સંગ્રહ

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે..

આઝાદી’ શબ્દની સાથે જ ભારત સ્વતંત્ર થયા પહેલાંનાં ઈતિહાસના વાંચેલા પાનાંઓ નજર સામે ફરફરે છે તો વડિલોના મુખેથી સાંભળેલ કારમા દૄશ્યો પણ ખડાં થાય છે. આઝાદી પછીના ચઢાવ ઉતરાવના તો આપણે પણ સાક્ષી છીએ. એ વિશે ઘણું બધું કહી શકાય. પણ ગૌરવની વાત તો એ છે કે વિશ્વભરમાં, વિવિધ ક્ષેત્રે, વિવિધ રીતે પ્રગતિ કરીને ભારતીયોએ દેશનું નામ રોશન કર્યું છે. અને એ જ સાચો ઉત્સવ છે.

પ્લસ અને માઈનસ તો બધે જ છે, બધામાં જ છે. આમ છતાં આ એક હકીકત છે કે,

વિદેશમાં રહેતા અમારા જેવા મૂળ ભારતીયો  સમયને અભાવે ભલે પીઝા,પીટા કે નાન થી ટેવાયાં હોઈએ, ભલે ‘જેવો દેશ તેવો વેશ’  ન્યાયે પહેરવેશમાં ફેરફાર કર્યો હોય, પણ પ્રત્યેક ભારતીય વ્યક્તિ વતનની પ્યાસી છેપરદેશમાં પણ આજની ઉગતી પેઢીની સાથે રહીને ભારતનાં દરેક તહેવારો  મસ્તીથી ઉજવે છેહિંદુસ્તાનની વાનગીઓ મન ભરીને માણે છે. હાનવો સમય છે, નવી પાંખ છે ,નવા ઉમંગો છે, નવો મલકાટ છે. એટલે  રીતો  પણ નવી છે, પણ  કર્મભૂમિના આદર સાથે પણ દિલ તો માતૃભૂમિને જ નમે છે.

આજે જ્યારે અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ‘આઝાદી’ની પહેલાં અને પછી પણ કુરબાની આપેલ વીરોને તો કેમ ભૂલાય?

એ તમામ શહીદોની યાદમાં થોડી પંક્તિઓ પ્રસ્તુત છેઃ

‘મેરે વતનકે લોગ’ના નારા, ઊઠ્યા આજે ફરી,
કુરબાની ને શહીદીના, સૂરો ગુંજ્યા આજે ફરી. 

રુધિરથી લથબથ  થતી લાશો નજર  સામે  ફરી,
કંકુ લુછાતાં, હાથનાં કંકણ તૂટ્યાં આજે ફરી. 

પોતા થકી ગોળી ઝીલી, બીડેલ લોચનની છબી
એ યાદના પડદા હલી, ભીંતે ધ્રૂજ્યા આજે ફરી. 

અમૃત મહોત્સવની વીરતાને પૂછતી રંગીન ધજા,
ક્યાં કોણ છે આઝાદસો પ્રશ્નો ફૂટ્યા આજે ફરી.

 રાતો ગઈ,વાતો રહી, જાગો નમો સૌ સાથમાં,
ઝંડા થકી સંદેશ લઈ, સાચું નમ્યાં આજે ફરી.

તો આ સાથે આઝાદીના ‘અમૃત મહોત્સવ’ના આ પર્વના ગર્વ સાથે આપ સૌ દેશપ્રેમીઓને
જયહિંદ.

—દેવિકા ધ્રુવ

** ચંદરવોઃ ૭ **    પોએટ કૉર્નરહ્યુસ્ટન

     આજનો સુવિચારઃ

 સાચું જ્ઞાન એ જ જાણવામાં છે કે આપણે કશું જાણતાં નથી. – સોક્રેટિસ

ઑક્ટોબર મહિનો શરૂ થાય એટલે પૂ. મહાત્મા ગાંધીજીનું સ્મરણ થાય જ. ડાયરી લખતાં લખતાં  શ્રી મહાદેવભાઈ દેસાઈની ડાયરીનો અમૂલ્ય ખજાનો પણ મનમાં યાદ આવી ગયો. વર્ષો સુધી લખાયેલી તેમની ડાયરીઓના ઘણા ભાગ છે. કવિ શ્રી ઉમાશંકર જોશીએ લખ્યું છે કે, ‘શ્રી મહાદેવભાઈની ડાયરી’નો વિષય મહાદેવભાઈ નથી. પણ આ ડાયરીમાં ગાંધીજીનું પ્રતિબિંબ જોઈ, સ્થિર પ્રસન્ન જલાશય જેવા લેખકના ચિત્તનો પણ આહ્લાદક અનુભવ થાય છે.”

એક બીજી પણ વાત સાંભરી આવી. એચ.કે. કૉલેજમાં ગુજરાતી વિષય ભણવાનો લહાવો જે પ્રોફેસર પાસે મળ્યો હતો તે શ્રી નગીનદાસ પારેખે એક પુસ્તકમાં લખ્યું છે કે, “ રોજના નાના નાના પ્રસંગોની રસભરી નોંધ કરવાની કલાનું તેમને ( મહાદેવભાઈને) સુખદ વરદાન હતું. એ વાર્તાલાપોનું વાંચન કરવામાં જ વિનમ્રતા અને સહિષ્ણુતાની કેળવણી આપોઆપ મળી રહે તેમ છે.”

સાચે જ, જગતનાં સાહિત્યમાં ડાયરીઓ ઘણી મળશે, પણ ‘મહાદેવભાઈની ડાયરી’નું સ્થાન બહુ ઊંચું રહેશે. તેમાં લખાયેલી પવિત્ર વિચારધારાનું જેમનામાં સિંચન થાય તે સૌ કોઈ પાવન થઈ જાય. આજની સવારની સુહાની મોસમ અને સવારની સ્ફૂર્તિએ, પુણ્યાત્માઓને  યાદ કરાવ્યાં એટલું જ નહિ ડાયરીના આ પાનાને પણ પ્રફુલ્લિત કર્યું. તેમને વંદન કર્યા વગર આગળ કેમ વધાય?

 આજે સવારે ચાલતાં ચાલતાં ઘણે દૂર નીકળી જવાયું હતું. એક તો હવામાન ખુશનુમા હતું, નહિ ઠંડી કે નહિ ગરમી અને બીજો ઊઘડતો જતો અજવાસ. કેટલાક સ્વાસ્થ્ય અંગે સભાન લોકો પણ આસપાસ જોવા મળે જ. આશ્ચર્ય વચ્ચે એક યુવાન યુગલ પણ સામેથી આવતું દેખાયું. આશ્ચર્ય એટલા માટે કે, સામાન્ય રીતે યુવાન વયની વ્યક્તિઓ સાંજે જોવા મળે. શનિ-રવિમાં અહીં વહેલી સવારે ન ઊઠે.  ને પછી તો ખબર જ ન પડી ને બસ, એમ જ જૂની ગલીઓમાં ઊંડે ખૂંપી જવાયું.

નાનપણમાં શિયાળામાં વહેલાં ઊઠી, અંધારામાં પોળની સહેલીઓ અને દરેકની માતાઓ સાથે સમૂહમાં નદીએ ન્હાવા જતાં કેટલું ચાલતાં તે, પછી ૧૯૬૭-૬૮નાં વર્ષોમાં કૉલેજ જતાં સાબરમતી નદી ઉપરના નહેરુ બ્રીજ પરની વહેલી સવાર, ચૂંટણીના સમયમાં વહેલાં ઊઠી ઘેર ઘેર ચોપાનિયાં નાંખવાં જતાં. એ બધી વાતો કરતાં કરતાં ભારતની જુદીજુદી ૠતુઓનો અહેસાસ સળવળ્યો. ત્યારબાદ ન્યૂયોર્ક, ન્યૂજર્સીની સવારની દોડમદોડ, ત્યાંની મોસમનો મનગમતો દેખીતો બદલાવ પણ સ્મિત ફરકાવી ગયો.

