સંગ્રહ

ડાયરીઃ નિત્યનીશી

એકાંતે રચાતું ને મનની અંગત વાતો કરતું સાહિત્ય- ‘ડાયરી’

ક્યારેક અચાનક મનમાં કોઈ વિચાર સ્ફૂરી આવે તો ક્યારેક કોઈ સ્મૄતિ સળવળી ઊઠે. આવું કંઇક બને ત્યારે એ વિચાર કોઈ નવું સ્વરૂપ પણ લઈ લે. એ દિવસે સવાર સવારમાં અતિ પ્રસિદ્ધ થયેલી અમારી સામૂહિક ‘પત્રાવળી’ યાદ આવી. એમાંના પત્રો જ્યારે ફેસબુકના પાને મૂકવાનું નક્કી કર્યું ત્યારે એની લોકપ્રિયતાની વાતના અનુસંધાનમાં જુગલકિશોરભાઈ સાથે વાત કરી ત્યારે એનો રાજીપો વ્યક્ત કરવાની સાથે એમણે ‘સામૂહિક ડાયરી’ લખવાનો એક નવો વિચાર રમતો મૂક્યો..અને તરત જ દેવિકાબેન ધ્રુવ અને પ્રીતિબેન સેનગુપ્તાએ ઉત્સાહપૂર્વક સંમતિ દર્શાવી અને મઝાની વાત તો એ બની કે લંડનથી નયનાબેન પટેલ પણ અમારી સાથે રાજીથી જોડાવાં તૈયાર થઈ ગયા અને આમ પાંચ સંપાદકોનું પંચમ બન્યું. આ પંચમ શબ્દ પણ મઝાનો.

હા તો, સૌ પ્રથમ તો નેટ ડાયરીનું સ્વરૂપ કેવું હશે, કેટલા સમયગાળે તેને પ્રગટ કરવું, નામ શું રાખવું વગેરે બાબતની ચર્ચાઓના અંતે નેટ પર ફેસબુકનું નવું પેજ બનાવીને કેવી રીતે પ્રગટ કરવું એ અંગે જુભાઈએ માર્ગદર્શન આપ્યું. પ્રારંભદિન પહેલાં આ સમગ્ર કાર્યની પ્રસ્તાવનારૂપે મઝાનું અને માહિતીસભર લખાણ દેવિકાબેને લખ્યું અને એમાં તો જાણે ડાયરીની ઓળખ છતી થતી ગઈ.

એમના જ શબ્દો અહીં સીધા મૂકવા છે….“‘ડાયરી’ નામે સાહિત્ય સ્વરૂપ અનેક નામથી પરિચિત છે. દૈનંદિની,વાસરી,વાસરિકા,રોજનીશી રોજિંદી, રોજની, નોંધપોથી વગેરે. અંગ્રેજીમાં જર્નલ, ડેબૂક, લોગબુક, ક્રોનિકલ જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. એમાં દરરોજની નોંધ રોજ રોજ કરવાની હોય ત્યારે થાય કે રોજ રોજ વળી શું લખવાનું? ને એટલે જ એને માટે રોજની-શી?! એવું એક સ્મિત ફરકાવતું નામ પણ જુગલકિશોરભાઈને જ સૂઝે!“

આ વિશે વધુ ઊંડાણથી વિચારતાં પ્રીતિબહેન સેનગુપ્તાને વળી એક નવું નામ લાધ્યું ‘નિત્ય-નીશી’ અને અમે પાંચ સાથીદારોએ (જુગલકિશોરભાઈ, પ્રીતિ સેનગુપ્તા, દેવિકા ધ્રુવ અને નયના પટેલ રાજુલ કૌશિક) સ્નેહથી વધાવી પણ લીધું.

