સંગ્રહ
પત્રાવળી ૪૬-
પ્રિય મિત્રો,
પત્રાવળીમાં પીરસવા માટે આજે તમારા માટે હાસ્યરસ લઈને આવી છું.
હું થોડાં વર્ષોથી વિવિધ અખબારો અને સામયિકોમાં હાસ્યલેખો લખું છું.
પહેલાં તો થયું કે ‘ટર્કી’ની વિવિધ વાનગી પીરસું. પણ અત્યારે ‘ડાયેટીંગ’નો જમાનો છે એટલે એ વિચાર માંડી વાળ્યો. એને બદલે કંઈક ઉપવાસની વાત લખું. પણ તે પહેલાં લો, થોડું હસી લ્યો ને?! આપણી ગુજરાતી ભાષાના શબ્દોની જ વાત છે હોં.
એક વાર એક બહેને ‘તમારા ભાઈ ને મારા ભાઈ’ના નામે બહુ ગોટાળા કરેલા તેની મને બહુ મજા પડી.
સાંભળો..એક બહેને રસ્તામાં મળતાં વેંત જ મને પહેલો સવાલ કર્યોઃ
‘મારા ભાઈ કેમ છે?’
એના ભાઈને હું ઓળખતી પણ નથી ને એના ભાઈની એને ખબર કે મને ખબર?
‘કોણ તમારા ભાઈ?’
‘અરે, તમારા હસબન્ડ! તમે શું કહો એમને?’
‘હું? હું શું કહેવાની?’ મને ગુંચવાડો વધ્યો.
‘તમારા ભાઈને હું કયા નામે બોલાવું?’
લે, આ મારા ભાઈને કઈ રીતે ઓળખે?
‘તમે કેવી રીતે ઓળખો મારા ભાઈને?’
‘ખરાં છો તમે. મારા વરને હું ન ઓળખું?’
‘મારો ભાઈ! તમારો વર?’
‘અરે બેન! તમે તો ભારે ભોળાં. તમારા ભાઈ એટલે મારા વરનું હું નામ ન લઉં ને,એટલે તમારા ભાઈ એમ કહીને જ બોલાવું ને?’
બસ, આમ જ આગળ વાત વધતી જાય ને છેલ્લે ભાંડો ફૂટે ત્યારે ગમ્મત થાય.
હવે તમે હસી લીધું હોય તો ઉપવાસ પર આવું જેથી એ આકરા નો લાગે.
દોસ્તો, ચોમાસામાં જ શ્રાવણ આવે અને પર્યુષણ પણ આવે એનું કારણ ખબર છે? આખું વરસ બધું ખાઈ પી લીધા પછી જેને તંદુરસ્તી સાચવવી હોય તે ઉપવાસ કરીને પસ્તાવા રૂપે ઉપવાસ કરે. મેં તો બહુ વરસો બહુ ઉપવાસો કર્યા ને ભૂખે મરવાના નામ પર શરીર પર જુલમ કરીને, ખબર નહીં કેવી રીતે પણ બે ચાર કિલો ચરબી શરીરમાં જમા કરાવી દીધેલી! એનું કારણ તો મોડેથી ખબર પડેલું કે એક જ ટાઈમ, પણ પેટ ને મન બન્ને ભરાય ને ધરાય ત્યાં સુધી ખાધેલું! એટલે ઉપવાસથી થનારા ભ્રામક ફાયદાનો વિચાર મેં માંડી વાળ્યો.
હવે? હવે કરવું શું? ચારે બાજુ ધરમ ને કરમની વાતો ને ઉપદેશો વાંચીને, સાંભળીને વળી મનમાં ખળભળાટ થયો. ઉપવાસ ન થાય તો કંઈ નહીં, ભજન ન થાય કે કથામાં ન જવાય તો પણ કંઈ નહીં. ઘેર બેઠાં એવું કંઈક કરું કે મને પણ લાગે કે મેં આ પવિત્ર મહિનામાં કોઈ ધાડ મારી. અચાનક જ મોબાઈલને જોતાં મને પવિત્ર ને ઉચ્ચ વિચાર આવ્યો, ‘આખરે આ મોબાઈલ શું છે? માયા જ છે ને? આ એક જ માયા જ્યારથી વળગી છે ત્યારથી બીજી કેટલીય માયા વગર બોલાવ્યે ગળે વળગી ગઈ છે! આને જ જો કાયમ ન થાય તો કંઈ નહીં પણ થોડા દિવસ ઉપવાસને બહાને દૂર કરી શકું તો કેવું? મારી સાથે બીજા કેટલાયનો હું ઉધ્ધાર કરી નાંખીશ. બસ, આ જ શ્રેષ્ઠ વિચાર છે જેને તાત્કાલિક અમલમાં મૂકી જ દઉં. હવે જો મોડું કરીશ તો આ મહિનો પૂરો થતાં ફરી આવો ઉચ્ચ વિચાર આવવાની શક્યતા જ નહીં રહે.’
હવે થાય એવું કે આવા શ્રેષ્ઠ વિચારો પોતાની સાથે કેટલાક સવાલો પણ લેતા આવે!
જેમ કે, હું મોબાઈલનો ઉપવાસ તો કરું પણ કયો ઉપવાસ કરું? મને ખાતરી છે કે આખો મહિનો તો મારાથી મોબાઈલનો ઉપવાસ નહીં થાય. મારી બેચેની વધી જશે ને કદાચ મને વારંવાર ચક્કર પણ આવી શકે! મારી ઊંઘ ઊડી જશે ને મને મોબાઈલ વગર તો ભૂખ કે તરસ પણ નહીં લાગે! સ્વભાવ ચિડીયો થઈ જશે ને ઘરમાં કારણ વગરના ઝઘડા ઘુસી જશે. બધાં સાથે સંપર્ક કપાઈ જતાં હું તો કદાચ ગાંડી પણ થઈ જાઉં! અરેરે! આવી બધી આડઅસરો જો મોબાઈલના મહિનાના ઉપવાસથી થવાની હોય તો બહેતર છે કે હું કોઈ બીજો સહેલો રસ્તો વિચારું. ફક્ત સવારે ને સાંજે એક જ વાર મોબાઈલ જોવાનો ઉપવાસ રાખું?
અચાનક મને પર્યુષણની યાદ આવી. એકાંતરે મોબાઈલના ઉપવાસમાં નક્કી મારાથી તો ગોટાળા જ થાય. એના કરતાં આઠ જ દિવસના ઉપવાસ કરી લઉં તો ચાલી જાય. બસ આ જ શ્રેષ્ઠ. વળી પાછું, એવા આઠ દિવસના ઉપવાસને અઠ્ઠાઈ કહેવાય અને એ કરે તો પણ બહુ મોટી વાત કહેવાય!
ચાલો ત્યારે નક્કી થઈ ગયું. હું મોબાઈલની અઠ્ઠાઈ કરીશ એવી મેં ઘરમાં જાહેરાત કરી દીધી. જાહેરાત કરતાંની સાથે જ ઘરમાં હસાહસ ચાલુ થઈ ગઈ. ‘ભઈ, એક ઘડી તો તને મોબાઈલ વગર ચાલતું નથી ને આઠ દિવસ? મોબાઈલ વગર એક જ કલાકમાં તો તું બાવરી બનવા માંડીશ ને તારા હોંકારા પડકારા ચાલુ થશે તો તને શાંત રાખવી ભારે પડશે. આ ઘરમાં જેમતેમ શાંતિ આવી છે તે રહેવા દે ને? અમારું માન ને આ મોબાઈલની અઠ્ઠાઈવાળું માંડી વાળ. બીજી વાર આવા કોઈ વિચાર આવે ને તો અમારું ને તારું પણ ભલું વિચારીને માંડી જ વાળજે.’
આખરે? ધાર્યું ધણીનું જ થયું ને મેં શ્રાવણ અને પર્યુષણના તમામ ઉપવાસને દૂરથી નમસ્કાર કરી લીધા. બાકી હું મોબાઈલની અઠ્ઠાઈ તો કરી જ શકત હેં ને? શું કહો છો?
તમારો અભિપ્રાય જરૂર જણાવશો. પત્રલેખન મારો શોખ હોવાથી મન પર સંયમ રાખવો પડે એટલે આજે આટલું જ.
