-rahul-dhruv/

રસદર્શન: ૨૫ કવિતાઃ યામિની વ્યાસ

કવિતાઃ  યામિનીબહેન વ્યાસ

શિર્ષકઃ મમ્મી પાછી આવ.

જાળાં ઉપર લટકી રહેલાં આપણા જૂના કૅલેન્ડરનું પાનું તો પલટાવ,

મમ્મી, પાછી આવ!

કહ્યાં વગર તું ક્યાં ગઈ છે એ તો કહી દે, જા, આવું કરવાનું સાવ?

મમ્મી, પાછી આવ!

ઘરની ઈંટેઈંટો બધ્ધી તારે કાજ કરગરતી થઈ ગઈ,

ભવસાગરને તારે એવી તું આંખોમાં તરતી થઈ ગઈ,

લે, કીકીની મોકલું નાવ, મમ્મી, પાછી આવ!

સ્વેટર મારું  ગુંથી દેતી, હૂંફ જરી પરોવી દેતી,

ફ્રોક ખૂણેથી સાંધી લઈને ડિઝાઇનને ઉલટાવી લેતી,

હવે વીત્યા દિવસો ઉલટાવ, મમ્મી, પાછી આવ!

ખાવાની એ સહુ વરણાગી કોરાણે મૂકાઈ ગઈ છે,

પાણિયારે દીવો ક્યાં છે? તુલસી પણ સૂકાઈ ગઈ છે,

આવી થોડું અજવાળું ફેલાવ, મમ્મી, પાછી આવ!

છત્રી થાતો તારો પાલવ, અમે વહાલથી નીતરતા’તા,

ભોળી મા, તને સાચ્ચું કહી દઉં? અમે તને બહુ છેતરતા’તા,

ફરી આવીને ધમકાવ, મમ્મી, પાછી આવ!

— યામિની વ્યાસ

રસદર્શનઃ દેવિકા રાહુલ ધ્રુવ

સુરતનિવાસી યામિનીબહેન વ્યાસનું નામ કવિતા ક્ષેત્રે તો જાણીતું છે જ. પરંતુ તેઓ એક સરસ અભિનેત્રી અને સફળ નાટ્યકાર પણ પૂરવાર થયાં છે. જુદી જુદી સાહિત્યિક સંસ્થાઓ સાથે સંલગ્ન રહી કલાને વિકસાવી રહ્યાં છે અને વિવિધ પારિતોષિક પણ મેળવતાં રહ્યાં છે.

તેમની કવિતા ‘મમ્મી, તું પાછી આવ’ ઠેકઠેકાણે પોરસાઈ છે. બાળસહજ વહાલભર્યા શિર્ષકની જેમ જ આખીયે કવિતા નરી સંવેદના અને નિર્દોષતાથી ભરી ભરી છે. આમ તો મા વિશે ઘણાં કાવ્યો લખાયાં છે પણ આ ભાવ જ એવો છે કે ભાવકમાત્રને એમાં ભીજાવું ગમે જ, ગમે.

પાંચ નાનાં નાનાં અંતરામાં ગૂંથેલી આ કવિતા પ્રારંભથી જ અતીત તરફ ખેંચી જઈ એક વિષાદનો તાર ઝણઝણાવે છે. જૂનાં કૅલેન્ડર પર જાળું બાઝી ગયું છે. એને પલટાવવાનું કામ બાકી છે. એ કોણ કરશે? મા તો નથી. એ તો એમ જ અચાનક કહ્યાં વગર જ ચાલી ગઈ છે!  કૅલેન્ડર જૂનું છે. એટલું બધું જૂનું કે એને જાળાં બાઝી ગયાં છે. માનાં ગયાં પછી ઘણો સમય વીતી ચૂક્યો છે છતાં મન હજી માનતું નથી. સવાલ થયા જ કરે છે, સાવ આવું કરવાનું? ભલા, મા તે કંઈ આવું કરે?  જુઓ, આ રોષ, આ ફરિયાદ તો નિયતિ સામે છે. કેવી આર્દ્રતાથી પંક્તિ પુનરાવર્તિત થતી રહે છે અને ભાવને ઊંડાણથી વ્યક્ત કરતી રહી છે! ’મમ્મી તું પાછી આવ.’ કવિતાની શરૂઆતમાં એક શિશુહૃદયનું અને માની ગેરહાજરીને કારણે ઘરની અસ્તવ્યસ્ત વ્યવસ્થાનું ચિત્ર સુપેરે અંકિત થયું છે.

આગળ જતાં કવયિત્રી વળી કહે છે કે,
ઘરની ઈંટેઈંટો બધ્ધી તારે કાજ કરગરતી થઈ ગઈ,
ભવસાગરને તારે એવી તું આંખોમાં તરતી થઈ ગઈ,
લે, કીકીની મોકલું નાવ, મમ્મી, પાછી આવ!

ઘરની ઈંટો દ્વારા  અહીં દરેક વ્યક્તિની વેદના વલોવાઈ છે. આંસુભીની સૌની આંખો જાણે દરિયો થઈ ગઈ છે. કીકીની નાવ મોકલવાની કાલીઘેલી વાતમાં હૈયાંની આરઝુ પ્રગટ થઈ છે ને વળી વળી એક જ વાત.. એક જ ધ્રુવપંક્તિ ‘મમ્મી તું પાછી આવ’.

ધીરે ધીરે યાદોના પડદે માનું રૂપ તરવરે છે. સ્વેટર ગૂંથતી, અવનવી ડિઝાઈન માટે સિફતથી ખૂણા સાંધીને ઉલટાવતી, વિવિધ વાનગીઓ બનાવતી, પાણિયારે દીવો મૂકતી, તુલસીને જળ ચઢાવતી, અરે, પાલવ ધરી વહાલ વરસાવતી મા… ઓહોહોહો..થોડીક જ પંક્તિઓમાં કેટકેટલાં સ્વરૂપે માની છબી ઉપસાવી છે? રોજિંદી થતી એક એક ક્રિયાઓમાં ગોઠવાયેલા શબ્દો પણ કેટલા સાંકેતિક છે,અર્થસભર છે.!

 સ્વેટર મારું  ગુંથી દેતી, હૂંફ જરી પરોવી દેતી,

ફ્રોક ખૂણેથી સાંધી લઈને ડિઝાઇનને ઉલટાવી લેતી.

સ્વેટર તો ભૌતિક વસ્તુ પણ એમાં પરોવેલી પેલી હૂંફ ક્યાંથી લાવવી? જિંદગીની ડીઝાઈનને સુરેખ રાખવા માને કેવા અને કેટલા ખૂણાઓ સાંધવા પડ્યા હશે એ અર્થચ્છાયા હૈયાંને હલાવી દે છે. ખાવાની વાનગી તો ઠીક, હવે તો એની યાદમાં કોળિયો પણ નથી ઉતરતો એ ગર્ભિત ભાવથી હૃદય વીંધાઈ જાય છે. દીવા વગરનું પાણિયારું જ નહિ ઘર આખું અંધારમય ભાસે છે. આવીને અજવાળાં ફેલાવવાની અરજ આંખને ભીની કરી દે છે.આવી થોડું અજવાળું ફેલાવ, મમ્મી, પાછી આવ!’

કાવ્યત્વની પરાકાષ્ઠાએ પહોંચતી છેલ્લી પંક્તિ અદભૂત પ્રયોજી છે. વિરોધાભાસી અલંકાર છતાં એની સંવાદિતા તો જુઓ! વરસાદથી બચવા છત્રી માથે ધરાય,પણ અહીં તો કવયિત્રી કહે છે કે, માનો પાલવ છત્ર બની માથે એવો ફરતો કે અમે એનાં વહાલના વરસાદથી ભીંજાતા!  
છત્રી થાતો તારો પાલવ, અમે વહાલથી નીતરતા’તા. વાહ..વાહ..