મને હંમેશાં આકાશ તરફ જોવું ખૂબ ગમે. કદાચ મનમાં સતત સૂર્ય અંગે દેવત્વનો ભાવ જાગતો રહે છે. જાણે પૂરવનો જાદુગર આવે, છાબ કિરણની વેરે, હળવે હાથે ધીમું સ્પર્શે,પડદા પાંપણના ખોલે. એમાંથી એક પ્રચંડ શક્તિનો સંચાર મળતો અનુભવાય છે. સપ્ટેંબર મહિનાની ૨૧મી તારીખથી અહીં ઋતુ બદલાઈ ગણાય. કહેવાય છે કે, અમેરિકામાં પાનખર ઋતુમાં ઉત્તર-પૂર્વ દિશામાં કુદરતમાં પથરાયેલા રંગોના મેઘધનુષી ગાલીચાને જેણે ન જોયો  હોય તે માનવી ઓછો ભાગ્યશાળી ગણાય. અનાયાસે એ પણ યાદ આવી જ ગયું કે  તે દિવસે અમે પેન્સિલ્વેનિયાની Penn State યુનિવર્સિટીના રસ્તે જતાં હતાં. આમ તો ત્યારે સપ્ટે.નું છેલ્લું અઠવાડિયું હતું. પાનખરની માંડ શરૂઆત હતી. તેથી સોળે કળાએ એ રૂપ નીખરવાને થોડી વાર હતી. ખૂબ વહેલી સવારે અમે બંને કારમાં નીકળ્યાં હતાં. પણ ત્યારે જે અનુભવાયું તેનું આ ચિત્ર..

ઓહોહો….ભૂરા, વિશાળ આકાશમાં વાદળોના ઢગલામાં જાણે કોઈ એક અદીઠ ચિતારો હાથમાં પીંછી લઈ તૈયાર ઊભો હતો. પર્વતો પરનાં લીલાં ઝાડ-પાન પર રંગના ત્યારે તો માત્ર છાંટણાં જ કરી રહ્યો હતો. એટલે ઠેકઠેકાણે એની ખંખેરાયેલી, છંટકાયેલી પીંછીમાંથી બે-ચાર રંગોનાં છૂટક છૂટક ઝુમખાં જ દેખાતાં હતાં. પણ જોતજોતાંમાં તો એના સમયપત્રક પ્રમાણે જાણે એ કુદરતના કેનવાસ પર તમામ રંગોથી ભરેલો, નયનરમ્ય મખમલી રંગીન ગાલીચો સજાવી દેવાની તૈયારીમાં છે તે લાગ્યા વગર રહે જ નહિ. ઘણી વાર જોયા છતાં જ્યારે જ્યારે એ જોવાનું થાય છે ત્યારે ત્યારે પાનખરની ભવ્યતા, વાસંતી રૂપ કરતાં જરાયે ઓછી નથી લાગતી. વસંતને હું પાંદડાના દરબારમાં કળીઓનો રાજ્યાભિષેક કહું છું તો પાનખરને અનુભવની હીરા-જડિત ગાદીએ હીંચતો ભવ્ય ગરિમાનો હિંડોળો કહું છું.

આજે બહુ વખત પછી કુદરતને મન ભરીને માણી. જો કે, અહીં હજી ઘાસની લીલી ગાદી ઝાંખી પડવા માંડી છે અને જરાક પીળી ચાદર પથરાવા માંડી છે એટલું જ. તેથી લીલી-પીળી ‘બાટીક પ્રિંટ’ પર ખરવા માંડેલાં કથ્થઈ રંગનાં પાન અને crape myrtleનાં આછાં ઘેરાં ગુલાબી ફૂલોનો પથરાટ જાણે પાનખરના સ્વાગત સમો દેખાવ આપે ખરો. તે ઉપરાંત ટેક્સાસના લીલાંછમ પંખા આકારનાં palm tree ભવ્યતાથી ઊભેલાં ઊંચાં ઊંચાં મગરૂરી queen palm અને તેની કેટલીયે ડોલતી તરુવર શાખાઓની વચ્ચેથી વહેતો ઠંડો ઠંડો પવન. વરસવાની તૈયારીમાં છંટાતી ઝરમર શીકરો સામ્રાજ્ય જમાવે તે પહેલાં પ્રભાતફેરી પતાવી અમે ઘેર આવ્યાં.

થોડી જ વારમાં વરસાદ તૂટી પડ્યો. જોકે, અમે તો એના વગર પણ ભીંજાયાં જ હતાં! અને એ નિમિત્તે મઝાની સ્મૃતિઓને વાગોળવાનું બન્યું અને સાથે ચાલવાનું પણ વધારે થયું તેનો આનંદ.

રાત્રે ડાયરી લખતાં પહેલાં ફરી એક વાર આકાશ તરફ નજર કરી તો વાદળોના ચિત્રવિચિત્ર આકારોમાં આજે તો જાણે ગાંધીજીના આંખ, કાન અને મોં બંધ કરીને બેઠેલા ત્રણ વાંદરા દેખાયા!!  ‘જેવી દૄષ્ટિ તેવી સૃષ્ટિ’ એમ જ થયું.

દિવસ સારો ગયાનો આનંદ..મન પ્રસન્ન..

એક યાદગાર સવાર…કવિતાની કેફિયતનો કાર્યક્રમ..

૫મી ડીસેમ્બરને શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય અકાદમી યુકે દ્વારા આયોજિત કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનયના જાનીનો કાવ્યપાઠ અને કેફિયતનો અનોખો કાર્યક્રમ મન ભરીને માણ્યો. કોઈ પ્રસન્નતાના અગાધ સાગર કિનારે સમાધિસ્થ થઈને શાંત બની બહાર આવ્યા હોઈએ તેવી જબરદસ્ત અનુભૂતિ થઈ.

સંચાલન કર્તા શ્રી મહેન્દ્રસિંહ પરમારે કહ્યું તેમ જેઓ સ્વયં સંચરણ કરે અને પ્રદીપ્ત કરે એવી જેમની ઉર્જા છે તે શ્રીમતી નયનાબહેન જાનીએ ગુજરાતી ભાષાની કવિતાથી માંડીને માની મીઠી બોલી ગુર્જરીની કવિતા શબ્દે શબ્દે ભાવ જગવતી વહેતી કરી. શસ્ય શ્યામલા માટીની સોડમ તેમના અક્ષરે અક્ષરના ઉચ્ચારણમાંથી મહેંકતી હતી. તે પછી તેમની પ્રથમતમ ગઝલની પૂર્વભૂમિકા અને સર્જનપ્રક્રિયાની વાતો સંભારતા સંભારતા પ્રતીક્ષાગઝલ સંભળાવીઃ મારગ અને મુકામ પ્રતીક્ષા જ છે હવે. પ્રત્યેક પળની પ્રતીક્ષા જ છે હવે.’અને બીજી પણ એક મઝાની ગઝલ  કે દૄશ્યો બધાં પ્રવાહી’-કોની છે વાહવાહી, કોની શહેનશાહી? ક્યાંથી ઉતરતા શબ્દો, નીરખ્યા કરે છે સ્યાહી! પણ એક અનોખા પ્રશ્નાર્યસૂચક અંદાઝમાં રજૂ કરી.

તે પછી પોતાની બ્રહ્મવાદિની સખીઓ અરુંધતી, મૈત્રેયી, ગાર્ગી વગેરેની કલ્પના કરી એક  ખૂબ ઊંચા mystic experience ની પ્રતિતીની, ઊગતા અને આથમતા સૂર્યના રહસ્યમય અનુભવની અછાંદસ કવિતા  તો વળી આ ઊંચી માટીના ઘડૂલિયાને તમે કોરો નહિકહી  પરમ આદ્યાશક્તિને વિનવતો ગરબો પણ ગાઈને સંભળાવ્યો. છેલ્લે તેમણે  નરસિંહ મહેતાના ઝુલણા છંદમાં સૌને પરિતૃપ્ત કરતી રચના આ અણુમાં અણુ થઈ સમાઈ જવું પણ શાંત, સ્વસ્થ, પ્રસન્ન મુખભાવો સાથે રજૂ કરી. આમ, નયનાબહેનની એક પછી એક આવતી જતી કવિતાઓ વાતાવરણમાં દીવા જેવું અજવાળું અજવાળું કરાવતી રહી.