આપ સૌનો આભાર.
કલ્પના દેસાઈના સપ્રેમ નમસ્કાર.
પત્રાવળી-૪૫
પત્ર-પંથી મિત્રો,
હું સ્મરણ-બદ્ધ છું ને? એટલેકે, હું સ્મૃતિમાં છું ને?
આ શબ્દો કદાચ સહેજ મલકાટ લાવશે તમારા હોઠ પર. મને એમ કે સ્મરણની વાત ચાલુ થઈ છે તો પૂછી લઉં કે મારું વિસ્મરણ નથી થઈ ગયું ને!
સંસ્કૃત પર આધારિત શબ્દો હંમેશાં બહુ વિશિષ્ટ લાગે. એમનાં જોડાક્ષરી રૂપ, ઉચ્ચારિત ધ્વનિ, અલંકૃત અર્થ વગેરે એમને કેટલા આકર્ષક બનાવે છે. સમાસની બહુલતાને કારણે સંસ્કૃત ભાષા અઘરી મનાય છે, પણ એના શબ્દોમાંનો લય કર્ણપ્રિય નથી લાગતો?
ઑલ ઇન્ડિયા રેડિયો પરથી આવતા સંસ્કૃત સમાચાર સાંભળ્યા છે? એમાં ભાષા ખૂબ સાદી હોય છે, અને સ્પષ્ટ તથા અદ્રૂત ગતિથી બોલવામાં આવે છે. આથી, ખરેખર જ, એમાંનું ‘સંગીત’ સાંભળી શકાય છે, અને સમાચાર સહેલાઈથી સમજી શકાય છે.
તમે કહેશો, સ્મરણની વાતમાં વળી સંસ્કૃત ક્યાંથી આવ્યું? પણ તે સ્મરણમાંથી જ ને? થોડા શ્લોકો તો આપણે જાણતાં હોઈએ, પણ સંસ્કૃતનાં નાટકો ભણવાની જે મઝા આવતી હતી, તે ભુલાઈ નથી. આવી તો અનેકવિધ અને અગણિત બાબતો મગજમાં રહેલી કોઈ છૂપી મંજૂષામાં જગ્યા મેળવતી રહી હોય છે, નહીં? કઈ ક્યારે પ્રગટ થાય, કે ના થાય, એનું રહસ્ય મનોવિજ્ઞાનીઓ પણ ક્યાં કહી શક્યા છે?
એનો જવાબ તો અંતરિક્ષમાં રહેલા પેલા મહાસર્જકની પાસે જ હોઈ શકે છે, પણ આપણને જાણવા ઓછો મળવાનો? તેથી આપણે તો અનુમાન કરતાં રહેવાનું, અને સ્મરણની મનસ્વી રીતિથી વિસ્મિત થતાં રહેવાનું.
સ્મરણ, સંસ્મરણ, સ્મૃતિ, સંસ્મૃતિ- આ શબ્દો લાગે છે લગભગ સરખા, પણ અર્થછાયા કૈંક જુદી પડે. વળી, છે સાહિત્યિક કહેવાય એવા, તેથી દરરોજની વાતચીતમાં એમનો ઉપયોગ ખાસ થતો નથી હોતો. એ માટે એક બીજી ભાષાનો એક બીજો શબ્દ ઘણો વધારે વપરાતો હોય છે. એ ભાષા તે ફારસી, અને એ શબ્દ તે યાદ. એ પરથી યાદગાર, યાદગીરી, યાદદાશ્ત -આપણે જેને યાદદાસ્ત કહીએ છીએ. (પછી તો યાદશક્તિ જેવો શબ્દ પણ બન્યો, કે જેમાં ઉર્દૂ અને સંસ્કૃત શબ્દો ભેગા થયા.) આ બધા સંબંધિત શબ્દો ગુજરાતીમાં એવા પ્રચલિત થયેલા છે કે એ બીજે ક્યાંકથી આવ્યા છે, એવો ખ્યાલ પણ હવે રહ્યો નથી.
સદીઓ સુધી ફારસી અને અરબી હળતી-ભળતી રહી, ને એમાંથી, અઢારમી સદી દરમ્યાન ઉર્દૂ ભાષાનો જન્મ થયો ગણાય છે. ઉર્દૂ ગઝલોનું ખેંચાણ મને એવું થયું હતું કે હું ઉર્દૂ ભાષા શીખેલી, અને ગાલિબ, દાગ, ઝૉક, મીર જેવા ખ્યાતનામ ગઝલકારોને વાંચતી, ને પછી ઉર્દૂ ગઝલો લખતી થયેલી.
આ ‘સ્મરણ’ શબ્દ પરથી ‘યાદ’ શબ્દ વિષે વિચાર કરતી હતી, ને તાત્કાલિક આ બે શૅર લખાયા ઃ
“ યાદે ફલક મેં આજ કોઈ યુઁ આ ગયા હૈ, કિ માહોલ માયુસી કા હર તરફ છા ગયા હૈ l
મુદ્દતોં સે નિકલા હૈ ઉમ્મીદોં કી ઓર જો, આજ ભી વહ કારવાઁ ક્યોં લાપતા હૈ? “
ઉર્દૂ ગઝલો જૂની યાદોના નિરૂપણને માટે એકદમ યોગ્ય લાગે છે. એમાં ઉદાસીના અને વિરહના રોમાન્ટીક લાગતા ભાવનું પ્રાધાન્ય હોય છે. સતત માશુકાની યાદ, એના તરફથી થતી ઉપેક્ષા, દિલનો તલસાટ, તેમજ કૈંક કટાક્ષ જેવા ભાવ ઉર્દૂ ગઝલોમાં જોવા મળે. જેમકે, દાગનો એક શૅર છે ઃ
“ નારાઝ હો ખુદા તો કરેં બંદગી સે ખુશ,
માશૂક રુઠ જાયે તો ક્યોં કર મનાયેં હમ l ”
એ જ રીતે, જીગર મુરાદાબાદીનો આ શૅર ઃ
“મેરા જો હાલ હો સો હો, બર્કે નઝર ગિરાયે જા,
મૈં યુઁ હી નાલાકશ રહુઁ, તૂ યુઁ હી મુસ્કુરાયે જા.”
(મારું જે થવાનું હોય તે થાય, તું તારે નજરથી કટાક્ષ કર્યે જા, હું ભલે આમ જ રડતો રહું, તું તારે સ્મિત કર્યે જા!)
અતીતનાં સ્મરણ કે વીતી ગયેલા દિવસોની યાદોની અસરને કારણે ઉત્પન્ન થાય છે ઝુરાપાનો ભાવ. એ અત્યંત તીવ્ર પણ હોય, ને ત્યારે જૂની યાદોથી આનંદ પામવાને બદલે મન ઉદાસીનતા અનુભવે.
આ ઝુરાપો કે ઝૂરવું માટે અંગ્રેજીમાં પણ સરસ શબ્દ છે- nostalgia. એ તો સાવ નાની યાદ (કોઈ જમણ, કોઈ જગ્યા) માટે પણ વપરાય, પણ આ શબ્દોનો કોઈ ખાસ અર્થ કરીએ ત્યારે એને માટે ઘર-ઝૂરાપો અને homesickness જેવા શબ્દ બને છે. પરદેશ આવ્યા પછી બધાંએ આ સંવેદન અનુભવેલું, બરાબર છે ને? મારું માનસ એવું ઉર્દૂ ગઝલને અનુરૂપ હશે, કે મને દેશની ભૂમિ અને એની હવાના ઝુરાપાનો અનુભવ દેશ છોડતાં પહેલાંથી થવા માંડેલો !
મોટા ભાગના લોકોને માટે ધીરે ધીરે એ સંવેદન થાળે પડતું ગયું, એમ કહી શકાય. હવે ઘર-ઝુરાપાની વાત ખાસ થતી નહીં હોય. હવે સ્મરણોનો ઉલ્લેખ થાય ત્યારે બધાંને વધુ ભાગે પોતપોતાનાં બાળપણનો સંદર્ભ અભિપ્રેત હોય છે.