અને છેલ્લી નાનકડી, એક એકરારની વાત અતિશય ધીરા ધીરા, કોમળ કોમળ, લાડભર્યા ભાવ સાથે આબાદ રીતે છતી કરી છે.

“ભોળી મા, તને સાચ્ચું કહી દઉં? અમે તને બહુ છેતરતાં’તાં..

ફરી આવીને ધમકાવ, મમ્મી, પાછી આવ!”

વાંચતાંવેંત સનનન કરતી આ લાગણી સોંસરવી ઉતરી જાય છે. સહૃદયી ભાવકથી એક ડૂસકું નંખાઈ જાય છે. દરેક વાચકને લાગે કે આ તો મારી  પોતાની અનુભૂતિ છે એ જ કલમની સિદ્ધિ.

પાંચેપાંચ અંતરામાં ક્રમબદ્ધ રીતે ભાવોને ઉઘાડ મળ્યો છે. પહેલાં અંતરામાં દૂર ગયેલી માને ફરિયાદ છે, ઘરની વેરવિખેર હાલતનું બયાન છે, બીજાં અંતરામાં નર્યો સૂનકાર અને અભાવ છે, ત્રીજા અને ચોથામાં  પ્રવૃત્ત માતાનું વંદનીય ચિત્ર છે અને છેલ્લે હેતની હેલી વરસી છે. એટલું જ નહિ, અજાણપણે માને છેતર્યાનો એકરાર છે અને એ માટે ડંખતા દિલને વઢ ખાવાની તૈયારી પણ છે જ. આમ, મન મૂકીને ઠલવાયેલી આખી રચના ધન્યવાદને પાત્ર છે. કવયિત્રી યામિનીબહેનને ખૂબ ખૂબ અભિનંદન. વધુ ને વધુ સુંદર કવિતાઓ આપતા રહે તેવી શુભેચ્છા.

અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ

રસદર્શનઃ ૨૪- રાત પડી ગઈ..રક્ષા શુક્લ

ગીતઃ કવયિત્રી રક્ષા શુકલ..રસદર્શનઃ દેવિકા ધ્રુવ

પડતાં ‘ને આખડતાં ક્યારે અર્ધે રસ્તે રાત પડી ગઈ.
અંધારા ઓળંગી ઊભી, ચોરેચૌટે વાત ચડી ગઈ.

સમી સાંજના પાદર પ્હોંચી પગમાં એક ઉચાટ લઈને,
મૃગજળને જોયા મેં જળમાં ઇચ્છાઓની ફાંટ લઈને.
પળ બે પળના ઝળહળ સથવારે ઊભી હું વાટ લઈને,
ફૂલોમાંથી ફૂટ્યાં વેરી કાંટાઓ પણ કાટ લઈને.

અધ્ધર-પધ્ધર, ઊંચા જીવે ઓઢેલી નિરાંત નડી ગઈ.
પડતાં ‘ને આખડતાં ક્યારે અર્ધે રસ્તે રાત પડી ગઈ.

સૂનમૂન ભીંતોમાં સંતાતી આંખ, આંખથી ખરે ઝૂરાપો,
સૂરજના અણસારે નળિયાંમાં અટવાતી રાતો માપો.
અટકળનું ઓઠીંગણ પ્હેરે, અવાક્ ‘ને અધખૂલો ઝાંપો.
ભાગેડું સપનાં ઓળંગે પાંપણ ત્યાં તો આવે ખાંપો.

ધરપતનાં કાંઠે બેઠેલી વેળુ જેવી જાત દડી ગઈ.
પડતાં ‘ને આખડતાં ક્યારે અર્ધે રસ્તે રાત પડી ગઈ.

રસદર્શનઃ દેવિકા ધ્રુવ

સુંદર મઝાના લયમાં લખાયેલ  ઉપરોક્ત ગીતની સિદ્ધહસ્ત કલમ છે રક્ષાબહેન શુક્લની. રક્ષાબહેન એટલે એક એવાં કવયિત્રી જેમને છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત વિવિધ પ્રકારના પારિતોષિક મળતાં રહ્યાં છે. મુખ્ય મુખ્ય ઉલ્લેખો કરું તો ‘કુમાર’ તરફથી કમલા પરીખ પારિતોષિક, સંસ્કાર ભારતી ૨૦૧૯નો સાહિત્ય માટેનો ‘સંસ્કાર વિભૂષણ એવોર્ડ’, સ્વ. શ્રી રીતાબેન ભટ્ટ સ્મૃતિ કવયિત્રી સન્માન (૨૦૧૯), ૨૦૧૭માં કવિ તરીકેનો રાજયકક્ષાનો બ્રહ્મ ગૌરવ એવોર્ડ’ અને GLS યુનિવર્સિટી તરફથી CWDC રાષ્ટ્રીય સન્માન.

ગીતની શરૂઆતમાં જ કવયિત્રી જીવનનાં એક સનાતન સત્યને  અતિ મૃદુતાથી સ્પર્શી લે છે.

પડતાં ‘ને આખડતાં ક્યારે અર્ધે રસ્તે રાત પડી ગઈ.
અંધારા ઓળંગી ઊભી, ચોરેચૌટે વાત ચડી ગઈ.

તડકા છાંયડા વચ્ચેનું જીવન પણ દિવસ-રાતની જેમ કેવું વહેતું જાય છે? એનીયે રાત પડે છે.

વાંચતાં વાંચતાં જ મનમાં ગણગણી લેવાય અને સાથેસાથે પગના ઠેકા પણ આપમેળે જ લેવાતાં જાય એવો મઝાનો લય ભાવકને આગળના અંતરા તરફ વિવશપણે ખેંચી જાય છે. પડી આખડીને રાત સુધી પહોંચ્યા પછી, આ કઈ રાત અને કયા અંધારાં ઓળંગવાની વાત છે એ વિસ્મય પ્રથમ અંતરામાં ધીરે ધીરે ક્રમિક રીતે ઉઘડતું જાય છે.

સમી સાંજના પાદર પ્હોંચી પગમાં એક ઉચાટ લઈને,
મૃગજળને જોયા મેં જળમાં ઇચ્છાઓની ફાંટ લઈને.
પળ બે પળના ઝળહળ સથવારે ઊભી હું વાટ લઈને,
ફૂલોમાંથી ફૂટ્યાં વેરી કાંટાઓ પણ કાટ લઈને.

રાતની વાત કરીને એક સમી સાંજનું ચિત્ર ઉપસાવે છે! શું એ  રાતનું સપનુ હતું? કે અતીતની સ્મૃતિ?

પાદર પહોંચતાં આ  ઉચાટ શેનો છે? અવનવા અર્થોની છાયાઓ ભાવક ચિત્તમાં અનાયાસે સ્ફૂરી આવે છે. ઝણઝણાટી કરાવી આપતાં શબ્દો તો જુઓ? એક તો મૃગજળ અને તેમાં પણ ઇચ્છાઓની ફાંટ !! આહાહા… શું ચોટદાર અભિવ્યક્તિ છે! વળી એ વિષાદના ભાવને અનુરૂપ ‘ઊભી હું વાટ લઈને’, ‘કાંટાઓ પણ કાટ લઈને’ જેવું નવીન કલ્પન પણ  ખૂબ દાદ માંગી લે છે. કશુંક મનવાંછિત જોવા/મળવાને બદલે આવું ચિત્રણ પછી કાવ્યની નાયિકા હકીકતને વધાવી મનને મનાવી લે છે, જાણે સમાધાન કરતાં કહે છે કે, ‘અધ્ધર-પધ્ધરઊંચા જીવે ઓઢેલી નિરાંત નડી ગઈ.‘ માંડ કરતાં આંખ મળી ને એ સપનું હોય કે દિવાસ્વપ્ન;  અતીતની યાદો પણ હોઈ શકે; પણ હતો કેવળ ઉદ્વેગ. એ શેનો હતો એ ભાવ હવે બીજા અંતરામાં એક કાવ્યાત્મક વાર્તાની રીતે વધુ ઘેરો બને છે.

