રસદર્શનઃ ૨૮ઃ સપના વિજાપુરા.

ગઝલઃ સ્મરણો લાવશેઃ સપના વિજાપુરા

મંદ મઘમઘતો  પવન તારા જ સ્મરણો લાવશે,
ફૂલની આ ઓસ પ્રિય, તારા જ સ્મરણો લાવશે.

ચાંદની આ રાત, ભીંજાતા તડપતા એ ચકોર,
રૂપથી રૂપેરી નદી, તારા જ સ્મરણો લાવશે.

સાંજ અજવાળા કરે ગુલાબી મજાના એ છતાં,
આભનાં ઓજસ હવે તારા જ સ્મરણો લાવશે.

છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો, પ્રિતમ,
પ્રેમનાં એ ગીત હા, તારા જ સ્મરણો લાવશે.

રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.

જોઉ છું હું રાહ, મારી આંખ પળ ભર જો મળે,
આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.

—સપના વિજાપુરા 

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

મૂળ મહુવાના અને હાલ અમેરિકાસ્થિત સપના વિજાપુરા એક જાણીતાં કવયિત્રી છે. પ્રસ્તૂત ગઝલ દ્વારા તેમણે સ્મરણોની શેરીમાં સ્હેલ કરાવી છે.

સ્મરણોની તો વાત જ ન્યારી. આમ જુઓ તો દરિયાકિનારે વેરાયેલાં છીપલાં જેવાં. તેનું મૂલ્ય કશુંયે નહિ છતાં પણ ખૂબ અમોલાં, મહામોંઘા! સ્મરણો ગમે તે સ્થાન,વસ્તુ કે વ્યક્તિના હોઈ શકે. પ્રથમ શેરમાં અહીં ‘પ્રિય’ શબ્દ દ્વારા સ્પષ્ટતા થઈ જ જાય છે કે આ સ્મરણો તો મીઠાં, મધુરાછે. કારણ કે, એ પ્રિય પાત્રનાં છે, ગમતી વ્યક્તિનાં છે. એને કાર્ય કે કારણો સાથે કાંઈ જ સંબંધ નથી. એ તો બસ આવે છે, એમ જ. તે પણ ક્યાં ક્યાંથી અને કેવી કેવી રીતે આવી શકે છે? કવયિત્રીએ નરી સાહજિકતાથી કુદરતને આમાં જોડી દીધી છે. એ કહે છે કે, શીતળ અને સુગંધિત પવન હોય કે નાજુકડા ફૂલ પરનું ઝાકળનું બિંદુ હોય પણ પ્રકૃત્તિના એ તત્વો પણ તારી જ યાદ લઈને આવશે.

મંદ મઘમઘતો  પવન તારા જ સ્મરણો લાવશે, ફૂલની આ ઓસ પ્રિય, તારા જ સ્મરણો લાવશે.

એટલું જ નહિ, આગળના બે શેરમાં ચાંદની રાત, સાંજના અજવાળાં, નિર્મળ નદીના નીર, તડપતા અને ભીંજાતા ચકોરને પણ નજર સામે ધરી દીધાં છે, એકલતાની ભીડમાં આ કેટલા બધાંને આંખમાં ભરી દીધાં છે! પંખીઓનો કલરવ પણ કેવો? સાથે ગાયેલાં પ્રેમના ગીતોને યાદ કરાવે છે. એ પતંગિયાની જેમ ઊડીને એક ડાળેથી બીજી ડાળે ઊડવા માંડે છે. સાથે સાથે એક ઘટનાની યાદ સાથે જોડાયેલી સ્મૃતિ, બીજી અનેક યાદોને તાજી કરતી જાય છે. સ્મરણોના આવા અંકોડાનું વિસ્મય છેક પેલા ઊર્દૂ શેર સુધી નથી લઈ જતા?!

“યાદે ફલક મેં આજ કોઈ યુઁ આ ગયા હૈ, કિ માહોલ માયુસી કા હર તરફ છા ગયા હૈ l

ચોથા શેર સુધી કોના અને કયા સ્મરણનો આ ભાવ છે તેનો ઘટસ્ફોટ થતો નથી. કવયિત્રીને ઘણું બધું કહેવું છે પણ મોઘમ મોઘમ ઈશારા ચલાવે છે. ખુલીને કે ખીલીને અભિવ્યક્તિ કરવાને બદલે ભાવક પર છોડી દીધું છે એમ લાગે. પણ પાંચમાં શેરમાં ગઝલની નાયિકા દ્વારા યોજાયેલ પ્રિતમ શબ્દ પેલા ઊર્દૂ શેરને પૂરવાર કરે છે. એ  ખુલેઆમ  પ્રિતમની અને પ્રેમના સ્મરણની વાત કરે છે કે,

છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો, પ્રિતમ,
પ્રેમનાં એ ગીત હા, તારા જ સ્મરણો લાવશે.

આ સ્મૃતિઓ સમયથી પરે છે. એને વર્તમાનકાળ સાથે કશી જ નિસ્બત નથી અને ભવિષ્યની તો પરવા જ ક્યાં છે? છતાં ખૂબી તો એ છે કે, સ્મૃતિઓ ભૂતકાળને લઈને વર્તમાનમાં જીવે છે. એ મનમોજી છે. એને જ્યારે આવવું હોય ત્યારે જ અચાનક આવી જાય છે. ઘણી વાર કારણો મળે તો પણ સંતાઈ જાય છે. કદાચ સમૃદ્ધિમાં! અને ક્યારેક વગર કારણે આવી જાય છે અને ખસવાનું નામ પણ નથી લેતી. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. મોટે ભાગે બુદ્ધિને નેવે મૂકી દે છે અને દિલને વળગી જાય છે.

રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.

એક મઝાનું ભીનું ભીનું રોમાંચક દૄશ્ય ઊભું થાય છે. ઉછળતો દરિયો, એનાં મોજાં, કિનારાની રેતી પર બેઠેલ યુગલ, રેતી પર લખાતું એકમેકનું નામ, પંખીઓના કલરવ સમા મધુર સ્નેહના ગીતો, ભરતી પછીની ઓટ, અંતે રેતીની જેમ સરી જતો સમય અને હાથમાં રહી ગયેલાં છીપલાં જેવાં માત્ર ને માત્ર સ્મરણો.. અહીં છૂટા પડ્યાની એક ઊંડી ટીસ સંભળાય છે!

સરળ શબ્દોમાં ઘેરા ભાવો ઉઘડે છે. આંખોમાં દર્દનો દરબાર ભરાયો છે અને એમાં છે સ્મરણોનો રાજ્યાભિષેક! અને તે પછી હજી રાહ છે. કોની? ના…પ્રિતમની નહિ. જે વેરાન થઈ ગઈ છે તે નીંદની. આંખ પળભર મળવાની રાહ છે. હકીકતમાં સૂવાની માનસિક તૈયારી નથી. એને તો થાય છે કે આંખ મળે તો સપના આવે અને સપનામાં તું આવે તો પછી, એ પણ તારા જ સ્મરણો લાવશે. દૂર દૂર સુધીની યાદોના સાગરમાં ડૂબવાની ખ્વાહીશ છે.

જોઉ છું હું રાહ, મારી આંખ પળ ભર જો મળે,
આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.

