સંગ્રહ
**ચંદરવો**૧૧ –
**ચંદરવો**૧૧ ——– પોએટ કોર્નર, હ્યુસ્ટન.
આજનો સુવિચારઃ
ક્ષણમાં જીવે એ માનવી, ક્ષણને જીવાડે એ કવિ. –મિલ્ટન–
ઓહોહો…આવા જ સુંદર વિચારોવાળું એક બીજું વાક્ય હમણાં વાંચવામાં આવ્યું હતું. “પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.” –થોરો–
કેટલું સાચું અને મઝાનું વાક્ય છે! વાંચવાનું એટલું બધું હોય છે અને એવું ગમતું હોય છે કે, જીવન આખુંયે ઓછું પડે. દરેક વાંચનમાં કશુંક નવું મળે, જુદું મળે. ક્યાંક બુદ્ધિગમ્ય વાતો હોય, ક્યાંક પ્રેરણાદાયી પ્રસંગો હોય. કોઈ જ્ઞાનવર્ધક વાર્તાઓ હોય તો ક્યાંક અંદરથી વલોવી દે તેવી સંવેદનાથી સભર કવિતાઓ. અવનવા પ્રદેશનો પ્રવાસ પણ ક્યાંક ખરો. તે સિવાય પણ ઘણું ઘણું અને વધારામાં વળી લખવાની પ્રેરણા મળે એ જુદું.
આજે નિયમ મુજબ લખવા માટે ડાયરી ખોલી તો ખરી પણ આજકાલમાં, ખાસ કશું લખવા લાયક બન્યું નથી. આવું કંઈ થાય? ન થાય, પણ થયું! આમ તો નવું વર્ષ શરૂ થાય કે તરત જ આગલા વર્ષનું સરવૈયું લખાય. એ રીતે આ ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં પણ આગલા વર્ષનાં હિસાબકિતાબ લખવા જ હતા; પણ ખુશી-ગમના ૨૫/૭૫%એ જરા કલમને અટકાવી દીધી. પછી તો એ વિચારને જોરથી ઉડાવી દીધો. હવે જ્યારે વાદળાં ધીરે ધીરે હટવાં માંડ્યાં છે ત્યારે કળીઓનો રાજ્યાભિષેક કરતી વસંત ૠતુ વર્તાય છે. ઉત્તર અયનના પવનની જેમ વિચારોની દિશા પણ બદલાવા માંડી છે. ગઈકાલે વહેલી સવારે તો સૂરજે ઝાડ-પાન પર જાણે કે સોનું ભભરાવ્યું હતું!
હમણાં દસેક દિવસ પહેલાં જન્મદિવસ ગયો તે દિવસે મા બહુ યાદ આવી. ખરેખર તો એ માનો દિવસ જ ગણાય. એ દિવસ ઊગ્યો એનાથી વધુ સુંદર રીતે આથમ્યો. માની વિદાયની જેમ. વિદાય કંઈ સુંદર ન હોઈ શકે. છતાં પંદર વર્ષ પહેલાંની એની વિદાયની એ પળ ખૂબસૂરત હતી. એકદમ ત્વરિત, કોઈને પણ માંગવી ગમે તેવી પળ હતી. ન માંદગી, ન હોસ્પિટલની દોડધામ, ન સંતાનોને ગભરાટ. પરિવાર સાથે બેસી સાંજે જમી, વાતો કરી. દીવો કરવા નીચે ઊતરી, પગથિયે ઢળી અને ક્ષણમાત્રમાં તો… ઘણું બધું યાદ આવી ગયું. ઢળતી ઉંમરે એ હંમેશા કહેતીઃ “ધીમે ચાલું છું; કારણ કે, પડી જાઉં તો તમને કેટલી ઉપાધિ? એટલે પગ ઠરાવી મૂકું છું.” એ આવું ઓછું બોલે ને ધીમું હસે. એનો એ શબ્દ “ઠરાવીને” ખૂબ ગમતો. ત્યારે તો એની વાતને એમ જ હસી કાઢી હતી પણ આજે હવે જ્યારે હું ચાલુ છું તો પગ ‘ઠરાવીને’ મૂકું છું. વિચારું છું; પાસે બેસાડીને આવું કંઈ એણે શીખવ્યું તો નો’તું. છતાં અચાનક યોગ્ય સમયે, યોગ્ય રીતે એ બધું વર્તનમાં આવીને બેસી જ જાય છે! આવી તો માની કેટલીયે સ્મૃતિઓને આનંદપૂર્વક વાગોળવામાં જ, જન્મદિવસ કોરી આંખે વીતાવ્યો.
તે પછીની એક સવારે વળી એવો વિચાર આવ્યો હતો કે પૃથ્વી ઉપર જ્યારે કશું જ, એટલે કે કશું જ નહિ હોય તો શું હશે? સૌથી પહેલો માનવી ક્યાંથી અને કેવી રીતે દૄશ્યમાન થયો હશે? શું કરતો હશે? ખાવા, પીવા, બોલવા વગેરેની શરૂઆત કેવી હશે? ખૂબ ઊંડી કલ્પના છે. ક્યાંક વાંચવામાં આવેલ વાર્તા કે સાંભળેલી પ્રાચીન માન્યતા મુજબ, ધરતી પર જન્મ લેનાર પહેલો માનવ મનુ હતો જેની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુએ કરી હતી. વિષ્ણુએ મનુને માટીથી બનાવ્યો હતો. તેથી એ જ પાછળથી માનવ કહેવાયો. પણ આ બધું કહ્યું કોણે, ને કોઈ હોય જ નહિ, તો કોને કહ્યું હશે એવું આશ્ચર્ય થાય જ; અને તે પાછું લખાયું! આંખ બંધ કરી વિચારું તો સવાલો પર સવાલો ઉદ્ભવે છે. પછી બીજો માનવ ક્યાંથી, કેવી રીતે આવ્યો હશે? વગેરે, વગેરે.. અને એવી સ્થિતિમાંથી આટલું મોટું વિશ્વ ઊભું થયું, સાહિત્ય સર્જાયું; આ એક વિરાટ વિસ્મય છે. દરેક જીવ એક નાનકડું ટીપું છે અને છતાંયે દરેક ટીપાંનાં અવનવાં દૄશ્યો! વિવિધ રૂપો! દરેકના અનેકરંગી રૂપો. વાહ..વાહ.. दुनिया बनाने वाले, क्या तेरे मन में समाई, तूने काहे को दुनिया बनाई! આ પ્રકારના વિચારોનો તો કોઈ અંત જ નથી. મન વાળવું જ રહ્યું..
બારી બહાર નજર કરું છું તો સ્પષ્ટ વર્તાય છે કે, આજે સ્હેજ પણ પવન નથી. ઝાડપાન સ્થિર ઊભાં છે. વચમાં સખત ઠંડી હતી. થોડા દિવસ પર માવઠું થયું હતું. એક જ માવઠું અને બાગનું મૂરઝાવું, સુસજ્જ માળાનું રહેંસાવુ. શું કુદરત છે! પંખી ફરીથી માળો ક્યાં બાંધે? આના અનુસંધાનમાં થોડા દિવસો પર કવિમિત્ર શ્રી અનિલ ચાવડાએ ખૂબ સરસ વાત કરી હતી. એ કહેતા હતા કે, કચ્છમાં ભૂકંપ થયો તો એક નવું સુંદર કચ્છ રચાયું ને? સાંભળીને મનોમસ્તિષ્કમાં કંઈ કેટલાયે આનંદદાયી ચિત્રો ઊભા થયાં. સાચી વાત છે કે ગાઢ અંધારાં ઊતરે ત્યારે જ તારા ઝગમગે.
આ ગોરજ ટાણે અહીં ‘નિત્યનીશી’નાં પાને પાને, કેવા તરંગો ઊઠ્યા! કેવી રજકણો ઊડી! જાણે આભલાં ભર્યો ચંદરવો રચાઈ ગયો! પવન વેગે ઊડતો સમય કેવી કેવી સફર કરાવે છે! ઘણીવાર તો એમ થાય છે કે, થોડા દિવસ બસ, જે થાય છે તે માત્ર જોયાં જ કરું. કંઈ જ ન કરું. ડાયરી પણ બંધ. ન કોઈ ઘટના, ન કશી યાદો, ફરિયાદો કે ના કોઈ પ્રસંગો. વિપાસનામાં લપાતી ક્ષણો સમી વિરક્તિ, અનાસક્તિ, નિર્લેપભાવ. એ પણ એક વિશેષ અનુભવ થશે. શ્રી પ્રેમચંદ મુનશીએ મનની કેવી શાંત અવસ્થામાં આવું સુંદર લખ્યું હશે કે,
मैंने समंदर से सीखा है जीने का सलीक़ा, चुपचाप से बहना और अपनी मौज में रहना..
હા, બરાબર છે. થોડો વખત એમ જ રાખું. ચૂપચાપ વહેવું અને મોજમાં રહેવું. કદાચ એમ કરવાથી તનમનની પ્રસન્નતામાં ઉમેરો થઈ જાય! “क्षणे क्षणे यन्नवतामुपैति तदेव रूपं रमणीयतायाः ॥ Silly me! કેવા કેવા વિચારો આવે છે!
નોબલ પ્રાઈઝ વિજેતા કવિ પાબ્લો નેરુડાનું વાક્ય પણ એમ જ અત્યારે સાંભરી આવ્યું. All paths lead to the same goal. આવા અચાનક જાગી ઊઠેલા આ ભાતભાતના ને જાતજાતના વિચારો માટે આ ક્ષણે તો, થાય છે કે બસ, ડાયરીને સલામ અને વિરામ.
રંગપર્વના પાવન દિવસે માંડેલા પંચરંગી અક્ષરો, ફરી કોઈ અનોખો મરોડ લેશે કે કેમ, તે તો માત્ર સમય જ જાણે.

—-દેવિકા રાહુલ ધ્રુવ
**ચંદરવો**૧૦
**ચંદરવો**૧૦ પોએટ કોર્નર, હ્યુસ્ટન.
આજનો સુવિચારઃ
પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે.