સૂનમૂન ભીંતોમાં સંતાતી આંખ, આંખથી ખરે ઝૂરાપો,
સૂરજના અણસારે નળિયાંમાં અટવાતી રાતો માપો.
અટકળનું ઓઠીંગણ પ્હેરે, અવાક્ ‘ને અધખૂલો ઝાંપો.
ભાગેડું સપનાં ઓળંગે પાંપણ ત્યાં તો આવે ખાંપો.

 આ ચારેચાર પંક્તિઓનો શબ્દેશબ્દ સોંસરવો ઉતરે છે. આગળ પાદરમાંથી કવિતા હવે ઘરની અંદર પ્રવેશે છે જ્યાં ભીંતો સૂનમૂન છે,ખાલીખમ છે, મનમાં જે ચહેરા ને આંખ છે તે જાણે સંતાતી ફરે છે અને તેમાંથી પણ નર્યો ઝૂરાપો જ ખરતો વરતાય છે. નળિયામાં અટવાતી રાતો દ્વારા વેદના ટપકે છે. અધખુલા, મૌન ઝાંપામાંથી અટકળો યે ઘણી થઈ જાય છે. અહીં શબ્દોનું ઔચિત્ય  માણવા જેવું છે. અટકળનું ઓઠીંગણ પ્હેરે, ‘ભાગેડું સપનાં ઓળંગે પાંપણ’ કેવું ગોઠવાઈ જાય છે? ઝુરાપો, માપો, ઝાંપો ની સાથે ખાંપોનો પ્રાસ પણ ખોદ્યા પછી પણ રહી ગયેલાં મૂળિયાંનો ઊંડો, ગર્ભિત અર્થ સુપેરે પ્રગટ કરે છે.

 અહીં મને કવિ શ્રી મકરંદ દવેની ગઝલ ‘છતાં’નો કંઈક આવી જ સંવેદના નીતરતો એક શેર સાંભરી આવ્યો.

આવવાનું કહી ગયા છે એ બધું મેલી, છતાં –
તોરણો છે, સાથિયા છે, ખુલ્લી છે ડેલી, છતાં –

છેલ્લે ‘ધરપતનાં કાંઠે બેઠેલી વેળુ જેવી જાત દડી ગઈ.’ કહી ધ્રુવ પંક્તિ ‘અર્ધે રસ્તે રાત પડી ગઈ.’ સાથે ભળી જાય છે. જાતને ‘વેળુ’ શબ્દમાં વર્ણવી, વ્યક્તિત્વની નરમાશ તો વ્યક્ત કરી છે જ પણ નિયતિના નિયમોની  સમજણપૂર્વકની સ્વીકૃતિ પણ કરી દીધી છે.

 વાતવાતમાં, એક અભિવ્યક્તિમાં આ કવયિત્રીએ કહ્યું છે તેમ કવિતાકાર્ય એ તેમનું સૌથી વધુ ગમતું સ્વરૂપ છે અને તેમાં પણ ગીતો તો સવિશેષ. એ કહે છે કે, “જિંદગીએ આપેલા ખુશીના અવસરો કે એની લોહીઝાણ સફરઅચાનક ટપ દઈ ખોળામાં ટપકી પડતી કાચી કેરી જેવી કોઈ ગમતીલી ક્ષણો કે ઉઝરડાતા શ્વાસોમાંથી ઉઠતી બેવડ વાળી નાખતી પીડાએ મને હંમેશા કલમ પકડવા મજબુર કરી છે.”  મને ખાત્રી છે કે કદાચ એટલે જ તો  ભીતરની સંવેદનાઓનું બારીક નક્શીકામ તેઓ કરી શકે છે. 

આ આખા ગીતમાં દૂરથી આવતાં સંગીતનો લય છે, ભાવોનું સાતત્ય છે, એ ક્રમબધ્ધ રીતે ઉઘડે છે, વહેતો રહે છે અને વિરામ પામે છે. કાવ્યાત્મકતાથી સભર વ્યંજના અને લક્ષણા તો છે જ પણ ચિત્રાત્મકતા પણ કલામય છે. પ્રાસનો  સહજ વિનિયોગ મોટું જમા પાસું છે. શબ્દપ્રયોગ અને અલંકારોનું ઔચિત્ય પણ ગીતને સુંદરતા અને ગૂઢાર્થને ઊંડાણ બક્ષે છે.

 ફરી ફરીને માણવું ગમે એવા આ ગીત માટે રક્ષાબહેનની કલમને ખૂબ ખૂબ અભિનંદન.
સાહિત્યવિશ્વમાં તેમની કવિતાઓ પોંખાયાં કરે એ જ શુભેચ્છા.

અસ્તુ.

રસદર્શનઃ ૨૩ઃ શતદલ

શતદલઃ

શતદલ પંખ ખીલત પંકજ પર,
         હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બૂંદ સરક દલ વાદળ, 
        ભીંજત બદન નર નાર નવલ પર.


ઘનન ઘનન ગરજત નભમંડળ,
         કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
   છલ છલ છલકત જલ સરવર પર,
         નાચત મંગલ મયૂર મનોહર.


સર સર સૂર સજત દિલ મોહક,
          ભૂલત ભાન વનરાવન ગોપક.
  પલપલ શબદ લખત  મનભાવન,
           ઝરત કવન મન કરત પાવન.


હરિત રંગ ધરા ધરત અંગ પર,
           સોહત સુંદર સદ્યસ્નાત સમ.
   મસ્ત મસ્ત  બરસત અવિરત ઝર,
               ઝૂલત ઝૂમત શતદલ મધુવન પર.

– દેવિકા ધ્રુવ

રસદર્શનઃ રાજુલ કૌશિક

કાવ્ય એટલે શું? કોઇપણ ગુજરાતી ભાષાના વર્ગમાં ભણાવવામાં આવતું પદ્ય? એક રીતે જોઈએ તો  આ વાત આપણને એટલા માટે સાચી લાગી કે સાવ નાનપણથી સ્કૂલમાં ગુજરાતીના વર્ગમાં ભણતા ભણતા કવિતાની ઓળખ થઈ. એક સાદી સમજ એવી હતી કે કાવ્યમાં છંદ, અલંકાર, માત્રામેળ, શબ્દમેળ અને ઘણા બધા નિયમો તો હોય જ..

પણ ક્યારેક અનાયાસે સાવ સરળતાથી સર સર વહી જતા શબ્દોમાં ય જે કાવ્યતત્વ હોય છે એ તો જ્યારે જાણીએ અને માણીએ ત્યારે જ એ સમજાય. આજે એક એવા જ સર સર વહી જતા શબ્દોમાં વહી જતું કાવ્ય માણવાનો અવસર મળ્યો.