તે પછી ઋષિકવિ શ્રી રાજેન્દ્રભાઈ શુક્લ થકી ભારતીય પરંપરાના તેજસ્વી સ્ફુલિંગોની ઝાંખી કરાવતી એક પછી એક કવિતાઓનો રસથાળ ભરાતો ગયો.

કવિતા આંદોલનો રચે છે,વાતાવરણ સર્જે છે. કવિતા પામવાનો પદારથ છે.એનું લાવણ્ય છંદમાં છે,પઠનમાં છે એવી પ્રસ્તાવના સાથે પોતાના પ્રથમ કાવ્યસંગ્રહના પરિપાક રૂપે રચાયેલી એક સઘન કવિતા અવાજ અદભૂત જાદૂઈ, મોહક અંદાઝમાં રજૂ કરી.વસંતતિલકા છંદમાં રચાયાની પ્રક્રિયા અને પ્રથમ અક્ષરના લઘુનાદની વાત સાથે અવાજનું નગર ચણતો રહ્યોસાંભળવાનો અનુપમ રસ માણ્યો. તે પછી તો અવાજના શબ્દને અતિક્રમીને આવતું  મૌન, પરિપ્રશ્નોની ગઝલ શ્વાસ જ્યાં  જઈને ઉચ્છવાસને મળે છે, સળ જેવું એ નથી તો ઝળહળ પડાવ શું છે? કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે? સંભળાવી.

વેદથી માંડીને ચાલ્યા આવતા કવિજનોના પ્રવાહનો ઉલ્લેખ કરીને તે વિષે કેટલીક કવિતાઓ વહાવી. કબીરના પદના અનુસંધાનમાંથી આવતી ગઝલમાં મનુષ્યના કુતૂહલને શબ્દસ્થ કર્યું. ‘एकाकी  रमते आत्मा  એટલે ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળીકહી ત્યારબાદ બિંદુથી ઉભી થતી સૃષ્ટિની વાત દ્વારા સ્વયંના સર્જાવાની ખૂબ ગહન કવિતા કૂંપળ થઈને કોળ્યો પ્રસ્તૂત કરી. તે પછી નગરકવિતાની અછાંદસ અપેક્ષા સામે પોતે કેવી રીતે ગઝલ લખી તેની રસપ્રદ વાત કરીને નગરની સરાહીનો મુકામસંભળાવી. ”ઘોર ઘોંઘાટે સમય ગાતો મળ્યો. મૌનમાં હું મુજને મલકાતો મળ્યો.”

પ્રકૃતિ અને પુરુષના સંબંધ વિશેની ગઝલ રજૂ કરતા પહેલાં એક મઝાની વાત એ કહી કે, માયાના સ્વીકાર સાથે એનાથી પર થવું એ કવિનું કર્મ છે. કેવી મનનીય વાત! “હું વરસું  છું, તું વરસે છે, વચમાં આખું નભ વરસે છે. અમથું અમથું  પૂર ન આવે, નક્કી કોક છાનું વરસે છે.” બીજી એક ધૂળેટીના રંગની ગઝલ ક્યારે અને કેવા સંજોગોમાં લખી તે પ્રસંગની યાદ સાથે દ્વૈતથી અદ્વૈતમાં શમતી ગઝલના શબ્દેશબ્દ  અધ્યાત્મિક ભાવથી રંગતા હતા. “કેસર ઘૂંટ્યા અજવાસથી રંગુ તને, મહેંકતા મધુમાસથી રંગુ તને. કોણ રંગે, કોણ રંગાતું રહે? આ રંગે રચાતા રાસથી રંગુ તનેઆહાહાહા પંચેન્દ્રિયોને જાણે પરિતૃપ્તિનો આનંદ મળતો જતો હતો. ત્યાંતો એક ગોઠડીની ગઝલ ઉતરી આવી.  કવિવરે કહ્યું કે,ગઝલની પરિભાષા ગૂફ્તેગુ હોય છે પણ તેમાં આમ તો એકોક્તિ હોય છે. પણ આ ગોઠડીમાં તેમણે સંવાદ રચ્યો છે. કેવો મઝાનો છે એ!
એ કશું ગણગણે ને કહે; ગા હવે.
હું કશું યે કહું તો કહે; જા, હવે.
રેશમી રમતની આ શેષ રસાકસી
જા, તને કોણ કીધા કરે; ના હવે! 

ઋષિકવિના અંદાઝમાં   ગોઠડીનો સંવાદ સાંભળતા તો જાણે કાન ધન્ય ધન્ય..

આગળ વધતા સંતોના સાહચર્યની અસર જેવી કવિતાઓ કે જેમાં નરસિંહના હજો હાથ કિરતાલ’, મીરાંની રાજસ્થાની બોલી, તુલસીદાસ, નાનક અરે મુસલસલ જેવા મનસુરીની છાયા જેવી કંઈ કેટલી અદભૂત પંક્તિઓ સાંભળી. કઈ લખું ને કઈ છોડું? એ જ સવાલ જાગે ત્યાં તો તરત જ ….
વાણી ક્યાંકથી આવે, ક્યાંક જઈ સમાશે રે.
ચાખડીના ચિન્હોમાં ક્ષણ ગહન ગૂંથાશે  રેમાં રેના લહેકામાં પાનબાઈના ગીતના રેને સ્મર્યો. તો વળી એની સુંદર છણાવટ કરતા કહ્યું કે આ રે, અરેરેના દુઃખદ ઉદગારવાળો રે નથી. પણ અવિનાભાવી ગતિ તરફ લઈ જતો પરમ આનંદદાયી  રે છે.
પિંડ પૂરો જે ઘડીએ શબ્દનો પમાશે  રે.
એક એવું ઉછળશે,શિર નમી જવાશે  રે..
મહેંકના શ્વાસનો તરાપો આ,
ઉતરીને નાદના સમંદરમાં, વાગશું વગર સાઝે  રે..
કેટલું આહલાદક!

ત્યારબાદ મૌનના આકર્ષણની શોધમાં નકારાકાત્મક પ્રાપ્તિ પછી જે વિજયાત્મક મૌન લાધ્યું તેની સરસ વાત કરી. ”શમે મૌનમાં શબ્દ મારા પછી પણ કોઈ સોરઠે, કોઈ દોહરે હું મળીશ જ. શિલાલેખના અક્ષરે હું મળીશ જ..મને ગોતવામાં ખોવાયેલ છું હું, જૂનાગઢ, તને તો ખબર છે ઝાંખરે, કાંકરે હું મળીશ જ.’રચના સંભળાવી. શ્રી મહેન્દ્રસિંહના એક પ્રશ્નના જવાબમાં ઉદાહરણરૂપે નગારે ઘાવ પહેલોમાં ઘાવને બદલીને શા માટે દાંડી શબ્દ બદલ્યો તેની કાવ્યાર્થ ભાવની નિયંત્રિત વ્યંજના વિશે સમજણ આપી. સમયનું ભાન ભૂલી સૌ સાંભળતા જતા હતાં. છેલ્લે જયદેવની અષ્ટપદી, કોઠાની બાનીથી માંડીને સચ્ચિદાનંદની બાનીના સ્તર સુધીની, વેદાંતી કવિ અખાની બાની, પ્રાકૃત, સંસ્કૃત અને જૈનદર્શન સુધીના ભાષાપ્રવાહની આરાધના અને ધ્યાન વગેરેની કવિની અસ્ખલિત ધારા વહેતી રહી અને સૌ શ્રોતાજનો ભીંજાતા રહ્યા. અંતે, ના કોઈ બારું,ના કોઈ બંદર, ચેત મછંદર.. અને ભોર ભઈ,ભૈરવસૂર ગાયા,ગોરખ આયા..એક ઘડીમાં રૂક્યો સાંસ ગોરખ આયા..અટક્યો ચરખો ગોરખ આયા..બિન માંગે મુક્તાફળ પાયા,ગોરખ આયા.. કહી શ્રી વિવેકાનંદ અને રામકૃષ્ણની અસરનો પણ ઉલ્લેખ કર્યો અને એ સાથે પૂર્ણતાનો અનુભવ કરાવતી ચતુષ્પદી ગાયત્રી છંદયુક્ત સ્વાહા કવિતાથી વિરામ આપ્યો.

