આ મહા સુદ પાંચમની વસંતપંચમી અમેરિકા માટે તો ખૂબ વહેલી ગણાય. હજી અહીં ટેક્સાસમાં તો કદાચ થોડીયે જણાય. પણ બાકીનાં મોટા ભાગનાં પૂર્વ તરફનાં રાજ્યોમાં તો ઠંડી અને સ્નોનું સામ્રાજ્ય. તેમ છતાં…. સાત પગલાં સાથે માંડવાના શુકનવંતા દિવસે આત્રણ અંતરાની એક રચનાઃ આજે હ્યુસ્ટનમાં વાસંતી લહેર જેવી હવા છે ખરી.
આ વાસંતી વાયરાને હૈયે ઝીલું, ઝીલી ઝીલીને આખું ગગન ઘૂમું.
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૨૪૦ મી બેઠક, ૧૪ જાન્યુઆરી ૨૦૨૩, શનિવારે બપોરે ૨ થી ૪ દરમ્યાન, સુગરલેન્ડના કૉમ્યુનિટિ હોલ-ઇમ્પીરિઅલ રિક્રિએશન સેન્ટર ખાતે યોજાઈ હતી.
પ્રારંભિક સ્વાગત અને આવકારના ભાવભીના શબ્દો પછી તરત જ પ્રમુખ શ્રીમતી ભારતીબહેન મજમુદારે પ્રાર્થના માટે શ્રીમતી ભાવનાબહેન દેસાઈને આમંત્રણ પાઠવ્યું. તેમણે ‘હે શારદે મા, અજ્ઞાનતાસે હમેં તાર દે મા’ ની પ્રાર્થના સુમધુર કંઠે રેલાવી.
સુંદર અને શુભ શરૂઆત પછી નવી સમિતિમાં ઉપપ્રમુખ તરીકે આવેલ શ્રીમતી મીનાબહેન પારેખ અને અન્ય નવા સભ્યોને આવકાર મળ્યો અને તરત જ વક્તવ્યોની શરૂઆત થઈ.
સૌથી પ્રથમ શ્રીમતી પ્રવીણાબહેન કડકિયાએ ઉત્તરાયણની પોતે લખેલી એક સરસ વાર્તા ‘કપાયો છે’ માં રહેલી પતંગ કપાયાની ખુશી!’નો સાર લઘુકથાની જેમ કુશળતાથી રજૂ કર્યો. શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ પણ આજના વિષયને અનુરૂપ એક સ્વરચિત રચના સરસ રીતે વાંચી સંભળાવી.
‘જિંદગી એક પતંગ અને દોર જેવી, એકમેક વગર બેસહાય અને અધૂરી’ .
ત્યારબાદ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ પોતાની કુશળ કલમને એક કવિતા થકી રેલાવી કે “વીતેલાં વર્ષો યાદોનો ખજાનો ભરી જાય, બાકીની પળો જીવનનું ચેન હરી જાય . અને બીજી એક, ખુમારીનું ગૌરવ પ્રગટ કરતી ગઝલ રજૂ કરીઃ “ભીખ જોઈતી નથી, બસ જીતવું છે. દોડ પાકી, સવલતોથી હારવું છે, હર ડગર જીવન ખુશીથી માણવું છે.”
સભાજનોના આનંદમાં વધારો કરતાં શ્રી નૂરુદ્દીનભાઈ દરેડિયાએ તેમના અસ્સલ હળવા મિજાજમાં સંસ્કૃતિની ગહન વાતો કરી..કબીરના દોહા, બ્રહ્માનંદની વાણી, કવિ શ્રી મકરંદ દવેની સુંદર પંક્તિઓ, શ્રી કાકાસાહેબ કાલેલકરના અર્થસભર શબ્દો, ગાંધીજીના સુવાક્યો વગેરેથી માહોલને રંગી દીધો.
તે પછી દેવિકા ધ્રુવે સંસ્થાની, વેબસાઈટની, પુસ્તકોની, નવા વર્ષની, નવા સભ્યોની વગેરે વાતોનો અછડતો ઉલ્લેખ કરી ‘જિંદગી’ વિષયક સ્વરચિત કવિતા રજૂ કરી. તેના શબ્દો હતાઃ જિંદગી વેળાવેળાની છાંયડી છે, સંજોગની પાંખે ઊડતી પવનપાવડી છે.’ તેના જ સંદર્ભમાં “કોઈ હજી મને ભણાવે છે’ વિષય આપી સૌને લખવા માટે આમંત્રણ આપ્યું અને એ વિશે સંસ્થાના સભ્યો સાથે એક નવા સહિયારા પ્રોજેક્ટની વાત કરી.
એક નવા સભ્ય શ્રીમતી દક્ષાબહેન બક્ષીએ કવિ શ્રી સુરેશ દલાલના ‘ઝલક’ પુસ્તકમાંનું ‘ઈમર્સન’નું એક પાનું વાંચી સંભળાવ્યું. ત્યારબાદ શ્રીમતી ભાવનાબહેન દેસાઈએ નરસિંહ મહેતાનું એક ભજન, “આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે”; વાદ્યવૃંદના સાથમાં અને ‘સખીની સાખી’ સાથે બુલંદ અવાજે પ્રસ્તુત કર્યુ..સ્વરાંકન તેમનું પોતાનું હતું અને સાખીના શબ્દો દેવિકા ધુવના હતાઃ “પનઘટ વાટે ઈંઢોણી સાથે, નટવર નાચે ગોકુળ ગામ”. સૌએ તાળીઓના ગડગડાટથી ભાવનાબહેનને વધાવ્યા. હવે વારો હતો શ્રી હસમુખભાઈ પટેલનો જેમણે સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની ભેદરેખા દર્શાવી તેને અધ્યાત્મ સાથે સાંકળતા પોતાના વિચારો દર્શાવ્યા. તે પછી શ્રી પ્રકાશભાઈ મજમુદારે આગામી ૨૬મી જાન્યુઆરીને લક્ષમાં રાખી ‘વતનપેં જો ફિદા હોગા” નું જાણીતું ફિલ્મી ગીત સંગીત સાથે રજૂ કર્યું.