હ્યુસ્ટન સ્થિત દેવિકા ધુવનું ‘શતદલ’ કાવ્ય સાવ સરળ, સહજ અને તેમ છતાં મનને સ્પર્શી જાય એવી રચના છે. કેટલાક કાવ્યો એવા હોય જેની સમીક્ષા જાણે શાસ્ત્રીય પધ્ધતિથી જ કરી શકાય.  જ્યારે કેટલાક કાવ્યો એવા ય હોય જેનો આસ્વાદ દિલથી થાય. ‘શતદલ’ એવી જ રીતે દિલથી આસ્વાદી શકાય એવું કાવ્ય છે જે ધીમે ધીમે ખુલતી કમળની પાંખડીઓની જેમ ખુલે છે.

ઉઘડતી સવારે ખુલતા કમળને જોઈને જે પ્રફુલ્લિતા અનુભવાય એવી જ કોઈ અનુભૂતિ આ કાવ્યથી થાય છે. કાવ્ય પણ ઉઘડતી સવારની જેમ જ હળવે હળવે ઉઘડે છે.

શતદલ પંખ ખીલત પંકજ પર,
         હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ, 
        ભીંજત બદન નર નાર નવલ પર.

પાણીના ઘેરા નીલા રંગ પર ખીલતા કમળને જોઈને પારણાંમાં પોઢેલા કૃષ્ણના શ્યામ ચહેરા પર હસી રહેલા નયનની ઝાંખી થાય એવી કેવી મઝાની કલ્પના ? ચહેરો તો હસે પણ આંખો ય હસતી હોય એ ચહેરો ય કેટલો વ્હાલસોયો લાગે ! આગળ વધતા કવયિત્રીએ વળી એક વાત વહેતી મુકી છે. અહીં પાણીથી તરબતર વાદળમાંથી અનરાધારે વરસતા વરસાદના બદલે બુંદે બુંદે સરકતી જળધારાથી ભીંજાતા નર નારીનું ચિત્ર જાણે તાદ્રશ્ય કર્યું છે જેમાં વાચક પણ ભીંજાતો હોય એવું અનુભવે.

ઘનન ઘનન ગરજત નભમંડળ,
         કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
   છલ છલ છલકત જલ સરવર પર,
         નાચત મંગલ મયૂર મનોહર.

હવેની પંક્તિઓમાં સાવ બે અલગ જ છેડાની વાત કરી છે અને તેમ છતાં જાણે એ એકમેકના પૂરક હોય એવું અભિપ્રેત છે. ચારેકોર ઉમટેલા ઘનઘોર વાદળોમાંથી ઉઠતી ગાજવીજની સામે વૃક્ષ પર બેઠેલા કોઈ પંખીનો કલરવ ક્યાં કોઈને સંભળાવાનો છે ? તેમ છતાં એ કલરવ ક્યાંકથી તો ઉઠ્યો જ છે અને એ સંભળાયો ય છે. એનો અર્થ એ કલરવની પ્રતીતિ ઝીલવાની બારીકી ય હજુ આપણામાં અખંડ છે અને બીજી મઝાની વાત તો અહીં એ જોઈ કે ઘનન ઘનન ગરજત, કરત કલરવ, છલ છલ છલકત , જલ, સરવર જેવા કાના-માત્રા વગરના શબ્દો પ્રયોજીને પણ એક લય ઉભો કર્યો છે.

સર સર સૂર સજત દિલ મોહક,
          ભૂલત ભાન વનરાવન ગોપક.
  પલપલ શબદ લખત  મનભાવન,
           ઝરત પ્રીત મન કરત પાવન.

ત્રીજા અંતરામાં  દિલને મોહી લેવા એવા સૂરથી ભાન ભૂલતા વનરાવનના ગોપકોની વાત કરે છે ત્યારે વૃંદાવનના બદલે વનરાવન, શબ્દના બદલે શબદ જેવા તળપદી શબ્દપ્રયોગ યોજીને જ જાણે આંખ સામે ગોકુળ ખડું કરી દીધું છે અને જ્યાં ગોપની વાત આવે ત્યાં કૃષ્ણની હાજરી તો વર્તાવાની જ ને? એમનો સીધો ઉલ્લેખ નથી કર્યો તેમ છતાં પાવન પ્રીતની વાતથી એ અહીં છે જ  એવી પ્રતીતિ તો થાય છે જ.


હરિત રંગ ધરા ધરત અંગ પર,
           સોહત સુંદર સદ્યસ્નાત સમ.
   મસ્ત મસ્ત  બરસત અવિરત ઝર,
               ઝૂલત ઝૂમત શતદલ મધુવન પર.

આમ જોવા જઈએ તો આ આખું કાવ્ય જ વરસાદી કાવ્ય બનીને ઉભર્યું છે. વરસી રહેલા અને વરસી ગયેલા વરસાદ અને એ પછીની લીલીછમ સદ્યસ્નાતા જેવી ધરતીનું મનોરમ્ય સૃષ્ટિનું વર્ણન જ આપણને મસ્ત મસ્ત કરી દે છે અને જ્યારે રાજી થઈને ઝૂલી રહેલા ફૂલોથી શોભી રહેલા મધુવનની વાત આવે ને ત્યારે તો આપણે પણ એક આહ્લાદક અનુભૂતિથી ઝૂમી ઉઠીએ…

આવા સાવ સહજ તેમ છતાં શબ્દોથી અનુભવી શકાય એવાં લયબદ્ધ કાવ્ય માટે દેવિકાબહેનને અભિનંદન.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

રસદર્શનઃ૨૨ ‘બાકી છે.’

ગઝલ “બાકી છે”– દેવિકા ધ્રુવ

જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે?
ઘણી વીતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે. 

જમાનો કેટલો સારો, બધું સમજાવતો  રે’છે!
દીવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે ! 

સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો.
સતત મંદિરની ભીંતો કહે છે ‘ધર્મ બાકી છે.’ 

 ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન પણ, હાય,  દર્દ બાકી છે. 

જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,
ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.

 -દેવિકા ધ્રુવ

****************************************

રસાસ્વાદ- ગઝલકાર શ્રી સતીન દેસાઈ ‘પરવેઝ’

અસ્તિત્વના વાસ્તવને ધ્રુવ તારા સમા ઝબકારે પરોવતા દેવિકા ધ્રુવ હ્યસ્ટન અમેરિકાથી ઉપરોક્ત ગઝલ મને હસ્તગત કરાવે છે.

“જીવન કે મોત વિશે ક્યાં કશો યે અર્થ બાકી છે? 
ઘણી વીતી, રહી થોડી, છતાં યે મર્મ બાકી છે.” 

અનાદિકાળથી વહી જતો સમય જીવન અને મોતના બે ધ્રુવ ખંડમાં વિભાજિત થઈ એની રહસ્યલીલા કરે છે. જે વિશે આપણી બુધ્ધિ અભણ સાબિત થાય છે. જ્યારે  એને ખોલતું ચૈતન્ય જવલ્લે જ કોઈ દૈવી જીવને હસ્તગત થાય છે.એટલે જીવન અને મોતના તાદ્રશ્ય વાસ્તવમાં રાચતા જીવ પાસે ઉપરોક્ત ઉદગાર સિવાય અન્ય ક્યાં કોઈ વિકલ્પ હોય છે? હા.એના સંતોષ ખાતર હજી એ બેની વચ્ચે એના હોવાનો જે મર્મ અકબંધ છે..એને આ કવયિત્રીએ આમ કહી ખોલી આપ્યો છે. 

“ઘણી વીતી,રહી થોડી, છતાં યે મર્મ બાકી છે.” 

ખરા અર્થમાં અસ્તિત્વનું હોવું જ  અકળ સમજણના પડદાઓને ચીરી ડોકિયાં કરવાની નિરર્થક મથામણ જ છે. એથી જ ઉર્દૂના શાયર ફાની બદાયુની આમ કહે છે. 

