સંગ્રહ

પત્રાવળી-૧૩

 

રવિવારની સવાર…..

શબ્દ-ભોજનના સૌ સાથીદારો,

અહાહા! રાજુલબેનની ગરમ ગરમ ઉકળતી દાળની સોડમ અને પત્રાવળીમાં અવનવી ચટાકેદાર વાનગીઓ પીરસાતા વેંત હું તો જમવા બેસી ગઈ! મને લાગે છે કે આપણી જેમ અન્યોના પણ હાલ થયા હશે. બરાબર ને? કદાચ એટલે આપણા વાચક મિત્રોએ પણ સુંદર લાંબા પત્રો પાઠવ્યા. એટલું નહિ, પોતાની પણ શબ્દવાનગી પીરસી.

મિત્રો, આજે તો મારી બારીમાંથી મનગમતો વાસંતી વાયરો વાઈ રહ્યો છે. એને શબ્દમાં ગૂંથવા આંગળીઓ તૈયાર થઈ રહી છે અને મન તો આભે જઈ અડવા તલપાપડ થઈ રહ્યું છે!

આ વાસંતી વાયરાને ફૂલમાં ઝીલું, ઝીલી ઝીલીને દૂર આભને અડું.
આભને અડું,પરમ પ્રેમમાં ભળું… આ વાસંતી વાયરાને શબ્દમાં ગૂંથું…

મારા બેકયાર્ડ’માં સામે દેખાતા લીંબુના ઝાડ પર ફૂટતી કળીઓ તો જાણે લીલાછમ પાંદડાના દરબારમાં રાજ્યાભિષેક કરી રહી જણાય છે !! પણ હવે આપણી મૂળ વાત પર આવું.

જુ.ભાઈએ કરેલ શિલ્પ અને નૃત્યની વ્યાખ્યામાં કેટલું કાવ્યત્વ વર્તાય છે. “થીજી ગયેલું નૃત્ય એટલે શિલ્પ અને થરકી ઊઠેલું શિલ્પ એટલે નૃત્ય !!”  વાહ..વાહ..આમાં શબ્દોની સાથે સાથે ભાવોનો અદ્ભૂત લય સધાયો છે. કોઈપણ ચિત્ર અને શિલ્પના આવા  યથોચિત વર્ણનાત્મક શબ્દો પણ મનમાં કેવાં કાયમી ચિત્રો ઊભા કરી દે છે!! કલમનું આ ટાંકણું પણ કમ નથી જ.. શ્રી વલીભાઈએ પણ સાચું જ કહ્યું ને કે, શબ્દ જ્યારે યથાસ્થાને, યથાભાવે પ્રયોજાય, ત્યારે તેનું મૂલ્ય કેટલું બધું વધી જાય છે?. જાણે કે, રસ્તામાં રખડતો કોઈક પથ્થર, શિલ્પકારના ટાંકણાથી ઘડાઈને મૂલ્યવાન શિલ્પકૃતિ બની જાય!

આ શબ્દની વાત પરથી ફરી એક વાર એકાક્ષરી શબ્દની વાત પણ છેડાઈ. પ્રીતિબેને એકાક્ષરી શબ્દોથી શરુ કરી, વિશ્વની અન્ય ભાષાઓ અને શબ્દના દૃશ્ય અને શ્રાવ્ય રૂપ તથા વિશ્વની અન્ય ભાષાઓ અને તેના ઉચ્ચારોની આનંદકારી માહિતી પૂરી પાડીને એક અલગ આયામ આપી દીધો,નહિ? મઝા આવી ગઈ.

શ્રી કિશોરભાઈ મોદીએ કહેવતોને સરસ રીતે રમાડી જાણી છે. તેમના સર્જનો વિશે લખવા બેસીએ તો એક મહાગ્રંથ બની જાય. કહેવતોને ગ્રામ્યજીવન સાથે વધુ સંબંધ છે એમ નથી લાગતું?

ગ્રામ્યજીવનની સાથે જ સ્મરણ થાય છે દાદીમાની વાતોનું.  દોસ્તો,આપણે દાદીમા પાસે જે કહેવતો અને ઉખાણાં સાંભળ્યા છે તે પછીની પેઢીમાં ઓછા થતાં ગયાં છે એ હકીકત છે. ઉખાણાંમાં ચાતુર્ય અને રમૂજ બંને ઠાંસીને ભરેલા હોય. વળી ક્યારેક તો એ ગાઈ શકાય તેવા હોવાથી યાદ પણ રહી જતા.

ઉખાણાં જેવી જ એક બીજી વિસરાયેલી વાત છે ખાયણાંની. યાદ આવ્યું કાંઈ? વર્ષો પહેલાંના ‘શબ્દસૃષ્ટિ’માં ‘ખાયણાં’ નામની પુસ્તિકા પરનો એક લેખ વાંચ્યો હતો. તેમાં લખ્યું હતું કે,આપણાં જૂનાં ખાંડણિયાં-ખાયણાં-ખાયણિયા-એ એક હળવો સાહિત્યપ્રકાર છે. જેમાં આનંદ છે,મશ્કરી છે, ઉપાલંભ છે,મલકાટ છે,મરડાટ છે. તેમાં રોજીંદા જીવનનું નિરૂપણ એ રીતે છે કે, ઝઘડો નથી પણ હસતાં હસતાં લગાવેલો ચાબૂકનો સપાટો પણ છે. અંતરની બધી જ સંવેદના હળવેથી અંતાક્ષરીની જેમ જ સામસામે ગવાતી. એકાદ બે યાદ આવે છે. વાંચવા/સાંભળવા છે ને?

“આવોને બહેની સામસામે બેસીએ, આનંદ ઉમંગે ગાઈએ, રૂડા મારાં ખાયણિયાં” એટલે બીજી બહેન કહે કે, ‘ ખાંડણિયા ખાંડું ને હિંચકે રે ઝૂલું, રમત સઘળી ભૂલું, રૂડા મારા ખાયણાં’
હવે જુઓ, અહીં દીકરીની વિદાય માટેની થોડી વેદના સામસામે કેવી રીતે ઠલવાય છે?
‘ખાંડીયા ખાંડુ ને ખખડે હાથના કંકણ, દીકરી તો ઘરનું ઢાંકણ, જતી રહેશે સાસરે.’
‘મારી તે માએ જતન કરીને જાળવી,રતન કરીને રાખી કે પરને સોંપવા.’

