સંગ્રહ

તમે આવો બે ઘડી…

આજે વહેલી સવારનો ચાંદ મને ખુબ ગમ્યો.ચમકી ગયા ને ? સવારનો ચાંદ ? હા,શરદપૂનમ પછીની વહેલી સવારનો ચાંદ. રાત આખી યે ખુલ્લાં આકાશમાં એકલો એકલો ફરીને, સમગ્ર વિશ્વને ચાંદનીમાં સ્નાન કરાવતો ચાંદ, પરોઢિયે મને એક તપસ્વી જેવો લાગ્યો,વધુ તેજસ્વી લાગ્યો.

ક્ષણભર એક કલ્પના જાગી કે સાવ ખાલીખમ આકાશમાં એકલો રહીને પણ આ તેજથી ભરપૂર છે; અને ભીડથી ભરેલી ધરતી આજે સાવ ખાલીખમ છે. કદી આ ચાંદ ઇશ્વરનું રૂપ ધરી અહીં ઉતરી ન આવે ?!!!

ને આ તરંગ આરઝુ બની બોલી ઉઠે છે કે……

અહીં ખાલી ખાલી ને બધું ખાલી લાગે.
તમે આવો બે ઘડી, તો ઘડી વહાલી લાગે.

કાયાની દિવાલે આતમને પૂરી,
તમે પડદે રહો તે ક્યાંથી ચાલે ?
અંદર ને અંદર કોઇ બોલ્યા કરે,
ઝીણો ઝીણો રે સાદ એમ ઘૂંટ્યા કરે,
સંવાદી ગીતથી ડોલાવી મનડું,
તમે ગાઓ તો ક્ષણ મતવાલી લાગે,
જીવન-અટારીએ તાલી વાગે, જાણે મેળામાં જાત મુજ મ્હાલી લાગે.
તમે આવો બે ઘડી તો ઘડી વહાલી લાગે…

પાંખો પ્રસારી જેમ પંખીઓ ઊડે,
ને  આભલુ વિશાળ તોયે નાનું પડે.
રાતો વીતે ને તોયે વાતો ના ખૂટે,
ભવભવના જન્મારા ઓછા પડે.
પાસે બેસીને, કા’ન વાતો કરીને,
તમે ફેરવો જો હાથ હરિ-યાળી લાગે…
અણગમતી પળ પછી પ્યારી લાગે, વાસંતી ડાળ જાણે ફાલી લાગે.
તમે આવો બે ઘડી, તો ઘડી વહાલી લાગે.

એક અધૂરું કથન..

 

 

 

 

 

 

 ‘એક અધૂરું કથન’ માં એક વટવૃક્ષની કથા છે,જેનું કલેજું કરવતથી કપાઈ જાય છે. નીલમબેન દોશી લિખીત એકાંકી નાટકઃ  ‘એક અધૂરો ઈન્ટરવ્યુ’ ના આધારે ૨૦૧૧માં લખેલ આ રચના આજે ફરી મઠારીને પ્રસ્તૂત છે.

મૂળ નાટકમાં એક નવયુવાન પત્રકારને પહેલો ઈન્ટરવ્યુ વડલાનો લેવાનો થાય છે. પહેલા દિવસે  જરૂરી પ્રશ્નોત્તરી પછી વડલો એ યુવાનને બીજા દિવસે બોલાવે છે. દરમ્યાનમાં વડને ઘણી બધી કથનીઓ સાંભરે છે. છેવટે એ વિશ્વને એક મહાન સંદેશ આપવા તૈયાર થાય છે. બીજા દિવસે પત્રકાર આવે તે પહેલા તો વટવૃક્ષને કાપી નાંખવામાં આવે છે અને એમ જ ઈન્ટરવ્યુ અને વડનું કથન બંને અધૂરા  રહી જાય છે. (  વિવિધ અક્ષરમેળ છંદ )

( મંદાક્રાંતા )

રે વૃક્ષો નેકરવત થકીકાપી છેદી  દીધાં;
લાગ્યાં ઘાથીઢળી પડી પછી, પ્રાણ છોડી  દીધાં.

 

( અનુષ્ટુપ )

છોરું  ધરતીના નેભેરું  વનનાં  હતાં.
વ્યોમ ને ભોમ શાળામાંરોજે  ભણતાં હતાં.