કેટલીયે વાર ડાયરી હાથમાં લીધી ને પાછી બંધ કરીને મૂકી દીધી. ધાર્યુ’તુ, આંગણમાં દોરાતી રંગોળીની જેમ ૨૦૨૨ના નવા વર્ષની શરૂઆતમાં સુંદર રંગોળી સજાવીશ, આશા-ઉમંગો અને અવનવી પ્રવૃત્તિઓના રંગો ભરીશ. પણ ડાયરીનાં પાનાંની કિસ્મતમાં એ હતું નહિ! અગાઉની એકાદ આફતનું ચોંટી ગયેલ ચિત્ર ઉખાડવું હતું; ખુશી ખુશી ચંદરવો ભરવો હતો. ત્યાં તો ફરી એની ઉપર હચમચાવી દે તેવાં બે ચિત્રો ચડી ગયાં! કદાચ જિંદગીનાં અવનવાં રૂપો અને ભાવિના સંકેતોમાંનો આ પણ એક નવો ઘાટ હશે.
આમ તો ડાયરીમાં એ ટાંકવાનો ઝાઝો અર્થ નથી, પણ વાસ્તવિકતાને અળગી રાખવાનું પણ કોઈ કારણ નથી જ. શું લખું? આજકાલ કોઈ તોફાની છોકરાની જેમ, માણસને સોગઠાં બનાવીને રમતા પેલા ઉપરવાળા બાજીગરને પ્રશ્ન છે. ફરિયાદ તો કેવી રીતે થાય? શું ગુમાવ્યું એ સવાલ નથી, એનું દુઃખ પણ નથી; પણ કેવું થયું, કેમ થયું એ પ્રશ્ન ખૂબ પરેશાન કરી દે છે. એક bumpy ride…ને પેલી મનમાં રચાતી રંગોળી આખીયે ફીંદાઈ ગઈ.
૩૧મી ડિસેમ્બરની એ રાત કેવી હતી! દસેક વાગ્યે બહારથી ઘેર આવીને જોયું તો બેડરૂમ, બાથરૂમ અને તેનું ક્લૉઝેટ અસ્તવ્યસ્ત હાલતમાં. બધી જ ચીજ વસ્તુઓ, ખાનાં, કબાટ ખાલી થયેલાં, ખુલ્લાં અને વેરછેરણ. તોડેલી બારીના કાચના સેંક્ડો ચૂરેચૂરા ચારેબાજુ પથરાયેલા. ચોરીનું એ દૄશ્ય જોઈ હેબતાઈ જવાયું. મનને કાબૂમાં કરી, તાત્કાલિક જરૂરી સાવધાનીનાં પગલાં લેવાનું કામ પૂરું કરી લગભગ પરવાર્યાં. સમય લાગ્યો. ફરી એકવાર “બંને સલામત તો છીએ” વિચારીને, પેલી ‘ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે’ અને Footprints, મેરી સ્ટીવન્સનની કવિતાનું સ્મરણ કરી લીધું. Anything can happen to anybody, anytime in life. એ જ દિવસે એક ખૂબ નિકટના મિત્રને પણ ગુમાવ્યા અને આ ઉપરાંત અસુખમાં ઉમેરો કરતો નવો ‘વાયરસ’ પણ વિશ્વમાં શરૂ. ખેર!
૨૦૨૨નાં બે અઠવાડિયાં વીતી ગયાં. ઉત્તરાયણનો તહેવાર પણ કાલે એમ જ પસાર થઈ ગયો. ઘણી બધી જૂની યાદો તાજી થઈ, પણ હવે એમ થાય છે કે આ બધું પણ જાણે એક ‘રુટિન’ લાગે છે, યંત્રવત્. વિરક્તિનો અહેસાસ થયા કરે છે.
કાલે સાંજે નાની બહેનનો ફોન આવ્યો ત્યારે પણ એવી જ જૂની યાદોમાં જરા જુદી રીતે વધારો થયો. ખૂબ વાતો થઈ. તે સમયે તો એની સાથે ડાહી ડાહી વાતો કરી લીધી કે, જૂની અસુખકર્તા યાદોને મનના ખૂણેથી ખેંચીને ફેંકી દેવી વગેરે,વગેરે; પણ પછી એ વિચારોમાં ઊંડા ઊતરી જવાયું. યાદો હઠીલી હોય છે. એને હટાવવાનું કામ કંઈ સહેલું નથી જ. ઘડીભર થયું કે, લખવા બેસી જાઉં પણ ‘રાતે વહેલા જે સૂઈ વહેલા ઊઠે વીર’ ના સૂત્ર મુજબ વર્ષોથી વહેલાં સૂઈ જવાની ટેવ. તેથી નિયમ મુજબ વહેલી સૂઈ જ ગઈ.
સવારે થોડીક સ્ફૂર્તિ લાગે છે. રાતના શરૂ થયેલા અને વાળી દીધેલા વિચારોને ડાયરીમાં લખવા બેઠી, પણ ઓહ, એ તો રિસાયેલ માનુનીની જેમ, કેમે કર્યા પાસે ફરક્યા જ નહિ, પણ જે થયું તે સારું થયું. ઘણીવાર એમ પણ લાગે છે કે જે થાય છે તે સારું નથી હોતું પણ કદાચ સારા માટે થતું હશે! કોઈ વધુ મોટી ખરાબીમાંથી ઊગરવા માટે થતું હશે!
આજની તાજગી સભર સવાર કંઈક જુદું જ કહી રહી છે. સામાન્ય રીતે દિવસ દરમિયાન વાંચન અને વહેલી સવારે લેખન થતું હોય, પણ આજે વળી એક પુસ્તક હાથ આવ્યું, જેનાં પાનાં ફેરવતાં ફેરવતાં વાંચતા જ રહેવાયું અને પછી તો થોડી વારમાં Morning Walkનો સમય થયો એટલે અટકવું પડ્યું. ફરી પાછું પેલું રુટિન! જો કે, આ રુટિનમાં શિસ્ત અને આરોગ્ય બંનેનું મહત્ત્વ છે.
ચાલતાં ચાલતાં પેલા રાતના ખોવાયેલા વિચારોનો તાંતણો મળવા માંડ્યો! મૂળ વિચાર એમ હતો કે, સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાને ગમતું જ કામ કરતી હોય છે. કારણ કે, એને એમાંથી આનંદ મળતો હોય છે. કોઈકને ગાવું ગમે તો કોઈકને સાંભળવું ગમે, કોઈને સારાં સારાં કપડાં, ઘરેણાં પહેરીને ફરવું ગમે તો કોઈકને સાદા રહેવું ગમે. કોઈકને વાંચનમાં મઝા પડે તો કોઈકને લેખનમાં. આમ, જેટલા માણસો એટલો ખુશીનોયે પ્રકાર! એવી અનેક પ્રવૃત્તિઓ ગણાવી શકાય કે જે માણસ પોતાના આનંદ માટે કરતો હોય છે. પણ લેખન શું કેવળ નિજાનંદ માટે જ છે? મનમાં આવતા વિચારોને, અનુભવોને, સારા માઠા પ્રસંગોને ડાયરીમાં ટપકાવી લેવા તે ફક્ત શું આનંદ માટે જ છે? આ સવાલમાંથી એક એવી વિચારધારા પ્રગટી કે, ના,ના; આનંદ ઉપરાંત લેખન બીજું પણ ઘણું આપે છે. લેખનની ઇચ્છા અને પ્રવૃત્તિ વિચારોની ક્ષિતિજોને વિસ્તારે છે, વિવેકબુદ્ધિને ચકાસે છે, અંતરને વિક્સાવે છે અને વધુ સારા વાંચનની જિજ્ઞાસાને વધારે છે. સર્જનહારનો ઉદ્દેશ એ રીતે વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હશે એમ લાગે છે એ વિચાર જરા મનમાં સ્મિત ફરકાવી ગયો. એ ‘સુપર પાવર’નાં અનેક રહસ્યો અને વિસ્મયોમાંનું આ પણ એક ગણાવી શકાય.
ફરી પાછી એ વાત તો ખરી જ કે ગમતું કામ કરવું એટલે પેલાં રુટિન કામોમાંથી બહાર આવવું! ક્યાંકથી ઊડીને ચોંટેલી ધૂળને ઝાપટવી, અચાનક પીંખાઈ ગયેલ રંગોળીને ફરી કલાત્મક રીતે વ્યવસ્થિત કરવી, સંગીતના સૂરોમાં ડૂબી જવું, યોગાસન વાળી સમાધિનો આનંદ લેવો, કુદરતની સામે બેસી લાખો પ્રશ્નોના ઉકેલ પામવા, વગેરે વગેરે..
વાસી-ઉત્તરાયણની સવારે આ વિચારોનો પતંગ ખરો ચગ્યો! છેક ટુક્ક્લ (તુક્કા?!) સુધીના સમય સુધી ઉડશે કે શું?! વિશ્વના આકાશમાં ચગતા પતંગ જેવા સૌ. કોઈ ફૂદડી, કોઈ ઘેંશિયો, કોઈ જહાજ, તો કોઈ પાવલો. સવાલ તો એ થાય છે કે, હવા મુજબ, કમાન અને કિન્નાને, શૂન્ય/એકના માપથી સ્થિર કરી, દોરીના સહારે, ખરી ઉડાન થાય છે ખરી? કદીક પવન સ્થિર હોય, કદીક ભારે હોય. હળવેથી સહેલ ખાઈએ, કે ખેંચમખેંચ કરીએ, પણ ઊંચે જઈ, ન કપાય કે કોઈથી ન મપાય, છતાં સૌથી પમાય, એવી ઉડાન થઈ શકે છે?!!
ડાયરી-લેખનનું આ એક બીજું મહત્ત્વ. જાત સાથેની જાત્રા. ભૌતિક વસ્તુઓ તરફ વિરક્તિ, મુસીબતમાં વિસામો અને શ્રદ્ધાની વાટમાં જ્યોતનો ઉજાસ.
