સંગ્રહ

યજ્ઞ

મારી પૂર્વની બારીમાંથી દેખાય છે.

દૂર એક હવનકુંડમાંથી પ્રગટતી આગ.

 કે જ્યોત/જ્વાળાઓનું તેજ.

ધીરે ધીરે એની લાલિમા પથરાય છે.

પછી એક ગોળો ઉપસે છે.

લાલાશ, પીળી બને છે.

અને ક્ષણમાં તો બધું જ અદૃશ્ય!

પળમાત્રમાં બધું જ સફેદાઈ જાય છે.

સુખની જ્યોતનો ઉજાસ ફેલાય છે?

કે જ્વાળાઓ અંચળો ઓઢીને ફરે છે?

કાળના કાંટા હસે છે, ખડખડાટ.

કોણ છે એ?!

એ આવે છે,

ને જાય છે.

ખબર નથી પડતી.

કેવી રીતે અને ક્યાં?

કોણ જાણે?

રેશમી, મુલાયમ, કવચમાં

પોતાને છૂપાવીને

આવે છે,

હવા,પાણીની વ્યવસ્થા કરીને ગોઠવાય છે.

તેજનો એ જરૂર ભંડાર હશે.

એટલેસ્તો, પોતાની આસપાસ

નિસરણી, લપસણી, ઝુલા કંઈ કેટલું બધું

સુંદર બાગ જેવું રચી,

સુસજ્જ કરીને રહે છે.

બારી, બારણાંયે બેનમૂન!

‘ટ્રેશકેન’ની પણ કેવી સગવડ!

એ કોણ છે, શું છે?

આકાર? રંગરૂપ?

નથી ખબર.

માણસ એને બહાર શોધે છે,

પથ્થરોમાં પૂજે છે.

ને એ તો અંદર મોજથી રહે છે!

એ આવે છે,

ને જાય છે.

ખબર પડે છે કોઈને?!

એકલતાનું ટોળું

કેટલું મોટું ટોળું હતું એકલતાનું!

એ અચાનક એકાંતની ગુફામાં ખેંચી ગયું.

ચારે બાજુ ઘોર અંધારુ.

આંખો મીંચી દીધી.

તો બંધ આંખે આ શું જોવા મળ્યું?!

ગુફામાં તો હિંસક પશુઓ જ હોય.

એવા જ આકારો દેખાયા, પણ એ ત્રાટકતા નહોતા!

પાળેલા હોય તેમ જાણે ટગર ટગર જોયાં કરે.

પાસે આવવાનોયે પ્રયાસ કરે

ને એને પાસે આવવા દેવા કે નહિ?

એવી દ્વિધાની વચ્ચે, લાંબા સમય સુધી

 ક્યાંક દૂર, ખૂબ ઊંડે ખોવાઈ જવાયું.

ભીતરની આ ગુફા તો ‘મેઝ’ જેવી.

ભૂલભૂલામણીના જટિલ જાળાં જેવી!

મૂંઝવણ અને ગૂંચવણ.

મથામણ અને અકળામણ.

એકાએક ધીરી ગતિએ પ્રકાશપુંજ આવતો દેખાયો.

મેલાં પડળો ચોક્ખાં થવાં માંડ્યાં.

દ્વિધાઓ અને દ્વંદ્વો સરવાં લાગ્યાં.

આવરણ સામે દર્પણ દેખાયાં.  

ને પેલા પાળેલા લાગતા આકારો

હારી, થાકી, નિસ્તેજ બની,

જાણે ઢળી પડ્યા! વિલીન થવા માંડ્યા!

અરે, ખુદ સ્વયંની જાત પણ જાણે નિર્વિકાર.

ને પછી બસ, રસ્તો મળી ગયો, બહાર નીકળવાનો.

આંખો એમજ ખુલી ગઈ હતી.

દેવિકા ધ્રુવ

હવે…

હવે…

વ્હેલી સવારે

અહીંની માટીમાંથી

મીઠી સોડમ આવે છે.

આ પવનને પણ

શ્વાસમાં ભરવો ગમે છે.

વસંતમાં લીલાશ ધારણ કરતી

ધરતીને જોવી ગમે છે.

ત્યાં ૩૨

અને

આજે “ગુડ ફ્રાઈડે”.

અહીં ૪૧ વર્ષ થયાં.

હવે

કોઈ ખાસ ફરક જણાતો નથી.

એટલે કે બધે ગમે છે છતાં

હજી

સ્વપ્નાઓ તો પેલાં

ત્યાંની ઝૂંપડીની પોળના,

ભાડાના નાનકડાં ઘરનાં જ આવે છે!

અને તે પણ ગુજરાતીમાં જ..

શબ્દાતીત..