કવયિત્રીના નામને સાર્થક કરતો ભાવભીનો મક્તા ગઝલને યથાર્થતા બક્ષે છે. આમ જોઈએ તો ગઝલ સાદ્યાંત સ્મરણોને જ વાગોળે છે પણ ખુબી એ છે કે, એ ઝાઝુ કશું કહ્યા વિના ઓછા રૂપકોમાં મનનું દર્પણ અને સ્મરણોનું સમર્પણ ધરી શક્યાં છે. એકાદ સ્થાને થયેલ છંદદોષને બાદ કરતા, ગઝલ આસ્વાદ્ય બની શકી છે. સપના વિજાપુરાને અભિનંદન સાથે અનેક શુભેચ્છા.

—-દેવિકા ધ્રુવ

રસદર્શનઃ ૨૭ઃ જયશ્રી મર્ચન્ટ

૧. ગઝલઃ …કેટલું!…. જયશ્રી મરચંટ

જાળવો, ફૂટતું જાય છે કેટલું!
જોઈ લો, છૂટતું જાય છે કેટલું!

તૂટતો આયનો સાચવો તોય શું?
કોરથી બટકતું જાય છે કેટલું?

કોણ લઈ જાય છે સાથમાં કેટલું?
લોક જો, ઊઠતું જાય છે, કેટલું?

કેટલું નમ્ર છે રૂપ આ આપનું
સૌને એ ખટકતું જાય છે કેટલું?

એક દીવો કરી બેસશો ક્યાં સુધી?
તેલ જો, ખૂટતું જાય છે કેટલું?

આંખ ખોલી જરા જાગ જો કોણ છે?
કોણ આ, લૂંટતું જાય છે કેટલું?

  • જયશ્રી વિનુ મરચંટ

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

સાહિત્ય-જગતમાં ચારેકોર છવાયેલ, અમેરિકાસ્થિત જયશ્રીબહેન મર્ચન્ટની ઓળખ કોઈનાથી અજાણી નથી. ગાલગાના ૪ આવર્તનોમાં રચાયેલ આ ગઝલ ‘કેટલુ!’ના આશ્ચર્ય ચિન્હ સાથે જ વિસ્મય અને રહસ્યનાં અકળ વિશ્વ તરફ તેઓ વાચકને અવશપણે ખેંચી જાય છે.

અદભૂત મત્લાથી કવયિત્રી શરૂ કરે છે,

જાળવો, ફૂટતું જાય છે કેટલું!
જોઈ લો, છૂટતું જાય છે કેટલું!

આહાહા. આ ફૂટવા,છૂટવાની સાથે જ અર્થોના વિવિધરંગી પડદાઓ મનના મંચ પરથી સરવા માંડે છે. ગમે તેટલું જાળવીએ પણ કેટકેટલું જાણે અજાણે ફૂટે છે અને છૂટે છે. અહીં કોઈ ભૌતિક વસ્તુનો સ્થૂળ અર્થ લેશમાત્ર નથી. ક્યાંક ઇચ્છાઓની બરણી ફૂટે છે, ક્યાંક જીવતરના ગોખલે ઝળહળતા દીવા જેવો આખો ને આખો માણસ છૂટે છે; ને આપણે જોતા રહી જઈએ છીએ. કોઈ કશુંયે ક્યાં કરી શકે છે?! એવું તો કેટલું બને છે? એકદમ ઉચિત રદીફથી રસાયેલ મત્લા કાબિલેદાદ છે.

આગળના શેરમાં તૂટવાના ભાવને રજૂ કરતા કવયિત્રી કહે છે કે, અરીસો તૂટે અને સાચવી રાખો તો પણ ધીરે ધીરે, ખબર પણ ન પડે એ રીતે, આયનો કોરેથી રોજ રોજ તૂટતો જાય છે. જીવનનો આયનો કોઈનો જુદો નથી. ગમે તેટલો રોજ જુઓ પણ પોતાનું જ પ્રતિબિંબ બદલાતું જતું ક્યાં દેખાય છે! આયનો તૂટે છે કે આપણે?!!

તૂટતો આયનો સાચવો તોય શું?
કોરથી બટકતું જાય છે કેટલું?
અહીં ‘બટક્તું ‘ શબ્દ ભાવને જાળવતો હોવા છતાં ગઝલના છંદને જરા બટકાવે છે. અન્ય સરળતાથી ઉપલબ્ધ પર્યાયી શબ્દ અપેક્ષિત ખરો.

પ્રથમ બે શેરમાં  ફૂટવા, છૂટવા અને તૂટવાની વાત કર્યા પછી હવે ત્રીજા શેરમાં જુઓ.
ઊઠી જવાનો એક ગંભીર ભાવ પ્રગટ થાય છે. એક પળની એવી વાસ્તવિક્તા છે કે કોઈ કશું ત્યારે લઈ જઈ શક્તું નથી. બસ, એમ જ ‘ચેકઆઉટ’ થઈ જવાનું હોય છે. સમય નિશ્ચિત્ત છે પણ જાણ નથી. ગમે તેટલું ભેગું કર્યું હોય પણ કશું સાથે લઈ જવાતું નથી. “લોક જો  ઊઠતું જાય છે કેટલું?”  સાની મિસરાના આ શબ્દો ‘કોવિદકાળ’ના કપરા સમયમાં પટોપટ ઊઠી જતાં લોકની સ્મૃતિઓને તાજી કરાવે છે. દિલ દ્રવી ઊઠે છે અને આંખ ભીની થઈ જાય છે.

આગળના શેરમાં એક નવો વિચાર આવે છે. થોડો સામાજિક મનોદશાનો સૂર નીકળે છે. ઘણા લોકો સુંદર હોય છે પણ એમાં વિનયી કેટલાં? અને એ વિશે અન્યોને ખૂંચે છે કેટલું? અરે ભાઈ, જે છે તે છે. એને સમભાવે સ્વીકારો ને? આપણે કેવાં છીએ કે કેવાં રહી શકીએ છીએ તે અગત્યનું છે. પ્રકૃતિ તરફ નજર કરો. દરેક ઋતુનો ચૂપચાપ સ્વીકાર, કશોયે નકાર નહિ. નરી સ્વીકૃતિ.

અહીં વળી એક ઑર અર્થ ઉઘડે છે અને તે એ કે, એ સુંદર છે પણ વિનયી પણ કેટલાં બધાં છે? પણ તોયે લોકોને તો એ પણ ખૂંચે છે!!! કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, અવળચંડા માણસોને બધું વાંકુ જ દેખાય. સારામાં પણ ખોટું જ દેખાય. કદાચ એટલે જ કહ્યું હશે ને કે, દૃષ્ટિ તેવી સૃષ્ટિ?!! આ શેરમાં કશીયે શિખામણ નથી. માત્ર માનવીની સાહજિક મનોદશાનો, કવયિત્રીએ એક અછડતો લસરકો કરી છોડી દીધો છે! વાચકને વિચારતાં કરી દીધા છે! કવિકર્મ અહીં કેટલું કલામય જણાય છે?

કેટલું નમ્ર છે રૂપ આ આપનું
સૌને એ ખટકતું જાય છે કેટલું?

આ ચોથા શેરમાં ‘ખટકતું’ને બદલે ‘ખૂંચતું’ શબ્દ વધુ બંધબેસતો લાગત.

અંતિમ બે શેર અદભૂત છે, લાજવાબ બન્યા છે. કેટકેટલું ભર્યું છે એમાં? ઓહ…. એકસામટા કંઈ કેટલા ભાવ/અર્થના એકસામટા દીવડા પ્રગટી ઊઠે છે એમાંથી? સવાલ તો ભાવક કરે છે કે, ‘કેટલું?!!’  કવયિત્રી જયશ્રીબહેન?! કેટલું?

એક દીવો કરી બેસશો ક્યાં સુધી?
તેલ જો, ખૂટતું જાય છે કેટલું?