—દેવિકા રાહુલ ધ્રુવ

** ચંદરવોઃ ૯ ** પોએટ કૉર્નર, હ્યુસ્ટન.
** ચંદરવોઃ ૯ ** પોએટ કૉર્નર, હ્યુસ્ટન.
આજનો સુવિચારઃ
સુખ વહેંચવા સંગત જોઈએ. દુ:ખ વહેંચવા તો અંગત જ જોઈએ.
લખું કે મનમાં જ સમાવું? દુઃખ વહેંચવા તો અંગત જ જોઈએ અને ડાયરી તો અંગત જ છે ને? શું કરું? ના…ના, કોઈપણ દુઃખકર વાતો, મૃત્યુની વાતો વગેરે નથી લખવી. સમય જ સઘળું સાચવી લેશે. કેટકેટલાં સ્વજનો ગયાં? આ અવસ્થાએ તો માત્ર ને માત્ર સ્વીકારવાનું જ હોય કે, મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતું, એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો માત્ર એક પડદો હોય છે, રંગમંચના પડદાની જેમ જ. રોલ પૂરો અને વેશપલટો. માણસ માત્ર માટે આ સાચું જ છે કેઃ
તખ્તા પર આવી ઊભેલ છું, ને રોજ હું વેશ બદલું છું,
પડદો પડતાં, વેશ ઉતારી, અજ્ઞાત રહીને વિરમું છું.
છેલ્લાં બે વર્ષમાં આખી દુનિયાને તદ્દન અનોખો વેશ પહેરવો પડ્યો છે.
૨૦૨૧ની સાલનો આ છેલ્લો મહિનો. જોતજોતાંમાં તો આ વર્ષ પણ ક્ષણોના પર્વત પર ગોઠવાઈ જશે. ૨૦૨૦નું વર્ષ ચારેબાજુથી અંધકારમય હતું. આ વર્ષે ઘેરો અંધકાર નથી પણ તે છતાં બહાર સાવચેતીભરી હલચલ અને રોનક વર્તાય છે.
થોડા દિવસો પહેલાં ટીવી પર એક ચમત્કારની જૂની વાત સમાચારરૂપે પ્રસારિત થઈ રહી હતી. એના કેટલાક શબ્દો કાને પડઘાયા. કોણ જાણે આજે એ વાત નોંધવાનું મન થયું.
એ સમાચારમાં એમ હતું કે ૨૦૧૩ની સાલમાં કેદારનાથના ધામમાં પૂર આવ્યું હતું અને આખું ગામ એમાં તણાઈ ગયું હતું. માત્ર એક કેદારનાથનું મંદિર બચી ગયું. તે પણ કેવી રીતે? ખૂબ ઊંચા પર્વત ઉપરથી એક જબરદસ્ત મોટી, ભારે ખડક જેવી શિલા ગબડતી ગબડતી નીચે પડી ને એ મંદિરના આંગણમાં આવીને અટકી ગઈ, જેને પરિણામે મંદિર બચી ગયું. પછી આ શિલાને દિવ્યભીમશિલા નામ આપવામાં આવ્યું, જેને આજે પણ જાણે મંદિરની રક્ષા કરતી હોય તેમ ત્યાં જ રાખવામાં આવી છે.
કેવી ચમત્કારિક વાત! આમ તો આવા દાખલા સૌના જીવનમાં પણ થતા રહેતા અનુભવાય છે. આવી વાતોમાં શ્રદ્ધા હોય કે ન હોય પણ ઘણી વાર મનને વાળવા માટે સાંભળવી ગમતી હોય છે.
અનેક વાર આપણે વિચારીએ કે ‘આ કામ મેં કર્યું, હું ના હોત તો શું થાત? અથવા એમ પણ વિચાર આવે કે મેં ‘ મેં આમ કર્યું હોત તો? આમ ન થાત ને?” વગેરે વગેરે..પણ ખરો કરવાવાળો તો એક એવો ‘સુપ્રીમ પાવર’ છે, જે અવિરતપણે, ચૂપચાપ, બસ, એનું કામ કર્યે જ જાય છે. એ તો ધરાશાયી થયેલ મકાનોના ભંગાર નીચે દબાયેલાં કુમળાં બાળકોને પણ બચાવે છે, તો માબાપથી ત્યજાઈ ગયેલાં અનાથને પણ ઉગારી લે છે. આપણે તો માત્ર એ સમજણની ક્ષિતિજો અને વાણી-વર્તનના વિવેકને વિકસાવવાનાં હોય છે.
થોડા દિવસો પહેલાં લખાયેલ ડાયરીનું આ પાનું એમ જ પડી રહ્યું હતું, આજે ફરી ખોલ્યું.
આજે રસપ્રદ ઘટના બની. એક જ ઘટના પણ ત્રણ જુદી જુદી રીતે એક જ દિવસે.
થયું એવું કે બપોરે ઘરનાં બારણાં પાસે એક નાનકડી ગીફ્ટ આવીને પડી હતી. ટપાલની ટિકિટ વગરનું બૉક્સ જોઈ નવાઈ લાગી. આશ્ચર્ય અને તર્કવિતર્કો થાય તે પહેલાં તો વૉટ્સઍપમાં ‘ડીંગ’ થયું. ડાબી બાજુ જોડાજોડ રહેતાં અમેરિકન પડોશીબહેન એ ગીફ્ટ બારણાં પાસે મૂકી ગયાં હતાં. એ રીતે તેમણે પોતાનો, ડિસેમ્બર મહિનાને વધાવતો આનંદ વ્યક્ત કર્યો હતો, વહેંચ્યો હતો! એ એમની રીત હતી.
થોડી વાર રહીને, ચાવી લઈ મેઈલબૉક્સમાંથી ટપાલો લેવા ગઈ તો જમણી બાજુ રહેતાં પડોશી યુવાન દંપતીનું ટિકિટ ચોંટાડેલું Christmas Card મળ્યું!! એ એમની રીત હતી. તે પછીના એકાદ કલાકમાં બારણે ટકોરા પડ્યા. થોડે દૂર પણ આસપાસ જ રહેતા એક ભારતીય ભાઈ મંદિરનો પ્રસાદ લઈને આવ્યા. એ એમની રીત હતી. વાહ. લાગ્યું કે જાણે આજે તો દિવસ ધન્ય થઈ ગયો. એક જ ઘટના, ત્રણ અલગ અલગ દેશની વ્યક્તિઓ દ્વારા અલગ અલગ રીતે વ્યક્ત! એ પછી વિચારે ચડી જવાયું.
અહીંની એક આ રીત જાણવા, માણવા અને સ્વીકારવા જેવી છે. અમેરિકન પડોશીના ઘરમાં હજી મહિના પહેલાં જ સ્વજનનું મૃત્યુ થયું છે, છતાં તેઓ દુઃખને પકડીને બેસી રહેતાં નથી, એને વારંવાર ગાયા કરતાં નથી. ખૂબ ઝડપથી પૂર્વવત્ બની જતાં હોય છે. આપણને લાગે કે તેઓ સંવેદનાશૂન્ય છે પણ એવું નથી.
બીજું, તેઓ નિકટ આવે પણ નહિ અને વિવેક ચૂકે પણ નહિ. અંતર રાખે અને આનંદથી જીવે. વાત તો સાચી જ છે ને, કે જ્યાં નિકટતા હોય ત્યાં અપેક્ષા જન્મે અને અપેક્ષા પૂરી ન થાય તો મોટા ભાગના સંબંધો એમાંથી જ વણસતા હોય છે.
આટલું લખ્યું ત્યાં તો એક મિત્રનો ફોન આવ્યો. “તમે આજે પાર્ટીમાં કેમ દેખાયાં નહિ? ‘હોસ્ટ’ને બહુ જ ખરાબ લાગ્યું!” મને મનમાં હસવું આવ્યું. ફરી પાછી એ જ વાત! નિકટતા, અપેક્ષા, નિરાશા, ફરિયાદ અને દુઃખ. જગત કેવું છે? ખરેખર ઈશ્વરે માણસનું સર્જન કરતી વખતે સંવેદનાઓના કેવા બારીક તાર ગૂંથ્યા હશે! ઘડીકમાં ગૂંચળું વળી જાય છે, ને એટલે જ ફરી પાછી પેલી પંક્તિઓ આંખ સામે ફરતી દેખાઈ જાય છે.
વિચારું છું, ન વિચારું છતાં પણ હું વિચારું છું.
વિચારીને પછી મિથ્યા ગણી સઘળું વિસારું છું.
ચાલ મન, જલકમલવત્ રહી, વહેતી સરિતામાં સરતાં રહીએ. આવતું નવું વર્ષ સૌને તન અને મનની કુશળતા બક્ષે એ જ શુભ ભાવ સાથે પ્રાર્થના.
અસ્તુ.
ચંદરવોઃ૮
** ચંદરવોઃ 8 ** પોએટ કૉર્નર, હ્યુસ્ટન.
મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દીવડાઓ કરતાં પણ અંતરના ઊંડાણમાં પ્રગટાવેલો શ્રદ્ધાદીપ આત્માને વધુ પ્રકાશ આપનારો નીવડશે.
કાલે ખરું થયું! સવારે બહાર તડકામાં બેઠી ને પછી ઘરની અંદર આવતી વખતે ફોન ભૂલાઈ ગયો. તે પછી થોડો સમય ત્યાં જ પડી રહ્યો. જરૂર પડી ને લેવા ગઈ ત્યાં સુધીમાં તો સખત ગરમ થઈ ગયો હતો. લગભગ બંધ થઈ ગયો હતો. ચાલુ કરવા જતાં ફોનમાંથી જ એક ઑટૉમેટિક સંદેશ ઝબક્યોઃ Wait. It is too hot to operate now!