“ઈક મુઅમ્મા હૈ, ન સમજને કા,ન સમજાને કા.
જીંદગી કાહે કો હૈ ખ્વાબ હૈ દીવાને કા.” 

અર્થાત..જીંદગી એક એવી પહેલી છે જે સમજી કે સમજાવી શકાતી નથી. 

“જમાનો કેટલો  સારો, બધું સમજાવતો રે’ છે, 
દીવા જેવું બતાવે લો, કહો ક્યાં શર્મ બાકી છે.” 

શેરમાં વક્રોક્તિ નિરૂપણ જ્યારે અનુભૂતિ આવરણને ઉતારી સન્મુખ થાય છે.ત્યારે જીવન વિશેનું જે શર્મનાક ચિત્રણ ખડું થાય છે.એ ઉપરોક્ત  શેરમાં અનુભવી શકાશે. આમ તો જમાનો એની કનિષ્ઠતાનો જ દીવો ધરી આપણને અજવાળવાની જગાએ દઝાડે છે. પણ આ દાહને પણ સકારાત્મક ઝીલતા આ કવયિત્રી જમાનાનું ઋણ સ્વીકારતા કહે છે કે એ રીતેય એ આપણી આંતર દૄષ્ટિ ઉઘાડી આપણને એહસાસ કરવા કહે છે કે એમાં પ્રવર્તમાન બેશરમ એની પરાકાષ્ટાએ હોય છે.એની સામે બાઅદબ વર્તનાર વ્યક્તિ તો મારા આ શેર જેમ આમ જ કહેશે.  

“ઓ અદબ આ આગવું પ્રમાણ જોઈ લે. 

ઊંચકે  નકાબ  એ, ને  લાજિયેં  અમે .”        સતીન દેસાઈ “પરવેઝ” દીપ્તિ”ગુરૂ” 

કવયિત્રી હવે પછીના શેરમાં ધર્માધંતાને મુખરિત કરવા નવ્યશૈલીમાં મંદિરની નિશ્ચેત દીવાલોમાં શ્રધ્ધાનું તત્વ પરોવે છે. આમ તો દીવાલ એ શ્રધ્ધા કરતા નડતરનું જ કાવ્યાત્મક પ્રતીક છે. પણ કવયિત્રીએ મંદિરની દીવાલો હોવાથી એને પ્રાણવંત કરવા મથે છે..પણ એ દીવાલોમાં નિત્ય ભાંગતી ભક્તિ શ્રધ્ધાને બચાવવા જાણે એ જ દીવાલો પુનઃ એ શ્રધ્ધા મંત્ર ફૂંકે છે “હજી સુધી તો ધર્મ ક્યાં મરી પરવાર્યો છે?” આમ આ શેરની બે પંક્તિઓમાં દીવાલ અને ભીંત સમાનાર્થી શબ્દનો કવયિત્રીએ શ્લેષ ઉપજાવી શેરને મમળાવતો કરી દીધો છે. 

સદા તૂટ્યા કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો, 
સતત મંદિરની ભીંતો કહે છે ” ધર્મ બાકી છે.”

 ‘બાકી’ રદીફ નિરૂપી આ કવયિત્રી આપણને જે કંઈ તત્વ હજી યે સલામત અને હાથવગું છે .એને જ માણી સકારશૈલીમાં નિર્વાહિત થવા માટેની પ્રેરણા આપે છે.જેને સમર્થન આપતો ચોથો શેર ખુશી, શાંતિ અને પ્રીતિના ત્રિગુણિયલ અભાવમાં પણ દર્દની અમીરાઈએ આપણને જાહોજલાલી માણવા માટે આમ હાકલ દે છે.  

“ખુશી શાંતિ અને પ્રીતિ ત્રણેની છે અછત અત્રે,
 મથે છે રોજ તો ઈન્સાન પણ હાય દર્દ બાકી છે.”

 ઉપરોક્ત ત્રણ સંતૃપ્તિકારક તત્ત્વ કાજે મથતો માનવ એની દર્દની મૂડી જાળવી શક્યો છે..એ જ એનું અહોભાગ્ય ગણાય.

 કવયિત્રીએ ઉપરોકત ગઝલના કાફિયાઓ જેવા કે અર્થ, મર્મ કે શર્મ વિગેરેમાં અર્ધ  રકારના જ રણકારે અસ્તિત્વના સારત્વને ઝણઝણાવ્યું છે. અંતે માનવની મિથ્યા કર્મફલિતાની અભિલાષા વિશે સર્વ વિદિત એવી ગીતાના કર્મ અધ્યાયની જ આકાશ વાણી આ કવયિત્રી અંતિમ શેરમાં ચૌદમા ભવનની ચિત્રાત્મકતામાં જ હાસ્યાત્મક રીતે રેલાવે છે. ચાલો, શેર જોઈએ. 

“જુએ છે કોક ઊંચેથી હસી ખંધુ, કહી બંધુ, 

ફળોની આશ શું રાખે હજી તો કર્મ બાકી છે.” 

  આસમાની ચરમનો એ દૄષ્ટા અમાનવીય કર્મિતા પર જે પ્રકારના માર્મિક કટાક્ષ કરતા હોય એક  એની જ સાક્ષાત દર્શના કવયિત્રી નામે દેવિકા ધ્રુવે કરાવી છે.

સતીન દેસાઈ “પરવેઝ”દીપ્તિ”ગુરૂ”

************************************************************

રસદર્શનઃ૨૧ઃ જેવી મળી આ જીંદગી..

રસદર્શનઃ સપના વિજાપુરા…

જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.

આવે કદી હોંશે અહીં,ઇચ્છા ઘણી સપના લઇ,
માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે.

ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે
.

જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.

બાંધી મૂઠી છે લાખની,ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે.

પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે ?

હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે
.

હ્યુસ્ટનના નિવાસી દેવિકા ધ્રુવ સાહિત્ય પ્રત્યે પ્રેમ રાખે છે. એમણે ગુજરાત યુનિવર્સિટી માં સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં ડિગ્રી મેળવી હતી.એમણે પ્રથમ રચના ૧૫ વર્ષની ઉંમરે. ૧૯૬૮માં કાવ્યપઠન કરી હતી. આ સ્પર્ધામાં શ્રી ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ મેળવ્યું હતું. .એમના ત્રણ કાવ્યસંગ્રહ ૧. ‘શબ્દોને પાલવડે’-સંવાદ પ્રકાશન-૨૦૦૯૨. ‘અક્ષરને અજવાળે’-(ઈબૂક-૨૦૧૩)૩.’ કલમને કરતાલે ‘–૨૦૧૭ ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા પ્રકાશિત થયા છે.એમની આ ગઝલ મેં ફેઈસબુક પર વાંચી અને મને ખૂબ ગમી ગઈ. આ ગઝલ એક સંદેશ આપી જાય છે .

ચાલો એમના એક એક શેરમાંથી પસાર થઈએ!

જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.