આમ ભાષાના, સંવેદનાના અને અનુભૂતિના જુદા જુદા સ્તરોના ત્રીવેણીસંગમ પર સ્નાન કરાવતી જતી આ ઝૂમ બેઠક અવિસ્મરણીય બની રહી. શ્રી વિપુલભાઈ, શ્રી પંચમભાઈ, શ્રી મહેન્દ્રસિંહજી અને કવિયુગલ (ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લ અને નયનાબહેન જાની) ને તહેદિલથી વંદન.

અસ્તુ..

દેવિકા રાહુલ ધ્રુવ  

ડીસેમ્બર ૭,૨૦૨૦

એક યાદગાર સવાર … કવિતાની કેફિયતનો કાર્યક્રમ .. (opinionmagazine.co.uk)

ટેક્સાસની તેજસ્વી ધારા-ચિ.સ્વરા અને આજ્ઞા.

ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદે લીધેલ નોંધઃ

નોળવેલની મહેકઃ ૩૦ નવેમ્બર ૨૦૨૦
-પરિષદની વેબસાઇટ પર – અભિનવ અગાસી પર
હ્યુસ્ટન, ટેક્સાસની બે તેજસ્વી ધારાઃ  સ્વરા અને આજ્ઞા  મોણપરા:

“Gujarati Fun with Swara and Agna” ના નામથી શરૂ કરેલી યુટ્યુબ ચૅનલ પર ….
નમસ્તે ઍન્ડ જય સ્વામિનારાયણ. આઇ એમ સ્વરા. આઇ એમ આજ્ઞા.” ના  મીઠા સંવાદથી ચાલું થતો વિડિયો  અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટેનું એક આગવું અંગ બની ગયું છે. નવાઈની અને આનંદની વાત તો એ છે કે, આ યુટ્યુબ ચૅનલના સૂત્રધાર  ચિ. સ્વરા મોણપરા હજી તો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે  ચિ.આજ્ઞા  KG માં. આ બંને બહેનો હ્યુસ્ટનના મિઝોરી સિટીમાં રહે છે અને તેમણે અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોને ગુજરાતી શિખવાડવા માટે કવાયત આદરી છે. તેમના વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. માતાપિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ બાળકો ગુજરાતી મૂળાક્ષરો બોલતા, વાંચતા અને લખતા શીખી જાય છે.

જુલાઇ ૨૦૨૦ થી શરૂ કરેલી આ ચૅનલમાં અત્યાર સુધીમાંથી લઇનેસુધીના મૂળાક્ષરોના વિડિયો આવરી લેવાયા છે. આગળના અક્ષરો માટેના વિડિયો બનાવવાનું કામ અને સાથે સાથે તેમની વેબસાઇટ www.gujaratilearner.com પણ ચાલું જ છે. આખીયે વાત રસપ્રદ તો છે પણ ખૂબ ખૂબ મહત્ત્વની છે, પ્રશંસાને પાત્ર છે અને પ્રેરણાદાયી પણ છે. આના અનુસંધાન માટે તેના ઘરના વાતાવરણ અને માતાપિતાની એક પૂર્વભૂમિકા આપવી પણ જરૂરી છે.

સ્વરા અને આજ્ઞાના પિતા એટલે કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપ માટે’ ‘પ્રમુખ ટાઈપ પેડના સંશોધક શ્રી વિશાલ મોણપરા. માતા નયનાબહેન  માઈક્રોબાયોલોજીના અનુસ્નાતક છે અને હાલ યુનિ. ઓફ ટેક્સાસમાં  ક્લીનીકલ લેબ.સાયન્સનો અભ્યાસ કરી રહ્યાં છે.

વાત તો સૌને વિદિત છે કે, ૨૦૦૪૨૦૦૫ ના સમયગાળા સુધી નોન યુનિકોડ ગુજરાતી ફોન્ટ ખુબ પ્રચલિત હતાં. જેટલાં કંઇ પણ લખાણો હતાં તે બધા નોન યુનિકોડમાં હતાં. પરંતુ તેમાં કેટલીક તકલીફો હતી. ૨૦૦૫ માં  હ્યુસ્ટનસ્થિત શ્રી વિશાલ મોણપરાએ ગુજલીશમાં લખેલા લખાણને ગુજરાતી યુનિકોડમાં ફેરવવાનો પ્રોગ્રામ બનાવ્યો. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની જ હતી અને અમેરિકાની ધરતી પર પગરણ  કર્યાને  માંડ એક-દોઢ વર્ષ જ થયું હતું. તે સમયે તેમણે અંગ્રેજી કીબોર્ડ પર જેવું ટાઇપ કરીએ સાથે ગુજરાતીમાં ટાઇપ થાય માટેની યોગ્ય ટેકનોલોજી વિષે સંશોધન આદર્યું અને જાન્યુઆરી ૨૦૦૬ માં ગુજરાતી સહિતની ભારતની કુલ આઠ ભાષાઓમાં સરળતાથી ટાઇપ થઇ શકે એવુંપ્રમુખ ટાઇપ પેડપોતાની વેબસાઇટ પર લોકોના ઉપયોગ માટે મૂક્યું. ગુજરાતી ભાષાપ્રેમીઓએ ગુજરાતીમાં પોતાના બ્લોગ બનાવવાની શરૂઆત કરી ત્યારે  તેમના પ્રમુખ ટાઇપ પેડે લોકોને ગુજરાતીમાં ટાઇપ કરવાની સરળતા કરી આપી. હાલ તો ૨૦થી વધુ ભાષાઓમાં પણ લખી શકાય છે. આમ,અંગ્રેજી  કીબોર્ડમાંથી ગુજરાતી ટાઇપિંગગુજરાતી ફોન્ટ રૂપાંતર અને ગુજરાતી OCR સોફ્ટવેર એ તેમનું ગુજરાતી ભાષાના વિકાસ અને વિસ્તાર માટેનું પાયાનું યોગદાન છે.

હવે તેમણે એક નવું મોટું કામ આદર્યું છે કે તેમની અમેરિકામાં જન્મેલી અને અંગ્રેજીમાં ભણતી પાંચ અને નવ વર્ષની પુત્રીઓ થકી ગુજરાતી ભાષાના https://www.gujaratilearner.com/ પર વીડિયો દ્વારા કોઈપણ ઉંમરે, કોઈપણ વ્યક્તિને ગુજરાતી શીખી શકાય તેવું કામ ચાલુ કર્યુ છે. તેઓ કહે છે કે, “આ કાર્યના બીજ પાંચ વર્ષ પહેલાં વવાઇ ગયા હતા. આ સમયે સ્વરા ચાર વર્ષની હતી. તેના મમ્મી નયનાએ ખૂબ જ જહેમત ઉઠાવીને આટલી નાની ઉંમરમાં સ્વરાને કક્કો, બારાખડી અને શબ્દો વાંચતા શીખવાડી દીધા હતા. આ રીતે નાનપણથી જ સ્વરાને ગુજરાતી ભાષાનો અભ્યાસ હતો અને રસ પણ વધવા માંડ્યો હતો.

સ્વરા તેના વિડીયો ટ્યુટોરીઅલમાં કહે છે કે,

“Gujarati Learner Website is dedicated for kids who want to learn how to read, write and speak Gujarati.”

બાળકોની વિવિધ રમતોની ઘણી બધી યુટયુબ ચેનલો જોતા જોતા સ્વરાને પોતાની પણ એક ચેનલ હોવાનું સ્વપ્ન જાગ્યું, તેમાંથી ગુજરાતી શિખવાશિખવાડવાનો વિચાર આકાર લેવા માંડ્યો અને પછી તો  તેણે એક સવારે રાત્રિના એક સ્વપ્નમાં જોયેલ logoની વાત કરીને નીચે મુજબ એ દોરી બતાવ્યો .

