સંગ્રહ

તખ્તા પર…

તખ્તા પર આવી ઊભો છું, ને રોજ હું વેશ બદલું છું,
સંવાદો કોઈ જ યાદ નથી, ને તોય હું રોલ ભજવું છું.

નાયક છું, ખલનાયક છું, વક્તા છું ને શ્રોતા પણ છું,
તાળી સાંભળી ફુલાઈ મનમાં, દરિયા જેટલું હરખું છું.

અંધાર તેજની વચ્ચે વચ્ચે, ચાંદ સૂરજ ભમતા જાય,
દૃશ્યો, અંકો ફરતા જાય, ને રોલ બદલાતાં મલકું છું.

વારાફરતી પાત્રો આવે, કોઈ ટકે, કોઈ વહી જાય છે,
ક્યાંથી શરૂ ને ક્યાં ખતમ, વિચારી મનને મૂંઝવું છું.

હસતાં, રડતાં, પડતાં, ઊઠતાં, મળેલ મંચને ગજવું છું.
પડદો પડતાં, વેશ ઉતારી, અજ્ઞાત રહીને વિરમું છું.

જુગલબંધી

મારા ગઝલગુરુ સમા અને પરમ મિત્ર એવા કવિ શ્રી મહેશભાઈ રાવલના ‘ખરેખર’ ગઝલસંગ્રહની એક ગઝલનો રદીફ લઈને ‘તરહી મુશાયરા’ની જેમ લખેલ એક ગઝલઃ આનંદ અને આભાર સહિત…..

નજર ને આંખની સાથે જુગલબંધી કરી છે મેં.
ખરેલાં પાનની સાથે જુગલબંધી કરી છે મેં.

નિયમ કેવો છે નૈસર્ગિક, પ્રથમ પીડા, પછી સર્જન!
વિરોધાભાસની સાથે જુગલબંધી કરી છે મેં.

નજીક રાખ્યાં હતાં દિલની, થયાં અળગાં તમે જાતે
તો ખાલી જામની સાથે જુગલબંધી કરી છે મેં.

નહિ તો આ રમકડાં સ્ક્રીનના ક્યારે હતાં પ્યારાં?
સમયની ચાલની સાથે જુગલબંધી કરી છે મેં.

હતી ઈચ્છા રૂપેરી, રૂબરૂ વાતોને વાગોળું.
પરાણે ‘ઝૂમ’ની સાથે જુગલબંધી કરી છે મેં.

મને હું મળી ગઈ

અહો ક્યાં અચાનક મને હું મળી ગઈ.
હતી જે ખરી તે જગે હું જડી ગઈ.

 ઊગ્યો રવિ દૂરથી રાત વીંધી.
ને સૂરજની ધારા તિમિરો ગળી ગઈ. 

સમયના બે કાંટા સતત અહીં  ફરે પણ,
ફરીને સમયના રહસ્યો કળી ગઈ. 

ભૂલી તો પડી’તી ઘડી બે ઘડીભર
વળી તો, પરમ દર્શને હું મળી ગઈ. 

 શબ્દોની ઝાડી મહીં વીંટળેલી
મૃદુ મખમલી ભાવ-ડાળે ઢળી ગઈ.

નીરવ શાંત સ્થાને, સમી એક સાંજે,
અનાયાસે ખુદમાં, હવે હું ભળી ગઈ.

કલમની કમાલે ધરી હામ સાચી,
છે સુંદર આ પૂજા, શિવે હું મળી ગઈ. 

નાતાલનો નજારો…’કોવિદ’નો કિનારો..

ડીસેમ્બર મહિનો શરૂ થાય એટલે આંખ સામે ‘સ્નો અને ક્રિસ્મસ ટ્રી’ના દૄશ્યો દેખાવા માંડે. ટીવી ખોલીએ ને જિન્ગલ બેલ જિન્ગલ બેલ’ નું મ્યુઝીક સંભળાવા માંડે. બારી બહાર નજર જાય અને શણગારેલા મકાનો જોવા મળે, બહાર નીકળો તો માનવીઓની દોડાદોડ અને કોને કઈ ગિફ્ટ આપવી એવી મથામણો માણવા મળે. પણ….આ વખતની વાત જરા જુદી છે. પહેલાં જોઈ કે સાંભળી નથી તેવી છે. છતાં આશા તો અમર જ ને? આવી વિચારધારા સાથે એક રચના સાંપ્રત પરિસ્થિતિ મુજબ

નાતાલનો આ તાલમાં,  નિર્જન  નજારો છે અહીં,
આનંદ ને ઉદાસીનો,  જુદો ઝગારો છે અહીં !

છે વિશ્વભરના હાલ ને ઋતુ-ઋતુની ચાલ પણ                                                    
કૂંપળ નવી ખીલશે જગે, ફરતો ધખારો છે અહીં.

અવસર ભલે  સૂનો સહી, ખુશી ખુશી ગાઓ ચલો,
વીસવીસને  છે અલવિદા,
કોવિદ કિનારો છે અહીં.

છેટા રહો, જોડાં ઉતારો, હાથ ધૂઓ,  માસ્ક પહેરો,                                                
દૄશ્યો જૂના જોયાં બધા,જીવન સુધારો છે અહીં.                                                                      

દરિયો તર્યા મુબારકો, દરિયો ભરી શુભાશિષો.
‘જે પોષતું તે મારતું’, એવો મિનારો છે અહીં.

જુઓ તમે જો ધ્યાનથી, સંદેશ છે ઈશુ તણો,
કે સંપ હો ત્યાં જંપનો, મોંઘો ઇશારો છે અહીં.