શું આપણે આપણી પસંદથી જિંદગી જીવી શકીએ છીએ? શું આપણી મરજી પ્રમાણે દુનિયા ચાલે છે? શું જે ઇચ્છીએ એ આપણને મળી જાય છે? જવાબ ના માં આવશે. તો મત્લા નો શેર આપણને આજ શીખવી જાય છે. જેવી જિંદગી ઈશ્વરે આપણને આપી જીવી જવાની હોય છે! જે નથી મળ્યું એનો અફસોસ કરવા કરતા જે મળ્યું છે એ સાથે મળીને શણગારવાની હોય છે. ફેઈસબુક પર એક ગરીબ ચીંથરેહાલ બાળકનો હસતો ફોટો કોઈએ મૂકેલો શું સુખદુઃખ આપણે નક્કી કરતા હોઈએ છીએ? એ ગરીબ બાળક પાસે હસવાનું શું કારણ છે ? પણ હસે છે. સ્વીકારની ભાવના બતાવે છે. આનંદ નો ડાયલોગ પણ યાદ આવી ગયો. ” બાબુ મોશાય હમ સબ રંગમંચકી કઠપુતલીયા હૈ હમારી ડોર ઉપરવાલેકે કે હાથમે હૈ કબ કિસકી ડોર ખીચેગી ક્યાં પતા !” બસ તો આપણી કોઈ પસંદગી નથી. જે ઈશ્વર આપણા માટે નક્કી કરે એ રીતે જીવી જવાનું હોય છે. પણ ખરાબ કામ કરવું હોય તો એ તમારી પસંદગી છે.આવે કદી હોંશે અહીં,ઇચ્છા ઘણી સપના લઇ,માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે. ઈચ્છાઓ પ્રગટે અને ઈચ્છાઓ પણ પણ ક્યાં બધી પૂરી થાય છે? ઈચ્છાઓ સપના જગાવે છે! પણ ધાર્યું તે ધણીનું થાય એમ દરેક ઈચ્છાઓ પણ પૂરી થતી નથી. અંગ્રેજીમાં એક કહેવત છે કે Man prapose and God despose !માણસ ઈચ્છા પ્રગટ કરે છે અને ઈશ્વર એનો નાશ કરે છે . જિંદગી ફૂલોની સેજ નથી. હર કદમ એક નયા ઈમ્તેહાન હૈ!

ના દોષ દો,ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.

વળી આશ્વાસન રૂપે કવયિત્રી કહે છે કે તમે ઇન્સાન, ભગવાન કે કિસ્મતને દોષ ના દો! જિંદગીને તમારે પળ પળ દુલ્હનની જેમ સત્કારવાની હોય છે. જે નથી મળ્યું એના માટે કોને દોષ દેવો? કિસ્મત લાખાવાવાળાને? કે પછી ઘરના માણસોને જેને તમારા માટે નિર્ણય લીધા છે એને ? કે પછી ભગવાનને? પણ જે તમારા નસીબમાં છે એ તો તમને મળવાનું જ છે તો પછી દોષ શા માટે? અને ઘણીવાર મરજીનું મળી જાય તોય એ લાંબુ ચાલતું નથી તો પછી કોને દોષી માનવા?

જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.

વરસાદ પહેલાનું દ્રશ્ય કેવું સોહામણું લાગતું હોય છે! આભ અને વાદળ જાને એકબીજામાં સમાઈ જવા માગતા હોય એવું લાગે છે! બંને ભેગા થઈને સૂરજને ઢાંકી દે છે. જાણે જન્મોજન્મની પ્રીત! પણ થોડીવારમાં આકાશમાંથી અનરાધાર વરસાદ તૂટી પડે છે. આકાશ સ્વચ્છ નિર્મળ થઇ જાય છે. વાદળી સાથ છોડી દે છે! ફરી એજ જૂનો પ્રેમ સૂરજ અને ચાંદ આવી પહોંચે છે. વાદળી તરછોડીને ચાલતી થાય છે! જે સંબંધ ક્ષણિક હોય તેનો શો ભરોસો કરવો?

બાંધી મૂઠી છે લાખની,ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે.

કોઈ ના રહસ્ય એ આપણી અમાનત છે. કોઈએ કહેલી વાત આપણા હ્દયમાં અકબંધ રહેવી જોઈએ. જ્યા સુધી એ વાત હ્દયમાં છે એની કિંમત છે પણ જેવી વાત બહાર આવી એવી એ વાત રાખની થઇ જશે. એટલે જિંદગીમાં ઉતાવળિયા પગલાં ભરવા કરતા શાંતિથી કામ લેવું સારું ! શાંતિની રેખા સરજાવવાની હોય છે.

પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે ?

જે લોકોને જીવનનો અર્થ મળી ગયો એ લોકો જીવનમાં સફળતા મેળવી ગયા. જેમકે પથ્થર જેવા પથ્થર પણ દેવાલયે જઈને ઉચ્ચ સ્થાન પામી પૂજાય ગયા. પણ જે લોકો જીવિત છે છતાં જેવું જીવન મૃત કરતા પણ વધારે ખરાબ છે એ લોકો વિષે શું કહેવાનું?

હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.

મક્તાના શેરમાં કવયિત્રી પોતાની પાસે જે કાંઈ છે ખુશી કે સમૃદ્ધિ બધું ખોબો કરીને રાખવાની વાત કરે છે. આ બધું જ ખુશી સમૃદ્ધિ બધું વહેંચવાનું હોય છે. અપને લિયે જીયે તો ક્યાં જીયે ! બધાને સાથે લઈને ચાલીએ તો આ વિશ્વ કેવું રૂપાળું બની જાય? શું આપણા ઘરે કામ કરતી બાઈ હોય કે મોહલ્લામાં રમતો ફાટેલાં કપડાં પહેરેલો દીકરો હોય. એ લોકો ના માથા પર પ્રેમથી હાથ મૂકો એની ભૂરી આંખોમાં આંસુ સાથે સ્મિત દેખાશે! ઈશ્વર તો બધાને આપવા બેઠો છે પણ પોતે નથી આપતો લોકો પાસે અપાવે છે . શું ખબર કદાચ તમે એ લકી વ્યક્તિ હો!

આભાર દેવિકા સુંદર ગઝલ માટે!

સપના વિજાપુરા

રસદર્શનઃ૨૦ઃ અઢી અક્ષરનું ચોમાસુંઃ ભગવતીકુમાર શર્મા

કવિતાઃ ભગવતીકુમાર શર્મા

રસદર્શનઃ દેવિકા ધ્રુવ

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે
,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને
, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
અડધા અક્ષરનો તાળો જો મળે
, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ભગવતીકુમાર શર્મા

 રસદર્શનઃ

રણજીતરામ સુવર્ણચંદ્રક પામેલ શ્રી ભગવતીકુમાર શર્માએ સાહિત્યકાર અને પત્રકાર તરીકે સાહિત્યક્ષેત્રે અદભૂત પ્રદાન કર્યું છે.

ચોમાસાના આ ઝરમરતા દિવસોમાં તેમની કવિતા ‘અઢી અક્ષરનું ચોમાસુ’ યાદ ન આવે તો જ નવાઈ. દેખીતી રીતે  આ કવિતા શરૂઆતથી જ અક્ષરોની ગણતરી કરતી ચાલતી હોય તેમ લાગે. પણ હકીકત એવી નથી. કારણ કે, કવિતા એ સંવેદનાની અર્થસભર અભિવ્યક્તિ છે, ગણિત નથી.

ત્રણ અંતરામાં લખાયેલ આ ગીતની ધ્રુવપંક્તિ કઈ છે? “ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

અઢી અક્ષરનું ચોમાસુ કહેવા પાછળ આ જ મુખ્ય ભાવ છે. આમ તો ચોમાસુ એ શબ્દ ત્રણ અક્ષરનો બન્યો છે. અઢી અક્ષરનો નહિ. ધાર્યુ હોત તો કવિ અહીં અઢી અક્ષરનો ‘વર્ષા’ શબ્દ ગૂંથી શક્યા હોત. પણ તેમ નથી કર્યું, સહેતુક ચોમાસુ શબ્દ વાપર્યો છે. કેમ? કારણ કે, કોયડા જેવી લાગતી આ અડધી પંક્તિમાં કવિ એમ પ્રસ્થાપિત કરી રહ્યા છે કે ચોમાસાની ઋતુ તો અઢી અક્ષરના પ્રેમથી વરસાદ સમી છલકતી હોવી જોઈએ પણ તેમ નથી. હું અને તે એટલે કે  બે અક્ષરના ‘અમે’ દૂર છીએ. એકબીજાના વિરહમાં છીએ. પેલા અડ્ધા અક્ષરની ખોટ સાલી રહી છે. હે સજન, આવો અને એ ખોટને પૂરી કરજો તમે.