“સાહિત્યનું આ સ્વરૂપ વ્યક્ત થવા માટે મઝાનું છે. એનું મઝાનું હોવું ખાસ તો એ કારણસર છે કે એ લખાણો જાત સાથેની જાત્રા સમા હોય છે. ભીતરી અનુભૂતિ કોઈ પણ રૂપે આ માર્ગે વહી નીકળી શકે છે. ડાયરી અંગત જીવનનું એવું સુરક્ષિત સંગીત છે કે જ્યાં વ્યક્તિ પોતાનાં સ્વાનુભવો, સંવેદનાઓ અને વિચારોને સ્થાન આપી શકે છે.

“બીજી મઝાની વાત એ છે કે, ડાયરી લખવા માટે કોઈ ખાસ ધારાધોરણ કે નિયમ ન હોય. ઘણા લોકો હંમેશા નિયમિત રીતે લખે. ઘણાં, કોઈ ખાસ વાત, અવિસ્મરણીય પ્રસંગ કે બનાવ ટાંકવાનો હોય ત્યારે લખે. કેટલાંક વળી હૈયામાં ઘૂમરાતાં મોજાંઓને ડાયરીમાં ઠાલવે, ડાયરીનાં કોરાં પાનાંઓમાં છલકાવે. એ રીતે લખનાર વ્યક્તિનું એ પ્રસંગ કે બનાવ અંગેનું નિરીક્ષણ, વિચારો, અનુભવજન્ય ચિંતન વગેરે મનોભાવો એમાં પ્રગટે છે અને તે કોઈ અન્યને કહેવાતા નથી. બસ, મનની મઢૂલીમાંથી શબ્દોની પાંખે ઊડતા ઊડતા ડાયરીના સિંહાસને સ્થાન લે છે.“

આમ, નિત્ય લખતા રહેવાની ઈચ્છા (નિત્ય-નીશી) આપણને અનાયાસે આપણી નિકટ લઈ આવે છે. વળી એ ગમે ત્યારે ખોલીને વાંચી શકાય અને તસ્વીરોની જેમ સ્મૃતિઓને તાજી કરી આપે છે. એટલે કે રોજનીશી એ લખનારનાં સમય, સ્થળ, આબોહવા, વિચારો, મનોદશા, અને ભૌગોલિક સંગ્રહનું સજાગ આલેખન છે. અમ્બ્રોસ (એમ્બ્રોસ) બીયર્સ નામના એક ચિંતકે કહ્યું છે કે, “ડાયરી વ્યક્તિએ સ્વયં લખેલો રોજિંદો દસ્તાવેજ છે” આપણાંમાંથી ઘણાને ડાયરી લખવાની આદત હોય છે. પશ્ચિમના દેશોમાં ડાયરી લખનારાંને ‘ડાયરીસ્ટ’ કહે છે.“

આ તબક્કે એક વધુ વાત નોંધવી ગમશે. કહેવાય છે કે, ડાયરી લેખનનો ઈતિહાસ ખૂબ જૂનો છે. આપણા ઋષિમુનિઓ શિષ્યો પાસે લખાવતા. બીજી સદીના ઉત્તરાર્ધમાં રોમન સમ્રાટ માર્કસ ઓરેબિયસે ગ્રીક ભાષામાં લખેલી ‘ટુ માય સેલ્ફ’ને સૌથી પૌરાણિક ડાયરી તરીકે જોવામાં આવે છે. એ ‘મેડિટેશન’ તરીકે પણ ઓળખાય છે. વર્ષ ઈ.સ. ૧૯૦૩ની સાલમાં સંગીતકાર પિતાને ત્યાં જન્મેલી એનીસ નીનની થોકબંધ નોંધપોથીઓમાંથી ચૂંટેલી સામગ્રીના પાંચ ગ્રંથ બહાર પડ્યા છે.