મરીઝ આવીને સામે ઊભા જ રહી જાય છે કે, “એક તો ઓછી મદીરા છે, ને ગળતું જામ છે.”

ઘડીભર લાગે કે જિંદગી તો ખૂબ જ લાંબી છે; પણ ના…ના.. એવું નથી, એવું નથી જ. પરપોટા જેવી આ પળ… ન જાણ્યું જાનકીનાથે…સવારે શું થવાનું છે? ઊંડા વિચારે ચડી જવાય. ઇચ્છા તો ખૂબ હોય કે ઉંઘમાં જ ઉંઘી જવાય. પણ કવયિત્રી સિફ્તપૂર્વક નજરને ક્યાંક બીજે જ દોરી જાય છે.

આંખ ખોલી જરા જાગ જો કોણ છે?
કોણ આ, લૂંટતું જાય છે કેટલું?

હસતાં સંતના શબ્દો પડઘાય છેઃ “નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો..”
કોણ, કેટલું અને કેવું… આ બધાં સદીઓથી દોહરાતાં સવાલો છે અને એવાં જ હૃદયમાંથી નીસરે છે જેને આત્મસાત થયાં હોય છે. સતત પરમ સાથેનું જોડાણ હોય તો જ અને ત્યારે જ આટલી સુંદર રીતે આવી સંવેદના પ્રગટ થાય.

કવિ શ્રી નરસિંહ મહેતાના અસ્સલ ઝુલણા છંદને મળતો આ ૨૦ માત્રાનો મુત્દારિક છંદ ભાવને અનુરૂપ ઊંચા શિખર પર લઈ જઈ ચિંતનના ઝુલણે ઝુલાવે છે.

કવયિત્રીને  સો સો સલામ અને વંદન.

–અસ્તુ.

દેવિકા ધ્રુવ

પડછાયાના માણસઃ એક અવલોકનઃ દેવિકા ધ્રુવ

પડછાયાના માણસઃ લેખિકાઃ જયશ્રી મર્ચન્ટઃ
અવલોકનઃ દેવિકા ધ્રુવ
Gujarate times US : published on March 10 2023

અમેરિકામાં કેલિફોર્નિયાસ્થિત લેખિકા જયશ્રીબહેન મરચન્ટનું પુસ્તક ‘પડછાયાના માણસ’ ભેટ મળ્યું.

તાજા જ આથમેલા સૂરજના રંગ જેવું મુખપૃષ્ઠ જોતાંની સાથે જ આ નવલકથાનાં પાનાં વંચાવા માંડ્યાં. પ્રતિકૂળ સંજોગોની વચ્ચે પણ સમય ચોરીને, અધીરાઈપૂર્વક એને સંપૂર્ણ વાંચી લીધી.

૨૮ પ્રકરણમાં પથરાયેલ આ પુસ્તકમાં સૌથી પ્રથમ તો, આખી વાર્તાને એકદમ અનુરૂપ મુખપૃષ્ઠનો રંગ, તેની પર લંબાતા જતા પડછાયાનું ધૂંધળું ચિત્ર અને શીર્ષક, કથાવસ્તુને યથાર્થ બનાવે છે. કવિતાથી ઉઘડતી અને કવિતાથી વિરમતી આ નવલકથા એની નાયિકા સુલુ દ્વારા અતીતના આગળા ખોલતાં ખોલતાં આલેખાઈ છે. કાવ્યમય ઉઘડતી વાત પળવારમાં તો કરુણ દૄશ્ય ઊભું કરી દે છે. મુંબઈના ફ્લેટની બાલ્કનીમાંથી સુલુની એકલતામાં સ્મૃતિઓની વણઝાર આરંભાય છે; તે અંતે શિકાગોના એક ‘પાર્કિંગ લૉટ’માં પરિવાર સાથે વિરમે છે. એની વચ્ચે આખું કથાનક રસપ્રદ રીતે વહે છે.

વાર્તા અતિ સંવેદનશીલ છે અને સમજણથી રસાયેલી છે. વાંચતાં વાંચતાં એક ભાવક તરીકે મનમાં ઉપસેલી છાપને ટાંકતા પહેલાં, ટૂંકાણમાં વાર્તાવસ્તુ વિશે જોઈ લઈએ.

મુંબઈમાં રહેતી સુલુ નામે યુવતી નાનપણમાં પિતા ગુમાવ્યા હોઈ પિતાના મિત્રના પરિવારની હૂંફમાં, તેમની નજીકના મકાનમાં મા સાથે મઝાથી રહે છે. સુલુને ઋચા નામે એક સરસ સખી મળેલ છે. ઉગતી યુવાનીના આ સુખદ ચિત્ર પછી અચાનક જ, તેના પાંગરતા પ્રેમ પર વિધાતાની પીંછી ફરી જાય છે. સમજુ મા-દીકરી અને ઋચા સ્નેહથી સાચો ઉકેલ લાવે છે. પછી તો પરણીને અમેરિકા ગયેલ દિલીપના (સુલુનો પ્રેમી) જીવનમાં ઉપરાછાપરી અણધારી ઘટનાઓ બને છે. બંનેના જીવનમાં જુદી જુદી રીતે નવાં પાત્રો ઉમેરાતાં જાય છે. એકપછી એક સંઘર્ષો ઊભા થાય છે. ઘણું બધું ન બનવાનું બને છે. દિલીપના માતપિતા, સુલુની મમ્મી વગેરે એક પછી એક વિદાય લે છે. ડિપ્રેશનમાં ગયેલી દિલીપની પત્ની અચાનક તેને છોડી જાય છે. દિલીપ કેન્સરની બીમારીનો ભોગ થઈ પડતાં બાકી રહેલી જિંદગી સુલુ સાથે ગાળવા માટે મુંબઈ પાછો ફરે છે. યુવાનીના ઉત્તરાર્ધમાં બંને પરણે છે અને ત્રણ જ મહિનામાં દિલીપનો સૂરજ આથમી જાય છે તે પછી તેની પ્રથમ પત્ની ઇન્દીરા દિલીપના જોડિયા દીકરાઓને જન્મ આપે છે. માનસિક અસંતુલન ધરાવતી ઇન્દીરાનાં માતપિતા સુલુની મદદ માંગતા સુલુ ત્યાં પહોંચી જાય છે.

ઇન્દીરા, માનસિક હાલતની ખરાબીને લીધે નર્સિંગ હોમમાં હોવાથી સુલુ, તેનાં અમેરિકન મિત્ર સેમના સંપૂર્ણ સહકારથી જોડિયા બાળકોને દત્તક લે છે. સેમ પણ સુલુને પરણીને બાળકોને પોતાનું નામ આપે છે. બંને નિયમિત રીતે ઇન્દીરાની પણ કાળજી રાખે છે, મોટા થતાં જતાં બાળકોને સિફતથી સાચી વાત કરે છે અને આ પરિવાર દિલીપની છાયાને સાચવે છે અને સુલુ પોતાના પડછાયારૂપ દિલીપને.