કેવી સફાઈપૂર્વક સમજાવ્યું છે કે, ‘ચોમાસુ’ શબ્દના ત્રણ અક્ષરો પર ધ્યાન કેન્દ્રિત ન કરો. ચોમાસુ એટલે કે, અઢી અક્ષરના પ્રેમથી છલકતી મોસમ, વરસાદથી તરબતર મોસમ… છો ને એ છલકતી હોય, મલકતી હોય પણ પ્રિય પાત્ર સાથે હોય તો જ સાચો સરવાળો થાય. ‘એક વત્તા એક એટલે બે’ એવું ગણિત કવિતામાં કે પ્રેમમાં ન મંડાય. અહીં મઝાની વ્યંજના અનુભવાય છે.

થોડી સમજવામાં પઝલ જેવી શરૂઆત કરીને ખૂબ જ ખૂબીપૂર્વક કવિ પહેલા અંતરામાં સરળ શબ્દો તરફ વળી જાય છે. એ કહે છે કે,

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે
,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

સમજવામાં સરળ પડે એ રીતે જુદી જુદી સંખ્યાયુક્ત અક્ષરસમૂહ પ્રયોજે છે. દા.ત વીજ. મોર,આકાશ. ઝરમર વગેરે ૨.૩.૪ અક્ષરોવાળા શબ્દોનો ઉપયોગ કરી વર્ષાઋતુનો માહોલ ઊભો કરે છે. આકાશમાં વીજળી ચમકે છે, ધીમો ધીમો ઝરમર ઝરમર વરસાદ પડે છે, મોરના ટહૂકાથી વાતાવરણ સારેગમપધની જેવા હાર્મોનિયમના સાત સૂરોની જેમ સંગીતમય બની જાય છે. પણ તે છતાં પેલા અડધા અક્ષરની ખોટ તો છે, તમે આવીને પૂરી કરજો. વિરહની વચ્ચે પ્રેમનો સંભળાતો આ લયબધ્ધ સૂર આપણને સ્પર્શ્યા વગર રહેતો નથી. પંક્તિને અંતે આવતા વીજ,ચીજના પ્રાસ પછી  ત્રીજી પંક્તિના છેલ્લાં શબ્દ ‘સમસમે’ માંના ‘સમે’ શબ્દને ધ્રુવ પંક્તિના ‘તમે’ સાથે સુંદર રીતે સજાવી દીધો છે.

આગળ બીજાં અંતરામાં પણ એ જ વાતને કવિ દોહરાવે છે. કહો કે, ભીતરના ગમને ઘૂંટે છે. એ વર્ણવે છે કે,
 ચાર અક્ષરના ધોધમારમાં છલબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

પ્રકૃતિએ માઝા મૂકી છે,વરસાદ ધોધમાર પડી રહ્યો છે, આપણાં ફળિયાં ઉભરાઈ ગયાં છે અને એ જ રીતે આંખોમાં આંસુ પણ. અહીં જુઓ કવિએ આંસુ કે વરસાદ શબ્દ વાપર્યો જ નથી. છતાં ધોધમાર અને ઝળઝળિયા જેવાં શબ્દો ઉચિત રીતે જ પ્રયોજીને નજર સામે વરસાદી દ્રશ્ય ચલચિત્રની જેમ ખડું કરી દીધું છે! ને પછી અતિ મૃદુતાથી, ધીરેથી સવાલ પૂછે છે કે, હવે તમે જ કહો કે, આવા આ વિયોગના ઘાવ કેમ જીરવાશે? હવે તો આવો ને પેલા અડધા અક્ષરની પડેલી ખોટ પરી કરજો.

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!


આ અંતરાના અંત્યાનુપ્રાસ, સંવેદનાની નઝાકતને ઉપસાવતા વધુ ધ્યાનાકર્ષક બની રહે છે અને દરેક અંતરાની ત્રીજી પંક્તિને ખૂબસૂરત રીતે મુખ્ય પંક્તિ સાથે જોડી દઈને ભાવને વધુ ઘાટ આપ્યો છે.

ઘણી વાર પ્રશ્ન જાગે છે કે, કોઈ સર્જક એવો હશે ખરો કે જેણે કુદરતના સૌંદયને નવાજ્યું ન હોય?  માણસ માત્ર જન્મથી માંડીને જીવે ત્યાં સુધી પ્રકૃતિની સાથે જ રહે છે. જાણે-અજાણે, કોઈ ને કોઈ રૂપે પ્રકૃતિ એની અભિવ્યક્તિનું એક માધ્યમ બની રહે છે. આ કવિતાનો ત્રીજો અંતરો ‘आषाढस्य प्रथम दिवसे કહેનાર  ‘મહાકવિ કાલિદાસના ‘મેઘદૂત’ તરફ ખેંચી જાય છે..

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

મેઘને સંદેશવાહક બનાવી મોકલનાર યક્ષની વિરહ વેદના જેવો ભાવ અહીં બરાબર વર્તાય છે.આ બે પંક્તિમાં શબ્દેશબ્દ સહેજ પણ આઘોપાછો ન કરી શકાય એટલો સમુચિત રીતે પ્રયોજ્યો છે. ‘મેઘાડંબર’ પાંચ શબ્દનો. મેહ બે અક્ષરનો અને તેની સાથે ભાવને યથાર્થ કરે તેવો ‘વ્રેહ’ શબ્દ ! વ્રેહ એટલે કે વિરહ, વિયોગ. હવે એ શબ્દ પાછો અઢી અક્ષરનો અને તેનું સંયોજન આબાદ રીતે અઢી અક્ષરના પ્રેમ સાથે કંઈક અંશે વિરોધાભાસી અને કંઈક અંશે ‘ભાગ્ય’ શબ્દ દ્વારા સજીવારોપણ અલંકારથી મઢી દીધો ને? આ બંને પંક્તિ મને તો આખી કવિતામાં શિરમોર સમી લાગી! અને આવા મનોભાવો પછી તેમાંથી બહાર આવીને એક પ્રકારની માનસિક સજ્જતા પણ પ્રગટ થવા દીધી છે. વેદનાની વાંસળીમાં એક મઝાનો આશાવાદી સૂર વહેતો કર્યો છે..

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

 અડધા અક્ષરનો તાળો ! કેટલી મોટી વાત? સાચું સાહિત્ય આ જ સંદેશ આપે છે કે, વેદનાને વલોવાવા દો, એને વ્યક્ત થવા દો પણ આખરે તો સ્વસ્થપણે સજ્જ થાવ. જે છે તે આ જ જીવન છે. એ અધૂરું લાગે તો પણ મધૂરું બનાવવાની કોશીશમાં રહો, એવી આશા રાખો. અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે એ દ્વારા કવિ એક સનાતન પ્રશ્ન પણ ગર્ભિત રીતે પૂછીને છોડી દે છે… જો મળે… કવિને જાણ છે જ કે એ  તાળો સ્થૂળ પ્રેમનો નથી. સૂક્ષ્મ વાત કેવા અનોખા અંદાજમાં કહી દીધી છે? જીંદગીની આ મથામણ એ તાળો મેળવવાની જ છે ને બધી!

