તણખો-૧ 
પ્રખર ઉનાળાની ધગધગતી બપોરે,ચીંથરેહાલ કંગાળ એક છોકરો, તૂટેલી હાથલારી ખેંચતો હતો. પગમાં ફાટેલાં, કોઈના નાંખી દીધેલાં, માપ વગરના જૂતાં ચડાવેલાં હતાં. ડામરની પાકી કાળી, ગરમીથી સળગતી સડકોથી એના પગના તળિયાં ફાટેલાં જોડાંને કારણે, ક્યાંક ક્યાંક દાઝતાં હતાં. તેથી વારાફરતી ડાબો-જમણો પગ ઉંચો નીચો કર્યે જતો હતો. સાથે સાથે કપાળનો પરસેવો લૂછતા લૂછતા એના હાથમાં માટીના બે કોરાં કોડિયાં બતાવી લોકોને ખરીદવા માટે બૂમો પાડ્યે જતો હતોઃ
“ આ કોડિયાં લો, રંગબેરંગી કોડિયાં લો..
બારીબારણાં બંધ કરી એરકન્ડીશન્ડ ઓરડાઓમાં કે ખસની ટટ્ટીઓના ‘શેડ’ કરીને ઠંડક પામતા અમીરોના કાન સુધી એનો અવાજ ક્યાંથી પહોંચે ? છતાં એ છોકરો ચીસો પાડી પાડીને,વળી વળીને સતત મોટે મોટેથી બોલ્યે જતો હતો.
“ આ કોડિયા લો, રંગબેરંગી કોડિયા લો..
લાઈટ જશે તો અંધારે ખપ લાગશે..સાવ સસ્તાં છે…
એક ઝીણી વાટ મહીં મેલી છે. કામ લાગશે.
લઈ લો…લઈ લો કોડિયાં, માટીના..”
બારી પાસે બેસીને કોડિયાં પર કવિતા લખતી કલમ અચાનક થંભી ગઈ…
થોડી વાર પહેલાં જરાક દૂરથી આવતો‘તો એ અવાજ પડઘાયો. બહાર ડોકિયું કર્યું . કોઈ ન દેખાયું, કંઈ ન દેખાયું. ફક્ત અવાજના પડઘા..પળ વીતી ગઈ હતી.
અસ્સલ ગામથી, મીઠી સોડમવાળી માટીથી ઘડેલાં અને ઝી….ણી વાટ મૂકીને લારીમાં ગોઠવેલાં, પેલા કુંભકારના કાચી માટીનાં કોડિયાંને પ્રગટાવે કોણ!!!
ઓરડામાં અંધારું વધતું જતું હતું. આંખ બંધ કરી. બંધ આંખે ચોક્ખું દેખાયું!!
પડઘાતો અવાજ તો ધીમે ધીમે ચાલી ગયો.
પણ ભીતરની ઝીણી વાટને સંકોરાવી ગયો.