અને તેના આ ચિત્ર ઉપરથી વિશાલ મોણપરાએ નીચે મુજબના રંગીન logo નક્કી કરી ગુજરાતી શિખવા માટેની ચેનલ તૈયાર કરી દીધી.

Final Gujarati Learner Logo

સ્વરા અને આજ્ઞાના પિતા વિશાલ મોણપરા હ્યુસ્ટનમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ચલાવાતા ગુજરાતી ભાષાના વર્ગોમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આ દરમિયાન તેમણે બાળકોને ગુજરાતી શીખવામાં પડતી તકલીફોને ખૂબ નજીકથી જાણી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજ જ્યારે હ્યુસ્ટન પધાર્યા ત્યારે ૨૦૧૭માં વિશાલને ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ આશીર્વાદની ફળશ્રુતિ રૂપે વિશાલે સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા ગુજરાતી વર્ગો માટે બાળકો ગુજરાતી સરળતાથી લખતા શીખે તે માટેના પ્રોગ્રામ બનાવ્યા પરંતું તેમને હંમેશા ‘હજુ પણ કંઇક ખૂટે છે’ તેવું લાગ્યા કરતું હતું.


વિશાલ મોણપરા વધુમાં જણાવે છે કે,” ૨૦૨૦ ના વર્ષમાં કોરોના મહામારી અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ બની. ઘર બેઠા જ સ્કુલ અને નોકરી હોવાને કારણે પરિવારના સભ્યોને સતત સાથે રહેવાનો ખૂબ જ સારો લહાવો મળ્યો. પારિવારિક વાર્તાલાપ દરમિયાન બાળકોને ગુજરાતી શીખવાડવા માટે વિડિયો બનાવવાનો વિચાર આવ્યો. કામ અઘરું હતું પરંતુ પરિવારના દરેક સભ્યોએ આ પડકાર ઝીલી લીધો.”


સ્વરા અને આજ્ઞા પોતે નક્કી કરેલ વિડિયો માટે ગુજરાતી શબ્દો, સ્ક્રીપ્ટ અને પાત્રો પસંદ કરે છે. વિશાલ સ્ક્રીપ્ટ અને પાત્રોને વિડિયોમાં આવરી લેવા માટેની એનીમેશનની ટેકનીક તૈયાર કરી રાખે છે. ચિ.સ્વરા અને આજ્ઞા પોતપોતાના સંવાદોનું રિહર્સલ કરે છે કે જેથી ઓછામાં ઓછા સમયમાં સારી રીતે વિડિયોનું રેકોર્ડીંગ  થઇ શકે. શનિ-રવિની રજાના દિવસોમાં વિડિયો રૅકોર્ડ કરવાનો હોય ત્યારે નયનાબહેન બંનેને સમયસર તૈયાર કરી દે છે. વળી રૅકોર્ડિંગના સમયે એકદમ નીરવ શાંતિ જળવાય તે માટે નયનાબહેન પોતાના નિર્ધારિત કામ આગળ-પાછળ કરીને પણ વિડિયો રૅકોર્ડ કરવાની અનુકૂળતા કરી દે છે. વિડિયો રૅકોર્ડ થયા બાદ વિશાલ તેને સ્ક્રીપ્ટ પ્રમાણે કાપકૂપ કરીને તેમાં એનિમેશન મૂકે છે અને ત્યાર બાદ યુટ્યુબ પર અપલોડ કરે છે.


ત્રણ થી ચાર મિનિટના વિડિયો માટે આટલી બધી મહેનત વ્યાજબી છે? આ પ્રશ્નનો જવાબ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવાર પાસે છે. અમેરિકામાં ઉછેર પામતા બાળકો માટે ગુજરાતી શીખવું એ અતિશય કપરું છે. માતા-પિતા સમયની વ્યસ્તતાને કારણે કે ગુજરાતી લખતાં, વાંચતા, કે બોલતા ન આવડતું હોય તેના કારણે બાળકોને ગુજરાતી ભાષાનું માર્ગદર્શન આપી શકતા નથી. વળી ગુજરાતી શીખવા માટેના જે ઓનલાઇન વિડિયો હાલમાં ઉપલબ્ધ છે તે માત્ર ગુજરાતી ભાષામાં હોય અથવા ભારતીય શિક્ષણ પદ્ધતિ પ્રમાણે હોય જેથી થોડા જ સમયમાં બાળકને ગુજરાતી શીખવામાંથી રસ ઉડી જાય. પરંતુ સ્વરા અને આજ્ઞાએ બનાવેલ વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. બાળક પોતાના માતા-પિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ ગુજરાતી વાંચતા અને લખતા શીખી જાય છે.

કક્કામાં બાળકોને પાપા પગલી ભરાવીને બાળકોને ગુજરાતીમાં પુસ્તકો વાંચતા કરી દે ત્યાં સુધીના સ્વપ્ના  ચિ.સ્વરા અને આજ્ઞાએ સેવેલા છે. આ સ્વપ્નાને સાકાર કરવા માટે વિશાલ ગુજરાતી શીખવા માટેની મોબાઇલની ઍપ પણ હાલમાં બનાવી રહેલ છે.

આજે અમેરિકામાં યુવાન વર્ગ પોતાના વ્યવસાય અને બાળકોના ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છે. છતાં અહીં જન્મેલા ગુજરાતી બાળકો બહુ સરળતાથી ફ્રેંચ, સ્પેનીશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકે છે, તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું  આ એક સરસ કામ  અમેરિકામાં જન્મેલી,અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી આ બે સાવ નાની બાળાઓ દ્વારા થઈ રહ્યું છે તે કેટલી મોટી વાત છે?

સ્વરા અને આજ્ઞાનુ સ્વપ્ન www.gujaratilearner.com ચેનલ દ્વારા સાત ધોરણ સુધીના શિક્ષણને આવરી લેવાનું છે.  તેમના માતાપિતા ફુલ ટાઈમ જોબ,અન્ય સાંસ્કૃતિક કામ અને પરિવારની દૈનિક જવાબદારીઓ સાથે સાથે શાંતિપૂર્વક આવાં સુંદર કામમાં સાથ અને માર્ગદર્શન આપી રહ્યાં છે જે સાચે ખૂબ સરાહનીય છે.

અતિ નમ્ર, મીતભાષી અને માત્ર ૩૮ વર્ષના યુવાન વિશાલ  મોણપરા હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય છે અને ગઝલો પણ લખે છે.
રહ્યા તેમના કેટલાંક શેરઃ

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

વિશાલ, તેમના પત્ની અને બંને પૂત્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાચા અર્થમાં માતૃભાષાનું જતન કરતા પરિવારને સલામ. ચિ. સ્વરા અને  ચિ.આજ્ઞાને અઢળક  શુભેચ્છા અને અંતરના ઊંડાણથી  આશિષ.

અસ્તુ.

લેખઃ દેવિકા રાહુલ ધ્રુવ. હ્યુસ્ટન.
સંપર્કઃ ddhruva1948@yahoo.com

માહિતી અને તસ્વીર સૌજન્યઃ વિશાલ મોણપરા.
સંપર્કઃ
vishal_monpara@yahoo.com

સાંજના લીસોટા….

આકાશના આસમાની પોત પર સૂરજના કેટકેટલાં રંગોની આભા? સોનેરી,પીળો,ભગવો, કેસૂડો,લાલ, સિંદૂરી,નારંગી, કેસરી, ઓહોહો.. જાણે રંગોનું ઈન્દ્રધનુ.  કેટલીક સાંજ તો પીળાશ પડતો ખુલ્લો લાલ રંગ, કે જેમાં પારો, સીસું અને ગંધકની મેળવણી હોય તેવા સિંદૂરી રંગથી છવાઈ જતી હોય છે. એમ થાય કે આ બદલાતા જતા અવનવા રંગો જોયા જ કરીએ, વિચાર્યા જ કરીએ અને અંદર ઊંડાણમાં ઉતરતા જ જઈએ. કશું યે નહિ કહીને કુદરત કેટલું બધું કહી જાય છે?!