૧૯૦૮માં ‘સ્મિથસન’ કંપનીએ ‘ફેધરવેઈટ’ ડાયરી બનાવી. ૧૯૪૨માં જ્યારે મેરી એન ફ્રેન્કને સૂઝયું કે ડાયરી લખવી જોઈએ ત્યારે ૧૩ની ઉંમરે ડાયરી લખવાનું શરૂ કર્યું. તેની આ ડાયરી હિટલરના જુલમોનો ઈતિહાસ લખે છે. તેણે લખેલી ડાયરી જગતની ૧૮થી વધુ ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે. તે ઉપરાંત રશિયાના મહાન નવલકથાકાર ફાઇડોર દોસ્તોવસ્કી અને ફ્રાન્સના નવલકથાકાર આંદ્ર (આંદ્રે) જીદની રોજનીશીઓ પ્રખ્યાત બની છે. આપણે ત્યાં રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, મહાદેવ દેસાઈથી માંડીને ઘણા બધા લેખકોએ પોતાની જિંદગીના કોઈ ને કોઈ તબક્કાની રોજનીશી લખી છે.”

આટલી પૂર્વભૂમિકા પછી ‘પત્રોત્સવ’ની જેમ જ હવે ૨૦૨૧ના આ પૂર્વાર્ધ કાળમાં અમે ‘નિત્ય-નીશી’ શરૂ કરી રહ્યાં છીએ.

દર સપ્તાહે એક લેખે પાંચ અઠવાડિયે પાંચેય સંપાદકોનાં ડાયરી-પાનાં પ્રગટ કરવાનું પણ નક્કી થયું. દિવસ ઊગતાથી માંડીને સાંજ-રાત સુધીમાં એક પછી એક પ્રસંગ નજરે કે કાને પડતા રહે છે. આમાંના કેટલાક પ્રસંગો શાંત જળમાં કાંકરી પડે ને જેમ વલયો પ્રગટે તેમ મનને વશ રહેતા નથી ને વિચારો ભાવોને સર્જી બેસે છે.

તે દિવસે જુભાઈએ જે વિચારબીજ વાવ્યું તેને અંકુરો ફૂટી ચૂક્યા છે ! આ નવી શ્રેણીને નેટવાચકો સમક્ષ મૂકવાનો સમય થઈ ગયો છે ત્યારે અમારી ડાયરીનાં આ પાનાં કે જે અમારાં અંગત હતાં તે સૌ વાચકો સમક્ષ મૂકીને સૌની શુભેચ્છા માંગી લઈએ છીએ!!

મુખ્ય શિર્ષકઃ નિત્યનીશીઃ

પ્રીતિ સેનગુપ્તાનું પાનું- ‘આભલું’

દેવિકા ધ્રુવનું પાનું- ચંદરવો’

નયના પટેલનું પાનું- ‘ગોરજ ‘

રાજુલ કૌશિકનું પાનું – ‘રજકણ’

જુગલભાઈનું પાનું -‘ તરંગ’.

‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઈ પરીખની અલવિદા..

‘કુમાર’ સામયિકના તંત્રી અને ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ પરીખના અવસાનના સમાચાર હમણાં જ  સાંભળ્યાં. ખૂબ  દુઃખ થયું. અવારનવાર ધીરુભાઈ સાથે ફોન પર વાતો થતી રહેતી હતી. તેમની અહીંની મુલાકાત હોય કે મારી ત્યાંની…. ફોનથી કે રૂબરૂ મળવાનું અચૂક બનતું.

૨૦૦૯ની સાલમાં, મારી ભારતની મુલાકાત દરમ્યાન કવિ શ્રી યોસેફ મેકવાન દ્વારા શ્રી ધીરુભાઈનો પરિચય થયેલ. એ વખતે જ્યારે યોસેફ્ભાઈ સાથે ફોન પર વાત ચાલી રહી હતી ત્યારે જોગાનુજોગ ગુજરાત વિદ્યાપીઠના પ્રેસીડેન્ટ અને ‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઇ પરીખ ત્યાં બેઠેલા હતા. યોસેફભાઈએ તેમને ફોન આપતા વાતચીતનો મોકો મળ્યો અને તે પછી તો તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત પણ ગોઠવાઈ. લગભગ કલાક-દોઢ કલાક જેટલો સમય આ બંને મહાનુભાવો સાથે યોસેફભાઇના ઘેર સાહિત્યગોષ્ઠીમાં ગાળ્યો. એટલું જ નહિ, બીજા દિવસની બુધસભા માટેનું આમંત્રણ પણ મળ્યુ.