રજૂઆતોનો આ દોર પૂરો થયા પછી પ્રમુખ શ્રીમતી ભારતીબહેને નવા સભ્યોની ઓળખાણ થાય તે હેતુથી સૌ સભાજનોને પોતપોતાના નામો બોલવા માટેની શરૂઆત કરી. તે દરમ્યાન સંસ્થાના આદ્યસ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટે “નેઈમપ્લેટ’નું સૂચન કર્યું જે નવી સમિતિએ અમલમાં મૂકવા માટે સ્વીકાર્યું. બીજાં પણ એક-બે સૂચનો મળ્યાં જેની નોંધ લેવાઈ.
અંતે નિયમ મુજબ સામૂહિક તસ્વીર લેવાઈ અને બટાકાવડાં, ગાંઠિયા, તલસાંકળી વગેરે અલ્પાહાર પછી, મધુર યાદો લઈ સૌ છૂટા પડ્યાં.
નવા વર્ષની આ બેઠકના આયોજકો, સહાયકો, વક્તાઓ, શ્રોતાઓ અને વાદ્યવૃંદના સભ્યો… સૌને અભિનંદન.
ખૂબ ચકડોળે ચડેલા સમયની વચ્ચે કંઈ કેટલાય વિચારો અને અનુભવોની આવનજાવન ચાલી. આ સમયરેખાને સ્થળ સાથે જોડવાથી એક સંપૂર્ણ ચિત્ર તમામ દૄશ્યોની સાથે તૈયાર થઈ નજર સામે ઊભું થાય છે.
કેટલાં મકાનો બદલાયાં! કેટલી વખત સુસજ્જ માળાઓ સજાવ્યા અને સંકેલ્યા! જૂનું ઘણું ખાલી કર્યું. વિશ્વના મંચનો મહાન દિગદર્શક ક્યારે, શું કરાવે છે? કંઈ ખબર પડે છે!!!
ત્રીસીની શરૂઆતમાં વિદેશગમન અને ન્યૂયોર્ક-ન્યૂજર્સીમાં ૩+૨૧ વર્ષ પસાર થઈ ગયાં.
વળી પાછાં ૧૮ વર્ષ હ્યુસ્ટનના ‘સિએના પ્લાન્ટેશન’ વિસ્તારના ‘પોએટ કોર્નર’માં ગાળ્યાં. સાચા અર્થમાં ત્યાં જ વધુ સાહિત્યિક કામ (૧૧ પુસ્તકો) થયું. પોઍટ કોર્નર હતો ને?!!
અને… હવે આ લગભગ પોણી સદીની પાળે, વળી પાછાં Fulshear (હ્યુસ્ટનની દક્ષિણ દિશાનો વિસ્તાર)ના, એક નાનકડા તળાવને કાંઠે, તદ્દન નવાં મકાનમાં મુકામ.
પાછું વળી જોતાં થાય છે કે ઓહોહોહો કેટલું બધું ચાલ્યાં?!!!!….અત્યાર સુધી જુદે જુદે રસ્તે ફંટાતો, સરળ-કઠણ લાગતો રસ્તો હવે એક શાંતિભર્યા રહેઠાણ પર આવીને ઊભો.. વળી એક ઑર નવો અને જુદો અનુભવ. ૐ નામે HOMEમાં!એક નવી સવાર…
વિસ્મયોનો કિલ્લો અને અનુભવોનો બિલ્લો એટલે જ જિંદગી. માનવ માત્રને પ્રત્યેક નવે તબક્કે અજબનાં આશ્ચર્યો અને ગજબના પડકારો મળતા રહે છે. અંધાર-ઉજાસના આ ખેલને શું કહેવાય? હારજીત તો આમાં છે જ નહિ. બસ, એક વર્તુળાકાર ગતિ છે, ચક્ડોળ છે અને તે પણ સતત છે. સમય નામ તો માણસે આપ્યું. બાકી નિયતિનો આ ક્રમ તો કુદરતમાં પણ છે જ, છે.
આ બધાંની વચ્ચે આમ જોઈએ તો સંવેદનાએ પડકારો ઝીલ્યા છે. અતિશય નાજુક એવું આ ભીતરનું તંત્ર કેટકેટલી વાર અને કેવી કેવી રીતે ખળભળ્યું હશે! ક્યારેક સવાલો ઊઠે છે કે વિરાટના હિંડોળે ઝુલીને કે ઝીલીને, આ કોમલ સંવેદનાઓ ધારદાર બને છે કે પછી બુઠ્ઠી થઈ જાય છે? એક સ્થાયી ભાવની જેમ નિર્લેપ અને સ્થિર થતી હશે? ઘણી મિશ્ર લાગણીઓ વચ્ચે અંદર કંઈક આવું સળવળે છે.