ઘણી વાર સ્મરણો કનડગત જેવાં, ને ભારરૂપ પણ લાગે. અરબીસ્તાનના રણમાં ઊંટોનો કાફલો જતો હોય, પીઠ પર પોઠોની પોઠો લાદેલી હોય, અને એમની પાછળ રેતી વંટોળ થઈ થઈને અમળાતી હોય; આંખમાં, ત્વચામાં -મનમાં- ખૂંચતી રહેતી હોય, કેંક એમ!
જોકે એમ રખે માનતાં કે સ્મરણોનો સામાન તરછોડી કે ફેંકી દઈ શકાશે. ના રે, એવું તો ક્યારેય નહીં.
—- પ્રીતિ સેનગુપ્તા
પત્રાવળી ૪૪..
રવિવારની સવાર
સૌ ટપાલરાહી મિત્રો !
અમદાવાદથી જુગલભાઈનાં સંભારણાં.
આપણે સૌએ પત્રાવળીને બહાને પત્રો વહેંચ્યા. પત્રથાળીમાં કાંઈ કેટલીય વાનગીઓ પીરસી. આપણે અંદરોઅંદર તો જમ્યાં ખરાં જ પણ આ પંગતમાં તો અનેકોનેય જમાડયાં !
આ જમણવાર, જમનારાં અને વાનગીઓ તો ઠીક મારા ભૈ, પણ થાળી અને પંગતની રીતભાતોય હવે બદલી ગઈ છે. પત્રાવળી હવે કાગળરૂપી પાંદડેથી (નેટના) પડદે આવી ગઈ ! બેસવાના પાટલાની જગ્યાએ ઉભડક ને હરતીફરતી વ્યવસ્થા થઈ ગઈ ! શાહી સુકાઈ ગઈ ને સુકાયેલી જ રહેનારી સ્યાહી મઢાઈ રહી. કક્કો હવે ઘૂંટવાને બદલે ટપકાવવાનો થયો. છેકાછેકી જે દૃષ્યમાન રહેતી તે હવે ડિલીટાઇ જઈને અદૃષ્ય થવાથી લખનારાંના મનમાંની અવઢવ હવે વંચાઈ જતી નથી. મનમાં ભરેલું જેને બહાર નહોતું આવવા દેવાનું તેમાંનું કેટલુંક છેકાછેક થકી જાદુગરની મુઠ્ઠીની જેમ છે છે, નથી નથી રહેતું ’તું તેય ગયું !
મિત્રો, ટપાલ હંમેશાં રાહની વેદના અને આવે તો ઉત્સવની બાબત બની રહી છે.
છેક ૧૯૬૪ની કાચી આછી જુવાનીના સમયે જોડકણારૂપ રચના થયેલી તે આજના આ પત્રસંદર્ભે રજૂ કરું છું.
અવ આવ, આવ ! (ઉપજાતિ)
આજેય ના ’વી…
અવ કાલ આવશે,
આશાભર્યો એમ જ કૈં દિનોથી
ઝૂરી રહ્યો દર્શન કાજ તાહરાં.
તું આવશે તો…(ફટ રે ભૂંડા ‘તો’ !)
સત્કારવા આંગણિયે ઉતાવળો
આવીશ ને બેઉ કરો થકી તને
ચાંપીશ હૈયે.
ભીંજાવીને સ્નેહ થકી હું માહરા
ખોલીશ તારું દિલ મુગ્ધ હૈયે;
જાણીશ તારા ઉરની કથા સૌ
મારો અજંપો ઉરનો શમાવવા.
સંદેશ કોઈ મમ કાજ લાવ,
ટપાલ દેવી ઝટ આવ,આવ આવ!!
(ટપાલી,ભાઈ ! ટપ્-આલ આલ !! )
– જુગલકિશોર.
રાહ જોવાની વાત આવે ત્યારે પિયુ અને પત્ર બન્નેને એક સાથે સંભારવાં પડે. મહેમાનો પણ એક જમાનામાં રાહ જોવાનો વિષય હતા, પરંતુ મહેમાનોની રાહ જોવાની તક આપનાર પણ ટપાલ જ હતી ને ! ટપાલથી જાણ થાય કે મહેમાન આવવાના છે ત્યારે જ તેમની રાહ જોવાનો અવસર સાંપડતો.
હવે તો ટપાલની જેમ જ મહેમાનો પણ રાહ જોવાનો વિષય રહ્યાં જ નથી !
મહેમાનો રાહ જોવડાવ્યા પછી સદેહે હાજર થઈને ધરપત આપે છે. સાથે કેટલીય વાતો, વ્યવહારો, જાણકારી, નિર્ણયો વગેરે લઈને આવે છે ત્યારે ટપાલ તો આવ્યા પછીય એક નવી જ ઝણઝણાટી, ઇન્તેજારી, ક્યારેક અકળામણો, તો ક્યારેક આંખોને નિતારી દેનારા સમાચારો આપી જાય છે.
આપણે, કે આપણા વાચકો શું કહી શકે કે ટપાલના કેટલા પ્રકારો હોઈ શકે ?
જવાબ અઘરો છે છતાં કહી શકાય કે જેટલાં મોકલનારાં એટલા એના પ્રકારો ! ટપાલ લખનારાના જેટલા પ્રકાર, એટલા ટપાલના પ્રકાર ! દરેક ટપાલને પોતાનું એક નાનકડું જગત હોય છે. ટપાલ પોતાના હૈયામાં – શબ્દો અને પંક્તિઓની વચ્ચે કોણ જાણે કેટકેટલું સંતાડીને રજૂ થાય છે ! એને ઉકેલવા માટેય એની સમકક્ષતા જોઈએ ને.
ટપાલી સરકારી નોકર હોવા છતાં સ્વજન બની રહેતો હતો તે કાંઈ અમસ્તો ?!
આજે હવે ટપાલ આંગળીને ટેરવે છે. ટપાલની રાહ એ ભૂતકાળનો વિષય બની રહી છે. એની રાહ જોવાની વેદના અને એના આવ્યાનો ઉત્સવ આજની પેઢીને માટે અજાણ્યો પ્રદેશ ગણાય.
આપણે સૌએ આ આખો યુગ પાછો યાદ કરવા–કરાવવાની ચેષ્ટા કરી. કેટલું સફળ થયાં તે તો આપણા વાચકો જ કહી શકે, જો કહે તો !
“પત્રાવલી”એ આપણ સૌને એ જમાનાની ઝાંખી જો કરાવી હોય તો આ દાખડો લેખે લાગ્યો ગણાશે.
સૌને આવી રહેલી શારદી પૂર્ણિમાના અભિનંદન !
મારાં કેટલાંક હાઇકુ આ ઋતુવિશેષે –
ભાદરવાના
ચોક્ખા આભે ચાંદલો
રાજ ભોગવે.
વર્ષાએ દીધો
લીલો વૈભવ; ચાંદો
રાતરખોપે.
વર્ષા, જલથી
નવડાવે ધરાને;
શારદ દુધે.
દીવાળી કાજે
ચાંદની શરદની
ધૉળતી ભીંતો.
શ્રી ઉમાશંકર જોશીની એક પંક્તિ પણ :
વેગે ભરી સરી જતી શુચિ વાદળોપે,
હેમંતને શરદ નૂતન વર્ષ સોંપે.
અમદાવાદથી સ્નેહસ્મરણ.
જુગલકિશોર.
Email: jjugalkishor@gmail.com
પત્રાવળી ૪૩..
રવિવારની સવાર…
વહાલાં મિત્રો,
સીધા સાદા ડાકિયા, જાદુ કરે મહાન,
એક હી થેલે મેં ભરે આંસુ ઔર મુસ્કાન.
જોકે ડાકિયાનું સ્થાન હવે ઈ મેઇલે લીધું છે.પણ પરિવર્તન એ તો સંસારનો ક્રમ.
પત્ર લખાય,મોકલાય, પહોંચે,વંચાય અને વળતો જવાબ આવે..ત્યારે એક આખું સર્કલ પૂરું થાય.
આજે દેવિકાબહેને તેમની આ મજાની પત્રાવળીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું ત્યારે તુરત હા પાડવાના બે કારણો..