 કેવી અસરકારક અભિવ્યક્તિ છે?  વાંચતા વાંચતા જ મનમાં ગવાતા જાય છે ને? હવે તો ખાયણાં  ભલે ભૂલાઈ ગયાં છે પણ એની વાત સાથે તમને પણ લોકગીતો, લગ્નગીતો,દોહા, અખાના ચાબખા/છપ્પા, વિસરાયેલા શબ્દો ને એવું ઘણું બધું યાદ આવી જશે. બરાબર ને ?

સાચે જ શબ્દનો આવિર્ભાવ અને અભિવ્યક્તિ બંને એક રહસ્યમય વિસ્મય છે.

 તમારું શું કહેવું છે? રાહ જોવાય છે.

દેવિકા ધ્રુવ

 

Advertisements

પત્રાવળી-૧૨- વાચકમિત્રોના પત્રો

રવિવારની સવાર

(૧)

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના માનવંતા સભ્ય, https://smunshaw.wordpress.com પર, જમીનના સિતારા જેવા દિવ્યાંગ બાળકોની વાતો લખતા રહેતાં અને ‘નોખાં અનોખાં’ના મૂળ લેખિકા શૈલાબેન મુન્શા લખે છેઃ

પ્રિય દેવિકાબેન અને પત્રાવળીના અન્ય મિત્રો,

સહુ પ્રથમ હાર્દિક અભિનંદન; નવા વર્ષે નવી શબ્દોની પત્રાવળી પીરસવા માટે. આપની સાથે અમારા જ્ઞાનની પણ કસોટી થશે. તમારો પ્રથમ શબ્દ, “પત્રાવળીશબ્દોની વિવિધતા સાથે ભોજનની વિવિધતા પણ જેમાં પીરસાય એ પત્રાવળી. પારંપારિક લગ્ન પ્રસંગે ભોજન હમેશ પત્રાવળીમાં જ પીરસાતું. આશા છે આપને આ અર્થ ગમશે.
આપના પત્રલેખનના પ્રયોગ પછી આ નવતર પત્રાવળીમાં જોડાવાનુ મન થઈ ગયું. કેટકેટલા શબ્દો, રોજરોજ વપરાતા પણ નવા નવા અર્થોનો ઉઘાડ.

જુઓને, પર્જન્ય શબ્દના કેટલા અર્થ છે. એક જાતનો મેઘ જે વરસતાં હજાર વર્ષ સુધી જમીનમાં ચીકાશ રહે તેવો. ગુજરાતી ભાષાની સમૃધ્ધિ પણ એમ જ તો રહેશે. પર્જન્ય એક પણ એના અર્થ અનેક. પર્જન્ય-કશ્યપ ઋષિનો એ નામનો પુત્ર જેની ગણના ગાંધર્વમાં થાય છે. ગર્જના કરતું વાદળું અને ઈંદ્ર પણ તો પર્જન્યના નામે ઓળખાય છે ને!! વિષ્ણુ મેઘવૃષ્ટિ કરનારા છે, વળી આનંદસુખની વૃષ્ટિ કરનાર પણ તે છે, માટે વિષ્ણુ ભગવાન પર્જન્ય કહેવાય છે. પુરાણમાં તો સવિતા નામના આદિત્યનુ બીજું નામ પર્જન્ય, દર વર્ષે ફાગણ મહિનામાં સૂર્યમંડળ ઉપર તેનું આધિપત્ય હોય છે.
આ વખતે હ્યુસ્ટનમાં તો પર્જન્ય વરસાદ રુપે નહિ પણ બરફના કરાં રુપે વરસ્યો! એ પણ એક કુદરતની વિવિધતા જ છે ને! ઉપર સ્વચ્છ સોનેરી આકાશ તોય આંગણુ બરફથી છવાયેલું. નીનાબેન, આવું ફકત લંડનમા બને એવું નથી રહ્યું હવે!!!!!
વધુ વરસવાનુ હવે બીજા સાહિત્ય રસિક મિત્રો પર રાખું.

સાહિત્ય- મિત્ર,
શૈલા મુન્શા

.

મેરીલેન્ડના વતની, http://vhirpara.blogspot.com પર કલમને વહાવતા, વાર્તાકાર  વિમલાબેન હિરપરા લખે છેઃ

સુજ્ઞ દેવિકાબેન તથા પત્રાવળીના દોસ્તો,

તમારી પત્રાવળીમાં મારા તરફથી થોડી વાનગી. ગુજરાતી ભાષામાં ઘણા શબ્દો જેના સમાન ઉચ્ચારો ને લખાણ એક છતાં અર્થ અલગ ને કયારેક પરસ્પર વિરોધી પણ હોય. એવા થોડા શબ્દોઃ

મીઠુ. એનો અર્થ ખારુ ને ગળ્યુ પણ. હાર એટલે નેકલેસ ને હાર એટલે પરાજય. ગળામાં પહેરાય તે તો જીત કહેવાય ને? છતાં એ જ શબ્દનો બીજો અર્થ પરાજય ! કેવો વિરોધાભાસ? અર્થ એટલે પૈસો ને અર્થ એટલે સાર. ખોટ એટલે નુકશાન ને ખોટ્ય જેમકે સાત ખોટ્યનો દિકરો કે કોઇ મહામુલી ચીજ. અહીં પણ વિરોધાભાસ.

કાળ એટલે મોત ને કાળ એટલે સમય. દેવતા એટલે અગ્નિ ને દેવતા એટલે દેવો. વાસ એટલે રહેઠાણ ને વાસ એટલે બદબૂ. વાસ=રહેઠાણ તો ચોક્ખુ રાખીએ ને? પણ બીજો અર્થ બદબૂ એટલે કે ખરાબ વાસ. આ કેવું, નહિ?  ભાગ એટલે હિસ્સો ને ભાગ એટલે કોઇને ખસી જવાનો આદેશ.આવા તો ઘણા શબ્દો કે જે બોલાય અને લખાય એક જ પણ અર્થો જુદાજુદા.

ચાલો, અહીં અટકું છું.