ફેબ્રુઆરી મહિનો આવે ને જે ઉભરાય તેને પ્રેમ કહેવાય?
‘વેલેન્ટાઈન ડે’ કહી ગુલાબનો ગુચ્છો કોઈ ધરી જાય તેને પ્રેમ કહેવાય?
ના… એને પ્રેમ ન કહેવાય..

એકાદ દિવસે કેન્ડલ-લાઈટ ડીનર થાય કે
ગુલાબી બોકસમાં ભેટ-સોગાદની આપલે થાય તેને પ્રેમ કહેવાય?
ના..ના..

શું સાથે બેસીને કોઈ રોમેન્ટીક મુવી જોવાય તેને પ્રેમ કહેવાય?
ના…ના.. ના..એને પણ પ્રેમ ન કહેવાય.

આ નહિ, તે નહિ…ન ઈતિ..નેતિ,નેતિ..
તો પછી!!કોને પ્રેમ કહેવાય?

જે હથેળીમાં લઈને જોવાય નહિ પણ, સતત અનુભવાય તેને પ્રેમ કહેવાય.
રાણાએ મોકલેલા ઝેરના પ્યાલાને, અમૃત સમજીને પી શકાય તો તે પ્રેમ કહેવાય.
કોઈને માટે મીઠા બોરને ચૂંટતા, કાંટાના ઉઝરડા હાથમાં દેખાય તો તે પ્રેમ કહેવાય.
ને અગ્નિની દાહક જ્વાળાઓમાંથી,  હેમખેમ આરપાર નીકળી શકાય તો તે પ્રેમ કહેવાય.

પણ એ તો થઈ અલૌકિક પ્રેમની વાતો…પરમ ઈશ્વરની વાતો.

કોઈએ ક્યાં જોયો છે એને? કોઈએ શું સાંભળ્યો છે એને?

એ તો મનની શ્રધ્ધા કહેવાય, એ કંઈ પ્રેમ કહેવાય?

તો પછી આ પ્રેમ ક્યાં છે? માનવીમાં, જીવનમાં, વિશ્વમાં શું પ્રેમ નથી?
ક્યાંક… ક્યાંક… તો જરૂર છે. પણ ક્યાં? ક્યારે? શેને પ્રેમ કહેવાય?
ભૂખથી રડતા ગરીબ બાળકની લાચાર માની આંખમાં આંસુ ઉભરાય,
ને પેટે પાટા બાંધી કોળિયો ખવડાવતી માનું હૈયું ખોલાય તો ત્યાં પ્રેમ દેખાય.
દિવસભરની સખત મજૂરી પછી, રાત્રે શિયાળાની કડકડતી ઠંડીમાં,
ટૂંટિયું વાળીને, રસ્તાની સડક પર ખૂણામાં સૂતેલા મજૂરને,
ગરમ ધાબળો ઓઢાડનાર મધર ટેરેસાના સ્પર્શમાં પ્રેમ અનુભવાય,
સરહદ પર દેશને માટે રુધિર રેડનાર જુવાનની શહીદીમાં પ્રેમ વર્તાય.

પ્રેમને શબ્દોના વસ્ત્રોમાં ન વીંટળાય,એને અક્ષરોના ઓશીકામાં ન બંધાય.
કેવળ શ્રધ્ધા અને શાંતિભર્યા હૂંફાળા મૌનમાં છલકાય તે પ્રેમ કહેવાય.

અને હા, માનવી છીએ ને એટલે જ તો છેલ્લે….
જીવનની ઢળતી સંધ્યાએ જેને માટે ‘તારા વગર નહિ જીવાય’
એવો અહેસાસ થાય તેને જ સાચો પ્રેમ કહેવાય.
અને તે પછી… તે પછી પણ..
માયાના એ આવરણમાંથી ને સગપણના વળગણમાંથી વિરક્ત થઈ,
મુક્તિનો શ્વાસ લેવાય તો તે ચિર શાંતિને પરમ પ્રેમ કહેવાય.

શબ્દાતીત..

ઐતિહાસિક ખેલ..

અછાંદસ રચનાઃ

એકમેકની સાથે
સંગીત-ખુરશીની રમત રમતી ક્ષણો
અચાનક બંધ થતા
શ્વાસના સંગીતથી
બેસી પડે છે.
એક ક્ષણની રમત પૂરી થઈ જાય છે.
ને બીજી ક્ષણ

જીવનખેલમાંથી ખસી જાય છે.
બસ એમ જ નવું વર્ષ ખેલાતું જાય છે
;
ને જૂનું વર્ષ..
ક્ષણાર્ધમાં તો બાદ..

યુગયુગોથી  ચાલતી આ રમત 
વિસ્મય છે અને રહસ્યમય પણ.