આ આખીયે કથાનો મુખ્ય સૂર વિશ્વાસ અને વફાદારી છે; અને તે ખૂબ નાજુકાઈથી આલેખાયો છે. લગભગ ૧૮ થી ૨૦ પાત્રોની સાથે ગૂંથાયેલ આ નવલકથામાં સ્નેહ છે, સંઘર્ષ છે, સમજણ અને સ્વાર્પણ પણ છે. ક્યાંયે મુખ્ય કથાનો કોઈ ખલનાયક નથી તે એનું મોટું જમા પાસું છે. સંવાદો ખૂબ જ ચિત્રાત્મક અને અસરકારક રીતે લખાયાં છે. કેટલુંક અવલોકન નોંધનીય છે. લેખિકાની કવિતા અને કુદરત તરફની પ્રીતિ અવારનવાર ડોકાય છે.  બાળપણના સુંદર અને હૃદયસ્પર્શી ચિત્રાંકન પછી મૂળ વાત “રાત મને નથી ગમતી”ને સાંકળતી કથા અતીતના દોરે જ આગળ વધે છે. મોટાંભાગના પ્રકરણોની શરૂઆત જુદીજુદી, નવીનવી અને રસપ્રદ રીતે ભૂતકાળની સ્મૃતિઓ તરફ ખેંચી જાય છે. પ્રકરણોનાં શીર્ષકો પણ ઉચિત અને આકર્ષક લાગે છે. “કારવાં સાથ ઔર સફર તન્હા..” હોઠોં પે દુઆ રખના..”વગેરે મઝાનાં મૂક્યાં છે. હસતી, કુદતી, રમતિયાળ  અને Full of Life ૠચાના વ્યક્તિત્ત્વને ખૂબ જ આબેહૂબ રીતે વર્ણવ્યું છે. શરૂઆતના પ્રકરણોમાં ગમી જતાં દ્વંદ્વયુક્ત વાક્યો નોંધપાત્ર છે. દા.ત. “હું હજી જીવું છું, શ્વાસ વિના કે શ્વસી રહી છું જીવ્યા વિના?”

  • “ટીસમાં રંગાયેલો વિયોગ હતો કે  વિયોગમાં ઝબોળાયેલી ટીસ હતી?”
  • “એ એક રાતને હું રાસ આવી ગઈ હતી કે પછી એ એક રાત મને રાસ આવી ગઈ હતી?”
  • “આ શબ્દોની હૂંફભરી ભીનાશ અને ભીનાશભરી હૂંફ”..વગેરે.

પ્રકરણ-૬માં દિલીપની સગાઈનો નિર્ણય અને તે દરમ્યાન બંને કુટુંબો વચ્ચે સમજણપૂર્વકની સંબંધોની જે સુગંધ ફેલાય છે તે વાંચતાં હૈયું ગદ્ગદિત થઈ જાય છે. સંકળાયેલા “ત્રણે પાત્રોની ભીની આંખના કારણો જુદાં હતાં” જેવાં વાક્યો વાચકને હચમચાવી દે છે. તો સુલુ અને દિલીપની એક જ અનુભૂતિને વ્યક્ત કરતા અને મનોવેદના સૂચક મૂકસંવાદો “હૃદયનો એક હિસ્સો હું લઈને જાઉં છું” અને “રડવા જેવું હસ્યાં” વગેરે દિલને રડાવી દે છે. તો ૮માં પ્રકરણમાં ‘એને શાંતિથી જવા દે’ વાંચતા વાંચતાં, સુલુ-દિલીપના પ્રેમની મુક્તિનું એ સંધાન, એક કરુણમંગલ આહ નીપજાવે છે.. એ જ રીતે નવલકથાનાં પાછળનાં પાનાંઓમાં “અનરાધાર વરસાદમાં, જનમ આખો છાપરા વિનાનાં ઘરમાં હું રહેતી હોઉં ને અચાનક જ મારા માથા ઉપર એક છત આવી ગઈ હોય!” એવી અનુભૂતિનું બયાન, નવલકથાનું હાર્દરૂપ વાક્ય “ત્રણેયના પડછાયાઓને જોતાં જોતાં મારા પોતાના પડછાયા સાથે ચાલી રહી હતી” એવી ઘેરી સંવેદના તથા છેલ્લી કવિતાના ભાવોની સચ્ચાઈ ઊંડે સુધી પહોંચે છે.

ક્રમિક રીતે નવાં પાત્રો, રવિ, ગુરખાકાકા પાર્વતી, સીતા, ઇન્દીરા શીના, સેમ,વકીલ વગેરે ઉમેરાતાં જાય છે અને દરેકનું વ્યક્તિત્ત્વ,લાગણી વગેરે સુપેરે આલેખાયાં છે. આફતો અને સંઘર્ષો વચ્ચે આ દરેક પાત્રોની એકમેકને પડખે ઊભા રહેવાની તૈયારી,  એકથી વધુ મૈત્રીભાવનાં ઝરણાં અને મુખ્ય બે પાત્રોના અલૌકિક સખાભાવનું બારીક નકશીકામ જેવું લેખન દાદ માંગી લે છે. ઋચાનું પાત્ર કથાના ભારણને સ્નેહપૂર્વક હળવાશ આપતું રહે છે. માત્ર એક જ વખત, બે ત્રણ વાક્યો બોલતા ગુરખાકાકાનું પ્રેમાળ વ્યક્તિત્વ પણ નજર સામે સજીવ બની હૈયું હલાવી દે છે. તો દિલીપના માતા, વાત્સલ્યમૂર્તિ ધાજી અને ‘બુદ્ધની કરુણા’ ધરાવતા, સતત હૂંફાળો ખભો આપતા  દિલીપના પિતા, નામે અદાને શિર નમી જ જાય છે. વર્ષોના માંજાની ફિરકી ફેરવતાં ફેરવતાં સુલુના, એની મમ્મીના, સેમના, દિલીપના માતપિતાના કેટલાંયે સંવાદો હૃદયસ્પર્શી લખાયા છે. તો પ્રેમના રોમેન્ટીક સંવાદો પણ ખૂબ સ્વાભાવિક રીતે ઝીલાયાં છે.

સાથે સાથે તે સમય અને સ્થળની કૌટુંબિક ભાવના, સમાજની સંકુચિત મનોસ્થિતિ, રાજકીય વાતાવરણ અને શોષણની પણ ઝલક ઉપસી આવી છે. એટલું જ નહિ, પૂર્વનાં કે પશ્ચિમનાં દરેક સ્થાનોનું વર્ણન, અમેરિકન સમાજ, રીતભાત, frankness તથા “ શીનાને પ્રુરુષો ગમતાં નથી’ જેવાં ઓછા શબ્દોમાં વધુ કહ્યા વગર ઘણું બધું સમજાઈ જાય તે રીતે કહેવાયું છે. તે ઉપરાંત, બીજી એક વાત ધ્યાન ખેંચે છે કે આ કલમને ઊર્દૂ શબ્દો અને શેર-શાયરી વધુ જચે છે! ખાસ કરીને પ્રકરણોનાં શીર્ષકોમાં, સંવાદોમાં, “સમઝદારીકી બાતેં તુમ કિયા ન કરો, ગાલિબ” જેવા શેરો ટાંકવામાં અને કેટલાંક ‘દકિયાનૂસી’ ‘કુર્નીશ’ જેવા શબ્દોના ઉપયોગમાં!

આ પુસ્તકના અવલોકનમાં ખૂબીઓની સાથે સાથે બીજાં પણ થોડા મુદ્દાઓની નોંધ લેવી રહી.

