સંગ્રહ

નૈયા..

કિનારે ઠરેલી જુદી છે આ નૈયા
નવાં કો’ મુકામે, જવાની છે, સૈયા.


ખલાસી, પ્રવાસી કશી ના ખબર છે.
ને તોયે છે હૈયે, તો તાતા તથૈયા.

હશે શું ને કેવું, નથી જાણ, કંઈ પણ
છે ખાત્રી, સદાની, હશે પાસ મૈયા.


હમણાં તો ફિકરની ફાકી કરી છે.
સ્મરણ-ઘાસ જાણે, ચગળે કો’ ગૈયા.


હજી વ્યોમ ભોમે, છે ગીતો મધુરાં
અગર જો મળી જાય, સુરીલો ગવૈયા.

વિચારું છું..

વિચારું છું, ન વિચારું છતાં પણ હું વિચારું છું.
વિચારીને પછી મિથ્યા ગણી મનને મનાવું છું. 

નથી કૈં સત્ય કે ના તથ્ય, છે માયાવી જાળો આ
ને અંતે એ વિચારીને પછી સઘળું વિસારું છું.

જગતમાં જાત છે ને જાતમાં આખું જગત પણ છે.
ફરક તોયે ધરા ને આભના જેવો નિહાળું છું.

કદી ના ઊડવું ઉપર, કહે છે ઉડતું પંખી!
નથી માળો થતો આભે, તો હું વૃક્ષો સજાવું છું.

હતું મનમાં, પડી જળમાં, તરી જાશું વિના નૈયા
નદી સૂકાય જો વચમાં, ઉરે સાગર સમાવું છું.

નગારાં સૌ વગાડે નિજના ચારે દિશાઓમાં,

જઈ એકાંત, રાખી મૌન, બસ, અક્ષર ઉતારું છું.

આ લોકો….

સપ્ટે.૧૭ ૨૦૨૧..ગુજ ન્યૂઝ લાઈન, કેનેડા

જો તોડો વચન તો ડરાવે આ લોકો,
ને પાળો વચન તો રડાવે આ લોકો. 
 

એ પાડે દિવાલો, પડે જ્યાં તિરાડો,
બની ખુદ દિવાલો, ડુબાડે આ લોકો. 
 

 જે ખાલી ચણો છે, તે વાગે ઘણો અહીં,
મદારી બની મન, નચાવે આ લોકો.

પહેલાં એ કે’તા, ‘શીખો યાદ રાખો,’

હવે ભૂલતા શીખવાડે આ લોકો.

થયો શાને ઈશ્વર તું પત્થરની મૂરત?

હશે રાઝ એ કે, થકાવે આ લોકો. 

આ કડવી હકીકત, ને છે સાવ સાચી,

શું જાણી ખુદાને, બનાવે આ લોકો! 

અખાના જ છપ્પા સમી ‘દેવી’ વાતો,

સજાવી ધજાવી, સુણાવે આ લોકો.

મઝાના દ્વાર..

નથી ભગવાન મળતા કે નથી ઈન્સાન મળતા અહીં,
મળે છે તો બધા સંજોગના પૂતળાં જ ફરતાં અહીં.

નથી કોઈ લગામો કે નથી કોઈ પ્રતિબંધો
વિચારો જાણવા કે રોકવા યંત્રો ન જડતાં અહીં.

રહીને રામ પણ પૃથ્વી પરે કૈં ના શક્યાં રોકી,
ઈરાદો મંથરાનો જીરવી વનવાસ ચરતા અહીં.

ખરે છે પાન ને ડાળો પવનની એક ઝાપટમાં
અરે, થાયે ધરાશાયી, તરુવર પણ ઉખડતાં અહીં.

રચે સંસાર સર્જનહાર મૂકી ભાવના ઊંચી,
અગર સાચી મળે કૂંચી, મઝાના દ્વાર ખુલતાં અહીં.

અમાનત છે..

કચકડાંની કરામત છે ને મેક-અપની મરામત છે.
મનુષ્યોની જુઓ કેવી બધે જબરી બનાવટ છે?

નકલ તો જ્યાં જુઓ ત્યાં ત્યાં, અસલની થાય ચોગરદમ
ખપાવે છે ખૂબીમાં પણ, નરી એમાં બગાવત છે.

થતાં કેવાં આ વૃક્ષો બી થકી, એમાંથી નીકળે બી,
મઝાની ખૂબ અફલાતૂન નિયતિની નજાકત છે!

કદી જોઈ છે ધારીને, કે નીરખી છે લઈ હાથે?
અહો, દાડમની આકર્ષક ને મનમોહક સજાવટ છે!

ઘણું સુંદર દીધું એણે, ન દીધી શ્વાસની ચાંપો
વિધાતાની બધે, આ તો ગજબની ક્રૂર શરારત છે!

દઈ દે છે એ મનફાવે ને વીફરે તો લઈ પણ લે
કહે છે તોય એની શાખ તો મોટી  સખાવત  છે !

અહીંની જેમ લાગે છે, હશે ત્યાં પણ મિલાવટ કૈં
મરણની છે રિયાસત કે, જીવન એની અમાનત છે?

દેવિકા ધ્રુવ

ખમૈયા કરો..

https://opinionmagazine.co.uk/details/7123/khamayaa-karo-bas

વિપુલભાઈ કલ્યાણીના આભાર સાથે…

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં … ખાસ કરીને ભારતના હાલ જોતાં / સાંભળતા દૂર બેઠેલ મનની વ્યથા ..