 

( હરિગીત )

ડાળો પરે પંખી તણા માળા મજાના સોહતા
મીઠા ટહૂકા કાનમાં એના સદાયે ગૂંજતા.

હો ટાઢ કે હો તાપ વા વર્ષા અને વંટોળ હો;
એ ગામના આબાલવૃધ્ધોના શિરે છાંયો હતાં..

 

( શાર્દૂલવિક્રીડિત )

યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાંજૂના પટારા ખુલ્યા,
નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યાં;
પુત્રોથી વિખુટી પડેલ જનનીહૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની, તીણી જ ચીસો સહી

 

( મંદાક્રાંતા )

કાળી યાદો મનથી નિસરીમીંચી આંખો નિતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને પલાળે,
નારી પ્રેમે હસતી હીંયા ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.

( અહીં અવર ભગિની દ્વારા હિંદુ-મુસ્લિમ ભાઈ-બહેનનો નિર્દેશ છે )

( અનુષ્ટુપ )

હૈયે ખુશી ધરી એવીવટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તોલ્હાણી કાજે રટી રહ્યું..

( મંદાક્રાંતા )

ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી  દીધાં,
 વૃક્ષોનેધડ પર પછીકાપી છેદી  દીધાં,
લાગ્યા ઘાથીઢળી પડી નીચેહૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!

થાળાવાળી ઘંટી

કાળના મહાપ્રવાહમાં કેટકેટલું ઘસડાઈ જાય છે, વિસરાઈ જાય છે પણ એ જ સમય ક્યારેક ને ક્યારેક, કોઈ ને કોઈ રીતે મૌન રહી અચાનક,નજર સામે ઘણું બધું પાછું ખડું કરી આપે છે. કોરોનાની  મહામારીના સમયમાં માનવીને સમગ્રતયા બદલાવું પડ્યું અને ઘડિયાળના કાંટે ચાલતો,ઘડીની યે નવરાશ ન પામતો એ જ માણસ સ્વયં કેટકેટલું અવનવા રૂપે ઉલેચી લાવ્યો!

 

વર્ષો જૂની, થાળાવાળી મોટી ઘંટી, મનને દળવા બેઠી.

મૂઠી ધાન, સ્મરણોના ઓરી, સમય ભરડવા બેઠી.

ઘંટો સુધી બેસી સાથે,

ઘંટી-હાથો પકડી સામે;

ગોળ ઘૂમાવી કચડ કચડ હું

બે પડ વચ્ચે, પીસાતા દાણા, રુદિયે ભરવા બેઠી.

છાજલી પરથી  ઉતારી બરણી,

ડાઘા-ડૂઘી, લૂછીને  ભરતી,

નવા મસોતે ઝાપટી, ઝુપટી

ઢાંકી ઘંટી, કણ કણ ક્ષણની ધરવા બેઠી.

વર્ષો જૂની થાળાવાળી, બાની ઘંટી, મનને દળવા બેઠી…

મૂઠી ધાન સ્મરણોના ઓરી, સમય ભરડવા બેઠી.

(થાળું=જ્યાં ઘંટીનો લોટ કે દાણા ભેગાં થાય તે થાળું. )

(મસોતુ=સફાઈ કરતું પોતું. ‘કોરોના’ જેવું!)

કોઈ…..

આવી આવીને કોઈ કાનમાં પૂછે છે,
કોઈના યે એકસરખા દિવસો, શું રહે છે?
સાંભળું ,ના સાંભળું ને અવગણું વાત ત્યાં,
વળી વળી વાંસળીની જેમ પાછું  ફૂંકે છે!

ભીતરમાં ભારેલ અગ્નિ  ‘કોરો ના’,
રોજ રોજ, ઠેરે ઠેર, માણસ હોમાતા,
ઘરમાં વનવાસ ઘેરી બેઠેલા આતમને
અંદરનો રાવણ સળગાવ્યો? કોઈ પૂછે છે…આવી આવીને કોઈ કાનમાં પૂછે છે…

સૈકા કે દાયકાનું ભાથું ન કામનું
ગણતર ને ભણતરનું  જ્ઞાન બધું વામણું.
‘પરમ’ અણુનો એક પ્રશ્ન જ્યાં  પજવે
ત્યાં હળવેથી ભીની કોઈ પાંપણ લૂછે છે… આવી આવીને કોઈ કાનમાં પૂછે છે…

આવી આવીને કોઈ કાનમાં પૂછે છે…
કોઈના યે એકસરખા દિવસો શું રહે છે?..