જે ગયા હતા, મધુરા હતા, જે મળ્યા તે સારા પડાવ છે… છે વિરક્તિ ને જરી હાશ પણ હૃદયે જુદો જ લગાવ છે..
ન કશો હવે કંઈ રંજ છે, કે નથી કશોયે અજંપ કંઈ. અહીં તો સવાઈ નિરાંત છે, સખે જો આ શાંત ઠરાવ છે.
અહીં નીકળ્યાં ભ્રમણે હતાં, ને હવે સફર તો સફળ થઈ. જે લકીર હાથ મહીં હતી, તેનો તો જવાનો સ્વભાવ છે.
જે મળી સુગંધ ભરી કરે, તે કલમ થકી જ વહી રહી પમરાટ હો, દિનરાત હો, ન હવે જરાય તણાવ છે.
સરે શ્વાસના અણુએ અણુ, અને રોમરોમમાં નામ એ પછી તો સદાનો વિરામ છે, કહો ક્યાં કશોય અભાવ છે!!
પ્રથમ શેરથી જ એક મસ્તીની છાલક વાગે છે. કશું ધાર્યું ન થાય તો પણ કાંઈ વાંધો નહિ. ‘આમ નહિ થાય તો તેમ કરીશ’ એવી ખુમારીભરી, મસ્તીભરી, રસ્તાઓ ખોલતાં જવાની રીતોમાં ભીતરની સૂઝ અને કેવળ શાંતિભર્યા આનંદની લહેરખી છવાતી જાય છે.
શબ્દ જો ખૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
તું ય જો રૂઠી જશે તો મૌન ગાઈ લઈશ હું .
આહાહા.. દમદાર મત્લાથી ઉઘડતી ગઝલ એક પછી એક ચડિયાતા શેરથી બખૂબી આગળ વધે છે.. સામાન્ય રીતે માણસમાત્રનો એક સ્વભાવ રહ્યો છે ગમને ઘૂંટવાનો, રડવાનો, આક્ષેપો અને ફરિયાદ કરવાનો. પોતાના દોષો તરફ નજર-અંદાઝ કરવાનું ખૂબ સહેલું હોય છે. પણ અહીં તો વિપરીત સંજોગોને કેવી મઝાથી વાળી લેવાની અભિવ્યક્તિ થઈ છે કે, શક્યતાઓ ખોટી પડે કે પછી કંઈ પણ તૂટી પડે તો પણ મૌન તો પોતીકું છે ને? એને ગાઈ લેવામાં કોણ રોકવાનું છે?
જે રીતે ખોટી પડી છે શક્યતાઓ એ રીતે
ભ્રમ બધા તૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું .
ત્રીજો શેર વળી એક તદ્દન મૌલિક વાત લઈને આવે છે. કવયિત્રી કોઈ વ્યક્તિની વાત કરતાં નથી.એ તો અરીસાને ધરી દે છે. પોતાને કશાયે મેક-અપ વગર અસ્સલ દેખાવું છે. પોતે જે છે તે જ રૂપે આયના સામે ઊભા રહેવું છે, દેખાવું છે. પણ જો એ આયનો જ તૂટી જાય તો ? કોઈ વાંધો નહિ. ‘તોરા મન દર્પન કહલાયે’.. મન સાથે ગુફ્તગુ માંડવી છે, મૌનના મંડપ નીચે!..
ચોથા શેરમાં કવયિત્રી એક મઝાનો વળાંક લે છે. એક ફિલસૂફીની ઝલક વર્તાય છે. પોતાનું આ હોવાપણું કોનાથી છે? કોનાથી હોઈ શકે? સવાલોના ઝબકારા જાગે છે અને તે સાથે જ જગતના ‘સુપ્રીમ પાવર’ના સાથનું સ્મરણ થાય છે. માનવી માત્રના હોવાનો ટહુકારો તો કેવળ એક જ ‘એ’ થકી છે ને? વિષમ પરિસ્થિતિમાં પણ ટક્કર ઝીલી સરસ જીવવાની રીતિ કેળવી લીધી હોવા છતાં જો ‘એ’નો સાથ ન રહે તો છેલ્લે મૌનનો સહારો એ જ સાચો રસ્તો. ખૂબ ઊંચી વાત.
મારું આ હોવાપણું ટહુકે છે તારા સાથથી
સાથ જો છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું.
અને વાત કેટલી સાચી છે કે એ પછી તો કશું કહેવાનું રહેતું જ નથી. અને જ્યારે અંતિમ અવસ્થામાં કોઈના વિના ચાલે જ નહિ એ સત્ય પણ કાંચળીની જેમ ઉતરી જાય, મોહ છૂટી જાય પછી તો?? કશી ક્યાં ખબર છે? રહેશે કેવળ મૌન…મૌન.. અને માત્ર મૌન જ.
મૌનમાં કેટલું વજન છે? અર્થોના અનેક દરવાજા ‘ખુલ જા સિમસિમ’ની જેમ ખુલે છે. શબ્દ ન કરી શકે તે મૌન સાધી શકે.
આ ઘડીનું સત્ય છે -‘ના ચાલશે તારા વિના’
મોહ આ છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું.