એક તો પત્રલેખન એ મારું મનગમતું પ્રિય સાહિત્ય સ્વરૂપ..અને બીજું એમાં સામેલ બધાં મિત્રો સાવ પોતીકા..જુગલકાકા આદરણીય વડીલ.. પ્રીતિબહેન, રાજુલબહેન અને દેવિકાબહેન તો લીલાછમ્મ મિત્રો. કમાલ તો જુઓ..આમાંથી રાજુલબહેન એક એવા છે જેમને કદી રૂબરૂ મળી નથી. છતાં એ બિલકુલ અજાણ્યાં નથી. સાવ પોતીકા સ્વજન..દેવિકાબહેનના શબ્દોમાં કહું તો શબ્દોને પાલવડે અમે અનેક વાર મળ્યા છીએ..કેટકેટલી ગૂફતગૂ..કરી છે. ભીતરના પટારાને એકમેક સામે ખોલ્યો છે કે અનાયાસે ખૂલી ગયો છે.
અહીં તો આ પત્રોમાં શબ્દોને વિવિધ રીતે પામવાનો કેવો મજાનો ઉપક્રમ સર્જાયો છે.
ભર્તુહરીએ ત્રણ જ્યોતિ અને ત્રણ પ્રકાશની વાત કરી છે.
અગ્નિજયોતિથી લાધતો પ્રકાશ, ચિત્તજયોતિથી લાધતો પ્રકાશ અને શબ્દજયોતિથી લાધતો પ્રકાશ..
શબ્દજયોતિને એમણે પ્રકાશને ય પ્રકાશિત કરનારો કહેલો છે.
પોતીકા શબ્દોનું અજવાળું લઇને અહીં મળેલા સર્વ મિત્ર સર્જકોને સાદર પ્રણામ.
શબ્દ તો કમલદળ સમ, હળવે હાથે લખજો,
લખી આંગળી થાકે, ત્યારે મધુર વાણી ઉચ્ચરજો.
શબ્દ તો છે અંતરનો નાદ, અખિલાઇ સંગ નાતો એનો,
શબ્દ છે ઈબાદત, શબ્દ છે પ્રાર્થના,શબ્દે શબ્દે ઉઘડે ઉજાસ
શબ્દો છે અમારા સાવ નોખા, શબ્દો જ અમારા કંકુ ને ચોખા ( શ્રી મનોજ ખંડેરિયા).
સાહિત્યની ડાળીએ નવી નવી શબ્દ કૂંપળો ફૂટતી રહી છે.એમનું સન્માન કરીને સીંચવાની, એને પોંખવાની, પોષવાની જવાબદારી સમાજની છે.
સાહિત્ય એ સાંપ્રત સમાજનો આયનો છે. જેમાં સાંપ્રત સમાજનો પડઘો આપોઆપ ઝિલાતો રહે છે, ઝિલાતો રહેવો જોઇએ. સમાજમાં બનતી સારી, નરસી ઘટનાઓનું પ્રતિબિંબ આપણા શબ્દોમાં પડવું જોઈએ.સમાજની બદીઓ સામે લાલબત્તી ધરવી અને સારી વાતને ઉજાગર કરવી એ સાચા સાહિત્યકારની જવાબદારી છે, એનો ધર્મ છે. એ જવાબદારી આપણે સૌએ નિભાવવી રહી. એ ધર્મ આપણે પાળવો રહ્યો. આપણા દ્વારા લખાતો દરેક શબ્દ એ આપણી જવાબદારી છે.
કોઇ ના વાંચી શકે, ના પામી શકે,
માનવી તો વણઉકેલ્યો વેદ છે.
આ વણ ઉકેલ્યા વેદને શબ્દની ચાવીથી ઉઘાડી શકાય છે. આપણા શબ્દમાં એ તાકાત હોવી જોઈએ.
સ્કૂલમાં ભણતા હતા ત્યારે ઘણીવાર નિબંધ લખવાનો આવતો કે કલમ ચડે કે તલવાર..?
આપણે ઈતિહાસમાં ઘણી જગ્યાએ વાંચ્યું છે કે માથું કપાઈ ગયા બાદ રણમેદાનમાં થોડી વાર એકલું ધડ ઝઝૂમી રહ્યું. ભાટ, ચારણોના બુલંદ અવાજે માથા વિનાના ધડમાં યે ઘડીભર ચેતન પ્રગટતું. કેવી હશે એ શબ્દોની તાકાત ? કેવી હશે એ વાણી ? આપણે તો એની કલ્પના જ કરવી રહી.
શબ્દ માણસને કયાંથી કયાં લઇ જઈ શકે છે એનો મને પોતાને અનુભવ છે.સાત સાગર પાર જયારે હું પહેલી વાર આવી હતી ત્યારે મને કોણ ઓળખતું હતું ? કોઇ જ નહીં. હું ફકત થોડા શબ્દો લઇને ગઇ હતી..અને એ શબ્દોએ વિદેશમાં પણ કેટકેટલા મિત્રો મેળવી આપ્યા.કેવા મજાના સંબંધો આપ્યા…
શબ્દો મારી પણ શકે અને તારી પણ શકે.બાળી કે ઠારી પણ શકે. બેધારી તલવાર જેવા શબ્દોનો સમુચિત ઉપયોગ એની સાચી તાકાત.
આ સુંદર યાત્રામાં સહભાગી થયાના આનંદ સાથે, સૌ મિત્રોના સ્નેહ સ્મરણને ભીતરની દાબડીમાં સંગોપીને અહીં જ વિરમું..મળતા રહીશું..શબ્દોને સથવારે,શબ્દોને પાલવડે.
નીલમ દોશી
nilamdoshi@gmail.com
પત્રાવળી ૪૨-
રવિવારની સવાર… 
પ્રિય પત્રસાથીઓ,
પત્ર, ટપાલ, કાગળ, ચિઠ્ઠી, પત્રિકા-કેટકેટલા નામ ! આજે આ પત્રાવળી થકી પાઠવવામાં આવતી ટપાલોને પણ કેટલા વહાણાં વહી ગયા. દેવિકાબહેને તો આજે ટપાલોને માનવીય સંદર્ભથી ઉઠીને કેટલી સરસ રીતે પ્રકૃતિ સાથે સાંકળી લીધી. કુદરતના પ્રત્યેક કરિશ્માને ટપાલ સાથે સાંકળવાની વાત -જાણે ઈશ્વરે માનવજાત માટે પાઠવેલા પત્રો.
આજે જ્યારે આ ઈમેઇલ દ્વારા પળવારમાં મળી જતા પત્રો થકી ખૂબ નજીક આવી ગયા છીએ ત્યારે એક વડીલે ( શ્રી ગીજુભાઇ વ્યાસે) કહેલી વાત યાદ આવે છે. લગભગ અડધી સદી પહેલા જ્યારે ઈન્ટરનેટ કે ઈલેક્ટ્રોનિક્સ પત્ર-વ્યહવારની સુવિધાની કલ્પના પણ નહોતી ત્યારે એમણે કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં એવો સમય આવશે કે જ્યારે એક વ્યક્તિ પત્ર-ટપાલ મોકલશે અને વળતી ક્ષણે જ દુનિયાના કોઈપણ છેડે રહેતી બીજી વ્યક્તિને એ પત્ર મળી જશે. જ્યારે એક પત્ર મોકલાય અને દુનિયાના બીજે છેડે રહેનારને પંદર દિવસે એ પત્ર મળે એવા સમયે એ વાત સાંભળીને સાચે જ અજાયબી થઈ હતી પણ આજે એ કલ્પના હકીકત બની જ રહી છે ને!
આજથી અડધી સદી પહેલાની વાત આ ક્ષણે યાદ આવે એ આપણી સ્મૃતિની દેન જ છે ને? સ્મૃતિની મંજૂષામાં કેટલુંય ભર્યુ હશે અને એ ક્યારે સળવળી ઉઠે કહેવાય નહી.
પણ સૌથી વહાલી તો બાળપણની સ્મૃતિ જ હોં કે. આજે પણ ઉંમરના કોઈપણ પડાવે પહોંચેલી વ્યક્તિને બાળપણની યાદ જ સૌથી વધુ વહાલી હશે. બાળપણની એ સ્મૃતિથી તો આજે પણ મન એટલું જ પ્રફુલ્લિત નથી થઈ ઉઠતુ?