જીવતરની આ કાયાના પોત પર પણ અવસ્થાના કેટકેટલાં રંગો? એક નહિ અનેક પ્રસંગોના, વિવિધ વ્યક્તિઓના, અલગ સ્થાનોના કેટકેટલાં સૂરજ એકસાથે ફરે છે? અરે, દરેક રંગોની છાયા-પ્રતિછાયાના થરો પર થરો જામીને પથરાતા જાય છે! તાજ્જુબી તો એ વાતની થાય છે કે, સાંજના સમે કુદરતના સિંદૂરી રંગમાં આ બધાં રંગો એકસામટાં નજર સામે આવતા જાય છે ને મનની આંખ મુજબ એ અવનવી રીતે અનુભવાતા જાય છે. કોઈને પાનખરનો વૈભવ બની મખમલી ગાલીચાની જેમ સ્પર્શતા જાય છે, તો કોઈને જમીન પર સડીને પડતા, ખરતા પાનની જેમ પગના તળિયે ચૂભતા જાય છે.

બારીની બહાર જોઈ રહી છું, ક્યાંયે કશી ઓછપ નથી, કોઈ ફરિયાદ નથી. ભીતર પણ સભર છે, સમૃધ્ધ છે; પણ છતાંયે દ્રશ્ય તો તાજાં ભૂતકાળનું દેખાય છે. સંવેદનાનો આ કેવો અને કયો ખૂણો?

સપ્ટે. મહિનાના સતત પાંચ દિવસ વડિલ ભાઈના મૃત્યુને ખૂબ નિકટથી જોયું. ધીરે ધીરે આવતું જોયું. પંપાળી પંપાળીને આગોશમાં લેતું જોયું. ક્ષણેક્ષણ એની રીતને સમજવાની મથામણ સાથે જોયું. કદાચ ૭૨ વર્ષની જીંદગીમાં આટલી નજીકથી પહેલી વાર જોયું. સ્વાદ, વાચા, શ્રવણ, દ્રષ્ટિ, ચેતન અને છેલ્લે શ્વાસ અનુક્રમે એકપછી એક  ક્ષીણ થતા અને છેલ્લે બંધ થતા ગયાં. ૮ દાયકાનું એમનું જીવન ક્ષણમાત્રમાં તો સાવ સંકેલાઈ ગયું.

આ દરમ્યાન પ્રથમ વાર એક નવી ઘટના એ જોઈ કે છેલ્લા શ્વાસ પછી ખુલ્લા રહી ગયેલા મોંના જડબાને બે હાથથી નર્સના પ્રયત્નો છતાં બંધ ન થઈ શક્યું તે લગભગ પંદરેક મિનિટ પછી આપમેળે ‘સ્લોમોશન’ની જેમ મંદ બની બીડાઈ ગયું!  અવિસ્મરણીય એ દ્રશ્ય હજી યે નજર સામેથી ખસતું નથી. આવું થાય? કદી સાંભળ્યું નો’તું તેવું ખરેખર  નજરની સામે જોવાનું બન્યું.  સ્તબ્ધ અને નિઃશબ્દ હાલત મૌનના સન્નાટામાં ઓગળી ગઈ.

 ખેર! ઘરથી કબર સુધીના, ક્રીબથી કોફીન સુધીના અને શ્વાસથી ઉચ્છવાસ સુધીના આ રસ્તાને ક્યું નામ આપીશું?

હર ઉમ્રકે ફિતુર હૈ જુદા જુદા,
ખિલૌને,માશૂકા,રુતબા ઔર ખુદા…
મૃત્યુની અમાનત જેવી જીંદગીના આ છેલ્લા લીસોટાને કયો રંગ કહીશું?!

વિચારને ઝોલે ચડેલા મનને એક ઝાટકો આપી ખંખેર્યું. નજર સરખી સ્થિર કરી.

બારીના ચોકઠામાં ચપોચપ ગોઠવાઇ ગયેલા આકાશના ટૂકડા સામે નજર કરી તો  નીચે એક જર્જરિત મકાન પર બેઠેલું એક સફેદ પંખી પાંખો ફફડાવતું દૂર દૂર ઊડી જતું અને પછી અદ્રશ્ય થતું દેખાયું.

પૂરા બાવન વર્ષ જૂની યાદ…..

૧૯૬૭-૬૮નું એ વર્ષ હતું..

 
સેંટ ઝેવિયર્સ કોલેજમાં મહાકવિ ભાસરચિત ‘સ્વપ્નવાસવદત્તા’ નામના નાટક અંગે ‘ફાધરગોમ્સ વકતૃત્વ સ્પર્ધા ‘ યોજવામાં આવી હતી. વિષય હતો. “કોનો ત્યાગ વધારે? વાસવદત્તાનો  કે પદ્માવતીનો?” તે વખતના સંસ્કૃત વિભાગના વડા ઈન્દુકલાબેન ઝવેરી અને પ્રાધ્યાપક શ્રી પી.સી.દવે સાહેબે સંસ્કૃતમાં વક્તવ્ય લખવા કહ્યું. સંસ્કૃતમાં લખવાનું કામ તો ખુબ અઘરું. પણ ના તો કેમ પડાય ? હિંમત કરી. મહામહેનતે લખ્યું. બંનેએ વાંચ્યું. ઘણી ભૂલો કાઢી,સુધરાવ્યું અને છેલ્લે પોતે મઠાર્યું. લગભગ પોતે જ લખીને આપ્યું. એ વક્તવ્ય પછી તો હ.કા.આર્ટ્સ કોલેજના ‘સાબરમતી’ મેગેઝીનમાં છપાયું જે અત્યારે મને મારા જૂના સંગ્રહમાંથી હાથ લાગ્યું. તેને સ્કેન કરીને તો મૂક્યું જ છે. પણ વિશાલ મોણપરાના ઉપલબ્ધ દેવનાગરી લિપિમાં ટાઈપ પણ કર્યું છે.
કેટલાંક  શબ્દો સાચા સંસ્કૃત ફોન્ટ ન હોવાના કારણે થોડા જુદા દેખાશે તો ક્ષમ્ય ગણશો.

***************************************************************************************************************

स्वप्नवासवदत्त’ नाटके पद्मावत्यास्त्यागो वासवदत्तायास्त्यागाद्‍ बलीयान्’
‘સ્વપ્નવાસવદત્તા’ નાટકમાં પદ્માવતીનો ત્યાગ વાસવદત્તાના ત્યાગ કરતાં વધારે બળવાન છે.’

( रेव. फाधरगोम्ससंस्कृतवक्तृत्वप्रतियोगितायां प्रथमं पारितोषिकं लब्धवत्यास्माकं विदयार्थिन्या देविकाभिधानया व्याख्यानं यद्दतं तदिह समुधृत्तम्। )

( રેવ.ફાધર ગોમ્સ વક્તૃત્વ હરિફાઈમાં પ્રથમ પારિતોષિક મેળવેલ અમારી વિદ્યાર્થિ‘ની દેવિકાનું વક્તવ્ય અત્રે એ જ રીતે અવતરણ કરેલ છે. )-આચાર્ય..

એચ.કે.આર્ટ્સ કોલેજ.  ‘સાબરમતી’   પાના નં ૧૦૩-૧૦૪

                     1968..

