
યજ્ઞ

એ આવે છે,
ને જાય છે.
ખબર નથી પડતી.
કેવી રીતે અને ક્યાં?
કોણ જાણે?
રેશમી, મુલાયમ, કવચમાં
પોતાને છૂપાવીને
આવે છે,
હવા,પાણીની વ્યવસ્થા કરીને ગોઠવાય છે.
તેજનો એ જરૂર ભંડાર હશે.
એટલેસ્તો, પોતાની આસપાસ
નિસરણી, લપસણી, ઝુલા કંઈ કેટલું બધું
સુંદર બાગ જેવું રચી,
સુસજ્જ કરીને રહે છે.
બારી, બારણાંયે બેનમૂન!
‘ટ્રેશકેન’ની પણ કેવી સગવડ!
એ કોણ છે, શું છે?
આકાર? રંગરૂપ?
નથી ખબર.
માણસ એને બહાર શોધે છે,
પથ્થરોમાં પૂજે છે.
ને એ તો અંદર મોજથી રહે છે!
એ આવે છે,
ને જાય છે.
ખબર પડે છે કોઈને?!
કેટલું મોટું ટોળું હતું એકલતાનું!
એ અચાનક એકાંતની ગુફામાં ખેંચી ગયું.
ચારે બાજુ ઘોર અંધારુ.
આંખો મીંચી દીધી.
તો બંધ આંખે આ શું જોવા મળ્યું?!
ગુફામાં તો હિંસક પશુઓ જ હોય.
એવા જ આકારો દેખાયા, પણ એ ત્રાટકતા નહોતા!
પાળેલા હોય તેમ જાણે ટગર ટગર જોયાં કરે.
પાસે આવવાનોયે પ્રયાસ કરે
ને એને પાસે આવવા દેવા કે નહિ?
એવી દ્વિધાની વચ્ચે, લાંબા સમય સુધી
ક્યાંક દૂર, ખૂબ ઊંડે ખોવાઈ જવાયું.
ભીતરની આ ગુફા તો ‘મેઝ’ જેવી.
ભૂલભૂલામણીના જટિલ જાળાં જેવી!
મૂંઝવણ અને ગૂંચવણ.
મથામણ અને અકળામણ.
એકાએક ધીરી ગતિએ પ્રકાશપુંજ આવતો દેખાયો.
મેલાં પડળો ચોક્ખાં થવાં માંડ્યાં.
દ્વિધાઓ અને દ્વંદ્વો સરવાં લાગ્યાં.
આવરણ સામે દર્પણ દેખાયાં.
ને પેલા પાળેલા લાગતા આકારો
હારી, થાકી, નિસ્તેજ બની,
જાણે ઢળી પડ્યા! વિલીન થવા માંડ્યા!
અરે, ખુદ સ્વયંની જાત પણ જાણે નિર્વિકાર.
ને પછી બસ, રસ્તો મળી ગયો, બહાર નીકળવાનો.
આંખો એમજ ખુલી ગઈ હતી.
દેવિકા ધ્રુવ
હવે…
વ્હેલી સવારે
અહીંની માટીમાંથી
મીઠી સોડમ આવે છે.
આ પવનને પણ
શ્વાસમાં ભરવો ગમે છે.
વસંતમાં લીલાશ ધારણ કરતી
ધરતીને જોવી ગમે છે.
ત્યાં ૩૨
અને
આજે “ગુડ ફ્રાઈડે”.
અહીં ૪૧ વર્ષ થયાં.
હવે
કોઈ ખાસ ફરક જણાતો નથી.
એટલે કે બધે ગમે છે છતાં
હજી
સ્વપ્નાઓ તો પેલાં
ત્યાંની ઝૂંપડીની પોળના,
ભાડાના નાનકડાં ઘરનાં જ આવે છે!
અને તે પણ ગુજરાતીમાં જ..
જન્મદિવસ..
ખરેખર તો એ માનો દિવસ.
કોઈને યાદ નથી હોતી
પોતાના જન્મની એ ક્ષણ..
મને પણ યાદ નથી.
હા, યાદ છે; મારી સમજણ અવસ્થામાં,
મા કહેતીઃ
”ગામમાં ત્યારે તો ડોક્ટર નો’તા.
પડોશમાંથી દાયણ આવી’તી.
ભણેલી નહિ હોં, પણ અનુભવી બહુ.
એણે ઘરમાં જ તને જન્માવી!!”
કેવી હશે એ પળ મા માટે?
કેટલી અને કેવી યાતનાઓ ને
પીડાઓ વચ્ચેથી મા,
બાળકને પોતાની જાતથી અળગી કરીને,
વિશ્વમાં લાવતી હશે?
કેવી હશે એ ક્ષણ?
અંતરના પેટાળથી માંડીને
મસ્તકના આભ સુધી નખશીખ
એણે સર્વસ્વ આપી દીધું હશે.
કેવી હશે એ ઘડી મા માટે?
વેદનાની ખુશી..
આજે મારી સાથે જન્મદિનની ખુશી છે.
એની બિન-હયાતીની વેદના સાથે.