() હ્યુસ્ટનનિવાસી અને http://hemapatel.gujaratisahityasarita.org/ માં નિયમિત  રીતે અંતરના અજવાળાં પાથરતાં રહેતાં હેમાબેન પટેલ લખે છેઃ

પત્રમિત્રો,

પત્રાવળીમાં પીરસાયેલ વિવિધ શબ્દોનુ રસપાન કર્યું. આજે હું એક સામગ્રી, પ્રેમ શબ્દ લઈને આવી છું. પ્રેમમાં મીઠાશ હોય છે માટે પત્રાવળીમાં પીરસવા માટે હું મીઠાઈ લઈને આવી છું. એક નાનકડો શબ્દ પરંતુ શબ્દ પર તો આખુ જીવન ચાલે છે.

આપણી ગુજરાતી ભાષા કેટલી સુંદર છે. મનના દરેક ભાવ સમજવા માટે શબ્દોની વિવિધતા. જેમ એક શબ્દના અનેક અર્થ થાય, તેમ એક અર્થ દર્શાવતા અનેક શબ્દો પણ છે.. પ્રેમ, પ્યાર, હેત, મમતા, વાત્સલ્ય, સ્નેહ. માતાપિતા, ભાઈબહેન, પતિપત્ની, સંતાન, મિત્ર વગેરે  સબંધો પ્રમાણે શબ્દોનુ સર્જન થયું. હ્રદયની અંદર પ્રેમ રસ જ્યારે છલકાય તેની પ્રતિતી શબ્દો દ્વારા થાય છે. પ્રેમ છે પરંતું પ્રેમમાં પણ અલગ અલગ ભાવ હોવાને કારણે કેટલા બધા શબ્દો ! અંગ્રેજી ભાષામાં તો “ I love you “ બધાના માટે એક જ શબ્દ. પ્રેમ હ્રદયમાંથી સ્ફુરેલુ એવું અમી ઝરણું છે જ્યાંથી પણ વહેતું જાય ત્યાં બસ આનંદઆનંદપ્રેમાનંદ ! હું તો માનું છું પ્રેમ સંસારનો સૌથી સુંદર અને અણમોલ શબ્દ છે, તેને લીધે સમગ્ર સંસાર ટકી રહ્યો છે. પ્રેમ આગળ ક્રોધ, નફરત, દુશ્મનીનો અંત આવી જાય છે, તો પ્રેમના બે મીઠા શબ્દ આગળ દુનિયા ઝુકી પણ જાય છે. ઈશ્વર પણ પ્રેમભાવ ના ભુખ્યા છે માટે ભક્તના પ્રેમ બંધનમાં બંધાઈ જાય છે. પ્રેમ વિના જીવન નીરસ બેજાન પ્રાણહીન છે. પ્રેમ સંસારમાં સુખશાંતિ લાવી શકે છે.

દેવિકાબેન  અહિંયાં હું અટકીશ. તમારા વધુ પત્રોની રાહ જોઈશ.

હેમા પટેલ.

પત્રાવળી – ૧૧ 

રવિવારની સવાર

આદરણીય ભાષાપ્રેમી મિત્રો,

‘પત્રાવળી’ શ્રેણીમાં સુશ્રી પ્રીતિ સેનગુપ્તાજીએ શબ્દશબ્દ અન્વયે સરસ મજાની જે ચર્ચા કરી તેના અનુસંધાને સાહિત્યમાં શબ્દપ્રયોજનાઅંગે કંઈક રસપ્રદ વાતો કરવાનો અત્રે મારો ખ્યાલ છે.

 કોઈપણ પદ્ય કે ગદ્ય એવા સાહિત્યપ્રકારના ઉત્તમ સર્જન માટે શબ્દપ્રયોજનની મહત્ત્વની ભૂમિકા રહેતી હોય છે. પહેલી નજરે આમ જોવા જઈએ તો એકલોઅટૂલો કોઈક વ્યંજનો અને સ્વરોના સમન્વયથી બનેલો એવો એ શબ્દ આપણને સહજ અને શુષ્ક ભાસશે; પરંતુ એ જ શબ્દ જ્યારે સિદ્ધહસ્ત સાહિત્યસર્જક દ્વારા યથાસ્થાને, યથાભાવે અને યથાહેતુએ પ્રયોજાશે, ત્યારે તેનું મૂલ્ય કેટલું બધું વધી જાય છે?. આ તો એવી વાત થઈ ગણાશે કે રસ્તામાં રખડતો કોઈક પથ્થર કોઈ શિલ્પકારના ટાંકણાથી ઘડાઈને મૂલ્યવાન શિલ્પકૃતિ બની જાય!

 મિત્રો, સાહિત્યસર્જનમાં સર્જક પાસે જે તે ભાષાના શબ્દો તો મોજૂદ જ હોય છે, પરંતુ તેણે તો માત્ર યોગ્ય શબ્દોને પસંદ કરીને યોગ્ય રીતે પ્રયોજવાના જ હોય છે. અહીં એક વાત ધ્યાનમાં લેવી ઘટે કે સર્જક કંઈ શબ્દેશબ્દને ચકાસીચકાસીને કે વિચારીવિચારીને પ્રયોજતો નથી હોતો, એ તો એની મેળે નિરૂપાતા જ રહેતા હોય છે. હા, એ ખરું કે એ સર્જક પોતાના સર્જનને આખરી ઓપ આપવા પહેલાંના વાંચન વખતે કોઈક શબ્દોને બદલતો પણ હોય છે. એક રસપ્રદ ઉદાહરણ આપું. ખંડકાવ્યના મહારથી સમા કવિ મણિશંકર રત્નજી ભટ્ટ કાન્તવિષે એમ કહેવાય છે કે તેમણે વસંતવિજયખંડકાવ્યની આ પંક્તિ કંપમાના પડે માદ્રી નરેન્દ્રભુજની મહીંમાંના પડેશબ્દને, ‘લીધીઅને પડેએમ અનેકવાર ફેરબદલ કર્યો હતો. અહીં જો પાંડુ રાજાએ રાણી માદ્રીને પોતાના બાહુઓમાં લીધીએમ લખવામાં આવે તો વસંત ઋતુની માદક અસર પાંડુ ઉપર થઈ ગણાય; જ્યારે પડેએમ લખાતાં એ અસર માદ્રી ઉપર થઈ છે એમ સમજાય. વાસ્તવમાં તો સૂક્ષ્મ અને સુંદર એવાં શ્વેત વસ્ત્રોવાળી માદ્રીને જોતાં પાંડુની જ કામવાસના ભભૂકી ઊઠી હતી!!

