શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરુ થઇને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા,જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે ? કદી એની કલ્પના કરી છે?
દેવકીનું દર્દ…
શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.
છાતીમાંધગધગતીકેવીએલ્હાય?
કાયા તો ઝીલે લઈ ભીતર સંગ્રામ,
વદપક્ષની રાતે મુજ હૈયું વ્હેરાય.
લમણે તો લાખ તોપમારો ઝીંકાય, હાય… શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
સાત સાત નવજાત હોમીને સેવ્યો,
નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને?
કંસડાનો કેર ત્યારે કાપ્યો ન કા’ને?
ગોવર્ધનધારી કેમ બિચારો થાય? હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,વાહ!
જગ તો ના જાણેઝાઝુ,દેવકીને આજ.
વાંક વિણ,વેર વિણ,પીધા મેં વખ,
ને તોયે થાઉં રાજી,જોઇ યશોદાનું સુખ.
આઠમની રાતે જીવે ચૂંથારોથાય,
કેમે ખમાય? બહુ પીડા અમળાય..હાય… શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
કાવ્ય એટલે શું? કોઇપણ ગુજરાતી ભાષાના વર્ગમાં ભણાવવામાં આવતું પદ્ય? એક રીતે જોઈએ તો આ વાત આપણને એટલા માટે સાચી લાગી કે સાવ નાનપણથી સ્કૂલમાં ગુજરાતીના વર્ગમાં ભણતા ભણતા કવિતાની ઓળખ થઈ. એક સાદી સમજ એવી હતી કે કાવ્યમાં છંદ, અલંકાર, માત્રામેળ, શબ્દમેળ અને ઘણા બધા નિયમો તો હોય જ..
પણ ક્યારેક અનાયાસે સાવ સરળતાથી સર સર વહી જતા શબ્દોમાં ય જે કાવ્યતત્વ હોય છે એ તો જ્યારે જાણીએ અને માણીએ ત્યારે જ એ સમજાય. આજે એક એવા જ સર સર વહી જતા શબ્દોમાં વહી જતું કાવ્ય માણવાનો અવસર મળ્યો.
હ્યુસ્ટન સ્થિત દેવિકા ધુવનું ‘શતદલ’ કાવ્ય સાવ સરળ, સહજ અને તેમ છતાં મનને સ્પર્શી જાય એવી રચના છે. કેટલાક કાવ્યો એવા હોય જેની સમીક્ષા જાણે શાસ્ત્રીય પધ્ધતિથી જ કરી શકાય. જ્યારે કેટલાક કાવ્યો એવા ય હોય જેનો આસ્વાદ દિલથી થાય. ‘શતદલ’ એવી જ રીતે દિલથી આસ્વાદી શકાય એવું કાવ્ય છે જે ધીમે ધીમે ખુલતી કમળની પાંખડીઓની જેમ ખુલે છે.
ઉઘડતી સવારે ખુલતા કમળને જોઈને જે પ્રફુલ્લિતા અનુભવાય એવી જ કોઈ અનુભૂતિ આ કાવ્યથી થાય છે. કાવ્ય પણ ઉઘડતી સવારની જેમ જ હળવે હળવે ઉઘડે છે.
પાણીના ઘેરા નીલા રંગ પર ખીલતા કમળને જોઈને પારણાંમાં પોઢેલા કૃષ્ણના શ્યામ ચહેરા પર હસી રહેલા નયનની ઝાંખી થાય એવી કેવી મઝાની કલ્પના ? ચહેરો તો હસે પણ આંખો ય હસતી હોય એ ચહેરો ય કેટલો વ્હાલસોયો લાગે ! આગળ વધતા કવયિત્રીએ વળી એક વાત વહેતી મુકી છે. અહીં પાણીથી તરબતર વાદળમાંથી અનરાધારે વરસતા વરસાદના બદલે બુંદે બુંદે સરકતી જળધારાથી ભીંજાતા નર નારીનું ચિત્ર જાણે તાદ્રશ્ય કર્યું છે જેમાં વાચક પણ ભીંજાતો હોય એવું અનુભવે.
હવેની પંક્તિઓમાં સાવ બે અલગ જ છેડાની વાત કરી છે અને તેમ છતાં જાણે એ એકમેકના પૂરક હોય એવું અભિપ્રેત છે. ચારેકોર ઉમટેલા ઘનઘોર વાદળોમાંથી ઉઠતી ગાજવીજની સામે વૃક્ષ પર બેઠેલા કોઈ પંખીનો કલરવ ક્યાં કોઈને સંભળાવાનો છે ? તેમ છતાં એ કલરવ ક્યાંકથી તો ઉઠ્યો જ છે અને એ સંભળાયો ય છે. એનો અર્થ એ કલરવની પ્રતીતિ ઝીલવાની બારીકી ય હજુ આપણામાં અખંડ છે અને બીજી મઝાની વાત તો અહીં એ જોઈ કે ઘનન ઘનન ગરજત, કરત કલરવ, છલ છલ છલકત , જલ, સરવર જેવા કાના-માત્રા વગરના શબ્દો પ્રયોજીને પણ એક લય ઉભો કર્યો છે.
ત્રીજા અંતરામાં દિલને મોહી લેવા એવા સૂરથી ભાન ભૂલતા વનરાવનના ગોપકોની વાત કરે છે ત્યારે વૃંદાવનના બદલે વનરાવન, શબ્દના બદલે શબદ જેવા તળપદી શબ્દપ્રયોગ યોજીને જ જાણે આંખ સામે ગોકુળ ખડું કરી દીધું છે અને જ્યાં ગોપની વાત આવે ત્યાં કૃષ્ણની હાજરી તો વર્તાવાની જ ને? એમનો સીધો ઉલ્લેખ નથી કર્યો તેમ છતાં પાવન પ્રીતની વાતથી એ અહીં છે જ એવી પ્રતીતિ તો થાય છે જ.
આમ જોવા જઈએ તો આ આખું કાવ્ય જ વરસાદી કાવ્ય બનીને ઉભર્યું છે. વરસી રહેલા અને વરસી ગયેલા વરસાદ અને એ પછીની લીલીછમ સદ્યસ્નાતા જેવી ધરતીનું મનોરમ્ય સૃષ્ટિનું વર્ણન જ આપણને મસ્ત મસ્ત કરી દે છે અને જ્યારે રાજી થઈને ઝૂલી રહેલા ફૂલોથી શોભી રહેલા મધુવનની વાત આવે ને ત્યારે તો આપણે પણ એક આહ્લાદક અનુભૂતિથી ઝૂમી ઉઠીએ…
આવા સાવ સહજ તેમ છતાં શબ્દોથી અનુભવી શકાય એવાં લયબદ્ધ કાવ્ય માટે દેવિકાબહેનને અભિનંદન.
એપ્રિલ ૨૪ ના રોજ લોસ એન્જેલસના ‘ઓટલો’ ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમનો એક અંશઃ શ્રી કૌશિક શાહના સંકલન અને સૌજન્ય સાથે આનંદપૂર્વક..આભાર સહિત..please click on picture