 આમ, અઢી અક્ષરથી શરૂ થયેલ, ત્રણ અંતરામાં પથરાયેલ આ ગીત ચોમાસાના વરસાદની જેમ વિવિધ ધારે વહેતું થયું છે. આમાં વિરહની વેદના છે, પ્રેમની નઝાકત છે. આશાનો સૂર પણ સંભળાય છે તો સનાતન પ્રાર્થનાની આરત પણ ગૂંજે છે. આ બધું જ, લયબધ્ધ રીતે કવિતાના હાર્દને એની ઉંચાઈ સુધી લઈ જાય છે.

માત્ર સુરતના જ નહિ, સાહિત્યજગતના આકાશમાં સૂરજની જેમ ઝળહળેલાં ભગવતીકુમાર શર્માના પવિત્ર આત્માએ  ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનાની એક સવારે અનંતને પેલે પાર પ્રયાણ કર્યું હતું.

તેમની કલમને વંદન.

દેવિકા રાહુલ ધ્રુવ.

 

 

રસદર્શનઃ૧૮ઃસલૂણી સાંજ ઝળહળતી…

“આ સાંજ ઝળહળતી…!”

https://davdanuangnu.com/2020/08/13

સલૂણી સાંજ ઝળહળતી…દેવિકા ધ્રુવ
રસદર્શનઃ જયશ્રી મર્ચન્ટ
************************************************

સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો  અરે  સૂરજ, ન લાવો રાત ધસમસતી.

હજી  હમણાં  જ  ઉતરી  છે, બપોરે બાળતી ઝાળો,
જરા  થોભો  અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.

હવે   મમળાવવી  મારે  અહીં    કુમાશ  કીરણોની,
જરા  થોભી, ફરી  ખોલું  હતી બારી જે ઝગમગતી..

અહો   કેવી  મધુરી   સ્‍હેલ  આ   સંસાર  સાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.

કટુ  કાળી   અને   અંતે  જતી  અણજાણ   નિર્વાણે,
જરા  થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!

    • દેવિકા રાહુલ ધ્રુવ 

દેવિકા ધ્રુવ ના “આ સાંજ ઝળહળતી” નો આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટઃ

ગીતનો રુમઝૂમતો રણકાર, ગઝલની ગુલાબી ગઝલિયતથી સભર ગુફતેગુ, અને છંદની અસ્ખલિત પ્રવાહિતા લઈને આવેલું આ કાવ્યનું સૌષ્ઠવ અને વૈવિધ્ય એને એક “સર્વપ્રકાર સંયોજિતતા” ના Unique Category – આગવા પ્રકારમાં ઢાળે છે.

માનવીની સવારનો સમય એટલે હસતું રમતું બાળપણ જેને કલાકોની અવધિમાં જીવી જવાય છે. સવાર હજી તો ઊગીને આંખના પલકારામાં જ બપોરમાં આવર્તિત થઈ જાય છે. હજી તો જીવીને વાગોળીએ એ સવારની હૂંફાળી ઉષ્મા ત્યાં સુધીમાં બપોરના પગરણ મંડાઈ જાય છે અને પછીનું જીવન આખું ધોમધખતા બપોરના તાપ સમી જિંદગીને સહન કરવામાં વિતી જાય છે. કેટકેટલું આપણે આપણા જીવનના મધ્યાહ્નમાં જીવી જઈએ છીએ? કિશોરવસ્થામાંથી મુગ્ધાવસ્થાનો “દુનિયાની તમા આપણે કેમ રાખવી” ના તબક્કામાંથી જન્મે છે નવયૌવન. આ યુવાનીની મસ્તીના સમયમાં હ્રદયની મસ્તી પર પણ યુવાનીનો કેફ છવાય છે અને એ સાથે પ્રણયના પગરણ પણ થાય છે. કદીક પ્રેમ પરવાન ચડે છે તો કદીક નિષ્ફળ થાય છે. પ્રણય, પરિણય, કૌટુંબિક જવાબદારીઓ, વ્યાવસાયિકતા, સામાજિક જાગરૂકતા, સફળતા અને નિષ્ફળતા, આ બધાનો નિભાવ એક સમતોલન અને સંતુલન સાથે જીવનની બપોરી વ્યસ્તતામાં કરવાનો હોય છે!

જરા અળગાં થઈને જોઈએ તો આ કામ કેટલું કપરૂં લાગે છે, પણ આપણે તોયે જીવીએ છીએ. કેટકેટલું કરતાં, કરતાં, આપણે મધ્યાહ્નકાળની ઘરેડમાં જીવાતી જિંદગીમાં ઘડી બે ઘડી ઊભા રહીને પોરો ખાવાનો વિચાર પણ નથી કરતાં. સતત ભાગતી, દોડતી આ જિંદગીમાં જો બે ચાર ક્ષણો પણ થંભી ગયા તો કોઈ અદીઠ રેસમાં પાછળ પડી જઈશું અને આવા એક છાના ભયમાં જ આપણે દરેક પળમાં બસ ભાગતા જ રહીએ છીએ. ન જાણે એવી તે કઈ લાચારીનો ઓછાયો આપણને જિંદગીની પળોને માણતાં રોકે છે?

“હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી ઝાળો,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.”

કવિ અહીં કહે છે કે સૂરજ જરા ધીમા તપો, અટકો, થોભો અને શ્વાસ તમે પણ ખાઈ લો અને અમને પણ આ સમયનો સ્વાદ ચાખવા પૂરતું તો ઊભા રહેવા દો. વિતેલી સવારની કુંવારી કુમાશ પર પડેલાં પગલાંને પાછાં ફરીને એકવાર જોવા માટે પણ થંભો. દેખીતી રીતે કહેણ સૂરજ માટે છે પણ વાત પોતાના અંતર સાથે જ કરી છે. જીવનને ભરપૂર ગતિમાં જીવો, ગતિનો આનંદ માણો, સુખના સમયમાં સ્નેહીઓ સાથેના સમાગમમાં સૈર કરો અને દુઃખની પળને સ્વીકારીને, એનો પણ ઉત્સવ ઉજવતાં હો એમ જીવવું એ જ તો જિંદગી છે.

જીવનની આ સુખદુઃખની બારીને સદા ઝળહળતી રાખીએ અને આગળ જોતાં રહીએ પણ પાછળ ઘણું બધું જીવાયું છે, જીવી ગયા છીએ, એનો વૈભવ માણવાની હવે આ ઢળતી સાંજે જે મઝા છે એને માણ્યા વિના આ ધરતી પરથી એમને એમ કેમ વિદાય લેવાય? સાંજ પડી ગઈ છે, રાતની કાળાશનો મહાસાગર પાર કરીને ક્ષિતિજની પેલે પાર જવાનું જ છે, એ નિશ્ચિત છે, તો તન અને મનથી એ મુસાફરી કરવા માટે પોતાને તૈયાર કરવાની બહુ મોટી વાત કવિ અહીં કહી જાય છેઃ

“કટુ  કાળી  અને  અંતે  જતી  અણજાણ   નિર્વાણે,
જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!”

સવાર, બપોર, સાંજ અને રાતની મુસાફરી કરતા સૂરજની સફરને જ માત્ર નથી વર્ણવી, સાચા અર્થમાં જિંદગીની સફરનો શિલાલેખ પણ કવિ લખી જાય છે.

કાવ્યોના શબ્દોની સંગીતમયતા આ કાવ્યને ભારી ન બનાવા દેતા, હસતા, રમતા ઝરણાં સમું, નિર્દોષ, નમણું અને નિર્મળ રાખે છે. આ નખશીખ સુંદર કાવ્ય બદલ દેવિકાબહેનને ખૂબ ખૂબ અભિનંદન.