આમ,જોયું ને મિત્રો કે, શબ્દ તો બિચારો કહ્યાગરો હોય છે અને સર્જક ઉપર જ બધું અવલંબિત હોય છે કે તેને કેવી રીતે પ્રયોજવો. દરેક સર્જક શબ્દના સામર્થ્યને પામવા મથતો હોય છે અને તેનાં કલ્પનાચક્ષુ સામે શબ્દનાં વિવિધ સ્વરૂપો પ્રગટતાં હોય છે. કહેવાનો આશય એ જ કે, કોઈ પણ સર્જન વાચક સામે તૈયાર સ્વરૂપે હોય એટલે તેને તે સહજ જ લાગે, પણ સર્જકે તેની સર્જનપ્રક્રિયામાં કેવી મથામણ કરી હોય છે એ તો એ પોતે જ જાણતો હોય છે; જેમ કે પ્રસૂતા જ પ્રસવવેદનાને સમજી શકે!

તમને ખબર છે ને કે, મિત્રો કે ઊંટ અને ઘોડા જેવાં સવારી માટેનાં પ્રાણીઓને પહેલાં તો લાડકોડથી પળોટવામાં આવતાં હોય છે અને પછી જ તેઓ સવારીલાયક બનતાં હોય છે, બસ એવું જ સાહિત્યકાર માટે શબ્દ અંગે પણ સમજવું રહ્યું. સૉનેટપિતા બ.ક.ઠા.ના ભણકારાસૉનેટની ચિરંજીવી આ પંક્તિને અવલોકતાં આપણને ખ્યાલ આવશે કે રેવા (નર્મદા) નદીનાં શાંત જળને વર્ણવવા કવિ પોતાની કલ્પનાને ક્યાં લઈ જાય છે અને કેવા સક્ષમ એવા સામાસિક શબ્દ સ્તનધડકને હળવેથી ગોઠવી દે છે. વળી કવિની કલ્પનાની પરાકાષ્ઠા તો એ છે કે મંદમંદ રીતે હાલકડોલક થતી નાવને પેલા સ્તન ઉપરના તલની ઉપમા આપવામાં આવે છે! અહીં આપણે કવિની ધડકશબ્દની પસંદગી ઉપર પણ વારી જવું પડશે; ભલેને તે છંદજાળવણી અર્થે ધડકનના વિકલ્પે પ્રયોજાયો હોય! ધડકશબ્દમાં ધડકનકરતાં અર્થચમત્કૃતિ વિશેષ હોવાની વાતને નકારી શકાશે ખરી?

બીજી એક વાત કરું નરસિંહ મહેતાના એક પ્રભાતિયાની. એમાં એક કડી છે, ‘જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.’. અહીં જેહનાઅને તેહનાશબ્દોના બદલે જેમનાઅને તેમનાશબ્દો પ્રયોજાઈ શકાયા હોત, પણ તેમાં લયનો આનંદ પ્રાપ્ત થઈ શક્યો હોત ખરો? કવિઓ સ્વૈરવિહારી હોય છે અને મનમાં આવે તો તેઓ શબ્દકોશમાંના શબ્દોને નવીન ઓપ પણ આપી દેતા હોય છે. જૂનું ઘર ખાલી કરતાંકાવ્યમાં બાબાપુ ના કશુંય ભૂલિયાં…’ કડીમાં ભૂલ્યાંનું ભૂલિયાંકરીને કવિએ કરુણ રસને ઘેરો બનાવ્યો છે. મીરાંબાઈ હંસના બદલે હંસલોમૂકે, મેઘાણી પોતાનાં કાવ્યોમાં સમદર, બહેનડ, માવડી, ભાઈયું, સોનલાં, રૂપલાં, બંધુડો જેવા શબ્દો પ્રયોજીને જે તે મૂળ શબ્દોને કેવા લાડ લડાવ્યા છે! દયારામનો શ્યામ રંગ સમીપેમાં વપરાએલો તળપદો શબ્દ વંત્યાકહાસ્ય નિષ્પન્ન કરે, તો વળી શ્રીરામની બાળવયની ચેષ્ટા વર્ણવતા કવિ ભાલણની છબછબ કરતા છેડા પલાળે, પાણીડાં ઢોળેમાંના પાણીડાંશબ્દનું માધુર્ય કંઈ ગાંજ્યું જાય એવું છે ખરું? ઉત્તરકાલીન કવિઓનાં થોડાંક કાવ્યોને તપાસીએ તો નિરંજન ભગતના કાવ્યના પથ્થર થરથર ધ્રૂજેશબ્દો પથ્થરને તો ધ્ર્રૂજાવે છે, પણ સાથે આપણે પણ નથી ધૂજી ઊઠતા? ઉમાશંકર નદી દોડેકાવ્યમાં અરે, એ તે ક્યારે, ભસમ સહુ થઈ જાય પછીથી!માં ઉચ્ચારછૂટના આશયે ભસ્મના બદલે ભસમનથી મૂકતા, પણ લૌકિક ઉચ્ચાર તરીકે તેને પ્રયોજીને તેઓ ઉચ્ચ કોટિનું ભાવમાધુર્ય નિપજાવે છે.

તો દોસ્તો, આજે વાતો કરી ગુજરાતીના પદ્યસાહિત્યમાં પ્રયોજાયેલા શબ્દની. ફરી  ક્યારેક ગદ્યસાહિત્યની વાત કરીશું.
સૌ કુશળ-મંગળ ને?

સસ્નેહ,

વલીભાઈ મુસા.

પત્રાવળી-૧૦ 

રવિવારની સવાર….

 સાહિત્ય મિત્રો.