દા.ત. સુલુ મુંબઈ, શિકાગો કે ન્યૂયોર્ક, જ્યાં જાય છે ત્યાં તેને બધું જ readily available મળે છે. જોબ હોય કે એપાર્ટ્મેન્ટ તરત મળી જ જાય છે, જોબમાં રજા પણ સહેલાઈથી મળે છે, મિત્રો અને ઘરકામની સહાય પણ એ રીતે જ મળે છે. ક્યાંય આર્થિક સંકડામણ કે વ્યવહાર જગતની બીજી કોઈ અથડામણ ભોગવવી પડતી નથી. અલબત્ત, જે કંઈ સંઘર્ષ આવે છે તે સંવેદનાતંત્રને ખળભળાવી નાંખનાર અને અચાનક આવી પડે છે; જેને સુલુ સરસ રીતે સંભાળી શકે છે. એટલે આ હકીકતને, ક્ષતિ ન ગણતાં ‘દૈવનો સુયોગ’ તરીકે ગણાવી શકાય. પાના નંબર ૬૫ અને ૭૧, બંને પર દિલીપના ચોથાની વિધિ આજે પૂરી થઈ તેમ લખાયું છે જે એક હકીકતદોષ જણાય છે. કારણ કે, બંને પાનાં પરની તારીખો અલગ અલગ છે. કદાચ સુલુની Disturbed મનોદશાનું એ પ્રતિબિંબ હશે!

સુલુની મમ્મીનું નામ રેણુ શોધવું પડે છે. મને લાગે છે કે આખી નવલકથામાં માત્ર એકાદ વખત જ આવે છે. કદાચ જરૂર નહીં હોય. ઇન્દીરાનાં માતાપિતાનાં નામો તો ક્યાંયે જણાતાં નથી! ક્યાંક ક્યાંક જોડણી દોષો રહી ગયા દેખાયા તો ક્યાંક કેટલાક શબ્દોમાં સુધારાને અવકાશ જણાયો. દા.ત.હાથની હસ્તરેખા, એક્સેસરી, sign માટે સાઈનસ, તકલીફદેય, કાચરી, બોઝો,વગેરે.ક્યાંક બે-ત્રણ વાક્યરચના શિથિલ પણ જણાઈ છે.

સમાપનમાં, છેલ્લે જરૂર લખવું ગમશે કે, ૧૯૨ પાનાંની આ ભાવકથા, બે ત્રણ આદર્શ પરિવારોના સેવાભાવી પાત્રોની સાથે, તેમની જિંદગીના તડકા-છાંયડાની સાથે કોઈ સરસ ચાલતા ચલચિત્રની જેમ રસ-સભર રીતે ગૂંથાઈ છે. તેનાં પાત્રો અને સંવાદો આપણી આસપાસ ફરતાં દેખાય છે. એટલે નાટ્ય રૂપાંતર, ધારાવાહી સિરિયલ કે મુવી માટે સક્ષમ બની રહે છે.  અવલોકન દરમ્યાન ધ્યાનમાં આવેલા છેલ્લા મુદ્દાઓ તેમાંની અનેક ખૂબીઓની સામે, ચોક્કસપણે ક્ષમ્ય છે જ. અરે, એક સ્ત્રીની કલમે પુરુષોની સંવેદના પણ કેટલી બધી બારીકાઈથી નિરુપાઈ છે!! તે ઉપરાંત, સુલુ, રેણુ, દિલીપ, સેમ,ઋચા,રવિ વગેરેના પાત્રો દ્વારા મળતો નિસ્વાર્થ પ્રેમનો અને સદાના સાચા સાથી તરીકેનો સંદેશ વાચકવર્ગને જરૂર પ્રેરણાદાયી બની રહેશે. સાહિત્યજગત આ પુસ્તકને આવકારશે અને પ્રેમથી પોંખશે એવી મને શ્રદ્ધા છે.

લેખિકા શ્રીમતી જયશ્રીબહેનને ખૂબ ખૂબ અભિનંદન અને એક ભાવક તરીકેના અવલોકન માટે પુસ્તક મોકલવા બદલ આનંદ અને આભાર. તે માટે ખાસ મારા તરફથી બે પંક્તિ સ્નેહાદરપૂર્વક ઉપહારરૂપે!!


અતીતના આગળે અડક્યાં જ્યાં આંગળાં,
       પગરવ તમારા સંભળાયા;
સ્મૃતિનાં દ્વાર જરા ખોલ્યાં ન ખોલ્યાં,
        પડછાયા તમારા પરખાયા;

વધુ સર્જનની શુભેચ્છા સાથે…


અસ્તુ.

૨/૨/૨૦૨૩

સાહિત્યિક સંરસન “Literary Consortium” ફેબ્રુઆરી ૨૦૨૩.

આદરણીય સાહિત્યકાર શ્રી સુમનભાઈ શાહ સંચાલિત અને એકત્ર ફાઉન્ડેશન પ્રકાશિત સાહિત્યિક સંરસન “Literary consortium”ના પ્રથમ અંકમાં પ્રકાશિત મારી બે રચનાઓ અહીં તંત્રી નોંધ સાથે.
આનંદ અને આભાર સહ..

દેવિકા ધ્રુવ

૧. કલમની કરતાલે.. પાના નં. ૨૬
૨. શિશુવયની શેરી.. પાના નં ૨૭

તંત્રી શ્રી સુમનભાઈની નોંધઃ

તાજા કલામને સલામઃ ૧૦ઃ હિમાદ્રી આચાર્ય

  ગઝલઃ હિમાદ્રી આચાર્ય

લગાગાના ૨૦ માત્રાઃ મુત્કારિબ છંદ

નયન  એથી લાગે નિરાળા અમારા
વસે આંખમાં કંઈક સપના તમારા!

પરસ્પર છે હોવાપણુ આપણું આ
તમે ઊંડા સાગર અમે તો કિનારા!

કરી દૂર ખાટું, હું મીઠું જ આપું
છું શબરી તમારી, તમે રામ મારા!

અચળ આપણો યુગયુગોનો છે નાતો
તમે છો ગગન ને અમે ધ્રુવ તારા!

તમે અમને ઊંચાઈ આપી અનેરી
શિખર જાણે પૂજે છે નીચા મિનારા!

*હિમાદ્રી આચાર્ય દવે*

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

સાહિત્ય અને કલાના વાતાવરણમાં ઉછરેલ હિમાદ્રી આચાર્યના પગરણ, સાહિત્ય ક્ષેત્રે આમ તો નવાં છે પણ નોંધનીય છે.

પત્રકાર લેખકની પુત્રીએ અભ્યાસલક્ષી વાંચનને કેવી સુંદર રીતે ઝીલ્યું છે તેનું પ્રતિબિંબ, માત્ર પાંચ જ શેરની નાનકડી ગઝલમાં દેખાઈ આવે છે. ઉપરોક્ત ગઝલમાં હિમાદ્રીબહેને પ્રેમના વિવિધ રંગોનો છંટકાવ કર્યો છે. દેખીતી રીતે યૌવનના પહેલા પહેલા જાગી ઊઠેલા પ્રેમની શરૂઆત કરી, પ્રથમ શેરથી જ ઘેનમાં ડૂબેલ પ્રેમીનાં સપના સેવતી વ્યક્તિનું એક રોમાંટીક ચિત્ર ખડું ખરી દીધું છે. એક પ્રેમી કે જેની આંખમાં એટલાં બધાં અને એવાં એવાં સપના આવતાં રહેતાં હોય છે કે જેને પરિણામે એને સ્વપ્નાઓનું ઉદ્ગમ સ્થાન એવી આંખો સુંદર અને નિરાળી લાગવા માંડે છે.

સપના તો મઝાના હશે જ હશે પણ ગઝલની નાયિકા તો અહીં એમ કહે છે કે, “નયન એથી લાગે નિરાળા અમારાં, વસે આંખમાં કંઈક સપના તમારા!” અહીં જાણીતી ઉક્તિ યાદ આવે જ ઃ

 Beauty Is in The Eye of The Beholder. 

હજી એ નિરાળા સપનાની રંગીન દુનિયામાં ભાવક પ્રવેશે તે પહેલાં તો તરત જ બીજો શેર સાગર અને કિનારાનું રમ્ય છતાં વિરોધાભાસી દૄશ્ય ઉપસાવે છે, એમ કહીને કેઃ

પરસ્પર છે હોવાપણું આપણું આ.
તમે ઊંડા સાગર અમે તો કિનારા! 