જે નથી કહેવાયું તે અચાનક સમજાઈ જાય છે! જે કહેવું છે તે વિશે તો કવિતાની નાયિકા મૌન જ રહ્યાં છે અને તે જ તો સાચું કવિકર્મ બન્યું છે. દરેક શેરમાં અંતરની આભા છલોછલ છલકાય છે. ગાલગાગાના ૨૬ માત્રાની આ ૬ શેરની ગઝલમાં શબનમે સુંદર નક્શીકામ કર્યું છે. આ સાથે વિષમ છંદમાં ગૂંથેલ મારો એક શેર તેમને અર્પણ કરું છું.
મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં, પણ ગાન મખમલી સખા સો વાર લાવી છું….
તાજી કલમોના સાહિત્યિક સંમેલનોમાં એક અનોખા અંદાઝથી પઠન કરનાર બહેન શબનમને, તેમની આવી મૌલિક, નૂરાની તાકાતવાળી, તાજી કલમથી સાહિત્યવિશ્વને વધુ રળિયાત બનાવતાં રહે એજ શુભેચ્છા અને તહેદિલથી અભિનંદન.
આજે એક એવા અહેવાલ-લેખકના અવસરનો અહેવાલ લખવાનું કામ મારે ફાળે આવ્યું છે જેમની કલમમાંથી હ્યુસ્ટનની બધી જ સંસ્થાઓનાં સારાખોટા તમામ પ્રસંગોના, ઉજવણીના ‘આંખે દેખ્યા અહેવાલો’ આબેહૂબ ચિત્રિત થયા છે. અહેવાલો તો નવીન બેંકરના જ.
સ્વ.નવીન બેંકર જેવા સ્પષ્ટ, તટસ્થ, ગર્ભિત વ્યંગસભર અને ચહેરા પર સ્મિત ફરકાવી જાય તેવા અહેવાલો તો હવે હ્યુસ્ટનમાં કોણ લખી શકે? એમની કલમ એટલે કમાલનો જાદૂ. એમાં ભાવકોને વશ કરવાની એક અજબની મોહિની હતી એટલે આજના મારા લખાણને હું અહેવાલને બદલે એક લેખ રૂપે જ લખીશ.
૨૦મી સપ્ટે,૨૦૨૦ના રોજ દિવંગત થયેલ નવીનભાઈ બેંકરની પ્રથમ પૂણ્યતિથિનો એ અવસર હતો. મોટીબહેન ડો.કોકિલા પરીખની પ્રબળ ઇચ્છા અને અવિરત જહેમતના પરિપાકરૂપે તા.૧૮મીની સાંજે ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના હોલમાં, સ્વજનો અને મિત્રોની સ્નેહભરી હાજરીની હૂંફમાં, ‘ભજનસંધ્યા’ નામે એક સરસ કાર્યક્રમ સંપન્ન થયો. ન્યૂયોર્કથી આવેલ સંગીતજ્ઞ ભાઈ વિરેન્દ્ર બેંકર, તેમના પુત્ર ડો.સુવિન બેંકર અને ડલાસથી આવેલ ‘આઝાદ રેડિયો’ના RJ કોકિલકંઠી બહેન સંગીતા ધારિયા વગેરેના સુસજ્જ વાજિંત્રવાદન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. ઑસ્ટીનથી આવેલ કુટુંબની નાની પૂત્રવધૂ વ્યોમા બેંકરની હાજરી, પારિવારિક પ્રેમની શોભારૂપ હતી. વાતાવરણમાં, ન્યૂ જર્સીથી ન આવી શકેલ અત્યંત સંવેદનશીલ નાની બહેન સુષમા શાહ અને અન્ય સ્વજનોની પરોક્ષ હાજરીનો સતત અહેસાસ હતો. પરિવારના બીજાં સ્વજનોના પ્રતિનિધિ તરીકે સર્વ શ્રી પ્રકાશ પરીખ, મુ. ભાભીની બાજુમાં બિરાજમાન હતા. ખૂબ જ ટૂંકી ‘નોટીસ’ છતાં નવીનભાઈના ચાહકો, માનીતા ગાયકો, ‘ગુજરાતી સમાજ’ના બોર્ડના વહીવટી હોદ્દેદારો અને ખાસ તો લાયબ્રેરીના સર્જનના ‘પાયોનિયર સમાન ડો.પુલિન પંડ્યા, હસમુખ દોશી જેવાં અન્ય દાતાઓ તથા માનનીય આમંત્રિત મહેમાનોથી હોલ સમૃદ્ધ હતો.
ટેબલ પરના હસતા ફોટામાં ગોઠવાઈને બેઠેલા આ પુસ્તકપ્રેમી નવીનભાઈ બધું ઝીણી નજરે અવલોકતા હતા અને આમંત્રિત મિત્રોના સ્વાગત સમયે મારી પાસે બોલાવતા હતા. “શ્રીરામ… શ્રીરામ…કેવું છે હેં? અવસર મારો છે અને હાજરી મારી નથી! કવિ ‘બેફામ’ના શેરનો એ સાની મિસરા! આવી જ કોઈક ક્ષણની કલ્પનામાંથી સર્જાયો હશે ને? સમય કેવો ઊડે છે? ત્યારે એક પળ વીતતી ન હતી અને આજે તો જુઓ, એક વર્ષ વીતી ગયું. આ ભજનસંધ્યા તો ‘બકુ’ને લીધે નામ રાખ્યું છે. બાકી આપણે તો રંગીલા રાજા ને સંગીતના રસિયા. ખરેખર તો આ યાદોનો ઓચ્છવ છે. રંગમંચનો આ પણ એક રોલ છે ને?”