 અગાઉના પત્રમાં  એક અક્ષરવાળા શબ્દનો ઉલ્લેખ થયો હતો. તેના સંદર્ભમાં કહું તો, ભાષામાં સૌથી પહેલાં તો અક્ષર હોય. એવા બે કે વધારે અક્ષર અમુક નિયત રીતે અડોઅડ આવે એટલે શબ્દ બને. આમ તો એમ જ લાગે કે બે કે વધારે અક્ષરોથી બનેલા શબ્દોમાંથી જ કોઈ પણ અર્થ નીકળતા હોય છે. પરંતુ કેટલાક એવા અક્ષર પણ છે, જે એક એકનો પણ કશો અર્થ થતો હોય -જેમકે સંસ્કૃતમાં ‘ન’ (ના), ‘ચ’ (તથા); હિન્દીમાં ‘વ’ (અથવા); ગુજરાતીમાં ‘ય’ (પણ), અને જેમ ગુજરાતીમાં ‘જ’ તેમ બંગાળીમાં ‘ઈ’ (ભાર દર્શાવતા અક્ષર) ઇત્યાદિ. 

જો અર્થ છે જ, તો પછી આ એકલવાયા અક્ષરો શબ્દ જ બન્યા ને? આવો વિચાર કરીએ કે તરત વિસ્મય પણ થાય, અરે હા, આ વાત તો સાચી, ને કેવી નવાઈની પણ છે, નહીં?

શબ્દો મને બધી રીતે આકર્ષક લાગે છે – દેખાવમાં, સાંભળવામાં, બોલવામાં. પહેલાં તો કોઈ પણ ભાષા જોઉં એટલે જાણે જોયા જ કરું. આ એનું દૃશ્ય રૂપ. એને સાંભળું એટલે એના લય ને ધ્વનિમાં મન પરોવાય. આ એનું શ્રાવ્ય રૂપ. એ પછી એને બોલવા જાઉં, અને એની સમગ્રતાને અનુભવું. આ એનું ઉચ્ચારિત રૂપ. 

જ્યારે આટલો સ્વરૂપવાન હોય છે શબ્દ, ત્યારે એનો ઊંડો મોહ લાગી જઈ શકે છે. પછી એની મોહિની, સુંદર શબ્દોથી બનતી ભાષા કોઈ વિશિષ્ટ પ્રકારના જાદુ જેવી જ છે. 

દેખાવમાં મુગ્ધકર ભાષા અરબી છે, હિબ્રુ છે. એમ તો રશિયા-મૉન્ગૉલિયાની સિરિલિક લિપિ પણ ખરી. કળાત્મક ને ચિત્રાત્મક લાગે. હજારો વર્ષ પહેલાંના જમાનામાં તો ખરેખર ચિત્રાકૃતિ દ્વારા જ શબ્દ બનતા હતા. હજી દુનિયામાં ક્યાંક ક્યાંક પ્રાચીન ગુફાના પથ્થરો પર આવી ચિત્ર-ભાષા મોજુદ રહેલી જોવા મળે છે.

સાંભળવામાં તો જાણે લગભગ કોઈ પણ ભાષા કર્ણપ્રિય લાગે. તે એના પોતાના આગવા લય અને ધ્વનિને કારણે. દુનિયાની ઘણી ભાષાઓ સાંભળવા મળી છે. ઈંગ્લંડ અને ઑસ્ટ્રલિયા જેવા દેશોની ભાષા ઈંગ્લિશ ખરી, પણ એની હલક બહુ રુચિર લાગે છે. તો પશ્ચિમ આફ્રિકાના અમુક દેશોના આદીવાસીઓની ભાષામાં જીભ અને હોઠથી ઉદ્ભવતા પટાક-પટાક ધ્વનિ જ હોય છે. 

એના શબ્દોના ઉચ્ચારોની હલકને માટે થઈને બે ભાષા મારી સૌથી વધારે પ્રિય છે – બંગાળી અને સ્પૅનિશ. 
બંને સાવ જુદા જ મૂળની છે, ને એમના શબ્દોના ઉચ્ચારોના નિયમો જુદા જ છે, પણ પરિણામ જાણે સરખું આવે છે -ખૂબ સંગીતમય! અમુક શબ્દો એવા હોય છે કે જેમને બોલવામાં વધારે ક્ષણો આપવી પડે. ધારો કે, ‘આનંદ સાથે’ જેવા શબ્દો બંગાળીમાં બોલવા હોય તો ‘આનંદ સહ’ બોલવું પડે. અરે, પણ એનો ઉચ્ચાર  ‘આનૉન્દૉ શૉહૉ’ કરવો પડે. ખરેખર જ વધારે આનંદ અનુભવાય.

સ્પૅનિશમાં એકાદ દાખલો જોઈએ તો ‘ઇન્વિટેશન’ જેવા શબ્દનો ઉચ્ચાર ‘ઇન્વિતાસિયોં’ થઈ જાય છે. આ ભાષા ધ્વનિ-નિર્ભર છે, ને લેખિત શબ્દ અંગ્રેજી પ્રમાણેનો લાગે ત્યારે પણ ઉચ્ચાર લાક્ષણિક હોય છે.

આ બે ભાષાઓના શબ્દો બોલીએ ને જાણે મોઢું ભરાઈ જાય, જાણે હોઠ પર શબ્દોના સ્વરૂપનો સ્પર્શ થઈ જાય! શબ્દ પ્રત્યેનું સંવેદન ઉત્કટ હોય ત્યારે શબ્દો પણ ચિત્ર, શિલ્પ, નૃત્ય જેવી સ્પર્શગત, બહુપરિમાણી, દૃશ્ય-શ્રાવ્ય કળાઓના જેવા બની જતા અનુભવાય છે.  

તો આજે, અહીં જ અટકું.

 પ્રીતિ સેનગુપ્તા.

પત્રાવળી-૯

રવિવારની સવાર….

નેટમોસાળે પત્રાવળી પીરસતી બહેનો,

‘મોસાળે જમણ ને મા પીરસણે’ એ કહેવત તો હતી તેમાં આ પત્રાવળીની પંગતે તમે ચચ્ચાર બહેનો ભાતભાતનાં વ્યંજનો પીરસવા બેઠાં એટલે સ્વાદસુગંધની રંગત જામી. એમ જરૂર કહી શકાય કે ‘નેટ–પત્રાવળીએ મિષ્ટાન્ન અને બ્લૉગરબહેનો પીરસણે’ પછી પૂછવું જ શું !

આ પત્રાવળી જો આમ જ પીરસાતી જ રહી તો સમજી લેજો કે થોડા જ સમયમાં પીરસીને પોરસાવાનું ને વાચકો માટે વાંચીને વરસવાનું થાય તો નવાઈ નહીં…..આ પત્રો વાંચીને તમારી આ પંગતમાં જમનારા તો વધશે જ પણ પીરસનારાં પણ વધવાનાં જ છે કારણ કે શબ્દને પીરસવાની જે મજા છે તેવી મજા તો બીજે ક્યાં દીઠી ?!