સાવ આજની જ વાત છે. મનભાવન મોસમમાં પૂર્વીય દિશામાંથી પથરાતા ઉજાસમાં એક નાનકડું બાળક મસ્તીમાં આમતેમ ટહેલતું હતું અને એણે ફૂલ પર બેઠેલું પતંગિયુ જોયું. એકદમ રાજી થઈને એણે પતંગિયાનો પીછો કર્યો પણ એમ કંઈ હાથમાં આવે તો પતંગિયુ શાનું?
બસ આપણી સ્મૃતિનું પણ કંઈક આવું જ છે. યાદ કરવા મથીએ એ પેલા પતંગિયાની જેમ ઉડીને એક ડાળેથી બીજી ડાળે. તો કોઈવાર અનાયાસે એક ઘટનાની યાદ સાથે જોડાયેલી સ્મૃતિ બીજી અનેક યાદોને તાજી કરતી જાય. આ સ્મૃતિનાય અંકોડા શ્રી અમિત ત્રિવેદી કહે છે તેમ એકમેક સાથે જોડાયેલા તો ખરા જ….
“લ્યો સ્મરણ પાછા મનની ભીંતે આવી લટક્યાં..પ્રસંગો વારાફરતી આવી ઘરમાં સચવાયા”
બાળપણથી શરૂ થતી સ્મૃતિ-સ્મરણયાત્રા ઘરમાં બનતા તમામ શુભ-મંગળ પ્રસંગો સુધી લંબાવાની અને કોઈ આવીને રોકે નહીં ત્યાં સુધી અવિરત ચાલ્યા જ કરવાની. પણ સાથે જરૂરી નથી કે આપણા મનમાં જે સ્મૃતિ અકબંધ સચવયેલી છે એ કોઈની સાથે વાગોળીએ તો એના મનમાં પણ એવી જ છબી તાદ્રશ્ય થાય એટલે આ સ્મરણો સાચવવાની કળા પણ આપણે શીખી જ લઈને છીએ. એ ક્ષણોને પણ આપણે કેમેરામાં કંડારી જ લઈએ છીએ ને !
દેવિકાબેન કહે છે એમ સ્મૃતિ મનમોજી તો ખરી જ અને બુધ્ધિને નેવે મુકીને દિલને વળગી જાય. પણ આ સ્મૃતિ-સ્મરણ એટલે શું? એ ક્યાંય કોઈ મનમાંથી ઉપજેલી વાત તો નથી જ. મનમાં ઉઠતા તંરગોને, વિચારોને તો આપણે કલ્પના કહીશું. સ્મૃતિ એટલે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના આજે યાદ આવે જે ખરા અર્થમાં ઘટી ગઈ છે અને મનના કોઈ ખૂણામાં સંઘરાઈને સચવાઈ રહી છે અને કાળક્રમે એ ફરી તાજી થાય છે. સ્મૃતિની જ આ માયાજાળ છે અને એમાંથી ક્યાં કોઈ બાકાત રહી શક્યું છે કે રહી શક્શે?
ગયા પત્રમાં એકપાઠી વ્યક્તિ એટલે કે એક વાર વાંચે, જુવે કે સાંભળે અને કાયમ માટે યાદ રાખે એવી વ્યક્તિઓની વાતનો ઉલ્લેખ થયો હતો. ગાંધીજીના મન પર જેમનો પ્રભાવ હતો એ શ્રીમદ રાજચંદ્ર શતાવધાની અર્થાત એકસાથે સો ક્રિયાઓ યાદ રાખીને એક સાથે કરી શકતા. કહે છે એમને સાત વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયું હતુ. વાત પૂર્વજન્મની નથી કરવી વાત અહીં કરવી છે સ્મરણની. શ્રી સુરેશભાઈના ‘જનાન્તિકે‘માં જે મરણનો છેદ સ્મરણથી ઉડાડવાની વાત થઈ એના સંદર્ભમાં આ વાત યાદ આવી. જેના મનમાં પૂર્વજન્મની સ્મૃતિ પણ અકબંધ રહી હોય એને મરણ ક્યાં સ્પર્શ્યું? સમયથી પણ વધુ બળકટ થઈને ઉભરે એવી આ સ્મૃતિ તમામ કાળથી પણ પર થઈ?
જો કે આ બધી વાતો કહેલી -સાંભળેલી કે વાંચેલી છે જ્યારે મારે અહીં સાવ ઘરમેળે થયેલા સ્વ-અનુભવની વાત કરવી છે. આજે યાદ આવી. અમારા દાદીમા જો આજે હોત તો શતાબ્દી વટાવી ચૂક્યા હોત. આંકડા -નંબર બાબતે એમની સ્મૃતિ ગજબની હતી. એકવાર કોઈપણ નંબર સાંભળે અને જીવનભર યાદ રહી જતો અને એટલી હદે કે જ્યારે એમના જીવનની અંતિમ ક્ષણો ગણાતી હતી, નાડી તુટતી જતી હતી, , થોડી થોડીવારે લગભગ અભાનવસ્થામાં સરી પડતા હતા ત્યારે એમને સચેત કરવા પૂછીએ ,” બા, મામાના ઘરનો ટેલીફોન નંબર?” અને શ્વાસ ભલે અટકી અટકીને ચાલતા હતા પણ એ તદ્દન અભાનાવસ્થામાં પણ એકવાર અટક્યા વગર સડસડાટ નંબર બોલી જતા!!
શબ્દમાંથી સ્પર્શ , સંવાદ , મૌન અને હવે આ સ્મૃતિની વાતોનો ખજાનો જેમ જેમ ખુલશે તેમ કંઈક અવનવું જાણવા મળશે . ખરી વાત ને મિત્રો ?
રાજુલ કૌશિક
ઈમેઈલઃ rajul54@yahoo.com
પત્રાવળી ૪૧-
રવિવારની સવાર
પત્ર-સાહિત્યના રસિકમિત્રો,
કુશળ હશો.
કેટલા આનંદની વાત છે કે, દીવે દીવાની જેમ એક વિષયમાંથી અનેક વિષયો પ્રગટી રહ્યા છે.
શબ્દનો આ તે કેવો નશો? મનોજ ખંડેરિયા કહે છે તેમ ‘શબ્દની ફૂંક્યા કરું છું હું ચલમ,લોક સહુ માને છે ગંજેરી મને.” પણ મિત્રો સાચું કહેજો હોં. દિલ ખોલીને કહેવા/સાંભળવાનો, વાંચવા/વંચાવવાનો આ કેફ ‘માંહી પડયાં તે મહાસુખ માણે’ના જેવો નથી શું?
પોસ્ટમેનની ટપાલો કે આ પત્રાવળીની ઈમેઈલની જેમ જ કુદરતમાંથી પણ કેટકેટલીવાતો સંભળાયા કરે છે? મોર ટહુકે ને જાણે વરસાદની ટપાલ મળે! ડાળ પર કૂંપળ ખીલે ને લાગે કે ધરતીની ખુશીનો પત્ર મળ્યો.. ઉઘડતા ફૂલ પર ઝાકળનું ટીપું દેખાય તેને પ્રેમની ચબરખી કહીશું? અરે, મને તો ઝાડ પરથી પાન ખરે ને ત્યારે પણ પ્રત્યેક પાનમાં વસંતનો વિરહ સંદેશ વંચાય! અને ઊડીને એ જ પાન પાછું પળવાર માટે ઝાડને ચોંટે તો એમાંથી પણ ‘વસંતમાં ફરી મળીશું’ એવી આશાભરી ખાત્રી વંચાય! મિત્રો, આમ જોઈએ તો દરેક પળ એક ટપાલ છે, સંદેશ છે. માત્ર એનો કક્કો/બારાખડી/લિપિ/ભાષા ઉકેલતા આવડવું જોઈએ. શું કહો છો?