તરત જ ઠંડો થવા માટે ફોન બંધ કરી દીધો, પણ એ વાક્ય મનમાં કોતરાઈ ગયું. કેટલું ઊંડાણભર્યું તથ્ય છે એ નાનકડા વાક્યમાં?! ગરમ થયેલું મગજ કે જીભ પણ જો થોડી વાર માટે ઠરવા દઈ શકાય તો જગતનાં અડધાં દુઃખો આપમેળે શમી જાય. જુદી જુદી રીતે સદીઓથી ગ્રંથોમાં સમજાવાયેલી આવી વાતો, પળમાત્રમાં, એક મશીન દ્વારા કેવી વ્યવહારુ અને કલાત્મક રીતે કહેવાઈ!! આ ઘટના ખૂબ ગમી તો ગઈ પણ બધું જ instant માંગતી આજની પેઢી ભવિષ્યમાં આમ જ શીખતી રહેશે એવી એક આશા પણ બંધાઈ. મઝા આવી ગઈ. એ મસ્તીમાં ને મસ્તીમાં જ, વર્ષો પહેલાં લખેલ એક ગીતની ધ્રુવપંક્તિમાં જરાક હળવો, મજાકિયો સુધારો કરી લેવા મન લલચાયું.
તડકો ઓઢીને અંગ બેઠાં’તાં સંગ સંગ, હૂંફાળા ફોન લઈ હાથમાં!!!
(‘હૂંફાળા હાથ લઈ’ને બદલે!)
આભનાં તે વાદળને આવી ગઈ ઈર્ષા, સૂરજને ઢાંક્યો નહીં બાથમાં.
( ‘ ઢાંક્યો લઈ બાથમાં’ને બદલે)
એટલે જ તો પછી સૂરજ તપતો રહ્યો ને એની ગરમીથી ફોન પણ ગરમ થઈ બંધ! Silly વિચાર એકદમ હસાવી ગયો. આવું તો ડાયરીમાં જ સમાવાય ને? કોઈને થોડું કહેવાય!
ગઈ કાલની વાત લખતાં લખતાં પેન ક્યાં વળી ગઈ? આસોના તહેવારો પૂરા થયા. નવરાત્રિ ગઈ, ખૂબ જ ગમતી શરદપૂનમ ગઈ, દિવાળી ગઈ, નવા વર્ષનો સૂરજ પણ ઢળી ગયો અને આજે ભાઈબીજની સવાર પડી. ભાઈબીજ હોય એટલે ભાઈઓ તો નજર સામે પહેલાં જ આવે. જે છે તેની સાથે આનંદ તો ખરો જ અને જે હયાત નથી તેની યાદો પણ ઓચ્છવ સમી લાગે.
આ તહેવારોના દિવસોમાં નિયમ મુજબનો ક્રમ એનો એ જ પણ રીતભાતો બદલાઈ ગઈ. સમયની સાથેસાથે ઘણું બધું બદલાઈ ગયું. નવું છે તેથી જુદું લાગે છે પણ આ પરિવર્તનમાં પણ સંકેત હશે, કંઈક સારું હશે જ, જરૂરી પણ હશે. સમજણ અને સ્વીકૃતિ આવી જ રીતે કેળવાતી હશે ને?
એક તરફ દિવાળીનો અસલી માહોલ અને ખાવાપીવાની મિજબાની સાંભરે તો બીજી બાજુ ૪૧ વર્ષ પહેલાંની અહીંની (અમેરિકાની) દિવાળીની શુષ્કતા પણ સ્વાભાવિક રીતે જ ‘રીવાઈન્ડ કરેલાં રીલ’ની જેમ ચાલુ થઈ જાય.
એ અરસામાં બેસતા વર્ષની એક સવારે ન્યૂયોર્કના ઍપાર્ટમેન્ટના બારણે ટકોરા થયા હતા એ પ્રસંગ સાંભર્યો. ખાડિયામાં રહેતા એક મિત્ર અમને શોધી, નંબર અને સરનામું મેળવી ખાસ મળવા આવ્યા હતા. અમેરિકામાં તો આ વિરલ કહેવાય. કોઈ અચાનક ન ટપકી પડે, તેથી એ દિવસે એવો અને એટલો તો આનંદ આનંદ થયો હતો કે જાણે રણમાં તરસ્યાંને પાણી મળ્યું! તે મિત્ર ‘સાલ મુબારક’ કહેતાં અંદર આવ્યા, બેઠા અને પૂ. મા-પપ્પાને પગે લાગ્યા. એ પોતે ડૉક્ટર અને વિદ્વાન, પણ સ્વભાવમાં કેટલી સરળતા! ખરેખર જે ખરી ઊંચાઈ પર પહોંચ્યાં છે તે કેટલાં નમ્ર અને વિવેકી હોય છે એનો એક સરસ અનુભવ પણ થયો, જે વર્ષો પછી આજે ફરી ધન્યતા આપી ગયો. આવાં સ્મરણો ગાંઠે બાંધી રાખવાં ગમે જ ગમે. એ કદી કાલગ્રસ્ત થતાં નથી. જીવતરનો ગોખલો એનાથી તો ઝગમગતો રહે છે. એટલે જ તો, વયાવસ્થા ભુલાવી દે તે પહેલાં લખવાનું મન થયું. ફરી વાગોળવાનું મન થાય ત્યારે ડાયરી ખોલીને વાંચી તો શકાય. સાચે, તે વખતે તો સખત ગરમીમાં કોઈએ માથે શીળો ચંદરવો ધર્યો એમ જ લાગ્યું હતું. પરસ્પર થયેલ ખુશી અને એ રીતે બંધાયેલી મજબૂત મૈત્રી હજી અકબંધ છે. તેમના રમૂજી સ્વભાવનો અને કવિતાના સુંદર વાંચનનો ગુલાલ એ અવારનવાર કરતા જ રહે છે.
અહીં ભીંત પરનું તારીખિયું હજી ઊતર્યું નથી. અહીં તો ૩૧મી ડિસેમ્બરનો દિવસ પૂરો થાય પછી જ એ કામ થાય. નવા વર્ષે નવા સંકલ્પો લેવાય છે અને ‘આરંભે શૂરા’ની જેમ થોડો વખત પળાય છે. પછી ક્યારે ફરી પાછું અચાનક પેલું રુટિન શરૂ થઈ જાય છે તે ખબર જ પડતી નથી. કોઈ પણ કામ સંપૂર્ણ રીતે પાર પાડવામાં દ્રઢ નિર્ણય, એકાગ્રતા અને મનની મક્કમતા કેટલાં જરૂરી હોય છે તે ત્યારે સમજાય છે. આ ગુણો લખતાં લખતાં ગયા શનિવારે લખાયેલ પ્રીતિબહેનના લેખનમાંના ખૂબ ઊંચા ચૈતસિક સ્તરની વાત યાદ આવી ગઈ. એ કક્ષાએ પહોંચવાનું તો ખરેખર અઘરું. ‘ત્યાગીને ભોગવી જાણો’ની પણ એક અજબની અનુભૂતિ.
ઓહો..ડાયરી લખવામાં એકધાર્યું ઘણું બેસી રહી એટલે ફરી પાછો..Oh, My God. આ ‘ઍપલ વૉચ’માં સંદેશ આવ્યોઃ Hey lazy, get up. It’s time to walk. ઓ બાપરે! ખરું છે આ બધું! પહેલાં તો આ વિશેષણ ( lazy ) વાગી ગયું, પણ પછી ગમ્મત પડી ગઈ. વળી પાછો વિચાર તો આવ્યો જ કે, આ જ વાક્ય કોઈ વ્યક્તિ કહી જાય તો રડવું આવવા જેવું થઈ જાય. પણ આ ફોન જેવા સાધને તો ચહેરા પર સ્મિત ફરકાવ્યું! એટલું જ નહિ, પછી તો મેં પણ મનમાં મને જ કહ્યુંઃ Hey lazy, get up. It’s time to walk!!
હવે તો ડાયરી બંધ કરીને ઊઠવું જ પડશે ને!

નિત્યનીશી * ચંદરવોઃ ૬ **

* ચંદરવોઃ ૬ ** પોએટ કૉર્નર, હ્યુસ્ટન.
આજનો સુવિચારઃ
દુઃખનાં મૂળ ભલે ઊંડાં હોય પણ ખુશ થતાં પહેલાં તમારાં બધાં દુઃખ નાશ પામે તેની રાહ ન જુઓ.
– થિચ ન્હાટ હાન્હ
ડાયરીનું આગળનું પાનું લખ્યાને થોડાક જ દિવસો વીત્યા છે પણ એમ લાગે કે જાણે એના રંગરૂપ ઝાંખાં પડી ગયાં કે શું? રોજ કરતાં આજે આ ડાયરી કંઈક બદલાયેલી કેમ લાગી? કેટલીક વાર મનોદશાનો પડઘો કે પ્રતિબિંબ નિર્જીવ વસ્તુઓમાં ઝીલાતો હશે! એવા વિચારોમાં ને વિચારોમાં એક પાનું, વળેલું નજરે પડ્યું. એ ખોલતાંની સાથે જ ઉપરોક્ત સુવિચાર વાંચવામાં આવ્યો ને કલમ સરવા માંડી. કાગળ પરના અક્ષરોમાંથી કેવળ શબ્દકોષના શાબ્દિક અર્થ નીકળે છે પણ તેના સાચા અર્થો અને તેની અસર તો અનુભવે જ સમજાય છે અને તે પછી જ સંવેદનાનાં ખાનાંમાં ઊંડે સુધી પહોંચી જઈ અડકે છે.
હમણાં સાંજે ‘સબડિવિઝન’માં (મહોલ્લામાં) સામેના ઘર પાસે લાઈટોના ઝબકારા મારતી ‘એમ્બ્યુલન્સ’ આવીને ઊભેલી જોઈ. બારીમાંથી જોતા વેંત એકદમ ચોંકી જવાયું. ડર કેવી વસ્તુ છે? માણસ સાજોસમો થઈ જાય તે પછી પણ પેલા life threatening દૄશ્યને ખસેડવું કેવી રીતે? એનો કોઈ આયુર્વેદિક કે તબીબી ઈલાજ ખરો? પૂરપાર ઝડપે, એક પછી એક લીલી બત્તીઓને મસ્તીથી પાર કરતી ગાડીની સામે અચાનક પીળી બત્તી આવે ને કારને ધીરી પાડતાં પાડતાંમાં તો લાલ બત્તીની જેમ એકદમ જ બ્રેક મારીને અટકી જવું પડે ત્યારે કેવો આંચકો લાગે?
