નવા વર્ષના કેલેન્ડરમાં પહેલો દિવસ શરૂ થાય કે જન્મદિવસ આવે કે પછી કોઈપણ મનગમતો તહેવાર આવે એટલે મનની મઢુલીમાં બે વિચારો ઘૂંટાયા કરે. ૧. માની યાદ અને ૨. ડાયરી ફરીથી ચાલુ કરવાની અદમ્ય ઈચ્છા. ફરીથી એટલા માટે કે, નાની હતી ત્યારે નોટમાં રોજેરોજ કેટલી બધી મનની વાતો લખતી રહેતી હતી! રાત પડે ને આખા દિવસની વાતો લખતી. ગમતા સુવિચારોના અવતરણો કે ગમી ગયેલી કવિતાઓ, શાયરી વગેરે પણ નોંધતી રહેતી. ક્યારેક વળી વહેલા ઉઠીને ઉઘડતા ઉજાસ અને નિરવ એકાંતના અમૃતની વચ્ચે પણ લખતી. પણ એ નિયમિતતા સતત જળવાઈ ન રહી. પહેલાની એ લેખનવૃત્તિ ધીમે ધીમે નદીના વહેણની જેમ જુદા જુદા રૂપે વહેવા લાગી.
આજે ફરી એકવાર કલમે ડાયરી પર કબજો જમાવી જ દીધો! ગઈકાલે જ ‘હોલમાર્ક’ માંથી એક આકર્ષક ડાયરી ગમી અને ખરીદી હતી. ડાયરી શરૂ કરવાનું એક બીજું મોટું કારણ એ મળ્યું કે, છેલ્લાં ઘણાં દિવસથી વાંચવા માટે પુસ્તકો તરફ હાથ લંબાવું ને જે પહેલું પુસ્તક દેખાય તે હતું ‘Journal of Joel Osteen’. કેવો સુભગ સંજોગ? એકબાજું ડાયરી શરૂ કરવાના સતત ચાલતા વિચારો અને નજર સામે ફરી ફરીને આવતું આ ડાયરીનું પુસ્તક! વાહ.. કુદરતી સંકેત સમજી વાંચવા જ માંડ્યું. પહેલાં જ પાને જે વાંચવા મળ્યું તેનો સાર એ હતો કે, The Journal is an open door to self-discovery. It enlarges our vision. We understand the power of our thoughts and words and also it renews our strength despite the pressures and adversities of the situations.
હ્યુસ્ટનના એક જબરદસ્ત મોટા ચર્ચમાં દર રવિવારની સવારે લેક્ચર આપતા જો ઑસ્ટીનની વાતો સાંભળવી ગમે છે. તેમના શ્રોતાઓની સંખ્યા પણ દર અઠવાડિયે ૨૫ થી ૩૦ હજારની સંખ્યામાં હોય છે. તેમનું જીવન પ્રત્યેનું વિઝન ખૂબ દીવા જેવું સ્પષ્ટ છે એટલે તેમના શબ્દોમાં સારી એવી અસરકારકતા અને એક પ્રકારની શાતા મળે. આ પુસ્તકમાં કેટલીક વાતો મઝાની લાગી. જ્યાંથી જે સારું મળે તે અમલમાં ઉતારવાના સતત પ્રયાસોમાં (આ પણ એક passion ખરું) ઉમેરો થયો.
નાનપણથી આવું બધું ગમવાને કારણે એક સરસ અભિગમ બંધાયો લાગે. એક વખત એવો દૈનિક ક્રમ પછી તો સ્વાભાવિક બની રસ્તાઓ સરળ રીતે ખોલતો જાય અને એમ જીવન જીવવાનો આનંદ પણ વધતો જ જાય ને? ગઈકાલે સાંજે વળી પાછી વર્ષો જૂની ડાયરીઓના પાના પણ ફેરવી લીધાં. ત્યારનું એક અવતરણ “આત્માની શક્તિ અણુબોંબ કરતાં મોટી છે.” એ હજી યે ખૂબ ખૂબ ગમે જ છે. કેટલી નાની ઉંમરે એ ડાયરીમાં ટાંક્યું હતું! આમ તો લખનાર કોણ છે એ જીજ્ઞાસા હંમેશા હોય તેથી ભૂલ્યા વગર લખું જ, લખું.પણ કોણજાણે ન મળ્યું. કોની કલમે લખાયું છે એ વંચાય તો લાગે કે એ લખનારને સન્માન આપ્યું!! આમ આજથી કલમ, ડાયરીના વહેણ તરફ વળી ખરી! મનનું આવું જ છે એ હંમેશા ગમતું જ કરે છે. આમ પણ ડાયરી એ મનમાં જાતજાતના આભલા ભરેલ ચંદરવો જ છે ને? એને ચાહો તે રીતે સજાવી શકો, સંવારી શકો.