सम्मान्याः निर्णायक महोदयाः, सभापतिमहाभागाः, उपस्थिताः अन्ये संस्कृतरसिकाः श्रोतारश्च ।

   अद्य अस्मिन प्रस्तुते विषये विषयस्य पक्षं स्वीकृत्य अहं ब्रवीमि । स्वप्नवासवदत्त नाम्नि नाटके पद्मावत्याः त्यागाः अधिकतरः सूक्ष्मतरश्च त्यागभावना च बलीयसी वासवदत्तायाः इति सुस्पष्टं विवादातीतं च वर्तंते । किन्तु अत्र समुपस्थिताः केचित् वासवदत्तात्यागप्रशंसापराः वर्तन्ते। अतः अहं भवतां समीपमुपस्थिता ।

पश्यन्तु भवन्तः । वासवदत्तया किं त्यक्तम् । केवलं राज्ञः स्थूलं सान्निध्यमेव त्यक्तम। तदपि भाविसुखोपलम्भायैव कृतमिति सा प्रथमतः स्पष्टतया जानाति । किन्तु राज्ञः वा आत्मनः वा अपि यत्कार्यं सा यौगन्धरायणोपदेशात् अंङीकरोति तदपि सा भृशं दुःखेन करोति । या सुखानुगामिनं त्यागमपि कर्तुमेतादृशं दुःखमनुभवति तस्याम का अपि त्यागभावना विद्यते इति कथनेन बालिशता एव प्रकटीक्रियते कैश्चित् । सा प्रसंगे प्रसंगे उदयनं संस्मृत्य भृशं रोदिति कीदॄक्  दुःखं वा अनुभवति इति न महता स्वरेण उद्‍घोषितव्यम् ।  अनेन तु ‘बालानां रोदनं बलमिति’ वाक्यस्य याथार्थमेव गम्यते ।

उदयनः तस्या एव आसीत् एति सा स्वयं जानाति। चतुर्थांकां‌त् प्रभृति सा उदयनस्य प्रेम आत्मनः कृते अनुभवति, “वासवदत्ताबध्धं न तु तावन्मे मनो हरति” इति वाक्यं श्रुत्वा धन्यतामनुभवति कथयति च ‘अहो, अज्ञातवासः अपि अत्र बहुगुणः संपद्यते ‘ इति। इत्थं तस्याः कृते उदयनस्य विरहः न दुःखपूर्णः किन्तु सुखपूर्णः संज्जातः। यः अज्ञातवासः तया बहुगुण इति मन्यते तस्य कृते दीर्घं संभाषणं कृत्वा महती स्तुतिः किं रचयितव्या। तस्या एतादॄक प्रेम केवलं स्थूलतापरं विद्यते। सा उदयनस्य रुपमेव भजते। येन प्रेम्णा उदयनः आसक्तः अभवत, राज्यकार्यप्रमत्तः भूत्वा आलस्यमभजत्, परिणामे च राज्यभ्रष्टतामगच्छत् तत्  किं प्रेम कथ्यते? यदा वस्तुतः प्रेम अपि न कृतः तदा त्यागः कुतः कृतः कस्य वा ।

किन्तु अस्मिन एव नाटके वासवदत्तायाः समीपे एव भ्राजमाना निरहंकारा सदाक्षिण्या ॠजुह्रदया सत्यवाग् अन्या अपि नारी वर्तते या आत्मनः शीलप्राकट्येन जगत् प्रकाशयतितराम् सुतराम् । अनया यत्प्रेम कृतं तन्न उदयनस्य रुपं शरीरं वा दॄष्टवा। अनेन कीदॄक् सूक्ष्ममस्याः प्रेम इति दॄष्यते।

उदयनः सानुक्रोशः मृतां पत्नीं संस्मृत्य दुःखी भवति इति संजातानुकम्पया तया उदयनस्य शिरसि आत्मनः प्रेमपुष्पं वितीर्णम् । इत्थमस्याः परिणयसंकल्पः एव न आत्मनः कृते किन्तु उदयनं सुखीकर्तुमेव आसीत्। परिणयप्रभृत्येव तया आत्मसुखत्यागः कृतः। परिणयमनन्तरमपि सा उदयनं सुखयितुंयतते, अस्य शून्यं ह्रदयं पूरयितुं प्रयतते, उदयनाच्च्सम्मानं लब्धुमीहते, उदयनेन विना उत्कंठामनुभवति इति उदयनेन सह आत्मसाद्‍ भवितुं प्रयत्नवती। किन्तु उदयनः तस्याः कृते अतीव शीतलः केवलं वासवदत्तां स्मृत्वा एव एकान्ते रोदिति। एतादॄशं जानत्या अपि तया उदयनः न तिरस्कृतः किन्तु आत्मसुखत्यागेन अपि अधिकतरं सम्मानितः रक्षितश्च। स्त्रीणां कृते पतिप्रेम सदॄग बहुमूल्यं न किंचिदस्ति। तस्य प्रेम्णः त्यागमपि सा सानन्दं करोति इति कीदॄशी महती कथा।

तस्याः समग्र व्यक्तित्वमेव त्यागपरायणम् । सा आर्यपुत्रेण विना उत्कण्ठिता सती एकदा प्रमदवनदृश्ये आवन्तिकायाः कृते आर्यपुत्रदर्शनमपि परिहरति। अहो तस्या सत्यप्रियता ! कीदॄशी अस्याः कर्तव्यपरायणता, त्यागभावना च !
अस्मिन्नाटके यौगन्धनारायणेन केवलं राज्यप्राप्त्यर्थमेव पद्मावत्याः परिणयः कारितः । ‘ वासवदत्ता मृता ‘ इत्यालीकमुक्त्वा पद्मावती वंचिता । अंतिम दृश्ये पद्मावत्या एतत्सर्वं ज्ञायते तथापि न कमपि चीत्कारं करोति, न कृध्यति वा। तया तु वासवदत्तारूपेण अपि आवन्तिका पूर्वसदॄशमेव स्वीकृता सत्कृता च ।

सामान्यतया नाटके जीवने वा द्वयोः समानकक्षा स्थितयोः स्पर्धाजन्यः संघर्षः जायते महती व्यथा उत्पद्यते च । किन्त्वत्र द्वयोः नायिकयोः मध्ये वा नायकनायिकयोर्मध्ये वा स्नेहमृतमुद्भवति तत् सर्वं पद्मावत्याः शुभ्रान्तकरणात् च एव । चतुर्थे अंके आवन्तिकायाः प्रत्यक्षं सा ‘आर्या वासवदत्ता’ इति बहुमानसूचकं पदं प्रयुक्ते । अनेन आवन्तिकावेशधारिण्या अपि ह्रदयं विजितम्।

इत्थं ज्ञायते एव यत्पद्मावत्यास्त्याग एव सत्यतया त्यागः वासवदत्तायास्त्यागाद्‍ बलीयान् च इत्यलमतिविस्तरेण ।

अस्तु।

અવનવું…

અવનવું..

“મા, એક લાંબી વાર્તા કહે ને?” 

“હા, બેટા, આ વાર્તા ખૂબ લાંબી છે, એના અર્થમાં.

“એટલે કેટલી?”

“કોઈને ખબર નથી. સાંભળ..

કુદરત રિસાઈ ગઈ છે. એટલે એણે માણસ જાત પર ‘મહામારી’ની એક લડાઈ માંડી. હથિયાર વગરની લડાઈ. પહેલાં કદી સાંભળ્યું નથી કે, જળ વગરનો બંબાકાર થાય કે પૂર આવે. આ  એવી જાતનું પૂર છે. આ ધ્રૂજ્યા વગરનો ધરતીકંપ છે. જવાળા વિહોણી આગ છે. વાવાઝોડા વિનાની હોનારત છે. બોમ્બ ફાટ્યા વિનાનો વિનાશ છે. શહેરો હવામાં તરે છે અને માણસો માટી ભેગાં થતાં જાય છે.”

“તો હવે?”

“હવે  શું?   આખી દૂનિયા શાંત અને સ્થિર. હવે તો બધું જ નવું. સાવ અવનવું. અનુકૂલનનો અવસર..

પ્રકૃતિ અને માણસની વિશુધ્ધ મૈત્રી.”