કેટલાંયે જોડાય છે, જીતે છે
ને કેટલાંયે વહેલાં
હારી જાય છે.
સ-રસ ચાલતા આ ખેલમાં
૨૦૨૦ની ખુરશી તો પોતે જ બેસી પડી!
ના કોઈ સંગીત,
ના કોઈ  સંગત
કે ના કોઈ રમત.
બસ..એક જ ખેલ..
વિશ્વભરમાં, સમગ્ર પૃથ્વીના  પૂરા ગોળામાં,
એક જ ખેલ.
માત્ર માનવ સામે મહામારીનો.
એક ઐતિહાસિક ખેલ.

વાહ, કુદરત.
સ્વચ્છ અને સ્પષ્ટ ૨૦૨૦.

અલવિદા ૨૦૨૦…

છીપલાં..

અછાંદસ રચનાઃ

છીપલાંઃ

એ રોજ રાત્રે જ આવે છે.

ઊંઘ ઊડાડી મૂકે છે.

પછી લઈ જાય છે દૂર, સુદૂર દરિયાકિનારે.

ને કહેઃ “હવે છીપલાં વીણ”.

હું યે ખેંચાતી જાઉં સમયની રેતમાં ઘણે દૂર.

કેટલાં બધાં છીપલાં?!

હાથમાં લઉં તે બધાં કેવળ 

છાલાં પાડે તેવા છીપલાં, સંઘર્ષના.

ખોલું તો અંદરથી મોતી નીકળે! સમજણના.

 અવનવા રંગોની દ્રષ્ટિના ને ખૂબ ઝીણાં,

નાના નાના લેખન કલાના મોતી.

સહોદરની સાથે બંધાયેલા

બાળપણના.

કેટલાં એકઠાં કરું?

ક્યાં સુધી ભરું ને  ક્યાં ધરું?

 કહી દીધું મેં કે. ફેંકી દઉં છું.

 ને  જેવો હાથ ઊંચો કર્યો ફેંકવાને.

એણે ઝીલી લીધા કલમના કમળમાં.

સઘળાં કવિતાના આગોશમાં !!

મૂલ્ય વિનાનાં પણ કેટલાં અમોલા?

છીપલાં..છીપલાં..

આંખ ખુલી..

અછાંદસઃ

ભર નીંદરમાં જ..

અચાનક જાગી જવાયું.

અજવાળું થવાને હજી વાર હતી.

બહાર  જઈ આકાશ તરફ જોયું.

ઓહ.. સૂરજ તો દેખાતો હતો,

એ મસ્તીથી નિરાંતે ફરતો હતો.

 ને તો યે ચારેબાજુ આ અંધારું?!

અંદરના ઓરડે ગઈ,

ઝીણી વાટને સંકોરી. તે પછી જ…

આંખ ખુલી ને ખરું જાગી.

ભારની હળવાશ….

આકાશમાં ઉડવાની મઝા અને મસ્તી માણતા

મુક્ત પંખીની પાંખ અચાનક …

એક તીરથી વીંધાઈ.

એ છેક જમીન પર પછડાયુંં.

મૂર્છિત થઈને પડ્યું.

એને લાગ્યું એની પાંખ કપાઈ ગઈ,

પીંછે પીંછા વેરવિખેર થઈ ગયાં.

ત્યાં દૂર આભલેથી એક ટીપું પડ્યું,

એ સળવળ્યું. એક બીજું,ત્રીજું,ચોથું..

ધીરે ધીરે ટીપાંઓનો છંટકાવ થતો ગયો.

એણે  આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો.

આજુબાજું જોયું.

બેઠા થવાનો પ્રયત્ન કર્યો;

બધું જ યથાવત હતું, પાંખો પણ!

તો શું એ સ્વપ્ન હતું?!

ના, ના..પણ..  એમ માની  જ લીધું.

ખરી પાંખ તો એની પાસે  જ છે! છે જ.

શબ્દની પાંખ.

દેવિકા રાહુલ ધ્રુવ

નવનિર્માણ..

જગત આખું યે

ગર્ભાયું હતું.

આખરે પ્રસવ થઈને રહ્યો.

સંભવામિ યુગે યુગે?!

દૃશ્ય કેવું ?

બાળક રમે ને સૌ રડે!

સાવ જુદું!

અરે, વળી એ

ક્ષણે ક્ષણમાં ઉછરે ને

કણે કણમાં ફરે !

વિફરે,વકરે ને વિસ્તરે.

બિન્દાસ !

પ્રાર્થનાયે હવે જુદી કે

કોઈ ‘કરો ના’ આવી

સંહારક ક્રીડા,

જે રચે કે સર્જે,

લાશોથી લથબથ

મહા,મહાભારત-શો

નવો ઇતિહાસ.

નવનિર્માણ..