આજે એક બીજી મઝાની વાત વહેંચવી છે. યાદ છે મિત્રો, ગયા થોડા પત્રોના મૌન અને ‘સંવાદ’ વિષયમાંથી જુગલભાઈએ તડકામાં થયેલ સંવાદ અને તેમાંથી મહેનતકશ લોકો સાથેના ટ્યુનીંગમાં થયેલા પડઘાની વાત લઈ આવ્યા. તો વળી એમાંથી મારા મનમાં આજે કંઈ કેટલીયે સ્મૃતિઓ સળવળી. એક વાતમાંથી બીજી વાત યાદ આવે, એ અનુભવ તો દરેકનો હોય છે જ. પણ મને વિચાર એ આવ્યો કે, આ યાદ, આ સ્મૃતિ છે શું? ક્યાંથી આવે છે? ક્યા રહે છે? આ પણ એક વિસ્મયનો વિષય છે. સ્મૃતિના ડાબલામાંથી ઘણું બધું હાથમાં સરી આવે છે. એ હંમેશા એને ગમતું જ સાચવે છે. બાકીનું તો બધું ખબર નહિ, કેવી રીતે ક્યાં ફેંકી આવે છે કે ઢાંકી દે છે! તમને પણ આ અનુભવ હશે જ.
આ વિશે સુરેશ જોશીએ તેમના એક નિબંધ સંગ્રહ “જનાન્તિકે”માં ખૂબ જ સુંદર લખ્યું છે કે,
સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવાં નવાં વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે..તથ્યનો એ વિકાસ સ્મરણમાં જ થાય છે; ત્યાં જ એનાં શાખા, પલ્લવ અને ફળફૂલ પ્રકટ થાય છે. આથી જ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શકીએ છીએ.” બહુ વિચારવા જેવી વાત છે આ.
આપણે કહીએ છીએ ને કે સમય બળવાન છે એ વાત તો સાચી.પણ આ સ્મૃતિઓ સમયથી પરે છે. એને વર્તમાનકાળ સાથે કશી જ નિસ્બત નથી અને ભવિષ્યની તો પરવા જ ક્યાં છે? છતાં ખૂબી તો એ છે કે, સ્મૃતિઓ ભૂતકાળને લઈને વર્તમાનમાં જીવે છે. એ મનમોજી છે. એને જ્યારે આવવું હોય ત્યારે જ અચાનક આવી જાય છે. ઘણીવાર કારણો મળે તો પણ સંતાઈ જાય છે. કદાચ સમૃધ્ધિમાં! અને ક્યારેક વગર કારણે આવી જાય છે અને ખસવાનું નામ પણ નથી લેતી. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. મોટે ભાગે બુધ્ધિને નેવે મૂકી દે છે અને દિલને વળગી જાય છે. એનું સ્વરૂપ કેવું છે? નથી ખબર. એનો આકાર કેવો છે? નથી ખબર. પણ એના નખરા ખબર છે ભાઈ હોં.. ક્યારેક મઝા કરાવે છે તો ક્યારેક હેરાન પરેશાન કરી મૂકે છે. એ મનમાં જ રહે છે, મનમાં જ ઊભી થાય છે અને મનમાંથી જતી પણ રહે છે. ઉપમા કોની અપાય? સ્મૃતિ નિરાકાર ખરી પણ નિરાકાર તો ઈશ્વર પણ છે એને ઈશ્વર તો ન કહેવાય. કારણ કે, ઈશ્વર તો સર્જક છે! યાદો ક્યાં સર્જક છે?…..અરે..કેમ ભૂલી? હા, યાદો સર્જક ખરી જ. હવે તમે મને કહો કે, માનવીને જ્યારે સંવેદના કે અનુભૂતિ થાય છે ત્યારે બરાબર એ જ ક્ષણે એ કંઈ કહે છે? લખે છે? ના. તે ક્ષણે તો માત્ર અનુભવે છે. પછી.. મોટેભાગે એમાંથી પસાર થઈ ગયા પછી ધીરે ધીરે એની ઉઘડતી જતી યાદોમાંથી જ તો લેખક કે કવિઓ કલ્પનાના રંગો ઉમેરી સર્જન કરે છે ને? એટલે શબ્દાકારે થતાં સર્જનો એ સંવેદનાની યાદોમાંથી જન્મે છે એમ કહી શકાશે? અદ્ભૂત ! આજે આ જે કંઈ લખ્યું તે એની જ તો લીલા છે ને!
હમણાં આ વિશે એક લેખ વાંચવા મળ્યો. તેમાંથી જે ગમ્યું તેની થોડી વાત કરું.
Rabbi Elijaah, રેબાઈ એલાઈજાહ (યહૂદી ઉપદેશક) ની સ્મૃતિ ‘ફોટોગ્રાફિક’ હતી. તેમણે બે હજાર ગ્રંથો માત્ર એક વાર વાંચીને મનમાં શબ્દશઃ જડી દીધા હતા! ફ્રેન્ચ રાજદ્વારી ગેમ્બેતની સ્મૃતિ લગભગ આવી જ હતી. તેમને વિક્ટર હ્યુગોએ લખેલાં હજારો પાનાં યાદ હતાં. હ્યુગોના કોઈ પણ ગ્રંથની લીટી તરત યાદ કરીને તે સીધી અને ઊંધી, બંને રીતે બોલી શકતા.
આપણને સ્વાભાવિક રીતે થાય કે બીજાની અદભૂત સ્મૃતિનાં ઉદાહરણો જાણીને આપણે શું? આપણે પાંચ નામ કે ખરીદવાની વસ્તુઓની રોજિંદી યાદી ભૂલી જતા હોઈએ ત્યારે પચાસ હજાર નામ યાદ રાખનારનું સ્મરણ કરવાથી શું? આપણી સ્મૃતિમાં થોડો વધારો થઈ શકે ખરો? પણ દોસ્તો, તમે માનશો ? સ્મૃતિના વિકાસના કે કેળવણીના સંદર્ભમાં વાત કરતાં એક પ્રોફેસરના મંતવ્ય પ્રમાણે મોટાભાગના માનવી સ્મૃતિ કે યાદદાસ્તની તેમની શક્તિનો માત્ર દસ ટકા ઉપયોગ કરે છે. સ્મૃતિ કેળવવાના કોઈ પણ પ્રયાસો કર્યા વગર ”મારી સ્મૃતિ ખરાબ છે”, ”મને યાદ રહેતું નથી” એવા વિધાન કરનાર આપણે સૌ મનની અજ્ઞાત શક્તિથી અજાણ છે. આપણને ખબર જ નથી કે સ્મૃતિ કેટલી અદભૂત અને અદ્વિતીય હોઈ શકે છે.
નેપોલિયનની સ્મૃતિ કેવી ગજબની હતી? તેમના લશ્કરની તમામ વિગતો એમના મગજમાં ફાઈલની જેમ જ ગોઠ્વાયેલી રહેતી. તમે જુઓ ને આપણા વેદો,ઉપનિષદો,બાઈબલ કે કુરાન વગેરે ધર્મગ્રંથોને કેટલા બધા વિદ્વાનો આખા ને આખા કંઠસ્થ કરી,ભૂલ વગર પાઠ કરતા!
મને એકવાર એમ પણ જાણવા મળેલું કે, ( આ પણ સ્મૃતિમાંથી જ નીકળ્યું! ) લગભગ ૨૧૦૦ વર્ષ પૂર્વે રોમના જાણીતા વક્તા સિસેરોએ એક જાહેર વેચાણના પ્રસંગમાં સેંકડો ખરીદનારનાં નામ, તેમણે લીધેલો માલ, માલની કિંમત વગેરે કોઈ પણ ભૂલ વગર અને ક્રમબદ્ધ રીતે વેચાણને અંતે કહી બતાવ્યું હતું!. કદાચ એટલે જ લંડનથી પ્રગટ થતાં ‘ઓબ્ઝર્વર’ નામના રવિવારના સાપ્તાહિકમાં ડો. ફીલ હોગને લખ્યું છે કે ‘memory is not something-It is everything. — સ્મરણશક્તિ તો માનવ માટે ૨૧મી સદીમાં સર્વસ્વ છે. તેનું માણસે પોતે ખૂબ જ જતન કરવું જોઇએ. ટેક્નોલોજીનો વિકાસ આજના જેવો થયો ન હતો ત્યારે સ્મરણ શક્તિ જ કામે લાગતી હતી ને? કેટલાં બધાં ટેલિફોન નંબરો મોંઢે યાદ રહેતા હતા?
ચાલો, આજે તો મૌન અને સંવાદમાંથી બહાર આવી, સ્મૃતિને શબ્દોમાં લંબાણથી અભિવ્યક્ત કરી. મિત્રો, આ તો બિંદુમાં સિંધુની વાત છે. મઝા આવી હોય તો આપની સ્મૃતિના ખજાનામાંથી જે કંઈ શબ્દ રૂપે બહાર આવે તેની રાહ જોઈશ.