 ને બાળક વિસ્મયથી જોતું, વિચારતું પછી જંપી ગયું…

કોરોનાગ્રસ્ત પીડા…

છેલ્લાં થોડા દિવસથી વહેલા ઊઠી સવારે કારમાં બેસી ડ્રાઈવ કરવાનું નેહાને ખૂબ મન થતું હતું. આમે ધીમે ધીમે ઉઘડતું અજવાળું જોવું કોને ન ગમે?. તેમાં પણ જો શિયાળાની સવાર હોય અને લીલાંછમ ઘાસ પર છવાયેલો ધૂમ્મસનો પડદો અજવાળાની સાથે સાથે ખુલતો જતો હોય તે દૄશ્ય તો અદભૂત લાગે. જાણે નવોઢાના ચહેરા પરથી ઘૂંઘટ ઊઠતો હોય! અને તે પછી સૂરજના પહેલાં કિરણોરૂપી હાથના સ્પર્શે તો ધરતી પરના પાનની લીલાશ પ્રસન્ન થઈ ચમકીલી લાગે. હાથમાં ચાવી ઝુલાવતી ઝુલાવતી નેહા બારણા બહાર નીકળે ત્યાં સમીરે પૂછ્યુઃ

અરે, હજી તો અંધારું છે. ચાલ,  હું સાથે આવું.” ઝીણી ઝીણી કાળજી લેતો સમીર તૈયાર થવા માંડ્યો.

ના,ના, કંઈ જરૂર નથી. હમણાં પંદરવીસ મિનિટમાં તો પાછી આવું છું.”

પણ કેમ આજે આમ એકલા જવાનું મન થયું?” ચિંતિત પ્રશ્ન ફરીથી પૂછ્યો.

બસ, જરા ઉઘડતા અજવાળાની મઝા માણી આવું. જલદી પાછી આવીશ.” કહી બિન્દાસ નેહા નીકળી પડી.

આજની એની અનુભૂતિ કંઈક જુદી હતી.

 વિશ્વમાં ફેલાયેલા ખતરનાક કોરોના વાયરસને કારણે સ્કૂલ,કોલેજ,ઓફિસ,બિઝનેસ તમામ બંધ હતાં. સૌની સલામતી માટે જરૂર ન હોય તો બહાર ન નીકળવાના એલાનો થઈ ચૂક્યાં હતાં. આવા આદેશને કારણે જગત શાંત હતું.  કોરોનાગ્રસ્ત દૂનિયાની આવી સૂમસામ સડક પર વહેલી સવારના આછેરા અંધકારમાં એની એકલીની કાર ચાલી રહી હતી. આગળ પાછળ, આજુબાજુ ક્યાંય કોઈ દેખાતું હતું. અંધારાને હટાવતો ઉજાસ ઉઘડવાની તૈયારીમાં હતો. વાદળાં ઘેરાયેલા હતા, સોનેરી કિરણો પથરાવાને જરાક જ વાર હતી. ક્ષણભર એને વિચાર આવ્યો કે પ્રલય પછી બચી ગયેલા એકલા અટૂલા માણસની દશા આવી કંઈક હશે ને?  અમેરિકન હીરો ટોમ હેન્ક્સના ‘Cast Away” મુવીની સ્થિતિ યાદ આવી ગઈ. ડ્રાઈવવેમાંથી નીકળ્યા પછી લગભગ માઈલના વિસ્તાર સુધીમાં તો આવા કંઈ કેટલાયે વિચારો આવ્યા ને ચાલી ગયા.

એવામાં અચાનક એક મોટા ઝાડની પાછળ પ્લાસ્ટીક કે કાગળના ફરફરવાનો અવાજ આવ્યો.  એને નવાઈ લાગી પણ કારમાંથી ઉતરવાનો તો કોઈ સવાલ હતો. જરા આગળ વધતા બેચાર કાર દેખાઈ, વળી ઝડપથી ચાલતી જતી એક ભયભીત જણાતી વ્યક્તિ પણ જોવા મળી! વધુ આગળ જતા પાંચસાત કાર અને છેલ્લે મુખ્ય રસ્તા પર થોડી વધારે સંખ્યામાં હતી છતાં રોજીંદા જીવનથી તદ્દન જુદું વાતાવરણ.

સન્નાટાનો ઘોંઘાટ !! ૪૦ વર્ષમાં પહેલીવાર અમેરિકા જેવા શહેરમાં જોવા મળ્યું. મોં પર માસ્ક અને હાથમાં મોજાં પહેરીને દૂકાનોમાંથી બહાર નીકળતા રડ્યાંખડ્યાં માનવીને જોઈ દસપંદર મિનિટમાં એણે કાર પાછી વાળી. ઘર આવતા સુધીમાં તો કંઈ કેવું કેવું જોવા મળ્યું? અને પોતે પણ….આ શું ?  ગાડીની ગતિ સાથે વિચારો પણ વેગપૂર્વક ધસી રહ્યા હતા. ક્યારે ઘેર જઈને સમીરને આ અનુભવ કહું એવી ઉતાવળમાં  ઘર આવી ગયું. વરસાદ પણ તૂટી  પડ્યો.  

જલદી હાંફળી ફાંફળી ઘેર આવી ગયેલી નેહાને સમીર કંઈ પૂછે તે પહેલાં તો એણે કહેવા માંડ્યું.
ઓહ માય ગોડ.. આજે મેં શું જોયુ? સમીર, તારુ બધું કામ પડતું મૂકી સાંભળ.” એનો શ્વાસ તીવ્ર ગતિએ ચાલી રહ્યો હતો. એકધાર્યું બોલ્યે જતી હતી.

હું કાર ચલાવતી શાંતિથી ધીરે ધીરે જતી હતી ત્યાં અચાનક…” એ  જરાક થોભી.

શું થયું, શું થયું? હવે સમીરનો જીવ પણ અધ્ધર થઈ ગયો.

“ ત્યાં અચાનક દૂરથી જમણી બાજુના રસ્તાની ધાર તરફ કંઈક સંચાર થતો જણાયો. આધેડ વયની બે વ્યક્તિ હાથમાં કશુંક હળવેથી મૂકી, કદાચ છુપાવી કારમાં બેસી ભાગી ગઈ. હશે કંઈક કે કોઈક એમ માની મેં ગાડી આગળ ચલાવી.. ઘર લગભગ આવવાને થોડીક વાર હતી ને નજર ગાડીના પાછલા અરીસા તરફ ગઈ. એક પ્લાસ્ટીકની થેલી હવામાં ઊડતી હતી. એની સાથે દોરીથી બાંધેલ એક કાગળની ચબરખી પણ. કુતુહલ અનેકગણું વધી ગયું.  નેહા એકધાર્યું સતત અને જલ્દી જલ્દી બોલી ગઈ.

” જતી વખતે જગાએ થયેલ ઝાડ પાછળના ફરફર થતા અવાજ અને ત્યાં એ વખતે જ એક ધીમા સંભળાયેલ રડવા જેવા અવાજ સાથે સંધાન કરતા જરાયે વાર લાગી.  તરત યુટર્નલઈ ઊડતી જતી ચબરખી તરફ કારને દોડાવવા માંડી. નજીક આવતાં બેકાબૂ મન સાથે, ગાડી બંધ કરી બારણું ખોલ્યું.  બહાર આવી, અક્ષરોને ઉડાવતા ખુલ્લા ઉડતા કાગળને ઝાપટ મારીને પકડ્યો. અક્ષરો સ્પષ્ટ હતાઃ “Corona-entrapped single mother’s last wish.. Please be an angel for my new born.”

 એ બોલતી ગઈ.. “સમીર, વીજળીના એક ઝબકારાની જેમ નજર સામે પસાર થઈ ગયેલ આધેડ વયની પેલી બીજી બે વ્યક્તિઓ નવજાત શિશુને લઈ જ ગઈ હશે ને?! તેમને મનથી નમન કરી કારમાં બેઠી. ગાડી ચાલુ કરી જલ્દી ઘેર આવી.”

બંનેએ  વરસતા આભ તરફ નજર કરી. આકાશમાં ઘેરાયેલાં કાળાં ડિબાંગ વાદળાં થોડી થોડી વારે સૂર્ય-કિરણોને અને ઉઘડતા ઉજાસને ઢાંકતા હતાં. બેકયાર્ડના એક વૃક્ષે લીલું પાન ખેરવ્યું.”

બંને સાથે બોલી ઉઠયાઃ કોરોનાગ્રસ્ત પીડા..