એકાંતે રચાતું ને મનની અંગત વાતો કરતું સાહિત્ય- ‘ડાયરી’
ક્યારેક અચાનક મનમાં કોઈ વિચાર સ્ફૂરી આવે તો ક્યારેક કોઈ સ્મૄતિ સળવળી ઊઠે. આવું કંઇક બને ત્યારે એ વિચાર કોઈ નવું સ્વરૂપ પણ લઈ લે. એ દિવસે સવાર સવારમાં અતિ પ્રસિદ્ધ થયેલી અમારી સામૂહિક ‘પત્રાવળી’ યાદ આવી. એમાંના પત્રો જ્યારે ફેસબુકના પાને મૂકવાનું નક્કી કર્યું ત્યારે એની લોકપ્રિયતાની વાતના અનુસંધાનમાં જુગલકિશોરભાઈ સાથે વાત કરી ત્યારે એનો રાજીપો વ્યક્ત કરવાની સાથે એમણે ‘સામૂહિક ડાયરી’ લખવાનો એક નવો વિચાર રમતો મૂક્યો..અને તરત જ દેવિકાબેન ધ્રુવ અને પ્રીતિબેન સેનગુપ્તાએ ઉત્સાહપૂર્વક સંમતિ દર્શાવી અને મઝાની વાત તો એ બની કે લંડનથી નયનાબેન પટેલ પણ અમારી સાથે રાજીથી જોડાવાં તૈયાર થઈ ગયા અને આમ પાંચ સંપાદકોનું પંચમ બન્યું. આ પંચમ શબ્દ પણ મઝાનો.
હા તો, સૌ પ્રથમ તો નેટ ડાયરીનું સ્વરૂપ કેવું હશે, કેટલા સમયગાળે તેને પ્રગટ કરવું, નામ શું રાખવું વગેરે બાબતની ચર્ચાઓના અંતે નેટ પર ફેસબુકનું નવું પેજ બનાવીને કેવી રીતે પ્રગટ કરવું એ અંગે જુભાઈએ માર્ગદર્શન આપ્યું. પ્રારંભદિન પહેલાં આ સમગ્ર કાર્યની પ્રસ્તાવનારૂપે મઝાનું અને માહિતીસભર લખાણ દેવિકાબેને લખ્યું અને એમાં તો જાણે ડાયરીની ઓળખ છતી થતી ગઈ.
એમના જ શબ્દો અહીં સીધા મૂકવા છે….“‘ડાયરી’ નામે સાહિત્ય સ્વરૂપ અનેક નામથી પરિચિત છે. દૈનંદિની,વાસરી,વાસરિકા,રોજનીશી રોજિંદી, રોજની, નોંધપોથી વગેરે. અંગ્રેજીમાં જર્નલ, ડેબૂક, લોગબુક, ક્રોનિકલ જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. એમાં દરરોજની નોંધ રોજ રોજ કરવાની હોય ત્યારે થાય કે રોજ રોજ વળી શું લખવાનું? ને એટલે જ એને માટે રોજની-શી?! એવું એક સ્મિત ફરકાવતું નામ પણ જુગલકિશોરભાઈને જ સૂઝે!“
આ વિશે વધુ ઊંડાણથી વિચારતાં પ્રીતિબહેન સેનગુપ્તાને વળી એક નવું નામ લાધ્યું ‘નિત્ય-નીશી’ અને અમે પાંચ સાથીદારોએ (જુગલકિશોરભાઈ, પ્રીતિ સેનગુપ્તા, દેવિકા ધ્રુવ અને નયના પટેલ રાજુલ કૌશિક) સ્નેહથી વધાવી પણ લીધું.
“સાહિત્યનું આ સ્વરૂપ વ્યક્ત થવા માટે મઝાનું છે. એનું મઝાનું હોવું ખાસ તો એ કારણસર છે કે એ લખાણો જાત સાથેની જાત્રા સમા હોય છે. ભીતરી અનુભૂતિ કોઈ પણ રૂપે આ માર્ગે વહી નીકળી શકે છે. ડાયરી અંગત જીવનનું એવું સુરક્ષિત સંગીત છે કે જ્યાં વ્યક્તિ પોતાનાં સ્વાનુભવો, સંવેદનાઓ અને વિચારોને સ્થાન આપી શકે છે.