અહીં એકસામટા ઘણાં અર્થો  ઊમટે છે. એકમેકથી અલગ હોવા છતાં સ્ત્રી-પુરુષના અવિનાભાવની આ વાત છે? કે તફાવતની ફરિયાદનો સૂર છે? સાગર જેવી, અંદર ઘણું સમાવતી ઊંડી વ્યક્તિની વાત છે? કે પછી ત્રીજા શેરમાં પ્રગટે છે તે, શિવ થકી જીવ હોવાના, એ રીતે પરસ્પરના હોવાપણાંનો ઊંચેરો અર્થ છે?

કરી દૂર ખાટું, હું મીઠું જ આપું.
“ છું શબરી તમારી, તમે રામ મારા!

અહીં સ્વાભાવિક રીતે જ કવયિત્રીએ સ્થૂળથી સુક્ષ્મ પ્રેમનો ભાવ વ્યક્ત કર્યો છે. કંકુ જ્યારે પાણીમાં પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ નથી રાખતું. એ પાણી મટીને કંકુ બની જાય છે. પ્રેમનું સાચું રૂપ એ જ છે અને તર્પણ પણ એ જ હોઈ શકે. મને શું મળે છે તે મહત્ત્વનું નથી. મારે શું આપવું છે તે અગત્યનું છે. ચાખી ચાખીને ખાટાં બોર દૂર કરી રામ માટે મીઠાં જ બોર ધરવાની શબરી જેવી લાગણી એ જ ખરી ભાવના. એમ બને તો જ અને ત્યારે જ કહી શકાય કે, 

અચળ આપણો યુગયુગોનો છે નાતો
તમે છો ગગન ને અમે ધ્રુવ તારા!

 યુગયુગોના તાંતણા કોઈપણની સાથે અનુભવી શકાય,પછી એ વ્યક્તિ હોય કે ઈશ્વર, ગગન હો કે સિતારા, વૃક્ષવેલી, નદી,સાગર, પર્વત, ખીણ- જડચેતન દરેક અવસ્થામાં ‘સ્નેહની કડી સર્વથી વડી’ એ નિર્વિવાદ સત્ય છે. આ શેરમાં ‘નાતો’ શબ્દની સાથે સહેતુક વપરાયેલ ‘અચળ’ વિશેષણ ઈશ્કે હકીકીની લાલિમા પાથરી દે છે. અહીં મને મારો એક શેર યાદ આવે છેઃ 

નથી છતાં તું  છે અહીં, બધે છતાં કહીં નહી. 
ભીતર છે અંશ શિવ તણા, ન જીવ જાણે અંત લગી. 

છેલ્લાં અને પાંચમાં શેરમાં કવયિત્રીએ ગૂઢ વાત કરી છે. જે ઊંચા આસને બેસાડે છે તેના તરફ પૂજનીય ભાવ, તેની કૃપા દૃષ્ટિની અવિરત આરઝુ, ઝંખના. એકતરફ જે જોઈએ તે બધું જ આપણને મળે છે, ક્યાંય કશી પણ ખોટ કે અભાવ ન હોય ત્યારે પણ સતત એક ભાવ જાગતો રહે છે અને તે, એની અમી નજર.

તમે અમને ઊંચાઈ આપી અનેરી
શિખર જાણે પૂજે છે નીચા મિનારા!

સઘળું આપી દઈને કોઈ પૂજનીય ભાવ જગાડે અને અકબંધ રહેવા દે એ કેવી ખૂબી! કેવું બારીક નક્શીકામ?. અહીં પણ ઊંચા શિખર અને નીચા મિનારાનાં વિરોધી પ્રતિકો દ્વારા શ્લેશ અલંકાર જેવો બેવડો અર્થ ઉપસે છે. એક તો પોતાને બધું મળી ગયું છે તેનો અહોભાવ, આપનાર નીચે કે દૂર કેમ તેની મીઠી ફરિયાદ અને આ બંનેની વચ્ચે ભીતરની એક ઝંખના! સતત એનો સાથ અને એની જ પૂજા. વાહ..

મુત્કારિબ છંદના ૨૦ માત્રામાં લખાયેલ આ ગઝલ આશિક-માશુકાના ઇશ્કેમિજાજીથી શરૂ થઈ ઇશ્કેહકીકી તરફ ઢળી વિરમે છે.

સાદ્યંત શુદ્ધ છંદમાં ગૂંથાઈ છે તે પણ એનું જમા પાસું છે.

આ કલમ વધુ ને વધુ વિકસતી રહે અને કાવ્યતત્ત્વથી સભર થતી રહે એવી શુભેચ્છા સાથે આવકાર અને અભિનંદન.

અસ્તુ..  —- દેવિકા ધ્રુવ

*********************************************************************************************************

પોણી સદીની પાળે..

પોણી સદીની પાળે, આ સાગરને મઝધારે, અમે ચઢી ગયાં વિચારે;
જરા ડોલતી નાવની ધારે, જોઈ સામે તે કિનારે, અમે ચઢી ગયાં વિચારે….

પાર કરી છે પોણી ને પા જેટલી બાકી,
આજ લગી આ નૌકા વેગે રાખી હાંકી,
હવે પહેલાં કરતાં, જરા ચાલે હાલમ ડોલમ.
પણ કલમ-હલેસાં નથી ગયાં હજી હાંફી!

સમય આવ્યો, સમજી લેવા આબોહવાને તાલે, એકમેકને ઈશારે,
એક સમી સાંજને ટાણે, આ સાગરને મઝધારે, અમે ચઢી ગયાં વિચારે….

તારું મારું, મારું તારું, કહેતાં કહેતાં ચાલ્યાં,
આગળ-પાછળ, પાછળ-આગળ, કરતાં કરતાં દોડ્યાં,
ખાડા-ટેકરા,તડકા-છાંયા રસ્તાઓ વટાવ્યાં,
ખારાં-તૂરાં, કડવાં-મીઠાં પીણાં સઘળાં ચાખ્યાં.

રહ્યું કશું ના બાકી, લાગે ઝબકી તંદ્રાવસ્થે, પરસ્પરને સહારે,
પોણી સદીની પાળે, જાગ્યાં ત્યાંથી સવારે, અમે ચઢી ગયાં વિચારે….

–દેવિકા ધ્રુવ

૨/૭/૨૦૨૩ ફેબ્રુઆરી ૭,૨૦૨૩

વાસંતી વાયરો..

આ મહા સુદ પાંચમની વસંતપંચમી અમેરિકા માટે તો ખૂબ વહેલી ગણાય. હજી અહીં ટેક્સાસમાં તો કદાચ થોડીયે જણાય. પણ બાકીનાં મોટા ભાગનાં પૂર્વ તરફનાં રાજ્યોમાં તો ઠંડી અને સ્નોનું સામ્રાજ્ય. તેમ છતાં…. સાત પગલાં સાથે માંડવાના શુકનવંતા દિવસે આ ત્રણ અંતરાની એક રચનાઃ
આજે હ્યુસ્ટનમાં વાસંતી લહેર જેવી હવા છે ખરી.

આ વાસંતી વાયરાને હૈયે ઝીલું, ઝીલી ઝીલીને આખું ગગન ઘૂમું.

ગગનની પાર ઘૂમી ભીતર વળું,
ભીતર વળીને પૂરો સમંદર ભરું.
શીતલ શીકરથી હવા ભીની કરું,

સ્નેહભીની લહેર થકી જીવન સીંચું.. આ વાસંતી વાયરાને હૈયે  ઝીલું.