નાટકના રસિયા એ જીવ ક્યારેક ‘સેટેલાઈટવાળા સંજીવકુમાર’ બની જતા, કદીક ‘નિત્યાનંદભારતી’ ઉપનામ ધારી રમૂજી સત્યનારાયણની કથા લખતા તો ક્યારેક “બેરી બૈરીએ બાથરૂમમાં પૂર્યો’ જેવી હાસ્યવાર્તા લખી ‘શાંતિકાકા’ બની જતા! યાદોના આ ભવ્ય ખેલની વચ્ચે એમને ગમતો ઓજસ પાલનપુરીનો શેરઃ “ મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ જશે. જળમાંથી નીકળી આંગળી ને જગા પૂરાઈ જશે.” સાંભર્યા વગર કેમ રહે? ને તરત જ તેમનાં ઘરની દિવાલો પર લટકાવેલ સૂત્ર ‘આ સમય પણ વહી જશે’ નજર સામે આવ્યું. તેની સાથે જ આ સનાતન સત્યને સંભારી મેં પણ સમયનું સૂકાન સૂત્રધાર સોહામણી બહેન સંગીતાને સોંપ્યું.
નેપથ્યની પાછળ વિષાદને દુપટ્ટાની જેમ સિફતપૂર્વક ઢાંકતી બહેન સંગીતાએ માઈક હાથમાં લઈ, ભાવનાબહેન દેસાઈના મધુર કંઠે પ્રાર્થનાની શરૂઆત કરાવી. સમયને બરાબર સાચવી, એક પછી એક નવીનભાઈના ગમતાં ગાયકો સંગીતામૃત રેલાવતાં ગયાં.વચ્ચે વચ્ચે આવતાં રહેતાં મહેમાનોની ઓળખાણ, કોકિલાબહેન યોગ્ય શબ્દોમાં ભાવભરી રીતે કરાવતાં ગયાં. ભાઈ વિરેન્દ્રને જાણી બૂઝીને ‘બે શબ્દો’ કહેવા ન દીધા હતા. કારણ કે, તેઓ ન તો અંદરનાં મૂંગા ડૂસકાંને પાછાં વાળી શકતા હતા, ન બહાર લાવી શકતા હતા તેથી એમના ભાવોને હાર્મોનિયમની આંગળીઓ દ્વારા જ વહેવા દીધા હતા. ગજબની છે આ કરામત! ભાવો ભરાય છે હૃદયમાં, ઉભરાય છે આંખોમાં અને વહે છે આંગળીઓ દ્વારા! તેથી હાર્મોનિયમ અને તબલાવાદન, વારાફરતી વિરેન્દ્ર બેંકર અને સુવિન બેંકરે સંભાળેલ. નવીનભાઈને પણ કદાચ એ જ સારું લાગ્યું હશે.
ગાયકવૃંદમાં હતાં સર્વ શ્રી પ્રકાશ પરીખ, હેમંત ભાવસાર, દક્ષાબહેન ભાવસાર, મનોજ મહેતા, ભાવનાબહેન દેસાઈ, તનમનબહેન પંડ્યા, વિરેન્દ્ર બેંકર, સંગીતા ધારિયા, સુવિન બેંકર, તેની પાંચ વર્ષની માસુમ દીકરી અનાયા બેંકર, મનીષા ગાંધી, સંગીતા દોશી અને ડો કિરીટ દેસાઈ. જાણીતા ભજન, ફિલ્મી ઢાળમાં લખાયેલ રચના, સ્વરચિત ગીત, ભક્તિસભર ધૂન, વચમાં વચમાં નાનકડી યાદોનો ખજાનો, રમૂજ વગેરેથી વાતાવરણ, શોકની છાયાને બદલવાનો પ્રયાસ કરતું જતું હતું. સૂત્રધાર અને દરેક ગાયકના ભાવપૂર્ણ રીતે ગવાયેલા સંગીતની એ જ તો ખરી સફળતા. એ જ કારણે speechesને પણ સ્થાન નહિ આપવાનું નક્કી કર્યું હતું. બાકી સભામાં બેઠેલ દરેક વ્યક્તિની આંખમાં દિલથી કંઈક કહેવાની, નવીનભાઈ વિશે બોલવાની ઇચ્છાઓ ડોકાતી હતી. એ સભાનતા સાથે ફરી એકવાર કોકિલાબહેને સૌને ન બોલવા દેવાની ક્ષમાયાચના સાથે સ્પષ્ટતા કરી, ભીની આંખે અને ગદ્દગદ્ કંઠે સૌનો આભાર માન્યો.
અહો, આશ્ચર્ય! નવીનભાઈએ પોતે પોતાની શાંતિસભામાં શું બોલવું તે પણ, શ્રી હસમુખભાઈ દોશીએ આપેલ નવા ‘લેપટોપ’માં લખીને મિત્રોને મેઈલ કરેલ! જેના એક બે અંશ શ્રી મુકુંદભાઈ ગાંધીએ વાંચી સંભળાવ્યા. તેમની એ રમૂજ સાંભળતા સાંભળતા શ્રોતાજનોના ખડખડાટ હાસ્યથી સભાખંડ આખોયે ભરાઈ ગયો..