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ધીરુભાઇ પરીખ, દેવિકા ધ્રુવ
અને કવિ શ્રી યોસેફ મેકવાન. જુલાઇ ૨૦૧૩.

કવિ શ્રી યોસેફ મેકવાનના ઘેર થયેલ એ આત્મીય મુલાકાતથી માંડીને સાહિત્ય પરિષદની બુધસભા દરમ્યાનની  ઘણી ઘણી યાદો નજર સામે આવે છે. ન્યૂ જર્સીની તેમની છેલ્લી વીઝીટ સમયે હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં આવવા અંગે ઘણી વાતોની આપલે થયા પછી next time જરૂર આવીશ એવી ખાત્રી પણ આપી હતી. ખૈર…એ next time કાળના વહેણમાં વહી ગયો.

રહી ગઈ માત્ર યાદોવંદન સાથે.. શાંતિ

BUDH SABHA JULY 2013(world poetry centre)PART_01 – YouTube

દેવિકા ધ્રુવ
 મે ૯ ૨૦૨૧..

વક્તવ્યઃ વીડિયો

Please, Click on this picture to watch the show…

નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા તારીખ 6 થી 9 માર્ચ દરમ્યાન યોજાયેલા ‘વિશ્વ પુસ્તક મેળા’માં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાંનો એક ઓનલાઈન કાર્યક્રમ હતો “ગુજરાતી મહિલા લેખનની ગઈ કાલ, આજ અને આવતીકાલ” .આ વિષય પર ઉષા ઉપાધ્યાય, દેવિકા ધ્રુવ, લક્ષ્મી ડોબરિયા અને પ્રાર્થના જહાએ વક્તવ્ય આપ્યાં હતા. આ સુંદર કાર્યક્રમ માટે NBT અને શ્રી ભાગ્યેન્દ્ર પટેલનો આભાર.

વિશ્વ પુસ્તક મેળો..

નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ 6 થી 9 માર્ચ દરમ્યાન યોજાયેલા વિશ્વ પુસ્તક મેળામાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાંનો એક ઓનલાઈન કાર્યક્રમ હતો “ગુજરાતી મહિલા લેખનની ગઈ કાલ, આજ અને આવતીકાલ” .આ વિષય પર ઉષા ઉપાધ્યાય, દેવિકા ધ્રુવ, લક્ષ્મી ડોબરિયા અને પ્રાર્થના જહાએ વક્તવ્ય આપ્યાં હતા. આ સુંદર કાર્યક્રમ માટે NBT અને શ્રી ભાગ્યેન્દ્ર પટેલનો આભાર.

‘વિઝન’ ૨૦૨૦

૨૦૨૦નું વર્ષ આવ્યું એનાથી જુદું ગયું. સાત દાયકાથી જોવાતા અને જીવાતા બધાં વર્ષો કરતાં સાવ નોખું અને યાદગાર. આમ તો વર્ષ એક સમયનો હિસ્સો છે, એક ક્ષણનો કિસ્સો છે. એમાં વળી જુદું શું હોવાનું એવો પ્રશ્ન જરૂર થાય પણ ૨૦૨૦ના વર્ષની વાત તો એક ઐતિહાસિક ખેલ સમી સાવ અલગ રહી.

વર્ષની શરૂઆતમાં માંડ નવા વર્ષને આવકાર્યું ત્યાં તો પૂર્વ દિશાથી કોરોનાનો કાળો અંધકાર વિશ્વભરમાં વ્યાપી ચૂક્યો. માર્ચથી ડીસેમ્બર સુધીમાં શ્રીમતી કુન્દનિકા કાપડિયાથી માંડીને શ્રી જયંતભાઈ મેઘાણી સુધીના કંઈ કેટલાંયે સર્જકો ગુમાવ્યાં. એટલું જ નહિ, વિશ્વમાંથી વિદાય પામેલ માનવીઓનો આંકડો તો આજની તારીખમાં ૧.૭ મિલીયન સુધી પહોંચી ગયો છે. કોને કોને, કેટકેટલું અને શું સંભારીએ? 