જીવનની મહેકને ચોપાસ વીંટું,
વીંટી વીંટીને, બસ ગુલશન વીંઝુ.

ગરવા આ વીંઝણાને શબ્દે ગૂંથું,
ગૂંથી ગૂંથીને કોઈ સરગમ  રેલું.. આ વાસંતી વાયરાને હૈયે ઝીલું.


સરગમ સંગ ગાનને વ્હેતાં મૂકું,
વહેતાં બે ગીતના ઠમકે ઝૂમું.

ઝૂમતાં, ડોલતાં, મુક્તમન નાચું..
ને દૂર આભે ઊડું, પરમ પ્રેમમાં ડૂબું… આ વાસંતી વાયરાને હૈયે ઝીલું, 

                            …

તાજા કલામને સલામઃ ૯ઃ શિલ્પા શેઠ

ગઝલ : તરસઃ શિલ્પા શેઠ

છંદ રજઝ – ગાગાલગા ગાગાલગા ગાગાલગા ૨૧ માત્રા

તારા વગર તો કોણ છીપાવી શકે?
મારી તરસ તો તું જ સંતોષી શકે!

ડૂમો ગળે બાજેલો છે કેવો છતાં,
શબ્દો જ કેવળ ખુદને ભરમાવી શકે.

એ કેટલી હદથી નડે કોને ખબર?
શું દૂરતા પણ દૂરીઓ લાવી શકે!

ગુંગળાયેલી એ ક્યાં સુધી જીવી શકે?
તરફડતી ઈચ્છાઓ મરણ પામી શકે!

કુદરતના દ્વારા એ થયું કે ખુદબખુદ,
મૃત્યુનું કારણ કોઈ ક્યાં જાણી શકે?

ધગધગતો અગ્નિ હોય અંતરમાં સતત, 
પણ દેહ આખો થોડો એ બાળી શકે?

લાગે જે સહેલું એટલું અઘરું છે એ,
ક્યાં પ્રેમમાં સર્વસ્વ સૌ ત્યાગી શકે?

છે મીણ ઓગળવા હવે જ્યોતિ નીચે,
છે પ્રશ્ન અગ્નિ કોણ ત્યાં ચાપી શકે?

પથ્થરને પૂજાવું હશે, પણ શું કરે?
એક “શિલ્પ”ને તો કોણ કંડારી શકે?

–શિલ્પા શેઠ “શિલ્પ” મુંબઈ

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

મુંબઈના વતની અને લેખન વાંચનના શોખીન શિલ્પા શેઠ સાહિત્યના દરેક સ્વરૂપમાં રસ ધરાવે છે. વિવિધ સહિયારા સર્જનોમાં તેમની લેખિની પ્રગટ થતી રહી છે. પ્રસ્તુત ગઝલ ‘તરસ’ દ્વારા તેમની કલમની ઝલક મળે છે.

મત્લાથી શરૂ થયેલ પ્રશ્નોની શ્રુંખલા મક્તા સુધી આ ગઝલમાં વિસ્તરી છે. તરસ છીપાવવાનો સવાલ કોઈક અધૂરી ઝંખનાને આરે જઈ ઊભો રહે છે. પ્રિયજનની રાહ જોવાય છે પણ અહીં રોમાંસ નથી.  કશોક ગમ છે, ગળે ડૂમો બાઝ્યો છે ને તે પણ શબ્દોથી જ શમી શકે તેમ છે. અહીં કડવા મીઠા કે પછી સમજણના શબ્દો જ સ્વયંને શાંત કરી શકે તેમ છે.

એકબીજાનો વિરહ ક્યારેક મિલન થતાં પ્રેમમાં ઉમેરો કરે તો વળી બહુ લાંબી દૂરતા અંતરાય પણ લાવી શકે. અહીં મોઘમ વાત કરી છે કે,
એ કેટલી હદથી નડે કોને ખબર?

શું દૂરતા પણ દૂરીઓ લાવી શકે!

પરિસ્થિતિનો તાગ પામવાનું વાચક પર છોડી દીધું છે. ‘ એ’ ના એકાક્ષરી શબ્દોમાં કવયિત્રી શેની વાત કરે છે? પ્રિયપાત્રની દૂરતાની, મિલનની ઇચ્છાની કે શબ્દોની? પછીના શેરમાં વળી વાત થોડી છતી થાય છે કે, ઇચ્છાઓનો તરફડાટ એવો હોય છે કે કદાચ એ ગૂંગળાઈને મરણ સુધી પહોંચે!

નિરાશા અને હતાશા માનવીને માટે કેવો વિનાશ નોંતરે છે તેના તો અસંખ્ય દાખલાઓ સમાજમાં જોવા મળતા જ રહેતા હોય છે. પાંચમાં શેરમાં વિષયને વધુ આકાર મળ્યો છે. કશુંક ખૂબ દુઃખદ બન્યું છે,કોઈ દૂર, સુદૂર ચાલ્યું ગયું છે. કદાચ અચાનક જ. કારણની પણ જાણ નથી. તેથી કાવ્યની નાયિકા કહે છે કે,

કુદરતના દ્વારા એ થયું કે ખુદબખુદ,

મૃત્યુનું કારણ કોઈ ક્યાં જાણી શકે?

આ એક મોટો કોયડો છે. વિજ્ઞાને ખૂબ શોધ કરી છે પણ છેલ્લી પળ કોઈનાથી પકડાઈ નથી.

“આખરી પળ પણ એવી અકળ અહીં…પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.”

 એ જેના પણ જીવનમાં જીરવવાની આવે છે તેનું આખુંયે અંતર બળે છે પણ એ ચિતાથી દેહ બળતો નથી. માત્ર જનારની પાછળ વ્યક્તિનું મન સતત બળ્યા કરે છે. છઠ્ઠા શેરમાં એ સવાલ ઘૂંટાય છેઃ

ધગધગતો અગ્નિ હોય અંતરમાં સતત, 
પણ દેહ આખો થોડો એ બાળી શકે?

પ્રેમમાં સર્વસ્વ ત્યાગવાની વાતો તો સૌ કરે છે; પણ જ્યારે  ખરો સમય આવે છે ત્યારે કોઈ કોઈની પાછળ કુદી પડતું નથી કે જનાર પણ એનો સમય આવે છે ત્યારે બસ, એમ જ, પાછળનાનો વિચાર કર્યા વગર જ વિદાય લે છે. ખરેખર તો પ્રશ્નોની આ પરંપરા પરમની સામે છે અને વિસ્મય તો એ વાતનું છે કે,દરેક વ્યક્તિને આ અનુભવ થતો જ રહે છે. એટલે આમ જોઈએ તો આ ગઝલમાં એક સૂફી વિચાર સમાયેલો છે, જે કદાચ લખતી વખતે કવયિત્રીને અભિપ્રેત ન પણ હોઈ શકે! શબ્દોની અને અર્થોની આ જ તો ખૂબી છે કે એ વાચકના ભાવવિશ્વ મુજબ અર્થચ્છાયાઓ ઊભી કરે છે.

છેલ્લા બે શેર પણ મઝાના બન્યા છે. ઓગળવા માટે  તૈયાર મીણ છે, જ્યોત છે, પણ ફરીથી પ્રશ્ન થાય છે કે, હવે કોણ ચાંપશે?! એકાકી મનની આ તે કેવી દર્દભરી દાસ્તાન? પથ્થરને કંડારાવું હશે, પૂજાવું હશે. પણ જે ખુદ શિલ્પ છે જ તેને તો કોણ કંડારે?