ઘણું બધું લખવું છે પણ કશું જ નથી લખાતું. કંઈ કેટલીયે લાગણીઓનો, વાતોનો, ચિંતનનો મહાસાગર ઊછળે છે, વારંવાર ભીંજવે છે. પણ છાલકો વાગીવાગીને રહી જાય છે. જેમ કુદરતને એના એ જ રૂપમાં કોઈપણ કેમેરામાં પકડી શકાતી નથી તેમ આ ભીતરની ગતિવિધિ એના એ જ સ્વરૂપે ક્યાં વ્યક્ત થઈ શકે છે? જે વ્યક્ત થાય છે તે તો એક બૂંદ પણ નથી! ઘડીકમાં તો એ સરકી જાય છે, કાં અદૃશ્ય થઈ જાય છે, ક્યારેક વિલાઈ જાય છે અને ક્યારેક ક્યાંક અટવાઈ જાય છે. આવું કેમ? ઘણીવાર ખુદને જ પૂછું છું કે હું આ કરું છું શું? શા માટે કરું છું? વિચારવું, વ્યક્ત કરવું એ રીતે જ જીવવું ? ક્યારેક આનંદ આવે ક્યારેક ન પણ આવે એવું કેમ? આ દ્વંદ્વ, આ દ્વિધાઓનું કોઈ વિરામસ્થાન ખરું? અંતે તો એ જ નતીજા પર આવવું પડે છે કે, ધારાની જેમ વહેતાં રહેવું અને ધારાઓને એની રીતે વહેવા દેવી, એના મૂળ સ્વરૂપે. ઝિલાય તેટલું ઝીલવું, એમ કરતાં કરતાં ઝુલાય તો ઝૂલવું, ઝૂમવું કાં ઝૂરવું..બસ, એમ જ જીવી જાણવું. મોસમ અચાનક બદલાય ત્યારે ધરતીને કંઈ કેવું કેવું થતું હશે? પણ છતાંયે બદલાતી રહેતી મોસમનો મિજાજ એ જ તો એનું જીવન છે. સ્વીકૃતિ જ એની પ્રકૃતિ. ખૈર! આજે ઘણું અસંબદ્ધ લખાઈ રહ્યું છે.
રાત્રે ઊંઘ ન આવી. ટેબલ પર પડેલ એક plaque પર ધ્યાન ગયું. મનગમતું એ લખાણ વારંવાર વાંચ્યું. એમાં ખૂબ જૂની અને વર્ષો પહેલાં વાંચતાંની સાથે જ ગમી ગયેલ મેરી સ્ટીવન્સનની કવિતા કોતરાયેલ છે. ‘Footprints’. વાંચવામાં આવ્યું છે કે આ કવિતા માટે ત્રણેક સર્જકોએ પોતે લખ્યાનો દાવો કરેલ છે! એ જે હોય તે પણ ફરી ફરી એ વાંચવાથી મનને ઠીક ઠીક શાતા મળી. સાંજે બંધ કરેલ ડાયરીનું અડધું પાનું ફરી ખોલી લખવા બેઠી.
એ કવિતામાં એક માણસના સ્વપ્નની વાત છે. સ્વપ્નમાં એ દરિયાકાંઠે ઈશ્વરની સાથે ચાલતો હોય છે. ‘ફ્લેશબેક’માં આકાશમાંથી એની જિંદગી દેખાય છે. પાછળ રેતીમાં બે પગલાં એનાં અને બે ઈશ્વરનાં, એમ કુલ ચાર પગલાંની છાપ છે. સંધ્યાટાણે એણે પાછળ જોયું તો બે જ પગલાં દેખાયાં. એણે મૂંઝાઈ જઈને પૂછ્યુંઃ “લોર્ડ, તમે તો કહ્યું હતું કે હું તારી સાથે જ છું તો પછી મારી તકલીફને સમયે આ બે જ પગલાં કેમ? તમે કેમ છોડી દીધો મને?” જવાબ હતોઃ “ઓ મારા વહાલા, મેં તને ક્યારેય છોડ્યો નથી. એ જે બે પગલાં દેખાય છે તે મારા જ છે. તારા મુશ્કેલ સમયમાં તને ઊંચકીને હું જ ચાલતો હતો!” કેવો મસમોટો આધાર! ટચલી આંગળીએ ઝિલાયેલ ગોવર્ધન પર્વત જેવો! અને તરત જ યાદ આવ્યું કે થોડાં વર્ષો પહેલાં આ જ કવિતાને ગુજરાતીમાં અનુવાદ કરવાનો (ઇંદ્રવજ્રા છંદમાં) પ્રયત્ન પણ કર્યો હતો.
મુ. જુગલભાઈના જૂના બ્લોગમાં અક્ષરમેળ છંદની કેટેગરી પણ ત્યારે ખાસ્સી એવી ફંફોસી હતી.
અનુવાદની છેલ્લી ચાર પંક્તિ..
ત્યાં દૂરથી ગેબી અવાજ કાને,
મારાં જ એ બે, પગલાં છે સાથે.
એ હું જ છું, ને તુજ સાથ છું હું.
તેડી તને હું પગલાં ભરું છું..
ને એ સાથે જ કવિ શ્રી સુંદરમના શબ્દોનું પણ સ્મરણ થયુંઃ
“મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે,…
મારે અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે.
પુસ્તકો, કવિતા અને ડાયરી કેટલો મોટો વિસામો છે!
ડરને પણ એ જ ભગાવે છે અને શ્રદ્ધા પણ એ જ જગાવે છે. હવે થોડી ઊંઘ આવશે ખરી.
–દેવિકા રાહુલ ધ્રુવ
નિત્યનીશી** ચંદરવોઃ ૫ **
** ચંદરવોઃ ૫ ** પોએટ કૉર્નર, હ્યુસ્ટન.
આજનો સુવિચારઃ
આભને આધાર નથી છતાં એ ઊંચું છે, કારણ કે એ જેટલું ઊંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.
હમણાં પચાસેક વર્ષ જૂની, હથેળીમાં સમાઈ જાય તેવડી એક નાનકડી જૂની, પાતળી ડાયરી મળી. એમાં માત્ર ચાલીસેક જ પાનાં હતાં પણ મઝાની અને રસપ્રદ નોંધો હતી. ખૂબ સાચવી રાખી હશે પણ જિંદગીની ઘરેડમાં મેં ક્યારેય ખોલી ન હતી. પ્રાથમિક શાળાથી હાઇસ્કૂલ/કૉલેજના મિત્રોની નામાવલિ (કેટલાકના તો ચહેરા પણ અત્યારે યાદ નથી આવી રહ્યા!) તેમના જન્મદિવસ, વાંચેલાં પુસ્તકોની યાદી, લેખકોનાં નામો, તે સમયની મારી અભ્યાસેતર પ્રવૃત્તિઓ, મળેલાં નાનાં નાનાં ઈનામોની યાદી, ૧૯૬૮થી ૭૧માં જોયેલ સિનેમાની યાદી, ગમતાં ગીતોની પહેલી પહેલી પંક્તિઓ, કેટલાંક પાનાંઓ પર “હું શું શીખી”, તો ક્યાંક વળી ‘what I believe”.. આ બધું વાગોળવામાં, એ ઝીણી ઝીણી ક્ષણોને, ફરી ફરી યાદ કરી માણવામાં, O My God, ન જાણે કેટલાયે કલાકો નીકળી ગયા! ભૂખ લાગી ત્યારે સફાળી ઊભી થઈ રસોડા તરફ વળી.
બારી બહાર નજર પડી તો સવારની સાથે સંધાન થયું. જે રીતે સૂર્યોદય થવાના થોડા સમય પહેલા પૂર્વ દિશાના પર્વતોની ટોચ પર, વાદળની ધારે ધારે એક ‘રેડ કારપેટ’ પથરાવા માંડે છે. પછી ધીરે ધીરે વાદળના એ જાડા પટ પર બત્તીઓ થાય છે અને ત્યારબાદ રવિરાજની પધરામણી થાય છે. કશાયે વિલંબ વગર જોતજોતામાં તો આખી સૃષ્ટિ ટટ્ટાર થઈ ચેતનવંતી બનતી જાય છે. બરાબર એ જ રીતે, એ જ ક્રમમાં સાંજે જતી વેળાએ ફરી પાછી આછી લાલાશભરી જાજમ બિછાય છે, બત્તી બુઝાય છે, રવિરાજ વિદાય થાય છે, થોડી વાર લીસોટા રહી જાય છે અને પછી તો પૃથ્વી પણ જંપી જાય છે. તાજેતરમાં જ New Mexicoના પહાડી વિસ્તારોમાં ફરતાં ફરતાં માણેલ સૂર્યોદય અને સૂર્યાસ્તનાં અદ્ભુત દૃશ્યો નજર સામે ગોઠવાઈ ગયાં. હજી એ સ્મરણોને તો મનની ફ્રેઈમમાંથી બહાર લાવી શબ્દાંકિત કરવાનાં બાકી જ છે. પણ આજે તો આ વિચારો પીછો જ નથી છોડતા કે કેવી નિયમબદ્ધ આ અચરજભરી લીલા છે! બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા, જન્મ અને મૃત્યુની સ્થિતિનું પણ કંઈક આવું જ એકસરખું છે ને! અને વચ્ચેના મધ્યાહ્નની વાતો? વિશ્વને માથે ચડેલા આ પ્રખર તાપનો વિચાર તો ન કરું તે જ સારું.