આરંભે દેવિબહેને શબ્દનો મહિમા ગાયેલો તેના પરથી મને યાદ આવ્યું કે શબ્દ બધે છે તે સાચું પણ ચિત્ર અને શિલ્પે તે સીધેસીધો હાજર નથી. દરેક કલાને પોતાનું માધ્યમ–સામગ્રી હોય છે તે જોતાં ચિત્રને રેખા અને રંગ માધ્યમો છે. રેખા ચિત્ર બનાવે છે તો રંગ, પછી તે ભલે ને પેન્સિલનો એક જ રંગ હોય પણ તે જુદાજુદા શેડ, ભાતભાતની છાયાઓ દ્વારા ચિત્રને ઉપસાવે છે.

સંગીતમાં સૂર અને તાલ માધ્યમો છે જેના વડે ધ્વનિ અનેક લીલાઓ કરે છે. શિલ્પમાં કોઈ ધાતુ કે માટી કે પથ્થર વગેરેને કોઈ ચોક્કસ રેખાઓ દોરીને વધારાનું મટિરિયલ દૂર કરતાં જ એક ધારેલી આકૃતિ ઊભી કરવામાં આવે છે. ચિત્રમાં જેમ પીંછી તેમ અહીં શિલ્પમાં ટાંકણું એ સાધનો છે….

નૃત્યની કલામાં તો શબ્દ, સંગીત, મુદ્રાઓ અને સંજ્ઞાઓના માધ્યમે સર્જક વ્યક્ત થાય છે……તો નાટકમાં તો લગભગ બધી જ કલાઓ એક સાથે સ્ટેજ પર પ્રગટ થાય છે ! કાવ્યશાસ્ત્રમાં નાટકને સૌથી ઊંચું સ્થાન અપાયું છે પણ ખરેખર તો એમાં બધી જ કલાઓ થોડેઘણે અંશે પ્રગટતી હોય છે…..

ઘણાં વર્ષો પહેલાં મેં ક્યાંક લખેલું તે અહીં એકાએક મને યાદ આવી ગયું….શિલ્પ અને નૃત્યને આ રીતે ઓળખાવી શકાય :

“થીજી ગયેલું નૃત્ય એટલે શિલ્પ અને થરકી ઊઠેલું શિલ્પ એટલે નૃત્ય !!”

 

કહેવતોની રંગત તમે બહેનોએ જમાવી તેથી મને કવિ શ્રી કિશોર મોદીની એક રચના યાદ આવી ગઈ જેમાં ૨૨ પંક્તિમાં ૧૧ કહેવત સરસ રીતે ગૂંથી છે !

કહેવતની કૃતિ

તે છતાંયે કોઈ પણ બોલ્યું નહીં,

પાપડી ભેગી ઈયળ બાફી હતી.

આ કરોળિયો કાં કરે જાળું ફરી ?

બાર સાંધે, તેર તૂટે હરઘડી.

ને હકીકત પાંગળી એવી થઈ,

સોય વેચી શેરીમાં લુહારની.

ઘાસને અફવા સુણી અચરજ થઈ,

ભાગવતની ભેંસને વાતો કહી.

આપણે શું, કોઈને ના કંઈ પડી,

કૂતરી દોહી, ગઈ શિયાળવી.

ભોળી ક્ષણને પાનખર જોઈ રહે,

હોય કમળો તે પીળું દેખે વળી.

કોનું ખેતર, તાપણું કોનું અને,

દવ બળે ત્યાં ઢેંચિયાની હાજરી.

છેવટે તેતર ટકાનો થઈ ગયો,

ક્યાંકથી એ વાત હોવાને મળી.

બંધ મૂઠીમાં હશે એક જ કથા,

કૂતરા ચાટે, દળે જો આંધળી.

કાળી ચકલી ભાગ્યની વાતો કરે,

વાત છે દીવા તળે અંધારની.

ને ખરેખર શ્વાસ નિરાધાર છે,

આપ મૂઆ, ડૂબ ગઈ દુનિયા પછી.

 

(એપ્રિલ, ’૭૬માં વિશ્વમાનવમાં પ્રગટ અને કવિના ‘મધુમાલિકા’માં છપાયેલી…કિશોરભાઈના સૌજન્ય અને આભાર સાથે)

 

આજે આટલું બસ !

લિ. જુભાઈનાં વંદન

પત્રાવળી -૮

પત્રાવળી 

રવિવારની સવાર....

પત્રાવળીની પંગત અને સંગતના સંગી,

આ પત્રાવળી શબ્દે તો જાણે કંઇ કેટલા સંદર્ભો ખોલી આપ્યા. આજ સુધી ભુલાઇ ગયેલા આ શબ્દે તો જાણે અતીતના દરવાજા ખોલી નાખ્યા. દેવિકાબેન, તમે કહો છો તે કહેવતો તો ઘર આંગણાની શાળા હતી. નાના હતા ત્યારે દાદી-નાની પણ કોઇ વાત સહેલાઇથી સમજાવવા માટે કહેવતોનો જ આશરો લેતા હતા ને? કહેવતોમાં  થોડામાં ઘણુ સમજાવી દેવાની વાત હતી. એવું ય બનતું કે દાદી-નાનીની વાતોમાં આવતી કહેવતોમાં અપભ્રંશ થયેલા શબ્દો સરળતાથી પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠા હોય. આજે પણ ગુજરાતીમાં  કેટલાય અપભ્રંશ થયેલા શબ્દો હશે જે આપણી વાતમાં અજાણતાં જ  ગૂંથાઇ જાય છે.

 કાણા મામા પાછળના કહેણા મામાની વાત કરી ને ? બિચારા મામા ! મા અક્ષરમાં બીજો મા ઉમેરાય ત્યારે જઈને એ વ્હાલસોયો શબ્દ મામા બને પણ કહેવતોએ તો મામાને ય કાણો કરી મુક્યો!  એવી જ રીતે કહું તો પત્રાવળી શબ્દ પણ ક્યાં રોજીંદા ચલણમાં હતો ? પત્રાવળીના બદલે પતરાળી જ સાંભળતા આવ્યા હતા ને? કદાચ પત્રાવળી શબ્દ તો એ પતરાળીમાં પીરસનારા અને ખાનારાને પણ જરા ભારભર્યો લાગતો હશે, નહીં?