પથ્થરને પૂજાવું હશે, પણ શું કરે?
એક “શિલ્પ”ને તો કોણ કંડારી શકે? અહીં  મક્તાના આ શેરમાં બખૂબી તખલ્લુસ ભળી ગયું છે. આમ,

તરસ, વિરહ દૂરતા, મૃત્યુ અને  વિષમતાના ભાવોને શિલ્પાબહેને યથોચિત ઉપસાવ્યા છે.

૨૧ માત્રાના રજઝ છંદમાં, ૯ શેરોમાં ગૂંથાયેલ આ નવી કલમને આવકાર સાથે વધુ સારી ગઝલોના સર્જન માટે શુભેચ્છા.

અસ્તુ

—દેવિકા ધ્રુવ

ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક નં. ૨૪૦નો અહેવાલ.

૨૦૨૩ના નવા વર્ષની પ્રથમ બેઠકનો અહેવાલઃ

 હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની, ૨૪૦ મી બેઠક, ૧૪ જાન્યુઆરી ૨૦૨૩, શનિવારે બપોરે ૨ થી ૪ દરમ્યાન,  સુગરલેન્ડના કૉમ્યુનિટિ હોલ-ઇમ્પીરિઅલ રિક્રિએશન સેન્ટર ખાતે યોજાઈ હતી.

પ્રારંભિક સ્વાગત અને આવકારના ભાવભીના શબ્દો પછી તરત જ પ્રમુખ શ્રીમતી ભારતીબહેન મજમુદારે પ્રાર્થના માટે  શ્રીમતી ભાવનાબહેન દેસાઈને આમંત્રણ પાઠવ્યું. તેમણે  ‘હે શારદે મા, અજ્ઞાનતાસે હમેં તાર દે મા’ ની પ્રાર્થના સુમધુર કંઠે રેલાવી.

સુંદર અને શુભ શરૂઆત પછી નવી સમિતિમાં ઉપપ્રમુખ તરીકે આવેલ શ્રીમતી મીનાબહેન પારેખ અને અન્ય નવા સભ્યોને આવકાર મળ્યો અને તરત જ વક્તવ્યોની શરૂઆત થઈ.

સૌથી પ્રથમ શ્રીમતી પ્રવીણાબહેન કડકિયાએ ઉત્તરાયણની પોતે લખેલી એક સરસ વાર્તા ‘કપાયો છે’ માં રહેલી પતંગ કપાયાની ખુશી!’નો સાર લઘુકથાની જેમ કુશળતાથી રજૂ કર્યો.  શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ પણ આજના વિષયને અનુરૂપ એક સ્વરચિત રચના સરસ રીતે વાંચી સંભળાવી.

‘જિંદગી એક પતંગ અને દોર જેવી, એકમેક વગર બેસહાય અને અધૂરી’ .

ત્યારબાદ શ્રીમતી શૈલાબહેન મુન્શાએ પોતાની કુશળ કલમને એક કવિતા થકી રેલાવી કે “વીતેલાં વર્ષો યાદોનો ખજાનો ભરી જાય, બાકીની પળો જીવનનું ચેન હરી જાય . અને બીજી એક, ખુમારીનું ગૌરવ પ્રગટ કરતી ગઝલ રજૂ કરીઃ
“ભીખ જોઈતી નથી, બસ જીતવું છે. દોડ પાકી, સવલતોથી હારવું છે, હર ડગર જીવન ખુશીથી માણવું છે.”

સભાજનોના આનંદમાં વધારો કરતાં શ્રી નૂરુદ્દીનભાઈ દરેડિયાએ તેમના અસ્સલ હળવા મિજાજમાં સંસ્કૃતિની ગહન વાતો કરી..કબીરના દોહા, બ્રહ્માનંદની વાણી, કવિ શ્રી મકરંદ દવેની સુંદર પંક્તિઓ, શ્રી કાકાસાહેબ કાલેલકરના અર્થસભર શબ્દો, ગાંધીજીના સુવાક્યો વગેરેથી માહોલને રંગી દીધો.

તે પછી દેવિકા ધ્રુવે સંસ્થાની, વેબસાઈટની, પુસ્તકોની, નવા વર્ષની, નવા સભ્યોની વગેરે વાતોનો અછડતો ઉલ્લેખ કરી ‘જિંદગી’ વિષયક  સ્વરચિત કવિતા રજૂ કરી. તેના શબ્દો હતાઃ જિંદગી વેળાવેળાની છાંયડી છે, સંજોગની પાંખે ઊડતી પવનપાવડી છે.’ તેના જ સંદર્ભમાં “કોઈ હજી મને ભણાવે છે’ વિષય આપી સૌને લખવા માટે આમંત્રણ આપ્યું અને એ વિશે સંસ્થાના સભ્યો સાથે એક નવા સહિયારા પ્રોજેક્ટની વાત કરી.

એક નવા સભ્ય શ્રીમતી દક્ષાબહેન બક્ષીએ કવિ શ્રી સુરેશ દલાલના ‘ઝલક’ પુસ્તકમાંનું ‘ઈમર્સન’નું એક પાનું વાંચી સંભળાવ્યું. ત્યારબાદ શ્રીમતી ભાવનાબહેન દેસાઈએ નરસિંહ મહેતાનું એક ભજન, “આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે”; વાદ્યવૃંદના સાથમાં અને ‘સખીની સાખી’ સાથે બુલંદ અવાજે પ્રસ્તુત કર્યુ..સ્વરાંકન તેમનું પોતાનું હતું અને સાખીના શબ્દો દેવિકા ધુવના હતાઃ “પનઘટ વાટે ઈંઢોણી સાથે, નટવર નાચે ગોકુળ ગામ”. સૌએ તાળીઓના ગડગડાટથી ભાવનાબહેનને વધાવ્યા. હવે વારો હતો શ્રી હસમુખભાઈ પટેલનો જેમણે સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની ભેદરેખા દર્શાવી તેને અધ્યાત્મ સાથે સાંકળતા પોતાના વિચારો દર્શાવ્યા. તે પછી શ્રી પ્રકાશભાઈ મજમુદારે આગામી ૨૬મી જાન્યુઆરીને લક્ષમાં રાખી  ‘વતનપેં જો ફિદા હોગા” નું જાણીતું ફિલ્મી ગીત સંગીત સાથે રજૂ કર્યું.

રજૂઆતોનો આ દોર પૂરો થયા પછી પ્રમુખ શ્રીમતી ભારતીબહેને નવા સભ્યોની ઓળખાણ થાય તે હેતુથી સૌ સભાજનોને પોતપોતાના નામો બોલવા માટેની શરૂઆત કરી. તે દરમ્યાન સંસ્થાના આદ્યસ્થાપક શ્રી દીપકભાઈ ભટ્ટે “નેઈમપ્લેટ’નું સૂચન કર્યું જે નવી સમિતિએ અમલમાં મૂકવા માટે સ્વીકાર્યું. બીજાં પણ એક-બે સૂચનો મળ્યાં જેની નોંધ લેવાઈ.

અંતે નિયમ મુજબ સામૂહિક તસ્વીર લેવાઈ અને બટાકાવડાં, ગાંઠિયા, તલસાંકળી વગેરે અલ્પાહાર પછી, મધુર યાદો લઈ સૌ છૂટા પડ્યાં.

 નવા વર્ષની આ બેઠકના આયોજકો, સહાયકો, વક્તાઓ, શ્રોતાઓ અને વાદ્યવૃંદના સભ્યો… સૌને અભિનંદન.

—દેવિકા ધ્રુવ