ઝલઃ ખમૈયા કરો બસ…

ન કારણ કળાય છે, ન તારણ જણાય છે.
જગત આખું યે એક તાવડે તળાય છે.

ન લાઠી, ન તલવાર, ન કોઈ છે શસ્ત્રો.
છતાં એક યોદ્ધો હજી ક્યાં જીતાય છે?

લડીશું, જીતીશું સહુ એમ કહે છે.
ખરું તો એ છે, લોક અંદર પીસાય છે.

મઝાથી પતંગો નભે ઊડતા’તા.
અચાનક ટપોટપ ઝડપથી કપાય છે.

જરા ના હલાય છે! ન કોઈને મળાય છે.
કાં શ્રદ્ધા ડગાવો? મર્યા વિણ મરાય છે.

શું એ ધર્મ સંસ્થાપનાર્થે ફરે છે?
કસોટી કરે છે? ઘડાઓ ભરાય છે?

સળગતા સવાલો અનુત્તર સમાય છે.
ખમૈયા કરો બસ, મર્યા સમ જીવાય છે.

તર્ક જેવું..


પહેલાં હતું એ જીવન સ્વર્ગ જેવું
હવે તો જુઓ આ જગત નર્ક જેવું!

મળે નિત્ય શિક્ષા ને પાઠો ય નોખા
બધા સાથ બેસી ભણે વર્ગ જેવું
.

તપાસે, તપાવે, ક્ષણેક્ષણ તરાશે.
કરે કેવું કેવું જુદું તર્ક જેવું?

પૂજ્યો’તો બનાવી એ ઈશ્વરને પત્થર.
બતાવી દીધું કંઈ હશે કર્મ જેવું?

મહાયુધ્ધ સામે ને વિષાદ ભારે
હશે આ મહાકાવ્યના સર્ગ જેવું!

તખ્તા પર…

તખ્તા પર આવી ઊભો છું, ને રોજ હું વેશ બદલું છું,
સંવાદો કોઈ જ યાદ નથી, ને તોય હું રોલ ભજવું છું.

નાયક છું, ખલનાયક છું, વક્તા છું ને શ્રોતા પણ છું,
તાળી સાંભળી ફુલાઈ મનમાં, દરિયા જેટલું હરખું છું.

અંધાર તેજની વચ્ચે વચ્ચે, ચાંદ સૂરજ ભમતા જાય,
દૃશ્યો, અંકો ફરતા જાય, ને રોલ બદલાતાં મલકું છું.

વારાફરતી પાત્રો આવે, કોઈ ટકે, કોઈ વહી જાય છે,
ક્યાંથી શરૂ ને ક્યાં ખતમ, વિચારી મનને મૂંઝવું છું.

હસતાં, રડતાં, પડતાં, ઊઠતાં, મળેલ મંચને ગજવું છું.
પડદો પડતાં, વેશ ઉતારી, અજ્ઞાત રહીને વિરમું છું.

જુગલબંધી

મારા ગઝલગુરુ સમા અને પરમ મિત્ર એવા કવિ શ્રી મહેશભાઈ રાવલના ‘ખરેખર’ ગઝલસંગ્રહની એક ગઝલનો રદીફ લઈને ‘તરહી મુશાયરા’ની જેમ લખેલ એક ગઝલઃ આનંદ અને આભાર સહિત…..

નજર ને આંખની સાથે જુગલબંધી કરી છે મેં.
ખરેલાં પાનની સાથે જુગલબંધી કરી છે મેં.

નિયમ કેવો છે નૈસર્ગિક, પ્રથમ પીડા, પછી સર્જન!
વિરોધાભાસની સાથે જુગલબંધી કરી છે મેં.

નજીક રાખ્યાં હતાં દિલની, થયાં અળગાં તમે જાતે
તો ખાલી જામની સાથે જુગલબંધી કરી છે મેં.

નહિ તો આ રમકડાં સ્ક્રીનના ક્યારે હતાં પ્યારાં?
સમયની ચાલની સાથે જુગલબંધી કરી છે મેં.

હતી ઈચ્છા રૂપેરી, રૂબરૂ વાતોને વાગોળું.
પરાણે ‘ઝૂમ’ની સાથે જુગલબંધી કરી છે મેં.

મને હું મળી ગઈ

અહો ક્યાં અચાનક મને હું મળી ગઈ.
હતી જે ખરી તે જગે હું જડી ગઈ.

 ઊગ્યો રવિ દૂરથી રાત વીંધી.
ને સૂરજની ધારા તિમિરો ગળી ગઈ. 

સમયના બે કાંટા સતત અહીં  ફરે પણ,
ફરીને સમયના રહસ્યો કળી ગઈ. 

ભૂલી તો પડી’તી ઘડી બે ઘડીભર
વળી તો, પરમ દર્શને હું મળી ગઈ. 

 શબ્દોની ઝાડી મહીં વીંટળેલી
મૃદુ મખમલી ભાવ-ડાળે ઢળી ગઈ.

નીરવ શાંત સ્થાને, સમી એક સાંજે,
અનાયાસે ખુદમાં, હવે હું ભળી ગઈ.

કલમની કમાલે ધરી હામ સાચી,
છે સુંદર આ પૂજા, શિવે હું મળી ગઈ.