 

આજે પત્રાવળીના અપભ્રંશ થયેલા પતરાળી શબ્દે મને એક ખૂબ રમૂજી વાત આજે યાદ આવી. વાત તો જૂની લગભગ ૪૦ વર્ષ પહેલાની છે. અમારા ઘરની બાજુમાં રહેતા વડીલ દાદાનું અવસાન થયું ત્યારે એમના તેરમા નિમિત્તે અમારે એ સાંધ્ય ભજન અને ભોજનમાં એમના પરિવાર સાથે જોડાવાનું હતું. ભજન સુધી તો બધું બરાબર રહ્યું પણ ભોજન પીરસાતા અમારા માટે જરા મુશ્કેલી ઉભી થઈ. નીચે જમીન પર બેસીને પતરાળીમાં  પીરસાયેલી અનેક વાનગીઓ જોઇને અને સાચે જ ભુખ પણ લાગી હતી ( દેવિકાબેન અહીં તમારી પાણીના સંદર્ભમાં લખાયેલી એક બીજી કહેવત યાદ આવી)  એટલે સ્વાભાવિક રીતે મ્હોંમાં પાણી આવ્યું . લાડુ , ફુલવડી અને મેથીના ગોટા તો જાણે ખાઇ શક્યા પણ પડિયામાં પીરસાયેલી દાળ તો પુરી વગર કેવી રીતે ખવાય એની સમજ જ નહોતી પડતી અને એ ય મઝાની ચૂલા પર ઉકળેલી દાળની સોડમથી મન તરબતર થઈ રહ્યું. આજે પણ એ દાળની સોડમ યાદ આવે તો પડિયામાંથી દાળ ખાતા ન આવડવાની અણઘડતા પર હસવું આવે છે. બાજુમાં બેઠેલા બા જે ટેસ્ટથી દાળમાં પાંચે આંગળીઓ બોળીને દાળના સબડકા બોલાવતા રહ્યા અને સાથે બોલતા રહ્યા કે દાળ તો આંગળા ચાટીએ એવી થઈ છે પણ એવી રીતે દાળ ખાતા અમને તો ના ફાવ્યું તે ના જ ફાવ્યું.  આપણે રહ્યા ગુજરાતી એટલે દાળ વગર દહાડો શરૂ ના થાય અને દાળની વાત આવે એટલે એની સાથે જોડાયેલી અનેક વાત યાદ આવે જ.

કહે છે ને કે દાળ બગડી એનો દહાડો બગડ્યો- જમવામાં બધુ બરાબર હોય પણ દાળ આપણા ટેસ્ટની ના હોય તો બાકીના જમણની ય મઝા મરી જાય. અને કોઇવાર દાળ ટેસ્ટી હોય પણ ખાતા ના આવડે તો ય જમણની અડધી મઝા મરી જાય…

એવી રીતે દાળ બગડી એનો વરો બગડ્યો. – ટાણે અવસરે તો દાળ સબડકા બોલે એવી જ જોઇએ ને !   ઘણીવાર એક સાથે બે કામો થઈ જાય ત્યારે ખુશ થઈને આપણે બોલીએ છીએ કે, “દાળ ભેળી ઢોકળી પણ ચઢી ગઈ’. વળી સંગનો રંગ લાગે ત્યારે પણ નથી કહેતા કે, “દાળના સંગે ચોખો નર મટી નારી થયો”? .

– દાળભાતના સૌ ગુલામ.-જેનું અન્ન એના ગુણ ગવાય !-

દાળમાં કંઇ કાળુ છે’.  આમ તો એ કોકમ જ હોય જેના લીધે દાળના સ્વાદમાં ઉમેરો થાય તેમ છતાં આપણે – કંઇક ગોટાળા કે વાતમાં કંઇક રહસ્ય માટે દાળમાં કાળા કોકમને કેવા સપાટામાં લઈએ છીએ નહીં?

-‘દાળ રોટલી પર શુકરાના કરવા’. એટલે કે, દાળ રોટલીથી ગુજરાન ચાલવું અથવા અન્ન દેવતાનો આભાર માનવો.

તો ચાલો, આજે અહીં  આભાર શબ્દે વાચકોની પણ યાદ આવી. વાચકમિત્રોએ આ પત્રાવળીને જે આવકાર આપ્યો છે એના માટે એ સૌનો પણ આભાર માનીને આ પત્રની પૂર્ણાહુતિ કરું?  

અરે ! જતા જતા વળી આ પૂર્ણાહુતિ શબ્દથી મનમાં  એક વિચાર રમતો થયો..પૂર્ણાહુતિ તો મોટા ભાગે યજ્ઞ વગેરેની પૂર્ણતા દર્શાવતો શબ્દ છે; અને પૂર્ણાહુતિ તો ત્યારે જ થાય ને જ્યારે શરૂઆત થઈ હોય. હોમ-હવન કે યજ્ઞની શરૂઆત ૐ થી થાય છે. જાણે આખુ બ્રહ્માંડ એમાં સમાયુ. તો પછી આ એકાક્ષરી એવા ૐ ને શબ્દ કહીશું કે અક્ષર? …વળી એમાંથી મનમાં પ્રશ્ન ઉભો થયો કે આ શબ્દો જેમાંથી સર્જાયા એવા અક્ષરોનું ય પ્રાધાન્ય તો ખરું જ ને? શું કહો છો?

રાજુલ કૌશિક

પત્રાવળી-૭

રવિવારની સવાર

પત્રાવળી-૭

શબ્દોના સાથીદારો,

પત્રાવળી શબ્દમાંથી અર્થોના કેટલાં બધાં પર્ણો ફૂટ્યાં, નહિ? અને તે પણ મનોહારી વર્ણનાત્મક રૂપે! વાંચતા વાંચતા તો મનમાં દરેક અર્થોના કંઈ કેટલાંયે ચિત્રો,ચલચિત્રોની જેમ ઉપસી આવ્યા.