આજે બીજી પણ એક અતિશય આશ્ચર્યયજનક ઘટના ડાયરીમાં લખવી જ છે. વાત થોડી લાંબી છે. થયું એવું કે નાની બહેનનો એક વોટ્સએપ પર “_____” મેસેજ મળ્યો. પછી પૂછ્યું કે, તમે આ ઝીણવટથી જોયું? તરત તો ‘હા’ કહીને જવાબ લખી દીધો. લગભગ બધાં જ ભાઈબહેનોએ એમ જ કર્યું હશે. કોઈએ સમજીને અને કોઈએ કદાચ એ વાતને વાળી દઈને. પણ વળીવળીને મન ત્યાં જઈ બેસી જતું. આમ તો એ જૂની કૉપી અને પેસ્ટ કરેલ ઈમેઈલ તા.૬ઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૦ની હતી પણ સંબોધનની સાથે ૨૦મી સપ્ટેમ્બર લખેલ! લખવામાં ભૂલ તો થઈ શકે. પણ આ ભૂલ હતી? ના. તો પછી? વિધાતા માનવીની જાણ બહાર એવું સાચું લખાવે કે જેની લખનારને પોતાનેય ખબર ના હોય! અને વાંચનારને પણ તત્ક્ષણ ખ્યાલ ન આવે!!
મોટા ભાઈ લેખક હતા. (‘હતા’ લખતા પણ અંદર કંઈક ચચરે છે.) તેમણે ૬ સપ્ટેં.૨૦૨૦ના રોજ જિંદગીની છેલ્લી ઇમેઇલ કરી હતી. સૌને સંબોધીને લખેલ છેલ્લી અલવિદાની એ ઇમેઇલ; જેમાં તારીખની જે ભૂલ (૨૦ સપ્ટે.૨૦૨૦) થઈ હતી તે તો તેમની ખરેખરી મૃત્યુની તારીખ હતી! ખૂબ આંચકાજનક તાજ્જુબી થઈ. ઘણીવાર વડીલો પાસેથી તેમના દાદા–દાદીની છેલ્લા દિવસોની જાણ થયાની, આગાહી મળ્યાની અવનવી વાતો સાંભળી છે. પણ આ તો સાવ નજર સામેનો દાખલો. ખૂબ વિચારે ચડી જવાયું. વિધિના લેખ અને કુદરતની કરામત વિશે કેટલી વિસ્મયજનક વાતો જાણવા અને અનુભવવા મળે છે!
છઠ્ઠી સપ્ટે. સાંજે ક.૪-૩૭ના સમયે ‘જિંદગીની સમી સાંજે’ શીર્ષક નીચે કથળતી જતી તબિયતની વિગતે વાતો લખ્યા પછી તેમણે “ફરી મળાય, ન મળાય; અલવિદા..દોસ્તો” લખ્યું. પછી એ જ દિવસે ફરી બે કલાક પછી સાંજે ૬–૩૨ વાગે નીચેની ઇમેઇલ લખી. આ વાતની નોંધ અમે સૌ ભાઈબહેનોએ હમણાં જ લીધી!!!
ડાયરીનાં આ પાનાંમાં એને સાચવી રાખ્યા વગર કેમ ચાલે? આ રહી એ ઇમેઇલની કૉપીઃ
From: Navin Banker <navinbanker@yahoo.com>
Date: Sun, Sep 6, 2020 at 6:32 PM
Subject:
To:
મિત્રો, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦
છેલ્લી ઇમેઇલ પછી, થોડીવારમાં જ ઢગલાબંધ ફોન્સ અને ઇમેઇલ્સ આવી ગયા. આભાર તમારો.
આનાથી વધુ મારે કશું કહેવાનું નથી એટલે નાહક માથાફોડી કરવાનો અર્થ નથી. હું તમારા ફોન કે ઇમેઇલ્સનો જવાબ ન આપું તો માફ કરજો. જો શક્તિ હશે તો લેખ મારફતે જણાવતો રહીશ.
પણ મારે હવે શાંતિ જોઈએ છે. ચાર-છ દિવસ મારી બહેનને ઘેર રહેવા જતો રહીશ. એક ડોશીમાએ તો હમણાં ફોન કરીને મારી પત્નીને પૂછ્યું કે, હવે ‘નવીનભાઈનું કેટલે આવ્યું?’
-NAVIN BANKER
છેલ્લા દિવસોમાં પણ તેમની ટીખળ કરી લેવાની વૃત્તિ યથાવત હતી. હજી વાત મનમાં ઘૂંટાયા જ કરે છે કે, આ કેવું બન્યું? ન એમને ખબર પડી, ના અમને.
अजीब दास्तां है ये, कहाँ शुरू कहाँ खतम…
ये मंज़िलें है कौन सी, न वो समझ सके न हम.
ये शाम जब भी आएगी..तुम हमको याद आओगे…. अजीब दास्तां है ये….
ચાલો, લાગણીઓના વહેણમાં ખેંચાવાનું ન હોય.
Excess of everything is dangerous. આજનું પાનું અહીં જ વાળું.
ઓહ..પાનું તો વાળી શકાયું પણ વિચારોને વાળવાનું અઘરું થાય તે પહેલાં ફરી એક સમાચાર નોંધવા ઠીક લાગ્યા. આ જ અઠવાડિયામાં (જુલાઈની ૨૦ તારીખે) ઍરલાઇનની જેમ, ટેક્સાસ સ્ટેઇટમાંથી પ્રથમ વાર ઊડેલ, બ્લુ સ્પેઇસ લાઇનને ટીવી પર જોવાનું ખૂબ રોમાંચક લાગ્યું. માત્ર સાડા આઠ મિનિટમાં તો orbits સુધી અને ૧૦ મિનિટ, ૩૫ સેકંડમાં તો સ્પેઇસ રાઇડ લઈને પાછાં પણ આવી ગયાં! તે ચારમાંથી એક હતાં ૮૨ વર્ષની મહિલા Wally Funk અને ૧૭ વર્ષનો Olever Daemen!
બળદગાડીમાં મુસાફરી કરતો માણસ આજે ‘સ્પેઇસ રાઇડ’ લેતો થઈ ગયો. જાણે નવી પેઢીનું એક ભાવિચિત્ર જોવાઈ ગયું. સર્જનહારે કેવાં કેવાં Brain અને બુદ્ધિ બનાવ્યાં છે!
આ મન અને હૃદય સુધી કોણ પહોંચશે? ક્યારે?
—દેવિકા રાહુલ ધ્રુવ
નિત્યનીશીઃ ચંદરવોઃ ૪
ચંદરવો ૪ ઃ સ્થળઃ પોએટ કોર્નર, હ્યુસ્ટન, અમેરિકા
આજનો સુવિચારઃ
ખરબચડો પથ્થર શિલ્પીના તીણા ટાંકણાના પ્રહારમાંથી પસાર થયા પછી જ ઈશ્વરની મૂર્તિમાં પરિણમે છે.
ઘણીવાર કારણ વગર જ બેચેન થઈ જવાય છે. બધું અચાનક વિષાદમય લાગવા માંડે છે. એકદમ વાદળિયું વાતાવરણ પણ ક્યારેક એમાં મોટો ભાગ ભજવે છે. ક્યારેક પારકી પીડા પોતીકી બની જાય છે તો ક્યારેક બસ એમ જ. આવું જાતજાતનું વિચારવા જઈએ તો પણ, ખરું કારણ જાણવા છતાંયે કદાચ બહાર નીકળવા નથી માગતું. અંદરની કોઈ અજાણી દહેશત વધુ જુદું રૂપ ધરી તો નહિ જાય ને કહી અંતર્મુખ બની જાય છે અને છેવટે આ ડાયરી અને કલમ હાથમાં પકડાવી દે છે. આવી મથામણ દરમ્યાન થોડા દિવસ પહેલાં એક વિચાર એ પણ ઝબક્યો હતો કે સંવેદના એ છે શું? શેની બનેલી છે? એને કેમ જલદી ધક્કા વાગી જાય છે? એનો પિંડ કેવો હશે? પછી એ વિચાર એની મેળે જ છટકી પણ ગયો હતો.
એવામાં ફરી પાછો એ જ પ્રકારનો પ્રશ્ન નયનાના લેખનમાં વાંચ્યો! ઘડીભર તાજ્જુબ થઈ જવાયું. તેમાંથી વળી બે વલયો થયાં. એક તો જેની સાથે દિલ લાગી ગયું હોય છે તેની સાથે વિચારોનું આ સામ્ય અને લગભગ સરખા સમયે ઉદ્ભવેલી એકસરખી લાગણી. ફરક એટલો કે એમાં વાત હતી ‘મન’ વિશેની અને મારા મનમાં સવાલો જાગ્યા ‘સંવેદના’ અંગે. આવાં ‘વાઈબ્રેશન’ પણ કેવાં ખળભળાવી દેતાં હોય છે!