વાંછુ સદા ખોબો ભરી, નવવર્ષના મુબારકો,
સર્વે ભવો નિરામયા”,  દિલના પુકારો છે અહીં.

                                                                    

કવિતાને કોરોના!

જાગો, ઊઠો, દોડો, સૌ વિચારો
રોજ હોમાતા જગને કોઈ બચાવો.

 આખે આખી જો,આ સળગી રહી છે.
ભાષાનું એક ભવન અલગ  રચાવો.

લાગી ગ્યો છે, કોરોના, કવિતાને
એનો કોવિદ્ ટેસ્ટ કોઈ તો કરાવો.

માણસ દીઠ રોજરોજ ફૂટતી રહે છે,
વૈદ ખરો બોલાવી, ઈલાજ  બતાવો.

ચેપી રોગથી પીડાય છે એ રોજે,
સમજીને હવે ખુદનું જ માસ્ક લગાવો!

આક્રોશ…

અમથું કહે છે આ જગત, કે અધર્મના સંહાર માટે આવ્યો’તો એ.
છે કૈં જવાબો ? ક્‍હો મને,નિર્દોષ એવા કર્ણને શો ન્યાય મળેલ?

રે,પત્નીને મૂકી છે જેણે  હોડમાં,  જુગારમાં,  એનો જ સાથ !
ને માંગણી કુંડળ કવચ ? ધિક્કાર છે,એ જીત એની છેતરેલ !

સાચી અગર એ વાત હો તો જો, જરુરત આજ પણ છે જ,
દૂર્યોધનો, દુઃશાસનો,ને છે શકુનિ આજ પણ માથાં ફરેલ..

આવી ફરી કર ન્યાય સાચો, તો જ માનું “તું હતો ને  છે જ છે તું.”
શાને ન આવે હેં?!  કહેને, ચક્રધારી, આંગળીએ પર્વત ધરેલ?!!

આ લોકને  સમજાવતો, વિચારજો,  કેવો હતો ચાલાક ખેલ ?
કે જન્મ ભૂમિ જેલ કીધી, કર્મભૂમિ  યુક્તિપૂર્વક રાખી મ્હેલ!

 

જાઉં છું..

ભીતર સરકતી જાઉં છું, ઊંડે ઉતરતી જાઉં છું.
ભીષણ થયાં સંજોગ જગના, આહ ભરતી જાઉં છું.

ધગધગ થતા લાવા સમી ફેલાઈને કંપાવતી,
જવાળામુખીની લ્હાય જોઈને કકળતી જાઉં છું.

આ વિશ્વને થંભાવતું, ઈન્સાનને હંફાવતું,
જંતુ ફરે,લાશો ભરે? પળપળ નિગળતી જાઉં છું.

ધીરે રહી આંખો બિડી, અંદર પડળ ખોલ્યા પછી,
ઉજાસની કિનાર
જોતા, કૈંક સમજતી જાઉં છું.

ટટ્ટાર સામે વૃક્ષ ઊભું, મૌન વાણી ઉચ્ચરે,
પડઘાય વારંવાર ૐ, હળવેથી ઠરતી જાઉં છું.

વામન મટી વિરાટ થઈ, પામર મટી જે થઈ પરમ
એ શક્તિનો અણસાર પામીને ઉઘડતી જાઉં છું
.

સાંજ..

વાનપ્રસ્થાશ્રમને આરે ઉભેલા આશાવાદી એક માનવીને જીવનમાં હજી ઘણું ઘણું કરવું છે. ન એને મૃત્યુનો ડર છે કે ન એની રાહ છે પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કૈંક એવું ઉમદા અને સરસ કામ કરી જવું છે કે જેના થકી એનો અંત પણ સુંદર,શણગારયુક્ત બની જાય !
********************************* ****************************

સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.

હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી ઝાળો,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.

હવે મમળાવવી મારે અહીં કુમાશ કીરણોની,
જરા થોભી, ફરી ખોલું હતી બારી જે ઝગમગતી..

અહો કેવી મધુરી સ્‍હેલ આ સંસારસાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.

કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે,
જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!

દેવિકા રાહુલ ધ્રુવ…

ગઝલ- વાત રહેવા દો…

‘શબ્દસૃષ્ટિ’માં પ્રકાશિત ઃ એપ્રિલ-મે-જૂન ૨૦૨૦

 

 

 

 

July ૨૦૧૫માં ‘નવનીત સમર્પણ’માં પ્રકાશિત ગઝલઃ

કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.     
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો.

ભર્યા ઠાલા અને પોલા, છે અર્થો શબ્દ-કોષોમાં,
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો.

જુએ સામે અરીસો લઇ, છતાં ના જાતને જોતા,
મળે ઇશ્વર, તો શું દેખે? બેગાની વાત રે’વા દો.

સુગંધી શ્વાસમાં સૂંઘી, ભરે અત્તરને વસ્ત્રો પર
ફૂલોની પાંદડી તોડી,પીસ્યાની વાત રે’વા દો.

ઝવેરી વેશ પ્‍હેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,
હિરા ફેંકી, વિણે પત્થર, દીવાની વાત રે’વા દો.

કોઇ લાવો નવા રાજા ને રાણીની કથાવાર્તા,
પરીઓની ખરી ખોટી, રૂપાળી વાત રે’વા દો..

કહ્યું છે સાચું વિજ્ઞાને હજારો વાર પૃથ્વી ગોળ,
મળે રોવાને ક્યાં એકે, ખૂણાની વાત રે’વા દો.

 

મા…


માતૃદિન નિમિત્તે ગુજરાત સાહિત્ય સંગમ દ્વારા મે ૧૦ ,૨૦૨૦ના રોજ પ્રકાશિત સ્વરચના …