પ્રીતિબેનનાશબદઅનેભ્રમરશબ્દે તો મનમાં મનુભાઈ ત્રિવેદીનુ એક ગીત  ‘શબદ તો ભમરી થઈને ફરે, બારાખડીમાં બેઠો શબદ કીટ સમો કમકમે, .શબદ તો ભમરી થઈને ભમે ,. ગીત ખડું કરી દીધું. તો વળી ઉતરાણની આસપાસના દિવસોમાં જ પતંગના પેચને, કશાયે કાવાદાવાના પેચ વગર, ખોવાયેલી બુટ્ટીના પેચ સાથે સાંકળી દઈને, વિવિધ અર્થોને કથાત્મક રીતે એવા કહેવાયા કે મન મોહી ગયા!

પત્રમાં હવે શબ્દને વીંટળાયેલી એક બીજી નવી વાત કરું. ગઈકાલે  શોપીંગ મૉલમાં એક ઓળખીતા બેન મળ્યા. તેમના પતિ પણ સાથે હતાતે ખૂબ હસમુખા સ્વભાવના. મળીએ એટલે જે રીતે પૂછીએ તે રીતે મેં  તેમને પૂછ્યું  “કેમ છો? શું નવાજૂની?” જવાબમાં તરત બોલી ઊઠયા. ” નવી આવતી નથી અને જૂની જતી નથી!ને પછી અમે બધાં ખડખડાટ હસી પડયાં. છૂટા પડયાં પછી મને એના પરથી જૂની કહેવતો યાદ આવી ગઈ.

જૂના જમાનામાં આજના જેવી શિક્ષણ પ્રથા,વ્યવસ્થા કે સ્કૂલોકોલેજો હતી ત્યારે યાદ રહી જાય તેવી કહેવતો દ્વારા લોકશિક્ષણનું કાર્ય થતું. તેને પરિણામે ગામડાઓની અભણ કે ઓછું ભણેલી પ્રજાને પણ કહેવતો યાદ રહી જતી. આજે પણ જુઓ નેજૂના ગીતોની જેમ જૂની કહેવતો પણ લોકોની જીભ પર સચવાઈ રહી છે ને? મેં તો એમ પણ સાંભળ્યું છે કે, કહેવતો પર તો હવે યુનિ.માં વિદ્યાર્થીઓ પીએચડી પણ કરે છે! તમે જોશો તો કહેવતો પણ કેટલી બધી અર્થસભર અને કેવી મઝાની?

ક્યારેક દંભી ભગતો માટે એમ કહેવાતું કે, ભગત ભૂંગળી અને શેર ખાય ડુંગળી.વળી ડુંગળી તોગરીબોની કસ્તૂરીમનાય છે ને?કસ્તુરીની વાત થોડી આગળ ચલાઉં. ‘કસ્તૂરી’ એટલા માટે કહું છું કે તમને ગંધ આવે નહિ!!  કેટલી કાળજી રાખું છું તમારી, નહિ?! પહેલાંના સમયમાં કાઠિયાવાડના લુહાણાઓમાં કસ્તૂરીનો વપરાશ વધારે. તેના પરથી એક રમૂજી કહેવત આવી.”મૂળ રાતા ફૂલ ધોળાં,પાન જેવી ડુંગળી..લુવાણાની લાજ રાખી, ધન્ય માતા ડુંગળી.બીજી એક કહેવત યાદ આવી ગઈ તે કેપ્યાજ ખાધે કંઈ કપૂરની સુગંધ થોડી આવે?એટલે તમારામાંના કોઈને પણ કાંદાની ગંધ આવે તેથી વાતને અહીં પૂરી કરું!!

 બીજી એક રસપ્રદ વાત એ છે કે, ઘણી કહેવતો એક કાનેથી બીજે કાને પહોંચતા સુધીમાં તો તેમાં રહેલાં શબ્દો કેવા અપભ્રંશ પામે છે! એક દાખલો આપું કે આપણે કહીએ છીએ અને સાંભળ્યું પણ છે કે, “નહિ મામા કરતા કાણો મામો સારો ” બરાબર?  હકીકતમાં આ કહેવતમાં ‘કાણો’ શબ્દ મૂળ ‘કહેણો’ હતો. એટલે કે, નહિ મામા કરતા કહેણો (માનેલો) મામો સારો. આ ‘કહેણો’ માંથી ‘કે’ણો’ અને તેમાંથી  ધીરે ધીરે ‘કાણો’ કહેવાતો થયો ! બોલો છે ને દિલચશ્પ અપભ્રંશ? શબ્દનું મૂળ રૂપ આ રીતે વિકૃત થવાના કારણોમાંનું મુખ્ય કારણ મને  ઉચ્ચારની ખામી લાગે છે. શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર હોવો ખૂબ જરૂરી છે અને એ વાત પણ શબ્દ જ સમજાવે છે ને!

 મૂળ વાત જૂની કહેવતો અંગે કરવી હતી. મને ખાત્રી છે કે, તમે પણ વધુ મઝાની, ઉપયોગી અને રોજના વપરાશમાં સંભળાતી નવી કહેવતો જરૂર લઈ આવશો. પત્ર પૂરો કરતા પહેલાં વળી એક વાત યાદ આવી (વક્તા હાથમાંથી માઈક છોડે તે રીતે!) કે, કહેવત શબ્દના પણ એકબેથી વધુ અર્થો છે. એટલું નહિ કહેવત શબ્દ પર પણ કહેવત છે ખબર છે ને? કોઈએ કંઈ ખૂબ જ ખરાબ કામ કર્યું હોય તો એમ કહેવાય કે. એને ‘માથે કહેવત રહી ગઈ. વિશે ગામડાની બાઈઓ એકબીજાંની સાથે ખભાથી ઠોંસા મારીને, આજુબાજુ જોતાં જોતા, આંખોના ખૂણેથી કંઈક આવી રીતે વાત કરે. “અલી, બુન, મુ હુ વાત કરું? પસ તોહોંભર..પસ તો.. ઈયોને માથ કહેવત રહી જઈ”..તાણેલે, મુ તો   હેંડી રોમ રોમ…”

અસ્સલ ગામઠી ભાષા વાંચવાની મઝા આવી ને?

ચાલો, દોસ્તો, મારી મનગમતી કહેવત કહીને અટકુ? શબ્દના આ પાને મળશો તો સોનામાં સુગંધ મળશે, સમજ્યા ને? આવજો.

દેવિકા ધ્રુવ