બીજું વલય જરા વધારે ઊંડા વિચારમાં ખેંચી ગયું. એમાંથી કંઈક એવું સમજાયું કે, સૌથી પહેલાં તો આંખથી કશુંક જોવાય કે વંચાય છે અથવા તો કાનથી શબ્દો સંભળાય છે; તે શબ્દો સીધા મગજમાં ઊતરી જઈ સમજાય તે પહેલાં તો તેમાંથી ઊઠેલા ભાવો, આ સંવેદનાના પિંડ (કદાચ ગોળાકાર) ને અડે છે જે હૃદયની અંદર કે હૃદયની ખૂબ જ નજીક હશે. તે વળી સેકંડના સોમાં ભાગ જેટલા સમયમાં તો અડીને ઝણઝણી ઊઠે છે. તેની સાથે જ તત્ક્ષણ આંખ વાટે વ્યક્ત થાય છે. પછી તે ખુશી હોય કે વેદના હોય. વધુ વિચારતાં થયું કે સંવેદનાની આ આખીયે પ્રક્રિયા, બાહ્ય અને અંતર્ગત ઇંદ્રિયોનું સંકલન, કેવી અદભુત રીતે અને ઝડપથી કામ કરી જાય છે! આટલું બધું એકદમ જ બની જાય છે, પળવારમાં જ. ખરેખર આ વિસ્મય નહિ તો બીજું શું છે?આવા બધા વિચારોને કે અનુભૂતિને ડાયરીમાં ટાંકવા બેસીએ, ત્યારે દિનચર્યા જેવી વાતોની નોંધ તો બહુ ક્ષુલ્લક લાગે. કારણ કે રોજ નવું તો બનતું હોતું જ નથી. તેમાંયે હમણાંની વાતો તો… છેલ્લા દોઢ વર્ષથી આખા વિશ્વમાં એક જ ઘટના ચાલી રહી છે. શું નોંધ કરીએ?કેટલાક વખતથી જ્યારે જ્યારે લખવા માટે કલમ ઉપાડી છે ત્યારે ત્યારે દરેક વખતે એક જ વિચાર અને અનેક ચિત્રો નજર સામે આવે છે. આજે ઘણા દિવસ પછી ડાયરી હાથમાં લીધી તો પણ વળીવળીને એ જ વાત. ઘણીવાર આવું પણ બને છે કે આપણા ઉપર આપણું નિયંત્રણ ચાલતું નથી. એમ લાગે છે કે, ઈશ્વરને હવે એક જુદું, નવું વિશ્વ રચવું હશે ને ત્યાં એને કલાકારો ખૂટયે જતા હશે! બીજું કાંઈ લખવા માટે કેટલો પ્રયત્ન કરવો પડે છે! એક સુંદર પ્રાર્થના યાદ આવીઃGod, grant me the serenity to accept the thing I cannot change, courage to change the thing I can and wisdom to know the difference.હમણાંથી વાંચન થોડું વધારે થયું તે એક Plus point…અને હા, સમય એની ઘટમાળ મુજબ સારો કે ખરાબ તો ચાલ્યા જ કરે પણ ૨૦૨૦-૨૧ના આ કપરા કાળમાં સારી, નવી વ્યક્તિઓનો પરિચય પણ થતો ગયો તે કેટલી મોટી વાત છે!એક સવારે સરસ ‘સરપ્રાઇઝ’ મળી, પુરસ્કાર જેવી ! આજના ‘વાડકી વ્યવહાર’ જેવા સમયમાં એક સાવ અપરિચિત વ્યક્તિ દ્વારા થયેલ સુખદ અનુભવથી મન આનંદિત તો થાય જ ને? મારી રચનાના શબ્દોને સ્વરાંકન કરી પોતાના સૂરમાં ગાઈને કોઈકના દ્વારા વોટ્સએપ પર મોકલી પણ આપી ! નાની નાની ખુશી વધારે મહત્ત્વની તો ત્યારે બની જાય છે જ્યારે એમાં કશીયે દુન્યવી લેવડદેવડ નથી હોતી. કેવળ નિસ્વાર્થ ભાવ અને નિર્વ્યાજ આનંદની જ આપલે થતી અનુભવાય છે. આવી ઘટના વળી વ્યક્તિને પોતાના કામની સાર્થકતાનો એક અહેસાસ પણ કરાવે છે અને અંતરમાં અનોખી ઊર્જા પણ જન્માવે છે. આ લખતાંની સાથે એવી જ એક બીજી સંબંધિત વાત યાદ આવી.
થોડા વખત પહેલાં લંડનની લિટરરી ઍકેડેમીએ યોજેલ ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લને ઝૂમ પર સાંભળવાનો લહાવો મળ્યો. ભાષાનાં, સંવેદનાનાં અને અનુભૂતિનાં જુદાં જુદાં સ્તરોના ત્રિવણીસંગમ પર સ્નાન કરાવતી જતી તેમની વાણી સાંભળ્યા પછી જાણે કોઈ પ્રસન્નતાના અગાધ સાગર કિનારે સમાધિસ્થ થઈને શાંત બની બહાર આવ્યા હોઈએ તેવી જબરદસ્ત અનુભૂતિ થઈ. આ ઋષિકવિનાં ધર્મપત્નીએ પોતાની બ્રહ્મવાદિની કાલ્પનિક સખીઓ અરુંધતી, મૈત્રેયી, ગાર્ગી વગેરેની વાતો કરી અને તેમને પોતાને થયેલ એક ખૂબ ઊંચા mystic experience ની સ્વ-પ્રતીતિને પ્રસ્તુત કરતી કવિતાઓ સંભળાવી. તે સાંભળીને આનંદ આનંદ થઈ ગયો.તે પછી તો ઇચ્છાનુસાર તેમનો ફોન પર સંપર્ક થયો અને મારા આશ્ચર્ય વચ્ચે કોઈ નિકટના દોસ્ત જેવી આત્મીયતાપૂર્વક લાંબી વાતો પણ થઈ. ત્યારે લાગ્યું કે કે જે સાચા સભર છે, જે ખરી ઊંચાઈ પર છે તે કેવા ખુલ્લા મનના હોય છે?! અહમ્ કે ગુમાનનો લેશમાત્ર અણસાર નથી હોતો. આવી વાતો, અનુભવો, યાદો ડાયરીમાં ટાંકવાં ગમે છે; એટલા માટે કે ફરી મન થાય અને જરૂર પડે ત્યારે વાગોળી શકાય. કદાચ એટલે જ કહેવાયું હશે કે “માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો.”.આ સુખદ સ્મૃતિ સાથે આજે વિરામ.
-દેવિકા ધ્રુવ

નિત્યનીશીઃ ચંદરવોઃ૩
ચંદરવોઃ 3 સ્થળઃ પોએટ કોર્નર, હ્યુસ્ટન, યુએસએ.
આજનો સુવિચારઃ ગાઢ અંધારાં ઉતરે ત્યારે જ તારા ઝગમગે ને?
આજે સવારે ઊઠી ત્યારે મસુરીની યાદ આપાવે તેવું ધૂમ્મસછાયું આકાશ હતું. ઘડીભર તો લાગે કે આ આટલું ઘેરું ધૂમ્મસ ખસશે જ નહિ. પણ અહો આશ્ચર્ય! થોડીવારમાં તો દૂર પૂર્વના ખૂણેથી એક સોનેરી તીરની અનેક ધાર છૂટી અને પેલો ધૂંધળો પડદો એકદમ પલાયન! કેમેરામાં આખું યે દૃશ્ય પકડું તે પહેલાં તો આભ સોનાવર્ણું ઉજ્જવળ ઉજ્જવળ. માનવજીવનમાં પણ પ્રકૃતિની જેમ જ હોત તો?
હવે તો ઝરમર ઝરમર વરસાદ પડે છે તેમાંયે ઈશ્વરના આંસુ હશે? એવો સવાલ થાય છે. એને શું કોઈએ બાંધ્યો હશે?!! નહિ તો આટલો દયાહીન તો એ ક્યારેય ન હતો ! કેટલાં પીડાયા ને કેટલાં ગયાં? રહ્યાં એ બધા બધું જ કરે છે, જુદું જુદું અને જુદી જુદી રીતે કરે છે પણ જાણે સૌના નેપથ્યમાં માથે લટકતી તલવાર જેવો કાળનો કેર હડપવા બેઠેલા ભૂખ્યાં શિકારીની જેમ ચકળવકળ ઘૂમ્યા કરતો દેખાયા કરે છે. ‘ક્યારે અટકશે’ની રાહમાં આખું યે જગત ઝુરી રહ્યું છે. ઘણીવાર સૂનમૂન થઈ જવાય છે. લેખનમાં પણ અનાયાસે કલમ આમ જ વળે છે.
શ્રી અબ્દુલ કલામના વાંચેલાં વાક્યો યાદ આવે છે.
A door is much smaller compared to the House. A lock is much smaller compared to the door and
A key is the smallest of all but a key can open entire house. Thus, a small, thoughtful solution can solve major problems.
ઘર કરતાં બારણું નાનું છે.
બારણા કરતાં તાળું નાનું છે
અને ચાવી તો આ બધા કરતાં નાની છે. છતાં આખું ઘર તો ચાવી જ ખોલી શકે છે.
એવી કોઈ નાની ચાવી જેવું એક અનોખા રંગનું ઝીણું કિરણ નીકળે અને જગતમાં વ્યાપ્ત વ્યાધિને હટાવે તો કેવું સરસ? આવો નાનકડો તંતુ, આશાનો તંતુ પણ થોડી ઉર્જા જન્માવે છે.
મનને વાળવા ટીવી ચાલુ કર્યો તો વળી પાછા એ જ ન્યુઝ. મિત્ર સાથે વાત કરવા ફોન કર્યો તો એ જ કારમા આઘાતજનક સમાચાર અને વોટ્સેપની ટનાટન આવતી રીંગમાં પણ કોઈની વિદાયની જ નોંધ. ઘણીવાર થાય કે ક્યાં જવું, શું કરવું. પછી બપોરે નક્કી કર્યું કે આજે કંઈ કરવું જ નથી. મતલબ કે, નેટ, ટીવી કે ફોન બાજુ પર જ રાખવા. જેટલા ઓછા ઉપકરણો એટલી ઓછી ઉપાધિ! બહું વિચારવું પણ નથી.
છેવટે ગોલ્ફની રમત જોવા જવાનું નક્કી કર્યું. એમાં વળી આજે તો Father –sonની નક્કી થયેલ ગોલ્ફ્ની ગેઈમ હતી. એટલે વળી ઓર આનંદ. ઘણીવાર golf with grandkids પણ રમાતી (મારે માટે જોવાતી) જ રહેતી હોય છે. આમ તો રમત-ગમતની દૂનિયામાં ઓછો રસ.. પણ પુત્ર-પૌત્ર-પૌત્રીઓને આ ગોલ્ફની રમત રમતાં જોવાની મઝા આવે.. સારું હતું કે, એટલા થોડા કલાકો સરસ હૂંફાળો તડકો હતો. ખુલ્લું ભૂરું આકાશ, હવામાં તાજગી, આસપાસ કેવળ લીલોતરી અને ક્યાંક ક્યાંક છૂટા-છવાયાં પાણીના તળાવો.