 

જાળું કે ઝુલો?

ઉઘડતી સવારે  અમારા બેક્યાર્ડમાંથી જોયેલ દ્રશ્ય..
તદ્દન નવું નકોર..

જાળું કે ઝુલો?

 

કરોળિયાએ ગૂંથ્યો આજ ઝુલો!
નવો એક આપ્યો વિચાર ઝોલો.

સુંવાળા તડકે ચળાતાં ટીપાં, મોતીની સેરો સમ સોહે છે ઝાકળ.
ઘડીક પેસી ઝુલવાને ઝંખુ, પણ શોધ્યું મળે ના દ્વાર કે સાંકળ.

અહો, અનુપમ દ્રશ્ય આ ઝીલે,

નજરને નેવે અમોલો ઝુલે.

કરોળિયાએ ગૂંથ્યો આજ ઝુલો!

નવો એક આપ્યો વિચાર ઝોલો.

નાનકડું જંતુ, બારીક તારે, ભૂમિતિ-કોણો મસ્તીથી રચતું.
ફળિયામાં જાણે સૌથી છુપાઈ, અનોખી રમત મોજેથી રમતું.

પડે પડે પણ ધીરજ ના ડોલે.

સફળ તેથી એ, હ્રદય કેમ ભૂલે ?

કરોળિયાએ રચ્યો નોખો ઝુલો!

નથી, નથી જાળું, આ દૈવી કો’ ઝુલો.

 

 

વિશ્વ રંગમંચ..

આજે છે વિશ્વ રંગમંચ દિવસ..સૌને  શુભેચ્છાઓ સાથે.

 

તખ્તા પર આવી ઊભો છુંને રોજ હું વેશ બદલું છું,
સંવાદો કોઈ જ યાદ નથીને તોય હું રોલ ભજવું છું.

નાયક છુંખલનાયક છુંવક્તા છું ને શ્રોતા પણ છું,
તાળી સાંભળી ફુલાઈ મનમાંદરિયા જેટલું હરખું છું.

અંધાર તેજની વચ્ચે વચ્ચેચાંદ સૂરજ ભમતા જાય,
દૃશ્યોઅંકો ફરતા જાયને રોલ બદલાતાં મલકું છું.

વારાફરતી પાત્રો આવેકોઈ ટકેકોઈ વહી જાય છે,
ક્યાંથી શરૂ ને ક્યાં ખતમવિચારી મનને મૂંઝવું છું.

હસતાંરડતાંપડતાંઊઠતાંમળેલ મંચને ગજવું છું.
પડદો પડતાંવેશ ઉતારીઅજ્ઞાત રહીને વિરમું છું.

 

વિશ્વશાંતિ…

‘કુમાર’ ૨૦૨૦માં પ્રકાશિત રચના…

આતમે ઓઢેલા કાયાના વાઘામાં
પરમનો અંશ ખરો પામી તું લે.                 

મનને વરેલા વિચારોનાં પીંછામાં
ઉંચેરી આશા સમાવી  તું લે.                    

દિલને વીંટેલા આ માયાના વીંટામાં
સાચુંકડી પ્રીત જરા આણી તું  લે.                

જગતમાં જામેલાં જુઠાં સો વળગણમાં
સર્જક્નુ સત્ય સદા જાણી તું  લે.                   

અંતરમાં જાગેલાં વિશ્વનાં સપનામાં
સમજણની રોશની ફેલાવી તું  લે.

કાળજડે કોરેલા થનગનતા કોડમાં
દિવ્ય સંદેશ  હવે  પામી તું લે.

સર્વત્ર સળગેલા દુન્યવી તણખામાં
શાંતિનો  દીપ  પ્રગટાવી તું  લે.

 

૨૦૨૦

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.

કાળની પીંછી ક્ષણના રંગે યુગને ચીતરી આપતી જશે.

