સંગ્રહ

રોજ રોજ જોઈ એમ થાય..

વીજળીના તાર પર કતારબંધ બેઠેલા પંખીઓને રોજ રોજ જોઈ એમ થાય
ઊડઊડતી પાંખને અદબભેર ગોઠવી સંપીલા ઈશારા આમ થાય?


ન વાચા,ન વાણી,ન કર્મોની કહાની,
ન જર,જમીન કે જોરુની ગુલામી.
ઝાડ-પાન, ફળ-ફૂલ,ડાળ શહેનશાહી.
મુક્તિનું આ બંધન કે બંધનની છે મુક્તિ,સવાલ એમ થાય.
તાર પર કતારબંધ બેઠેલા પંખીને રોજ રોજ જોઈ એમ થાય.

એક લાવે ચોખાનો ને,બીજો લાવે દાળનો દાણો,
ઘાસ-ફૂસ,પીંછા,ને સળીઓથી, સજ્જ કરે માળો.
ચાંચમાં ચાંચ રાખી બાંધતા એ પ્રેમ તણો નાતો.
મીઠા કલશોરના પડઘાથી રોજ સાંજ જંપી જંપીને દૂર જાય,
આભમાં આ હારબંધ સાથ સાથ ઉડતા સૌ પંખીને જોઈ એમ થાય,


દિલ-દિમાગ, વાણીની ભેટ તો યે, માનવીથી આવું  ન કેમ થાય?
વીજળીના તાર પર કતારબંધ બેઠેલા પંખીઓને રોજ રોજ જોઈ એમ થાય….

વીંધાતી વાંસળી

કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર વીંધાઈ હશે!
બોર મીઠાં ચૂંટવાને શબરીની આંગળી, કાંટાથી કેવી ટિચાઈ હશે
!

વેદના, સંવેદના, વ્યથા ને ચિંતા,

આફત,અડચણ તકલીફ ને પીડા,

લાગણીની સઘળી આ ફૂંક ને ચૂંક

રૂપાળા વિશ્વમાં વિષમતા આવી, સર્વત્ર શાને લીંપાઈ હશે ?!!!
કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર એ વીંધાઈ હશે!


પથરો, કોલસો, હીરો કે કાંકરો

તાંબું, સોનું, રૂપું કે રત્નો

ઘસાય, તપાય, કેવાં તે કષ્ટો,

અત્તર થઈ મહેકવા, જાતને જાળવતી પાંદડી પણ કેટલી પીસાઈ હશે!
કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર વીંધાઈ હશે!

છાનુંછપનું

 છાનું છે ને  છપનું છે, એક એને ગમતું સપનું છે.
એક સવારે, તેજની ધારે, સરી પડેલું ઝરણું છે.

પીળું થઈને પડેલ પત્તું, લીલાં ઘાસને જોઈ પૂછે,
રે, તણખલા, રંગ પીળો, જોઈ મારો આમ હસે?
ના રે ના, રંગ તો સૌનો એ જ બદલતો નિયત ક્રમે,
ગુમાન નાનું, કદી ન ઉખડું ધરતીથી, એ તપનું છે.
આ છાનું છે ને  છપનું છે, એક એને ગમતું સપનું છે. 

જા રે તરણાં, તું શું જાણે? મોહ-ત્યાગ લગીરે?
લગાવ હૈયે તોયે ખરીએ, વસંત કાજે  જઈએ.
કૂણું તૃણ  પણ હર સમે, અમે અડીખમ થઈ રહીએ.
દઈ દે તાળી, બંને સાચા, ઝીલે કોઈ તો ખપનું છે..
આ છાનું છે ને  છપનું છે, એક એને ગમતું સપનું છે.

સરિતાને તીર…

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાને ૨૦ વર્ષ પૂરાં થશે એ માંગલિક અવસર પર…

સરિતાને તીર આજે ઉમટ્યો છે મેળો,ઉપવનમાં મ્હેંકે જેમ જૂઈનો વેલો..

મંડપની મધ્યે છે ગુજરાતી ગરવાં.
ને ભાવોનાં ગાણામાં ભાષાની ગાથા.
મોસમ મઝાની જો, છલકે આપમેળે,
ભીતર તો કેવું ચડ્યું રે ચક્ડોળે.
સરિતાને તીર આજે ઉમટ્યો છે મેળો, ઉપવનમાં મ્હેંકે જેમ જૂઈનો વેલો..

અંતર ઉમંગથી આ ઉડવાનો અવસર
ને ભાષા સંગાથે ભીંજાવાનું મનભર.
ગમતો ગુલાલ ને  મનની મિરાત
ઘડી બે ઘડી, આમ વહેંચી અમીરાત

સરિતાને તીર આજે ઉમટ્યો છે મેળો, ઉપવનમાં મ્હેંકે જેમ જૂઈનો વેલો..

 

વિશ્વશાંતિ…વીડિયો

આતમે ઓઢેલા કાયાના વાઘામાં
પરમનો અંશ ખરો પામી લે.                 

મનને વરેલા વિચારોનાં પીંછામાં
ઊંચેરી આશા સમાવી લે.                    

દિલને વીંટેલા આ માયાના વીંટામાં
સાચી પ્રીત જરા આણી લે.                

જગતમાં જામેલાં જૂઠાં સહુ વળગણમાં
સર્જકનું સત્ય તું જાણી લે.                   

અંતરમાં જાગેલાં વિશ્વનાં સપનામાં
સમજણની રોશની ફેલાવી લે.

કાળજડે કોરેલા થનગનતા કોડમાં
દિવ્ય સંદેશ  તું પામી લે.