આ રમત મનને આનંદ આપે છે. કારણ કે એમાં માનસિક પડકારની સાથે સાથે સમતોલન જાળવવાની કાબેલિયત દેખાય છે. ઉપરાંત ૫ થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં રમાતી ૧૮ holesની આ રમતમાં ગીતાના ૧૮ અધ્યાયનો સંદેશ પણ લાગે. પરિસ્થિતિની પરવા કર્યા વગર, હસતા, રમતા, આનંદ અને કુનેહપૂર્વક, નાનકડા શ્વેત ગોળાને, ૧૮માં છેલ્લા ગોળાકારમાં ઢાળી દેવાનો. ..અંતિમ લક્ષ્ય સુધી…આદિથી અંત સુધી.
Pro Golfer Bobby Jones પણ કંઈક એમ જ કહે છે કે, Golf is the closest game to the game we call Life. You get bad breaks from good shots; you get good break from bad shots. But you have to play the ball where it lies.
રમત જોતાં જોતાં કુદરતના નજારાના અને સંબંધોની સમૃધ્ધિના કંઈ કેટલાંયે દૄશ્યો નજરે ચઢતાં ગયાં અને મનમાં અવનવા વિચારો આવ-જા કરતા રહ્યા. વધુ આનંદ તો પિતા–પુત્રની જોડી સાથે રમે ત્યારે પારિવારિક સુખદ ક્ષણો, સગપણની મનગમતી ફ્રેઈમમાં જડાઈ જાય અને સંબંધોની સુગંધથી મન મહેંકી ઉઠે. દેશ હો કે વિદેશ સંસ્કૃતિનો સંબંધ સામાજિકથી વિશેષ તો આંતરિક આભામાં અનુભવાય છે. સંકુચિત વ્યાખ્યામાં રુંધાતા આજના વૈશ્વિક કૌટુંબિક ચિતારના વિચારો સાંજે રસોડાના ઘરના રોજીંદા કામોની સાથે સાથે ચાલતા રહ્યા.
મોડી સાંજે થાક વરતાયો. તરત ઉંઘ આવશે એમ અત્યારે ઘેરાયેલ આંખ કહી રહી છે. તેથી ‘સૌનું કલ્યાણ થાઓ’ એવી પ્રાર્થના સાથે.. ઓહો..પ્રાર્થના લખતાંની સાથે જ પ્રેરણામૂર્તિ મુક્તિબહેન મજમુદાર યાદ આવ્યાં.
ગયા અઠવાડિયે જ તેમનો જન્મદિવસ ગયો અને સાથે કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો પણ. કેટલીક વ્યક્તિઓ જીવતરના ગોખલે હંમેશા ઝગમગતી રહે છે.
આ મહિનામાં કવિ શ્રી નિરંજન ભગત અને ભગવતીકુમાર શર્માનો પણ જન્મદિવસ. સાહિત્યકાર શ્રી ધીરુભાઈ પરીખે હમણાં જ વિદાય લીધી. સૌની સાથેની યાદો સાંભરે છે.. એ સૌને પ્રેમ, આદર અને નમન સહિત ડાયરીનું આજનું પાનું હવે અહીં જ વાળું.
દેવિકા રાહુલ ધ્રુવ

નિત્યનીશીઃ ચંદરવોઃ૨
*** ચંદરવોઃ૨ *** સ્થળઃ પોએટ કોર્નર, હ્યુસ્ટન, યુએસએ.
આજનો સુવિચારઃ
“મને પગથિયા ખૂબ જ ગમે છે…કારણ કે પોતે સ્થિર રહીને બીજાને ઉપર ચડાવે છે.”
ડાયરીના પાને પાને સુવિચાર લખવાની વર્ષો જૂની ટેવ અનાયાસે આજે ફરી જાગૃત થઈ ગઈ.
એપ્રિલ મહિનો શરૂ પણ થઈ ગયો. એપ્રિલ એટલે શ્રી યશવંત શુક્લ, સ્નેહરશ્મિ અને રા.વી.પાઠક જેવા સાહિત્યકારોના જન્મનો મહિનો.
માર્ચ મહિનાથી તો ઋતુ બદલાઈ છે એટલે રોજ સવારે વહેલા ઉઠી ગરમ ચાનો કપ લઈ બેકયાર્ડમાં બેસી કુદરતને માણવાનો એક નિયમ થઈ ગયો છે. તે પછી જ લખવા, વાંચવાનું કે પછી ઘરના બીજાં રોજીંદા કામો શરૂ થાય. એ રીતે ગઈકાલે સવારે ફરી પાછી પપૈયાના ઠૂંઠા થઈ ગયેલાં ઝાડ પર નજર ગઈ અને થોડા અઠવાડિયાં પહેલાની આંચકાજનક યાદો તાજી થઈ ગઈ.
તે દિવસે ઊંચા ઊંચા અને બાહુ ફેલાવીને ટટાર ઊભેલાં અને માંડવા જેવા શોભતા સરસ મઝાના પપૈયાના ઝાડના પાંદડા સાવ એટલે કે સાવ નમી પડ્યાં હતાં, ઢળી ગયાં હતાં. પાન પરનો પેલો ચળકાટ ક્યાં ગયો હશે? એક જ દિવસની ઠંડીમાં આવા (જાણે કે કોરોનાગ્રસ્ત!) પાંદડાઓને જોઈ તરત તો હેબતાઈ જવાયું. પછી વિચાર્યું કે સમય અને સંજોગનો તકાજો કોને છોડે છે? બાકી કુદરતે તો પપૈયું ભારે હોય તેથી પહેલાં તેનું થડ ઘણું જાડું અને મજબૂત બનાવ્યું હતું અને મોટાં મોટાં પાન ઉગાડી, રક્ષણાર્થે, થાય તે બધું જ કર્યું હતું પછી જ ધીરે ધીરે ફળ ઉગાડ્યું હતું. ખૈર! મૂળ તો રાખ્યાં છે તેથી ફરી પાછું ઉગશે ખરું. ખલીલ જીબ્રાનનું વાક્ય યાદ આવે છેઃ પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને! બધે જ ઝવેરાત ભરી છે. શરત માત્ર એટલી કે ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઈએ.
આ બધી વાતો ખૂબ મનનીય હોય છે. ઘણીવાર થાય કે, બસ બંધ આંખે ભીતરમાં ઊંડા ઉતરી જઈ આમ જ વિચાર્યા કરીએ અને મળતાં મોતીઓ માણ્યા કરીએ. ૨૦૨૦ની ઐતિહાસિક ઘટના ‘કોરોનાની મહામારી’માંથી પ્રગ્ટેલો આ એક જુદો જ વળાંક હશે? એ સાચું છે કે બધા માનવીઓ એકસરખાં નથી કે એક સરખું વિચારતાં નથી. પણ આ સમય તો એવો આવ્યો કે એણે જગતભરના માનવીઓને એક જ મંચ પર લાવીને બેસાડી દીધા. એક ઐતિહાસિક ખેલ રચાઈ ગયો.
બપોરે ગ્રોસરી લેવા ગઈ હતી અને એક અમેરિકન મિત્ર મીસીસ રોબર્ટ્સન મળ્યા. અહીંની સ્કૂલમાં જ્યાં હું પાર્ટટાઈમ જતી હતી ત્યાંના લાયબ્રેરીઅન બહેન. ઘણી વાતો થઈ. તેમણે તેમના એક મિત્રના જુવાનજોધ ભાઈની કોરોનાને કારણે થયેલા કરુણ મૃત્યુની અને એ પછી નાનાં બે બાળકોની એકલી પડેલી યુવાન પત્ની જેનીફરની મનોદશાની વાત કરી અને તે પછી તો તેમણે જેનીફરની નાની ૧૦ વર્ષની વિકલાંગ દીકરીની એક અંગ્રેજીમાં લખાયેલ ઈમેઈલ ફોર્વર્ડ પણ કરી એ વાંચતા હ્રદય હચમચી ગયું. આમ તો આવી ઘટનાઓ ૨૦૨૦ની સાલમાં સેંકડો પરિવારમાં થઈ ગઈ તેમ રોજ સવારે સાંભળવા મળતું. પણ આ વાંચ્યા પછી ખૂબ વિચારો આવ્યા અને બે વાત ઘૂમરાયા કરી કે, માણસમાત્રની સંવેદના એકસરખી છે, લોહીના રંગની જેમ જ અને બીજું દરેક ભાષાને તેની પોતીકી સમૃધ્ધિ છે. જ્યારે જ્યારે સંવેદના એની તીવ્રતમ સ્થિતિએ પહોંચે છે કે કાબૂ બહાર જાય છે ત્યારે તેની ગતિ અને ભાવ ભલભલા પથ્થર હ્રદયને પણ સ્પર્શ્યા વગર રહેતા નથી. અભિવ્યક્તિની અને દરેક ભાષાની આ એક બહુ મોટી વાત છે. વિશ્વની બારી ખોલી જોઈએ તો અને ત્યારે આ વાત બહુ સ્પષ્ટપણે અનુભવાય છે.
સાંજનો સમય પણ લગભગ આ જ વિચારોમાં પસાર થઈ જાત. મનની આ એક નબળાઈ કહેવાય. એક વાત કે વિચાર શરૂ થાય એટલે જલદી પીછો નથી છોડાતો. પણ સારું થયું કે એક કવિતાનું પુસ્તક હાથમાં આવ્યુ અને એમાં રસ પડ્યો. ખરેખર કવિતા મનનો બહુ મોટો વિસામો છે. અહમથી સોહમ સુધીનો આનંદ છે, એ ખુદ અને ખુદાને પામવાની ગુફા છે. શ્રી ગેટેએ કેટલું સાચું કહ્યું છે કે, કવિતા વડે સત્યનું સુંદરતમ સ્વરૂપ પકડી શકાય છે.
એ પુસ્તક પૂરું કરું ત્યાં તો એક સ્વજનનો ફોન આવ્યો. વાત જરા લાંબી ચાલી ને સાંજ ઢળી ગઈ. રાતે વહેલા સૂવાની ટેવને લીધે આંખ પણ એમ જ મળી ગઈ. વાંચનમાંથી ટાંચણ લખી ગઈ કાલ વિશેનું પાનું આજે પૂરું કરું.
વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;
લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર. ( કવિ શ્રી દિલીપ મોદી )
દેવિકા ધ્રુવ