 

ચાલને ભેરુ સંગે સંગે નવું વરસ સત્કારી લઈએ.

નભે નીતરતા રંગોથી આજે બેઉ નયન છલકાવી દઈએ.

નહિ તો નોખા માપદંડથી, માપતી જશે, નાથતી જશે.

કાલ હતી તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.

 

નવા સમયનો રંગ છે જુદો, માણે તે ખરો જાણી શકે.

પાનખરે ખરી છટા દેખાશે, વાસંતી છાંટ છંટાઈ જશે.

પળની પીંછી હળવે હળવે ખરતી જઈને ઊડતી જશે.

કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.

બિંબ-પ્રતિબિંબ

Inspired by a beautiful story at the end of this poem:

સમી સાંજને અંધાર ઘેરે, તે સમયના વિસ્મય ટાણે

       માટીની ગુફામાં ઉઘડ્યાં નજરના બે રહસ્ય આજે.      

 

નાનકડા ગામની, નાની શી દેરી,

પ્રતિબિંબ અરીસે હજાર વેરી.

કાયા સંતાડી, અંતર દેખાડી,

દેતી’તી શાતા એ વિવિધ રૂપી.

એક દિ’ આવ્યો કોઈ ક્રોધાગ્નિ ભારે

ચીડાતો,પીડાતો સ્વયં વારંવારે

  મુઠ્ઠીના મુક્કાથી દર્પણ પછાડતો.

    અનેક હાથે જાણે જાતને મરાવતો.

ત્યાં જ,મસ્તીથી માસુમ એક છોરી રમે.

જોઈ જોઈ ખુદને લાખ લાખ રૂપે ભમે,

‘સખીઓ છે સંગે’ના અહેસાસ સાથે

ઝુમ્મર સમ ખુશીઓ રણકાવે આભે.

અચાનક..વીજળી-શો ઝબકારો થયો.

હા, વાલિયાની ગુફામાં ચમકારો થયો.

  એ માટીની દેરીમાં ઘંટારવ રણક્યા.

 ને અંધારી ગુફામાં,દીવડાઓ પ્રગ્ટ્યાં. …….સમી સાંજને અંધાર ઘેરે, તે સમયના વિસ્મય ટાણે.

 

Inspiring story:

In one small village there was a room with 1000 mirrors. 
One small girl used to go inside and play.! 
Seeing thousands of children around her she was joyful.​ ​
She would clap her hands and all the 1000 children would clap back at her​ ​
She considered this place as the world’s happiest n beautiful place and would visit often.​ ​
This same place was once visited by a sad n a depressed person.​ ​
He saw around him thousands of angry men staring at him​ ​
He got scared and raised his hands to hit them and in return 1000 hands lifted to hit him back.​ ​
He thought… this is the worst place in the world and left that place.​ ​
This world is also a room with 1000 mirrors around us.

What we let out of us is what the universe will give back to us…
This world is a Heaven or Hell. It’s up to us what we make out of it…!!!

પૂછ્યું મેં પડછાયાને….

પૂછ્યું મેં પડછાયાને,  કેમ ચાલે છે મારી સંગે?
એણે પણ હસીને પૂછયું, કોણ છે બીજું તારી સંગે?

 

ધૂપ કે છાંવ બંનેમાં  રહું છું, સૂનમુન રાહે.
એકલતા તો મુજને ય લાગે, બહુ રે લાગે.
તું ના દેખે મને અંધારે ત્યારે તો વધારે વાગે.
પરકાય પ્રવેશું એકલ પંડે, કેમ ન ચાલું તારી સંગે?

 

પંડમાં રહીને જ ગુમસુમ ગુમસુમ ફરું છું.
તું બોલે તેમ  ચૂપચૂપ ચૂપચૂપ બબડું છું.
બિલ્લીપગે ઘૂમી ઘૂમી ચારે દિશે રખડું છું.
રાત ને દિવસ કાળે અંગે, કોણ છે બીજું તારી સંગે?

 

પૂછ્યું મેં પડછાયાને,  કેમ ચાલે છે મારી સંગે?
એણે પણ હસીને પૂછયું, કોણ છે બીજું તારી સંગે?