સપ્ટે. મહિનો તો આજે પૂરો થઈ ચાલ્યો. ૠતુ બદલાતી જણાય છે. શિશિર, વસંત, કે ગ્રીષ્મ,પાનખર,વર્ષા કે શરદ, આપણી ટપાલો તો રવિવારે મળતી જ રહેશે. બરાબર ને?
દેવિકા ધ્રુવ.
ઈમેઈલઃ ddhruva1948@yahoo.com
પત્રાવળી-૪૦-
રવિવારની સવાર
સાહિત્યરસિક પત્રમિત્રો,
સુડતાલીસ વર્ષ અગાઉ, લેખક શ્રી રજનીકુમાર પંડયા અને કવિ શ્રી રમેશ પારેખ વચ્ચે ‘શબ્દ’ વિષે થયેલી શબ્દ-ચર્ચાના બે રસપ્રદ પત્રો પૈકી એક તેની હસ્તલિખિત પ્રત સાથે….
પ્રસ્તાવનામાં શ્રી રજનીકુમાર પંડયા લખે છેઃ
શબ્દ બ્રહ્મ છે ? છે, -રજનીકુમાર પંડયા.
1971 ની સાલ. તેંત્રીસ વર્ષનો હું જામનગરમાં હતો ત્યારે અમરેલી વસતા અને આગળ જતાં ગુજરાતી ભાષાના યુગસર્જક કવિ બની રહેનારા રમેશચંદ્ર મોહનલાલ પારેખ હજુ ઘડતરની પ્રક્રીયામાંથી પસાર થઇ રહ્યા હતા. અમારી દોસ્તીને હજુ આઠ-નવ જ વર્ષ થયાં હતાં.એ જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા અને હું એક નાનકડી કોઓપરેટીવ બેંકમાં મેનેજર ! પણ અમારી વચ્ચે ટપાલી સાહિત્યચર્ચા સતત ચાલતી રહેતી. એવા જ એક દૌરમાં મેં એની ઉપરના મારા પત્રમાં શબ્દ વિષે એક પ્રશ્ન ઉઠાવ્યો હતો. એનો જવાબ તો 5-8-71 ના પોસ્ટકાર્ડરૂપે મારી પાસે સચવાયેલો પડયો છે . જે હવે પછીની કડી રૂપે રજુ થશે, પણ પહેલા મારો સવાલ, કે જે શબ્દ વિષે હતો તે જોઈ લઈએ.
મારો સવાલ આ પ્રમાણે હતો.
‘ કોઇ પણ અભિવ્યક્તિનું આપણું ઓજાર શબ્દ છે. અર્થ એ પછીના ક્રમે આવે.પણ લખતી વખતે હું કાયમ એવું અનુભવું છું કે મારે જે કાંઇ કહેવું છે તેને માટે બોલાયેલો કે લખાયેલો શબ્દ હમેશા મને ઊણો પડે છે. એમ થાય છે કે હું મારા મનમાં છે તેને હું મૂર્ત કરી શકતો નથી. મનમાં છે, અનુભુતિમાં છે, અને જે કહેવા માટે મેં કલમ ઉપાડી છે તે બધું જ મારી સામે ભલે સ્થૂળ સ્વરુપે નહિં તો સ્થૂળ સંકેત રૂપે તો પ્રગટવું જ જોઇએ. જો હું ‘પાણી”બોલું તો પાણી નજર સામે ભલે ઉત્પન્ન તો ન થાય પણ મને ભીનાશ અનુભવાવી જ જોઈએ. રણ લખું તો રણપણું મને ફીલ થવું જોઈએ.
મારા સાહિત્યગુરુ મોહમ્મદ માંક્ડ મને એકવાર એમ કહેતા હતા કે કોઇ પાશ્ચાત્ય લેખકે પોતાની લખાતી નવલકથામાં એક મેડિકલ ડોક્ટર ડૉ. વિલિયમ્સનું પાત્ર ઉભું કર્યું હતું. હશે, તે તેની નવલક્થાની જરૂરત હશે પણ મૂળભુત રીતે તો એ પાત્ર કાલ્પનિક જ હતું, પણ પછી એ નવલકથાના લેખન દરમિયાન એ લેખક બિમાર પડ્યા ત્યારે એને ખરેખરા ડૉક્ટરની આવશ્યકતા ઉભી થઈ. ત્યારે એનો પરિવાર કોઈ ખરેખરા ડૉક્ટરને બોલાવી લાવ્યો ત્યારે આ લેખકે એની સારવાર લેવાનો ઈન્કાર કરી દીધો. કહ્યું કે ના, ના, આ નહિં. મારા ડોક્ટર તો ડૉ. વિલિયમ્સ છે. એને બોલાવો.
પછી શું થયું એ જાણવાનું કોઈ જ મહત્વ નથી. મહત્વ એ વાત પ્રતિપાદિત કરવાનું છે કે લેખકે પોતાના શબ્દોથી એ કાગઝી ડોક્ટરને પણ પોતાના પૂરતો જીવંત બનાવી દીધો હતો.
મને હમેશા શબ્દો, ભાષા પાંગળા લાગે છે. એનાથી કશું નજર સામે મૂર્ત થવાની વાત તો દૂર રહી પણ મનમાં છે તેનું પૂરું communication પણ થતું નથી. શબ્દો તો બોલાયા કે લખાયા પછી ફેંકાઈ જાય છે. આપણા મનમાં રહી જાય છે ‘ હજુ કશુંક મારી જીભે, મનમાં,મારી ચેતનામાં રહી ગયું છે તેની પીડા’.
ઘણીય વાર મારી ભાષા સામું પાત્ર સમજતું નથી એની પીડા પણ આપણા શબ્દોને સાવ વાંઝીયા બનાવી દે છે. સામું પાત્ર સમજતું નથી કારણ કે એની અને મારી ભાષા એક નથી. એવે વખતે જગત આખામાં મનુષ્યો વચ્ચે પ્રત્યાયનની એક જ ભાષા હોવી જોઈએ એમ થાય છે. જો કે તોય શબ્દો મૂર્તિમંત થતા નથી એવી મારી પીડા તો ઉભી જ રહે છે.
પૂરાણા ધાર્મિક ગ્રંથોમાં જે શબ્દ બોલે તે વસ્તુ-પદાર્થ નજર સામે પ્રગટ થાય તેવા સિધ્ધ મનુષ્યોની વાતો આવે છે, તે સાચી હશે ?
સાચી છે કે નહિં તે કહી શકતો નથી , પણ હોવું જોઈએ તેમ તો લાગે જ છે. શબ્દની એ શક્તિ સિધ્ધ તો કોઈ કાળે થશે જ થશે. શબ્દ બ્રહ્મ છે. ⓿
શબ્દ ચર્ચાની બીજી કડી : શ્રી રમેશ પારેખ રજનીકુમારને લખે છે :
‘આપણો સૌનો પ્રોબ્લેમ છે કે શબ્દ સંકેત મટીને ક્રિયા બને. (આ વાત) આદર્શ તરીકે ગમે છે, પણ વ્યવહારમાં આપણે જાણીએ છીએ તે મુજબ એ (શબ્દ) સંકેત પણ બની શકતો નથી. એટલે જ તો Communication નો અભાવ સાલ્યા કરે છે. તું જગતમાં એક ભાષા હશે –ની રમ્ય કલ્પના કરે છે, ત્યારે મને મારી પર હસવું આવે છે.- કે મારે –એટલે કે આપણે-જ એક ભાષા પામી શક્યા નથી-કે શકતા નથી તેનું શું ? ભાષાઓ ભાષાઓ, ઘોંઘાટભાષા, અવાજ, ચીસ, કોલાહલ બધું જ ભેળસેળ,સેળભેળ થઇ જાય છે ને કોઈ એક ભાષાનું છડેચોક ખૂન થતું રહે છે. શક્યતા જ દૂધપીતી થઈ જતી હોય ત્યારે…. ‘ને બોમ્બની જગાએ શબ્દો કામ કરશે ‘ની હવાઈ કલ્પના પર મને મારી જાત પર લાચાર હસવું ન સૂઝે તો શું સૂઝે ? કોણ જાણે કેમ, આપણા પ્રોબ્લેમ કોઇ સમાંતર ક્ષણે આકાર લેતા હોય છે….”