ત્યારપછી ડો.કોકિલાબહેને ગુજરાતી સમાજ, હ્યુસ્ટનના બોર્ડના સભ્યો ડો.હર્ષદભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને Architect દિનેશભાઈ શાહને માનભેર મંચ પર બોલાવ્યા. સમાજ માટે નવા બાંધેલા સેન્ટરની લાયબ્રેરીમાં, આ કાર્યક્રમ માટે એક હોલની વ્યવસ્થા કરી આપવા માટે, નવીનભાઈના વસાવેલા તમામ પુસ્તકોને અને ખાસ તો તેમના પુસ્તકાલયની દિવાલ પર નવીનભાઈની મોટી તસ્વીર ટાંકવાના કામમાં, સંપૂર્ણ રીતે સહાયરૂપ થવા માટે તહેદિલથી આભાર માન્યો. આખાયે અવસરમાં ભાગીદાર થવા બદલ એક એક વ્યક્તિને યાદ કરી કરીને આભાર માન્યો. સૂત્રધાર તરીકે સંગીતાબહેને પણ સમયને સુંદર રીતે સજાવી સમાપન કર્યો. સૌની હાજરીમાં જ નવીનભાઈની તસ્વીર વિધિસર મૂકવામાં આવી.વીડિયો અને ફોટો સહાય માટે શ્રી મેહુલ પરીખના આભાર સાથે નોંધ લેતાં આનંદ થાય છે.
(ગુજ. સમાજ ઓફ હ્યુસ્ટન. બોર્ડના સભ્યો અને ડો કોકિલા પરીખ )
(પુસ્તકાલયમાં તસ્વીર ટાંકતા પરિવાર જનો)
અંતે શુદ્ધ શાકાહારી ભોજન પીરસાયું. હું વિચારતી હતી કે નવીનભાઈને આજે જરૂર સંતૃપ્તિનો ઓડકાર આવ્યો હશે. પારિવારિક પ્રસંગોના અહેવાલો લખતા હું અંગતપણે ખચકાઉં છું. પણ નવીનભાઈની મહેચ્છાનાં બહાના (!) હેઠળ ભાઈબહેનો તરફથી વહેતાં રહેતાં લાગણીપ્રવાહમાં આજે તો ખેંચાઈ જ જવાયું છે. ફરી એક વાર સ્પષ્ટતા કે આ અહેવાલ નથી. આ લેખ છે. નવીનભાઈના ફોટા સામે જોઉં છું તો એ પણ એમ જ કહે છે.
આ ઓચ્છવની આરતી ટાણે..ઘેરા રંગનું જેકેટ, માથે હેટ, આંખ પર કાળાં ગોગલ્સ, ખીસામાં હાથ રાખીને જાણે મરક મરક હસી હસી, સીટીમાં ગમતું ગીત વગાડી, ડોલી રહ્યા છેઃ दुःखमें जो गाये मल्हारे वो इन्सां कहलाये,
जैसे बंसीके सीनेमें छेद है फिर भी गाये। गाते गाते रोये मयूरा फिर भी नाच दिखाये रे…
तुम आज मेरे संग हंस लो, तुम आज मेरे संग गा लो।
ઓહ… આ લેખ પણ આજે ૨૦મી સપ્ટે.જ? વિદાયની એક વર્ષ પછીની ખરી તારીખે જ લખાયો!
આ કાર્યક્રમ માટેનો સંપૂર્ણ યશ બહેન કોકિલા અને શ્રી પ્રકાશભાઈને ફાળે જાય છે. સો સો સલામ.
એકાંતે રચાતું ને મનની અંગત વાતો કરતું સાહિત્ય- ‘ડાયરી’
ક્યારેક અચાનક મનમાં કોઈ વિચાર સ્ફૂરી આવે તો ક્યારેક કોઈ સ્મૄતિ સળવળી ઊઠે. આવું કંઇક બને ત્યારે એ વિચાર કોઈ નવું સ્વરૂપ પણ લઈ લે. એ દિવસે સવાર સવારમાં અતિ પ્રસિદ્ધ થયેલી અમારી સામૂહિક ‘પત્રાવળી’ યાદ આવી. એમાંના પત્રો જ્યારે ફેસબુકના પાને મૂકવાનું નક્કી કર્યું ત્યારે એની લોકપ્રિયતાની વાતના અનુસંધાનમાં જુગલકિશોરભાઈ સાથે વાત કરી ત્યારે એનો રાજીપો વ્યક્ત કરવાની સાથે એમણે ‘સામૂહિક ડાયરી’ લખવાનો એક નવો વિચાર રમતો મૂક્યો..અને તરત જ દેવિકાબેન ધ્રુવ અને પ્રીતિબેન સેનગુપ્તાએ ઉત્સાહપૂર્વક સંમતિ દર્શાવી અને મઝાની વાત તો એ બની કે લંડનથી નયનાબેન પટેલ પણ અમારી સાથે રાજીથી જોડાવાં તૈયાર થઈ ગયા અને આમ પાંચ સંપાદકોનું પંચમ બન્યું. આ પંચમ શબ્દ પણ મઝાનો.
હા તો, સૌ પ્રથમ તો નેટ ડાયરીનું સ્વરૂપ કેવું હશે, કેટલા સમયગાળે તેને પ્રગટ કરવું, નામ શું રાખવું વગેરે બાબતની ચર્ચાઓના અંતે નેટ પર ફેસબુકનું નવું પેજ બનાવીને કેવી રીતે પ્રગટ કરવું એ અંગે જુભાઈએ માર્ગદર્શન આપ્યું. પ્રારંભદિન પહેલાં આ સમગ્ર કાર્યની પ્રસ્તાવનારૂપે મઝાનું અને માહિતીસભર લખાણ દેવિકાબેને લખ્યું અને એમાં તો જાણે ડાયરીની ઓળખ છતી થતી ગઈ.
