સંગ્રહ

વિશ્વશાંતિ….

આતમે ઓઢેલા કાયાના વાઘામાં
પરમનો અંશ ખરો પામી તું લે.                 

મનને વરેલા વિચારોનાં પીંછામાં
ઉંચેરી આશા સમાવી  તું લે.                    

દિલને વીંટેલા આ માયાના વીંટામાં
સાચુંકડી પ્રીત જરા આણી તું  લે.                

જગતમાં જામેલાં જુઠાં સો વળગણમાં
સર્જક્નુ સત્ય સદા જાણી તું  લે.                   

અંતરમાં જાગેલાં વિશ્વનાં સપનામાં
સમજણની રોશની ફેલાવી તું  લે.

કાળજડે કોરેલા થનગનતા કોડમાં
દિવ્ય સંદેશ  હવે  પામી તું લે.

સર્વત્ર સળગેલા દુન્યવી તણખામાં
શાંતિનો  દીપ  પ્રગટાવી તું  લે.

Advertisements

લગ્નપ્રસંગના મંગળાષ્ટક…

પીઠીરંગ્યો કાગળ છે…. પ્રેમરંગી (લાલ) શબ્દો છે  અને…  મહેંદીભર્યાં  છે નામો ….

પળ-અકળ

જન્મની પળ કંઈ એવી અકળ અહીં,

પહોંચે ન કોઈ એ વિસ્મયના તળ મહીં.

 

ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.

કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય..

રોજ રોજ પાના તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી..

પણ પહોંચે ન કોઈ એ વિસ્મયના તળ મહીં.…. …..જન્મની પળ કંઈ એવી અકળ અહીં..

 

અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.

શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર..

સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,

તોય પામે ન કોઈ એ વિસ્મયના તળ મહીં.……….. જન્મની પળ કંઈ એવી અકળ અહીં..

 

ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાંય રાખી, ના કોઈને કીધી.

લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.

છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી..

આખરી પળ પણ એવી અકળ અહીં…………………પામે ન કોઈ એ વિસ્મયના તળ મહીં.

 

એક નવી દિવાળી લાવો…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કોઈ નવી નવરાત્રી લાવો, એક નવી દિવાળી લાવો,
શેરીએ થાતી ગરબાઓની ત્રણ રૂપાળી તાળી લાવો.

આદર કેરા દાંડિયા ઝાલી અમૃત-રાસ રચાવો.
સ્નેહનું ઘૂંઘર, સ્મિતનું ઝુમ્મર, ઘમ્મર ઘૂમ મચાવો..
દિલડે દીવડા પ્રગ્ટે એવી રાત અજવાળી લાવો… એક નવી દિવાળી લાવો..

પ્રાંત પ્રાંત કે ભાષા-ભેદની વાડો તોડી,વછોડી
માનવતાનો ધર્મ છે સાચો, ધનની પૂજા છોડી
મન-મંદિર સજાવો, કોઈ રીત મતવાલી મનાવો….એક નવી દિવાળી લાવો.

ઉરને આંગણ સમજણ કેરા સાથિયાઓ પૂરાવો.
એકાંત કુંજે, પ્રસન્ન ચિત્તે, આતમ-રાજ બોલાવો.
ચૌદશ કાળી હોય જો અંતર, વળીને વાળી આવો.. એક નવી દિવાળી લાવો..

નૂતન વર્ષે આશાઓના અભિગમ સંગે ઝુલો,
હો વિચાર-વાણી વર્તન સાચા આચરણના ફૂલો,
ભીતર કંકુ પૂજાપાની આરત-થાળી લાવો … એક નવી દિવાળી લાવો..

રસસભર..

જ્યાં રસ ઝરે અતિ સરસ સરસ , ને ટીપે છીપે તરસ તરત.

જેમ કિરણ સરે નભ પરમ નરમ, તેમ શબદ તરે અહીં મન સરવર.

નવરંગ દીસે જીવન ચણતર,

ધૂપ-છાંવ ઝીલે ઘડતર આ અંતર.

કશું અંજન કરતું સતત નયન.

એની એક ઝલક, સુખ દે દરશન,

જેમ કિરણ સરે નભ પરમ નરમ, તેમ શબદ તરે અહીં મન સરવર.