સર્વત્ર સળગેલા દુન્યવી તણખામાં
શાંતિનો  દીપ  પ્રગટાવી  લે.

પ્રેરણામૂર્તિ..

કેટલીક વ્યક્તિઓ જીવતરના ગોખલે હંમેશા ઝગમગતી રહે છે. બાળપણથી આજ સુધી મારા અને મારા જેવા અનેકના જીવનને સ્પર્શેલી મહત્વની ઉમદા વ્યક્તિઓમાંની એક..
સેવામૂર્તિ મુ.મુક્તિબેન મજમુદારને માટે આજે  ખાસ….
જોગાનુજોગ કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના દિવસે ( મે ૭ ) જ આવતા તેમના શુભ જન્મદિને,
પ્રેમ,આદર અને નમન સહિત… શતં જીવ શરદઃ ની શુભેચ્છા અને પ્રાર્થના સાથે….

click on this arrow,please…

*************                *************                 ***************

છંદ- શિખરિણી–  ( યમનસભલગા )

(રાગ-અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા.)

ઝરે જેના નેત્રે, અમરત તણી ધાર છલકે,

દિસે સેવામૂર્તિ, મૃદુલ કરુણા દિલ ઝળકે,

વિચારો આચારો, જગત હિત કાજે વિહરતા.

અને નામે મુક્તિ, કરમ પરમાર્થે મલકતા.

રુડી વાણી સાચી, તનમન સદા ગાન અમીના,

અપેક્ષા-નિરાશા સરળ રુદિયે ના દિઠી કદા.

રહે ના કો’પીડા સકળ જન એવા અવતરે.

અહો,પામે શાંતિ અગર સહુ પ્રેમે હળી મળે.

વિધિની આ કૃતિ, સજળ નયને વંદુ દિલથી

નમે દેવી સ્નેહે, હ્રદય-મન મુક્તિ-રજ લઇ….

દર્પણ

એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

દીવડાની ઝીણી આશકાને નિરખી,
ભીતરના ઓજસની ઝાંખી કરી,
તન-મનની શુદ્ધિની આરતી ઉતારે.
એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

રસ્તે પડેલા કો’ કંકરને હાથ ધરી,
હળવેથી ઉંચકી, સાચવી સાચવી,
મૂર્તિ બનાવી, એમાં પ્રાણ પૂરી આપે.

એવું કોઈ દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

કાગળ પર ફરતી કલમની કમાન,
કાપે છો જોજન આ શબ્દો ચોપાસ,
અક્ષર એક પામે જ્યાં સત્ય આરપાર,
એવું એક દર્પણ મળી આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

એવું  દર્પણ કોઈ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

દીવડાની ઝીણી આશકાને નિરખી,
ભીતરની ઝાંખી કરી,
તન-મનથી ખરી આરતી ફેરવી,
છાયા બતાવે ખરી.
એને ઝંખુ હું દિલથી ફરી ફરી.
એવું  દર્પણ  કોઈ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

રસ્તે પડેલા  કંકરને જોઈ
હળવેથી હાથ ધરી,
સાચવી પ્રેમથી મૂર્તિ રચી,
પ્રાણ તું એમાં  પૂરી પ્રભો,
શ્વાસને દઈ દે ભરી ભરી..
એવું દર્પણ કોઈ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

તમે આવો બે ઘડી…

આજે વહેલી સવારનો ચાંદ મને ખુબ ગમ્યો.ચમકી ગયા ને ? સવારનો ચાંદ ? હા,શરદપૂનમ પછીની વહેલી સવારનો ચાંદ. રાત આખી યે ખુલ્લાં આકાશમાં એકલો એકલો ફરીને, સમગ્ર વિશ્વને ચાંદનીમાં સ્નાન કરાવતો ચાંદ, પરોઢિયે મને એક તપસ્વી જેવો લાગ્યો,વધુ તેજસ્વી લાગ્યો.

ક્ષણભર એક કલ્પના જાગી કે સાવ ખાલીખમ આકાશમાં એકલો રહીને પણ આ તેજથી ભરપૂર છે; અને ભીડથી ભરેલી ધરતી આજે સાવ ખાલીખમ છે. કદી આ ચાંદ ઇશ્વરનું રૂપ ધરી અહીં ઉતરી ન આવે ?!!!

ને આ તરંગ આરઝુ બની બોલી ઉઠે છે કે……

અહીં ખાલી ખાલી ને બધું ખાલી લાગે.
તમે આવો બે ઘડી, તો ઘડી વહાલી લાગે.

કાયાની દિવાલે આતમને પૂરી,
તમે પડદે રહો તે ક્યાંથી ચાલે ?
અંદર ને અંદર કોઇ બોલ્યા કરે,
ઝીણો ઝીણો રે સાદ એમ ઘૂંટ્યા કરે,
સંવાદી ગીતથી ડોલાવી મનડું,
તમે ગાઓ તો ક્ષણ મતવાલી લાગે,
જીવન-અટારીએ તાલી વાગે, જાણે મેળામાં જાત મુજ મ્હાલી લાગે.
તમે આવો બે ઘડી તો ઘડી વહાલી લાગે…

પાંખો પ્રસારી જેમ પંખીઓ ઊડે,
ને  આભલુ વિશાળ તોયે નાનું પડે.
રાતો વીતે ને તોયે વાતો ના ખૂટે,
ભવભવના જન્મારા ઓછા પડે.
પાસે બેસીને, કા’ન વાતો કરીને,
તમે ફેરવો જો હાથ હરિ-યાળી લાગે…
અણગમતી પળ પછી પ્યારી લાગે, વાસંતી ડાળ જાણે ફાલી લાગે.
તમે આવો બે ઘડી, તો ઘડી વહાલી લાગે.