એમના જ શબ્દો અહીં સીધા મૂકવા છે….“‘ડાયરી’ નામે સાહિત્ય સ્વરૂપ અનેક નામથી પરિચિત છે. દૈનંદિની,વાસરી,વાસરિકા,રોજનીશી રોજિંદી, રોજની, નોંધપોથી વગેરે. અંગ્રેજીમાં જર્નલ, ડેબૂક, લોગબુક, ક્રોનિકલ જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. એમાં દરરોજની નોંધ રોજ રોજ કરવાની હોય ત્યારે થાય કે રોજ રોજ વળી શું લખવાનું? ને એટલે જ એને માટે રોજની-શી?! એવું એક સ્મિત ફરકાવતું નામ પણ જુગલકિશોરભાઈને જ સૂઝે!“
આ વિશે વધુ ઊંડાણથી વિચારતાં પ્રીતિબહેન સેનગુપ્તાને વળી એક નવું નામ લાધ્યું ‘નિત્ય-નીશી’ અને અમે પાંચ સાથીદારોએ (જુગલકિશોરભાઈ, પ્રીતિ સેનગુપ્તા, દેવિકા ધ્રુવ અને નયના પટેલ રાજુલ કૌશિક) સ્નેહથી વધાવી પણ લીધું.
“સાહિત્યનું આ સ્વરૂપ વ્યક્ત થવા માટે મઝાનું છે. એનું મઝાનું હોવું ખાસ તો એ કારણસર છે કે એ લખાણો જાત સાથેની જાત્રા સમા હોય છે. ભીતરી અનુભૂતિ કોઈ પણ રૂપે આ માર્ગે વહી નીકળી શકે છે. ડાયરી અંગત જીવનનું એવું સુરક્ષિત સંગીત છે કે જ્યાં વ્યક્તિ પોતાનાં સ્વાનુભવો, સંવેદનાઓ અને વિચારોને સ્થાન આપી શકે છે.
“બીજી મઝાની વાત એ છે કે, ડાયરી લખવા માટે કોઈ ખાસ ધારાધોરણ કે નિયમ ન હોય. ઘણા લોકો હંમેશા નિયમિત રીતે લખે. ઘણાં, કોઈ ખાસ વાત, અવિસ્મરણીય પ્રસંગ કે બનાવ ટાંકવાનો હોય ત્યારે લખે. કેટલાંક વળી હૈયામાં ઘૂમરાતાં મોજાંઓને ડાયરીમાં ઠાલવે, ડાયરીનાં કોરાં પાનાંઓમાં છલકાવે. એ રીતે લખનાર વ્યક્તિનું એ પ્રસંગ કે બનાવ અંગેનું નિરીક્ષણ, વિચારો, અનુભવજન્ય ચિંતન વગેરે મનોભાવો એમાં પ્રગટે છે અને તે કોઈ અન્યને કહેવાતા નથી. બસ, મનની મઢૂલીમાંથી શબ્દોની પાંખે ઊડતા ઊડતા ડાયરીના સિંહાસને સ્થાન લે છે.“
આમ, નિત્ય લખતા રહેવાની ઈચ્છા (નિત્ય-નીશી) આપણને અનાયાસે આપણી નિકટ લઈ આવે છે. વળી એ ગમે ત્યારે ખોલીને વાંચી શકાય અને તસ્વીરોની જેમ સ્મૃતિઓને તાજી કરી આપે છે. એટલે કે રોજનીશી એ લખનારનાં સમય, સ્થળ, આબોહવા, વિચારો, મનોદશા, અને ભૌગોલિક સંગ્રહનું સજાગ આલેખન છે. અમ્બ્રોસ (એમ્બ્રોસ) બીયર્સ નામના એક ચિંતકે કહ્યું છે કે, “ડાયરી વ્યક્તિએ સ્વયં લખેલો રોજિંદો દસ્તાવેજ છે” આપણાંમાંથી ઘણાને ડાયરી લખવાની આદત હોય છે. પશ્ચિમના દેશોમાં ડાયરી લખનારાંને ‘ડાયરીસ્ટ’ કહે છે.“
આ તબક્કે એક વધુ વાત નોંધવી ગમશે. કહેવાય છે કે, ડાયરી લેખનનો ઈતિહાસ ખૂબ જૂનો છે. આપણા ઋષિમુનિઓ શિષ્યો પાસે લખાવતા. બીજી સદીના ઉત્તરાર્ધમાં રોમન સમ્રાટ માર્કસ ઓરેબિયસે ગ્રીક ભાષામાં લખેલી ‘ટુ માય સેલ્ફ’ને સૌથી પૌરાણિક ડાયરી તરીકે જોવામાં આવે છે. એ ‘મેડિટેશન’ તરીકે પણ ઓળખાય છે. વર્ષ ઈ.સ. ૧૯૦૩ની સાલમાં સંગીતકાર પિતાને ત્યાં જન્મેલી એનીસ નીનની થોકબંધ નોંધપોથીઓમાંથી ચૂંટેલી સામગ્રીના પાંચ ગ્રંથ બહાર પડ્યા છે.