પર્વત પર્વત ઘૂમતું ધૂમ્મસ.

વાદળ કોરે આશનું ઓજસ.

નાદાન સરે અહીં સરળ તરલ,

દિલ હરખે પામી અરથ વિરલ.

જ્યાં રસ ઝરે અતિ સરસ સરસ, ને ટીપે છીપે તરસ તરત.

સંવાદ ગીતઃ

સૂરજ એક દિ’ કહે ચાંદને, તુજથી વધુ ધરતી હું ચાહું,
રાતનો શ્યામલ ઘૂમટો હટાવી  ચહેરે ઉજાસ પથરાવું.
તું તો ચંદ ઘડીથોડોક, ને વધતો ઓછોમળતો.
વળી સંતાતો, વાદળ પાછળએવું ઘણું યે કરતો.

ચાંદ કહે, વાત તારી સાચી પણતું તો એને તાપતો રહે.
હું ઘડી થોડીક મળું , પણ શીતલ-પ્રેમથી ઠારતો રહું.

પવન આડે આવી બોલ્યો, બંધ કરો બકવાસ તમારી.
મન ફાવે તો આવોજાઓ, બણગાં  ફૂંકો ખોટાં ભારી?
સતત વહો જો મારી જ્યમ, તો જાણું લાગણી લીલીછમ.
રહું અવિરત  ચારેદિશ
મહેંકાવું શ્વાસે ગુલશન સમ.

ના રહેવાયું મેઘરાજથીસાંભળી ખોટા  વાદવિવાદ,
કહેવરસું  મન મૂકીનેભીંજવું  ધરતી અનરાધાર.
ઢોલનગારાટહૂકા સાથે મેઘધનુષ ને વીજ ચમકીલી,
જઈ  પહેરાવું  લીલી ચુંદડીસ્નેહે હસાવું ખીલી ખીલી.

સાંભળી મલકીધરતી વિચારેસૂર્ય,ચાંદ,પવનવરસાદ;
અગર જુએ જો મૂંગું ભીતર, તો જ સાંભળે અંતરનાદ.

કદી તપી પેટાળે ફાટું
કદી હું વાવાઝોડે કંપુ,
જલપ્રપાતે દૂર તણાઉં, વળી કદી અંધારું ઓઢું.
વ્હારે ત્યારે કોણ આવે છે
આજ લગી હું ના પ્રમાણું.
ધૈર્ય, કસોટી,પીડા, જગની  જુગજૂની  હું પિછાણુ.

અલ્પ
અતિના વાદો છોડીમન સમતલ કરી જાણું.
હર મોસમના રંગ ઢંગ સંગ, ખેલું ગણી નજરાણું.

વાસંતી વાયરાને શબ્દમાં ગૂંથું…

 

 

અમેરિકામાં વસંતનો પ્રથમ દિવસ…માર્ચ ૨૧..

યોગાનુયોગે એ વિશ્વકવિતા-દિન.કેવો સુભગ સંયોગ!

 

 

 આ વાસંતી વાયરાને ફૂલમાં ઝીલું, ઝીલી ઝીલીને આખું ગગન ઘૂમું.
ગગનની પાર ઘૂમી ભીતર વળું,
વળી લળીને પૂરો સમંદર ભરું.
આ વાસંતી વાયરાને ભીનો કરું,
ને  ભીનાભીનાં જળ થકી જીવન સીંચું.
જીવનની મહેંકને ચોપાસ વીંટું,વીંટી વીંટીને  મ્હેંક ગુલશન ભરું.

આ વાસંતી વાયરાને શબ્દમાં ગૂંથું,
ગૂંથીગૂંથી  કોઈ સરગમ  રચું.
સરગમ  સંગ ગાનને વ્હેતાં મૂકું,
વહેતાં બે ગીત
 ભરી બાળને ચૂમું.
આ વાસંતી વાયરાને ફૂલમાં ઝીલું,ઝીલી ઝીલીને દૂર આભને અડું.
આભને અડું,પરમ પ્રેમમાં ભળું… આ વાસંતી વાયરાને શબ્દમાં  ગૂંથું…