લેખક સંપર્ક- રજનીકુમાર પંડયા. ઈ મેલ-rajnikumarp@gmail.com
પત્ર ૩૯- વાચકોના પત્રો-
રવિવારની સવાર….
કેલિફોર્નીયાના બે એરિયાના સક્રિય ગુજરાતી કાર્યકર શ્રીમતિ પ્રજ્ઞાબેન દાદભાવાલા લખે છેઃ
મૌન પણ બોલે છે ..
મને આ વાત બાળપણમાં સમજાઈ હતી. ત્યારે હું ૧૧માં ધોરણમાં હતી. સ્વાભાવિક ઉંમર એનું કામ કરતી હતી. મને કશુક નવું કરવું ગમતું, જેને ‘એડવેન્ચર’ કહી શકાય. એક દિવસ રીસેસમાં ગાપચી મારી હું મારી બહેનપણી સાથે ‘મેટેની’ શોમાં પિક્ચર જોવા ગઈ. મારી માસીની દીકરી મારા જ વર્ગમાં હતી. તેણે મારી મમ્મીને વાત કરી કે હું શાળામાંથી પિક્ચર જોવા ગઈ હતી.
હું ઘરે આવી. સમય કરતા થોડીક જ મોડી અને મમ્મીએ માત્ર એટલું જ કહ્યું કે ‘આવી ગઈ? સારું, જમી લે અને સ્કુલનું lesson કરી લેજે.’ ત્યાર પછી શનિ–રવિની રજા હતી. રજા પછી શાળામાં ગઈ ત્યારે મારી બહેનપણીએ કહ્યું. ‘તારી મમ્મીએ પૂછ્યું હતું કે પ્રજ્ઞાની ફિલ્મની ટીકીટના તને કેટલા પૈસા દેવાના છે? ને તારા પપ્પા મમ્મી મને રવિવારે પૈસા આપી ગયા..’ હું બે ક્ષણ માટે એને જોઈ રહી અવાચક. આ વાત જાણ્યા પછી મમ્મી પપ્પાનું આ મૌન મને ખટકી ગયું. હા, અહીં એમનું મૌન બોલતું હતું. શબ્દો ન કરી શકે તે કામ મૌને કર્યું. હું મારી જાતે બધું સમજી ગઈ. આવી વાત આપણી હો કે ગાંધીની, પણ શબ્દો અને વાણી વિનાની મૌનની એક અજબની પરિભાષા છે.
હું તો ક્યારેક મારા શહેરનું પણ મૌન સાંભળું છું. મુંબઈ શહેર એટલે ચોવીસ કલાક હાંફ્તું ,ધબકતું અને ક્યારેય ના થાકતું, ધાંધલ ધમાલ, ઉથલપાથલનું શહેર. એ મૌન કેવી રીતે હોઈ શકે? અહીં મુંબઈ શહેર તમને ખોટા પાડે છે. કારણ શહેરનું મૌન ભેદી હોય છે. મુંબઈ શહેર શબ્દોનું મહોતાજ નથી. એ ભાવની ભરતીનું શહેર છે. એનું મૌન ક્યારેક ડર પહેરીને આવે છે તો ક્યારેક ચિંતા ઓઢીને આવે છે. અહી મૌનની તીક્ષ્ણતા આકરી હોય છે. હા ક્યારેક શહેરનું મૌન શબ્દોથી પણ તેજ, ધારદાર, ઘાતક, જીવલેણ અને તીક્ષ્ણ બની જતું હોય છે. ત્યારે જાણે મૌન શબ્દની આબરૂ લેતું હોય તેવું ભાસે છે. હા, પણ મૌન બોલે છે.
સાંભળો તો મૌન ઘણું બોલે છે. મૌન માણસને ચીરી નાખે છે તેમ મૌન માણસને સીવી નાખે છે મૌન જીવન છે, મૌનમાં ધબકાર છે. મૌનમાં શ્વાસ છે. મૌન એ શબ્દોની કબર નથી. મૌન હૃદયના ધબકારામાં ગાજતું હોય છે..હા મૌન બોલતું હોય છે.
પ્રજ્ઞા દાદભાવાલા
pragnad@gmail.com>
સાહિત્ય–જગતના આદરણીય અને https://niravrave.wordpress.com પર પ્રકાશ પાથરતાં શ્રીમતી પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગમાં શ્રી પરેશ વ્યાસ લખે છેઃ
શબ્દસંહિતા–આધુનિક જીવનશૈલીનાં આગંતુક શબ્દોની ત્રિપદી–
કેમ્બ્રિજ ડિક્સનરી સમયાંતરે નવા શબ્દોની યાદી જાહેર કરે છે. એવાં શબ્દો જે નવજાત છે, સાંપ્રત છે, જેનો કોઈ ઈતિહાસ નથી. ગુજરાતી ભાષામાં એવાં શબ્દો વિષે એક એક સરસ શબ્દ છે ‘શબ્દજશબ્દ’. ગુજરાતી લેક્સિકોનમાં એનો અર્થ અઘરો કરીને છાપ્યો છે. ઝટ સમજાતો નથી પણ થોડો સરળ કરીએ તો અર્થ થાય. અચાનક આવી ચઢેલો નવો શબ્દ. આગંતુક શબ્દ. આજે એ વિષે વાત કરવી છે.
એલએટી (LAT):
એલએટી અબ્રીવિએશન (સંક્ષેપાક્ષર) છે. એલએટી એટલે લિવિંગ અપાર્ટ ટૂગેધર. ‘અપાર્ટ’ એટલે એક બાજુએ, અલગ અલગ, છેટે, દૂર, કકડેકકડા, જુદી રીતે. અને ‘ટૂગેધર’ એટલે ભેગાં, સાથે, એક સાથે, એકબીજાની સાથેસાથે, એકી વખતે, સંગાથે.. બંને વિરોધાર્થી શબ્દો. અલગ પણ રહેવું અને સાથેય રહેવું? એ શી રીતે બની શકે? એલએટી એટલે એવી વ્યક્તિઓ જે આમ તો સાથે છે પણ છતાં દૂર રહીને જીવે છે.. એલએટી સહજીવનની એવી નવી વ્યવસ્થા છે; જેમાં લગ્ન પણ નથી અને ‘લિવ-ઇન’ પણ નથી. તેઓ સાથે રહેતા નથી. અલગ રહે છે. અને છતાં સાથે છે. પતિ પત્ની જેવાં જ સંબંધો છે. સાથે હરે છે, સાથે ફરે છે, સાથે ચરે છે. ટૂંકમાં સચરાચર ખરાં પણ સાથે રહેતાં નથી. ઘર જુદા છે. બંને એકમેકને ખૂબ પ્રેમ કરે છે. તકલીફમાં સાથે જ હોય. બીમારી પડે, અકસ્માત થાય કે ક્યાંક માથાકૂટ થઇ જાય તો સાથીદાર પડખે જ હોય. આ કામચલાઉં રીલેશનશિપ નથી. છીછરી રીલેશનશિપ પણ નથી. સાથે છે. બસ એટલું જ કે એક છત નીચે સાથે રહેતાં નથી. આ એવું જોડું છે; જે જોડે રહેતું નથી. પોતપોતાની એક અલગ લાઈફ છે.
લગ્ન વિષે ખલિલ જિબ્રાન કહે છે કે તમારાં સામીપ્યમાં જગ્યા રહેવા દેજો. કારણ કે સરૂનું ઝાડ અને દેવદારનું વૃક્ષ એકબીજાની છત્રછાયામાં વિકાસ પામતું નથી. વીણાનાં તાર અલગ હોય તો જ મધુર સંગીત રેલાવે છે. મંદિરનાં સ્તંભ અલગ હોય તો છતનો ભાર ઝીલી શકે છે. એલએટી ખલિલ જિબ્રાનનાં જ્ઞાનનો અનાયાસે અમલ કરે છે.
શ્રી પરેશ વ્યાસ. ( પ્રજ્ઞાબેનના સૌજન્યથી સાભાર.)