નીલમબેન દોશી લિખીત એકાંકી નાટક “એક અધૂરો ઇન્ટરવ્યુ” ના આધારે લખેલ આ રચના છે. એમાં એક એવા પાત્ર ( વટવૃક્ષ )ની વાત છે જેનું કલેજુ કરવતથી કપાય છે અને હૈયું અધૂરાં રહી ગયેલાં ઇન્ટરવ્યુથી ઘવાય છે.

( મંદાક્રાંતા )
રે વૃક્ષો ને, કરવત થકી, કાપી છેદી જ દીધાં;
લાગ્યાં ઘાથી, ઢળી પડી પછી, પ્રાણ છોડી જ દીધાં.
( અનુષ્ટુપ )
છોરું એ ધરતીનો ને, ભેરું એ વનનો હતો.
વ્યોમ ને ભોમ શાળામાં, રોજે એ ભણતો હતો.
( હરિગીત )
પંખીઓના ડાળે ડાળે ટચુકડા માળા હતા;
સમૃધ્ધિમાં ખુબ કેવા મીઠડાં ટહૂકા હતા.
તાપ-ટાઢ, વંટોળ ઝિલી, સૌના રક્ષણહાર હતા;
એ ગામના આબાલવૃધ્ધો, સર્વના રખેવાળ હતા.
( શાર્દૂલવિક્રીડિત )
યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યાં,
નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યા;
પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની,તીણી જ ચીસો સહી…
( મંદાક્રાંતા )
કાળી યાદો મનથી નિસરી, મીંચીઆંખો નીતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને ભીંજાવે,
નારી પ્રેમે હસતી અહિંયા ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.
( અનુષ્ટુપ )
હૈયે ખુશી ધરી એવી, વટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તો, લ્હાણી કાજે રટી રહ્યું..
( મંદાક્રાંતા )
ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી જ દીધાં,
એ વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી જ દીધાં,
લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!