“બીજી મઝાની વાત એ છે કે, ડાયરી લખવા માટે કોઈ ખાસ ધારાધોરણ કે નિયમ ન હોય. ઘણા લોકો હંમેશા નિયમિત રીતે લખે. ઘણાં, કોઈ ખાસ વાત, અવિસ્મરણીય પ્રસંગ કે બનાવ ટાંકવાનો હોય ત્યારે લખે. કેટલાંક વળી હૈયામાં ઘૂમરાતાં મોજાંઓને ડાયરીમાં ઠાલવે, ડાયરીનાં કોરાં પાનાંઓમાં છલકાવે. એ રીતે લખનાર વ્યક્તિનું એ પ્રસંગ કે બનાવ અંગેનું નિરીક્ષણ, વિચારો, અનુભવજન્ય ચિંતન વગેરે મનોભાવો એમાં પ્રગટે છે અને તે કોઈ અન્યને કહેવાતા નથી. બસ, મનની મઢૂલીમાંથી શબ્દોની પાંખે ઊડતા ઊડતા ડાયરીના સિંહાસને સ્થાન લે છે.“
આમ, નિત્ય લખતા રહેવાની ઈચ્છા (નિત્ય-નીશી) આપણને અનાયાસે આપણી નિકટ લઈ આવે છે. વળી એ ગમે ત્યારે ખોલીને વાંચી શકાય અને તસ્વીરોની જેમ સ્મૃતિઓને તાજી કરી આપે છે. એટલે કે રોજનીશી એ લખનારનાં સમય, સ્થળ, આબોહવા, વિચારો, મનોદશા, અને ભૌગોલિક સંગ્રહનું સજાગ આલેખન છે. અમ્બ્રોસ (એમ્બ્રોસ) બીયર્સ નામના એક ચિંતકે કહ્યું છે કે, “ડાયરી વ્યક્તિએ સ્વયં લખેલો રોજિંદો દસ્તાવેજ છે” આપણાંમાંથી ઘણાને ડાયરી લખવાની આદત હોય છે. પશ્ચિમના દેશોમાં ડાયરી લખનારાંને ‘ડાયરીસ્ટ’ કહે છે.“
આ તબક્કે એક વધુ વાત નોંધવી ગમશે. કહેવાય છે કે, ડાયરી લેખનનો ઈતિહાસ ખૂબ જૂનો છે. આપણા ઋષિમુનિઓ શિષ્યો પાસે લખાવતા. બીજી સદીના ઉત્તરાર્ધમાં રોમન સમ્રાટ માર્કસ ઓરેબિયસે ગ્રીક ભાષામાં લખેલી ‘ટુ માય સેલ્ફ’ને સૌથી પૌરાણિક ડાયરી તરીકે જોવામાં આવે છે. એ ‘મેડિટેશન’ તરીકે પણ ઓળખાય છે. વર્ષ ઈ.સ. ૧૯૦૩ની સાલમાં સંગીતકાર પિતાને ત્યાં જન્મેલી એનીસ નીનની થોકબંધ નોંધપોથીઓમાંથી ચૂંટેલી સામગ્રીના પાંચ ગ્રંથ બહાર પડ્યા છે.
૧૯૦૮માં ‘સ્મિથસન’ કંપનીએ ‘ફેધરવેઈટ’ ડાયરી બનાવી. ૧૯૪૨માં જ્યારે મેરી એન ફ્રેન્કને સૂઝયું કે ડાયરી લખવી જોઈએ ત્યારે ૧૩ની ઉંમરે ડાયરી લખવાનું શરૂ કર્યું. તેની આ ડાયરી હિટલરના જુલમોનો ઈતિહાસ લખે છે. તેણે લખેલી ડાયરી જગતની ૧૮થી વધુ ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે. તે ઉપરાંત રશિયાના મહાન નવલકથાકાર ફાઇડોર દોસ્તોવસ્કી અને ફ્રાન્સના નવલકથાકાર આંદ્ર (આંદ્રે) જીદની રોજનીશીઓ પ્રખ્યાત બની છે. આપણે ત્યાં રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, મહાદેવ દેસાઈથી માંડીને ઘણા બધા લેખકોએ પોતાની જિંદગીના કોઈ ને કોઈ તબક્કાની રોજનીશી લખી છે.”
આટલી પૂર્વભૂમિકા પછી ‘પત્રોત્સવ’ની જેમ જ હવે ૨૦૨૧ના આ પૂર્વાર્ધ કાળમાં અમે ‘નિત્ય-નીશી’ શરૂ કરી રહ્યાં છીએ.
દર સપ્તાહે એક લેખે પાંચ અઠવાડિયે પાંચેય સંપાદકોનાં ડાયરી-પાનાં પ્રગટ કરવાનું પણ નક્કી થયું. દિવસ ઊગતાથી માંડીને સાંજ-રાત સુધીમાં એક પછી એક પ્રસંગ નજરે કે કાને પડતા રહે છે. આમાંના કેટલાક પ્રસંગો શાંત જળમાં કાંકરી પડે ને જેમ વલયો પ્રગટે તેમ મનને વશ રહેતા નથી ને વિચારો ભાવોને સર્જી બેસે છે.
તે દિવસે જુભાઈએ જે વિચારબીજ વાવ્યું તેને અંકુરો ફૂટી ચૂક્યા છે ! આ નવી શ્રેણીને નેટવાચકો સમક્ષ મૂકવાનો સમય થઈ ગયો છે ત્યારે અમારી ડાયરીનાં આ પાનાં કે જે અમારાં અંગત હતાં તે સૌ વાચકો સમક્ષ મૂકીને સૌની શુભેચ્છા માંગી લઈએ છીએ!!