૧૯૦૮માં ‘સ્મિથસન’ કંપનીએ ‘ફેધરવેઈટ’ ડાયરી બનાવી. ૧૯૪૨માં જ્યારે મેરી એન ફ્રેન્કને સૂઝયું કે ડાયરી લખવી જોઈએ ત્યારે ૧૩ની ઉંમરે ડાયરી લખવાનું શરૂ કર્યું. તેની આ ડાયરી હિટલરના જુલમોનો ઈતિહાસ લખે છે. તેણે લખેલી ડાયરી જગતની ૧૮થી વધુ ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે. તે ઉપરાંત રશિયાના મહાન નવલકથાકાર ફાઇડોર દોસ્તોવસ્કી અને ફ્રાન્સના નવલકથાકાર આંદ્ર (આંદ્રે) જીદની રોજનીશીઓ પ્રખ્યાત બની છે. આપણે ત્યાં રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, મહાદેવ દેસાઈથી માંડીને ઘણા બધા લેખકોએ પોતાની જિંદગીના કોઈ ને કોઈ તબક્કાની રોજનીશી લખી છે.”
આટલી પૂર્વભૂમિકા પછી ‘પત્રોત્સવ’ની જેમ જ હવે ૨૦૨૧ના આ પૂર્વાર્ધ કાળમાં અમે ‘નિત્ય-નીશી’ શરૂ કરી રહ્યાં છીએ.
દર સપ્તાહે એક લેખે પાંચ અઠવાડિયે પાંચેય સંપાદકોનાં ડાયરી-પાનાં પ્રગટ કરવાનું પણ નક્કી થયું. દિવસ ઊગતાથી માંડીને સાંજ-રાત સુધીમાં એક પછી એક પ્રસંગ નજરે કે કાને પડતા રહે છે. આમાંના કેટલાક પ્રસંગો શાંત જળમાં કાંકરી પડે ને જેમ વલયો પ્રગટે તેમ મનને વશ રહેતા નથી ને વિચારો ભાવોને સર્જી બેસે છે.
તે દિવસે જુભાઈએ જે વિચારબીજ વાવ્યું તેને અંકુરો ફૂટી ચૂક્યા છે ! આ નવી શ્રેણીને નેટવાચકો સમક્ષ મૂકવાનો સમય થઈ ગયો છે ત્યારે અમારી ડાયરીનાં આ પાનાં કે જે અમારાં અંગત હતાં તે સૌ વાચકો સમક્ષ મૂકીને સૌની શુભેચ્છા માંગી લઈએ છીએ!!
‘કુમાર’ સામયિકના તંત્રી અને ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ધીરુભાઈ પરીખના અવસાનના સમાચાર હમણાં જ સાંભળ્યાં. ખૂબ દુઃખ થયું. અવારનવાર ધીરુભાઈ સાથે ફોન પર વાતો થતી રહેતી હતી. તેમની અહીંની મુલાકાત હોય કે મારી ત્યાંની…. ફોનથી કે રૂબરૂ મળવાનું અચૂક બનતું.
૨૦૦૯ની સાલમાં, મારી ભારતની મુલાકાત દરમ્યાન કવિ શ્રી યોસેફ મેકવાન દ્વારા શ્રી ધીરુભાઈનો પરિચય થયેલ. એ વખતે જ્યારે યોસેફ્ભાઈ સાથે ફોન પર વાત ચાલી રહી હતી ત્યારે જોગાનુજોગ ગુજરાત વિદ્યાપીઠના પ્રેસીડેન્ટ અને ‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઇ પરીખ ત્યાં બેઠેલા હતા. યોસેફભાઈએ તેમને ફોન આપતા વાતચીતનો મોકો મળ્યો અને તે પછી તો તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત પણ ગોઠવાઈ. લગભગ કલાક-દોઢ કલાક જેટલો સમય આ બંને મહાનુભાવો સાથે યોસેફભાઇના ઘેર સાહિત્યગોષ્ઠીમાં ગાળ્યો. એટલું જ નહિ, બીજા દિવસની બુધસભા માટેનું આમંત્રણ પણ મળ્યુ.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ધીરુભાઇ પરીખ, દેવિકા ધ્રુવ અને કવિ શ્રી યોસેફ મેકવાન. જુલાઇ ૨૦૧૩.
કવિ શ્રી યોસેફ મેકવાનના ઘેર થયેલ એ આત્મીય મુલાકાતથી માંડીને સાહિત્ય પરિષદની બુધસભા દરમ્યાનની ઘણી ઘણી યાદો નજર સામે આવે છે.ન્યૂ જર્સીની તેમની છેલ્લી વીઝીટ સમયે હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં આવવા અંગે ઘણી વાતોની આપલે થયા પછી next time જરૂર આવીશ એવી ખાત્રી પણ આપી હતી. ખૈર…એ next time કાળના વહેણમાં વહી ગયો.
નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા તારીખ 6 થી 9 માર્ચ દરમ્યાન યોજાયેલા ‘વિશ્વ પુસ્તક મેળા’માં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાંનો એક ઓનલાઈન કાર્યક્રમ હતો “ગુજરાતી મહિલા લેખનની ગઈ કાલ, આજ અને આવતીકાલ” .આ વિષય પર ઉષા ઉપાધ્યાય, દેવિકા ધ્રુવ, લક્ષ્મી ડોબરિયા અને પ્રાર્થના જહાએ વક્તવ્ય આપ્યાં હતા. આ સુંદર કાર્યક્રમ માટે NBT અને શ્રી ભાગ્યેન્દ્ર પટેલનો આભાર.