માણસજાતને કોરો ના રાખનારી આ શક્તિને શું કહીશુ? કોઈ ભેદભાવ રાખ્યા વગર, સમગ્ર વિશ્વને, મનુષ્ય માત્રને, એક જ પ્લેટફોર્મ પર મૂકી દીધા છે. નથી ધર્મ કે જાતિવાદનો ભેદ, કે ના કોઈ રંક-રાયનો ભેદ. આસ્તિક હોય કે નાસ્તિક, નોકર હો કે માલિક હો. બધાં જ સરખા. નથી ચામડીના કાળા-ગોરાનો  રંગભેદ કે  નથી દેશ-વિદેશ કે રાજા-પ્રજાનો ફેર. સૌ ઘરમાં જ છે, છતાં હાંફળા-ફાંફળા છે, બેબાકળા બની ગયા છે લોકો. આ શક્તિને શું કહીશું?

કેટકેટલું શીખવાડે છે એ?  આખી યે દૂનિયાને એક જ ક્લાસમાં બેસાડીને એણે એકસરખું કેટ્કેટલું શીખવાડી દીધું? એવું અને એટલું બધું નવું કે જે આપણે કોઈ, ક્યારેય અગાઉ શીખ્યા જ ન હતા!!! મુકામ તો સૌનો એક જ છે છતાં જુદી જુદી ગાડીમાં સફર કરનારા સૌને માટે આ તે કેવા સાચા પાઠપહેલું સુખ તે જાતે નર્યા. કેટલી જૂની અને અસલ વાત! જીવનની અમાનત મૃત્યુ છે એ જ સાચી અને પાકી ક્ષણ. શ્વાસ છે તો જ જીવન છે એ સાચું પણ શ્વાસ શુધ્ધ હશે તો જ જીવતર સાર્થક. બાકી તો બધું જ તસ્વીરમાં!

વ્યક્તિ-સ્વાતંત્ર્ય બની બેઠેલા આ વિશ્વને બીજો એક મઝાનો મંત્ર, નવી રીતે મળ્યો અને તે ‘પરિવાર અને પ્રેમ’નો. સૌની સાથે રહેવાનો.

સતત દોડતા રહેતા માણસના ખરા હુન્નરને બહાર આણનારો પણ આ શક્તિનો એક અલગ અંદાઝ. કોઈને શબ્દ-રમત સૂઝી, કોઈએ દિમાગના કોયડાઓ ગોઠવ્યાં. કેટલાકે હ્રદયમાંથી ભાવવાહી સર્જનો કર્યા તો કેટલાકે સુંદર પ્રાર્થનાઓ/શ્લોકો અને સ્તુતિઓના તો પર્વતો ખડકાયા.

ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કેવો આશીર્વાદરૂપ છે તે દર્શાવવાની એક અનોખી રીત.આંતરદેશીય ટપાલોમાંથી બહાર આવેલો આજનો સીનીયર વર્ગ વેબીનારનેઝુમની જરૂરિયાતને સમજતો અને ઉપયોગ કરતા શીખ્યો. વાહ!

આ બધા અનુભવોને અંતે જરૂર કહેવું પડે કે, આ એક એવી શક્તિ છે જે સંસારને સર્જાવે છે, સજાવે છે, સમજાવે છે અને સંહારે પણ છે. આપણે સૌ આ સબળ શક્તિનો, સુપ્રીમ પાવરનો સ્નેહપૂર્વકનો સ્વીકાર કરીએ અને જીવન સાગરમાં સરતા રહીએ, સહેલ સમજી સૌની સાથે સ્નેહથી તરતા રહીએ.
વાહ, કુદરત વાહ… સ્વચ્છ અને સ્પષ્ટ  ‘વિઝન’ ૨૦૨૦.અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ    
ડીસેમ્બર ૨૪ ૨૦૨૦